સરસ્વતીચંદ્ર
ભાગ : ૩
રત્નનગરીનું રાજ્યતંત્ર
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
પ્રકરણ - ૧૨
નવાં પ્રકરણ અને નવાં ઇતિહાસ
પરરાજ્યનો પ્રથમ ધક્કો વાગ્યો તેની અસર મલ્લરાજના સર્વ તંત્રમાં લાગી ગઇ. એના ભાયાતો, તેની સેના, એનો મિત્ર, એનું અંતઃપુર, એનો સ્નેહ : સર્વ સ્થળમાં છિન્નભિન્નતા થઇ ગયા જેવું થયું. પોતાનાં સર્વ સગાંવહાલાં પરાયા થઇ ગયાં જણાયાં. અભિપ્રાયના ભેદને અંતે પ્રીતિમાં ભેદ પડ્યો. અંગ્રેજનો સંબંધ સ્વીકારતાં ક્ષત્રિય બંધુઓ નકામા થઇ ગયા, તેની લાગણી તેમને સ્વાભાવિક રીતે થઇ અને સામંતને કરેલી શિક્ષાથી ભાયાતો અત્યંત તપી ગયા. મલ્લરાજ એકલો પડ્યો. એના કાનનો મિત્રી પ્રધાન સર્વને મન શત્રુ થયો. ‘ખટપટ’ - અંતર્ભેદ-નાં મૂલ ઊંડાં રોપાાયાં. રાજ્યમાં સર્વનો પરસ્પર વિશ્વાસ અચલ હતો. તે સંસારના નિયમોને અનુસરી પાણીના રેલા પેઠે સરી ગયો. પલંગમાં એકલો સૂતો સૂતો મલ્લરાજ આ ચિત્રનું પ્રત્યક્ષ દર્શન અનુભવવા લાગ્યો - તે છેક રાત્રિને પાછલે પ્રહરે નિદ્રાનો પ્રથમ સંચાર અનુભવતા બોલી ઊઠ્યો :
રાજાના મનની ભોમિયણ રાણીએ, આજ્ઞાનો ભંગ ન ગણી બારીમાં છાની દૃષ્ટિ કરી, રાજાને જોઇ લીધો, તેને નિદ્રાવસ્થ જોઇ પોતે પોતાને કૃતકૃત્ય સમજતી ચોકમાં પૃથ્વી પર ગાઢ નિદ્રાને વશ થઇ.
આ પ્રસંગ પછી એક વર્ષ વીતી ગયું. રત્નનગરીની પડોશમાં વીરપુરનો વૃદ્ધ રાણો ગુજરી ગયો અને તેની ગાદી ઉપર તેનો યુવાન પુત્ર ખાચર બેઠો. ખાચરના પિતાને મલ્લરાજ સાથે મિત્રતા હતી, અને ઉભયના સામાન્ય શત્રુઓ સામે ટક્કર ઝીલવામાં રત્નનગરી અને વીરપુરનાં રાજ્ય ભેગાં રહેતાં. આ પ્રસંગોમાં રત્નનગરીના રાજાઓ પોતાનું સંસ્થાન સુસંબદ્ધ સમીપ અને સુઘટિત રાખવામાં અને દૂરના પ્રદેશો ઉપર લોભ ન રાખવામાં સંતોષ માનતા અને પોતાના ભાયાતો તથા ગરાસિયા દૂર દેશમાં પરાક્રમ દર્શાવી જુદા ગરાસ મેળવવા પ્રયત્ન કરે તેમને સાહાય્ય આપતા અને તેમની વૃત્તિઓને બહિર્મુખ કરવામાં સાધનભૂત થતા; ત્યારે વીરપુરના રાજાઓ પોતાના રાજ્યને ભાયાતોની તૃષ્ણાને વશ રહેવા દઇ દૂરના પ્રદેશો ઉપર જાતે ફાળ ભરવામાં આનંદ માનતા. અંગ્રેજી રાજ્યનો હાથ આ તૃષ્ણાનાં સાધનભૂત યુદ્ધોની આડે આવ્યો અને તૃષ્ણા શમી નહીં. ભાયાતોનો ઉન્માદ શત્રુઓનાં શિર ઉપરથી અસ્ત થઇ રાજ્યની ગાદી આગળ ઉદય પામવા લાગ્યો. આ સર્વનું ફળ એ થયું કે પૃથ્વીની તૃષ્ણાથી કૂદી રહેલા યુવાન અને ઉત્કટ ખાચરે આજ સુધી બન્ધુજન પેઠે પહેલાં પાડોશનાં રાજ્યોની પૃથ્વી વગરયુદ્ધે પચાવી પાડવાનો માર્ગ શોધ્યો અને તેમ કરવામાં પોતાને કનડતા ભાયાતોને સાધનભૂત કરી પોતાને ખાવા આવતાં કૂતરાનાં ટોળાં પાડોશીઓ ઉપર છોડ્યાં. વીરપુરના ગરાસિયા લોક પોતાના રાજાને નામે ચારો પાસની જમીન પચાવી પડવા લાગ્યા, અને તેમના તથા તેમના રાજા ખાચર સામે નવા પોલિટિકલ એજંટને ત્યાં આસપાસનાં રાજ્યોમાંથી ફરિયાદો થવા માંડી. પોતે જ સર્વને હેરાન કરતો નથી એવો આભાસ એજન્ટના મનમાં ઉત્પન્ન કરવા તેમ ન્યાય માગવાને નિમિત્તે એજન્ટની મૂર્ખતાનો અથવા ધનવાસનાનો લાભ લઇ એજન્ટના આપેલા ન્યાય દ્ધારા, પારકી પૃથ્વી કમાવા ખાચરે પાડોશીઓ સામા દાવા કરવા કરાવવા માંડ્યા. આ ચેપ બીજાં રાજ્યોમાં પણ પેઠો. રાજાઓમાં શાંતિ રાખવાના અને તેમના પંચનો અધિકાર ધારણ કરવાના અભિલાષી પોલિટિકલ એજન્ટનો અભિલાષ સિદ્ધ થયો અને લડવા પડેલી બિલાડીઓની ભાખરીઓ તેમનાથી વધારે બુદ્ધિમાન અને બળવાન વાનરના કરતો હતો અને ખિન્ન થતો હતો એટલામાં એ કાળચક્રનો ઘોષ એના કાનમાં પણ આવવા લાગ્યો - એના રાજ્ય પર એ ચક્ર ફરતાં લાગ્યાં. પોતાના સ્વરાજ્યમાં પરરાજ્યોમાં લાગેલી આગના ભડકા આકાશમાં દેખાવા લાગ્યા અને તેના તણખા પોતાના છાપરા ઉપર પડવા લાગ્યા. જૂની મિત્રતા ભૂલી જઇ ખારે એક પાસથી રત્નનગરીના રાજ્ય સકાથે સીમાડાની તકરાર ઉઠાવી અને બીજી પાસથી ખાચરના ગરાસિયા રત્નનગરીના રાજ્યની એક પાસની જમીન ખેડાવવા લાગ્યા. એજન્ટે મલ્લરાજ ઉપર પત્ર લખી ખાચરે ઉપાડેલી તકરારનો ઉત્તમ માગ્યો. એક પાસથી આ ઉત્તર માગવાનો અધિકાર મલ્લરાજે સ્વીકાર્યો નહીં અને તે વિષયનું લેખયુદ્ધ ચાલ્યું; અને બીજી પાસથી તેણે જરાશંકરને અને સામંતના ઊગતા પુત્ર મુળુભાાને બોલાવી રાજા-પ્રધાન વચ્ચે સિદ્ધ કરેલી આજ્ઞા આપી.
‘જરાશંકર, રાજાઓના પંચ થનારે પંચનો ઢોંગ માંડ્યો અને મૂર્ખ રાજાઓ એકબીજાનાં ગળાં કાપી પંચના હાથમાં મૂકશે. શસ્ત્રયુદ્ધના યુગમાં પણ ધરતીનો લોભ ન કરનાર રાજાઓ લોભમાં પડી વૈશ્યયુદ્ધ કરે એ કાંઇ બને એવી વાત નથી. શસ્ત્રયુદ્ધના કાળમાં ભાયાતો અને યોદ્ધાઓનો સ્વાર્થ એવો હતો કે રાજાઓ ધરતીના ભૂખ્યા રહે અનૈ ઘડી ઘડી યુદ્ધના પ્રસંગો શોધી એ યોદ્ધાઓની ધરતીની તૃષ્ણા ભાંગે. વૈશ્યયુદ્ધના કાળમાં પ્રધાન સહિત મુત્સદ્દી વર્ગનો એવો સ્વાર્થ છે કે રાજાઓ ધરતીના ભૂખ્યા રહે અને ઘડી ઘડી લેખયુદ્ધના પ્રસંગ શોધી લેખકવર્ગની ભૂખ ભાંગે. જરાશંકર, ભૂતકાળમાં આપણા પુરુષરત્નને જેમ લોભનાં કલંક લાગ્યાં નથી તેમ આ વર્તમાન કાળમાં એ કલંક વગરનાં શુદ્ધ રત્નોનો આપણી પાસે સંગ્રહ છે અને તારો રાજા એ લોભકલંકવાળા ચળકતા પથરાને નિર્ભળ રત્નોને સાટે સંગ્રહતો નથી. ધરતી અને ધન જેવા જડ પદાર્થો કરતાં રત્નનગરીના જનરાજ્યનું બળ મારા વંશને પરાપૂર્વથી પ્રિય રહેલું છે. માટે જરાશંકર, જુવાન ખાચરને લાગેલો ચેપી રોગ આ દેશમાં આવી ન જાય તેને માટે ધરતી અને ધનનો તું ચાહે એટલો ભોગ આપી આ દેશમાં વૈશ્યયુદ્ધની હોળી જાગે નહીં અને આ આજકાલનાં માંકડાંને મારા પંચ-સરપંચનું કામ સોંપવાનો પ્રસંગ કોઇ દિવસ આવે નહીં એવા મહાયજ્ઞનો આરંભ માંડ.
‘તરવાર ચૂકવે તે ન્યાય એ કાળ વહી ગયો ! સ્વપ્ન જેવો થઇ ગયો ! હવે રાજાઓનો ન્યાય તરવાર નહીં ચૂકવે પણ માણસ ચૂકવશે ! જરાશંકર, જ્યાં ! સુધી એ દેહમાં જીવ છે ત્યાં સુધી આ રજપૂત એ કાળને આ દેશમાં નહીં આવવા દે - તું જ કહેતો હતો કે ‘રાજા કાલસા કારણમ્ !’ હું જીવીશ ત્યાં સુધી રાજા મટી મારા રાજછત્રને ધકેલી પાડી તેને સાટે અંગ્રેજનું છત્ર રોપવું પડે - એ છત્રની છાયા છોધવી પડે એમ નહીં કરું.
એ છાયા શોધવાથી રાજત્વ જાય છે કે મારી પાડોશના રાજાઓની સાથે મારો મમત છોડી તેમનું ધાર્યું થવા દેવામાં અને તેમના હાથમાં થોડીક ધરતી - માટી, પથરા અને ઝાડપાલા - જવા દેવાથી રાજત્વ જાય છે ? જરાશંકર, એવી છાયા શોધવાથી જ રાજાઓનું રાજત્વ જાય છે અને જશે ! બીજાોને તેમ કરવું ગમે તો ગમો. પણ યુદ્ધકાળમાં પાછા હઠવા કરતાં વડીલ હસ્તિદંતે મરણને પ્રિય ગણ્યું અને એના જેવા શૂર મહાત્મા પુત્રરત્નના શબની છાતી ઉપર પગ મૂકતાં નાગરાજ જેવા પુત્રવત્સલ પિતાએ આંચકો ખાધો નહીં - તેમ - તેમ - એ મહાત્માઓની છાયામાં ઊછરેલો બાળક વૈશ્યયુદ્ધને અર્થે તેમના શત્રુઓની છાયા સ્વીકારવાનો નથી. જે ધરતી મૂકીને મારા બે વડીલો મારી દૃષ્ટિ આગળથી ગયા તે ધરતીને ત્યજવી એમાં શી વિસાત છે ? અંગ્રેજોની મેં મિત્રતા સ્વીકારી છે - તેમની પાસે ન્યાય માગવો સ્વીકારેલો નથી. તેમની પાસે ન્યાય માગવાને હાથ જોડવા તેના કરતાં નાગરાજે કરેલા યુદ્ધમાં મારી સાથે ઊભા રહેલા રાજાઓનાં આજકાલનાં સંતાનના હાથ ઊંચે રાખી તેમને જે જોઇએ તે આપી દેવું એવો મમત મને અતિપ્રિય છે. માટે જા અને આ મારો મમત રાખ.
‘જરાશંકર, મેં મારું સાધ્ય બતાવ્યું. તેનું સાધન શોધવું એ પ્રધાનબુદ્ધિનું કામ છે - આવી વાતમાં કેવું સાધન વાપરવું, શો ભોગ આપવો, વગેરે વાતનો વિચાર કરવાનો શ્રમ મલ્લરાજ લેતો નથી. આ ધૂળ જેવી તકરારોનું ગમે તે રીતે સમાધાન કરી દે. મારો અને મારા રાજ્યનો સ્વાર્થ કેવી રીતે સાચવવો તે તને આવડે છે. તેમ કરવા જતા તારી ચતુરતામાં ભૂલ આવશે તો તેની ક્ષમા આપતાં પણ મને આવડે છે. માટે જા અને મારા ભણીની પૂર્ણ સત્તાથી, પૂર્ણ વિશ્વાસથી અને પૂર્ણ સાધનથી ધારેલું કામ સિદ્ધ કરી આવ.
‘જોજે. જે રાજા સાથે તકરાર હોય તેની સાથે પણ સમાધાન કરવું મને તકરાર ન હોય તેની સાથે પણ ભવિષ્યમાં આ પથરામાટીની તકરાર ઊભી ન થાય એવા કરાર કરરી દેવા. આપણા રાજ્યની સીમ એવી દૃઢ અને સ્પષ્ટ કરીને બાંધી દે કે નાના બાળકને પણ તે સમજવામાં ભૂલ ન થાય અને લુચ્ચામાં લુચ્ચા માણસને પણ તે હદ ખોટી કરવાનો માર્ગ ન જડે. પરરાજ્યો સાથેનાં સર્વ પ્રકરણને એવા શાંત કરી દે કે આ રાજ્યમાં તેમને પુનર્જન્મ પ્રાપ્ત ન થાય અને તેમ કરવામાં તારી બુદ્ધિમાં જે કાંઇ ધરતીનું કે દ્રવ્યનું નુકસાન તરત વેઠવું પડે તે વેઠી લેવું - પણ મારા રાજ્યની એક પાસે જેવી સમુદ્રે હદ બાંધી છે તેમ બીજી ત્રણ પાસ એવી હદ બાંધજે કે યાવચ્ચંદ્રદિવાકર એ હદમાં કોઇ ચાંચ બોળી શકે નહીં. અને તે જ પ્રમાણે પરરાજ્યો સાથેના જે જે પ્રશ્ન હોય તેનું સમાધાન પણ એમ જ સદાકાળને માટે કરી લેજે. એ કામ થઇ જશે એટલે રત્નનગરીના ભાવી રાજાઓએ પોતાની પ્રજાને અર્થે જે કાળ રોકવો જોઇએ તે કાળ ઓછો કરવા કોઇની શક્તિ ચાલવાની નથી.
પ્રધાનની જોડે આટલી વાત કરી જુવાનીમાં આવવા તૈયાર થતા મુળુભાનો હાથ ઝાલી વૃદ્ધ થતો મલ્લરાજ ઊછળતા આનંદથી બોલવા લાગ્યો :
‘મુળુભા, સામંત જેવો મારા રાજ્યનો સ્તંભ ચે તેમ તેમ મણિરાજના રાજ્યના સ્તંભ થવા યોગ્ય છો. નાગરાજ અને અંગ્રેજના યુદ્ધપ્રસંગે પરરાજ્યોમાં જવુંં પડ્યું હતું ત્યારે સામંતભાનો મારે સાથ હતો અને એમની બુદ્ધિ અને પ્રીતિ મનેં કામ લાગી હતી. મણિરાજ આજ બાળક છે પણ તમારું વય યોગ્ય છે માટે આવા મોટા પ્રસંગોનો અનુભવ આપવા અને રાજાઓમાં પ્રસંગ પાડવા તમને જરાશંકર સાથે મોકલું છું તેનો પૂર્ણ લાભ લેજો, અને વીરપુર જતાં માર્ગમાં તમારા પિતાને પણ સાથે લેઇ લેજો ને તેમની ઓથમાં રહેજો.’
મુળુએ નીચા નમી મહારાજના ચરણ સ્પર્શ્યા અને મલ્લરાજે તેને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો.
મુળુભા બોલ્યા : ‘મહારાજ, મારા રંક પિતા ઉપર આપ ક્ષમા રાખો છો તેનો બદલો હું છોરુથી વાળી શકાય એમ નથી; પણ આપની આજ્ઞા સાથે જે કૃપા રહેલી છે તે બે હું મારા શિર ઉપર ધારું છું અને આપના વિયોગથી દુઃખી મારા પિતાને આ સમાચાર કહી આપના દર્શન જેવો સંતોષ તેમને વાળીશ.
મલ્લરાજ આ ઉત્તરથી તૃપ્ત થયો અને પ્રસંગે જવા દેવો અયોગ્ય ગણી બોલ્યો :
‘જરાશંકર, મુળુભાને લઇ તું સામંતને મળજે અને હવે તું મને પાછો મળે તે પ્રસંગે સામંતને મુળુભાની સાથે લાવજે.’
અથિ હર્ષમાં આવી જરાશંકર બોલ્યો : ‘અવશ્ય, મહારાજ, એ આનંદપ્રસંગ ક્યાંથી ? મહાકાર્યના આરંભમાં આપ મુળુભાનું માગણું સ્વીકારો છો અને સામંતરાજ ઉપર કૃપા કરો છો તે મંગળ શકુન થાય છે અને આપની આજ્ઞા સિદ્ધ થઇ સમજ્જો. સામંતરાજ અને મુળુભા જેવા રત્નોના ધણીને શાની ખોટ પડવાની છે ?’
જરાશંકર અને મુળુ ગયા. મુળુના વંશમાં પિતાનું નામ પુત્રના નામ પહેલાં લખવાનો વહીવટ હતો તેથી મુળુભા સામંતમુળુ અથવા મુળુસામંતના નામથી ઓળખતો. સામંતમુળુના અંતઃકરણમાં નવા યુગનો વા વાયો હતો. પૃથ્વી અને સત્તાનો અત્યંત લોભ, પિતાને થયેલા અપમાનથી ઉદય પામેલો ક્રોધ, તે અપમાનના નિમિતભૂત પ્રધાન ઉપર અને તેના કુટુંબ ઉપર દ્ધેષ અને વૈર, અને રાજ્યમાં કોઇ પણ ઊથલપાથલ કરી જાતે આગળ આવવાની તૃષ્ણા : ઇત્યાદિ ભૂત મુળુના ઊગતા હ્ય્દયમાં રાતદિવસ નૃત્ય કરી રહેતાં; તેમની સાધનભૂત ક્રૂરતા મોસાળપક્ષથી તેનામાં ઊતરી હતી; પિતૃપક્ષથી માત્ર બુદ્ધિ, કલ્પના અને શૌર્ય તેનામાં ઊતર્યા હતાં‘ અને એ સર્વથી ઊઠેલા અભિલાષ મહાપ્રયત્નથી તે હ્ય્દયમાં ગુપ્ત રાખતો હતો. અને પાછો ફર્યો તે સમયે એના બોલવામાં કાંઇ કપટ હોય, એના સ્મિતમાં કોઇ ગુપ્ત કટાર હોય, એના હ્ય્દયમાં કોઇક રાક્ષસ હોય - એવો આભાસ મલ્લરાજના હ્ય્દયમાં વીજળી પેઠે ચમત્કારો કરી શાંત થયો. તેને અકારણ ગણી મલ્લરાજે તેનોે વિચાર ન કર્યો અને પોતે સ્વીકાર્યમાં ભળ્યો.’
‘વિદ્યાચતુરને આ પ્રસંગોમાં સર્વ રાજકીય પુરુષોના પ્રસંગનો લાભ મળશે તો તે વિદ્યાનો લાભ મણિરાજને મળશે અને જરાશંકર પાછ તૈયાર કરવા યોગ્ય વિદ્યાચતુરને ધાર્યો છે તે તૈયાર થશે તોે રાજ્યને પણ લાભ છે.’ - એ સંકલ્પ મનમાં કરી વિદ્યાચતુરને નવાં કામોમાં સાથે લેવા જરાશંકરને રાજાએ આજ્ઞા કરી. જરાશંકરને તો ભાવતું હતું ને વૈદે કહ્યું.
આ મહાન કાર્ય કરવામાં કેટલાંક વર્ષ ગયાં. તે પૂર્ણ થતાં પહેલાં રાજાઓના અને અંગ્રેજ અધિકારીઓના કંઇ કંઇ અનુભવ થયા. ખંડણી વસૂલ કરવા અને પંચનું કામ કરવા નિમાયેલા અધિકારીના રૂપ કાળક્રમે બદલાયાં અને મલ્લરાજનો અભિપ્રાય થયો કે તે અંતે રાજાઓના ગોવાળનું રૂપ ધરશે.
રાજાઓના પંચ નિમાયેલા અધિકારીને માથે ઉપરી સરકારે સરપંચનું કામ કરવા માંડ્યું અને સાધારણ પ્રજાવર્ગનાં માણસો એક ન્યાયધિકારીની પાસેથી સંતોષ ન મળતાં ઉપરી ન્યાયાધિકારી પાસે શુદ્ધતર ન્યાય (અપીલ) માગવા જાય તેમ રાજાઓ એજન્ટ પાસેથી સરકાર પાસે જુવા લાગ્યા અને તેમને માથે ન્યાયાસન સ્થપાયાં. ક્ષત્રિયત્વ ભૂલી રાજાઓ સાથે રાજાઓ વૈશ્યયુદ્ધ કરવાં મંડી ગયા. પંચ પાસે હારતાં સરપંચ પાસે શુદ્ધતર ન્યાયના ભિક્ષુક થવા લાગ્યા, અને તેમની ભિક્ષુકતા વધી તેમ તેમ પંચસરપંચનું ગૌરવ વધવા લાગ્યું. સાક્ષી-પુરાવા ઉપર આધાર રાખતો ન્યાય શોધનાર રાજાઓના ભાગ્ય ક્ષુદ્ર સાક્ષીઓના હાથમાં જતાં રહ્યાં, બે પ્રધાનોની પ્રતિષ્ઠા પંચસરપંચના હાથમાં જવા લાગી, અને પ્રતિષ્ઠાહાનિને ક્રમે રાજત્વ પણ હઠવા લાગ્યું. રાજાઓની આ દશા થઇ તેની સાથે પંચસરપંચનો અધિકાર ક્વચિત્ જાતે વધ્યો તો ક્વચિત્ વધાર્યો વધ્યો, ક્વચિત્ રાજાઓ એ અધિકારની શંકા ઉઠાવવા લાગ્યા, તો ક્વચિત્ એ જ શંકાઓએ અધિકારને, સ્થાણુખનનન્યાયનો પ્રસંગ આપી, સિદ્ધ અને સ્થિર કર્યો. ન્યાયી એજન્ટ હોય ત્યાં હારેલાં ધૂત ફરી રમવાની આસક્તિ રાજાઓને આ અદ્યોગતિ આપવા લાગી તો અન્યાયી એજન્ટો મળતાં અદ્યોગતિના ઉપરાંત દુર્દશા પણ થવા લાગી. ક્વચિત્ તો જાતે અદ્યોગત થયેલા રાજાની દુર્દશા કરી જોનારને તે જોવામાં રસ પણ પડતો. આ વાતનું એક પરરાજ્યમાનું અવલોકન થતાં મલ્લરાજે અદ્ભુત આશ્ચર્યમાં પડી જરાશંકરને કહ્યું :
‘જરાશંકર, જો-જો-આ લુચ્ચા અને પ્રજાઘાતક ઠાકોર યમદૂતની પાસેથી દ્રવ્ય કઢાવતાં અને તેને અનેક અપમાન આપતાં આ દુષ્ટ કર્નલ ફૉક્સસાહેબને કેવો રસ પડે છે તે - અરરર ! શો કાળ આવ્યો ?’
જરાશંકર બોલ્યો : ‘મહારાજ, એક જણે કહેલું છે કે લીંબડાની પાકી લીંબોળીો, તેમાં વળી ચાંચો મારી મારી સ્વાદ લે એવી જીભ, અને એ સ્વાદ લેવાની કળામાં પ્રવીણ નીવડનાર કાકલોક એ સર્વનો યોગ કરવામાં પણ વિદ્યાતાની ચતુરતા છે.’
‘યમદૂત જેવું શિક્ષાપાકત્ર, ફૉક્સ જેવો શિક્ષા કરનાર - એવી જોડ રચવામાં બ્રહ્માની પણ ચતુરતા છે !’
મલ્લરાજે દીર્ઘ નિઃશ્વાસ મૂક્યો, ‘જરાશંકર, એકને લીધે સર્વને મહાન અનર્થ થવાનો ! પોતાના છિદ્રમાં થતો વ્યાધિ નરમ પાડવા યમદૂતે રાજ્યના કેટલા અધિકાર અંગ્રેજને હસ્તગત કર્યા !’
જરાશંકર - ‘મહારાજ ! સર્વ યાદવોના ઉન્માદ અને પ્રમાદને અંતે શ્રીકૃષ્ણના દોષ. પણ આ તો આપણા જ રાજાઓ અને દેશીઓ સારા એજન્ટોને નરસા કરશે ત્યાં નીમનારનો દોષ કાઢવા ક્યાં બેસીશું ? નક્કી, સાહેબોની વાતો થાય છે તેટલી તેમનામાં અદ્યોગતિ નથી, પણ આપણાં જ આ વૈશ્યયુદ્ધ આપણી અને તેમની અધોગતિ આણી મૂકે છે ! દુષ્ટ સ્વામીને સારી સ્ત્રીઓ સુધારે છે તો ગમે તેવા સાહેબોને સુધારવા જેટલી કળા શું રાજાપ્રધાનોમાં નહીં આવે ? જરાશંકર, આ હોળી મહાબળથી લાગી છે અને એની આંચ આપણને ક્યારે લાગી બેસશે તે કહેવાતું નથી. જરાશંકર, બળે એવા લાંકડાને અડકવા લાગેલો અગ્નિ નિરંકુશપણે સર્વને બાળે અને તેમાં એકાદ લાલું ઝાડ પણ બળી જાય તે એ ઝાડના દેશકાળનું બળ ! જરાશંકર, એ કાળ આપણને અડકવા ન પામે એવો એક જ માર્ગ છે તે એ કે આ વ્યાધિને પેસવાનાં છિદ્ર આપણામાં ન પડવા દેવાં અને તે છિદ્ર પડવા કાળ આવે તેના કરતાં ધરતી, દ્રવ્ય, માન અને અંતે આ રાજમુગટ જાય તો તેને પણ જવા દેવાં ! રાજપુત્રોમાં રાજત્વ હશે તો ગયેલાં રાજ્ય મળશે; પણ રાજત્વ ત્યજી રાજ્ય રાખવા જનારનાં રાાજ્ય પણ જશે અને રાજત્વ પણ જશે અને ગયેલું કંઇ પણ પાછું નહીં આવે.’
જરાશંકર - ‘એ જ નિશ્ચય સત્ય છે. રાજા દેશકાળનું કારણ છે એ બુદ્ધિવ્યવસાયમાં આપનો પુરુષાર્થ છે, અને આપના પુરુષપ્રયત્નને તે જ અર્થે પ્રેરો.’
મલ્લરાજ - ‘રાજાઓને રાજાઓ સાથે સાથે કલહ કરાવવો એમાં અંગ્રેજનો સ્વાર્થ છે અને એ અર્થે એમના ખેલ એ ચલાવશે તો એ ખેલ નિષ્ફળ કરવામાં એકલો પડીને પણ મલ્લરાજ બુદ્ધિબળ (શેતરંજ)ના ખેલ રમશે.’ આ વિચારની સાથે મલ્લરાજનું મુખારવિંદ શુદ્ધ આનંદથી ઊભરાવા લાગ્યું. સદ્ગુણ અને સદ્રાજ્યનીતિ જાતે જ આનંદરૂપ છે.
રાજાઓને માથે ન્યાયાસન બંધાયાં, પણ પ્રજાઓને ન્યાય આપવાને શાસ્ત્રીય ધારાઓ હોય છે તેવા ધારા રાજાઓને માટે બાંધવાનો અધિકાર સરકાર માથે લે તો રાજાઓ પોતાના અધિકારને ગયો સમજે એમ હતું. આથી રાજાઓએ ધારા માગ્યા નહીં અને સરકારે કે કોઇએ બાંધ્યા નહીં. આટલા વિષયમાં ‘પંચ બોલે તે પરમેશ્વર’ એટલો જ ધારો રહ્યો અને રાજાોના ન્યાયાધીશનું પંચસ્વરૂપ એ વિષયમાં કાયમ રહ્યું. રાજાઓના અધિકારનું રક્ષણ કરવાનુ આ સાધન તેમને અનેક ઘા ઉપદ્રવકર થઇ પડ્યું. ક્યા ધારાથી ન્યાય કરવો એ પંચની મનોવૃત્તિની વાત રહી. ક્યા કારણથી ન્યાય કર્યો એનું સ્પષ્ટ કારણ દર્શાવવા પંચને માથે બંધન નહીં. અન્ધકારનર્તિત જેવા આ નિર્ણયશોધનમાં રાજાઓની આ દોડાદોડ તેમને અનેક ધા ભમાવવા લાગી. સરકારની સેનાના યોદ્ધાઓ મીલીટ્રિ મેનના હાથમાં આ પંચપણું હોય ત્યારે તેમના ક્ષુદ્ર શિરસ્તેદારોના હાથમાં અધિકારસૂત્ર રહેવા લાગ્યાં તો પંડિત અધિકારીઓના હાથમાં આ પંચપણું આવે ત્યાં સરકાર સુધી ફરે નહીં એવાં પ્રવીણ નિર્ણયપત્ર પરભારાં લખાવા લાગ્યાં અને એ પત્રમાંના પૂર્વપક્ષનો ઉત્તરપક્ષ કરવા જેટલાં સાધનને સ્થાને બેચાર સંક્ષિપ્ત વાક્યોમાં રાજાઓને વિધિનિષેધ થવા લાગ્યા. રાજાઓનાં વૈશ્યવ્યવહારી રાજાઓને વ્યવહારને પરિચિત પણ રાજાઓને અપરિચિત હાડેતુતુ ન્યાય અને અને માનઅપમાન મળવા લાગ્યાં ત્યારે, બહાર દોડતી વૃત્તિઓને પાછી ખેંચી લઇ અંતર્મુખ કરી, યોગી પોતાના નિત્ય અને સત્યસ્વરૂપમાં લીન થાય તેમ આ અધિકારમંથનકાળે રત્નનગરીના ઉદાસીન રાજ્યોગીએ કરવા માંડ્યું. વિદ્યાચતુરે આ વિષયમાં એક દિવસ એવું સમાધાન કર્યું કે ‘આપણા રાજાઓ જ્યારે જાતે ભ્રષ્ટ થાય છે ત્યારે પરદેશીઓ પણ તેવા ભ્રષ્ટ થતા હોય તો મોંઘલાઇ પાછી આવે; પણ આ પરદેશીઓની રાજનીતિના નિયમ તેમના સ્વાર્થ સાચવી અંતે પણ ન્યાય આપવાનું પ્રયોજન રાખે છે અને આપણા રાજાઓને એ ન્યાય મેળવતાં કલેશ પડે છે તેનાં કારણ ત્રણ છે : એક તો એ નિયમો સંપૂર્ણ ગુણવાળા અથવા આપણા વ્યવહારને કેવળ અનુકૂળ નથી. બીજું એ કે એ નિયમો અમલમાં આણનાર અધિકારીઓમાં કંઇક ભાગ અપ્રવીણ અથવા દુષ્ટ લોકોનો છે અને સારાઓની સંખ્યા છે પણ જોઇએ તેથી થોડી છે. અને કરીએ તોપણ બાકીનાં માણસોમાં સદ્ગુણ સાથે નવા યુગની વગચાળી ભરતી ઉપર તરવાની વૃત્તિ પણ નથી અને કળા નથી. પરદેશીઓના સ્વાર્થનો ભાર ઝીલ્યા વિના છૂટકો નથી. પણ આ ત્રણે કારણ દૂર થઇ શકે એવાં છે - જો આપણામાં આપણાપણું હશે તો. મહારાજ ! આપના જેવી અતૃષ્ણા અને ઉદારતા તેમ આપનો સંયમ બધાઓમાં રહેવો શક્ય છે અને પાડોશીોની લાતો ખાવા જેટલી સહનશક્તિ પણ નાનીસૂની વાત નથી - તેવા રાજાઓને તો આ ત્રણ કારણ દૂર કરવા જ માર્ગ શોધવાનો છે તેટલી કળા - તેટલો સંપ - તેમનામાં તરત આવે એમ નથી - કાળે કરીને આવે. જે વિદ્યા મહારાજ મણિરાજને અપાવો છો તે વિદ્યા રાજાઓમાં ઘેરઘેર જશે ત્યારે એ કાળ આવશે. માટે નિરાશ થવાનું કારણ નથી. બાકી મહારાજે સ્વીકારેલો માર્ગ તો આર્ય અને ઉદાત્ત રાજવંશીઓના હાથમાં રામબાણ થઇ પડે એવો છે એની ના કોનાથી કહેેવાય એમ છે ? પણ મહારાજ, રામબાણ છોડનાર રામ તો આખા સત્યયુગમાં એક જ થઇ ગયા.’ મલ્લરાજે આ યુવાનનું ભાષણ શાંત ચિત્તે સાંભળ્યું.
આ અવલોકનમાં બેત્રણ વર્ષ ગયાં નહીં એટલામાં નવું પ્રકરણ જાગ્યું અને અંગ્રેજ સરકારે મોકલેલાં પંચનું નવું સ્વરૂપ પ્રકટાયું. રાજાઓ રાજાઓ વચ્ચે તકરાર થતાં એ સરકારના પંચે નિર્ણય કરવો એ વાત કંઇક સમજાય એવી હતી, પણ રાજાઓ અને તેમની પ્રજાની વચ્ચેની તકરારોનો નિર્ણય કરવાનો અધિકાર આ પંચને આપવાનો વિચાર સરકાર અને રાજાઓના સંધિકાળે સ્પષ્ટ કિવા ગર્ભિત પણ ન હતો, અને એવા અધિકારનું કોઇ રાજાને સ્વપ્ન પણ થયું ન હતું. મૂળ દેશી રાજાઓ ઘણાં વર્ષથી પરસ્પર વિગ્રહમાં પડેલા હતા ત્યારે પણ તેમની પ્રજા કાંઇ સુખી હોવાનું કારણ ન હતું. તે કાળના રાજાઓ બહારના કોઇને તરવારના બળ વિના નમ્યું આપતા નહીં એટલા સ્વતંત્ર હતા ત્યારે એ તરવાર ઉઘાડી રાખવાના નિરંતર પ્રયાસમાં પ્રજાનાં સુખનો વિચાર કરવા તેમને અવકાશ રહેતો નહીં અને યુદ્ધકાળના રાજ્ય-સ્તંભ ક્ષત્રિયો મદોન્મત્ત થઇ પ્રજાને પીડતા તેમના ઉપર અંકુશ રાખી તેમના કોપનું પાત્ર થવા જેટલી હિંમત રાજાઓમાં ન હતી. આ અત્યંત દુઃખને કાળે ‘હાથી હાથી લડે તેમાં ઝાડનો ક્ષય’ એ ન્યાયે પ્રજા ત્રાસમાં રહેતી. પણ દુઃખનોે અતિશય ભાર વેઠવો પડતાં રંક પ્રાણીઓ પણ સામાં થાય છે, ક્રાયરને પણ શૌર્ય આવે છે, અને મૂર્ખને પણ બુદ્ધિ આવે છે તે ન્યાયે પ્રજાપીડનસંતાપથી ધુમાઇ રહેલો હુતાશન ભસ્મમાંથી પ્રગટ થતો અને રંક પણ બુદ્ધશાળી વાણિયાઓનાં મહાજન રાજાઓને સતાવી શકતા અને હડતાલો પાડી તથા બીજાં અનેક સાધનોથી વ્યાપારના આકાશમાં ઊડવાની પાંખો વગરના રજપૂતોને ઊંચાનીચા કરતા, અને રાજાઓના રાજમહેલ પાયાને કંપાવતા. તે જ રીતે ધર્મની સાજી નહીં તો કોહેલી કમળનાળ દ્ધારા સ્ત્રીવર્ગરૂપ સરોવરનું પાણી કિનારે ઊભા ઊભા પીવાની અને તે જ નાળમાં ફૂંફો મારી મારી અને સરોવરના પાણીમાં અને તે જ નાળમાં ફૂંકો મારી મારી એ સરોવરના પાણીમાં વેગ અને પરપોટા પ્રવર્તાવવાની કળાવાળા બ્રાહ્મણો, રજપૂૂતો અને રાજાઓનાં અતંઃપુરમાં ચક્રવાયુ (વંટોળિયા) ઊભા કરી સ્ત્રી અને પુરુષોની આંખો આંધળી-કરી મૂકતા. ઉચ્ચથી તે નીચમાં સર્વ નાતો તથા જાતોમાં દેશાચારે પાડેલી નાતોમાં અને ધંધા અર્થે પડેલી જાતોમાં-તેમ નાની શેરીઓ અને મોટા મહોલ્લાઓમાં, બ્રાહ્મણોની બ્રહ્મપુરીઓ, વાણિયાઓની ધર્મશાળાઓ, પટેલોના ચોતરા, વૃદ્ધોના ઓટલા, સ્ત્રીઓનાં કૂવાતળાવો, કાછિયાઓનાં ચૌટાં, સિપાઇઓનાં ચકલાં, અને હલકી વર્ણોનાં પરાંઓ : એ સર્વ સ્થળોમાં પ્રજાપોકારનો કોલાહલ ઊઠી રહેતો, અને રજપૂતોના અને રાજાઓના કાન બહેરા કરી દઇ, નિદ્રાદેવીનો પાલવ પકડી રાખી, રાજવંશીઓના મહેલોમાં તે દેવીને સંચરવા૪ ન દેતો. આ સામ દામ અને ભેદના સાધનને પણ રાજા વશ થયા નહીં ત્યારે પ્રજાઓ બંડ અને હુલ્લડના વાવટા ઉરાડતી અને પ્રજાપીડક રાજાઓનાં સિંહાસનો ઊભાં ઊભાં ડોલતાં. તે ડોલાવનાર ધરતીકંપતી જગતમાં ત્રાસ વર્ષતો ત્યારે મહાદેવ ચંડી આગળ નૃત્ય કરે તેમ મહારાજાઓ અને તેમના વિકરાળ ગણો અને ભૂતપ્રેતો, ઉગ્ર પ્રજાદેવી આગળ કિંકર જેવા બની, એ ચંડીની કોપજ્વાળા શમે એવી ગતિથી અને એવા સ્વરથી, નૃત્ય અને ગાન કરતા. અંગ્રેજના સામ્રાજ્યને ઉદયકાળે જ રાજાઓને અંગ્રેજે એવું અભયવચન આપ્યું કે તેથી દેશી રાજ્યોમાં પ્રજાદેવી નિર્માલ્ય થઇ ગઇ અને તે કોમળ કુસુમમાળાની નિર્માલ્ય અને પૃથ્વી ઉપર શબવત્ પડી રહેલી પાંખડીઓ ઉપર અને તેને સાંધનારા સૂત્રો ઉપર એ મહારાજાઓ, અને તેમના ગણો અને ભૂતપ્રેતો સ્મશાનની ભસ્મ ઉફર નિરંકુશ અને ક્રૂર નૃત્ય કરી રહેવા લાગ્યા. આ સર્વ વ્યુત્ક્રમ જોનાર કેટલાક પ્રજોદ્ધારના રસિક અંગ્રેજોનાં હ્ય્દય દ્રવ્યાં. રાજાઓની પ્રજારૂપ સિંહણના દાંત અને નખ ઉભય આપણાં અભયવચનથી નષ્ટ થઇ ગયાં અને આ પ્રજાઓના પીડનનું કારણ આપણે થયા છીએ તો એ પીડન દૂર કરવાનો અને એ પ્રજાઓના બળનો ઉદ્ધાર કરવાનો ધર્મ પણ આપણે માથે છે એવું એ અંગ્રેજોના મનમાં આવ્યું. બાકીના સ્વાર્થી અને રાજ્યબળના લોભી અંગ્રેજોના મોટા ભાગને આ દયા આવી ગઇ - એ દયાને નિમિત્તે દેશી રાજાઓનું રાજત્વ હીન કરી પોતાનું રાજત્વ વધારવાનું ફાવશે, એ બુદ્ધિ આ કાર્ય સાધવામાં એકમત થઇ. માત્ર સાધનનો પ્રશ્ન રહ્યો. પાંડવો જેવા મૂઢ રાજાઓનાં દેખતાં દુર્યોધન સરકારની ઇચ્છાથી દુઃશાસન એજન્ટો અનેક ક્ષુદ્ર વરને વરેલી રાજલક્ષ્મીનાં અસંખ્ય ચીર એક પછી એક આવી રીતે અને બીજી અનેક રીતે ઉતારવા લાગ્યા; પાચં પ્રકારની બુદ્ધિના પાંડવો પેઠે અનેક બુદ્ધિવાળા નિઃસત્ત્વ રાજાઓ પોતાની રાજલક્ષ્મીનાં ઊતરતાં ચીરનો ઢગલો પોતાની પાસેના રાજ્યધૂતના ચોપાટ આગળ એકઠો થતો બળતે ચિત્તે જોઇ રહેવા લાગ્યા. ભીષ્મપિતામહ, દ્રોણ, અને વિદુર જેવા નીચું જોઇ રહેલા વૃદ્ધોની ચિત્તવૃત્તિને પ્રત્યક્ષ પ્રતિકૂળ થતો, પોતાની જંઘા થાબડતો, રક્ષણ કરવા અસમર્થ નિઃસત્ત્વ અનેક પતિઓને ત્યજી પોતાની એ એક સમર્થ જંઘા ઉપર બેસવા ચીરહીન થતી રાજાઓની રાજલક્ષ્મીને નેત્ર વડે આજ્ઞા કરતો કરતો
‘દુર્યોધન કહે દુઃશાસનને - કર કર ઉઘાડું એ ગાત્ર !’
પણ પ્રજાપીડકર રાજાઓને વરેલી રાજલક્ષ્મીમાં એટલો જીવ ન હતો કે આ કડીનું અનુસંધાન કરી બોલી શકે કે
‘ધાયે પ્રભુ અનાથનકો નાથ !’
જરાશંકર અને વિદ્યાચતુર સાથે આ નવા યુગની દશા અવલોકતાં અને ચર્ચતાં મલ્લરાજ બોલી ઊઠ્યો : ‘અહા ! એ જ દેશ ! એ જ ઉપદેશ ! પણ કાળ જુદો છે. પાંડવો જેવા પાંચાલીને પાત્ર હતા તેવા આ આપણા રાજાઓ કંઇ રાજલક્ષ્મીને પાત્ર નથી. જરાશંકર ! પુણ્ય ક્ષીણ થતાં પૃથ્વી પર પડતા એક ઇન્દ્રને ત્યજી સ્વર્ગના રાજ્યને પાત્ર થતા નવા સુપાત્ર ઇન્દ્રને માત્ર પુણ્યની જ સહધર્મચારિણી ઇન્દ્રાણી વરે છે તેવી જ રાજાઓની રાજલક્ષ્મી છે ! રાજલક્ષ્મી રાજત્વને વરે છે અને ગુણને આધારે વેલી પેઠે ચઢે છે. પ્રજાપીડક રાજા તે રાજા નથી. રાજત્વહીન રાજાઓને અંગે ઊઠી રહેલો દુર્ગન્ધ નાસિકા આગળ આવતાં જ સુઘડ પદ્મિની રાજલક્ષ્મી ત્રાસે છે અને નાસે છે. અંગ્રેજ તેને યોગ્ય છે તો રાજલક્ષ્મી તેને વરે છે. જે સ્વામી રાજલક્ષ્મીને અયોગ્ય થાય છે તેની પાસે એ ઇન્દ્રાણી રહેતી પણ નથી.નક્કી, આમાં કાંઇ અયોગ્ય હોય એવું લાગવાનું કાંઇ કારણ દેખાતું નથી -સૂક્ષ્મ દૃષ્ટિએથી જોઇએ તો.
ચારેપાસ સળગી રહેલી આગને જોનારાંની પાસે બળવાન કાળપવને એ આગનો ઝપાટો લગાડ્યો. પવનના અચિંત્યા ઝપાટાથી આગના ભડકાની એક ઊંચી શિખા આડી થઇ. મલ્લરાજના રાજગૃહ સાથે ઝપટાઇ, અને રત્નનગરીના સર્વ રાજ્યાધિકારીઓ નિદ્રામાંથી એકદમ ચમકી, જાગી, ઊભા થઇ, સજ્જ થઇ ગાય.
કુમાર મણિરાજ રાજ્યનો પ્રત્યક્ષ વારસ ખરો, પણ તેને અભાવે સામંત વારસ થાય અને તેને અભાવે મુળુભા થાય. આવા વારસોને રાજ્યનું કલ્યાણ ઇચ્છી રાજ્યપ્રસંગોમાં કેળવણી આપવી એવો રત્નનગરીના રાજાઓનો પ્રાચીન કુલાચાર હતો. નાગરાજે સામંતને આવી કેળવણી આપી હતી, અને મલ્લરાજે મુળુને જરાશંકર જોડે મોકલ્યો તેનો પણ એવો જ અભિપ્રાય હતો. પણ પ્રત્યક્ષ વારસોને અપ્રત્યક્ષ વારસો સાથે અતિનિક્ટ સહવાસ રાખવાથી રાજ્યલોભનો વિષદંશ અપ્રત્યક્ષ વારસોના ચિત્તમાં ઉત્પન્ન થવાની ભીતિ, અને પ્રત્યક્ષ વારસોને જીવનની હાનિની ભીતિ, હોવાનું લક્ષ્યમાં રાખી એ બેનો અતિનિક્ટ સહવાસ રાખવામાં આવતો નહીં. છતાં તે બેના પરસ્પર સ્નેહ ઉફર રાજ્યનો આધાર ગણી તેમને અત્યંત દૂર પણ રાખવા દેવામાં આવતા નહીં, અર્થાત, તેમનો પ્રસંગે પ્રસંગે નિર્ભિય દેશકાળે સહવાસ વધારવામાં આવતો. સામંતનું ચિત્ત નિર્મલ હોવાથી એના ભણીથી કોઇ જાતનું ભય મલ્લરાજને થયું ન હતું. પણ મુળુભાનો સ્વભાવ જાતે અસંતૃષ્ટ હતો તેમાં પિતાના તિરસ્કારનું કારણ મળ્યું ત્યાર પછી તેના ચિત્તમાં કોઇક જાતની અતકર્ય ચંચળતા ઉત્પન્ન થઇ ને મલ્લરાજ સામે તેનામાં સ્વભાવબદ્ધ વૈર રોપાયું. મલ્લરાજ તેને જે જે આદર બતાવે તેના અર્થ તે અવળા જ કરવા લાગ્યો અને રાજા મારાથી ડરે છે અને મને શાંત રાખવા આદર દર્શાવે છે એવું એ કલ્પવા લાગ્યો. મણિરાજનો સહવાસ થતાં એ ધીર અને શાંત બાળકને નિર્માલ્ય, નિસ્તેજ અને બુદ્ધિહીન ગણવા લાગ્યો અને એવો કુમાર રાજ્ય ભોગવશે જાણી રાજ્યની દયા આણવા લાગ્યો. આવો કુમાર રાજા થશે ત્યારે પ્રધાનો ફાટી જશે અને વિદ્યાચતુર કર્તાહર્તા થશે એ પણ તેના મનમાં સિદ્ધ થયું. યુવાન મુળુનું ચિત્ત દિવસે દિવસે આવા નિશ્ચયો કરી ઉદ્રિકત થયું; પણ પોતાના ઘરમાં પોતાના પિતાની રાજભક્તિ સમક્ષ એ ચિત્તમાંથી વરાળ સરખી કાઢવા જેટલી ધૃષ્ટતા એનામાં આવી શકતી ન હતી. માત્ર માતા પાસે ક્વચિત્ ધ્વનિ કાઢતો અને અનુકૂળ પ્રતિધ્વનિ સાંભળતો. એક દિવસ બીતો બીતો પિતા પાસે પ્રસંગ જોઇ રાજા સામું કંઇક કટાક્ષનું વચન તે બોલી ગયો; પણ તે વચન નીકળતાં જ સૂતેલા સ્વામી ઉપર બંદૂક કટાક્ષનું વચન તે બોલી ગયો; પણ તે વચન નીકળતાં જ સૂતેલા સ્વામી ઉપર બંદૂક તકાતી જોઇ તાકનાર ઉપર બુદ્ધિમાન પતિભક્ત વિકરાળ કૂતરો ઊછળી પડે તેમ સામંતે મુળુને કર્યું, અને તે દિવસથી મુળુના ઉત્સાહ ભગ્ન થઇ ગયા અને તે નિરાશ કહેવા લાગ્યો. જરાશંકર સાથે રજવાડાંઓમાં ફરવાના પ્રસંગ મળતાં મુળુએ ખાચર સાથે મિત્રતા કરી અને ઘરમાં ભગ્ન થયેલી આશા ઘર બહાર સાધવા માંડી. ખાચર સાથે પત્રવ્યવહાર અને પ્રીતિ વધાર્યા, રત્નનગરીના ગુપ્ત રાજમંત્ર ફૂટવા લાગ્યા, અને રત્નનગરીમાંથી જ ખાચરના મનોરથ સિદ્ધ થવાનાં સાધન મળવા લાગ્યાં. સરકારના એજન્ટ કર્નલ ફ ૉક્સ ઉપર રાજ્યવિરુદ્ધ નનામા કાગળો જવા લાગ્યા. રાજાઓ સાથે સર્વ તકરારો હોલવવાના ઉપાય અંગ્રેજ ઉપરના તિરસ્કારનું કાર્ય છે અને મલ્લરાજ અંગ્રેજથી પરોક્ષ રીતે રાજાઓ સાથ સંધિ કરવા પ્રયત્ન કરે છે એવો પત્ર ફૉક્સસાહેબને પહોંચ્યો. રાજાઓ ચારચક્ષુ છે. મલ્લરાજને આ સર્વ વાત વિદિત થતાં વિલંબ થયો નહીં. પણ તેણે ઘૈર્ય તથા શાન્તિ રાખી દીઠેલું ન દીઠું કર્યું, જાણેલું ન જાણ્યું કર્યું, અને સર્વ વાતમાં માત્ર સાક્ષિદશા ધારી. મુળુ અને ફૉક્સ એમ જાણતા હતા કે એ વાત કોઇ જાણતું નથી. સર્વ રાજાઓ સાથે ધારેલા સંધિ સંપૂર્ણ થયા ત્યારે ખાચર સાથે સંધિ કરવામાં જરાશંકર તથા સામંત ફાવ્યા નહીં. ફૉક્સસાહેબ ભણીથી મલ્લરાજ, ઉપર પત્ર ઉપર પત્ર આવવા લાગ્યા અને જરાશંકરે દીધેલા સર્વ ઉત્તર નિરર્થક ગયા. ફૉક્સસાહેબે મલ્લરાજ અને ખાચર વચ્ચે નિર્ણય કરવાની ત્વરા કરવા માંડી. જરાશંકરને મુળુનાં કારસ્તાનના સમાચાર રાજાએ કહ્યા ન હતા તેથી જરાશંકરને સામંતના ઉપર વહેમ ગયો કે એ મને આમાં ફાવવા દેતો નથી. સામંત તે સમજતો, પણ મોઢે લાવતો ન હતો. કાળક્રમે ફૉક્સસાહેબ, ખાચર અને મુળુ એક થયા. તેમની વચ્ચે ખોટે નામે અને ગૂઢાક્ષરમાં પત્રવ્યવહાર ચાલવા લાગ્યો. એક દિવસ મુળુ ઉપર ફૉક્સસાહેબના નામનો દેખાતો પત્ર સામંતના હાથમાં આવ્યો અને પોતાને માથે રહેલા આરોપ દૂર કરવાનું સાધન ગણી સામંતે આ પત્ર મલ્લરાજના હાથમાં મૂક્યો. આ પત્રમાં મુળુને લખેલુંત હતું કે મલ્લરાજ રાણીસરકારનો શત્રુ છે અને તે શત્રુતાના પ્રયોજનથી ખાચર સાથે ગુપ્ત સંધિ સાધવા પ્રયત્ન કરે છે, અને તે વિષે મુળુએ સરકારમાં પુરાવો કરવો પડશે. આ પત્ર મલ્લરાજના હાથમાં મૂકતાં સામંતના નેત્રમાંથી અશ્રુધારા ચાલી અને તે બોલ્યો :
‘મહારાજ, મારા કુળમાં અંગાર ઊઠ્યો છે તે એક ક્ષણ પણ જીવવા યોગ્ય નથી. જમે તો એના વધની આપ કોઇને આજ્ઞા કરો અને તેમ કરવામાં આપ આંચકો ખાતા હો તો મને આજ્ઞા કરો એટલે એ દુષ્ટનું માથું લાવી આપના ચરણ પાસે મૂકું. રત્નનગરીમાં આવો ફુલાંગાર સાંભળ્યો કે દીઠો નથી.’
સામંતની આંખ દુઃખ અને ક્રોધથી રાતી થઇ ગઇ અને તેનું વૃદ્ધ થતું શરીર કંપવા લાગ્યું.
જરાશંકર બોલ્યો : ‘મહારાજ, સામંતભાએ આજ અત્યંત રાજભક્તિનું દૃષ્ટાંત બતાવી રાખ્યું છે તેના બદલામાં એમની વૃદ્ધાવસ્થામાં એમને આ શિક્ષા કરવી ઘટતી નથી. વળી મુળુભા ઉપર આ પત્ર આવ્યો એટલા ઉપરથી એ પત્રના લેખ વિષે તેને માથે આરોપ મૂકવો યોગ્ય નથી.’
મલ્લરાજ સ્મિત કરતો કરતો બોલ્યો : ‘જરાશંકર, વિદ્યાચતુરે પેલો શ્લોક કહ્યો હતો તે બોલ અને સામંતને સમજાવ.’
જરાશંકર બોલવા લાગ્યો :
‘સામંતભા, આ શ્લોકમાં એક સમર્થ પુરુષ કહે છે કે આકાશ ને પૃથ્વી ભળે છે ત્યાં આગળ મદ ધરનાર મોટા ઉન્મત્ત હાથીઓ ગાજી રહ્યા છે, આણી પાસ હાથણો ઊભી છે પણ તે સ્ત્રીજાતિ હોવાથી દયાને પાત્ર છે - તેની સાથે યુદ્ધ યોગ્ય નથી. અને છેક પાસે મૃગલાં ઊભાં છે તે કાંઇ સમાનશીલ નથી, તો વનરાજ સિંહ એમાંથી પોતાનાં તીવ્ર નખનું પાણ્ડિત્ય કોના ઉપર બતાવે ? આ કહું છું એ શ્લોકનો સાર છે :
‘આ અન્યોક્તિ મારી પાસે શા વાસ્તે કહેવડાવી તે તો કહેવડાવનાર મહારાજ જાણે. બાકી સામંતભા, પુત્રનું બલિદાન આપવા સજ્જ થઇ આપે બતાવેલી રાજભક્તિ આગળ અમે તો ક્ષુદ્ર જન્તુ છીએ અને છોકરવાદીનું વય જતાં મુળુભા પણ આપના જેવા રાજ્યસ્તંભ થાઓ એવો બ્રાહ્મણનો આશીર્વાદ છે. જરાશંકર જેવાં કંઇક આવશે જશે પણ સામંતરાજ જેવા રાજભક્ત સિંહ તો એના જ વંશમાં થશે.’
સામંતે જરાશંકરનું વચન સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને મલરાજ સામે દૃષ્ટિ સ્થિર કરી રાખી. થોડીવાર કોઇ બોલ્યું નહીં. અન્તે થાકીને સામંત બોલ્યો :
‘મહારાજ, હું કાઇ મારી સ્તુતિ સાંભળવા આવ્યો નથી. મેં કરેલી વિજ્ઞપ્તિનો ઉત્તર આપો.’
મલ્લરાજ - ‘આ શ્લોકમાં ઉત્તર જ છે.’
સામંત - ‘હું શ્લોક સમજતો નથી - મને ઉત્તર આપો.’
મલ્લરાજ - ‘શ્લોક સમજે તો ઉત્તર આપું.’
સામંત - ‘જો આપની આજ્ઞા જ હોય કે મારે શ્લોક પ્રથમ સમજવો અને પછી ઉત્તર માગવો તો તે આપનો અધિકાર છે.’
મલ્લરાજ - (હસીને) ‘પણ ‘સમજાવો’ એમ તું સ્પષ્ટ માગનાર નહીં. ભલે. આજ્ઞા ગણીને સમજ. હવેના યુગમાં રાજાઓની પાસે રંક મૃગલાં જેવી તેમની પ્રજા પડી છે તેને કચરી નાંખવી હોય તો નબળા સ્વામીને સ્ત્રી ઉપર શૂરા થવાનું છે. એથી છેટે આ સ્ત્રીજાતિ જેવા બીજા રાજાઓ પડોશમાં હાથણોનાં ટોળાં પેઠે ભમે છે તે સ્ત્રીઓની મૃગયા તે શૂરમૃગયા નથી. પણ છેક છેટે એ હાથણોના સ્વામી મદોન્મત્ત હાથી જેવા અંગ્રેજ લોક ગર્જના કરી રહ્યા છે તેમના સામે પોતાના નમનું પાણ્ડિયત્ય બતાવવું હોય તો રત્નનગરીના રાજાઓમાં હતું તે નાગરાજ મહારાજે બતાવી દીધું છે; અને હવે સિંહ અને હાથીની મિત્રતાના કાળમાં માત્ર મૈત્રીપાણ્ડિત્યને જ અવકાશ છે. હવે તો નબળો સ્વામી સ્ત્રી ઉપર શૂરત્વ દેખાડે તેવું શૂરત્વ ધરી, મૃગ જેવી પ્રજાના પતિ એટલે પાલન કરનારનું કામ મૂકી દઇ તે પ્રજાને જ પંજો દેખાડવો એ તો બાયલાઓનું કામ છે તે તું મને બતાવે છે. કહે, ઉત્તર મળ્યો ?’
સામંત સ્તબ્ધ થઇ થોડી વાર બોલ્યા વગર જોઇ જ રહ્યો. અંતે બોલ્યો : ‘પ્રજાનું રક્ષણ કરવું પડે માટે સું તેને આપણે માથે પણ ચડવા દેવી એવું શાસ્ત્ર છે ? મહારાજ, એવાં શાસ્ત્રો કાઢશો તો ગાદી છોડી કાલ સવારે સંન્યાસી થયું પડશે.’
મલ્લરાજ હસ્યો : ‘તે પ્રજાના કલ્યાણ વાસ્તે ક્ષત્રિય રાજા સંન્યાસી થાય તો તેમાં શું અયોગ્ય છે ?’
‘મહારાજ, ક્ષમા કરો, આમાં પ્રજાનું કલ્યાણ આવી ગયું હોય એમ હું દેખતો નથી. બાકી આપની ઉદારતા તો ખરી. પણ ઘણી વખત ઉદારતા એ માત્ર લોકમાં પ્રિય થવાનું મૂર્ખાઇ ભરેલું સાધન છે, અને એ ઉદારતા બતાવી લોકોને લડાક બનાવી મૂકશો તો જેનું કલ્યાણ ઇચ્છો છો તેને જ બેસવાની ડાળ કાપવાનું શીખવાશે.’
મલ્લરાજ - ‘સામંત, તું ભૂલી જાય છે કે મુળુભા મલ્લરાજની પ્રજા જ છે એમ નથી પણ મણિરાજ જેવો મારો પુત્ર છે એવો મુળુ પણ છે.’
સામંત - ‘જો એમ હોય તો સામંતને શિક્ષા કરી તેથી સોગણી મુળુને કરવી જોઇએ. પણ આપ એને પારકો ગણો છો માટે જ શિક્ષા કરતા
નથી.’
મલ્લરાજ - ‘જે પિતા પુત્રને એટલો દૂર કરે છે કે તે ફરી સમીપ થવાનું નહીં તે પિતા પુત્રને અપુત્ર કરે છે.’
સામંત - ‘મહારાજ, હું હાર્યો. તો એવી શિક્ષા કરો કે પુત્ર અપુત્ર થવાનું ભૂલી જાય.’
મલ્લરાજ - ‘હવે બોલ્યો તે ક્રોધ ત્યજી સાત્ત્વિક વૃત્તિની વાત કરી. રાજાઓએ રાગદ્ધેષનો ઉપદેશ સાંભળવો પણ નહીં અને કરવો પણ નહીં. હવે તને સાત્ત્વિક વૃત્તિ થઇ તો મારી સાથે ચર્ચા કરવાને તું અધિકારી થયો, તો સંભાળ. ન્યાય જોવો એ રાજાપ્રધાન સંબંધમાં રાજાઓનું એક કર્તવ્ય છે. પણ ન્યાય કરતાં રાજનીતિ મોટી છે, ન્યાય એ રાજનીતિનું એક શસ્ત્ર છે - અને પ્રજાવર્ગ પરસ્પર વિરોધ ન કરે એ શસ્ત્ર નિરંતર સજ્જ રાખવાનું છે. પણ રાજાપ્રજા વચ્ચે વિરોધ થાય ત્યારે એ શસ્ત્ર ક્વચિત્ વપરાય છે, પણ ઘણુંખરું એ શસ્ત્ર એ પ્રસંગે યોગ્ય નથી. રાજાપ્રજાનો સંબંધ ક્વચિત્ સ્ત્રીપુરુષના જેવોે હોય છે - તે કાળે જે માર્ગથી તેમનાં ઐક્ય અને પ્રેમ વધે એવાં શસ્ત્ર યોગ્ય છે. ક્વચિત્ એ સંબંધ પિતાપુત્ર જેવો છે - તે કાળે બાળકનો પિતા પ્રતિ વિશ્વાસ વધે અને પિતા ભણીથી દંડનું ભય સરી ન જાય, અને એ બાળકનાં કલ્યાણ અને વૃદ્ધિસમુદ્રિની વાડીમાં રાજાએ માળીનું કામ કરવાનું તે કરવામાં રાજાની શક્તિ ઘટે નહીં. પણ વધે એવા માર્ગ એ પણ રાજનીતિમાં રામબાણ જેવાં અસ્ત્ર છે. આ અને બીજાં અનેક શસ્ત્રાસ્ત્રમાંથી કયું વાપરવાનો દેશકાળ છે એ વિચાર ન કરતાં જે રાજા માત્ર એકાદ શસ્ત્રને રાગદ્ધેષથી જ પકડે છે કે ત્યજે છે તે રાજા કુપથ્યનું સેવન કરે છે અને કરાવે છે અને કેવળ નરકનો અધિકારી થાય છે. સામંત, મુળુ બુદ્ધિમાન છે; તે એક પ્રસંગે ભૂલ કરી બેઠો માટે હંમેશ કરશે એવું ધારવાનું છોડી દઇ ફરી આ ભૂલને માર્ગે ન ચડે એવું તો બસ છે. અંગ્રેજે અને ખાચરે દેખાડેલી મૂઠીમાં સાકર નથી પણ ઝેર છે, માટે એમ મૂઠી એની પાસે ઉઘાડવાને પ્રવૃત્ત થયેલાઓ મુળુને મૂર્ખ સમજી એની પાસે મૂઠી ઉઘાડે તે પ્રસંગે ઉઘાડવા દઇ તેમાનું ઝેર ઝૂંટાવી લઇ સાકરને ઠેકાણે જાતે ખાય નહીં એટલી કળા મુળુને આવડે તો ઓછી વાત નથી.’
સામંત - ‘મહારાજ, આ બધું ગોળ ગોળ અત્યારે સ્પષ્ટ સમજું એમ નથી, માટે મને સ્પષ્ટ વાત કહો.’ .
મલ્લરાજ - ‘જરાશંકર, સામંતે ચણેલો ગઢ મેં તોડી પાડ્યો. હવે એ ગઢની અંદરની વ્યવસ્થા કરવાની રહી તે તું કર અને સામંતને સંતુષ્ટ કર.’
જરાશંકર આ અરસામાં ઊંડા વિચારમાં પડ્યો અને તેના કાન ચાલતી વાતો સાંભળતા હતા ત્યારે એનું મસ્તિષ્ક આ ગૂંચવાડામાંથી બહાર નીકળવાનો માર્ગ શોધતું હતું. મલ્લરાજના વાક્યથી એ માર્ગ મળ્યો. તે ધીમે ધીમે વિચાર કરતો કરતો બોલવા લાગ્યો, અને ક્વચિત્ શબ્દે શબ્દે તો ક્વચિત્ વાક્યે વાક્યે સામાથી સમજાય નહીં એ રીતે મનમાં વિચાર કરતો હતો.
‘સામંતરાજ, ખાચરની સાથે જ સંધિ કરવા આપણે સૌ પ્રયત્ન કરીએ છીએ તેમાં પહેલો અંતરાય મુળુભા છે એમ આપના કહેવાથી સમજાય છે. બીજો અંતરાય ખાચરનો તો ખરોજ, અને ત્રીજો એજન્ટ સાહેબનો. ખાચરના રાજ્યને આ અંતરાયથી એવો લાભ નથી. કારણ જો એ આમાં અંતરાયરૂપ ન થાય તો મહારાજની ઉદારતાથી આપણે એની સાથે એવો સંધિ કરવા પ્રયત્ન કર્યો છે કે તે સંધિથી ખાચરને એકલો લાભ અને આપણને એકલી હાનિ જ થાય છે. અર્થાત્ પૃથ્વી અને દ્રવ્યનો પ્રત્યક્ષ લાભ માત્ર પોતાના જ પક્ષને મળે છે તેનો તિરસ્કાર કરવા ખાચર ઊભો થયો છે તે કેવળ દુરાગ્રહનું ફળ છે એમ ગણીએ તો ખાચરને નમતા દેખી એના ચિત્તમાં વધારે શંકા ઉત્પન્ન થઇ હોય અથવા એજન્ટે એને કાંઇ વધારે લાલચ અન્યોન્યાશ્રયની ગાંઠથી બંધાયા હોય અને એ ગાંઠથી સત્તાનો લોભ ઇચ્છી પરસ્પરની સત્તા વધારવા ઇચ્છતા હોય - આવાં કાંઇ કારણને લીધે જ ખાચર આપની સાથે એકમત થતો નથી એમ મને લાગે છે. સામંતરાજ, આપે મને ક્ષમા આપી એવું હું માનું છું - પણ મુળુભાના મનમાંથી એ ડાઘ ગયો નથી. આપને ખબર છે કે આપને થયેલા અપમાનમાં મહારાજે કરેલી આજ્ઞામાં - પ્રધાનનો હાથ નથી - આપ આ વાત માનશો -યુવાન મુળુભા ન માને એ સ્વાભાવિક છે. આ અવસ્થામાં આપ મારો પક્ષ લેશો તેનો મુળુભા અવળો નહીં તો જુદી જ અર્થ કરશે. માટે મારો પ્રથમ અભિપ્રાય એ છે કે આ વિષયમાં થોડો કાળ આપે મુળુભા પાસે એવો આભાસ પડવા ન દેવો કે એ આપને અમારા પક્ષના ગણે.’
સામંત ઓઠ કરડતો બોલ્યો : ‘પછી ?’
જરાશંકર - ‘પછી આપ મુળુભાના હ્ય્દયના મિત્ર બનો. એના વિશ્વાસના પાત્ર બનો. એનું હ્ય્દય આપની પાસે એ જાતે ઉઘાડે એમ કરો. ખાચર અને એજન્ટની વાતો અને પત્રવ્યવહાર વગર ભયે એ આપને સમજાવે એમ કરો. અને અંતે ખાચર પણ આપના ઉપર વિશ્વાસ કરે એ સમય લાવો. સામંતભા, શત્રુના ઘરમાં અમારા શત્રુ ગણાઇ પેસવા પામો. બુદ્ધિમાન મુળુભાને - મુળુભા પણ ચેતે નહીં. અને જડ હોય એમ ખાચરના એ ઘરમાં ખાચર પાડવાના ખાતરિયાને ઠેકાણે વાપરો. મુળુભાને પ્રત્યક્ષ શિક્ષા કરવાનું છોડી દઇ એનો આ ઉપયોગ કરો અને ધારેલો સંધિ સાધો.’
સામંતને કંઇક વિશ્વાસ પડ્યો. તેના ચિત્તમાં કાંઇક શાંતિ થઇ. તે ધીમો પડી પૂછવા લાગ્યો :
‘પણ માણસ કામ કરે આશે કે ત્રાસે. મુળુના ચિત્તમાંથી ત્રાસનું બીજ તો તમે કાઢી નાંખ્યું. તમને અને ખાચરને એક ગાંઠે સાંધવાનો અભિલાષ મુળુ શી રીતે ધરશે ?’
જરાશંકર - ‘મહારાજ તો હાલ મારી આંખે દેખે છે - ખાચરની જોડે સંધિ કરવામાં મુળુભા ફાવશે તો મહારાજ મુળુભાની આંખે દેખતા થશે - વર્તમાન ચિત્રમાં હું આ ઊંચી સ્થિતિએ છું તેને ભવિષ્યકાળના ચિત્રમાંથી ભૂંસી નાંખવો અને તેને સ્થાને મુળુભાને તેજસ્વી રંગો વડે પ્રતિષ્ઠા આપવી : આ આશાથી મુળુભા આપને અનુકૂળ થઇ જશે. સામંતરાજ ! ખાચરની મિત્રતા શોધવાથી મુળુભા આ રાજ્યમાં જ લાભ શોધે છે. તે લાભનો તેને આ માર્ગ દેખાડો. મુળુભાના કોમળ હ્ય્દયમાં હાલ ભૂત નાચે છે તેને આ શીશીમાં ઉતારો. મને દૂર કરવાને નિમિત્તે આપ, મુળુભા, ખાચર, અને અંતે મહારાજ - સર્વ એક પંક્તિમાં બેસી જાઓ અને ધારેલો સંધિ સાધો.
સામંત - ‘પણ એજન્ટુનું શું કરવું ? અને સર્વને અંતે નિરાશા થયેલા ખાચર અને મુળુ તમારા સર્વવા સામા બમણા ક્રોધથી કૂદશે એટલે આજ કરવાનો વિચાર વધરો કઠણ થઇ પાછો એવો ને એવો ઊભો રહેશે તે વિચાર્યું ?’
જરાશંકર - ‘એજન્ટનો વિચાર એટલે કે આપણે અને ખાચર એક થઇશું એટલે એ પડશે જુદો. આ એના નામનો પત્ર આપના હાથમાં છે તે એનો હોય કે નેય હોય. એનો ન હોય અને આપણે છેતરાતા હોઇએ તો એ પત્ર ઉઘાડો કરવાથી અને એને માથે આરોપ મૂકવાથી એને આપણે નુકસાન કરવાનું નથી, અને એના ઉપરીઓ પાસે એ સાચો અને આપણે જૂઠા, એટલે એ પત્ર એનો ન હોય ને નુકસાન થાય તેટલું જ નુકસાન. એનો હોય અને એ કબૂલ કરે તોેપણ હું લાભ દેખતો નથી. એ પત્રમાં એ આપણા ઉપર આરોપ મૂકે છે અને એ પત્ર એના હાથમાં મૂકી આપણે એના આરોપી ઉઘાડી રીતે થઇ બળવાન શત્રુ સાથે ઉઘાડું યુદ્ધ માંડી એના જ ઉપરીઓ પાસે ન્યાય માગવા જવું, જીતીને કાંઇ લેવાનું નહિ ને હારીને ખોવાનું બધું; એ માર્ગ ઇશ્વર આપણા ઉપર બળાત્કારે નાંખે ને લેવો પડતાં ઊગરવા યુદ્ધ કરવું પડે એ જુદા વાત. પણ જાતે જ એ માર્ગ શોધી લેવો એ તો - આવ, કુહાડા ! પગ ઉપર જેવું થાય. એમાં જીત્યા તો આ સાહેબના પછીનો સાહેબ એના કરતાં સારો આવશે એવું માનવાને કારણ શું ? જે આવશે તે આ એના જાતભાઇનું વેર આપણા ઉપર નહીં રાખી તેની ખાતરી શી ? એ નવો માણસ વેર રાખી ફરી નવું પ્રકરણ ઊભું કરે અને આપણે બીજી વાર ફરિયાદ કરવા જવું તો આપણને ફરિયાદ કરવા ટેવ પડી ગઇ એમ ગણવાનો પુરાવો આપણે આપીશું, અથવા તો જે વહુને સાસરે સૌની સાથે ન બને તે વહુનામાં પોતાનામાં જ કંઇ દોષ હોવો જોઇએ એવું અનુમાન થવાનું. સામંતરાજ, ખાચરને એની સાથે બનાવતાં આવડે ને આપણને ન આાવડે તો આપણી આવડત ઓછી. આ સૌનો ઉપાય એ છે કે આ પત્ર ગુપ્ત રાખી મૂકો, આપણે અને ખાચર એક થઇએ અને એજન્ટ જાતે એકલો જુદો પડી હાલ એના સામા આપણને એકલાને દેખે છે તેને સાટે એ આપણને ખાચરને બેને એકઠાં સંધાઇ એકઠા ઊભેલા દેખે અને હાથ ઉપાડતાં જાતે જ ડરે એવું કરો. એને આપણા સંધિનો પંચ નોંધણીદાર કરીશું, એટલું એને સારું લગાડી એના મનનું વૈર શાતં કરવાનો માર્ગ છે.’
મલ્લરાજ - ‘સામંત, આટલું કરતાં તો તને આવડવાનું.’
સામંત - ‘મહારાજની આજ્ઞા થઇ તો કંઇ ન આવડવાનું નથી. હશે, એજન્ટનું ગમે તે થાય તેની મારે પંચાયત નથી. પણ મારા કુળમાં ઊઠેલો અંગારો વધારે ગરમ થશે અને આજ ઉઠાડું છું તે પ્રશ્ન ફરી ઊઠવાનો તેનું શું ? મહારાજ, કશ્યપ જેવા મુનિના ઘરમાં હિરણ્યકશિપું જેવા દૈત્ય જન્મ્યા, તેવું મારે થયું છે. અને આ ઊગતા શત્રુને ઊગતો જ દાબવો એ રાજનીતિનો ધર્મ છે. એનું બળ વધારી પછી દાબવાનું રાખવું એ દેખીતી મૂર્ખતા છે. મહારાજ, પ્રધાનજીને અપમાન કર્યાની આપે મને યોગ્ય લાગી છે અને મારા અંતઃકરણમાંથી મને એ શિક્ષા યોગ્ય ન લાગી હોય તો મને ઇશ્વરની આણ છે. અહો ! એ શિક્ષા કરી આપે મને મહાદોષમાંથી બચાવ્યો છે અને જે રાજધર્મનો આપે મને એ નિમિત્તે ઉપદેશ કર્યો છે તે સારુ હું આપનો આભારી ન થાઉં તો હું આપણા ઉત્તમ વંશમાં જન્મવા યોગ્ય ન હતો એવું જ કહેવું પડે. મહારાજ, હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે જરાશંકર ઉપર મારા મનમાં રજ પણ કલંક નથી ઊપજ્યું, અને આપ અને જરાશંકર ઉભયે મને શુદ્ધ ક્ષમા જ આપી હોય તો આપણા સૂર્યવંશમાં જ ભરતે જેવો દુષ્ટ કૈકેયીનો ત્યાગ કર્યો હતો તેમ જ, મને આ મારા કુળના અંગારાનો ત્યાગ અને નાશ ઉભય કરવા દો એટલું હું આપની પાસે માગી લેઉ છું, અને તે માગવાને ભરત જેમ રામચંદ્રજીને પગે પડ્યા હતા તેમ હું આપને પગે પડું છું અને મારું હ્ય્દય શુદ્ધ છે તેના શપથ લઇ આપના પવિત્ર ચરણ સ્પર્શું છું.
મહાપ્રચણ્ડ વંટોળિયો પર્વતની તળેટી આગળ પૃથ્વી ઉપર સૂઇ જાય અને ક્ષણ પહેલાં આકાશમાં ઊભેલું એ વંટોળિયાનું શિખરચંક્ર પર્વતના પાદમાં લીન થાય, તેમ આ બળવાન યોદ્ધાનું પ્રચણ્ડ ઊંચું શરીર એકદમ મલ્લરાજના ચરણ પાસે દંડવત્ પ્રણામ કરવા સૂઇ ગયું, સામંતના શિરનું મંડીલ મલ્લરાજના પગ ઉપર પડ્યું. એના નેત્રમાં અશ્રુની ધારા ચાલી રહી, અને એના દુઃખનો ઊછળતો ઉષ્ણ નિઃશ્વાસ એનું હ્ય્દય કંપાવતોૅ હતો તેના ધબકારા ગદ્ગદ થતા કંઠ આગળ પ્રયાણ કરતા સંભળાયા. જરાશંકર સ્તબ્ધ થઇ ગયો - પાષાણ જેવો જડ બની ઊભો. મલ્લરાજનું હ્ય્દય ઓગળી ગયું, અત્યંત સજળ નયનથી તે વયોવૃદ્ધ ભાઇને - જૂના મિત્રને - પરમ રાજભક્તને
-પોતાના પગ ઉપરથી ઉઠાડવા ત્વરાથી નીચો નમ્યો, અને નમતાં નમતાં મેનારાણીના દ્ધારા ભણીથી ભણકારા સાંભળવા લાગ્યો કે ‘સામંતશિરના મુકુટમણિથી પદપાવડી સોહાય, એ મણિધર પર ભાર ક્ષમાનો અચળ ટકાવો ક્ષ્માનાથ ! મહારાજા ! રંક...મેના રટે તમ પાસ !’
પડેલા બન્ધુશરીરને બળાત્કારે ઊંચું કરી - તેને ફરી પડી જવા ન દેવું હોય - તેને ટેકો આપવો હોય તેમ - મલ્લરાજ બળ કરી સામંતને ભેટી પડ્યો, અને બળવાન યોદ્ધાઓનું સ્થિર આલિંગન જોતું બ્રાહ્મણનું નેત્ર સ્થિર દૃષ્ટિ કરી રહ્યું, અને એના હ્ય્દયમાં ઊછળતો સ્વર મુખ ઉપર સહસા ચડી આવી ગાજ્યો : ‘મહારાજ, મહારાજ, આ રાજભક્તિ આગળ અમ દરિદ્ર બ્રાહ્મણો કાંઇ લેખામાં નથી - મહારાજ, આવા રાજભક્તનું સંતાન આજ જેટલું ઊંચું ઊછળે છે એટલું જ નમ્ર થઇ આપના ચરણ પર એક દિવસ આવી જ રાજભક્તિથી પડશે - મહારાજ, મીઠા બીજનું ફળ મીઠું જ થશે. મહારાજ, અમારા જેવાં દરિદ્ર ફળને લોભે આવા રત્નફળમાં બીજ આપની વાડીમાંથી દૂર ન કરશો ! પ્રધાનો તો અનેક આવશે ને જશે પણ ઉદાત રાજવંશનાં બીજ ગયેલાં પાછાં નહિ જડે.’
મલ્લરાજે સામંતને બાથમાંથી છોડ્યો, અને સર્વ બેઠા.
આનંદ અને ઉત્સાહથી ઊભરાતા રાજાના મુખમાંથી વચન નીકળ્યું :
‘સામંત, રાજાનો ધર્મ એવો ગહન છે કે ઘણી વેળા એના મનને અણગમતી વસ્તુ એને જ હાથે કરવી પડે છે અને તે જ પ્રમાણે તને શિક્ષા કરવી પડી છે.’
રાજાના વચનમાં ભંગ પાડી સામંત વચ્ચોવચ્ચ બોલી ઊઠ્યો : ‘મહારાજ, એ વાત પડતી મૂકો અને મારા માગણાનું સમાધાન કરો.’
મલ્લરાજ - ‘સામંત, હું બાળક મુળુને શિક્ષા કરું તે વિના તું સંતોષ પામે એમ નથી. તો સાંભળ. એ બીજ બગડ્યું હશે તોપણ એને સુધારવા હજી એક પ્રયત્ન કરવો ઘટે છે . દૈવની ઇચ્છા એને દુષ્ટ બુદ્ધિ આપવાની થઇ તો આપણે એમ ધારવું કે એ જ ઇચ્છા એને પાછી સુબુદ્ધિ આપશે, અને આજ વેઠેલા તીવ્ર તાપ તે પ્રસંગની ચાયાની મીઠાશનું મૂલ્ય બતાવશે. એ કાળે એને જાતે જ પશ્ચાત્તાપ થશે અને તેની શિક્ષા અને ઓછી નહીં થાય. એનું દૃષ્ટાંત તારા અનુભવથી પ્રત્યક્ષ કરી લે. એમ છતાં આજ દૂષિત થયેલી બુદ્ધિ વધારે દુષ્ટ થશે અને તારા ધારવા પ્રમાણે ઉદયકાળે ન દાબેલો શત્રુ આગળ જતાં બળવાન થશે તો તે કાળે આપણા હાથમાં જે બળ હશે તે અજમાવીશું.’
સામંત - ‘એ રાજનીતિ મને સમજાતી નથી. મહારાજ, મને કરેલી શિક્ષા મુળુને શિક્ષા કરતાં આપને અટકાવે છે એવી જે મારી બુદ્ધિ થઇ છે તે આપ આથી દૂર કરો એમ નથી.’
મલ્લરાજ - ‘ખાચરની સાથે સંધિ કરવામાં અને એજન્ટની સાથે જીતવામાં આપણે મુળુની એની ઇચ્છા વિરુદ્ધ સાધન કરવાનું ધારીએ છીએ. જો મુલુ સદા દુષ્ટ જ રહેશે તો તે ધારણ સિદ્ધ થયાથી મુળુ પોતે પોતાને પસાયો અને હાર્યો જાતે જ સમજશે અને તે શિક્ષા દુષ્ટ હ્ય્દયને માટે ઓછી નથી.’
સામંત - ‘પછી ?’
મલ્લરાજ - ‘પછી એથી પણ વધારે શિક્ષા યોગ્ય લાગશે તો સામંતને હાથે મુળુને શિક્ષા કરાવીશ.’
સામંત - ‘નક્કી ?’
મલ્લરાજ - ‘મલ્લરાજનું વચન કર્યું છે ?’
સામંત - ‘તો મહારાજની આજ્ઞા સિદ્ધ થઇ સમજો.’
સામંત આજ્ઞા લઇ ગયો. મલ્લરાજ જરાશંકરને કહેવા લાગ્યો :
‘જરાશંકર, ફૉક્સસાહેબ થોડા દિવસ ઉપર આપણા અરણ્યમાં મૃગયા કરવામાં મારો સાથી હતો. ઘણી વાતો અમે કરી પણ આ વાત કરવા એનો ઓઠ ઊઘડી શક્યો નથી - બાકી એણે વાત ઉપાડવા ધારી હતી તે હું જાણું છું.’
જરાશંકર - ‘મહારાજ, સદ્ગુણનો પ્રતાપ એવો છે કે દુષ્ટ લોક એ પ્રતાપથી જ અંજાઇ જાય અને બાયલા બની, જેવા આવે છે તેવા પાછા જાય છે. તેમાં જેનામાં સદ્ગુણ સાથે શૌર્યની સંગમ હોય એવા મહાત્મા પાસે તો દુષ્ટતા સાથે ગમે તેટલું બળ હોય તે નિર્બળ થઇ જાય છે. અન્ય પ્રસંગે મેં આપને કહ્યું હતું કે એક મહારાજાને મુનિઓના તપોવનમાં પેસતાં એવું કહેવું પડ્યું હતું કે સિંહ અને વાઘ જેવા ક્રૂર પ્રાણીની સામે એકીટશે જોઇ રહેનારથી પાછાં ખસે છે. તો ગમે તેવો દુષ્ટ પણ ચતુર અંગ્રેજ આપના જેવાની પાસે પોતાના મુખથી અપવિત્ર ઉદ્ગાર કાઢતાં પાછો કેમ ન હઠે ? મહારાજ, જો કોઇ રાજાની પાસે કોઇ અંગ્રેજ હલકી વાત કાઢે કે તેનું અપમાન કરે તો એટલું સિદ્ધ ગણજો કે એ અંગ્રેજ તો ગમે તેવો હશે પમ એ રાજાના રાજત્વમાં કોઇ મહાન દોષ હોવો જોઇએ.
મલ્લરાજ અને જરાશંકર છૂટા પડ્યા. સામંતને સોંપેલું કામ એણે શ્રદ્ધાથી અને ચતુરતાથી કર્યું. દિવસ ગયા. માસ ગયા. મુળુનો વિશ્વાસ સામંતે મેળવ્યો. તેના સાધનથી ખાચર અને એનાં માણસ રત્નનગરીના રાજાને વશ બની વત્યાં. ખાચર સાથે સન્ધિ થયો, સરકારના એજન્ટે આ સ્િન્ધિનું પ્રમાણભૂત સાક્ષિત્વ કર્યું, અને સરકાર સુધી સન્ધિ વજ્રલેપ થયો. મલ્લરાજના રાજ્યનાી ચારે પાસની સીમા દઢ નિણીંત થઇ ગઇ. યુવાન મુળુએ મનથી પરાક્રમ કર્યું માન્યું. તેની બુદ્ધિ આગળ ખાચર હાર્યો ખરો. એજન્ટ, ખાચર, અને મુળુ, એ ત્રણ અને ચોથો મલ્લરાજ - એ ચારે જણ વચ્ચે રમાયેલા ચોપાટમાં મલ્લરાજનાં સોગટાં પ્રથમ પાકી ગયાં. એ બાજીમાં એનો ભીરુ બનેલો બાળક મુળુ પણ મનમાં ફુલાયો. પ્રધાનપક્ષની હાર હવે સિદ્ધ થયા જેવી એની દૃષ્ટિએ પડી. પિતા અને મલ્લરાજ ઉપર આ વાતની ઉઘરાણી કરવાનો એણે હવે પોતાની અધિકાર સિદ્ધ ગણ્યો.
સામંતને જે પ્રસંગનું ભય હતું તે આગળ આવ્યું. મલ્લરાજ મુળુની સર્વ ઇચ્છાઓ તૃપ્ત કરવા તત્પર હતો, એ ઇચ્છાઓથી પણ અધિક કૃપા કરવા અભિલાષી હતો, પણ એ તત્પરતા અને અભિલાષના કરતાં પ્રધાનનું રક્ષણ કરવા એનો આગ્રહ અને નિશ્ચય અતિશય અધિક હતો. સામંતને આ રાજનીતિનો જાતઅનુભવ હતો, અને મન સ્વસ્થ થતાં પોતાને થયેલી શિક્ષા તેમ આ રાજનીતિ ઉભયને એણે ઉત્તમ ગણ્યાં હતાં. મલ્લરાજ પોતાના બન્ધુમંડળની ઉન્નતિ ઇચ્છતો હતો અને તેમાં રાજ્યનું કલ્યાણ માનતો હતો.પણ આ કૃપાનું પાત્ર થયેલું મંડળ પ્રમત અને ઉન્મત્ત થાય તો અધિકારી મંડળ અસ્ત થાય તે પણ સમજતો હતો. જેમ જુદી વહેતી ગંગા અને યમુના એક હિમાચલમાંથી પ્રભવ પામે છે તેમ બન્ધુઓનું તેજ અને અધિકારીઓનો અધિકાર એ ઉભયના જુદા પ્રભવ એક જ રાજઅંગમાંથી છે, અને યમુનાને ગંગા સમુદ્રમાં પહોંચાડે છે તેમ બન્ધુઓના તેજને રાજ્યસિદ્ધિના સમુદ્રમાં લઇ જનાર પ્રવાહ અધિકાર જ છે માટે અધિકારઅંગને તેજ અંગના ઉન્માદથી ન્યૂન થવું ન પડે તેને માટે રાજા રાત્રિદિવસ સજ્જ અને જાગ્રત રહેતો અને એવો ઉન્માદ દેખતાં તે ઉપર સિંહના પંજા જેવો ભાર મૂકતો. આ રાજનીતિને એક પ્રસંગે પ્રતિકુળ ગણતો સામંત, સાત્ત્વિક વૃત્તિને સમયે અનુકૂળ અને આવશ્યક ગણવા લાગ્યો હતો, અને એ સિંહનો પંજો પોતાના પુત્રને માથે મુકાવવા અને રાજ્યને નિષ્કંટક કરવા એની રાજ્યભક્તિએ એને આગ્રહ ચડાવ્યો હતો.
મુળુએ રાજાની ઇચ્છા તૃત્પ કરી, અને રાજાએ મુળુની ઇચ્છાઓ તૃપ્ત કરવા અનેક યત્ન કર્યા. પણ જ્યાં વૈરાગ્નિ બળ્યાં કરે ત્યાં બીજી ઇચ્છાઓની ગમે તેટલી તૃપ્તિ થાય તે આ અગ્નિથી બળતા ચિત્તને શાંત કરી શકતી નથી. જ્યાં આગળ વૃદ્ધ સામંતે ક્ષણિક ક્રોધને શાંત કરી અપૂર્વ રાજભક્તિ દર્શાવી અને ઉદાર રાજનીતિમાં પ્રજ્ઞતા ઉત્પન્ન કરી ત્યાં આગળ તેનો યુવાન બાળક બ્રાહ્મણને હાથે પિતાને થયેલા અપમાનની અક્ષમા દાબી શક્યો નહીં. પિતૃભક્તિએ રાજભક્તિના અંકુરને કચરી નાખ્યો, અને વૈરના ભડકાએ રાજનીતિના વિચારના દીવાઓને અસ્ત કરી નાંખ્યા. ખાચર સાથે સન્ધિ થતાં બ્રાહ્મણોનું બળ પડી ભાંગશે, એ ઇચ્છામાં નિષ્ફળ થતાં બીજ સર્વે ઇચ્છાઓ અનિચ્છારૂપ થઇ ગઇ અને એક જ ઇચ્છાની તૃપ્તિ પામવામાં નિષ્ફળ થતાં ચિત્તમાં અસહ્ય ક્રોધ ઉત્પન્ન થયો. કામાત્સંજાયતે ક્રોધઃ એ વાક્ય સિદ્ધ થયું. બીજા વિકારોનો પ્રવાહ એક દિશામાં જનાર હોય છે; ક્રોધનો ભડકો સર્વ દિશામાં વિવેક વગર ફેલાય છે, પાત્રાપાત્ર જોતો નથી, અને જેને અડકે તેને સળગાવે છે. ચંડિકાને દૈત્ય સાથે યુદ્ધક્રોધ થતાં તેણે શિવજીના દેહ ઉપર નૃત્ય કર્યું. ક્રોધનો અગ્નિ સર્વસંહારક થાય છે. પ્રધાન ઉપર ઊપજેલા મુળુના ક્રોધની જ્વાળા મલ્લરાજના દેહની આસપાસ ફરી વળવા લાગી. જો મલ્લરાજ પ્રધાનને કાઢે નહીં તો મલ્લરાજના દેહની આસપાસ ફરી વળવા લાગી. જો મલ્લરાજ પ્રધાનને કાઢે નહીં તો મલ્લરાજની સત્તાનો નાશ કેમ થયો ન જોઇએ ? પણ આ વાત રત્નનગરીમાં અશક્ય હતી, અને રત્નનગરી બહાર સરકારના એજન્ટના હાથમાં પ્રધાનનો નાશ કરવાનો માર્ગ મુળુએ શોધ્યો.
કૂતરો પૃથ્વી સૂંઘતો સૂંઘતો ચાલે તેમ મુળુ પ્રધાનનાં છિદ્ર શોધવાને આયુષ્ય ગાળવા લાગ્યો. છિદ્ર ન જડતાં પ્રધાનની સાથે વૈરભાવે મિત્રતા રચવા લાગ્યો કાળક્રમે મુળુ વિદ્યાચતુર અને જરાશંકરને ઘેર જતો આવતો થયો. તેના મનના મર્મનો પરીક્ષક અનુભવી વૃદ્ધ જરાશંકર છેતરાયો નહીં; મુળુ ને પ્રધાનની વચ્ચે બે ગ્રહો એકબીજાને દેખે તેવો એકબીજાને જોવાના સંબંધ કરતાં વિશેષ, સંબંધ થયો નહીં. બૃહસ્પતિની અવિશ્વાસની નીતિ જાણનારા મામાએ તેના ઉપર રજ વિશ્વાસ કર્યો નહીં ત્યારે અનુભવહીન ભાણેજ છેતરાયો અને વિદ્યાચતુર મુળુને રાજાનો ભત્રીજો ગણી તેની મિત્રતા સ્વીકારવા લાગ્યો. આટલું છિદ્ર મળતાં રજપૂતનો બાળક કપટકળામાં યુદ્ધ નિપુણતાનો ઉપયોગ કરવા લાગ્યો. જરાશંકરને આ સંબંધનો આભાસ લાગતાં તેણે ભાણેજને ચેતાવ્યો. પણ અંગ્રેજી વિદ્યાર્થી ભોળવાયેલો પંડિતમાની વિદ્યાચતુર મામા સાથે મનમાં એકમત થયો નહીં. છતાં મામાની આજ્ઞા માની, પણ પોતાના વિચાર ન ભુલાવાથી સુજ્ઞ લાગતા મિત્રને એ છેક દૂર કરી શક્યો નહીં.
મુળુનો પગ આવી રીતે વિદ્યાચતુરના ઘરમાં થોડોઘણો રહ્યો. માનચતુરને મુળું મોં સરખું ગમતું નહીં અને એ આવે તે પ્રસંગે વાઘની પેઠે સજ્જ રહેતો. એક દિવસ માનચતુર ઘર બહાર ગયાનો લાભ લઇ મુળુ વિદ્યાચતુરને ઘેર ગયો, અને બાળક કુમુદસુંદરીને રમાડવાનો પ્રસંગ શોધી ઘરની અંદર કામ કરતી ગુણસુંદરી ઉપર દૃષ્ટિ નાંખવા લાગ્યો. ઘરના ચાકરો આઘાપાછા હતા. સુંદર કોઇ પડોશીને ઘેર ગઇ હતી. વિદ્યાચતુર ઘેર આવ્યો ન હતો. રજપૂતની દૃષ્ટિ, વિકારથી રાતી ચોરની પેઠે પ્રસંગ શોધતી, અને શિયાળની પેઠે અંધકારને ભેદી આગળ આવતી લાગી. તેને છેટેથી જોતી ગુણસુંદરી અંતર્ભયથી કંપવા લાગી, અને છેટે ઊભેલા પુરુષનનો હાથ કાંકરા ઉપાડવા તત્પર થતો જોઇ ચતુર કાગડી ઊડી જાય તેમ ઘરની પરસાળમાં નાસી ગઇ અને પરસાળનાં દ્ધાર વાસી દીધાં. પણ બાળક કુમુદ વાસ્તે તેના જીવને ગભરામણ થઇ. છતાં દીકરી કરતાં કુટુમ્બલજ્જાને વહાલી ગણી. ઘર ઉઘાડું હતું - તેને અને દીકરીને ઇશ્વરના હાથમાં સોંપ્યાં. જાતે જરાક શાંત થથાં એ સૌ નિર્ભય લાગ્યું અને પોતાને પરસાળમાં સંતાઇ રહેવું ઉચિત લાગ્યું - માત્ર એક કાણામાંથી બહાર દૃષ્ટિ રાખવા લાગી. કુમુદને પાછી આપવાને નિમિત્તે મુળુ ઘરની અંદર આવી ફરવા લાગ્યો, આમતેમ શોધવા લાગ્યો, એટલામાં માનચતુર બહારથી આવી દ્ધારમાં પેઠો.
માનચતુરે કુમુદને મુળુભાના હાથમાંથી લઇ લીધી, અને ચારે પાસનો દેખાવ જોઇ, ગુણસુંદરીની અવસ્થા કલ્પી, ભવિષ્યમાં આ પ્રસંગ ન આવે અને રાજપુત્રની સાથે દેખીતો વિરોધ ન થાય એવું વચન રચ્યું.
‘મુળુભા, આપ મોટા ઘરનું છોરુ તે આ ગરીબ ઘરમાં આવો ત્યારે અમારે ત્યાં કંઇ કંઇ ગૂંચવાડા થાય અને લોકમાં આપને નાનમ લાગે. માટે વિદ્યાચતુરનું કામ હોય તો આપ એને સંદેશો મોકલશો તો તરત આપને મળવા આવશે, અને દરબારમાં તો નિત્ય આપને વગર તેડ્યે મળી શકશે. માટે આપ અત્રે આવવાનો શ્રમ લેવા કરતાં એને જ શ્રમ આપશો તેમાં સૌનું સારું દેખાશે. આપ જાતે શાણા છો અને સામંતસિંહને પૂછશો તો આવી જ રીત બતાવશે.’
અંતઃકરણના અપરાધે મુળુને આ મર્મવાક્યનો અર્થ સમજાવ્યો. વૃદ્ધજન અને તે વળી માનચતુરના દેખાવવાળો - તેને પ્રત્યુત્તર વાળવા સામંતના પુત્રની છાતી ચાલી નહીં. ‘ખરી વાત’ કહી, નીચું જોઇ, વધારે બોલ્યા કે જોયા વિના તે ચાલતો થયો, ને દ્ધારમાંથી નીકળ્યો તેની સાથે તે સાંભળે એમ બૂમ મારી મોટે સ્વરે માનચતુર કહેવા લાગ્યો :
‘ગુણસુંદરી, રાહુ ગયો - બહાર નીકળો અને કાલથી દરવાજે આરબની ચોકી રાખજો કે આવો પ્રસંગ ફરી ન આવે.’
‘ગુણસુંદરી દ્ધાર ઉઘાડી બહાર આવી, અને દયામણે મુખે રંક સ્વરે બોલી : ‘વડીલ, મેં આપને એકબે વાર કહેલું છે કે આપણા લોકમાં મજિયામાં રહેવાનો ચાલ છે તે સારો છે તે એટલા માટે કે આવો પ્રસંગ તેમાં ન આવે. મારાં સાસુજી, નણંદો અને જેઠજેઠાણી હતાં ત્યારે બધું ઘર આખો દિવસ ભરેલું રહેતું અને બહારનો માણસ જમ જેવો હોય પણ તેની છાતી ઊમરાનની માંહ્યા નજર નાંખવા જેટલી, ચાલી શકતી ન હતી. મારાથી આપની સેવામાં કોણ જાણે શી ન્યૂનતા આવી જતી હશે કે આપ ઘડી ઘડી મનોરિયે જઇ વસો છો.’
માનચતુર હસ્યો : ‘પણ હવે આરબ રાખીશું કની ! અંગ્રેજી ભણે તેને તો અંગ્રેજની પેઠે એકલો વાસ અને એકલાં ઘરબાર હોય તે ઠીક પડે.’
ગુણસુંદરી ગાલે હાથ દઇ બેઠી : ‘આપને કહેવું હોય તો વડીલ છો. પણ મારા હ્ય્દયમાં જે વાત છે તેનો સાક્ષી ઇશ્વર છે. અંગ્રેજ લોકની ફૂંકથી પર્વતો ફાટે છે અને તેમના નામથી રાજાઓ કંપે છે. મડમો અરણ્યમાં હોય પણ તેના સામી દૃષ્ટિ કરતાં લોક ડરે. આપણાં ઘર એમનાં ઘર પેઠે ઉઘાડાં થઇ જશે ત્યારે રસ્તાના જનારને અને શેરીનાં કૂતરાંને પણ તેમાં પેસી જવાનું મન થશે. આપણા ઘરનાં લશ્કર વેરાઇ જશે ત્યારે ધોળે દિવસે ધાડ પડશે. વકીલ, તમને હસવું આવે છે પણ ખરું જાણજો કે આપના જેવા વડીલો તે આપણા ઘરના ગઢ છો અને એ ગઢ તૂટશે ત્યારે તેમાંનાં તમારાં અમ જેવાં ઢોર અને બીજું જે પવિત્ર ધન હશે તેને લોક લૂંટાશે તેટલાાં લૂંટશે.
‘ગુણસુંદરી ! તમારાં આ વચન સાંભળવાનું મને મન થયું હતું માટે આટલું કહેવડાવ્યું. ઘરડાઓે ગુણમાં ઘાલેલા બોલે તે તમે સમજો છો. પણ હવેના કાળમાં તો જુવાનિયા વાજું જેવું બદલાયું છે તેમ જ ઘરડાઓની ગત ગઇ છે એટલે તમારું કહેવું જ્યાં જોશો ત્યાં ખોટું પડશે. બાકી આપણા ઘરમાં તો એવું કહું તો જુુવાનમાં મારાં છોકરાં તમે બધાં, અને ઘરડાંમાં હું જાતે તે આપણામાં જ એવો કાળ બદલાઇ કળજુગ બેઠો કહું તો આપણને પોતાને જ ગાળ પડે ! માટે આપણા ઘરમાં તો એ કાળનો વા વાયો જ નથી. પણ કાલનો વિશ્વાસ નહીં તો આજનો કેમ થાય ? માટે આરબો ઊમરે રાખીશું અને હું તો જીવું ત્યાં સુધી છું સ્તો !’ આમ બોલતો બોલતો માનચતુર હસવા લાગ્યો અને ગુણસુંદરીને બીજી વાતમાં નાંખી.
આણી પાસ વિદ્યાચતુરના ઘરમાં ન ફાવેલો મુળુ પોતાના ઉપર ખીજવાતો અને મનમાં બડબડતો બડબડતો નગર બહાર પોતાનો બાગ હતો તે દિશામાં ચાલ્યો. ગુણસુંદરીએ પોતાના કરતાં વધારે ચકોરપણું બતાવ્યું જોઇ સ્ત્રીજાતિને હાથે પોતે હાર્યો તેનું એણે ઘણું હીનપદ લાગ્યું. મારું છિદ્ર વિદ્યાચતુર, જરાશંકર અને મહારાજ જાણશે એ ભયથી તે કંપવા લાગ્યો. માનચતુર જેવા વૃદ્ધ બ્રાહ્મણને હાથે તિરસ્કાર ગળી જવો પડ્યો તે વિચારથી તે અસ્ત થયો. આ સર્વ વિચાર કરતો કરતો એ ચાલ્યો જાય છે એટલામાં માર્ગની એક પાસ એક હાટ આવ્યું. ત્યાં આગળ એક બ્રાહ્મણ રાગ કાઢી ગાતો હતો અને તેની આસપાસ લોક એકઠા થયા હતા. પોતાના મ્લાન ચિત્તને કંઇક વિનોદ મળે એ આશાથી મુળુ લોકના ટોળામાં ભળ્યો.
‘પુરુષને અબળા કહેવાતી નચાવે,
રાણીજાયા પાસે એ પાણી ભરાવે,
જોજો લોક, કૌતુક કળજુગનાં એ !
વઠેલાને ઊંડે કૂવે એ ઉતારે,
પુરાણીનાં પોથાં પાણીમાં પલાળે ! જોજો.
મોટા મોટા જોગીને જાળમાં નાંખે,
જ્ઞાનીઓની અઆંખે પાટા તાણી બાંધે; જોજો.
ઋષિ મુનિ એના થકી ભુરકાયા,
કામણ કરે નારી તણી ગંદી કાયા ! જોજો
હડહડતો આ આવ્યો છે કવિકાળ,
સતીઓ ઊતરી ગઇ પાતાળ, જોજો.
વ્યભિચારિણી આજ થઇ જોગમાયા,
એની દૃષ્ટિએ જે પડ્યા તે ફસાયા ! જોજો.
બ્રાહ્મણભાઇના મંત્ર થયા એના તંત્ર,
રજપૂતનાં શસ્ત્ર બન્યાં એનાં જંત્ર !’ જોજો.
બ્રાહ્મણ આમ ગાતો હતો ત્યાં તેની સામે એક જણ ગયો અને એને ખભે હાથ મૂકી કહેવા લાગ્યો : ‘અલ્યા, તારા ઘરમાં પણ એવાં જોગમાયા છે કે ? - હોય તો કહેજે-’ આ સાંભળી બ્રાહ્મણને ક્રોધ ચડ્યો અને યુદ્ધ જાગ્યું. તેનો કોલાહલ અતિશય થયો. ‘હોહો’ કરતા છોકરાઓ એની પાઘડી ઉછાળવા લાગ્યા. એ ટોળામાંથી બ્રાહ્મણને છોડાવી, પોતે છૂટી, મુળુ એકલો ચાલ્યો અને વિચારમાં ને વિચારમાં બોલવા લાગ્યો :
‘રાણીજાયા પાસે એ પાણી ભરાવે...
રજપૂતનાં શસ્ત્ર બન્યાં એનાં જત્રં !’
‘ખરી વાત ! - ના ના, સ્ત્રીઓમાં હતી તેવી ને તેવી સતીઓ હજી છે, પણ અમે રજપૂતો જ બગડ્યા.’ શાંત પડી મનમાં બોલવા લાગ્યો : ‘મારા જેવો મૂર્ખ કોઇ નથી કે ખરો માર્ગ મૂકી ખોટે માર્ગે દોરાયો. યુદ્ધ તે સરખેસરખાનું. આ જરાશંકર અને વિદ્યાચતુર તે કોણ ! - હં - બિચારા બુમણા. પ્રધાન તે રાજાના દાસ. એવા હલકાઓના ઉપર મારા મનમાં વેર થયું ને એવા હલકાઓ સાથે યુદ્ધમાં ઊતર્યો એટલે આવું હલકું યુદ્ધ કરવું પડ્યું.
‘પ્રધાન ઉપર વેર લેવાનું બીજે રસ્તે ન ફાવતાં આ હલકું કામ સૂઝ્યું; તેમાં ફાવ્યા હોત તોપણ ફળ કાંઇ નહીં, ને એ ન ફાવ્યા તેમાં આ આબરૂ ગઇ. ખરી વાત છે - પોતાના જેવા સાથે લડવું.’
વિચાર પડી ચાલ્યો. થોડો છેટે ગયા પછી નવો વિચાર સૂઝતાં પૃથ્વી ઉપર એક હાથ કૂદ્યો અને મૂછે હાથ દઇ હસ્યો. મહાઉલ્લાસષથી મનમાં બોલ્યો :
‘બ્રાહ્મણોએ કર્યા શાસ્ત્ર તે રજપૂત તોડે. મારા દાદા નાગરાજથી બે વરસ નાના એટલે એમને ગાદી ન મળે ! એ પેલા ધુતારા બ્રાહ્મણોનું શાસ્ત્ર. દાદો બે વરસ મોડો જન્મ્યો તો પોતરે વહેલા જન્મેલાને ન જન્મેલા કરે એમ ક્યાં નથી ? આ નકામો બાયલો મણિયો જીવતો ન હોય તો મુળુ એને ઠેકાણે રાજા ! તરવારના એક ઘાનું કામ ! આ બ્રાહ્મણો સાથે નકામી માથાફૂટ કરવા કરતાં રજપૂત રજપૂતાઇ કેમ નહીં કરે ? રાજ્યને સુધારવા રજપૂતાઇ કરતાં કોનો ડર છે ! રાજા થવાને યોગ્ય હોય તે રાજા થાય !’
દુર્ભાગ્યની ઘડીમાં કરેલા એ વિચારે જુવાન મુળુનું મસ્તિક ફેરવ્યું અને વંટોળિયે ચડાવ્યું. મણિરાજનું વય બાલ્યાવસ્થા ત્યજતું હતું અને તેને રત્નનગરીનાં મહાન અરણ્યોમાં મૃગયાની દીક્ષા આપવામાં તરત જ આવી હતી. તેની સાથે બીજા રાજપુત્રોને મોકલવામાં આવતા હતા. આ પ્રસંગ અને સહવાસનો લાભ લઇ મુળુએ મણિરાજનું ખૂન કરવાનો યત્ન આરંભ્યો. પુત્રનો વિશ્વાસ પામેલા પિતાને આ યત્ન જાણતાં - પકડતાં - વાર ન લાગી. સામંતે એકદમ મુળુને કેદ કરી, તેને બેડીઓ જડી, પોતાના ઘરમાં એક ઓરડામાં પૂર્યો. એને પાકા કબજામાં રાખી વચનબદ્ધ રાજા પાસે પોતાના પુત્રના નાશનું વરદાન લેવાનો પોતાનો નિશ્ચિત અધિકાર ગણિ રાજભક્ત પિતા રાજમન્દિર ભણી ચાલ્યો. પુત્રની દુષ્ટતાની પરીક્ષા એને પ્રથમથી કરી હતી એટલે આજ એને કાંઇ નવો શોધ કર્યા જેવું આશ્ચર્ય વસતું ન હતું. પણ એ પરીક્ષાનું ફળ આજ સુધી રાજાએ ન આપ્યું તે હવે હાથમાં આવ્યું સમજાયું. પોતાના ઘરમાં સળગેલાં કુલાંગારનું આયુષ્ય ખૂટ્યું સ્પષ્ટ થયું. પોતાના રાજાના શત્રુનો નાશ નક્કી ગણ્યો. બાળક મણિરાજને નિષ્કંટક કરવાનો અભિપ્રાય સત્ય થયો જાણી સામંતને આનંદ વ્યાપી ગયો. પોતાનો અભિપ્રાય સત્ય થયો જાણી એને યોગ્ય ગર્વ ચડ્યો. દુષ્ટ પુત્રને શત્રુ ગણી તેનો વધ ઇચ્છતાં પોતાના હ્ય્દયમાં કાંઇ પણ ખેદ થાય કે મૃદુતા જણાય એવો અનુભવ કે આભાસ ક્ષત્રિયપિતાને રજ પણ થયો નહીં. પ્રાતઃકાળે ભૂ-નભની સંયોગરેખામાંથી નીકળી, પળવાર નમ્ર દેખાઇ, પોતાનાથી જન્મ પામેલા મળસકાનો નાશ કરવા સૂર્ય જેમ ઉગ્ર તેજથી અને વેગથી ઊંચો ચડતો ભભૂકતો લાગે તેમ આ પ્રસંગે ઘર છોડી રાજમંદિર ભણી અત્યંત ઉત્સાહથી અને વેગથી સામંત પગલાં ભરવા લાગ્યો.
સામંતે મલ્લરાજ પાસે ફરિયાદ કરી. મલ્લરાજે તે શાંત ચિત્તથી સાંભળી. સામંતે મુળુને શિક્ષા કરવાનું માગણું કર્યું. મલ્લરાજે કહ્યું કે તેનો વિચાર થશે. ‘આવી સ્પષ્ટ વાતમાં વિચાર શો ? - આથી મોટો અપરાધ શો ? - આપે મને આપેલું વચન સત્ય કરો.’ એમ સામંતે ઉત્તર આપ્યો. મલ્લરાજે વિચાર કરી જરાશંકરને આજ્ઞા કરી કે ‘આ વાતનો નિર્ણય કરવાને ભાયાતોની પંચાયત નીમવા મારો કરેલો ઠરાવ છે તે તને અને સામંતને ખબર છે - તે વાંચી કાઢો, તે પ્રમાણે પંચ નીમો, અને તેની પાસે મુળુનો ન્યાય કરાવો.’
સામંત - ‘તો શું આપ ન્યાય નહિ કરો ? અપરાધના પ્રસંગોમાં એ પંચ નીમવાનો ઠરાવ નથી.’
મલ્લરાજ - ‘એ ઠરાવ વાંચજે, “રાજ્ય સાથે વાંધો પડે ત્યારે પંચ નીમવા” એવો ઠરાવ છે. મણિરાજની વાતમાં મારે ન્યાય ચૂકવવો પડે તે ઠીક નહિ. મારો કરેલો ન્યાય સ્વીકારવો હોય તો આ ફરિયાદ કરવી છોડી દે અને મુળુને છૂટો કર.’
સામંત - ‘હવે છૂટશે આવતે અવતાર. મારી સાથે વચનથી બંધાયા છો.’
મલ્લરાજ - ‘તો જે વચનથી તું અને ભાયાતો બંધાયા છો તે ઠરાવ પ્રમાણે ન્યાય થશે.’
સામંત - ‘તો તેમની ઇચ્છા પ્રમાણે શિક્ષા પણ થશે, અને એ ઠરાવ પ્રમાણે પંચમાં મને પણ બેસવાનો અધિકાર છે.’
મલ્લરાજ - ‘તું તટસ્થ નથી - ન્યાય કરવા અયોગ્ય છે. તું ફરિયાદ કરનાર છે.’
સામંત - ‘તો હું અપરાધીનો બાપ પણ છું. મહારાજ, બીજા ભાયાત શરમ રાખી એને છોડે માટે આપના વચન પ્રમાણે મને પંચમાં બેસવાનો અધિકાર છે તે નહીં આપો તો આપનું વચન તૂટશે.’
જરાશંકર - ‘મહારાજ, હું આવાં કારણોથી જ કહેતો હતો કે આ ઠરાવમાં પ્રધાનની સંમતિ લેવી જોઇતી હતી.’
મલ્લરાજ - ‘એ તમે પશ્ચિમ બુદ્ધિવાલા બ્રાહ્મણો ન સમજો. સામંત, જા, એ પંચમાં બેસવાનો અધિકાર તને આપું છું, કારણ વચને બંધાયો છું. પણ ઠરાવનો પાછલો ભાગ વાંચી કામ કરજે કે બીજા પંચ ફરી નીમવા ન પડે.’
પંચ નિમિયા. પંચે મુળુને કુમારના ખૂન કરવાના પ્રયત્નનો અપરાધી ઠરાવ્યો અને દેહાાંત દંડની શિક્ષા દર્શાવી. એવી ભારે શિક્ષા કરવા રાજાએ ના પાડી. રાજા અને સામંત વચ્ચે વળી વાદયુદ્ધ થયું. રાજાએ મુળુને પૂછ્યું : ‘મુળુભા, તારી સર્વ ઇચ્છાઓ તૃપ્ત કરવા મેં પ્રયત્ન કર્યો તે નિષ્ફળ ગયો અને તારી દયા આણતાં તારા પિતાનાં આ વચન સાંભળવા પડે છે. મેં કે મણિરાજે તારો શો અપરાધ કર્યો હશે વારું ?’
મુળુ બેડીઓમાં ઊબો હતો તે આળસ મરડી જરા ઊંચો થઇ બોલ્યોઃ
‘મહારાજ, આ અંગ્રેજની સાથે આપે સંધિ કર્યો ન હોત તો આ પ્રસંગ આવત નહીં. કર્યો તો ખેર. પણ એ સંધિ કરવા સારુ આપની બુદ્ધિને ફસાવનાર આ બ્રાહ્મણને આપે દૂર કર્યો હોત તો આ પ્રસંગ ન આવત. થવા કાળ તે થયું. આ મહાન રાજપ્રસંગોમાં આપ અશક્ત નીવડ્યા અને આવા હલકા બ્રાહ્મણના વશીકરણથી બંધાઇ રહ્યા છો એમ મને કદી મુક્ત થાવ નહીં ત્યાં સુધી આ સિંહાસનને માટે આપ યોગ્ય છો એમ મને કદી લાગનાર નથી. જે ભાર લેવા ખેંચવાનું સાધન મેં વાપર્યું. મેં એમાં કાંઇ ખોટું નથી કર્યું. જગતમાં ઘણા અયોગ્ય રાજાઓ રાજ્યાસન પર બેસી સમર્થ પુરુષોને જીવનથી મુક્ત કરે છે તેમ આપ ભલે મને પણ મુક્ત કરો. હું મરવા તૈયાર છું.’
સામંતને ક્રોધ ચડ્યો તે અટક્યો નહીં - તેણે એકદમ ઊઠીને મુળુના કપાળમાં મુક્કો માર્યો અને લોહીની ધારા ચાલી. રાજાએ સામંતને પાછો ખેંચી લીધો. વચન કાઢ્યું :
‘મુળુ, તારા પિતાને ક્રોધ તને શિક્ષા કરે છે તે શિક્ષાથી તને આજ તારી બાળક અવસ્થા સાંભરતી હશે તેવે ક્ષણે મારાં પણ બે વચન સાંભળ. મારે મોંએથી તું ન્યાય સાંભળે તે પહેલાં તારે મોેંએ મારો ન્યાય સાંભળતાં મને આનંદ થાય છે મુળુ, તારે માથે જે આરોપ છે તે તું સિદ્ધ કરે છે પણ મારે માથે જે આરોપ તું મૂકે છે તે સત્ય છે કે નહીં તે તને અનુભવનાં વર્ષ વગર બીજું કોઇ શીખવી શકે એમ નથી. જો તને દેહાંતદંડ કરી તને એ વર્ષ પ્રાપ્ત કરવા હું ન દઉં તો હું તારા આરોપમાંથી મુક્ત નહીં થાઉ. માટે પ્રથમ તો આ આરોપમાંથી મુક્ત થવાના મારા સ્વાર્થ માટે તને દેહાંતદંડ હું દઇ શકતો નથી.’
સામંત કૂદ્યો અને ગાજી ઊઠ્યો : ‘શું મહારાજ, શું-એ નહીં થાય. ભયતોએ કરેલી શિક્ષા કબૂલ રાખવી પડશે.’
મલ્લરાજ - ‘સામંત, ધીરો થા. તારું વચન સાંભળવાનો કાળ આવશે. મુળુ, તું જે વંશમાં જન્મ્યો છે તેમાં આજ સુધી કોઇને તારા જેવી બુદ્ધિ સૂઝી નથી અને તને સૂઝી તે કાળબળ છે. મારું અંતઃકરણ હજી મને કહે છે કે જતે દિવસે આપણા વંશની બુદ્ધિ તને સાધ્ય થશે, અને એમ છે તો તને સંસારમાંથી ભૂંસી નાંખવા મને અધિકાર નથી. જે અપરાધી કદી સુધરે એમ નથી અને જેના ત્રાસથી સંસાર કદી મુક્ત થાય એમ નથી અપરાધીને જ સંસારમાંથી દેશવટે કાઢવો યોગ્ય છે - તે જ મૃત્યુને પાત્ર છે. હું તારી વાતમાં નિરાશ થતો નથી તો તું મૃત્યુને પાત્ર નથી. મુળુ, જે રાજ્યાસનને માટે તું આજ ઇશ્વરનો અપરાધી થયો છે તે રાજ્યાસનને કોઇ દિવસ પણ તારા જેવા રાજાને ખપ નહીં પડે એમ કહેવાતું નથી; અને તેમ ખપ પડે તે કાળે પાકા વયને અને ટાઢતડકાના મહાન અનુભવને પામી તું આયુષ્યમાન હોય એમ ઇચ્છવું એ મારો ધર્મ છે. મુળુ, જે મણિરાજને સંસાર છોડવાનો માર્ગ દેખાડવા તું તત્પર થયો હતો તે મણિરાજ કોઇ કાળે આ રાજ્યાસન ઉપર બેસવાને જીવતો હશે તો ત્યાર સોરો તેની ક્ષમાનો તું પાત્ર થશે અને એ એવી ક્ષમાવાળો થશે એવી મને આશા છે, તે આશાને હું નષ્ટ નહીં કરું. માટે સામંત, એક બોલ બોલ્યા વગર તું જ આજ મુળુને કેદમાં રાખ અને એનું આયુષ્ય તોડ્યા વિના એને એવી શી શિક્ષા કરીએ કે તારી અને મારા ભાયાતોની ઇચ્છા સિદ્ધ થાય અને મારી આશાઓ પડી ન ભાંગે તે સર્વનો વિચાર તારી સાથે કરી કાલનો સૂર્ય ઊગતાં તેનો અમલ કરીશું.’
મુળુને યોગ્ય ઠેકાણે વશ રાખી સામંત પાછો આવ્યો. રાજા, પ્રધાન, અને રાજબન્ધુ, એ ત્રિપુટી વચ્ચે રાજવંશનું ભવિષ્ય ચર્ચાવા લાગ્યું.
મલ્લરાજ - ‘જરાશંકર, ભાયાતોએ ચૂકવેલો ન્યાય તો જાણ્યો. તેમને મેં ન્યાયનો અધિકાર આપ્યો છે, શિક્ષાનો આપ્યો નથી. તેમણે સૂચવેલી શિક્ષા અત્યંત લાગવાથી મને રુચતી શિક્ષા મેં બતાવી છે. એ શિક્ષા કેવી રીતે આચારમાં આણવી તેની ચર્ચા કર.’
સામંત - ‘મહારાજ, ઓછી શિક્ષા આપ બતાવો છો તેનું કારણ જાણવા મને અધિકાર છે.’
મલ્લરાજ - ‘હા, મુળુના દેખતાં મેં કારણ કહ્યું તે તેં સાંભળ્યું.’
સામંત - ‘પણ મને તેથી સંતોષ વળ્યો નથી. શત્રુનો નાશ કરવાને પ્રસંગે તેનું પોષણ કરવું એ ઉદારતામાં મૂર્ખતા છે. આ સર્પ દૂધ પાવા યોગ્ય નથી. તે બહારવટે નીકળશે; આપણી પ્રજામાં, આપણા ભાયાતોમાં, અને અંતે અંગ્રેજ અધિકારીઓમાં - આ દુષ્ટ રાક્ષસ મિત્રતા કરશે અને આ રાજ્યને માથે અનેક શત્રુઓ ઊભા કરશે. મહારાજ, હું સ્પષ્ટ કહું છું કે આ દુષ્ટ હવે જીવવાને યોગ્ય નથી. રાજ્યને વિષ દેનારને માટે મરણની સજા પણ ઘણી નાની છે.’
મલ્લરાજ - ‘ભાયાતોને હાથે ભાયાતોનો ન્યાય કરાવવાનો માર્ગ આપણે અંગ્રેજોને માટે જ કાઢ્યો છે તે તને યાદ હશે.’
સામંત - ‘હા.’
મલ્લરાજ - ‘ભાયાતોને એ ધર્માસનનો અધિકાર આપ્યો તે રાજ્યઅંગને કવચ પહેરાવવા.’
સામંત - ‘હા.’
મલ્લરાજ - ‘ભાયાતોને અંગ્રેજ દ્ધારા રાજ્યઅંગ ઉપર ઘા કરે ત્યારે આ ક્વચ સમર્થ રક્ષણ કરી શકે તેને માટે જ ભાયાતોની સંમતિ લઇ આ ક્વચ ઘડેલું છે.’
સામંત - ‘હા.’
મલ્લરાજ - ‘તો અંગ્રેજ અને મુળુ ઉભયનાથી જેટલા કરાય એટલા ઘા તે કરશે તેમ તેમ ક્વચનું બળ જણાશે, અને કોઇ સ્થળે છિદ્ર હશે તો તે પણ જણાશે, અને તે છિદ્રનો ઉપાય કવરામાં સામંતનું મલ્લરાજને સાહાય્ય છે.’
સામંત - ‘એ બધાની હા. પણ આવ, કુહાડા પગ ઉપર એમ કરવાનો માર્ગ મને ગમતો નથી.’
મલ્લરાજ - ‘હાલ એ કુહાડાથી આપણો પગ બચશે. પણ હું તું કે મણિરાજ કોઇ ન હોઇએ તે કાળે જેને આપરે રાજ્યનો શત્રુ ગણીએ છીએ તે રાજ્યનું છત્ર થઇ શકે એમ છે - એમ છત્રનો દંડ મૂળ આગળથી તોડી પાડવો એ રાજ્યના શત્રુનું કામ છે.’
ઘણી ચર્ચા કરતાં અંતે મલ્લરાજના વિચારની યોગ્યતા સ્વીકારાઇ. મુળુને ગમે તે રાજાના રાજ્યમાં રહી તેણે આયુષ્ય પૂર્ણ કરવું, ત્યાં એના પોષણ યોગ્ય દ્રવ્ય દર વર્ષે મોકલવું, એના પોષણનું સાધન થવા અપાતું દ્રવ્ય કુમાર્ગે વપરાય નહિ એટલું વધારે ન થાય એવી રકમ આપવી, સામંતના આયુષ્યને અંતે એનો સર્વ ગરાસ રાજ્યમાં જપ્ત કરવો, આ પ્રમાણે મુળુના આશ્રય માટે ઠરાવેલા રાજાનું રાજ્ય છોડી મુળુ બહાર નીકળે અથવા રત્નનગરીના રાજ્યની વિરુદ્ધ વર્તણૂક દેખાડે તો આમ અપાતું દ્રવ્ય બંધ કરવું, રત્નનગરીના રાજ્યની હદમાં એ આવે તો એને કેદ કરવો અને એનું બાકીનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી એને કેદ રાખવો, અને મણિરાજ ગાદી ઉપર બેસે અને મણિરાજનું મન પ્રસન્ન થાય તો મુળુની આ સર્વ શિક્ષામાંથી ગમે તેટલીની મણિરાજ ક્ષમા આપે - આ પ્રમાણે શિક્ષા નિણીત થઇ, અને મુળુની ઇચ્છા પ્રમાણે તેને રાણા ખાચરના રાજ્યમાં મોકલી દીધો અને શિક્ષાપાત્ર ઉપર ભાયાતોના પંચે અત્ર મતમ્ (‘અત્ર મતું’) લખ્યું.
મુળુ રાજ્યમાંથી ગયો, પણ અનેક જાતનો ઉચાટ પાછળ મૂકતો ગયો. એજન્ટને કાને એને બહાર મોકલ્યાના સમાચાર ગયા. એણે મલ્લરાજ ઉપર પત્ર લખી ખરા સમાચાર મંગાવ્યા. પત્ર જોતાં સામંતે મુળુને માથે આરોપ મૂક્યો કે એણે એજન્ટને ત્યાં ફરિયાદ કરેલ હોવા જોઇએ. એ પત્રના ઉત્તરમાં રત્નનગરીથી પત્ર ગયો તેમાં સામું પૂછવામાં આવ્યું કે આ સમાચાર તમે કોની પ્રેરણાથી મંગાવો છો, શા કારણથી મંગાવો છો, અને શા અધિકારથી મંગાવો છો. ઉત્તર આવ્યો અને એજન્ટે લખ્યું કે ‘એ સમાચાર અમે અમારી પોતાની ઇચ્છાથી મંગાવીએ છીએ. મુળુના સમાચાર સત્ય હોય તો તે બહારવટે નીકળે એવો સંભવ છે, ને તેમ કરે તો દેશની શાંતિને ભય, એ ભય દૂર રાખવાનો અધિકાર સર્વ રાજાઓની ચક્રવર્તિની સત્તાના ચક્રવર્તિત્વને અંગે સમાયેલો છે, અને એ અધિકારનું પોષણ કરવામાં રાજાઓ, પ્રજાઓ અને ચક્રવર્તીનો એકસ્વાર્થ છે.’ અંતે એજન્ટે મલ્લરાજને વિજ્ઞાપના કરી લખ્યું કે : ‘હું પોતાને આપનો મિત્ર સમજું છું અને તે મિત્રતાના અધિકારથી સૂચના કરું છું કે સરકારનો આ અધિકાર સ્વીકારવામાં આપના ઉપર સદ્ગુણી રાજાઓને કાંઇ પણ ભય નથી, એ અધિકાર ન સ્વીકારવામાં આપના ઉપર વિના કારણ શંકા ઊભી કરવાનું બીજ છે, અને એ અધિકારનો સર્વત્ર સ્વીકાર કરાવવા સરકારની શક્તિ છે તે આપને વિદિત છે અને ઇચ્છા છે તે હું આપને વિદિત કરું છું.’
આ પત્ર વંચાતાં મલ્લરાજ ગાજી ઊઠ્યો : ‘રાજાઓના પંચનું રૂપ આ એજન્ટે ધારણ કર્યું હતું - હવે રાજાઓના ફોજદારનું અને હવાલદારનું રૂપ એણે ધરવા માંડ્યું ! જરાશંકર ! આ તારી રાજનીતિનું ફળ ઊગી નીકળ્યું !’
જરાશંકરના કાન મહારાજ ભણી હતી અને આંખ સામંત ભણી હતી આટલા અનુભવ પછી સામંત આજ કેવું રૂપ ધરે છે તે જાણવા એને આતુરતા થઇ અને મલ્લરાજને ઉત્તર દેતા પહેલાં પળવાર સામંત ભણી જોઇ રહ્યો. સામંત તે કળી ગયો, અને પ્રથમ પેઠે ગર્જવાનું છોડી દઇ ગંભીર સ્વરે બોલ્યો :
‘મહારાજ, પ્રધાનની જે રાજનીતિ ઉપર આ ફળનો આપ આરોપ મૂકો છો તે જ નીતિમાં એનો પ્રતિકાર પણ સમાયેલો છે.’
‘શું સામંત, રાજાને છોડી પ્રધાનના રથમાં બેસી ગયો ? સામંત, હું જાગું છું કે ઊઘું છું ? આ-તુ-?’ મલ્લરાજ અતિ આશ્ચર્યમાં પડી, નેત્ર વિકસાવી, લાંબો હાથ કરી, સામંત સામું જોઇ રહ્યો અને બોલ્યો.
સામંત કંઇક હસ્યો અને બોલ્યો : ‘મહારાજ, આપ નિદ્રામાં છો એમ તો મારાથી કેમ કહેવાય ? પણ આ રાજનીતિનો વિષય આજ સુધીમાં જ્યારે જ્યારે ચર્ચાયો હશે ત્યારે ત્યારે હંમેશ આપ અને હું પ્રથમ એક પક્ષમાં રહી બન્ધુત્વ સ્વીકારતા, પણ આપ બ્રાહ્મણબુદ્ધિના પ્રવાહમાં અંતે ભળી જતા અને પક્ષ બદલતા ત્યારે હું મારા અસલ પક્ષમાં કાયમ રહેતો. આપે આપેલા અનુભવે ઘણે કાળે આજ મારો એ અભ્યાસ છોડાવ્યો છે, અને આપ અંતે જે પક્ષમાં ભળવાના તે પક્ષને હું આરંભથી જ વળગું છું.’
મલ્લરાજ ખડખડ હસી પડ્યો. ‘સામંત, ત્યારે મેં તને કરેલી શિક્ષા તેં સફળ કરી. પણ એ શિક્ષા સફળ રાખીને તારો કરો અભિપ્રાય કહે. મારો અભિપ્રાય એવો ન હતો કે તારે તારો અભિપ્રાય સંતાડવો.’
સામંત - ‘મહારાજ, આપના કે કોઇના ભયથી અસત્ય બોલું તો હું આપનો બન્ધુ થવા યોગ્ય નથી. મહારાજ, આપે આપેલા દેશવટાના અવકાશમાં શાંત ચિત્તે વિચાર કરતાં પ્રધાનજીની રાજનીતિમાં હું તેમનો અંતઃકરણથી શિષ્ય થયો છું, અને તેથી જ એમની રાજનીતિ ઉપર આપે મૂકેલા આરોપમાંથી એમને મુક્ત કરવા જેટલી છાતી ચલાવી શકું છું.’
મલ્લરાજ - ‘શી રીતે ?’
સામંત - ‘મહારાજ, નિર્વાહકાળની નીતિ પ્રધાનજીએ આપની પાસે સ્પષ્ટ કરી છે. નવા ભોજન ઉપર બેઠેલી સરકારને હવે ઘણી ઘણી ઇચ્છાઓ થશે. કેટલીક ઇચ્છાઓ ન્યાયે કે અન્યાયે, બળે કે કળે, તૃપ્ત કરવા સરકારનો આગ્રહ થશે; એ આગ્રહ સામે આપણે શસ્ત્રયુદ્ધ કરવાનું નથી, અને લેખયુદ્ધથી પાણી વલોવવા જેવું થશે. બળવાનની સાથે નકામો વિરોધ થશે, વિવિધ વિરોધે હાર થશે, અને હારે હારે તેમને મન હારેલા શત્રુમાં લેખાઇશું, આપણા મનમાં અપમાન લાગશે, બીજાઓની પાસે પ્રતિષ્ઠા જશે, અને વાર્યા નહીં કરીએ તે હાર્યા કરીશું. મહારાજ, આ આત્મવિડંબના જાતે ઊભી કરવી મને કંઇ ઠીક લાગતી નથી. એ મૂર્ખતા કરતાં રાજ્ય છોડવું સારું.’
મલ્લરાજ - ‘ત્યારે શું કરવું ?’
સામંત - ‘આપણા બોલ્યા કે લખ્યાથી સરકાર પોતાની ઇચ્છા ફેરવે એવો સંભવ લાગે ત્યારે જ સરકારની સામે લખયુદ્ધ કરવું. અને મિત્રભાવે તેમની પાસે જે સાકર વટાય તે વાટવી અથવા કડવા થવાથી ફળ લાગે ત્યાં કડવા તઇ લડવું. પણ સરકારને કોઇ વાતની ઇચ્છા થઇ જણાય તો પ્રથમ એટલો વિચાર કરી નિવાર્ય ઇચ્છાઓમાં સામા થવું અને અનિવાર્ય છે કે નિવાર્ય છે : અને એટલો વિચાર કરી નિવાર્ય ઇચ્છાઓમાં સામા થવું અને અનિવાર્ય ઇચ્છાઓ વગર બોલ્યે સમજી જવી, અને જે ઇચ્છાઓને આજ્ઞા ગણી શત્રુ બની પાળવી પડે તે ઇચ્છાઓ મિત્રરૂપે તૃપ્ત કરવી અને મોટાને ઉપકારવશ કરવા. મહારાજ, જૂના કાળનાં પાણીમાં તરેલાં મારા અને આપના જેવાં માછલાઓને આ વાત ગમવાની નથી મને પોતાને એ કરવા કરતાં મરણ વધારે મીઠું લાગે છે. પણ મહારાજ, રાજાઓના અને ક્ષત્રિયોના સ્વભાવ કરતાં તેમના ધર્મ મોટા છે અને કાળબળના ભાર તળે દબાયેલાં ચંપાયેલા હાથ કાઢી લેતાં અથવા ન નીકળે તો તેનું દુઃખ સહેતાં કષ્ટ વેઠવું એ રાજધર્મ મોટો છે.’
સામંતના સ્વભાવ અને વિચારમાં થયેલો ફેર જોઇ જરાશંકરને હર્ષનાં આંસુ આવ્યાં, તેનો કંઠ ગદ્ગદ થઇ ગયો, અને ઘણુંક બોલવાનું હ્ય્દયમાં ભરેલું છતાં તે એક સ્વર કાઢી શક્યો નહિ.
મલ્લરાજ સામંતનાં વાક્યમાં લીન થઇ ગયો અને પ્રધાનને ભૂલી જઇ સામંત સાથે જ બોલવા લાગ્યો :
‘સામંત, આજ પ્રધાનના કરતાં તારા વચન માટે વધારે અનુભવવાળાં લાગે છે, અને એ વચન પ્રધાનને મીઠાં લાગશે. તો કહે કે સરકારે આપણાં ઘર તપાસવા મોકલેલા આ ફોજદારનું શું કરવું ? સરકારની એવી પણ ઇચ્છા હશે કે એમનાં કૂતરાં આપણાં ઘરમાં આવી ભસવા લાગે તોયે આપણે પથરાા મારી તેને દૂર ન કરીએ ? સરકારની એવી એવી ઇચ્છાઓને તે નિવાર્ય ગણવી કે અનિવાર્ય ગણવી ?’
આ વાક્ય બોલતાં બોલતાં મલ્લરાજનાં નેત્ર રાતાં થઇ ગયાં અને એને સ્વેદ થઇ ગયો. ક્ષત્રિય સ્વભાવની અનુકમ્પ કરતો ક્ષત્રિય બોલ્યો : ‘મહારાજ, આપે જન્મ ધરી આજ્ઞા કરવી જાણી છે - આજ્ઞા ઉપાડવી જાણી નથી - તેનાથી આ અવસર સહેવાય એવો નથી. પણ દિલ્હીના પાદશાહો અને સૂબાઓ અને પૂનાના પેશવાઓ અને તેના અધિકારીઓ રાજાઓના ગઢ આગળ આવી બળાત્કાર કરી આજ્ઞાઓ તરત પળાવતા તેને ઠેકાણે આજ એવું માનો કે આઘેની છાવણીઓમાં સેનાઓ સંતાડી રાખી સરકારના એજન્ટો એ જ સેનાઓને બળે આપની પાસે બળાત્કારે આજ્ઞાઓ પળાવવા ઇચ્છે છે. એ બળાત્કાર આગળ ટકવાનાં સાધન વિનાના રાજાઓએ એ બળાત્કારને વશ થવું અને જવા બેઠેલા રાજત્વમાંથી જેટલું હાથમાં રહે એટલું રાખવું - એ તો રાજ્યના ઘોડા ઉપર નાંખેલા જીનનું એક પાસનું પેંગડું છે અને આપ સિંહાસને ચડ્યા ત્યારથી આપે તેમાં પગ મૂકેલો છે.’
આ વચન સાંભળતો સાંભળતો મલ્લરાજ નરમ થયો અને તેના પ્રતાપી કપાળમાં કંઇ કંઇ વિચારની કરચલીઓ પડી ચાલી ગઇ.
‘સામંત, તું કહે છે તે ખરું છે. અંગ્રેજની સાથે જ્યારે જ્યારે સંધિ થયેલા ત્યારે તું આજ કહે છે તે બધી વાતો કરવી પડશે એ મેં ધારેલું હતું. પણ ખરું પૂછે તો હવે મારા શરીર તેમ જ મન ઉપર વૃદ્ધાવસ્થાનું બળ વધે છે અને મારી સ્મરણશક્તિ અને બુદ્ધિ દિવસે દિવસે બહેરી થતી લાગે છે; વૃદ્ધાવસ્થાએ તારી બુદ્ધિને સતેજ કરી ને મારી બુદ્ધિમાં ઝાંખ ભરવા માંડી છે. જરાશંકર, સામંતનું બળ તને પ્રતિકૂળ હતું ત્યાં સુધી તારા રક્ષણને અર્થે મેં રાજ્યભાર મારે માથે રાખ્યો હતો. હવે તારા રક્ષણનો પ્રસંગ નથી. સામંત તને અનુકૂળ છે - પ્રતિકૂળ નથી. મણિરાજ બાળક છે. એ બાળક છે તે ભાર ઝીલે એમ નથી. હું વૃદ્ધ થયો તે ઝીલી શકતો નથી. તું અને સામંત આજથી આ રાજચિંતાના પ્રવાહને સંભાળજો. મને પરમાત્માના વિચાર કરવા દો.’
સામંત અને જરાશંકર ઉભયનાં હ્ય્દય આ વાક્યથી ભરાઇ આવ્યાં અને તેમનાં નેત્રમાંથી આંસુ નીકળવાં બાકી રહ્યાં. થોડીક વાર સુધી કોઇ બોલી શક્યું નહીં. અંતે સામંત પોતાની આંખો લોહતો લોહતો બોલ્યો :
‘મહારાજ બેઠેલો હતો તે ઊઠ્યો. એનું પ્રચંડ શરીર રાજમહેલના મહાન સ્તંભ જેવું લાગવા માંડ્યું. પણ આજ સુધી તેમાં શૌર્ય અને ઉદ્રકની તીવ્રતા હતી, તેને ઠેકાણે વિરકતતા અને ઉદાસીનતા કરેલી લાગી. એના મુકુટમંડીલમાંથી રાજલક્ષ્મીને કાઢી મૂકી તેને સ્થાને ધર્મવાસના ચડી ગઇ હોય અને તેનો રસ આખા મુખરવિંદમાં ઊતરી ગયો હોય તેમ મલ્લરાજના કપાળમાંથી સંસાર સરી ગયો લાગ્યો, નેત્ર ઉઘાડાં હોવા છતાં અંતર્વૃત્તિ પામતાં દેખાયાં, કાન કાંઇ અવ્યકત સ્વર સુણવા તત્પર ભાસ્યા, અને મુખપુટને આ સંસારમાં બહાર કાઢવા જેવો કાંઇ અક્ષર ન જડતો હોય તેવી કાન્તિ થઇ ગઇ. આ નવું સ્વરૂપ ધરી ઊભો થયેલો મલ્લરાજ કઇ દિશાએ જવું તેનો વિચાર કરતો જણાયો. એ ઊભો થયો તેની સાથે સામંત અને જરાશંકર પણ ઊભા થયા, અને રાજાના મનની કુંચી અચિંતી હાથ લાગી હોય એમ, તેના સમ્મુખ આવી, પ્રધાન તેના રાજસંસ્કાર જગાડવા અને તેમાં ઉત્સાહ ભરવા પ્રયત્ન કરવા લાગ્યો :
‘મહારાજ, વાનપ્રસ્થ થવા આપનો વિચાર હોય તો તે પણ યોગ્ય છે, અને રાજ્યચિંતામાં આપનો ભારવાહી થનાર પ્રધાન આત્મચિંતામાં પણ આપની સાથે વનના અન્ધકારમાં દીવો લઇ ચાલવા તૈયાર છે. પણ મરનારે પોતાની પાછળ જીવનારની વ્યવસ્તા કરી જવી એ સંસારમાં અતંકાળનો ધર્મ છે-’
મલ્લરાજને કંઇ હસવું આવ્યું હોય તેમ મુખ કરી બોલ્યો : ‘ઠીક છે - તે થશે - તું અને સામંત તેનો વિચાર કરી લાવજો. હું કાંઇ અત્યારે જ રિસાયેલા બાળક પેઠે નાસી જનાર નથી. પણ એ એક વાત સિવાય બીજી બધી વાતોના વિચાર તમે કરજો.’
જરાશંકર - ‘તે વિચાર અમે કરીશું, પણ આપની આજ્ઞાથી જ તે વિચાર સિદ્ધ થશે.’
મલ્લરાજ - ‘એટલે તેમ કે તમે વિચાર કરી મારી પાસે પણ વિચાર કરાવો ? એવી કિરકોળી વાતોના વિચાર સાથે અંતકાળના ધર્મને સંબંધ નથી.’
જરાશંકર - ‘પણ તે વાતોને એ ધર્મ સાથે સંબંધ છે કે નહીં તેનો નિર્મય કરવો તે તો આપના વિના બીજું કોઇ કરે એમ નથી.’
મલ્લરાજ - ‘તેથી શું ?’
જરાશંકર - ‘શું તે એ કે અમુક વાતોની ને વિચારની વીગત આપે સાંભળવી, સાંભળીને એના ને અંતકાળના ધર્મના સંબંધનો નિર્ણય કરવા જેટલો વિચાર કરવો, ને પછીનું પછી !’
મલ્લરાજ - ‘એટલો બધો વિચાર કરવો, અને આજ્ઞા કરવી, ત્યારે વિચાર ન કરવાનું શું બાકી રહ્યું ?’
જરાશંકર - ‘તે તો અમે શું કરીએ ?’
મલ્લરાજ - ‘સામંત, તને એમ નથી લાગતું કે આ પ્રધાન બહુ લુચ્ચો છે ? જે વાત કરવાની મેં ના કહી તે જ વાત કરવાની એણે મારી પાસે હા કહેવડાવી, અને મારા શબ્દોને પ્રતિકૂળ થયા વિના પોતાનો અભિપ્રાય સિદ્ધ કરે છે.’
સામંત - ‘મહારાજ, એમ કરે છે માટે જ એ આપના પ્રધાન થવા યોગ્ય છે. કેટલાક પ્રધાનો રાજાઓ બોલે તેમાં હા જી હા ભણે અને પોતાનો પગાર મળે એટલે પોતાની પ્રધાનતા સિદ્ધ થઇ ગણે છે અને રાજાના કે પ્રજાના હિતાહિતનો વિચાર કરતા નથી, અને વિચાર કરે છે તો તે બેધડક બોલી દેતા નથી અને દ્રવ્ય અને સત્તાની લાલચે સ્વામીને છેતરે છે, તેની પાસે અસત્ય બોલે છે, અને તેની દુષ્ટ ખુશામત કરી તેને મનમાંથી મૂર્ખ ગણે છે. આવા રાજદ્રોહી પ્રધાનો રાજા અને પ્રજા ઉભયના શત્રુ છે. મહારાજ, આવા પ્રધાનની વાસના આવતાં રાજાએ તેને ગટરમાં ફેંકી દેવો.’
મલ્લરાજ - ‘પણ જરાશંકરે પોતાની વાત મને બેધડક ક્યાં કહી? એણે તો આડેઅવળે રસ્તે મને લીધો, છેતર્યો, અને મારા વચનથી મને બાંધી કેદ કરી હવે પોતાનું ધાર્યું મારી પાસે કબૂલ કરાવે છે.’
સામંત - ‘તે બરાબર કરાવે છે. રાજાઓ પાસે બેધડક વાત કરવી એટલે માને બાપની વહુ કહી દેવા જેવું કરવાનું નથી. મહારાજ, મેં આપની પાસે ઘણી વાતો બેધડક કરી દીધી છે પણ માને બાપની વહુ કહ્યા જેવું કરેલું છે. ત્યારે પ્રધાનજીએ આપની પાસે સત્ય વાતને પ્રિય રૂપ આપી કહી દીધી છે - એ એમની ચતુરતા અને મારી મૂર્ખતાનાં દષ્ટાંત. સત્ય, હિત અને પ્રિય બોલવું એ રાજસેવકનું કામ છે.’
મલ્લરાજ - ‘ત્યારે તો એ અસત્ય ને પ્રિય પણ બોલે.’
સામંત - ‘કોઇ શાસ્ત્ર એમ નથી કહેતું કે અસત્ય બોલો. માત્ર ‘સત્ય, હિત અને પ્રિય’ બોલવું એવું આપણાં શાસ્ત્ર બોલે છે તેનો અર્થ મને તો એવો લાગે છે કે અસત્ય તો કદી પણ બોલવું જ નહીં, જે વાક્ય સત્ય હોય પણ હિત અથવા પ્રિય ન હોય તે ન બોલતાં મૌન રાખવું, અને જે વાક્ય સત્ય અને હિત હોય પણ પ્રિય ન હોય તે વાક્ય કદી પણ ન બોલવું એમ ન કરવું; પણ પ્રધાનની પ્રધાનતા ક્યારે કે ગમે તેવી ચતુરાઇ કરી સત્ય અને હિત વાક્ય રાજાને પ્રિય થાય અવી યુક્તિ કરે અને તેને પ્રિય કરી દઇ અંતે રાજાને એ વાક્ય કહી દે.’
મલ્લરાજ - ‘કેમ, જરાશંકર, આ વાત ખરી ?’
જરાશંકર - ‘સામંતરાજ જેવા ચતુર વકીલ મળે તે છતાં રંક બ્રાહ્મણ બોલકણો બને તો બરાબર બ્રહ્મભટ્ટ જ થાય.’
મલ્લરાજ - ‘ત્યારે શું તારા મનમાં એમ છે કે સત્ય વાત એકદમ સાંભળી શકવાની રાજાઓમાં શક્તિ નથી ?’
જરાશંકર - ‘આપનો અનુભવ આપ જાણો - આપણી શક્તિનો આપને અનુભવ. બળવાન સરકારના માણસે માત્ર પ્રશ્ન પૂછ્યો તે સાંભળતાં જેને અંગે અગ્નિ ઊઠ્યો તેવા તેજસ્વીના મુખમાંથી વચન તો શું પણ શ્વાસ સરખો નીકળે તેના પ્રવાહની સામે ઊભા રહેવા એક પ્રધાનનું ગજું કેવી રીતે હોય ? મહારાજ, હું આ મારું ગજું - મારી શક્તિ - જાણું; આપણી શક્તિ આપને ખબર.’
મલ્લરાજ - ‘ઠીક, એમ બોલ. પણ રાજાઓમાં આ શક્તિ ન હોય તે સારું કે ખોટું ?’
જરાશંકર - ‘સારું કે ખોટું એ પ્રશ્નના ઉત્તર દેશકાળ પ્રમાણે જુદા જુદા દેવાશે. પણ શાંતિપર્વમાં પિતામહે યુધિષ્ઢિરને એવો ઉપદેશ આપેલો છથે કે આવી શક્તિવાળા રાજાઓને માથે એમના સેવકો ટપલા મારે એવો કાળ આવવાનો ભય છે.’
મલ્લરાજ - ‘પણ મારો તારો દેશકાળ કેવો છે ?’
જરાશંકર હસી પડી બોલ્યો : ‘આપે મારા મુખમાંથી વાત કઢાવવી જ ધારી છે તો આપની ઇચ્છા આગળ મારી ઇચ્છાનું બળ નથી - એ આપણો હાલનો દેશકાળ મહારાજને પ્રત્યક્ષ જ છે. બાકી આપ શાંત હો કે ઉગ્ર હો, હું આપને અર્થે પ્રવર્તતો હોઉ કે મારા સ્વાર્થમાં જાણ્યે અજાણ્યે તણાતો હોઉ, ઇત્યાદિ આપના અને મારા દેશકાળ પ્રસંગે પ્રસંગે અનેક થાય અને પ્રસંગે પ્રસંગે આપે સેવકો સાથે વર્તતાં એ અનેક દેશકાળ વિચારવા પડે એ કાળ રાજાઓની બુદ્ધિને વિના કારણ શ્રમદાયી છે અને ક્વચિત્ ભયંકર પણ છે. તેના કરતાં તો પિતામહનો ઉપદેશ સ્થિર ભક્તિથી પાળવો એ એક માર્ગ રાજા અને સેવક ઉભયને કુશલદાયી છે.’
મલ્લરાજ - ‘ત્યારે રાજાએ શું કરવું ?’
જરાશંકર - ‘સત્ય, પ્રિય, અને હિત - એ ત્રણે ગુણ જેમાં સાથેલાગા હોય એવાં વચન બોલવાનો સેવકોને અભ્યાસ પાડવો, અસત્ય વચનની અસહિષ્ણુતા રાખવી, હિતવચનના લોહચુંબક થવું, પ્રિય વચનની અપેક્ષા રાખવી નહીં. અપ્રિય વચનને ઉત્તેજન આપવું નહીં, અપમાન સહેવું નહીં, આજ્ઞાભંગ સ્પષ્ટ થતાં સ્પષ્ટ અને સત્વર શિક્ષા કરવી. અને જેને જે ધર્મ ઉચિત હોય તે ઉપરાંત એક પણ અક્ષરનો ઉદ્ગાર રાજાની પાસે નીકળી શકે નહીં એટલું ઉગ્ર રાજતેજ સેવકની દૃષ્ટિથી પરોક્ષ થાય એવું કદી પણ થવા દેવું નહીં, ઇત્યાદિ ઇત્યાદિ પથ્યનું સેવન કરવું તેને શક્તિ કહો કે અશક્તિ કહો પણ એ પથ્યનું સેવન રાજઅંગને આવશ્યક છે, અને આપને એવાં પથ્યનું સેવન કરતાં હરકત ન થાય એટલી ચિંતા રાખી મેં આપની પાસે બધી વાત બેધડક કહી દીધી છે.’
છાતી પર હાથનો સ્વસ્તિક વાળી સર્વ ભાષણ સાંભળી રહ્યો હતો તે સ્વસ્તિક છોડી, હસી પડી. મલ્લરાજ બોલ્યો :
જરાશંકર, તારું ભાષણ લાંબું તો થયું પણ હવે એ પથ્યસેવન તેં દેખાડ્યું તો થશે તેટલું કરીશું; પણ એજન્ટના પ્રશ્નનું શું કરવું તે કહે.’
જરાશંકર - ‘મહારાજ, એ તો આપને અમસ્તો ક્ષોભ થયો. એજન્ટના વચનમાં કોઇ જાતની આજ્ઞા નથી. એ તો વાનરો રાજ્યઅંગમાં છિદ્રો શોધવા આમતેમ દૃષ્ટિ કરશે એવું આપણે જાણતા હતા. હવે એ છિદ્ર જોવા આવનારી આંખોને સંતોષ આપીશું તો આપણી સન્નીતિના ક્વચમાં એ વાનરના નખ ખૂંપવાના નવતી એવી આપણે સંભાળ લીધેલી છે, અને એવું એવું એ જોવા આવે તો ભલે એ આંખો ફાડી ફાડી જુએ ને આપણે જોવા દેવું આપણો નિશ્ચય છતાં શો વિચાર બાકી છે તે મને સૂઝતું નથી.’
મલ્લરાજ - ‘પણ એજન્ટ પંચ મટી ફોજદાર થાય છે તે ?’
જરાશંકર - ‘પણ ફોજદાર આપણી ઝડપી લે તેમાં આપણે શું કરવા ડરવું ? જુએને જોવું હોય તેટલું. જેણે ચોરી કરી હશે તેને ભય; આપણને શું ? જે રાજ્યમાં છિદ્ર નથી તેમાં મર એવા વાનરો ડાળે ડાળે કૂદે.’
મલ્લરાજ - ‘પણ એ પોતાને અધિકાર શાનો ગણે ?’
જરાશંકર - ‘જુઓ, મહારાજ, આપણે તો માત્ર આપણા જ રાજ્યની વ્યવસ્થા રાખવાની છે; પણ અંગ્રેજને તો આ હિન્દુસ્તાનના સેંકડો રાજાઓનો રાજ્યની વ્યવસ્થા રાખવાની છે, કારણ ચક્રવર્તીનો ધર્મ એ કે સર્વ રાજ્યચક્રોને ફેરવનાર મોટું ચક્ર થવું એ ખૂણેખાંચરે ભરાઇ રહેલા ઝીણી ઝીણી આંખોવાળા અને વહોંતિયા હાથપગવાળી પરસ્પરથી છૂટા પડેલા નાનાનાના રાજાઓ જે વાત જોઇ શકે નહીં અને જે પ્રયોગ આરંભી પણ ન શકે એવી વાતો જોવી અને એવા પ્રયોગ સાધવા અને તેમ કરી પોતાનાં અને સર્વ નાનાં રાજ્યોના સામાન્ય લાભ સંભાળવા અને સર્વને માથેનાં સામાન્ય ભય દૂર કરવાં - એ ચક્રવર્તીનો ધર્મ. એ ધર્મને અંગે સર્વત્ર દૃષ્ટિ ફેરવવી, જાગ્રત રહેવું, અને સર્વને જાગ્રત રાખવા એ ચક્રવર્તીનો ચક્રાધિકાર. દેશકળાની આવશ્યકતા પ્રમાણે નવા નવા આવા અધિકાર એમને અનેકધા ધારવા પડશે. પણ આપના જેવાઓને માટે સારી વાત એ છે કે એ અદિકારનું નામ દેવાનો એ લોકને પ્રસંગ જ આવે નહીં એમ રાખવું, અને ભૂલ્યેચૂક્યે પ્રસંગ આવે તો સામંતરાજે બતાવ્યા પ્રમાણે નિવાર્ય કે અનિવાર્ય ઇચ્છા વગેરે વાતનો વિચાર કરવો. આપણે પ્રશ્ન પૂછ્યો કે તમારો અધિકાર શો એ આપણી ભૂલ. આપણી ભૂલ થઇ ત્યારે તેનો લાભ લઇ એજન્ટે લુચ્ચો ઉત્તર આપ્યો. ભૂલ થઇ તે થઇ, હવે નહીં કરીએ; અને થયું ન થયું કરવા બનતો ઉપાય કરીશું, પણ છિદ્ર શોધનાર આંખને સંતોષ આપતાં છિદ્ર વિનાના રાજાને કાંઇ ડર નથી.’
સામંત - ‘મહારાજ, હવે લાંબી ચર્ચા પડતી મૂકો. મારા કુળમાં દુષ્ટ અંગારો ઊઠ્યો તેની આ સહાય છે. મેં તો એને મૂઓ ગણી સ્નાન કરી દીધું છે. એ પ્રમાણે આ એજન્ટ સાંભળે એવડી પોક મૂકો. મહારાજ, જરાશંકર સત્ય કહે છે. એ પ્રમાણે કરવામાં રાજ્યને કે અધિકારને કાંઇ હાનિ નથી. ભાયાતી પંચનો ઠરાવ અને આખરનું શિક્ષાપાત્ર, એ બેની નકલો સાહેબને મોકલો અને બાકીનું હું અને જરાશંકર જોઇ લઇશું. મહારાજ, આ મરણપોક ખુલ્લે મોંએ મૂકવા દો, અને એ મરનાર,. પ્રેત થઇને, સાહેબના શરીરમાં ધૂણશે તો અડદ નાંખવા દો, અને એ મરનાર, પ્રેત થઇને, સાહેબના શરીરમાં ધૂણશે તો અડદ નાંખવા કે લીંબું ઉછાળવું તે જોઇ લઇશું. પણ હાલ તો આ પોક જ મૂકો. ઊઠો, જરાશંકર !’
સર્વ ઊઠ્યા. આગળ જરાશંકર અને પાછળ સામંત એમ બે જણ દ્ધાર બહાર નીકળ્યા. નીકળતાં નીકળતાં સામંતે ઓઠ કરડ્યા, દાંત કચડ્યા, પણ પૃથ્વી ઉપર પછાડ્યો. અને કેડ ઉપરના મ્યાનમાંથી કટાર અર્ધી કાઢી, ક્રોધથી અને આતુરતાથી તે ઉપર ડોક વાળી, દૃષ્ટિ કરી, પાછી કટાર મ્યાનમાં સમાવી દીધી. મલ્લરાજે એ સર્વ જોયું, અને પ્રધાન તથા ભાયાત એની દષ્ટિ આગળથી ગયા.