Bhagirath na varas books and stories free download online pdf in Gujarati

ભગીરથના વારસ - પ્રકરણ - 8

ભગીરથના વારસ

૮. ફરી એક વાર

વીણા ગવાણકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૮. ફરી એક વાર

૧૯૮૫ની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા પછી વિલાસરાવ થોડાઘણા વ્યથિત થયા, દુભાયા. કેટલોક સમય તેમને નિરાશાએ ઘેરી લીધા હતાએ સાચ્ચું જ. પણ એટલે તે પોતાના વિચારોથી દૂર ગયા એવું કાંઈ થયું નહિ. ઊલટ ત્યાર પછીનાં ચારપાંચ વર્ષના વાંચનમાંથી, અભ્યાસમાંથી, ચિંતનમાંથી તેમના વિચાર વધુ દૃઢ થતા ગયા. અધિક વ્યાપક થયા. તાત્ત્વિક સ્તર પર ગયા. વિલાસરાવ પોતાના વિચાર બાબત વધુ આગ્રહી થયા. પ્રત્યક્ષ ‘પાણી પંચાયત’ની ઉદવહન સિંચાઈ યોજના ઊભી કરવામાં સક્રિય ભાગ લેવાનું તેમણે બંધ કર્યું હોવા છતાં તેમના હાથ નીચે તૈયાર થયેલા ‘પાણી પંચાયત’ના કાર્યકરોને માર્ગદર્શન આપવાનું ચાલુ જ હતું. તેઓ ખળદ તે માટે અવારનવાર જતાં.

શ્રી અણ્ણાસાહેબ હજારે પ્રણિત રાળેગણસિદ્ધિ યોજના, શ્રી પોપટરાવ પવારના પ્રયત્નો દ્વારા ઊભી થયેલ હિવરે બજાર યોજના, શ્રી વિજય બોરાડે અને શ્રી જવાહર ગાંધીએ ઊભી કરેલ આડગાવ યોજના આ બધાની સફળતામાં ‘પાણી પંચાયત’ના ધોરણનો ફાળો મૂલ્યવાન બની રહ્યો.

વિલાસરાવને અનેક સ્થળોએથી વ્યાખ્યાન માટે આમંત્રણો આવતાં. આવા ઠેકાણે પોતાના વિચાર રજૂ કરવાની તક તે લેતાં.

ભાવી પેઢીની પ્રેરણા

ઈ.સ. ૧૯૮૮માં પુણેની એન્જિનિયરિંગ કૉલેજમાં વિલાસરાવનું વ્યાખ્યાન થયું. એન્જિનિયરિંગ ક્ષેત્ર બહાર કામ કરનારા આ એન્જિનિયરોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિલાસરાવે ત્યાં પુરંદરનો દુકાળ અને તેની ઉપરના ઉપાય વિષયે વ્યાખ્યાન આપ્યું. પોતાના ‘પાણી પંચાયત’ પ્રયોગ વિશે કહ્યું. પોતાના આ કાર્યમાં સહભાગી થવા ઓછામાં ઓછું એક વર્ષ આપવા કોણ તૈયાર છે, એવું વ્યાખ્યાન અંતે તેમણે આહ્‌વાન કર્યું. તેના પ્રતિસાદ રૂપે એન્જિનિયરિંગના અંતિમ વર્ષના ત્રણ વિદ્યાર્થીઓએ હાથ ઊંચો કર્યો. શ્રી પ્રસાદ રસાળ (સિવિલ), શ્રી પ્રસાદ સેવેકરી (સિવિલ) અને શ્રી સંતોષ ગોંધળેકર (ઇલેક્ટ્રોનિક) નામના ત્રણેય પદવી પરીક્ષા પૂરી થતાં જ ત્યાર પછીનું એક વર્ષ વિલાસરાવના કાર્યમાં સહભાગી થવાનો નિશ્ચય કર્યો. અંતિમ વર્ષમાં હતા ત્યારે જ તે અનેક વખત નાયગામ જતાં, ત્યાં જ રહેતાં.

રસાળ અને સેવેકરીએ અભ્યાસક્રમનો પ્રોજેક્ટ તૈયાર કરવાના વિષય માટે પાણી સંબંધી યોજના લીધી. શિવાપુર ગામ માટે બંધ-તળાવ-કૂવા-પાણીની ઉદવહન યોજના-વનસ્પતિ-પાકો-જનસંખ્યા ઇત્યાદિ વિષયક નાયગામ યોજનાના ધોરણે પ્રોજેક્ટ રચના કરી. પરીક્ષકોએ આ પ્રોજેક્ટના વખાણ કર્યા. ૧૫ મિનિટ માટેની તેમની મૌખિક પરીક્ષા ત્રણ કલાક ચાલી. અનુશ્રવણ તળાવ તેમના અભ્યાસક્રમમાં ન હતા જ. ત્યાં તે વિષયની રજૂઆત ઝીણવટપૂર્વક ક્યાંથી ઉપલબ્ધ હોય ? પછી આ શિવપુર યોજના સેવેકરી અને રસાળે ‘કપાર્ટ’ સંસ્થામાં રજૂ કરી. સંસ્થાએ તે તુર્ત જ સ્વીકાર્યો. તે માટે પુરસ્કાર પણ આપ્યો. આ અનુભવ દ્વારા આ યુવાનોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ છઈ. પદવી પરીક્ષા પછીનું એક વર્ષ આ ત્રણે જણ વિલાસરાવના કાર્યમાં સહભાગાી થયા. ઇલૅક્ટ્રોનિક એન્જિનિયરિંગની પરીક્ષા પાસ થયેલો નીલેશ કુલકર્ણી પણ પછી તેમની સાથે જોડાયો.

દસમું-અગિયારમું પાસ થયેલા અને ગ્રામ્ય કાર્યની રુચિ ધરાવનારા દસ-બાર તરુણો અને આ એન્જિનિયરિંગ પદવીધારીઓનો સંયુક્ત એવો એક છ મહિનાનો વર્ગ વિલાસરાવ અને થિટેંએ મળીને લીધો. આ બધા યુવાનોનો રહેવા-જમવાનો ખર્ચ ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાને’ કર્યો. આ એન્જિનિયર યુવાનોની મદદથી પાછળથી વિલાસરાવે જળસ્રાવ વિસ્તાર વિકાસ યોજના માટે અભ્યાસક્રમ તૈયાર કરાવ્યો અને તેનાય ચારપાંચ વર્ગ લીધા.

રસાળ, સેવેકરી, ગોંધળેકર પછી પ્રતિષ્ઠાનનું જ કામ કરવા લાગ્યા. પ્રતિષ્ઠાન તેમને દર મહિને રૂ. ૫૦૦ શિષ્યવૃત્તિ આપતી. આ એન્જિનિયર યુવાનોને સાથે લઈને વિલાસરાવે મહારાષ્ટ્રની વિવિધ પાણી-યોજનાઓનું નિરીક્ષણ કરવા માટે વીસ દિવસના પ્રવાસનું આયોજન કર્યું. મહારાષ્ટ્રની લગભઘ બધી જ પાણી યોજનાઓની તેમણે મુલાકાત લીધી. ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓને તાંત્રિક કામની મદદ જોઈએ છે, એમ આ પ્રવાસ દરમ્યાન ધ્યાને આવ્યું. આ સંસ્થાઓને તે માટે એન્જિનિયરનો પગાર આપવો પરવડે એમ ન હતો. આવી કેટલીક સામાજિક જરૂરિયાતો હોય છે. આ હકિકત કૉલેજમાં ભણતી વખતે આ વિદ્યાર્થીઓને સમજાઈ ન હતી. એ ભાન વિલાસરાવને કારણે તેમને આ પ્રવાસમાં થયું.

પોતાના કામ જેટલું જ મહત્ત્વ વિલાસરાવ બીજા લોકોના રચનાત્મક કામ માટે આપતાં. એ જોઈને વિદ્યાર્થીઓ પર અસર થઈ. અનેકોએ પોતાની રીતે વિકાસનાં સ્વતંત્ર જૂથ તૈયાર કર્યાં. પણ વિલાસરાવ માત્ર આ જૂથોને એકત્રિત લાવવા ઇચ્છી રહ્યા છે એય વિદ્યાર્થીઓએ અનુભવ્યું. જુદાં જુદાં સ્થળોની યોજનાઓ પરના લોકો સાથે વિલાસરાવ ચર્ચા કરતાં, માર્ગદર્શન આપતા કે નવું કાંઈક સમજાવતાં, એ જોવું પણ યુવાનો માટે શિક્ષણ જ બની રહ્યું.

પરીક્ષાનું છેવટનું પેપર આપીને તરત જ બીજા દિવસે નાયગામ હાજર થનારા આ વિદ્યાર્થીઓનું વિલાસરાવને આશ્ચર્ય હતું. અન્યથા તેમને ત્યાં આવનાર ઘણું કરીને સામાજિક ક્ષેત્રના લોકો રહેતાં. તંત્રજ્ઞાન જાણનારા આ વિદ્યાર્થીઓને વ્યાવસાયિક અનુભવ (ઁર્િકીજર્જૈહટ્ઠઙ્મ ઈટીિૈીહષ્ઠી) મળે, એથી વિલાસરાવે પછી ખાસ કામોય લીધાં. ચિં. પુ. થિટેના માર્ગદર્શન હેઠળ એ પૂરાં કરાવ્યાં. વિલાસરાવ સાથે સંતોષ ગોૌંધળેકર રાળેગણસિદ્ધિએ ગયા. ત્યાં અણ્ણાસાહેબ હજારેની યોજનામાં ‘પાણી પંચાયત’ ધોરણે ઉદવહન જળ સિંચાઈ યોજના કઈ રીતે ઊભી કરી શકાય, એ દૃષ્ટિએ સર્વેક્ષણ કર્યું. થિટેના માર્ગદર્શન હેઠળ આ કામગીરી તેમણે પાર પાડી. હજારેને ‘પાણી પંચાયત’ તરફથી તાંત્રિક સલાહ આપવાનું કામ વિલાસરાવ, થિટે, સંતોષ ગોંધળેકર અને અન્ય એક એન્જિનિયર વિદ્યાર્થી જયંત કેતકરે કર્યું. પરંતુ તાંત્રિક અથવા સામાજિક દૃષ્ટિએ કામો ઊભાં થાય એ કામ આવતાં નથી. કાર્યરચના માટે આ બંને અંગોનો ાધાર જોઈએ. તેમ થાય તો જ કાર્ય સફળ થાય છે. આ વિલાસરાવનો અનુભવ આ વિદ્યાર્થીઓને પથદર્શક બની રહ્યો. સામાજિક કાર્યને તંત્રજ્ઞાનનો સાથ જોઈએ જ, એવો આગ્રહ સેવનારા મુઠ્ઠીભર લોકોમા૩ં વિલાસરાવ મોખરે હતા.

વિજ્ઞાનનિષ્ઠ દૃષ્ટિકોણ, સમયથી આગળ જોવાની વૃત્તિ, બોલવામાં અને વિષય રજૂઆતમાંની સહજતા. બહુશ્રુતતા, ગુણોનો આદર કરવો એ વિલાસરાવના સ્વભાવવૈશિષ્ટ્ય હતા. સાથે મૃદુ વાણી, આ બધાનો યુવાનો પર સુંદર પ્રભાવ પડ્યો. સમાજકાર્ય કરતી વખતે વ્યાવસાયિક રહ શકાય છે, એ વિચાર પણ તેમને વિલાસરાવ પાસેથી મળ્યો. ‘વ્યાવસાયિક દૃષ્ટિકોણ રાખશો તો ટકી રહેશો.’ એમ વિલાસરાવ તેને તાકીદ આપતાં દયાબુદ્ધિ પર ચાલનારું (ઝ્રરટ્ઠિૈંઅર્ િંૈીહીંઙ્ઘ) સમાજકાર્ય તેઓ ઇચ્છતા ન હતા. લોકોએ ભીખ માંગીને જીવવું નહિ અને સમાજે તેમને દયા પર જીવવાની આદત પાડવી નહિ, આ વિચાર પર તે મક્કમ હતા. એટલે જ મૂળભૂત સુધારા લાવનાર કાર્યની તેમને અપેક્ષા હતી. વિકાસકાર્યમાં લોકસહયોગનો આગ્રહ તે સેવતાં હતાં, તે આ માટે જ. કેવળ મફત લેવાની આદત લોકોને પડે કે તેમાંથી શાશ્વત કાર્ય થઈ શકતાં નથી એવો તેમનો દૃઢ મત હતો. સ્વૈચ્છિક સંસ્થા એટલે મફતમાં કામ કરી આપનારી સંસ્થા, એવી લોકોની માન્યતા થઈ હોય છે એ બદલવી જોઈએ. ‘ત્યાગ અને સ્વપ્નાળુ વૃત્તિથી વિકાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને કાર્યકર કહીએ કે, તેની ચંપલો ફાટેલી અને હાથમાં ભીખની ઝોળી જોઈએ. આ દૃષ્ટિકોણ બદલવો જોઈએ એમ તે સ્પષ્ટ રીતે કહેતાં. ડ્ઢીદૃીર્ઙ્મદ્બીહં ઁર્િકીજર્જૈહટ્ઠઙ્મૈજદ્બ નો ઉપયોગ થવો જોઈએ એ માટે તે આગ્રહી હતા.

તંત્રજ્ઞાનનો સામાજિક વિચાર

પાણી એ સહિયારી સંપદા છે. વિલાસરાવનો આ વિચાર આમ ઝટ ન સ્વીકારાય એવો જ. આ યુવાનોનેય એ આમ તુર્ત જ સ્વીકારવું સહજ ન હતું. ‘મારી પાસે પૈસા છે. મારા ખેતરમાં કૂવો છે, તો તે પાણીનો ઉપયોગ હું જ ઇચ્છું તે શાથી ન કરું ?’ તેમના આ પ્રશ્નો વિલાસરાવનો જવાબ આમ હતો : ‘શું વરસાદ કેવળ તમારા જ કૂવામાં પડે છે ? તમારા જ ખેતરમાં પડે છે ? અન્યત્ર પડેલું પાણી તમારા ખેતરમાં આવે છે. તમારા કૂવામાં ઊતરે છે એટલે જ એ તમારા એકલાનું નથી હોતું.’

કૂવા ખોદવાનું, તેમાંનું પાણી ઉલેચવાનું તંત્ર અત્યંત આધુનિક હોઈ શકે. પણ બે કૂવાઓમાં ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ, જેવું આ સામાજિક દૃષ્ટિએ તંત્રજ્ઞાનનો વિચાર કરવા પ્રેરનારું શિક્ષણ વિલાસરાવના સહવાસમાં આ વિદ્યાર્થીઓને મળ્યું. ‘તંત્રજ્ઞાનનો ઉપયોગ તમે કયા હેતુસર કરવાના છો એનો વિચાર કરો.’ એમ પણ તેઓ આ વિદ્યાર્થીઓને વારંવાર તાકીદ આપતાં.

લોકોને તૈયાર કરવા, માણસો ઘડવા, વિચાર પરિવર્તન થવા પર વિલાસરાવને વિશ્વાસ હતો. માણસોની સંખ્યા વધારીને પોતાનું કાર્ય વધારવા કરતા માણસોને તૈયાર કરીને તે બીજા સ્થળે કામો ઊભાં કરે, એ તેમને અધિક મહત્ત્વનું લાગતું. પોતાના ઉદ્યોગ જગતના આ સત્યનો તેમણે સમાજકાર્યમાં પણ ઉપયોગ કર્યો. તેમને કામ પ્રત્યે આત્મીયતા હતી. માણસોને આત્મીયતામાં ગૂંથવા તેમના સ્વભાવને ગોઠનારું ન હતું.

વર્ષભર વિલાસરાવ સાથે કામ કર્યા પછી તેમણે આ ત્રણેને સ્વતંત્ર રીતે કાંઈ કામ ઊભું કરવાની સલાહ આપી. ‘મારી સંસ્થામાં રહેશો તો તમારી પર મર્યાદા આવશે.’ કહ્યું.

સ્વૈચ્છિક સંસ્થાઓને તાંત્રિક સલાહ આપવાનું આ ત્રણેએ નક્કી કર્યું. મોટાંમોટાં કામો ઊભાં કરવા સહુ પ્રયત્નશીલ હોય છે, પણ અનેક વખત નાના પૂરક કામો પણ ઊભા કરવા જરૂરી હોય છે એની સમજણ વિલાસરાવે આ યુવાનોને આપી. વિલાસરાવે આ યુવાનોનો અનેક લોકો સાથે પરિચય કરાવ્યો અને યોજનાઓ તૈયાર થઈ રહી હોય એવાં કામો પર મોકલ્યા. સરકારી સ્તરે, અધિકારી, સચિવ વગેરે લોકો સાથે વિલાસરાવના સંબંધ મૈત્રીપૂર્ણ રહેતા. તેમની પાસેથી વખતોવખત સરકારી યોજનાઓની વિલાસરાવને માહિતી મળતી. તેનો પણ લાભ આ યુવાનોને મળ્યો. તુર્ત જ સંતોષ ગોંધળેકરે ‘ગંગોત્રી’, ‘પ્રસ૩ાદ સેવેકરીએ ‘યોજક’, પ્રસાદ રસાળે ‘ટેકએડ’ અને નીલેશ કુલકર્ણીએ ‘ડ્રોપ’ (ડ્ઢર્ઇંઁ) નામની સંસ્થા શરૂ કરી. આ ચારેય ઈ.સ. ૧૯૯૦ની વિલાસરાવની વિચારપ્રણાલિ આધારે પાણી પ્રશ્ન હાથ ધરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રસાદ રસાળે ત્યાર બાદ અફઘાનીસ્તાનમાં વિલાસરાવના સૂત્રના ઉપયોગ દ્વારા ૨૫ યોજનાઓ ઊભી કરી, ત્યાંની પરિસ્થિતિ મુજબ કેટલાક ફેરફાર કર્યા, પણ મૂળ સૂત્ર ‘પાણી પંચાયત’નું જ રાખ્યું. લોકફાળો અને સમન્યાયી પાણી વહેંચણીનાં ધોરણોનો ત્યાં પણ અમલ કર્યો. પ્રસાદ સેવેકરીનું ખાસ ક્ષેત્ર હતું .ડિઝાસ્ટર મેનેજમેન્ટ.

સંતોષ ગોંધળેકરે ‘ગંગોત્રી’ માધ્યમ દ્વારા છેલ્લાં બાર વર્ષમાં પચ્ચીસેક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે લગભગ ૧૦૦ ગામોમાં ‘પાણી પંચાયત’નાં ધોરણેને આધારે હજારો બંધ બાંધ્યા. નાના બંધો ઊભા કર્યા. આજે આ ત્રણે પાણી પ્રશ્ન સાથે જોડાયેલાં કામો કરી રહ્યાં છે.

ઇજનેરી ક્ષેત્રના આ નવા જુસ્સાદાર યુવાનોનાં અંતઃસ્ફુરિત પ્રતિસાદને કારમે વિલાસરાવ પોતાના કોશમાંથી, અલિપ્તતામાંથી બહાર આવ્યા. એમ જ કહી શકાય. ફરી એક વખત નવેસરથી કાંઈ નવું ઊભું કરવાના, કૃતિશીલ થવાની ભાવના સાથે તે તાજાતવાના થયા. વચગાળાના ઈ.સ. ૧૯૮૪-૮૯ના પાંચ વર્ષના વાંચનમાંથી, ચિંતનમાંથી પાણી વિષયની રજૂઆત અધિક તાત્ત્વિક, વૈચારિક સ્તરે લઈ જવાની તેમને આવશ્યકતા જણાતી હતી. તે માટે તે ફરી એક વખત સજ્જ થયા. પાણી પ્રશ્ન વિષયે તેમનું કાર્ય લોકોની જરૂરિયાતનું રહ્યું ન હતું. પોતાની નૈતિક જવાબદારી બની હતી અને તે માટે તે ફરી એક વખત ઊભા રહ્યા.

ઈ.સ. ૧૯૯૦માં ન્યાયમૂર્તિપદનું રાજીનામું આપ્યા પછી શ્રી બી. જી. કોળસે પાટીલે વિલાસરાવ સાથે પાણી પ્રશ્નમાં ધ્યાન આપવા ઠરાવ્યું. ઈ.સ. ૧૯૭૨થી જ તે વિલાસરાવને ઓળખતા હતા. તેમના કાર્યનું મૂલ્ય જાણતા હતાં. અનેક નામાંકિત વ્યક્તિઓને તે વિલાસરાવની યોજનાઓ પર લઈ જતાં. તેમની પાણી વિષયક ભૂમિકા સમજાવતાં. કોળસે પાટીલે સક્રિય રાજકારણમાં ઊતરવું અને પાણી પ્રશ્ન માટે લડત આપવી એવો વિલાસરાવનો આગ્રહ હતો. કેટલાક કૉંગ્રેસી નેતાઓ સાથે પણ તેમણે આ અંગે ચર્ચા કરી હતી. પાણી પ્રશ્ન સમજાવવા માટે બધા રાજકીય પક્ષના મોટા નેતાઓ પાસે કોળસે પાટીલને મોકલ્યા. છેક ડાબેરી પક્ષના નેતાઓ પાસે સુધ્ધાં, પરંતુ કોઈએ પ્રતિસાદ આપ્યો નહિ. બધા યોગ્ય પ્રશ્ન સર્વ નેતાઓને વ્યવસ્થિત સમજાવતાં, પણ કામ કરતી વખતે મતોનું રાજકારણ આડે આવતું એ જ તેમને અનુભવાયું. ખેડૂત સમાજમાંથી આગળ આવેલા નેતાઓએ જેટલું ખેડૂતોનું નુકસાન કર્યું છે એટલું બીજા કોઈએ કર્યું નથી, એવો કડવો નિષ્કર્ષ પણ કોળસે પાટીલે તારવ્યો.

આ સમયગાળા દરમ્યાન કેન્દ્ર સરકારના સચિવ શ્રી યુગંધર એ દેશના દુષ્કાળગ્રસ્ત વિસ્તારની વિકાસ યોજનાઓ કેવી હોવી જોઈએ એનો અભ્યાસ કરતા હતા. તેમની અને વિલાસરાવની આ સંબંધે ઈ.સ. ૧૯૯૨માં પુણે અને દિલ્હીમાં અનેકવાર મુલાકાત થઈ. ડી.પી.એ.પી. કાર્યક્રમ યુગંધરે તૈયાર કર્યો. તેમાં વિલાસરાવના અનુભવોનું, કાર્યનું, વિચારોનું ખૂબ જ મોટું યોગદાન છે. શ્રી પાગેની રોજગાર બાંયધરી યોજનાને આપ્યું હતું. તેટલું જ અને તેવું જ મૂલ્યવાન યોગદાન વિલાસરાવે ડી.પી.એ.પી.ને આપ્યું. કમનસીબે મહારાષ્ટ્ર સરકાર ડ્ઢઁછઁ (ડ્ઢર્િેખ્તરં ઁર્િહી છીટ્ઠ ઁર્િદ્ઘીષ્ઠંજ) યોજનાઓને ૨૫% સુધ્ધાં અમલ કરી શકી નહિ. આ યોજના અનુસાર ફક્ત સંસ્થાત્મક કામોને મદદ આપવાની હોય છે. આવી સંસ્થાઓ ઊભી કરવા માટે લોકોને પ્રશિક્ષિત કરવાં એ સરકારનું ધોરણ હોવું જોઈએ પણ વાસ્તવમાં તેમ થતું નથી.

આદિવાસી યોજના

વિલાસરાવે એક નવી યોજના હાથ ધરી.

પુણે જિલ્લાના આંબેગાવ તાલુકાના આએદિવાસી પ્રદેશની ચાસ ઠાકરવાડી. અહીંના ૭૦% લોકો ઠાકર આદિવાસી, ત્યાં દસ વર્ષથી લોક શિક્ષણ, લોક જાગૃતિનું કામ કરવા છતાંય બાબા પાનસરે અને તેમની ‘પરિવર્તન પ્રબોધિની’ સંસ્થાને સફળતા મળતી ન હતી. કાંઈ નીપજતું ન હતું. ઈ.સ. ૧૯૯૧માં પુણેમાં એક પરિષદમાં વિલાસરાવનું ભાષણ સાંભળ્યા પછી પાનસરે તેમને મળ્યા. એ બંને વચ્ચે ચર્ચા થઈ. ઠાકરવાડીના ૫૦% આદિવાસી જમીનવિહોણા છે. એય ત્યાંના વિકાસ આડે આવનારી સમસ્યાનું કારણ હોવાનું ધ્યાને આવ્યું. બીજા જ વર્ષે વિલાસરાવ ‘પાણી પંચાયત’ના કાર્યકરો સાથે ચાસ ઠાકરવાડી ગયા.

ચાસ ઠાકરવાડીને અડીને જ જંગલની જમીન છે. પણ અત્યંત હલકી કસ વગરની, વેરાન. આદિવાસીઓના કબજામાં પણ અત્યંત ઓછી જમીન. એય ૫૦% કુટુંબ દીઠ એક-બે એકર જેટલી જ જિરાયત ખેતી. એ જમીન પર પેટ ભરવાનું કપરું જ. તેને કારણે પેઢી દર પેઢી આ માણસો રોજગારી કરતા સતત ભટકતા રહેતાં. ભારા વેચીને રૂપિયો બે રૂપિયા મળતાં. મોટા ખેડૂતોએ નાંખી દીધેલાં કોહવાયેલા, સડેલા ડુંગળી-બટાકામાંથી સારો ભાગ કાઢીને એને સેકીને તેની પર નિર્વાહ ચાલતો. શરીર પર માંડ માંડ લંગોટી. આએવા સમાજનો વિકાસ કરવા પાનસરે અને તેમની સંસ્થા કામ કરતાં હતા, પરંતુ સફળતા મળતી ન હતી.

ચાસ ઠાકરવાડીની નજીક જ લગભગ વનખાતાનો ૫૦૦ એકરનો ડુંગર છે. એ ડુંગર પર એક પણ વૃક્ષ ન હતું. એ ઉઘાડા માથાનો ડુંગર જોયા પછી વિલાસરાવે વિચાર કર્યો કે આ ડુંગર જ આ આદિવાસીઓને વિકાસ માટે મળે તો ? સરકાર પાસેથી એ મળી શકે એમ હતો.

પોતાના વિચાર વિલાસરાવે એ આદિવાસીઓ સમક્ષ રજૂ કર્યા. ગળે ઉતાર્યા. પરંતુ આ વિચાર પ્રત્યક્ષ સાકાર કરવા માટે અહીંના આખાય સમાજે એક થઈને પ્રયત્ન કરવા જોઈએ, એ પણ વિલાસરાવે તેમને તાકીદ આપી. ‘સામૂહીકિ વિકાસની પ્રેરણાના સોગંદ’ સુધ્ધાં તે માટે તૈયાર કર્યાં. ગ્રામજનોએ સામૂહિકપણે એ સોગંદ પણ લીધા. આપણો વિકાસ આપણે જ કરીશું, એ નિર્ધાર સાથે આદિવાસી તૈયાર થયા. વનખાતા પાસેથી (સરકાર પાસેથી) દસ વર્ષ માટે (૧૯૯૨-૨૦૦૨) ૩૦૦ હૅક્ટર જમીન વનીકરણ માટે મળી. લોકોએ જ આ વનીકરણ કરીને તેનો લાભ તેમણે લેવો એવો કરાર થયો. ‘પાણી પંચાયત’ના કાર્યકરોએ આ બધું સફળ બનાવવા ખૂબ મહેનત કરી. મથામણ કરી. બધું એકઠું કર્યું.

‘પાણી પંચાયતે’ ઠાકરવાડીના જૂના કૂવાનો જિર્ણોદ્ધાર કર્યો. તેની પર પંપ ગોઠવ્યા. લિફ્ટ શરૂ થઈ. આદિવાસીઓને રોપવાટિકા તૈયાર કરવાનું પ્રશિક્ષણ પણ કાર્યકરોએ આપ્યું.

વિલાસરાવ અને પાણી પંચાયતના કાર્યકરોની ચાસ ઠાકરવાડીમાં અવરજવર શરૂ થયા પછી અનેક લોકો ત્યાં યોજના જોવા આવવા લાગ્યા. ઠાકરવાડીને અસ્તિત્વ પ્રાપ્ત થયું અને પાસેના ચાસ ગામના પેટમાં દુખવા લાગ્યું. ચાસ એ સવર્ણોનું ગામ. તે પોતાનાં ઢોરઢાંખર ઠાકરવાડીમાં છોડતાં. વનીકરણ થઈ રહેલી જમીન પર તે ચરતાં. કુમળા રોપાની ટોચ ખાઈ જતાં. એને કારણે એ રોપાની વૃદ્ધિ રૂંધાતી. જંગલમાં આગ લગાવતાં. આમાંથી ત્યાં સતત ઝઘડા થતાં. પણ ઠાકરવાડીવાળા કામ અટકાવતાં ન હતા. પછી અંતે ચાસના લાંઠ ખેડૂતોએ ઘોડેગામ કોર્ટમાં વિલાસરાવ પર ફોજદારી કેસ દાખલ કર્યો. આ બહારનો માણસ અહીં આવે છે. ઝઘડા કરાવે છે. અમારી જમીનો હડપ કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે, વગેરે વગેરે. ત્યાર પછીના ત્રણ-ચાર વર્ષ વિલાસરાવ કોર્ટની તારીખે હાજર રહેવા માટે પુણેથી ઘોડાગાવ અચૂક જતાં. વિલાસરાવે કોર્ટમાં વકીલ રાખ્યા વગર પોતે જ કેસ લડ્યા. આ પ્રકરણ ૨૦૦૧ સુધી ચાલ્યું. વિલાસરાવ નિર્દોષ છૂટ્યા.

સરકારનો સહભાગી વન-વ્યવસ્થાપન (જોઇન્ટ ફોરેસ્ટ મૅનેજમેન્ટ : જે એફએમ) કાર્યક્રમ જાહેર થઈને તેની કાર્યવાહી થાય એ પહેલાં જ વિલાસરાવે એ શરૂ કર્યો અને સફળ પણ કરી બતાવ્યો.

મહારાષ્ટ્રના તે વખતના મુખ્યમંત્રી શ્રી સુધાકર રાવ નાઈકે જળસંચયને મહત્ત્વ આપ્યું. વિલાસરાવ સાથે ચર્ચા કરતી વખતે એક વખત તેમણે કહ્યું, ‘તમે જે પ્રદેશમાં ‘પાણી પંચાયત’નું કામ કરો છો, એ પશ્ચિમ મહારાષ્ટ્ર આમ વિકસિત છે. અમારા આદિવાસી પ્રદેશમાં જાવ તો ખરી મુશ્કેલીઓ તમને સમજાશે.’ વિલાસરાવે એ આહ્‌વાન સ્વીકાર્યું.

સંયુક્ત રાષ્ટ્ર સંગઠને ૧૯૯૩-૯૪ના વર્ષને આદિવાસી વર્ષ તરીકે જાહેર કર્યું, પણ ઠાકરવાડીના કામની આંકણી ચાલુ કરતી વખતે ૧૯૯૨ની સાલથી જ વિલાસરાવ આદિવાસીઓના વિકાસ માટે કેવા અને કયા પ્રયાસ કરી શકાય, એનો તાગ મેળવી રહ્યા હતા.

ઈ.સ. ૧૯૭૪-૭૫થી મહારાષ્ટ્ર સરકાર દર વર્ષે સરેરાશ ૫૦૦ કરોડ રૂપિયા આદિવાસીઓ માટે ખર્ચ કરતી આવી છે. આદિવાસીઓ માટે લગભગ જુદી જુદી ૩૫૦ યોજનાઓ દ્વારા ખર્ચ થતો હોય છે. પણ એ બધી યોજનાઓમાં ક્યાંય ‘પાણી’ નથી. સામૂહિક ઉદવહન સિંચાઈ યોજના હોય તો ૧૦૦% મદદ કરવાની જોગવાઈ છે, પણ યોજના ઊભી કરવા માટે મદદની જોગવાઈ નથી. આદિવાસીઓ માટે આટલી યોજના અને વિપુલ ખર્ચ થવા છતાંય અન્યોની સરખામણીમાં આદિવાસીઓના જીવનધોરણમાં વૃદ્ધિ થવાને બદલે આર્થિક વિષમતાની ખીણ વધુ પહોળી થતી ગઈ છે, એમ વિલાસરાવે અનુભવ્યું. આદિવાસીઓના દારિદ્રયને દૂર કરી શકાય એ દૃષ્ટિએ ઉત્પાદક રોજગારીનો કાર્યક્રમ આદિવાસીઓ રહેતા હોય એ જ સ્થળે નિર્માણ કરી શકાય, એ જ એક પ્રભાવક ઉપાય નીવડશે એવી વિલાસરાવને ખાતરી હતી. એટલે સરકારે આદિવાસીઓ માટે ઉદવહન સિંચાઈ યોજના ઊભી કરવા માટે પૈસાની જોગવાઈ કરવી જોઈએ એવી વિલાસરાવે માંગણી કરી.

પોતૂબાઈની ઉદારતા

એ જ વર્ષે એટલે ઈ.સ. ૧૯૯૩માં અમરાવતી પાસેના મેળઘાટ, આદિવાસી પ્રદેશમાં ધારણી નામના સ્થળે કુપોષણને કારણે મોટા પ્રમાણમાં બાળકોનાં મૃત્યુ થયાના સમાચાર વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા. આ આદિવાસી પ્રદેશમાં પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા વિલાસરાવે એ પ્રદેશનો પ્રવાસ કર્યો. એ પ્રવાસમાં યવતમાલ મુકામે ‘જામીવ’ના કાર્યકર શ્રી મધુકર ધસ ‘પાણી પંચાયત’ની એકાદી યોજના આદિવાસી વિસ્તારમાં ઊભી કરવી જોઈએ એના પ્રયત્નમાં હતા જ. તેમના પ્રયત્નોને કારણે મહાદપૂર ગામે પોતૂબાઈ નામની વૃદ્ધ આદિવાસી સ્ત્રીએ પોતાની ચાળીશ એકર જમીનનો ટુકડો યોજના માટે આપવાની તૈયારી દર્શાવી.

મહાદપૂર ગામ યવતમાલથી ૧૦૦ કિ.મી. દૂર આવેલું છે. અહીં ગોંડ અને કોલામ બંને જાતિના મળીને ૪૨ પરિવારો છે. (એટલે વસતિ ૨૦૦ની આસપાસ) કુટુંબ દીઠ સરેરાશ સાત હેક્ટર જમીન છે. ખેતી મુખ્યત્વે જિરાયત. રાસાયણિક ખાતર, બિયારણ, જંતુનાશક છંટકાવ માટે શાહુકાર પાસેથી ધિરાણ લઈને કામ પૂરું કરવું પડે છે. આદિવાસી સરેરાશ દર વર્ષે રૂ. ૩૦૦૦ કરજ લે છે. આઠ માસી ખેતીમાંથી મળનારી ઉપજ અને કરજના છેડા ભેગા કરતાં થકી જાય છે. ક્યારેક જ થોડુંઘણું હાથમાં વધે છે.

મહાદપુરનો જળસ્રાવ વિસ્તાર ૪૨૦ હેક્ટર છે. ત્યાં ઈ.સ. ૧૯૮૭માં એક મોટું અનુશ્રવણ તળાવ બાંધવામાં આવ્યું. તેમાં ભરપૂર પાણી, પણ ખેતી માટે તેમાંનું એક પણ ટીપું વાપરવામાં આવતું ન હતું. ઈ.સ. ૧૯૮૯માં મહાદપુરમાં વીજળી આવી, પણ કોઈએ કૂવો ખોદીને તેની પર વીજળી પંપ ગોઠવ્યો નહિ કે ઘરમાં વીજળી લીધી નહિ. અહીંની સ્ત્રીઓને પીવાનું પાણી લાવવા માટે દિવસના ત્રણ કલાક, જંગલમાંથી બળતણ લાવવા માટે બે કલાક અને દળણું લાવવા માટે એક કલાક એમ દિવસના છ કલાક આ ત્રણ કામો માટે આપવા પડતાં. અહીં સરેરાશ ૧૨૦૦ મિ.મિ. વરસાદ પડ છે. અહીંની ભૌગોલિક પરિસ્થિતિ અને વરસાદને કારણે ભૂગર્ભ જળનો સંગ્રહ સરસ છે. પાણી સંગ્રહની નાની નાની યોજનાઓ ઊભી કરવામાં આવે તો, કુટુંબને એક હેક્ટર માટે સિંચાઈ મળવી શક્ય છે. અહીંની જમીન ઊંચી, ઢોળાવવાળી, એક એક આદિવાસી માટે સિંચાઈ યોજના ઊભી કરવી અત્યંત ખર્ચાળ. તેમને સંગટિત કરીને સામૂહિક યોજના ઊભી કરવી હોય તો સપાટ ભૂમિ પર સળંગ પટ્ટામાં નહિ. તેમાં પણ કેટલાક સ્થળે સામૂહિક કૂવા બનાવી શકાય એમ હતું. એ માટે ગામની ૨૦% જમીન ત્રણ-ચાર વિભાગમાં ઉદવહન સિંચાઈ હેઠળ લાવીને સહુને સરખા પ્રમાણમાં વહેંચી આપી શકાય એમ વિલાસરાવે વિચાર્યું. પોતૂબાઈએ આપેલી ચાળીસ એકર જમીન પર ‘પાણી પંચાયતે’ મૂડીરોકાણ કરીને ઉદવહન સિંચાઈ યોજના શરૂ કરી. તેમાં વીસ કુટુંબોને સમાવી લીધા.

હવે કેવળ વરસાદ પર પાક લેવાને બદલે બે-અઢી એકર પર બેથી ત્રણ પાક લેવાની શક્તિ એ કુટુંબોમાં આવી છે. પોતાના જ ખેતર પર કુટુંબોને વર્ષની રોજગારી મળવા લાગી. ખેતીની ઉપજ અને ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થયો. જરૂરિયાત અનુસાર પાણી મળવાને કારણે અનાજ, શાકભાજી, તેલીબિયાનાં પાક, કપાસ જેવી પાકોમાં વિવિધતા આવી. આ કુટુંબો પાસેની ચાર હેક્ટર જિયારત કેતી કરતાં વધુ ઉપજ સિંચાઈ હેઠળની એક હેક્ટર ખેચીમાંથી મળવા લાગી. બેરોજગારી અએને કુપોષણનો પ્રશ્ન ઉકલ્યો. આ ૨૦ કુટુંબોનું જીવનધોરણ બીજાઓની સરખામણીમાં બદલાવા લાગ્યું છે.

ેઆદિવાસીઓની જમીનને સિંચાઈની સગવડ ન હોય, તો એ વધુ ને વધુ જમીન જિયારત ખેતી હેઠળ લાવાવનો પ્રયત્ન કરે છે. પર્યાયે સરકારી જંગલ જમીન પર અતિક્રમણ કરે છે. તેને કારણે પર્યાવરણીય સમતુલા પણ બગડે છે, એ આજની વસ્તુસ્થિતિ છે. એક કુટુંબ માટે બે એકરને પાણીની ખાતરી મળે. તો ગમે તેવા હવામાનમાં અને ભૌગોલિક પ્રદેશમાં લોકો ગરીબી રેખા ઓળંગીને ઉપર આવી શકે. એ મહાદપૂર યોજના દ્વારા વિલાસરાવે વધુ એક વાર દર્શાવી ાપ્યું.

‘જમીનોની ફેર વહેંચણીનું ધોરણ’ અને ‘સિંચાઈ માટે મૂડીરોકાણની સગવડ, સરકાર કરે તો આદિવાસીઓનો વિકાસ થઈ શકે. પર્યાવરણનું સમતુલન પણ જળવાશે એ પણ વિલાસરાવે સ્થાપિત કર્યું છે.

અહીંના આદિવાસીઓ વૃક્ષછેદન કરે છે, પણ વૃક્ષારોપણ માટે કાંઈ જ કરતા નથી. આદિવાસી અને જંગલ ઠેકેદારોના ગેરકાયદેસર બેફામ વૃક્ષછેદનને કારણે વૃક્ષ સંપત્તિ ઝડપથી નાશ થાય છે. તેને પગલે આદિવાસીઓમાં ભૂખમરાના દિવસો આવ્યા છે. યોજનામાં પાણી સાથે જંગલના વિચારનેય જોડવો જોઈએ. પાણીની જેમ જ જંગલનોય ઉચિત મર્યાદિત ઉપયોગ થવો જોઈએ. આ વિચાર સાથે તેમણે આ યોજનાને નામ આપ્યું - ‘વન-પાણી-પંચાયત’.

મહાદપરમાં પડાવ

મહાદપુરનો ‘વન-પાણી-પંયાત’ કાર્યક્રમ ચાલુ હતો ત્યારે આદિવાસી લોકોના અને તેમના પ્રદેશના પ્રશ્ન સમજવા વિલાસરાવે મહાદપુરમાં વર્ષભર પડાવ નાંખ્યો. ત્યાંના લોકોએ તેમની ગાડી અંદર આવી શકે એવો ત્રણ કિ.મી. લંબાઈનો રસ્તો શ્રમદાનથી તૈયાર કર્યો હતો. ચોમાસામાં આ રસ્તો બિનઉપયોગી બની રહેતો. આવા સમયે માથા પર પોતાની નાનકડી સૂટકેસ લઈને વિલાસરાવ કાદવ ખૂંદતા આ અંતર ચાલીને કાપતા. પથ્થરનો બંધ બનાવવાનું કામ ચાલુ હતું. ત્યાંય પોતે શ્રમદાન કરતા. પથ્થરો ઉપાડીને લઈ જતાં. એ પથરા નીચે વિંછીઓ અચૂક મળતાં, પણ ૬૫ મી. લંબાઈનો બંધ વ્યવસ્થિત ઊભો કરવા આગળ તેમને કોઈ જ સંકટો દેખાતાં ન હતાં. આ સમયગાળામાં તે કેટલાક દિવસ ભૂખ્યા રહેતા. મગની શીંગો અને જંગલી કાકડી ખાઈને રહેતા. ‘દેશના ૨૨ કરોડ લોકોને એક ટંક ભૂખ્યા રહેવું પડે છે, તો મારી કયાં ચિંતા કરો છો.’ એમ કહેતા.

સરકારી આયોજનમાં નાણાંનો અપવ્યય કેવી રીતે થાય છે અને આદિવાસીઓની હાલત કેવી કથળતી ચાલી છે. એ દર્શાવનારી અનેક ઘટના તેમણે આ ગાળામાં નજીકથી જોઈ. આદિવાસી વિકાસના આજે ચાલી રહેલા ખર્ચના કાર્યક્રમ આ ‘બિન આદિવાસીઓને’ રોજગારની અને પૈસાની તક ઉપલબ્ધ કરાવી આપે છે અને આદિવાસીઓના શોષણને કારણભૂત બને છે એ પણ તેમને અહીં જોવા મળ્યું.

મહાદપુરના વસવાટમાં વિલાસરાવે આદિવાસીઓને ગમતાં મહુડાનાં ફૂલોનો અભ્યાસ કર્યો. એ ફૂલોની વૈજ્ઞાનિક માહિતી મેળવી. આ ફૂલોમાં ભરપૂર વિટામિન્સ હોય છે. નાના બાળકોના ભોજનમાં તેનો ઉપયોગ થાય તો કુપોષણ નિવારી શકાય. તેમજ આ ફૂલોના બિયામાંથી તેલ પણ મળે છે. એ ધ્યાને આવ્યા પછી તેમણે આ ફૂલો વિશે ઝીણવટપૂર્વક શોધ કરી. તેમણે ખાદ્ય પદાર્થ તરીકેની ગુણવત્તા, તેના વિવિધ ઉપયોગ, આદિવાસીઓના જીવનમાં તેનું સ્થાન ઇત્યાદિ જાણકારી મેળવી, પણ એટલેથી જ અટક્યા નહિ. એ ફૂલોમાંથી કયા ખાદ્યપદાર્થ કેવી રીતે બનાવી શકાય એનાય પ્રયોગ કર્યા. એ પદાર્થો પર દસ દિવસ તેમણે ગુજારો કર્યો. પોતાની તબિયત પર શું અસર થાય છે એની નોંધ રાખી.

વિલાસરાવે પછી યવતમાલ જિલ્લાની ત્રણ સંસ્થાઓને મહુડાનાં ફૂલો પર પ્રક્રિયા કરવા માટે આદિવાસી વિકાસ યોજના પાસેથી દરેકને પચ્ચીસ હજાર રૂપિયા અનુદાન મેળવી આપ્યું. આ સંસ્થાઓએ બાલવાડી કેન્દ્રો પચ્ચીસ હજાર રૂપિયા અનુદાન મેળવી આપ્યું. આ સંસ્થાઓએ બાલવાડી કેન્દ્રો માટે મહુડાનાં ફૂલોનાં ખાદ્ય તૈયાર કર્યાં. તેમજ આ ફૂલોમાંથી રોટલીઓ, ચૉકલેટ્‌સ, પાપડી, લાડુ, મોદક, શિરો, ઘૂઘરા ઇત્યાદિ વાનગીઓ પણ બનાવી. આ ‘મહુડાનાં ફૂલોનો ઉપયોગ આમ વિવિધ ઉત્પાદનો માટે થાય, તો દારૂ ગાળનારાઓને ગેરકાયદેસર ફૂલો વેચીને, દલાલ આપે એ પૈસા પર નભવું પડે નહિ. કુપોષણ પણ નિવારી શકાશે. સરકાર જ આ ફૂલો વેચતાં લે તો આદિવાસીઓને ફૂલો માટે યોગ્ય ભાવ પણ મળશે એની વિલાસરાવને ખાતરી હતી. ‘જળસ્રાવ ક્ષેત્રના વિકાસમાં સ્થાનિક જમીન અને પાણીનો ઉપયોગ જંગલ, જિયારત ખેતી અને સિંચાઈ ખેતી જેવા બધાયનો પૂરક સંબંધ જોડીને નિરંતર વિકાસ તરફ કેવી રીતે આગળ વધી શકાય’ એ દિશામાં તેઓ વિચારવા લાગ્યા.

વૃદ્ધ આદિવાસીઓ પાસેથી વિલાસરાવે જંગલી ભાજીઓની આ માહિતી મેળવી. આ ભાજીપાલાની ગુણવત્તા ચકાસણીનું કામ પૂર્ણ થવાના તબક્કે છે. આશરે ૮૦ જાતની જંગલી ભાજીઓનો એ અભ્યાસ છે. આજે મહાદપુર અને બિહાડી સ્થિતિ યોજનાના નીચાણના ભાગમાં કેટલાક મોટા ખેડૂતોના પોતાના મોટરપંપ છે. આ લોકો આ યોજનાઓ કેવી રીતે બંધ પડે એની જ પ્રતીક્ષામાં હોય છે. તેવામાં ક્યારેક આઠ-આઠ, પંદર દિવસ તો ક્યારેક મહિનો-મહિનો વિદ્યુત પુરવઠો ખંડિત થાય છે. એની માઠી અસરો ખેતી પર અનિવાર્યપણે થાય જ. પાકને વ્યવસ્થિત પાણી આપી ન શકાય કે ઉતાર ઓછો. પછી વીજળીનાં બીલ ભરવા, નક્કી કરેલ ગણોત આપવાનું રહી જતું. છેવટે ‘પાણી પંચાયત’ના કાર્યકર લક્ષ્મણ ખેડકરે ત્યાં જ બે વર્ષ ધામા નાંખ્યા. તે ત્યાં હતા, ત્યાં સુધી મહાદપુરની યોજના સુખરૂપ ચાલુ હતી. તે ખળદ પાછા ફર્યા પછી. યોજના બંધ પડી. પોતૂબાઈને જમીન પાછી આપવી પડી.

કાર્યકરોના પ્રશિક્ષણને અગત્યતા

પરંતુ હવે ફરીથી નવેસરથી પોતૂબાઈની જમીન દસ વર્ષ માટે કરારથી લઈને, પાછલી ભૂલો સુધારીને ‘પાણી પંચાયત’ના ધોરણે જ યોજના ચાલુ કરવાની તૈયારી આ આદિવાસી કરી રહ્યા છે. ‘જાણીવ’ સંગઠનના મધુકર ધસ અને તેમના સાથી તે જ પ્રયત્નોમાં છે. ઉપરાંત ધારણી તાલુકામાં વાસરી વસતિમાં ‘પાણીબાબા સામૂહિક યોજના’ તૈયાર થઈ રહી છે. સોળ ાદિવાસીઓએ આઠ દિવસ શ્રમદાન કરીને કૂવાય ખોદ્યા છે. તેનો ખર્ચ ‘જાણીવ’ સંસ્થાએ ઉપાડ્યો છે. આ યોજના માટે દિલ્હીના ‘આગાખાન ફાઉન્ડેશને’ મદદ આપવા જણાવ્યું છે. ‘પાણી પંયાયત’ના ધોરણે જ આ યોજના કાર્યાન્વિત થઈ રહી છે.

મહાદપુર સ્થિત યોજનાનું કામ ચાલું હતું ત્યારે જ વિલાસરાવે મહારાષ્ટ્રના આદિવાસી પ્રદેશોના યુવાનોને પ્રશિક્ષણ આપીને જળસ્રાવ વિસ્તાર વિકાસના કાર્યક્રમને વેગ આપવા નક્કી કર્યું. ચાર મહિનાનું પ્રશિક્ષણ અને એક વર્ષનો પ્રત્યક્ષ કાર્યાનુભવ આપનારો ‘કાર્યકર પ્રશિક્ષણ કાર્યક્રમ‘ તૈયાર કર્યો. આ પ્રશિક્ષણમાં લોકસંગઠન, જમીન અને પાણીનું ગ્રામ્ય સ્તરે આયોજન, સામૂહિક પાણી વહેંચણી, સેન્દ્રિય ખેતી વિષયની જાણકારી પ્રત્યક્ષ પ્રયોગ દ્વારા આપવાની વ્યવસ્થા કરી. અમરાવતી, ચંદ્રપુર, નંદુરબાર, યવતમાલ, ભંડારા, નાંદેડ, મેળઘાટ, ઇત્યાદિ વિસ્તારોના યુવાનો પસંદ કર્યા. ખળદના ખેડૂતનગરમાં જ તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરી. પ્રશિક્ષણાર્થીને દર મહિને રૂ. ૧૨૦૦/- શિષ્યવૃત્તિ પણ પ્રતિષ્ઠાન દ્વારા આપવામાં આવી.

પ્રશિક્ષણ પૂરું થયા પછી આ પ્રશિક્ષણાર્થીએ આદિવાસી વસ્તારોમાં જઈને કામ કરવાનું હતું. ‘પાણી પંચાયત’ના કાર્યકર અને તેમને મદદ અને માર્ગદર્શન આપવાના હતા. આવી ચાર ટુકડીઓ પ્રશિક્ષિત થઈ.

આ સમયગાળામાં વિલાસરાવે શ્રી મોહન હિરાબાઈ હિરાલાલની મેંઢાલેખા યોજનામાં પણ આસ્થાપૂર્વક ધ્યાન આપ્યું. સહયોગ આપ્યો, પરંતુ સરકારનો પ્રતિસાદ જોઈએ તેવો ન હોવાથી ‘પાણી પંચાયત’ના કાર્યકરો નિરાશ થયા.

નર્મદા આંદોલનના પ્રણેતા સુ. શ્રી મેધા પાટકર સાથે પણ વિલાસરાવની બેઠકો-ચર્ચા થતી. સલાહ-મસલતો થતી. પાટકરની પાણી પરિષદમાં તે ઉપસ્થિત રહેતા. નર્મદા આંદોલનકારીઓએ જળનીતિ નક્કી કરવા સ્થાપેલા કાર્યજૂથના તે સદસ્ય પણ હતા.

વિલાસરાવ બંધની વિરુદ્ધ ન હતા. નર્મદા યોજનાના બાંધકામ પાછળ, દુષ્કાળ પડે છતાંય બંધના લાભક્ષેત્રનો પાણી પુરવઠો અબાધિત રહે, તેથી વધારેલી ઉંચાઈ સામે તેમનો વિરોધ હતો. બંધ યોજનાનો લાભ ફક્ત નહેર હેઠળ આવનારી જમીન અને જનસંખ્યા પૂરતો જ મર્યાદિત રહે, તેમની જમીનના પ્રમાણમાં તેમને પાણી મળે, એની સામે તેમને વિરોધ હતો. જનસંખ્યાના પ્રમાણમાં આવનારા પાણીનો કાયદેસર હિસ્સો દરેકને મળવો જોઈએ. બંધના પાણીનો લાભ બંધના જળસ્રાવ તેમજ નહેરના ઉપરના વિસ્તારને પણ આપવામાં આવે એવી તેમની ભૂમિકા હતી. પ્રકલ્પગ્રસ્તોને બંધનાં પાણીનો અગ્રક્રમે હિસ્સો આપવો જોઈએ એમ તે કહેતા.

પુરંદર ઉદવહન જળસિંચાઈ યોજના

મહારાષ્ટ્ર સરકારે ઈ.સ. ૧૯૯૬માં મહત્ત્વાકાંક્ષી ‘પુરંદર ઉદવહન જળ સિંચાઈ યોજન’નો પ્રસ્તાવ રજૂ કર્યો. આ યોજનામાં આધુનિક તંત્રજ્ઞાન પાવરીને બંધ પાઈપ મારફત કૉમ્પ્યુટર નિયંત્રિત પદ્ધતિથી લાભાર્થીઓ સુધી પાણી આપવાનો પ્રસ્તાવ હતો.

આ પ્રસ્તાવ ખર્ચાળ તો હતો જ, પરંતુ તેનો લાભ આ યોજના હેઠળ આવનારાં ગામની ૧૦૦% જનસંખ્યાને ન થતાં ફક્ત લાભ ક્ષેત્રના લાભાર્થીઓને એટલે માંડ માંડ ૪૦થી ૫૦% જનસંખ્યાને થવાનો હતો, તેથી વિલાસરાવે વિકલ્પ સૂચવ્યો.

ઈ.સ. ૧૯૭૨ના દુષ્કાળ બાદ પુરંદર તાલુકામાં મોટા પ્રમાણમાં જળસંચયનાં કામો થયાં છે. પ્રાસ્તાવિક યોજનાનું પાણી યોજના હેઠળ આવતાં ગામોના આવા સંગ્રહ સાથે જોડીને ગામદીઠ વહેંચણી સંસ્થા તરફથી લિફ્ટ દ્વારા વિતરીત કરી શકાય. આ પદ્ધતિને કારણે (સમન્યાયી વહેંચણીને કારણે) અધિકક્ષેત્ર સિંચાઈ હેઠળ આવશે. કેટલાક ચોક્કસ ખેડૂતોને જ પાણી મળવાને બદલે સહુને સમપ્રમાણમાં, ચોક્કસ સમયે અને આખુંય વર્ષ પાણી મળશે. આવી યોજનાને કારણે સરકારના પ્રસારણ, નહેર, પેટા નહેરો પર થનારો વિપુલ રોકાણ ખર્ચ, વ્યવસ્થાપનનો ખર્ચ બચી જશે. આ બધી વિગતો રજૂ કરી. તે માટે ટોપોશીટ ખૂબ કડાકૂટ કરીને મેળવીને ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો.

વિલાસરાવના પ્રસ્તાવ પર પુણેમાં સિંચાઈ ભવનમાં ખૂબ ચર્ચા વગેરે થઈ. વિલાસરાવ હંમેશની પદ્ધતિથી આંકડાવારી સહિત પ્રસ્તાવ રજૂ કરતા હતા. અંતે નાયગામ પૂરતું તો આવી યોજનાનો અમલ કરવો એવો તેમણે આગ્રહ સેવ્યો, પણ કાંઈ થતું ન હતું.

પણ હાર માને તો વિલાસરાવ શેના ? તેમણે અને ‘પાણી પંચાયત’ના કાર્યકરોએ ઠેકઠેકાણે જૂથવાર સભા-બેઠકો આયોજિત કરી. વૈકલ્પિક પ્રસ્તાવ વિગતવાર રજૂ કર્યો. લોકોએ ઉત્તમ પ્રતિસાદ આપ્યો. સરકારી ધોરણ અનુસાર જેમને પાણી મળવાનું હતું, તેમણે પણ તે ન મળનારા ખેડૂતોનેય મળે એ માટે વિલાસરાવના નિવેદન પર સહીઓ કરી. બે હજાર સહીઓનું નિવેદન આયોજન મંડળ પાસે ગયું. કાંઈ થયું નહિ.

આજેય આ યોજના અપૂર્ણ સ્થિતિમાં છે અને અંદાજી ખર્ચ રૂ. ૧૮૦ કરોડ હતો, એ આજે રૂ. ૩૨૫ કરોડ ઉપર પહોંચ્યો છે.

ભૂગર્ભજળના જતનનું મહત્ત્વ

ભૂગર્ભ ઉલેચવા પર નિયંત્રણ લાવવા સંબંધી વિલાસરાવ વારંવાર પોતાની ભૂમિકા રજૂ કરતાં.

વધતી જનસંખ્યાને કારણે ભારતની પાણીની જરૂરિયાત ખૂબ મોટા પ્રમાણમાં વધી છે. ખેતી, ઔદ્યોગિક ક્ષેત્રે, ઊર્જા નિર્માણ અને પીવાનું પાણી આ બધી જ બાબતો માટે આવશ્યક પાણીનો પુરવઠો કેવી રીતે કરવો, એ એક સમસ્યા બની ગઈ છે. છેલ્લાં એકસો વર્ષમાં પડનારા વરસાદનું પ્રમાણ સમાન હોવા છતાં ભારતની જનસંખ્યામાં છેલ્લા પચાસ વર્ષમાં ત્રણ ગણો વધારો થયો છે. તેને કારણે માથાદીઠ ઉપલબ્ધ પાણી એક તૃત્યાંશ થયું છે. આપણી રાસાયણિક ખેતી પદ્ધતિ, વધતું શહેરીકરણ, આહાર પદ્ધતિ, જીવનધોરણને કારણે માથાદીઠ પાણીની જરૂરિયાત આપણે વધારી મૂકી છે. આ જરૂરિયાત પૂરી પાડવા માટે ભૂગર્ભમાંથી પાણી ખેંચાવનું પ્રમાણ ખૂબ વધ્યું છે. વરસાદને જમીનમાં ઉતારવાને બદલે આ ખેંચવામાં આવનારું પાણી વધારે છે. ભૂગર્ભ જળના સ્તરનો ઝડપથી હ્રાસ થઈ રહ્યો છે. ત્રીસે વર્ષ પહેલા આઠથી દસ મીટરે પાણી હાથ આવતું હતું. હવે દોઢસોથી બસો મીટર ઊંડે જવા છતાં બોર કૂવામાં પાણી મળતું નથી.

મહારાષ્ટ્રમાં ઈ.સ. ૧૯૬૦માં ૫૩ તાલુકા કાયમી સ્વરૂપે દુષ્કાળગ્રસ્ત હતા. ઈ.સ. ૧૯૭૩માં ૮૩ થયા. ઈ.સ. ૧૯૮૬માં તેની સંખ્યા વધીને ૯૪ થઈ. હજારો કરોડ રૂપિયા ખર્ચ થવા છતાંય દુષ્કાળગ્રસ્ત તાલુકાઓની સંખ્યા વધી જ રહી છે.

ભૂશાસ્ત્રીય મર્યાદાઓને કારણે મહારાષ્ટ્ર જેવા ૮૫% બેસૉલ્ટ પથ્થર ધરાવતાં પ્રદેશમાં પાણી ખૂબ પ્રમાણમાં અને ઊંડાઈએ ઊતરતું નથી. પણ આ તરફ ધ્યાન ન રાખતાં, પાણીની અછત સર્જાય કે બૉરવેલ બનાવવાનો સપાટો ચાલુ થાય છે. જમીનમાં ઊંડે પાણીનો વિપુલ સંગ્રહ છે. બૉરવેલ માટે જમીનમાં ઊંડે સુધી કાણું પાડીને એ પાણી સુધી પહોંચીએ કે ભરપૂર સંગ્રહ હાથ આવશે, એવી તેમને ખાતરી હોય છે. વીજળી પર ચાલનારા પંપની ચાંપ દબાવીએ કે પાણી આવે છે. જરૂરિયાત કરતાં વધુ ને વધુ ઉલેચવામાં આવે છે. હજારો વર્ષથી સંગ્રહ થતું આવેલું આ પાણી ઝડપથી ખલાસ થઈ રહ્યું છે. અનેક જળસ્રાવ વિસ્તારો સૂકા ભઠ્ઠ પડ્યા છે. ત્રણસો મીટર જવા છતાંય પાણી હાથ આવતું નથી. જમીન ઉપર માત્ર કાણાં જ કાણાં. આ ઉલેચેલા પાણીનું પનર્ભરણ કેવી રીતે થશે એનીય કાળજી યોગ્ય પદ્ધતિએ લેવામાં આવતી નથી.

ભૂગર્ભના પાણી ઉલેચીને વાપરવાની પદ્ધતિ આધારે બાગાયત કરીને સમૃદ્ધિ લાવવાના આ પ્રયાસો લાંબો સમય ચાલવાના નથી. ભૂગર્ભજળને કારણે આવેલી જાહોજલાલીનો ફૂગો ફૂટશે કે નહિ એ પ્રશ્ન નથી, એ ક્યારે ફૂટશે એટલો જ પ્રશ્ન રહ્યો છે. ખૂબ જ નજીકના ભવિષ્યમાં આપણે આપણા ખેતરમાં પડનારા વરસાદના પાણી પર જ પકવી શકાય એટલો જ પાક લઈ શકીશું.

ખરું તો ઈ.સ. ૧૯૮૦માં ડૉ. સ્વામીનાથને ‘આપાતકાળ માટે ભૂગર્ભના જળસંગ્રહનું અભયારણ્યની જેમ જતન કરો’ એવી સલાહ પોતાના અહેવાલમાં આપી હતી. ત્યાર બાદ ઈ.સ. ૧૯૯૨માં ભૂગર્ભ જળ સમિતિના તે અધ્યક્ષ બન્યા. ત્યારેય તેમણે આ જ પ્રતિપાદન કર્યું. ભૂગર્ભ જળસંગ્રહ ઉલેચવા પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી. (ઈ.સ. ૧૯૯૩માં મહારાષ્ટ્ર ભૂગર્ભ જળ અધિનિયમ કાયદો થયો, પરંતુ આજ સુધી તેની અમલબજવણી થયેલી નથી.)

ભૂગર્ભ જળ સંચયના કેંચવા પર સરકાર નિયંત્રણ મૂકે એ માટે વિલાસરાવ વખતોવખત માંગણી કરતા હતા. ભૂગર્ભ સંગ્રહનો ઉપયોગ પીવાના પાણી માટે બહુ તો રવિ પાકને સંરક્ષક પાણી આપવા માટે કરવામાં આવે એમ તે કહેતાં. હિવરે બજાર ગામમાં પોપટરાવ પવારે લોકસહયોગ દ્વારા આ ધોરણનો સફળતાપૂર્વક અમલ કર્યો. બોરવેલનું પાણી મફત પીવા માટે વાપરવું, નિશ્ચિત ઊંડાઈ નીચે બોરકૂવો બનાવવો નહિ. એ નિયમો પાળવામાં આવવાને કારણે અને જળ સંગ્રહ, જમીન સંરક્ષણ, પાણીનું પુનર્ભરણ વગેરે યોજનાઓના કડક અમલ કરવાને પરિણામે ભર ઉનાળામાં પણ ત્યાંના કૂવાઓમાં, તળાવમાં ભરપૂર પાણી હોય છે. ઉનાળામાં આસપાસનાં ગામોમાં ટેન્કર્સ દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. ત્યારે હિવરે બજારના ઢોર લીલો ચારો ખાય છે અને તેમને માટે રાખી મૂકવામાં આવેલા તળાવનું પાણી પીતાં સુખમાં હોય છે. ત્યાં વધુ પાણીની જરૂરિયાત ધરાવતાં શેરડી, કેળા જેવા પાક લેવામાં આવતા નથી. પાણી ખેંચવા પર, પાણી વપરાશ ઉપર મૂકવામાં આવેલા નિયંત્રણનું પરિણામ હિવરે ગામ લીલુંછમ થવામાં પરિણમ્યું છે. એ ગામની સંપૂર્ણ કાયાપલટ જ થઈ છે. આ હિવરે બજારનું ધોરણ સરકાર સ્વીકારે તેવા કાયદાઓ પણ કરવામાં આવે, એમ વિલાસરાવ (તે ભૂગર્ભ જળ સમિતિમાં હોવાથી) ચર્ચા-બેઠકોમાં રજૂ કરતા હતા. પણ વિલાસરાવની માંગણીઓની નોંધ લેવા જે લોકો પાસે પાણી હતું તે તૈયાર ન હતા અને જેમની પાસે સત્તા હતી તે પણ તૈયાર ન હતા. હવે તો કોઈની પાસે જ પાણી નથી.

સેન્દ્રિય ખેતીને પ્રાધાન્ય

ઈ.સ. ૧૯૯૫-૯૬ના અરસામાં વિલાસરાવને એક સમવિચારી યુવાન મળ્યો પી. બી. શિતોળે, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર. શિતોળેની પોતાની ખેતી. અભ્યાસ ચાલુ હતો ત્યારેય એ પુણેથી પોતાના ગામ ન્હાવીસાંડસ જતો. ખેતી લાભદાયક શાતી થતી નથી એ પ્રશ્ન એને સતાવતા. એ માટે એમણે વિદ્યાર્થી અવસ્થામાં આખુંય મહારાષ્ટ્ર ખૂંદી નાંખ્યું. અનેક ખેડૂતો, પુરસ્કાર વિજેતા ખેડૂત, કૃષિનિષ્ઠ, કૃષિમિત્ર વગેરે લોકોને મળ્યા. શોધ કરતો રહ્યો. ખેતીમાંનું રોકાણ ઓછું કરવાના પ્રયત્નમાં એ સેન્દ્રિય ખેતી તરફ વળ્યા. ખેતીમાંના ખર્ચનો હિસ્સો ઓછો કર્યો. પોતાનાં ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવાનો વ્યવસાય સંભાળતા ખેતી અંગેના પ્રયોગ ચાલુ રાખ્યા. ઈ.સ. ૧૯૯૫માં પોતાના ગામે તેમણે ‘ગ્રામપરિવર્તન સંસ્થા’ શરૂ કરી. એની સ્થાપનામાં વિલાસરાવ સહભાગી થાય, સેન્દ્રિય ખેતીના પોતાના પ્રયોગમાં સહભાગી થાય એટલે તેમણે વિલાસરાવને વિનંતિ કરી. વિલાસરાવે એવી કાંઈ તત્પરતા દર્શાવી નહિ. આજ અરસામાં શિતોળે બેડહેકાળ ગયા. ત્યાં તેમણે શ્રી સુરેશ દેસાઈનો સેન્દ્રિય ખેતીનો પ્રકલ્પ જોયો. દેસાઈએ ઓછા પાણી પર શેરડી લીધી હતી અને તેના પાકો પણ સરસ આવ્યા હતા. આ હકીકત શિતોળેએ વિલાસરાવને કાને નાખી અને આ યોજના એક વખત જાતે જોઈ આવવા વિનંતિ કરી. પરંતુ આ જ ગાળામાં વિલાસરાવને હૃદયરોગનો હુમલો આવ્યો. તેમના હરવાફરવા પર નિયંત્રણ આવ્યું. ત્યાર બાદ વર્ષમાં જ તે કોલ્હાપુર ગયા હતા તયારે બેડકેહાળ તરફ વળ્યા અને એ બે દિવસ ત્યાં જ રહ્યા. સેન્દ્રિય ખેતીએ તેમને આંજી દીધા હતા. આસપાસના દસ-બાર ખેડૂતોની આ સેન્દ્રિય ખેતી નિહાલી. પુણે પાછા આવ્યા પછી શિતોળેને ફોન કર્યો અને કહ્યું, ‘સુરેશ દેસાઈને નોબેલ પ્રાઈઝ આપવું જોઈએ. હવે તમારી સાથે સેન્દ્રિય ખેતીની યોજનામાં જોડાઉં છું.’ ૧૯૯૭થી વિલાસરાવ સમન્યાયી પાણીવહેંચણી સાથે સેન્દ્રિય ખેતીનોય અધિક જોરકસ પુરસ્કાર કરવા લાગ્યા. સેન્દ્રીય ખેતીના વિચારને સરકારી સ્વીકૃતિ મળે અને તે માટે પ્રોત્સાહન મળે એ માટેની તેમની મથામણ ચાલુ થઈ.

લગભગ ૪૦% પાણીથી શેરડી લઈ શકાય, એ પાકમાં આંતરપાક પણ લઈ શકાય. સેન્દ્રીય ખેતીથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે. સેન્દ્રીય ખેતી અને પાણી વચ્ચેનો સંબંધ ધ્યાને લઈએ તો સિંચાઈ હેઠળનું ક્ષેત્ર વધારી શકાય. કારણ આ ખેતીમાં ઓછું પાણી જરૂરી હોય એવા પાક લઈ શકાય છે. ઓછા પાણીના વપરાશથી જમીનની ઉત્પાદકતા વધે છે. એ સર્વ સેન્દ્રીય ખેતીના ગુણોનો અભ્યાસ કર્યા પછી વિલાસરાવ સરકાર સમક્ષ રાસાયણિક ખાતરો માટે ખેડૂતોને સબસિડી આપવી બંધ કરો એવી માંગણી કરવા લાગ્યા, સેવાભાવી સંસ્થઓએ કહેવું ‘સેન્દ્રીય ખેતી કરો’ અને સરકાર સબસિડી આપે રાસાયણિક ખાતર માટે. આવું થાય નહિ. એ માટે વિલાસરાવની સેન્દ્રીય ખેતી માટેની ઝુંબેશ શરૂ થઈ. સરકારને વાળવી ખૂબ મુશ્કેલ હોય છે. એ અત્યાર સુધીના અનુભવોએ વિલાસરાવને શીખવ્યું હતું. સેન્દ્રીય ખેતના ફાયદા કૃષિ નિષ્ણાતો સ્વીકારે તો જ સરકાર એ માને. એટલે સુરેશ દેસાઈની સેન્દ્રીય ખેતીના વૈજ્ઞાનિક મૂલ્યાંકન પાણી-માટી-ખાતર-વનસ્પતિ ઇત્યાદિ ક્ષેત્રના પચીસેક નિષ્ણાતો પાસેથી કરાવી લેવા વિલાસરાવે ઠરાવ્યું અને તે પ્રયત્નમાં લાગ્યા.

સોલાપુરના શ્રી બાલકૃષ્ણ રેણકેના દસ ગુંઠાની પ્રાયોગિક ખેતીની વાત તેમના કાને આવી. શ્રી અ. દાભોળકરના ‘પ્રયોગ પરિવાર’ની શૈલીએ રેણકેએ વિચરતી જાતિના લોકો માટે આ પ્રયોગ કર્યો હતો. એ જોવા તે જાતે ગયા. બધું જોઈને આનંદિત થયા. તે અરસામાં જ તેમને પ્રા. એન. ડી. પાટીલના હસ્તે સ્વ. દત્તા દેશમુખ પુરસ્કાર મળ્યો હતો. તેના પચ્ચીસ હજાર રૂપિયા તેમણે રેણકેને આપી તેમનું બહુમાન કર્યું.

વિલાસરાવે પોતાના વિચાર સામાન્ય ખેડૂત સુધી પહોંચાડવા માટે પત્રિકા શરૂ કરી, પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરી અને નિષ્ણાતોને સમજાવવા માટે પુસ્તક પણ લખ્યું.

‘પાણી પંચાયત’ સામયિક

પાણી પંચાયતના જન્મ સાથે (૧૯૭૯) વિલાસરાવે ‘પાણી પંચાયત’ ત્રિમાસિક શરૂ કર્યું. એ તેમની ચળવળનું મુખપત્ર જ. વિલાસરાવ તેના સંપાદક. તેને કારણે પાણી પંચાયત ચળવળ બધી મુખ્ય ઘટનાઓની વિગત આ મુખપત્રમાં જોવા મળતી. દુષ્કાળ અંગની માહિતી આપીને તેની ઉપર સૂચવાવમાં આવેલ ઉપાય યોજના, ઊભી કરેલી યોજનાઓ, મહરાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે થેયલી ચર્ચા, પત્રવ્યવહાર, ચળવળના અનેક સારાનરસા અનુભવ એ બધું વિલાસરાવ તેમાં કહેતા. એ સમયના તેમના ભાવનાશાળી અને વૈચારિક આંદોલનો તેમાં પ્રતિત થાય છે. પાણીની યોજનાઓ કરતી વખતે, ખાસ કરીને વીજળી મેળવતી વખતે આવેલી અડચણો, રાજકીય નેતાઓનું વર્તન, તેમના બેબોલપણા વિશેની તેમની નારાજગી પણ તેમના લેખો દ્વારા વ્યક્ત થતી. પરંતુ કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત સ્તરે તે ત્રાસ આપતાં નહિ. તેમનો સંયમ ક્યારેય ઢળતો નહિ. કટુ અનુભવોમાંથી તેમને આવેલી ઉદાસીનતા માત્ર વાચકને અસ્વસ્થ કરે છે. ગ્રામ્ય વિકાસની દૃષ્ટિએ, રાષ્ટ્રીય હિતની દૃષ્ટિએ તેમને જે જે મહત્ત્વનું લાગતું, ગ્રામ્ય વાંચકો સુધી પહોંચાડવા યોગ્ય લાગતું, તે તે ‘પાણી પંચાયત’ પત્રિકા દ્વારા કહેતા. તેમાં અન્ય સામાજિક કાર્યકરોનો પણ પરિચય કરાવવામાં આવતો હતો. અન્ય દેશોમાં શૈક્ષણિક ક્ષેત્રે કઈ ઉચિત પદ્ધતિ સ્વીકારવામાં આવી છે, ઈઝરાયેલમાંની ખેતીની અને પાણી વહેંચણીની પદ્ધતિ, ચીનની રેડ ફ્લૅડ કેનાલ ઇત્યાદિ વિષયોનો પણ સમાવેશ રહેતો.

આ ચીની નહેરે વિલાસરાવની ઉત્સુકતા જગાવી હતી. ઈ.સ. ૧૯૮૧માં તે દિલ્હી ગયા હતા ત્યારે ચીની રાજદૂતાવાસમાં ખાસ જઈને, લાલ નિશાન નહેરની અધિક જાણકારી મળે છે કે એની તેમણે તપાસ કરી હતી. ત્યાંના સાંસ્કૃતિક વિભાગમાંથી તેમને નહેર વિષયક માહિતી ફિલ્મ મળી. તે માહિતી ફિલ્મ ત્યાર પછી અનેક દિવસ વિલાસરાવ સામાન્ય ખેડૂતથી નિષ્ણાતો સુધીના અનેકોને બતાવતા હતા.

ગ્રામ્ય વિકાસ માટે પ્રયાસ કરનારા તેમાં સફળતા મેળવનારા કાર્યકરોના વિલાસરાવે વખાણ કર્યાં. રાળેગણ શિંદીના શ્રી અણ્ણાસાહેબ હજારે, હિવરે બજારના શ્રી પોપટરાવ પવાર, ચિકોત્રા યોજનાના પ્રણેતા શ્રી આનંદરાવ પાટીલનું ગૌરવ તેમણે પોતાની પત્રિકા દ્વારા તો કર્યું જ; પણ જ્યાં તક મળે ત્યાં તેમણે જાહેર વખાણ પણ કર્યા.

વિલાસરાવની કલમમાં લાલિત્ય ન હોવા છતાં શુષ્કતા ન હતી. પ્રચાર પાંડિત્ય પણ ન હતું. આવશ્યક એવી આંકડાવારી આપીને સીધા મુદ્દાએ પહોંચવું, ચોકસાઈપૂર્વક વિચાર રજૂ કરવા એ તેમનાં વૈશિષ્ટ્ય હતાં.

મહારાષ્ટ્રની જળસંપત્તિનું આયોજન

પાણીની ન્યાયી વહેંચણી-ધોરણ-દિશા-કાર્યવાહી

‘પાણી પંચાયત’ ચળવળના મુખપત્ર તરીકે વિલાસરાવ ‘પાણી પંચાયત’ પત્રિકા ક્યારેક દ્વૈમાસિક તો ક્યારેક ત્રૈમાસિક એમ ચલાવતાં હતાં. ઈ.સ. ૧૯૭૨થી પછી વીસ-બાવીસ વર્ષ પાણીનો અને વિશેષતઃ મહારાષ્ટ્રના પાણી પ્રશ્નનો અભ્યાસ કર્યા પછી, અનુભવ લીધા બાદ વિલાસરાવે પ્રસાદ રસાળ નામના ઇજનેરની મદદથી મહારાષ્ટ્રની જળસંપત્તિનું આયોજન : પાણીની ન્યાયી વહેંચણી-ધોરણ-દિશા-કાર્યવાહી પુસ્તક ઈ.સ. ૧૯૯૬માં લખ્યું. ‘મહારાષ્ટ્રનો પાણીનો પ્રશ્ન દિવસોદિવસ વિકટ, ગૂંચવણભર્યો થતો ચાલ્યો છે. વધતી જનસંખ્યા, બદલાતું વરસાદી ધોરણ, વધતું ઔદ્યોગિકીકરણ વગેરે કારણો આની પાછળ હોવાનું કહેવામાં આવે છે. પણ એ પૂર્ણતઃ સાચાં નથી. ખરું કારણ એટલે પાણીની અન્યાયી વહેંછણી. તેને કારણે મહારાષ્ટ્રના પાણીનો પ્રશ્ન વિકટ થતો ચાલ્યો છે.’ આવું કહીને વિલાસરાવ પોતાના પુસ્તકમાં તેના સમર્થનમાં ભરપૂર આંકડાવારી આપે છે. પાણીની અન્યાયી વહેંચણીને કારણે શહેરી વિરુદ્ધ ગ્રામ્ય, લાભક્ષેત્ર વિરુદ્ધ વગર લાભક્ષેત્ર, હેડ વિરુદ્ધ ટેઈલ ઍન્ડ, નહેર વિરુદ્ધ ઉદવહન જળ સિંચાઈ એમ જુદા જુદા પ્રકારના સંઘર્ષ મહારાષ્ટ્રમાં કેવા ખડા થયા છે, એ સ્પષ્ટ કરતાં તેમણે પોતાના પુસ્તકની રચના કરી છે.

મહારાષ્ટ્રની એકંદર જળસંપત્તિ, નદીઓના ખીણમાં પાણીની ઉપલબ્ધતા, એકંદર જમીન, વિવિધ પાકો, પાણી વપરાશનો હિસાબ ઇત્યાદિ સર્વ માહિતી તે આંકડાકીય આલેખને આધારે આપે છે. ‘માત્ર વરસાદ પર ખેતીનો આધાર ન રાખતા વત્તા-ઓછા પડનારા વરસાદને સંગ્રહીને તેનું સંવર્ધન કરીને, પાણીનો સંગ્રહ, પાણીની વહેંચણી અને પાણીનો વપરાશ આ ત્રણ બાબતોનો સમન્વય સામૂહિક હિતની દૃષ્ટિએ કરવામાં ાવે તો ખેતી અસ્થિરતામાંથી સંપન્નતા તરફ જશે.’ એવો દઢ નિષ્કર્ષ પણ તે રજૂ કરતા. આ માટે તે જળસ્રાવ ક્ષેત્ર વિકાસનો આગ્રહ સેવતાં. ‘જળસ્રાવ ક્ષેત્ર વિકાસ એટલે કેવળ પાણી અટકાવવું અથવા વૃક્ષો વાવવા નહિ, પણ જમીન, પાણી, માનવશક્તિ, પશુધન જેવા સહુની ઉત્પાદન શક્તિનો સમન્વય સાધીને સંવર્ધનશીલ વિકાસ સાધવાની પ્રક્રિયા’ એમ તે કહેતા.

પાણીનો પ્રશ્ન એ સામાજિક ન્યાનયો પ્રશ્ન છે. પાણી ભૌતિકવસ્તુ હોવા છતાં, સંપત્તિ નિર્માણનું એ મુખ્ય સાધન છે અને તેથી તેની વહેંચણી સામાજિક ન્યાયના ધોરણે જ થવી જોઈએ. એ પણ તે સંયમપૂર્વક કહે છે.

વિલાસરાવ જળસ્રાવ ક્ષેત્ર વિકાસની જ ફરિયાદ કરે છે. મોટા બંધો સામે તેમનો વિરોધ છે અથવા ખાંડનાં કારખાનાંઓ સામે તેમનો વિરોધ છે. એવા આરોપ તેમની પર કરવામાં આવે છે. એ આરોપ કેટલા બેબુનિયાદ હતા, એ તેમના તે અંગેના વિવેચન પુસ્તકમાં વાંચ્યા પછી ધ્યાને આવે છે. નાના અને મોટા બધાંનો સમન્વય દ્વારા સહુને સતત પાણી ઉપલબ્ધ કરાવી શકાય એવું આયોજન કરવું જોઈએ. આમ થશે તો જ, ‘નાની યોજના કે મોટી યોજના’ જેવા કાલ્પનિક વિવાદનો નિર્ણય આવશે એમ તેમનું કહેવું હતું. બંધની આવશ્યકતા (પૃ. ૮૨) તે સ્વીકારે જ છે, પણ જે સ્થળે બંધનું પાણી મળી જ શકતું નથી ત્યાં જળસ્રાવ ક્ષેત્ર વિકાસનો આગ્રહ સેવે છે. ‘મોટા, મધ્યમ, નાના બંધ તેમજ જળસંગ્રહના ઉપાય એ બધું જ આવશ્યક છે.’ એમ તે કહે છે. કાંડના કારખાના વિશે (પૃ. ૯૦) તે લખે છે : ‘મહારાષ્ટ્રમાં આજસુધી ઘણાં ખાંડના કારખાના ઊભાં થયાં છે. તેમણે મોટું કૃષિ-ઔદ્યોગિક કામ કર્યું છે. પુષ્કળ રોજગાર ઉપલબ્ધ થયો. ઇતર વિકાસની સુવિધા (શિક્ષણ, આરોગ્ય ઈ.) પણ ઉપલબ્ધ થઈ છે. આ બધું બંધ કરી શકાય નહિ. પણ ઓછા પાણીમાં શેરડીનું ુત્પાદન કેવી રીતે વધારી શકાય એનું સંશોધન આવશ્યક છે.’

મહારાષ્ટ્રના પાણી પ્રશ્નની વ્યાપક સમજણ વિલાસરાવના આ પુસ્તકમાંથી વાંચકને મળે છે. તેમના વિચાર પાછલ અનુભવ, પ્રત્યક્ષ કાર્યનું સંગીન પીઠબળ હોવાથી પુસ્તકનું મૂલ્ય અધિક જ નીવડે છે.

ઈ.સ. ૧૯૭૪માં વિલાસરાવ ઇઝરાયલ જઈ આવ્યા. તે વખતે ત્યાં ટપક સિંચાઈની હજુ તો શરૂઆત જ થઈ હતી. વિલાસરાવને સૌથી વધુ પ્રભાવિત કર્યા હતા ત્યાંની સમાન પાણી વહેંચણીની પદ્ધતિએ. ઇઝરાયલ દ્વારા નરિમાણ કરવામાં આવેલ પાણીની ઉપલબ્ધતા, પાણીની વહેંચણી, પાક પદ્ધતિ, તે અંગે શિસ્તબદ્ધ આયોજન જેવી વાતોએ. તે લખે છે : ‘ઇઝરાયેલે પાણીની વહેંચણી કેવી રીતે કરી છે એ સમજવું જોઈએ. ઇઝરાયેલમાં પાણીની બાબતમાં કેવળ ઉપદેશની જળનીતિનો ઉપદેશ આપ્યા વગર તેની કાર્યવાહી સ્વતંત્ર પાણી આયોગ દ્વારા કરવામાં આવે છે અને આ જળનીતિ કાયદાને આધારે થાય, એથી ઇઝરાયેલે ખાસ પાણીના નિયમ બનાવ્યા છે. ઇઝરાયેલમાંની ટપક સિંચાઈના ગાણા ગાવાને બદલે ત્યાંની સમાન વહેંચણી પદ્ધતિની શિસ્તનું આયોજન પહેલાં પ્રસ્થાપિત કરવું જોઈએ.’ એ તે અધિક સ્પષ્ટપણે રજૂ કરે છે. (પૃ. ૭૫) આ જ પુસ્તકમાં તેમણે ઉપલબ્ધ આંકડાવારીના આધારે મહારાષ્ટ્રની પાણી વહેંચણી વિષયે નવો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે.

શ્રી બાળાસાહેબ વિખે પાટીલની મહારાષ્ટ્ર પરિષદને તે આહ્‌વાન કરે છે. (મહા જળ પૃ. ૯૪) પાણીનો સંગ્રહ, વહેંછણી અને ઉપયોગ બાબતે સામાજિક ન્યાનયી ભૂમિકા ધ્યાને રાખીને મહારાષ્ટ્રના પાણી આયોજનની કાર્યવાહી થવી આવશ્યક છે. એકંદર ગ્રામ્ય વ્યવસ્થાને વેગ આપવા, સુધારવા અને સ્થિર બનાવવા માટે મહારાષ્ટ્રનું પાણી વ્યવસ્થાપન ધોરણ મૂળભૂત નીવડશે. પાણી પરિષદે આની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સરકારનું ધોરણ, દિશા અને કાર્યવાહી અમલમાં લાવવા માટે પ્રજામાનસને જાગૃત કરવાની આવશ્યકતા છે. બધાં ક્ષેત્રોના જાણકારોએ આ પ્રશ્નમાં ધ્યાન આપીને સરકારને ધોરણ ઘડવા સજ્જ બનાવવી જોઈએ.’

મહારાષ્ટ્ર રાજ્ય આયોજન મંડળની નવમી પંચવર્ષિય યોજનાનો ખરડો તૈયાર કરાવની સમિતિમાં વિલાસરાવ પણ સદસ્ય હતા. આ ખરડા માટે તેમણે બે પ્રસ્તાવ રજૂ કર્યા હતા. ‘ગ્રામ્ય વિકાસને વેગ આપવા માટે પાણીના આયોજનના નવા દૃષ્ટિકોણની આવશ્યકતા અને નહેર, બંધ યોજનાના લાભક્ષેત્રમાં પાણી વહેંચણી અને વહેંચણીનું સુધારેલ આયોજન.’ લાભક્ષેત્રના સહુને નિશ્ચિત, પર્યાપ્ત અને સમયસર પાણી મળે એવી પાણી પુરવઠા પદ્ધતિનો વિચાર કેવી રીતે કરી શકાય, એ અંગેના તેમણે તેમાં વિચાર રજૂ કર્યા હતા.

મહારાષ્ટ્ર રાજ્યનું પાણી ધોરણ અને કૃષિ સિંચાઈ વિકાસ સંબંધે વિલાસરાવે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને સવિસ્તર પત્રો લખ્યા. વિલાસરાવ શક્ય હોય એ પદ્ધતિથી પોતાના વિચાર સમાજના સર્વ ક્ષેત્રોમાં પ્રસરાવવાના પ્રયત્ન કરતા હતા, ખંતપૂર્વક કરતા હતાં.

શ્રી આર. કે. પાટીલ અને વિલાસરાવે દક્ષિણ આફ્રિકાના જળ કાયદાઓનો અભ્યાસ કરીને તેની ઉપર વ્યવસ્થિત નોંધ તૈયાર કરીને તે મહારાષ્ટ્ર સરકાર સમક્ષ રજૂ કરી. આવા કાયદા આપણે ત્યાં થાય એ માટે આહ્‌વાન કર્યું, પણ તેને કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ મળ્યો નહિ.

સરકારને જગાડવા જનહિત યાચિકા

વિલાસરાવ પ્રચંડ આશાવાદી. હાર માનવા તે તૈયાર જ ન હતા.

પાણીનો દુકાળ એ પાણીના અભાવ કરતાંય તેના ગેરવ્યવસ્થાપનને કારણે અધિક સહન કરવો પડે છે. ઉપલબ્ધ પાણીનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો દુષ્કાળ પર વિજય મેળવી શકાય. આ ઉપયોગ માનવ ક્ષમતાની મર્યાદામાં છે, પરંતુ અભાવ છે, એ ઇચ્છાશક્તિનો, રાજકીય ઇચ્છાશક્તિનો ! એ રાજકીય ઇચ્છાશક્તિ જગાડવા માટે, સામે આવવા ફરજ પાડવા માટે વિલાસરાવે ન્યાયાલયને શરણે જવા ઠરાવ્યું.

ઈ.સ. ૧૯૯૯ના જાન્યુઆરી મહિનામાં મુંબઈના ઉચ્ચ ન્યાયાલયમાં તેમણે જનહિત યાચિકા દાખલ કરી. આ યાચિકાના મુદ્દા હતા :

• પાણી એ કુદરતી સંસાધન છે. તેની વહેંચણી કેવી રીતે થાય, એનું નિયમ કરનારો કાયદો અથવા ધોરણ અસ્તિત્ત્વમાં નથી. કશાયના ભેદભાવ વગર સહુને એ વહેંચવામાં આવે, એની ખાતરી આપનાર ધોરણ નક્કી થવું આવશ્યક છે.

• જળસ્ત્રોત પર કોઈ એકની જ માલીકી રહેશે નહિ.

• ભારતનું બંધારણ જળસ્ત્રોત પર (ખાનગી માલમિલ્કત) તરીકે વૈયક્તિક માલિકીને સ્વીકૃતિ આપતું નથી.

• પાણી નૈસર્ગિક સંસાધન હોવાથી એ સહુને સમાન અને ઓછામાં ઓછું આવશ્યકતા પૂરતું મળવું જ જોઈએ. તેને કારણે ઓછી જમીન ધરાવનારા અને પાણીના દુકાળવાળી જમીનોને લાભ મળશે. તેમને ગરીબી રેખા ઓળંગવાનું સરળ બનશે.

• પાણી વપરાશનું નિયમન તાકીદે થવું આવશ્યક છે. તેને કારણે પાણી પર આધાર રાખનારાઓને તે ઉપલબ્ધ થશે. તે દૃષ્ટિએ સરકારે પોતાના ધોરણ અને કાર્યવાહી અંગેના આદેશ આપવા તેવો કાયદો ઘડવા ફરજ પાડવી.

પાણી સહિયારી માલિકીનું બની રહે. તેનો વપરાશ પણ યોગ્ય થાય. પાણીની સમાન વહેંચણી અને સિંચાઈ માટે ઓછામાં ઓછું પાણી આપવા અંગેના મહારાષ્ટ્ર રાજ્યસરકારને પોતાનું ધોરણ જાહેર કરવા ફરજ પાડવી અને તેવું ધોરણ તૈયાર કરવામાં આવેલ ન હોય તો તે તૈયાર કરવાનો આદેશ આપવો. એવી વિનંતિ યાચિકા દ્વારા ઉચ્ચ ન્યાયાલય સમક્ષ કરી.

ભારત સરકારનું પાણી ધોરણ જેવું કાંઈ જ ન હતું. આંતરરાષ્ટ્રીય બૅન્કની ફરિયાદને કારણે ઈ.સ. ૧૯૮૭માં ભારત સરકારે રાષ્ટ્રીય જળનીતિ તરીકે માર્ગદર્શક સિદ્ધાંત વર્ણવીને રાજ્ય સરકારોને જળધોરણ નિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્ર સરકારની ‘નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ’ હોય છે. બધાં રાજ્યોના મુખ્યમંત્રી તેના સદસ્ય હોય છે અને વડાપ્રધાન તેના અધ્યક્ષ. કાઉન્સિલના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જળસંપત્તિના આયોજનમાં એકએક નદીની ખીણ હોવી જોઈએ. જળસંપત્તિ યોજનાનું આયોજન બહુઉદ્દેશીય યોજના સમાન હોવું જોઈએ. પાણીની વહેંચણી સમાન અને સામાજિક ન્યાયી પદ્ધતિએ થાય, સ્થાનિક સ્વૈચ્છિક સંગઠનોનો પાણીની વહેંચણીમાં સહભાગ વધારવાના પ્રયત્ન કરવામાં આવે, પાણીના આયોજનમાં અનાવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવે વગેરે સિદ્ધાંતોનો સમાવેશ હતો.

ઈ.સ. ૧૯૮૭-૧૯૯૮ના સમયગાળામાં મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તરફથી આ અંગે આગળ કાંઈ જ થયું ન હતું.

આ જનહિત યાચિકાનો મુસદ્દો સર્વોચ્ચ ન્યાયાલયના માજી ન્યાયમૂર્તિ શ્રી પી. બી. સાવંત, ઉચ્ચ ન્યાયાલયના માજી ન્યાયમૂર્તિ શ્રી બી. જી. કોળસે પાટીલે તૈયાર કર્યો હતો. શ્રી કોળસે પાટીલ વિલાસરાવને જનહિત યાચિકા દૈાખલ કરાવની માથાકુટમાં ન પડવા કહેતા હતા. ‘તમે જે કહેવા-સૂચવવા ઇચ્છો છો એ સમજવાનું સામર્થ્ય આપણા ન્યાયમૂર્તિઓમાં નથી.’ એમ તે કહેતા હતા. વિલાસરાવે જાતે દેશોદેશના પાણી વિષયક કાયદાઓનો અભ્યાસ કર્યો હતો. આપણે ત્યાં પણ આવી વ્યવસ્થા હોવી જોઈએ એવો તેમનો આગ્રહ હતો. વિલાસરાવના આશાવાદ અને આદર્શનો ચેપ અમનેય લાગ્યો.’ એટલે કોળસે પાટીલે આખરે ટેકો આપ્યો. યાચિકામાં વિલાસરાવે વિશ્વના અનેક પાણીના કાયદાઓના સંદર્ભ પણ આપ્યા હતા, પણ કોર્ટમાં કેસ વ્યવસ્થિત સાંભળવામાં જ આવ્યો નહિ. બે-ત્રણ વખત પ્રયાસ થયા. ‘કેન્દ્ર સરકારની જળનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર અમલ બજવણી કરીશું, એ માટે ઈલાયદા ધોરણ જાહેર કરવાની ઓવશ્યકતા નથી.’ એવું પ્રતિજ્ઞાપત્ર મહારાષ્ટ્ર સરકારે રજૂ કર્યું... કેસ ત્યાં જ પૂરો થયો.

ઈ.સ. ૧૯૯૯માં મહારાષ્ટ્રમાં લોકશાહી મોરચા સરકાર સત્તા પર આવી. તેમણે પોતાના લઘુત્તમ સમાન કાર્યક્રમમાં સમન્યાયી પાણી વહેંચણીને અગ્રસ્થાન આપ્યું. પોતાના જાહેરનામામાં પાણી પ્રશ્નને મહત્ત્વ આપ્યું. સંઘર્ષનું કારણ રહ્યું નહિ. એટલે વિલાસરાવે ફરી પ્રયાસ કર્યો નહિ પણ તેમના જાગૃતિના પ્રયાસ ચાલુ જ હતા.

‘મહારાષ્ટ્ર ગ્રામીણ વિકાસ સંસ્થા પરિષદ’

પૂર્વે ઈ.સ. ૧૯૮૫-૮૬ના અરસામાં શ્રી મધુકરરાવ ચૌધરીએ શ્રી અણ્ણાસાહેબ હજારેની અધ્યક્ષતા હેઠળ ‘મહારાષ્ટ્ર ગ્રામીણ વિકાસ સંસ્થા પરિષદ’ની સ્થાપના કરી હતી. વિલાસરાવ તેના કાર્યાધ્યક્ષ હતા. વચ્ચેનાં વર્ષોમાં તે આ પરિષદના કામથી થોડા દૂર ગયા હતા. હવે તેમણે ફરીથી તેમાં ધ્યાન આપવાની શરૂઆત કરી. આ સમયગાળામાં દેશભરની અનેક પાણી પ્રશ્ન વિષયક પરિષદોમાં, કાર્યશાળાઓમાં તેમણે સહભાગ લીધો. વિલાસરાવ એકની એક વાત ક્યારેય કરતા ન હતા. તેમના વિચારોમાં હંમેશા તાજાપણું રહેતું. અત્યાર સુધીના વાંચન દ્વારા તેને અધિક પરિણામ પ્રાપ્ત થયેલું હતું. સાંસદ શ્રી મધુ લિમયે, સામાજિક કાર્યકર શ્રી નાનાજી દેશમુખ જેવા સન્માનીય વ્યક્તિઓ ‘વિલાસરાવ શું કહે છે’ એ જાણવા ઉત્સુક રહેતા. શ્રી અનિલ અગ્રવાલના ‘સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવ્હારૉન્મેન્ટ’ તરફથી દિલ્હીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય ઇજીટ્ઠૈહ ઉટ્ઠીંિ ૐટ્ઠદૃિીજૈંહખ્ત પરિષદમાં વિલાસરાવ ઉપસ્થિત હતા. પરિષદના અધ્યક્ષ હતા રાષ્ટ્રપતિ. એ પરિષદમાં શ્રી પૂર્ણો સંગમા (માજી લોકસભાપતિ) દિગ્વિજયસિંહ (મુખ્યમંત્રી, મધ્યપ્રદેશ)નાં ભાષણો થયાં. પરિષદ સમક્ષ બોલતા અનિલ અગ્રવાલે વિલાસરાવનો ખાસ નામનિર્દેશ કરતાં કહ્યું, ‘આ મારા હીરો.’ વિલાસરાવને હીરો માનનારાઓની સંખ્યા વધતી હતી, વધી રહી છે.

સત્તા પર આવેલા મોરચા સરકારના તત્કાલીન ગ્રામીણવિકાસ અને પાણી પુરવઠા મંત્રી શ્રી આર. આર. પાટીલ, સાંગલી જિલ્લાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારના. ‘સંત ગાડગે મહારાજ સ્વચ્છતા અભિયાન’ તેમણે સફળતાપૂર્વક ચલાવ્યું. આ અભિયાન ચાલુ હતું ત્યારે વિલાસરાવ પાટીલે તેમને એક વખત કહ્યું, ‘આ અભિયાનમાં બધી સરસ વાતોનો સમાવેશ છે. બધા સામાજિક સુધારા છે. જળસંગ્રહનો વિચાર જ માત્ર તેમાં નથી.’

મહારાષ્ટ્રમાં પાણી પ્રશ્ન પર કામ કરનારા નિષ્ણાત લોકો સાથે, કાર્યકર્તાઓ સાથે પાટીલનો સરસ સંપર્ક. તેમની સાથે પાટીલની હંમેશા ચર્ચા થતી. વિચાર વિનિમય થતો. તેમની વિલાસરાવ સાથે વૈચારિક મૈત્રી સરસ રીતે જોડાઈ. ‘જો પાણી એ કુદરતી સંપત્તિ હોય, રાષ્ટ્રીય સંપત્તિ હોય, તો વાપરે તેનું પાણી એ વિચાર સુધ્ધાં ભૂલભર્યો બની રહે છે. પાણી સહુનું હોય તો તે સહુને મળવું જોઈએ. પાણી પર સહુનો સમાન અધિકારની ભૂમિકા ભવિષ્યમાં સ્વીકારવાની ફરજ પડશે.’ એમ કહેનારા આર. આર. પાટીલ વિલાસરાવને પોતીકા ન લાગે તો જ આશ્ચર્ય.

જૂન ૨૦૦૦માં પાટીલે પાણીવિષયક બે ચર્ચાસત્રો પુણેમાં ગોઠવ્યાં. પાણી વિષયે કામ કરનાર સંસ્થાના કાર્યકરો, વિરોધ પક્ષના કાર્યકરો તેમાં હતા. ‘પાણી પુરવઠા યોજનામાં ગ્રામ્ય સ્તરે લોકસહભાગ વ્યાપક બનાવવાનો વિચાર’ એ સત્ર દ્વારા મુખ્યત્વે રજૂ કરાવમાં આવ્યો. સપ્ટેમ્બર મહિનામાં તેવો સરકારી આદેશ પણ નીકળ્યો. ‘પાણી બચાવો, પાણી વ્યવસ્થાપન કરો. અતિ ઉદવહન નિવારો’ આ ત્રણ સૂત્રોને સામે રાખીને ગ્રામસભાઓને અધિકાર આપવામાં આવ્યા.

નવેમ્બરમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક સ્થાયી અભ્યાસ જૂથની નિયુક્તી થઈ. ‘પાણીની ન્યાયી વહેંચણી, પાણીના વપરાશ અંગેના અધિકાર અને તે અંગેના સામાજિક ધોરણ’ નક્કી કરવાની દૃષ્ટિએ આ અભ્યાસ જૂથે અહેવાલ સાદર કરવાનો હતો. આ સ્થાયી સમિતિમાં સરકારી પદાધિકારીઓ સહિત વિચારક વિજ્ઞાની લોકો હતા. અણ્ણા હજારે, પોપટરાવ પવાર, વસંત ગંગાવણે, વિલાસરાવ વગેરે સામાજિક કાર્યકરો પણ હતા.

આ અભ્યાસજૂથની બેઠકમાં એક નવી સંજ્ઞાએ જન્મ લીધો - ‘જળ સાક્ષરતા. લોકોની ભાગીદારી સિવાય કોઈ પણ સરકારી યોજના સફળ થશે નહિ. પહેલા જનમત તૈયાર થવો જોઈએ, નહિ તો કાયદા કેવળ કાયદા પર જ રહે છે. તેમાંથી છટકબારીઓ નીકળે છે અથવા તે કાયદાનો અમલ કરનારા નવા સત્તાકેન્દ્રો તૈયાર થાય છે. આ ભયસ્થાન દૂર કરવા માટે લોકોનું શિક્ષણ, શિક્ષણ થવાની દૃષ્ટિએ જળસાક્ષરતા પર ભાર મૂકવા ઠરાવવામાં આવ્યું.

અભ્યાસજૂથમાંના સદસ્યોના સંસ્થાના અનુભવોનો, વિચારોનો લાભ લઈને ગ્રામ્ય વિકાસ મંત્રીએ જળસંચય યોજનાઓ આધારીત ‘જળસ્વરાજ્ય’ યોજના આંતરરાષ્ટ્રીય બૅન્કને સાદર કરી. આ યોજના માટે બૅન્કે ધિરાણ આપવા સ્વીકાર્યું.

આ સમગ્ર યોજના તૈયાર કરવામાં વિલાસરાવે આપેલું માર્ગદર્શન, આપેલ વૈચારિક પીઠબળ અત્યંત મૂલ્યવાન હતું એમ આર.આર. પાટીલ ન ચૂકતા કહે છે. પાણી વ્યવસ્થાપન વિષયનો વિવિધ કાર્યશાળાઓમાં વિલાસરાવે આપેલ માર્ગદર્શનનો તે કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કરે છે.

બે રાજ્યોમાંની સફળતા

આવો જ હૃદયસ્પર્શી અનુભવ આંધ્રપ્રદેશના માજી મુખ્યમંત્રી શ્રી ચંદ્રાબાબુ નાયડુએ વિલાસરાવને કરાવ્યો.

આંધ્રપ્રદેશ રાજ્યના ગ્રામીણ વિકાસ ખાતાના આયુક્તે ફોન પર વિલાસરાવનો ઈ.સ. ૨૦૦૦માં સંપર્ક સાધ્યો. તે વખતે આંધ્રપ્રદેશના ઘણાખરા વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ હતી. તત્કાલીન મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની અધ્યક્ષતા હેઠળ પાણી સંવર્ધન સમિતિની સ્થાપના થઈ હતી. એ સમિતિમાં જોડાઈને માર્ગદર્શન આપવા માટે આયુક્તે વિલાસરાવને આમંત્રણ આપ્યું. તુર્ત જ મુખ્યમંત્રીનો પણ ફોન આવ્યો. મહારાષ્ટ્રમાંથી શ્રી બી.જી. ઢોકરીકર, અણ્ણાસાહેબ હજારે અને વિલાસરાવ એ ત્રણેયની એ સમિતિમાં નિમણૂક થઈ. એ સમિતિના સદસ્યોની બેઠકો થઈ. મુખ્યમંત્રી પણ જાતે અનેક વખત બેઠકમાં હાજર રહેતા. ‘પાણી પંચાયત’ની સમાન પાણી વહેંચણીની યોજના ખમામ જિલ્લાના કેટલાક ભાગોમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવે એમ ઠરાવવામાં આવ્યું.

યોજના થવાની હતી ત્યારે ત્યાંના કેટલાક ખેડૂત માહૂરમાં ‘પાણી પંચાયત’ ઉદવહન સિંચાઈ યોજના જોવા આવ્યા. તે ત્યાંના ગ્રામ્યજનો સાથે ચર્ચા કરીને ગયા.

મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી દિગ્વિજયસિંહે પણ વિલાસરાવનો જળસંચય અંગે સંપર્ક સાધ્યો હતો. આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા બંને રાજ્યોમાં પાણીવિષયક કાયદાઓમાં સુધારા થયા. રાજકીય ઇચ્છાશક્તિ હોય કે કાયદામાં યોગ્ય સુધારા કેવી રીતે થાય છે તે આ બંને રાજ્યોમાં જોવા મળ્યું.

આ સમયગાળામાં વિલાસરાવનો ભારતમાં યોજાયેલી આવી બધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પરની પાણી પરિષદોમાં મહદંશે ફાળો હતો.

ઈ.સ. ૨૦૦૧ના ઑગસ્ટ મહિનામાં વિલાસરાવને ભારત સરકાર તરફથી ૈંઙ્ઘીટ્ઠજ ંરટ્ઠંર્ ુિા વ્યાખ્યાનમાળામાં ‘પાણી પંચાયત : સમન્યાયી પાણી વહેંચણી’ વિષય પર વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ આવ્યું.

વિલાસરાવના આ વ્યાખ્યાનની દિલ્હીમાં ખૂબ ચર્ચા થઈ. તે અરસામાં જ ગણેશ પાંગારાએ એનડીટીવી માટે તેમની મુલાકાત લીધી. એ જોઈને અનેકોએ ‘વાચાળ સામાજિક કાર્યકરો કરતાં આ માણસ નિરાળો અને રચનાત્મક કામો કરનારો છે’ એવી પ્રતિક્રિયા વ્યક્ત કરી. અનિલ અગ્રવાલે વિલાસરાવ અને પાણી પંચાયત પર બનાવેલી ડોક્યુમેન્ટ્રી પણ નામના પામી. ‘દૂરદર્શન’ પર પણ તેમની મુલાકાતો થઈ.

ઈ.સ. ૧૯૭૪-૮૨નો ગાળો એ વિલાસરાવના કૃતિશીલ સામર્થ્યનો ખરો સમયગાળો. પણ એ સમયે પ્રસાર માધ્યમો જળપત્રકારત્વની બાબતે આટલા સજાગ ન હતા. તેને કારણે જોઈએ એટલી પ્રસિદ્ધિ તે વખતે તેમના કામને, વિચારોને મળી નહિ. પરંતુ હવે છેવટે પ્રસારમાધ્યમોનું ધ્યાન તેમની તરફ ખેંચાયું છે.

ચિકોત્રા ખીણ યોજના

કોલ્હાપુર જિલ્લામાં ચિકોત્રા નદીની ખીણમાં વરસાદનું પ્રમાણ સારું હોવા છતાંય સિંચાઈની સગવડ નથી. ડુંગરાળ પ્રદેશ અને નાના જમીનધારકોને કારણે ત્યાં મોટા બંધની યોજના અમલમાં મૂકવી મુશ્કેલ હતી. ઈ.સ. ૧૯૭૭થી બંધ માટે પ્રયત્નો ચાલુ હતા, પણ સફળતા મળતી ન હતી.

શ્રી આનંદરાવ પાટીલ (ભારતી વિદ્યાપીઠ સંસ્થાના સંસ્થાપક કાર્યાધ્યક્ષ) શિક્ષણ ક્ષેત્રમાંથી નિવૃત્ત થયા પછી ઈ.સ. ૧૯૮૬માં ચિકોણા ખીણમાંના પોતાના બેલવાડી ગામે ગયા. ત્યાંના લોકોના આગ્રહને કારણે આ પ્રકરણમાં ધ્યાન આપવા તેમને ઠરાવ્યું. પરંતુ પહેલા પુનર્વસન અને પછી બંધ, એ સૂત્ર નિશ્ચિત કર્યું. બંધ થયા પછી કોઈ પણ પ્રકલ્પગ્રસ્ત બની રહે નહિ એ દૃષ્ટિએ આનંદરાવ પાટીલ કામે લાગ્યા. પુનર્વસન માટે સરસ ફળદ્રુપ જમીનો તેમણે લાભાર્થીઓ પાસેથી મેળવી.

આનંદરાવ પાટીલ ચિકોત્રા ખીણના લોકોના નેતા થયા. આ બંધનો લાભ એ ખીણના બાવન ગામોને થવાનો હતો. આ બંધ બંધાય એ પહેલા ‘શ્રમશક્તિ પ્રતિષ્ઠાન’ની સ્થાપના દ્વારા ત્યાંના પુનર્વસનનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો. બંધનો વિરોધ ન થાય એ માટે લોકોએ સ્વેચ્છાએ સરકારને સાડાત્રણસો એકર જમીન આપી. બંધને કારણે વિસ્થાપિત થઈને પુનર્વસન થયેલાઓએ બંધનું ભૂમિપૂજન કર્યું. જાગૃતિની, લોકશિક્ષણની કામગીરી આનંદરાવ પાટીલ અને તેમના ‘શ્રમશક્તિ પ્રતિષ્ઠાન’ દ્વારા સફળતાપૂર્વક પાર પાડ્યાનું આ પરિણામ હતું. બંધ બનાવવા માટે ખીણના લોકોએ મદદ પણ કરી. બંધગ્રસ્ત, લાભાર્થી, ભૂમિહીન, વંચિત બધા જ તેમાં હતાં.

બંધ પૂરો થયો, પણ ખરો પ્રશ્ન જાગ્યો એ પછીથી જ. પાણી કોણે વાપરવું ? આ પાણી કોના માટે ? બંધને નહેરો બાંધવી નહિ એવું સરકારી ધોરણ હતું. બંધનું પાણી નિયંત્રિત પદ્ધતિએ નદીમાં છોડવું અને ત્યાં કોલ્હાપુર પદ્ધતિના બંધમાં રોકવું, આજુબાજુના ખેડૂતોએ પોતાના ખર્ચે તે (૨૫ મી. ઊંચાઈ પર) ઊંચકીને લઈ જવાનું હતું. હંમેશની જેમ આનો ફાયદો નદી પાસેના ખેડૂતોને જ થતો હતો. નિવિદા ભરનારા કોન્ટ્રાક્ટરો, દલાલ, ધનિક ખેડૂતો પાણીના વપરાશ માટે આગળ આવ્યા હતા. બંધ માટે જમીન બધાએ આપી, પણ પાણી માત્ર મુઠ્ઠીભર લોકોને જ ! આ આનંદરાવ પાટીલને સ્વીકાર્ય ન હતું. બંધનું કામ થાળે પાડતી વખતે ભેજપટ્ટો કેવો હશે એ તેમણે ધ્યાને લીધું ન હતું, પાણી પહોંચાડવું કેવી રીતે, વહેંચવું કેવી રીતે, એ અંગે વિચારોમાં સ્પષ્ટતા ન હતી. બધાને પાણી મળવું જોઈએ. સહુનો એ પાણી પર અધિકાર છે, એની પર તે મક્કમ હતા. જળસ્રાવ વિસ્તાર વિકાસ દ્વારા ગ્રામ્ય વિકાસ કેવી રીતે કરી શકાય, પગથી માથા સુધી વિકાસ કેવી રીતે કરાવી શકાય, એ માટે તે વિવિધ યોજનાઓનો અભ્યાસ કરતા હતા. યોગાનુયોગે તે અરસામાં જ યુરોપ-અમેરિકા પ્રવાસે ગયા. ત્યાંય તેમણે આવી કોઈક યોજના ચાલુ છે કે એની ભાળ મેળવી. ત્યાં કાંઈ જોવા મળ્યું નહિ. પાછા ફર્યા પછી ‘સોપેકૉમ‘ સંસ્થાના શ્રી કૃષ્ણાજી દાતે, શ્રી રામકૃષ્ણ કે. પાટીલ, ‘આદર્શ ગ્રામ યોજના’ના શ્રી અરૂણ નિકમ સાથે સંપર્ક કર્યો. નિકમે વિલાસરાવને આ કાર્યમાં સહભાગી બનાવો એવો આગ્રહ સેવ્યો.

નદીની ખીણ એ જ એકમ

ખરું તો થોડાં વર્ષો પહેલાં ઈ.સ. ૧૯૭૬ના અરસામાં આનંદરાવ નાયગામ જઈને વિલાસરાવને મળ્યા હતા. તેમણે નાયગામ યોજના જોઈ હતી. પણ તેમને તે વખતે વિલાસરાવના વિચાર કાંઈ વ્યવહારુ જણાયા ન હતા. હવે ફરીથી તે વિલાસરાવને મળવા ગયા અને ‘પાણી પંચાયત’ની પાણીની વહેંચણી, પાણીનો વપરાશ, પાણી વ્યવસ્થાપન આ ખીણમાં થવું જોઈએ એવો તેમણે દૃઢ નિર્ધાર કર્યો.

ઈ.સ. ૧૯૯૯ના જૂન મહિનામાં ‘જળસ્રાવ વિસ્તાર વિકાસ પખવાડિયા’ની ઉજવણી થવાની હતી. એ તકનો લાભ ઉઠાવીને આનંદરાવે ચિકોત્રા ખીણમાં ઠેરઠેર વિલાસરાવની સભાઓ આયોજિત કરી. લોકોએ આ સભાઓને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો. હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતાં. એ પ્રતિસાદ જોઈને વિલાસરાવ પણ ઉત્સાહિત થયા. ‘પાણી પંચાયત’ના કાર્યકરોએ અનેક ગ્રામસભાઓમાં ‘પાણી પંચાયત’નાં ધોરણો લોકોને સમજાવ્યા. સામુદાયિક ઉદવહન સિંચાઈ યોજનાનું મહત્ત્વ ગળે ઉતાર્યું. છેક ઊંચા, ઊંચાઈ પરના ખેડૂતોનેય પાણી પહોંચાડવું જોઈએ. તે માટે કયાં ધોરણો નક્કી કરવાં પડશે, એ વિષયે સમજણ આપી. સ્થાનિક સ્તરે, ગ્રામ્ય સ્તરે, પાણી સંગ્રહીને તેને કેવી રીતે વહેંચી શકાય એ વિલાસરાવે બતાવ્યું હતું. હવે નદીની ખીણને જ એકમ ગણીને ‘પાણી પંચાયત’ના ધોરણ કેવી રીતે અમલી બનાવી શકાય એની પથદર્શક યોજના ઘડવા માટે વિલાસરાવ ફરીથી ઉત્સાહભેર સજ્જ થયા. ઈ.સ. ૧૯૯૫થી તેમને હૃદયરોગ તકલીફ આપવા લાગ્યો હતો, પણ જીદપૂર્વક, જુસ્સાભેર પોતાના થાકી રહેલા હૃદય તરફ દુર્લક્ષ્ય કરીને તે ઊભા થયા.

‘પાણી પંચાયત’નાં ધોરણો અનુસાર ઉદવહન સિંચાઈ યોજના અમલમાં મૂકવા ખીણના ખેડૂતો તૈયાર થયા. છતાં જનસંખ્યાના પ્રમાણમાં ખીણના લોકોને પાણી મળવું જોઈએ, એ માંગણી સ્વીકારીને સ્થાનિક રાજકીય આગેવાન અને રાજ્યકર્તા પોતાના પગ ઉપર કુહાડો મારવા કેવી રીતે તૈયાર થાય ? તેનો આ વિચાર સહેલાઈથી સ્વીકારવામાં આવે એ સંભવ જ ન હતું.

પ્રાકૃતિક સંસાધનોનું સંવર્ધન કરવાની, પાણી વહેંચણીની જવાબદારી ગામની, એ સંપદા ગામની. પણ તે વિષયે નિર્ણય લેવાનો અધિકાર ગામનો, એ શાસનને સ્વીકાર્ય નહિ. જે જમીન પર, જે વિસ્તાર પર સરકારની કોઈ જ જાતની માલિકી નહિ, સરકાર દ્વારા જ્યાં કોઈક યોજનાઓ બનાવવાની શક્યતા નથી, એવા જ સ્થળે સ્વતંત્ર પ્રયોગોને અનુમતિ મળતી હોય છે. મહારાષ્ટ્રમાં સરકારી યોજનાઓ પર ક્યાંય સમાન પાણી વહેંચણી અનુસરવામાં આવી ન હતી. સમગ્ર વહેતાં પાણી પર અધિકાર સરકારનો. લોકોએ જળસ્રાવ વિસ્તારમાં પાણી સંગ્રહ કર્યો અને એ નદીમાં વહેવા લાગે, છતાં તેની પર અધિકાર સરકારનો અને વિલાસરાવ તો ખુલ્લેઆમ કહેતા હતા : ‘પાણી પર અધિકાર સહુનો. નદીનું પાણી જે ખીણમાં છે, એ ખીણને ત્યાંની જનસંખ્યાના પ્રમાણમાં પાણીનો હિસ્સો મળવો જોઈએ.’

ભારતમાં આવો વિચાર પહેલી વખત રજૂ કરવામાં આવી રહ્યો હતો. પાણી જમીનના પ્રમાણમાં વહેંચવું જોઈએ. એથી જુદો જ વિચાર ઇજનેરો, શાસન કરનારા માંડતાં જ નથી. સત્તામાં છે ધનવાન, શેરડીવાળા, જમીનવાળા, મહારાષ્ટ્રમાં મોટી મોટી જમીનોનો કબજો ધરાવનારા, રાજકારણ ઉપર અને લોકોની વિચારસરણી પર પણ તેમની મજબૂત પકડ. આવી પરિસ્થિતિમાં વિલાસરાવના વિચાર સ્વીકારવામાં, પચાવવામાં મુશ્કેલ જ હતાં. છતાંય પ્રયત્નવાદી, પ્રયોગશીલ વિલાસરાવ હાર માનવા તૈયાર ન હતા. પ્રવાહની વિરુદ્ધ તરવું એ તેમની વ્યક્તિત્વ મહત્ત્વાકાંક્ષાપૂર્તિ માટેની પરાકાષ્ઠા ન હતી. પોતાના વિચારો વિષયે પૂર્ણ ખાતરી હોવાથી, પોતાના માર્ગ વિષયે નિઃશંક નિશ્ચિત હોવાથી તે ફરી એક વખત ઊભા રહ્યા હતા નવી આદર્શ યોજના સાકાર કરવા માટે.

હૃદયરોગ તરફ દુર્લક્ષ્ય

હૃદયરોગ ત્રાસ આપી રહ્યો હતો. જનસામાન્યો માટે કાર્ય કરતાં કરતાં પોતાનેય તેમનામાંનો જ એક માનનારા વિલાસરાવે સામાન્ય ખેડૂતને ન પરવડનારી હૃદયશસ્ત્રક્રિયા પોતાની પર કરાવવાનું કઠોરતાપૂર્વક નકાર્યું. સામાન્ય ખેડૂતને પરવડે એ જ અને તેટલા જ ઔષધ ઉપચાર ચાલુ રાખ્યા. વેળા-કવેળાએ હૃદયમાં ઊઠનારી વેદના દબાવતાં તે ચિકોત્રા ખીણના ખેડૂતોને પાણીનો હક્ક મેળવી આપવા માટેના પ્રયત્નમાં લાગ્યા. પોતાના જીવનની મર્યાદા જાણી ચૂક્યા હોય તેમ તે આ અંતિમ ઝુંબેશમાં સમર્પિત થયા.

પાણી પ્રશ્ન વિષયે આસ્થા ધરાવનારા સામાજિક કાર્યકર, વિજ્ઞાનીઓષ વિચારકો, તંત્રજ્ઞ સાથે આવીને સમન્યાયી પાણી વહેંચણી વિષયે અવાજ ઉઠાવે, જનમાનસમાં જાગૃતિ નિર્માણ થાય, એ હેતુસર વિલાસરાવે ૧૫ જાન્યુઆરી ૨૦૦૦ના રોજ પુણેમાં ભારતી વિદ્યાપીઠના હૉલમાં પાણી પરિષદ આયોજિત કરી. પરિષદના આયોજક તરીકે આનંદરાવ પાટીલનું નામ જાહેર થયું હોવા છતાં સર્વ તૈયારી વિલાસરાવે જ પાર પાડી. (આનંદરાવ કહે છે, ‘આ વિલાસરાવની લાક્ષણિકતા, પોતાને આગળ ધકેલવાનું તેમણે ક્યારેય કર્યું નહિ.’) અનેક સન્માનનીય વ્યક્તિઓ અને સંસ્થાઓ આ પરિષદના નિમંત્રક હતા. ‘શ્રમશક્તિ પ્રતિષ્ઠાન’, ‘મુક્તિ સંઘર્ષ ચળવળ’ (સાંગલી), ‘માનવ લોક’ (અંબાજોગાઈ), ‘સમાજ પરિવર્તન કેન્દ્ર’ (નાસિક), ‘વનરાઈ’ (પુણે), ‘અફાર્મ’ (પુણે), અણ્ણાસાહેબ હજારે, મોહન હિરાબાઈ હિરાલાલ (મેંઢા-લેખા), ‘મરાઠવાડા કૃષિ સહાયક મંડળ’ (આડગાંવ), ‘નારાયણ આશ્રમ‘ (કોળોશી), ‘રાષ્ટ્રીય વનશ્રી સંસ્થા’ (ચાળીશગામ), ‘નવભારત શિક્ષણ મંડળ’ (સાંગલી), ના.ધો. મહાનોર, ‘ધારામિત્ર’ (વર્ધા) અને ‘સેપકૉમ‘ (પુણે).

પરિષદના અધ્યક્ષ હતા સર્વોચ્ચ ન્યાયાલજના માજી ન્યાયમૂર્તિ શ્રી પી.બી. સાવંત. આ પરિષદમાં અનેક સંસ્થાઓએ પોતપોતાના પાણી વહેંચણી પ્રયોગ વિષયક માહિતી રજૂ કરી. તેની ઉપર આખોય દિવસ સાંગોપાંગ ચર્ચા થઈ. અનેક સરકારી અધિકારી પણ ઉપસ્થિત હતા.

પાણી પ્રશ્ને કામ કરનાર બધી સંસ્થાઓનું સંગઠન થાય એવો વિચાર શ્રી મોહન ધારિયાએ રજૂ કર્યો. શ્રી પી. બી. સાવંતની અધ્યક્ષતા હેઠળ ‘મહારાષ્ટ્ર રાજ્ય સમન્યાયી પાણી વહેંચણી પરિષદ’ની સ્થાપના થઈ. ‘ગંગોત્રી’, ‘ગોમુખ’, ‘ગ્રામ પરિવર્તન’ ઇત્યાદિ સંસ્થાઓ પણ આ પરિષદની સભ્ય બની.

ચિકોત્રા ખીણમાં સમન્યાયી પાણી વહેંચણીનો પ્રયોગ થાય એ માટે આનંદરાવ પાટીલે પરિષદને આમંત્રણ આપ્યું. તે દૃષ્ટિએ એક કાર્યશાળા ૨૦ માર્ચના રોજ કોલ્હાપુરમાં યોજાઈ. બીજા દિવસે ચિકોત્રા ખીણમાં પાંગિરા ગામમાં કોળસે પાટીલની અધ્યક્ષતા હેઠળ મોટી સભા થઈ. ચારથી પાંચ હજાર લોકો એકઠા થયાં હતાં. તેમાં વિશેષ તો સ્ત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતી. આર. કે. પાટીલ, એસ. એન. લેલે, વિલાસરાવ વગેરેનાં ભાષણો થયાં. ખાંડના કારખાનાવાળા લોકોય સભામાં આવ્યા હતા. સભામાં ઠરાવ થયો. એપ્રિલ મહિનામાં યોજનાનો મુસદ્દો તૈયાર થયો. સ્વીકૃતિ અર્થે એને સરકાર પાસે મોકલાવ્યો.

સરકારની બદલાતી ભૂમિકા

ડિસેમ્બર આવ્યો છતાં સરકાર તરફથી પ્રતિસાદ મળતો ન હતો. અંતે આનંદરાવ પાટીલ, આર. કે. પાટીલ અને વિલાસરાવ મુખ્યમંત્રીને મળવા મુંબઈ આવ્યા. મુખ્યમંત્રીની મુલાકાત થઈ નહિ, પણ પાણી પુરવઠા અને નહેર-બંધ મંત્રીઓએ આ યોજના માટે સહકાર આપવાનું સ્વીકાર્યું.

‘ચિકોત્રા ખીણમાં સમન્યાયી પાણી વહેંચણી થવાની છે.’ એટલે નહેર-બંધ-ખીણ ખાતાના સચિવે ‘ખાનગી પાણી વહેંચણી પરવાના આપવા બંધ કરવાં’ એમ નહેર-બંધ ખાતાને જણાવ્યું. આવો પ્રતિબંધ આવતાં ધનવાન ખેડૂત, દલાલ, કારખાનાવાળા ખળભળી ઊઠ્યા. તેમણે પરિષદના કામમાં વિઘ્નો નાંખવાની શરૂઆત કરી. વિરોધી પેંતરા લીધા. ખીણના જ સેનાપતિ કાપશી ગામમાં જળપૂજનનો કાર્યક્રમ કર્યો. એ કાર્યક્રમમાં નહેર-બંધ મંત્રીએ ‘ખાનગી પાણી પરવાના રદ થશે નહિ, એ ખુલ્લા કર્યા છે’ એમ જાહેર કર્યું. આ ઘટનાનો તીવ્ર આઘાત પરિષદના કાર્યને બેઠો.

કોઈ પણ અત્યંત નાનાથી માંડી ખીણના પ્રત્યેક જળસ્રાવ વિસ્તારમાં પાણીની વહેંચણી કરતી વખતે પાણીની વાર્ષિક સરેરાશ અનુસાર ઉપલબ્ધતા, ખીણમાં ઉપલબ્ધ ખેતીની જમીન અને ગામની એકંદર વસતિના પ્રમાણમાં ગામનો પાણીનો હિસ્સો નક્કી કરવો અને પછી દરેક કુટુંબને ન્યાયી પ્રમાણસર પાણી આપવું એ વિલાસરાવની સમન્યાયી પાણી વહેંચણી પાછળનો તાત્ત્વિક આધાર.

સમન્યાયી પાણી વહેંચણી એટલે સમાન પાણી વહેંચણી નહિ, પણ જેની તેની આવશ્યકતા અનુસાર પાણીની વહેંચણી. પરંતુ તે કરતાં પહેલાં પ્રથમ સહુને ઓછામાં ઓછું સરખું પાણી આપવાનું, પ્રથમ તબક્કે સહુને ઓછામાં ઓછા એક એકરને પાણી પૂરું પાડવું. આમાં ભૂમિહીન પણ આવ્યા. બાકી રહેલું પાણી ગામના લોકોએ પરસ્પર ચર્ચા કરીને પાણીની ઉપલબ્ધતા અનુસાર વહેંચી લેવાનું છે. વધુ એક મહત્ત્વનું એટલે નિરાધાર એકાકી સ્ત્રીને દસ ગુંઠા માટે પાણી આપવાનું છે. ખેડે તેને જ પાણી મળવાનું હોવા છતાં પીવાનું પાણી સહુને જ મળવાનું છે.

નદીમાંથી અથવા બંધમાંથી પાણી ઉલેચવા માટે અલબત્ત, થોડો ખર્ચ આવે. ગામ નદીથી જેટલું દૂર અથવા જેટલી ઊંચાઈ પર તેટલો આ ખર્ચ વધારે. પાણી ગામ સુધી લાવવાનો અને વિતરણનો ખર્ચ એકત્રિત કરીને બધાં કુટુંબોએ એ પણ સમન્યાયી પદ્ધતિએ ઉઠાવવો એવુંય પરિષદે ઠરાવ્યું છે. નદી પાસેના ગામ કરતાં ઊંચાઈ પરના ગામને પાણી વિતરણનો ખર્ચ ખૂબ વધુ આવે, એનોય વિચાર કરીને, સર્વ ખર્ચ એકઠો કરીને એ બધા પ્રકારનાં ગામોએ સમપ્રમાણમાં વહેંચી લેવો એવું માન્ય રાખવામાં આવ્યું છે. આ પદ્ધતિ અમલમાં મૂક્યા પછી આજે કેવળ નદીકાંઠાના અને તળાવ પાસેનાં ૬૦૦૦ કુટુંબોને જ પાણી મળે છે, તેને બદલે ૧૬૦૦૦ કુટુંબોને પાણી મળશે.

આવા પથદર્શક પ્રયોગને સરકાર સહાય કરે એ માટે વિલાસરાવ પ્રયાસ કરી રહ્યા હતા.

જ્યાં નહેર પદ્ધતિથી પાણી આપવામાં આવે છે ત્યાં સરકારી ખર્ચે નાની નહેર, નહેર, કાંસ કાઢીને ખેડૂતોને બારણે પાણી પહોંચાડવામાં આવે છે. તે માટે હૅક્ટરે દોઢ લાખ રૂપિયા ખર્ચ આવે છે. વિલાસરાવ માંગી રહ્યા હતા હૅક્ટરે પચાસ હજાર. ઉદવહન સિંચાઈ યોજના માટે આ ૮૦% મૂડીરોકાણ ખર્ચ સરકાર કરે, વ્યવસ્તાપન માટેનો બાકીનો ૨૦% ખર્ચ ખેડૂત કરશે, પણ સરકાર અડિયલ ટટ્ટુ ધોરણ બદલવા તૈયાર ન હતી. સહુના સચિવાલયના ફેરા થયા... ધરણ કર્યા... ઉપવાસ પર બેઠાં... કશુંય કામ આવ્યું નહિ. વિરોધીઓનો વિરોધ માત્ર અધિક તીવ્ર થતો હતો. અંતે પરિષદે જનઆંદોલન શરૂ કરવા ઠરાવ્યું. તારીખ પણ નક્કી થઈ. તે પહેલા ૨૩ એપ્રિલ ૨૦૦૨ના રોજ વિલાસરાવનું નિધન થયું. આંદોલન રદ થયું. લોકોમાંય ગ્લાનિ આવી.

તુર્ત જ પરિષદના સભ્યો, કાર્યકરો ફરી એક વખત સજ્જ થયા. મહારાષ્ટ્ર રાજ્ય સમન્યાયી પાણી વહેંચણી પરિષદની ૧ જાન્યુઆરી ૨૦૦૩ના રોજ ‘સમન્યાયી પાણી હક્ક પરિષદ, પુણે’ નામે નોંધણી કરવામાં આવી. ન્યા. બી.જી. કોળસે પાટીલ તેના અધ્યક્ષ, કલ્નાબહેન સાળુંખે ઉપાધ્યક્ષ, આનંદરાવ પાટીલ કાર્યાધ્યક્ષ અને ‘ગોમુખ’ સંસ્થાના પ્રા. વિજય પરાંજપે તેના સચિવ થયા.

ચિતળે સમિતિ દ્વારા માન્યતા

પરિષદે ફરી એક વખત પોતાની માંગણીઓ સરકારને સાદર કરી. જનઆંદોલન માટે પરિષદ સજ્જ બની. પરિષદના અને નહેર-બંધ ખાતાનો પક્ષ સાંભળી, સમજી લઈ નિષ્પક્ષ અભિપ્રાય આપવા માટે શ્રી માધવરાવ ચિતળેની સરકારે નિમણૂક કરી.

માધવરાવ ચિતળેએ મહારાષ્ટ્ર રાજ્ય સરકારના નહેર-બંધ ખાતાના સર્વ સ્તર પરના અધિકારી, પાણી વહેંચણી પરિષદના કાર્યકરો, સિંચાઈ સહયોગના કોલ્હાપુર જિલ્લાના કાર્યકરો, ચિકોત્રા ખીણના ખેડૂતો સાથે વિચારવિનિમય કરીને અને કોલ્હાપુર જિલ્લાના કૃષિ અને સિંચાઈ વિકાસ વિષયના અભ્યાસુઓના અહેવાલને વિચારણામાં લઈને પોતાનો અહેવાલ તૈયાર કર્યો. એ અહેવાલ સરકારને જૂન ૨૦૦૩માં સાદર કર્યો. ‘ચિકોત્રા ખીણની હાલની ચળવળને કારણે પાણીના સમન્વિત વિચારનો ખીણને મૂળભૂત ક્ષેત્રીય ઘટક ગણીને પ્રારંભ થયો છે. આ ભવિષ્યની દૃષ્ટિએ એક અત્યંત આશાદાયક ચિત્ર છે. સમન્યાયી વિતરણ અને વ્યવસ્થાપન પ્રણાલિ ઊભી કરવી એવું (સમન્યાયી પાણી વહેંચણી) પરિષદનું અંતિમ લક્ષ્ય છે. પરંતુ પાણી વહેંચણીની વહેલી ફેરીમાં ખીણના બધાં ગામો માટે ઓછામાં ઓછું તે ગામોની જનસંખ્યાના પ્રમાણમાં ખીણના એકંદર અપેક્ષિત સંચયના પાણીનો હિસ્સો નિર્ધારિત કરવામાં આવે, એવો હાલ પ્રસ્તાવ છે. એક સામાજિક લક્ષ્ય તરીકે ચિકોત્રા ખીણમાં એ પ્રસ્તાવ યથાસ્વરૂપે સ્વીકારવામાં મુશ્કેલી જણાતી નથી.

(પૂર્વે માધવરાવ ચિતળેની અધ્યક્ષતા હેઠળ મહારાષ્ટ્ર જળસિંચાઈ આયોગ ૧૯૯૯ની રચના થઈ રહી હતી ત્યારે વિલાસરાવે જનસંખ્યાના પ્રમાણમાં પાણી કેવી રીતે વહેંચી શકાય, એ વિષયે પોતાના વિચાર તેમને સાદર કર્યા હતા. આ પ્રસ્તાવ પર ચિતળે અને વિલાસરાવ વચ્ચે ચાર કલાક ગહન ચર્ચા થઈ. ચિતળેએ પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ. તેમણે અહેવાલમાં સમન્યાયી પાણી વહેંચણી વિચાર સ્વીકાર્યો નહિ. પાણી જમીનના પ્રમાણમાં જ આપવું જોઈએ. વ્યક્તિ અથવા કુટુંબ અનુસાર નહિ એમ કહ્યું. આવી પાર્શ્વભૂમિ પર ચિકોત્રા ખીણ યોજનાને મળેલી આ યથાસ્વરૂપ માન્યતા સ્વાગત કરવા યોગ્ય છે.)

ચિતળેના અહેવાલ પર સરકારે ત્વરિત નિર્ણય લઈને ખીણના બધાં બાવન ગામો માટે ન હોવા છતાં છ ગામો માટે પથદર્શક યોજના ઊભી કરવાની સમન્યાયી જળવિતરણ વ્યવસ્થાપન માટે તત્ત્વતઃ માન્યતા આપી. આ ઘટના જૂન ૨૦૦૩ની હતી. જુલાઈ ૨૦૦૪માં મહારાષ્ટ્ર સરકારે ચિતળે અહેવાલ પર અભિપ્રાય આપવા માટે મંત્રીઓની સમિતિની નિમણૂક કરી.

વિલાસરાવની પાણી પંચાયત યોજના એટલે કેવળ યોજના ન હતી. એક પ્રણાલી છે, સતત આગળ જનારો વિચાર છે.

એક સુજાણ, સુશિક્ષિક વર્ગ વિલાસરાવના વિચારોના સૂત્ર આગળ ધપાવી રહ્યો છે. પાણીવિષયક પરિષદો દ્વારા વિલાસરાવનું પાણી પંચાયત મૉડેલ કે સમન્યાયી પાણી વહેંચણીનું સૂત્ર ખાસ રજૂ કરવામાં આવે છે. વિલાસરાવની ઉપેક્ષા કરીને પાણી વ્યવસ્થાપનની ચર્ચા થઈ જ શખતી નથી. સુશિક્ષિત વર્ગ જ શાને, પુરંદર તાલુકાના સામાન્ય, ગરીબ, અલ્પશિક્ષિત ખેડૂતો પણ પાણી પ્રશ્ને સમજદારીપૂર્વક બોલવા લાગ્યા છે. ચર્ચાય કરવા લાગ્યા છે. એ પ્રદેશ આસપાસ ફરતી વખતે એકાદ ખેડૂત ડાઉનસ્ટ્રીમ, ટેઇલએન્ડ, પરિવર્તન, સમન્યાયી, એમ.સી.એફ.ટી. પુનર્ભરણ, સીસીટી, જળસંચય, રુફટૉપ હાર્વેસ્ટિંગ વગેરે શબ્દો ઉપયોગમાં લઈ વાત કરવા લાગે કે સમજવું કે આ ‘પાણી પંચાયત’નો કાર્યકર અથવા ‘પાણી પંચાયત’ યોજનાનો લાભાર્થી છે.

સમાજસુધારકોની પહેલી પેઢીમાં સાંસ્કૃતિક વારસાની ઊણપ હોય છે. તેને કારણે તે એકાકી જ હોય છે. બીજી પેઢીને એ પહેલી પેઢી પાસેથી સાંસ્કૃતિક વારસો મળે છે, પીઠબળ મળે છે. એ વારસો, એ પીઠબળ વિલાસરાવે નવી પેઢીને આપ્યો.

૨૦ ઑગસ્ટ ૨૦૦૪ના રોજ સમન્યાયી પાણી હક્ક માંગણી પરિષદ પુણેમાં યોજાઈ હતી. એ પરિષદમાં મહારાષ્ટ્ર પાણી હક્ક અંગેનો મુસદ્દો ‘જનતાનું જાહેરનામું’ સાદર થયું. તેમાં વિલાસરાવની જ પાણીવિષયક માંગણીઓ અગ્રક્રમે નોંધાયેલી છે.

મહારાષ્ટ્ર બહાર સુધ્ધાં વિલાસરાવના વિચારોનો આદર કરવામાં આવે છે. ‘જોહડ’ના શ્રી રાજેન્દ્રસિંહજી રાણાએ જુલાઈ ૨૦૦૪માં મુંબઈમાં યોજાયેલ ‘જળ બિરાદરી’ કાર્યક્રમમાં વિલાસરાવના વૈચારિક મૂલ્યોનું ઋણ જાહેરમાં સ્વીકાર્યું.

પાણી એ રાષ્ટ્ર સમક્ષની ગંભીર જ્વલંત સમસ્યા છે, એ ત્રીસ વર્ષ પહેલાં જ વિલાસરાવને સમજાયું અને તે તેમણે સ્પષ્ટ રીતે કહ્યું સુધ્ધાં. સંભાવ્ય સંકટ પારખ્યું, તેનો સામનો કરવાની તૈયારી રાખવા માટે આયોજન કરવું એ બધું સમજનારા ખૂબ જ થોડા અને સમજ્યા પછીકૃતિશીલ થનારા અત્યંત અલ્પ. આ અત્યંત થોડ.ા પૈકીમાં વિલાસરાવ એક.

સહભાગી સિંચાઈનો કાયદો, જળસ્રોત નિયામક પ્રાધિકરણ બાબત મહારાષ્ટ્ર સરકારની ચાલી રહેલી ચર્ચા અને મહારાષ્ટ્ર સરકારની જળનીતિ એ ત્રણ વિષય આજે સૌથી અગત્યના. તેની ઉપર સરકારના નીતિવિષયક સ્તર પર વિચાર ચાલુ છે. એનું શ્રેય વિલાસરાવની ઈ.સ. ૧૯૭૨થી ૨૦૦૨ સુધીના સમયગાળાની મથામણને આભારી છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ઈ.સ. ૨૦૦૩માં જળનીતિ જાહેર કરી. તેની પર વિલાસરાવના વિચારોની છાપ છે. સરકારને નીતિવિષયક બદલાવ કરવા ફરજ પાડવાની તાકાત વિલાસરાવની વિચારધારામાં હતી. એ તેમનું મોટું શ્રેય.

આર. આર. પાટીલ કહે છે : (મુલાકાત ઑગસ્ટ ૨૦૦૪) ‘વિલાસરાવે છેલ્લાં ૩૦ વર્ષ મહારાષ્ટ્રમાં પોતાના કાર્ય દ્વારા મહેનતપૂર્વક જે ભૂમિ તૈયાર કરી, તેને કારણે જ અમે આવી જળનીતિ ઘડી શક્યાં. વિલાસરાવના જ વિચાર આપણે સ્વીકારવા પડશે. તેમણે ચીંધેલા માર્ગે જ આગળ વધવું પડશે. પાણી માપીને જ આપવું પડશે... વિલાસરાવના જવાથી એ વિચારનો અંત આવ્યો નથી. ઊલટું એ તો આજે અધિક મહત્ત્વનો છે.’ સાચ્ચું જ છે, પાણીની તૂટ જેમ વધથી જશે તેમ તેમ વિલાસરાવનો પાણી વહેંચણી અને પાણીના વપરાશનો વિચાર અધિકા તાકીદની જરૂરિયાતનો થતો જશે, એ સમય હવે દૂર નથી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED