Bhagirath na varas books and stories free download online pdf in Gujarati

ભગીરથના વારસ - પ્રકરણ - 4

ભગીરથના વારસ

૪. પાણી પંચાયત

વીણા ગવાણકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૪. પાણી પંચાયત

માણસદીઠ અર્ધા એકર જમીનને પાણી આપવાનું સૂત્ર રજૂ તો થયું, પણ આ પાણીની વહેંચણી કરવી કઈ રીતે ? તેની પદ્ધતિ કઈ ? પાણી માપવું કઈ રીતે ? ગામ સ્તરે પાણીનો સંગ્રહ કર્યા પછી તે વિસ્તારના બધા ખેડૂતોને તેનો લાભ થાય એ માટે એ પાણીની સમાન વહેંચણી કરવા માટે કાંઈક વ્યવસ્થા ઊભી થયા સિવાય જળસ્રાવ વિકાસ સાથે કેવી રીતે થાય ?

વિલાસરાવના કાર્ય પ્રત્યે આસ્થા ધરાવનારા શ્રી આર. કે. પાટીલે જળગામમાં ગિરણા યોજના પર કામ કરનારા એન્જિનિયર શ્રી એસ. એન. લેલેને મળવા કહ્યું. લેલે પાણી વહેંચણી પર પ્રયોગ કરતા હતા. કાંઈક ઉપાય શોધતા હતા. એક માણસ એક વખત કેટલું પાણી વ્યવસ્થિત રીતે વિતરણ કરી શકે ? તેની હેઠળ કેટલો વિસ્તાર ભીંજાય ? તે માટે કેટલા વ્યાસનો પાઈપ જોઈએ ? કેટલા સમયમાં એ પાણી પહોંચાડવામાં આવે ? વીજળી કેટલી જોઈશે ? વગેરે. વિલાસરાવ પછી બેચાર વખત જળગામ જઈ આવ્યા. લેલે સાથે ચર્ચા કરી. પાણી વહેંચણી કરી શકવાની શક્યતા વિલાસરાવની નજરે ચડી. પોતાની સર્વ શંકા તેમણે લેલે સાથે ચર્ચા કરીને દૂર કરી. લેલેને પણ વિલાસરાવના પાણીની વહેંચણીના સૂત્રમાં રસ હતો જ. તે પણ જાતે નાયગામની મુલાકાત લઈ ગયા. બંને સ્થળોના પ્રયોગમાં વૈચારિક સંબંધ નિર્માણ થયો.

આપણે જે સૂત્ર રચ્યું છે, તે પ્રત્યક્ષ સાબિત કરી બતાવવાની તક વિલાસરાવ ઇચ્છતા હતા અને એવી તક મળીય ખરી. સપ્ટેમ્બર ૧૯૭૮માં નાયગામના ચાળીસ ખેડૂતોનું એક જૂથ વિલાસરાવને મળવા આવ્યું. ગામના ભૂલેશ્વર વહેળાનું પાણી તેમની ખેતી માટે ઉપયોગમાં લઈ શકાશે કે ? તે માટે શું, કેમ કરવું જોઈશે ? આ બધું સમજી લેવા તે આવ્યા. ભૂલેશ્વર વહેળામાં અનુશ્રવણ તળાવની દીવાલ પાસે કૂવો ખોદીને ત્યાં પાણી ઉલેચીને સિંચાઈ માટે વાપરી શકાશે એવી સલાહ વિલાસરાવે આપી. પરંતુ તે જ વખતે તેમણે એક વાત સાફસાફ જણાવી : ‘કેવળ મુઠ્ઠીભર વ્યક્તિઓનું હિત નજર સામે રાખીને આ કામ હાથમાં લેશો નહિ. અન્ય ગરીબગુરબા ખેડૂતોનેય તેનો લાભ મળે એ જોજો.’

વિલાસરાવે નિશ્ચિત કરેલી પદ્ધતિ

નાયગામ યોજનામાં કરેલા પ્રયોગ અને તેમાં કરેલ જમીન-પાણી, માનવશક્તિના હિસાબને આધારે કેટલાક આર્થિક અને સામાજિક ધોરણો વિલાસરાવે નિશ્ચિત કર્યા હતા. માવડીનો અનુભવ પણ ગાંઠે હતો જ.

• આવી યોજના સામૂહિક ધોરણે જ કાર્યાન્વિત થશે. એક વ્યક્તિ માટે નહિ.

• યોજનાના લાભાર્થીઓ જ સર્વ યોજનાની આંકણી અને કાર્યવાહી કરશે. તેમાં ગ્રામ્ય નેતૃત્વ, ક્ષમતા અને કૌશલ્યને જ પ્રાધાન્ય હશે.

• પાણીની વહેંચણી માથાદીઠ નક્કી થશે. માણસદીઠ અરધો એકર જમીનને પાણી મળશે. પાંચ માણસનું એક કુટુંબ એવો હિસાબ કરવામાં આવશે.

• પ્રત્યેક કુટુંબને ઓછામાં ઓછી અઢી એકર જમીન માટે પાણી મળશે. બાકીની જમીન પર તેમણે વરસાદના પાણી પર ખેતી કરવી.

• ઋતુ અનુસાર પાક લેવા. શેરડી જેવા બારેય માસ પાણીની જરૂરિયાતવાળા પાક દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં લેવા નહિ. વધુ પાણીની જરૂર હોય એવા પાક ચોમાસામાં લેવા.

• જળસ્રાવ ક્ષેત્ર આધારે ઉપલબ્ધ થનારા પાણી પર તે ગામના જમીન વિહોણાઓને પાણીનો હક્ક રહેશે. (પાણી પર સહુનો સમાન હક્ક સ્વીકારીએ કે જમીનવિહોણાઓને તે હક્ક મળે છે જ.) સિંચાઈ માટેના પાણીના અભાવે મોટા ખેડૂત પોતાની બધી જમીન વરસાદને બાદ કરતા ખેડી શકતા નથી. તેમણે પોતાની વધારાની જમીનમાંથી કેટલોક હિસ્સો જમીનવિહોણાઓને ઓછા ભાગે ખેડવા આપવો, તેની પર જમીનવિહોણા પોતાના ભાગનું પાણી વાપરીને ખેતી કરશે. (આ પદ્ધતિને કારણે પાણીની અને જમીનની યોગ્ય વહેંચણી થવાથી સમાજની અંદર રહેલી અસમાનતા અદૃશ્ય થશે, ખેડે તેને પાણી મળશે.)

• ઉદવહન સિંચાઈ યોજનાના ખર્ચનો ૨૦% ખર્ચ લાભધારકોએ રોકડ સ્વરૂપમાં કરવો. ૮૦% ખર્ચ ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન કરશે. (આને કારણે લોકોની ભાગીદારી નિશ્ચિત થશે અને તેમનો પ્રતિષ્ઠાન પરનો વિશ્વાસ પણ સિદ્ધ થશે.)

• ઉદવહન સિંચાઈ યોજના માટેના શરૂઆતના તાંત્રિક સર્વેક્ષણ વગેરે ખર્ચ લાભાર્થીઓએ કરવો. જમીનના ક્ષેત્રફળ અનુરૂપ એ હશે અને સહુએ શ્રમદાન તો કરવું જ પડશે.

‘પાણી પંચાયત’ના આ તાત્પર્યમાં આધુનિક વિજ્ઞાન, તંત્રજ્ઞાન હતું; અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર હતું. વિકાસની પ્રક્રિયામાં સહભાગી થવાની તક છેક જમીનવિહોણાને હતી.

માલિકીની ગમે એટલી જમીન હોય, છતાં પાણીના અભાવે તેની શી કિંમત ? સૂકી જમીન અને માનવશક્તિમાંથી કયો વિકાસ સાધી શકાય ? વિલાસરાવનું કહેવું હતું, ‘આજે તો પાણી એ જ મૂડી, પાણીનો સંગ્રહ એ જ બૅન્ક - ‘પાણી બૅન્ક’. સહુને પાણી પુરવઠો થઈ શકે એવી પાણી પેઢી.’

અવધિયા પુરતે ઓસંડલે પાત્ર

અધિકાર સર્વત્ર આહે તેથે પાત્ર (તુકારામ)

(અંતે ખાસ્સું વહી ગયું પાત્ર,

અધિકાર સર્વત્ર છે ત્યાં પાત્ર.)

આ પાણી સહુને માટે

વિલાસરાવ પાસે સલાહ માંગવા ગયેલા લોકોને તેમણે પોતાના સારરૂપ અંશ સમજાવ્યા. સ્રાવ તળાવના પાણી પર ગામના અન્ય ખેડૂતોનોય હક્ક છે. તેમને પણ પાણી મળવું જોઈએ એવી વિલાસરાવની વાતનો ગામલોકોએ સ્વીકાર કર્યો.

જળ સિંચાઈ યોજના કાર્યાન્વિત કરનારાઓ ઉપરના સારરૂપ અંશ સાથે પ્રામાણિક રહીને કાર્યક્ષમ રહે, એ માટે પાંચ જણની સમિતિ બનાવવામાં આવે. એ સિંચાઈ યોજનાના એકંદર કરાભાર પર ધ્યાન રાખે એમ વિલાસરાવે એ લોકોને કહ્યું. આમાંથી જ ઈ.સ. ૧૯૭૯માં ગાંધી જયંતિના દિવસે ‘પાણી પંચાયત’નો જન્મ થયો. માત્ર ‘પાણી પંચાયત’ને સંસ્થાત્મક સ્વરૂપ ન આપતાં વિલાસરાવે તેને સહકાર પર આધારિત ચળવળનું સ્વરૂપ આપ્યું. લોકો જ પોતાનું જૂથ તૈયાર કરશે. પંચાયત નીમશે, ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ માર્ગદર્શન આપશે. સરકારી કર્મચારીઓ સાથેનો વ્યવહાર કરવા માટે, ખાસ કરીને વીજળી જોડાણ મેળવવા માટે મદદ કરશે. પાણી પંચાયત જ પાણીની ઉપલબ્ધતા અનુસાર પાકની પસંદગી કરશે. શેરડી અને કેળા જેવા બારમાસી પાણીની જરૂરિયાતવાળા પાક દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં લેવા નહિ એ નિયમ જ બન્યો. દરેક કુટુંબની ઓછામાં ઓછી અઢી એકર જમીન જ સિંચાઈ હેઠળ આવશે. એટલે પછી મોટા સંયુક્ત કુટુંબને જમીનની માંહોમાંહ અનુકૂળ વહેંચણી કરવાની દૃષ્ટિએ ખાતા જુદા કરવા માટે ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ મદદ કરશે એમ પણ નક્કી થયું. તેમજ આ યોજના પર મજૂરી કરીને ૨૦% ખર્ચમાનો પોતાનો ભાગ વાળવાનીય સગવડ હતી. ‘પાણી પંચાયત’નાં ધોરણો માન્ય કર્યા પછી ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાને’ પહેલી સિંચાઈ યોજના હાથ ધરી ‘મ્હસોબા સિંચાઈ યોજના’.

લઘુ ઉદવહન સિંચાઈ યોજના માટે સરકાર તરફથી તે વખતે સબસિડી મળતી હતી. એ બેથી ચાર હૅક્ટર્સ જમીન ધરાવનારાઓ માટે હતી. લૅન્ડ રૅકર્ડ તો જૂનું. તેમાં નવા ફેરફાર નોંધવામાં આવ્યા ન હતા. ત્યારે ખાતા જુદા કરવા, નવા ફેરફાર નોંધીને તેના ઉતારા મેળવવા એ એક નવી કામગીરી વિલાસરાવ પર આવી પડી.

થતું એમ કે ચાર ખેડૂત ખાતા જુદા કરવા તલાટીના કાર્યાલયમાં જાય કે એકાદાનું જ કામ થતું. તેમાં વળી પૈસા ખાઈને કામ કરવાની તલાટીઓની આદત. એ કોઈનેય દાદ આપતા ન હતા. અહીં તો હવે પચાસ-સો લોકોના ખાતા જુદા પાડવાના હતા. લૅન્ડ રૅકર્ડ અદ્યતન કરી લેવાનું હતું. પછી વિલાસરાવ સીધા તત્કાલીન જિલ્લાધિકારી શ્રી અજિત નિંબાળકર પાસે ગયા. તેમને લઈને જ પાછા આવ્યા. કોના માટે અને શા માટે પોતે આ દોડધામ કરી રહ્યા છીએ, સમયસર આ બધું થશે નહિ. તે મુજબ ત્યાર પછીના આયોજિત કામો સવેળા થશે નહિ તો ખેડૂતોની એક મોસમ હાથમાંથી કેવી રીતે જશે એ જિલ્લાધિકારીને તેમણે ગળે ઉતાર્યું. તેમણે પછી વિલાસરાવના સાતઆઠ લોકોને અરજી કેવી રીતે ભરવી, એની તાલીમ આપવાની વ્યવસ્થા કરી. પછી આ કાર્યકરો જ્યાં આ કામ માટે જવાનું હોય ત્યાં આગલા દિવસે જાણ કરતાં. રાતે જતા. રાત-રાત જાગીને ત્યાંના ખેડૂતોના ફોર્મ ભરી આપતાં. સહીઓ લેતાં. વરસાદ-પાણીની પરવા કર્યા વગર વિલાસરાવ પોતે ક્યારે જીપમાં, તો ક્યારેક ચાલતાં ગારો ખૂંદતા ગામેગામ જતાં. ક્યાંક મુશ્કેલી આવે તો જાતે ધ્યાન આપતાં. વર્ષો સુધી ન થઈ શકનારા આ માથાકુટિયાં કામો વિલાસરાવે જિલ્લાધિકારીની મદદથી એક મહિનામાં પૂરા કર્યાં. જેમને જેમને ઉદવહન સિંચાઈ યોજનાના સભાસદ થવું હતું એવા સેંકડો ખેડૂતોનો માર્ગ ખુલ્લો થયો.

વિલાસરાવની પાંચ વર્ષની મથામણ પછી નાયગામમાં ૧૯૭૮ની સાલમાં વીજળી આવી. તેને કારણે ત્યાંના અને આસપાસના ખેડૂતો ઉદવહન સિંચાઈ યોજના ઊભી કરવા અધીરા થયા. સરકાર તરફથી સમયસર સહકાર મળે તો આગલાં ચાર વર્ષમાં પુરંદર તાલુકાની કેટલીક પડતર જમીનો, વગડો ખીલીને લીલોછમ થશે એવો સાળુંખે દંપતિને વિશ્વાસ જાગ્યો.

મ્હસોબા ઉદવહન સિંચાઈ સામૂહિક યોજના

ઈ.સ. ૧૯૬૬૪માં સરકારે ભૂલેશ્વર વહેળા પર અનુશ્રવણ તળાવ બાંધ્યું. ત્યાં વહેળામાં કાયમી ધોરણે ભરપૂર પાણી હતું.

જે ખેડૂતોની જમીનો વહેળાની બે તરફ હતી, તેમણે તુર્ત જ પાણી ખેંચવાની વ્યવસ્થા ઊભી કરીને ફાયદો ઉઠાવવાની શરૂઆત કરી. પોતાની વધુમાં વધુ જમીન સિંચાઈ હેઠળ લાવ્યા. પૈસા અપાવનાર શેરડી મોટા પ્રમાણમાં વાવી. શ્રીમંત ખેડૂતોને સરકારી સિંચાઈનો લાભ મફતમાં મળ્યો. તે અધિક ધનવાન થયા. ઇતર ચારે બાજુ દુષ્કાળ ધીકતો હતો ત્યારે આ વહેળા કાંઠે શેરડીના લીલા દ્વિપો હતાં.

સપ્ટેમ્બર ૧૯૭૮માં વિલાસરાવને મળવા આવેલા ખેડૂતો પૈકી ત્રીસ જણાની જમીનો એકબીજાને અડીને આવેલી હતી. એ ત્રીસ સીમાંત ખેડૂતોએ એક જૂથ બનાવ્યું. તેમાં વધુ પાંચ જણા આવીને મળ્યા. આ પાંચે જણાનો એકંદર દસ એક જમીનનો પટ્ટો ઊંચાઈ પરના ભાગમાં હતો. એ પાંચેય જણા અત્યંત ગરીબ. તેમનો આ યોજનામાં સમાવેશ કરવાથી પંદર હજાર રૂપિયા ખર્ચ વધવાનો હતો, પણ સહુ કોઈ એ માટે તૈયાર થયા. આ પાંત્રીસ જણાએ મળીને (એમાં ત્રણ ચમાર, ત્રણ લુહાર, છ ભરવાડ અને બાકીના બધા મરાઠા જાતિના હતા) ‘મ્હસોબા સિંચાઈ સહકારી સોસાયટી’ ઊભી કરી. તેમની એકંદર ૧૦૦ હૅક્ટર્સ જમીન પૈકીની ૪૦ હૅક્ટર્સ જમીન સિંચાઈ હેઠળ આવવાની હતી. કામના ખર્ચનો આંકડો પહોંચ્યો રૂ. એક લાખ વીસ હજાર સુધી. આ રકમ પૈકીના વીસ હજાર રૂપિયા એકરે બસો રૂપિયા પ્રમાણે બધા સદસ્યોએ ફાળારૂપે જમા કરવાના હતા. પણ કેટલા ખેડૂતોને તે સુધ્ધાં પરવડે એમ ન હતું. પરંતુ આ સિંચાઈ યોજનાનો લાભ અને પરિણામ સ્પષ્ટપણે સમજ્યા હોવાથી સદસ્યોએ દરેક પ્રયત્ન દ્વારા રકમ ઊભી કરી. કોઈએ પોતાની બકરીઓ વેચી, કોઈકે દરદાગીના, તો કોઈએ મંગળસૂત્ર, ઘરમાંની ચીજવસ્તુઓ... અનેક જણ પોતાની જમીન હોવા છતાં પાછલાં અનેક વર્ષોથી મહેનતમજૂરી કરીને જીવતાં હતા. પોતાના અઢી એકરને પાણી મળશે જાણ્યા પછી તેમણે સર્વ વ્યવસ્થા કરી. પોતાના જ ખેતરમાં મહેનત કરવા તે સજ્જ બન્યા. આ સિંચાઈ યોજના સાકાર કરીશું જ એ વિચારે સહુને લગની લાગી હતી.

ખરું તો સરકારે ગરીબ સીમાંત ખેડૂતો માટે નાની સિંચાઈ યોજનાઓ બનાવી હતી. રસ્તા માટે પથ્થર ફોડવા કરતાં જળસંચય, જમીનસંરક્ષણ માટે રોજગાર બાંહેધરી યોજના પર દુષ્કાળનાં કામો તરીકે નાળાબડિંગ, તળાવ, સ્ટૉન વૉલ્સ વગેરે બાંધકામ સરકારે શરૂ કર્યા હતા. આ કામો દ્વારા પાણી સંગ્રહ થાય તો તેની વહેંચવાની કોઈ વ્યવસ્થા ન હતી. પરંતુ મ્હસોબા લિફ્ટ ઉપર માત્ર સમાન પાણી વહેંચણી થનાર હતી. આ વહેંચણી કઈ રીતે થાય એ પાણી પંચાયત નક્કી કરનાર હતી અને અધિકાર તરીકે એ પાણી મળવાનું હતું, વિલાસરાવે ‘પાણી પંચાયત’ માટે એક સોગંદનામુંય તૈયાર કર્યું.

પ્રજાએ હાથ ધરેલી સિંચાઈ યોજનાઓ માટે સરકારના લઘુસિંચાઈ ખાતા દ્વારા કઈ કઈ સગવડો, અનુદાન મળે છે એની વિચારણા કરવા માટે, કઈ યોજના તે દૃષ્ટિએ હાથ ધરી શકાય એમ છે, એની જાણકારી મેળવવા વિલાસરાવ પુણેમાં એ કાર્યલયોમાં વારંવાર જતાં. ત્યાં તેમની ઇજનેર શઅરી ચિં. પુ. થિટે સાથે મુલાકાત થતી. વારંવાર થનારી ચર્ચા દ્વારા થિટે પણ વિલાસરાવના વિચારોથી સારી રીતે પરિચિત થયા હતા. તે વિલાસરાવને સામે ચાલીને બધી જાણકારી આપતા. તુર્ત જ તે નિવૃત્ત થયા અને વિલાસરાવના ભાવિ કાર્યમાં સક્રિય સહભાગી પણ થયા.

લઘુસિંચાઈ માટે સરકાર ૫૦% અનુદાન આપે છે, જાણ્યા પછી વિલાસરાવે ખર્ચની વહેંચણી ૫૦ઃ૩૦ઃ૨૦ ધોરણે કરી. (એને જ લોકો ‘પાંચ-ત્રણ-બે’ કહેવા લાગ્યા.) ૫૦% સરકારી અનુદાન, ૩૦% ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ પાસેથી બિનવ્યાજુકી, પણ પાંચ વર્ષમાં ભરપાઈ કરવાનું કરજ અને ૨૦% ખેડૂતોએ રોકડ અને અંશતઃ શ્રમદાન દ્વારા જમા કરવાનું. ખર્ચની વહેંચણી માન્ય થયા પછી ‘મ્હસોબા લિફ્ટ’ના કામની શરૂઆત થઈ.

સદસ્ય-કાર્યકરોનો ઉત્સાહ

સિંચાઈની સુવિધા નજીકના ભવિષ્યમાં થશે એમ નક્કી દેખાતાં જ સદસ્યોના મનમાં ઉત્સાહ પ્રસરી ગયો. આ કામો પર ચાર રૂપિયા રોજે મજૂરી કરવા અનેક સભ્યો તૈયાર થયા. ગણપત સોનાવણે, વિઠ્ઠલ હોલે, સોમા કડ જેવા ગ્રામ્ય યુવાનો જુસ્સાભેર જોડાયા. તેઓ જૂથના નેતા થયા. પોપટરાવ ખેસે જેવા જૂના નેતા પણ વિલાસરાવના વિચારો તરફ આકર્ષિત થયા હતા. તે પણ ઉદવહન જળ સિંચાઈ યોજનાના કામમાં ઉત્સાહભેર જોડાયા.

ગણપત સોનાવણે મેટ્રિક થયા હતા. સંગઠન કુશળ યુવાન. તેમણે વિલાસરાવની યોજના ઝીણવટપૂર્વક સમજી લીધી હતી. પાંત્રીસ ખેડૂતોને એકઠા કરીને તેમની એકસો એકર જમીન સિંચાઈ હેઠળ લાવવાના વિચાર સાથે તેમણે જૂથની સ્થાપના કરી. કામો પર જાતે દેખરેખ રાખી, પોતેય કામ કર્યું. બીજાઓની જેમ જ તેમનેય ચાર રૂપિયા મજૂરી મળતી. પરંતુ તે બધાને ચુકવાઈ ગયા પછી જ વધે તો છેવટે લેતાં, નારાયણરાવ પાટોળે એ નાયગામના સાડાસાત એકર જમીનના માલિક, દલિત સમાજના નેતા. તે પહેલાં મુંબઈમાં બી.ઈ.એસ.ટી.માં ઘણાં વર્ષ કંડક્ટર તરીકે નોકરીમાં હતા. હજાર રૂપિયા જેટલો પગાર મેળવતા. પરંતુ તેમને નાયગામનું આકર્ષણ, કેટલોક વખત દલિત આગેવાનો સાથે કામ પણ કર્યું. પરંતુ નેતા કહીએ કે એ પોતાના પૂરતું જ જોતા હોય છે. એ અનુભવ ત્યાં પણ થવાથી નારાયણરાવ નારાજ જ હતા. તે અનેક સ્થળે જઈને સિંચાઈની યોજનાઓ પ્રત્યક્ષ જોઈ આવ્યા હતા. મ્હૈસાળ (મિરજ)માં દેવલાંની યોજનાએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા. ત્રણ દિવસ ત્યાં રહીને આપણએ નાયગામમાં આવું કંઈક ઊભું કરી શકીશું એનો તેમણે અભ્યાસ સુધ્ધાં કર્યો. આવું કાંઈક ચાલુ કરવું એવા વિચારમાં હતા ત્યારે જ તેમની મુલાકાત વિલાસરાવ સાથે થઈ.

સાળુંખે દંપતિ સાથે તેમની ચર્ચા થઈ. પોપટ અણ્ણા ખેસે, વિઠ્ઠલ હોલે સાથે ચર્ચા કરી. નારાયણરાવે નોકરીમાંથી રાજીનામું આપ્યું, નયગામ પાછા ફર્યા. ઘાસ-પૂળા-છાણ માટીની સાદી ઝૂંપડી ઊભી કરીને તેમાં રહેવા લાગ્યા. તેમણેય નવ-દસ દલિતોને મળીને ૨૦ એકર જમીન ભેગી કરવાની યોજના તૈયાર કરી ‘મહાત્મા ફૂલે યોજના’. પાણી સહુની માલિકીનું એ વિચારે પ્રેરાયેલા, પ્રોત્સાહિત થયેલા તરુણો ઝડપથી કામે વળગ્યા.

નાયગામ પાસેની જ ઠવાળ વસતિ. ઠવાળ લોકોએ નાયગામની ‘પાણી પંચાયત’નું કામ જોયું. વિલાસરાવ સાથે ચર્ચા કરી. ૧૬ જણ ભેગા થયા. ૨૮ એકર જમીન માટે લિફ્ટ કરવા નક્કી કર્યું. એકરે રૂ. ૩૦૦ મુજબ ફાળો એકઠો કર્યો. આ લિફ્ટમાં ૯ હરિજન સદસ્ય હતા. આ લિફ્ટના જૂથપ્રમુખ હતા ચાર એકર જમીનના માલિક ભિવા શિરપતી ઠવાળ. મુંબઈમાં સાયનની ઝૂંપડપટ્ટીમાં દસ બાય બારની ખોલીમાં રહે. તેમની પત્ની, પાંચ બાળકો, તેમનું કુટુંબ એમ બધાં મળીને સોળ જણ રહેતાં હતાં. ધંધો મોચીકામ. ગામમાં લિફ્ટ દ્વારા પાણી મળવાની સગવડ થઈ રહી છે એમ કહેતાં જ તેઓ અને તેમના નાનકડા બે બાળકો ગામ પાછા ફર્યા. લિફ્ટનું બધું ભિવાએ જાતે જોયું. છેક આંકણીથી હિસાબ સુધીનું. ‘મને લખતા-વાંચતા આવડતું નથી, પણ હિસાબ વેવસ્થિત સમજાય છે...’

હજુય જે આવી યોજનામાં જોડાયાં ન હતાં એમનો જીવ બળતો હતો. ‘...પરમ દિવસના વરસાદનું અમારું બધું પાણી વહી ગયું, વેડફાયું. સાળુંખે એ આજ પાણી કેવું પદ્ધતિસર અટકાવી રાખ્યું છે...! શરૂઆતમાં તો અમારો ઈમના કામ પર ભરુંહો ન હતો. સાળુંખે પોતે ડૂબશે અને હંધાયને ડુબાડશે એવું જ અમે બધાં માનતા. વરસાદનું પાણી અટકાવીને કાંઈ ખેતી થાય. અલ્યા ! પહેલાં આવું કાંઈ ભાળ્યું ન હતું. પછી ભરુંહોય ચ્યાંહી રાખવો ! પણ હવે આંખ્યું ઊઘડીહ... હવે વરસાદનું પાણી અટકાવીશું જ, યોજના હાથમાં લઈશું જ.’

વૈયક્તિક પ્રયત્નોથી પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહિ. કૂવા ખોદવા, તેની ઉપર ડિઝલ એન્જિન અથવા વીજળીની મોટર ગોઠવવી એય સાધારણ ખેડૂતને પાલવવાનું નથી. એ પાણી ફાયદાકારક નીવડવાનું નથી. એ માટે અત્યારે તો સામૂહિક લિફ્ટ જળસિંચાઈ એ એક જ વિકલ્પ છે એ ખેડૂતોને ગળે ઊતરવા લાગ્યું. નાયગામના હરિજન લોકોની લિફ્ટ યોજના તૈયાર થયેલી જોઈને આસપાસના હરિજન, પછાત સમાજનોય આત્મવિશ્વાસ જાગૃત થયો. આપણેય આવું કરી શકીશું. બધી વાતોમાં સરકાર પાસે અપેક્ષા રાખવાનો અર્થ નથી એ તેઓ જાણી ચૂક્યા હતા.

પ્રથમ ગ્રાસે મક્ષિકા

આયોજન અનુસાર પ્રથમ ‘મ્હસોબા લિફ્ટ’નું કામ ૧૫ ડિસેમ્બર, ૧૯૭૮ના રોજ પૂરું થવું જોઈતું હતું, પરંતુ તેમ થયું નહિ. કામની હજુ તો શરૂઆત થઈ ન હતી ત્યાં જ વિઘ્ન આવ્યું.

વહેળાની બાજુએ જેમની જમીનો હતી અને જે ખેડૂત ડિઝલ પંપ ગોઠવીને પાણી ખેંચીને તેની પર ખેતી કરતા હતા તેમણે આ સિંચાઈ બાંધકામ વિરુદ્ધ કેસ કર્યો. તેની ઉપર કોર્ટનો મનાઈહુકમ પણ મેળવ્યો. આ કોર્ટ કજિયા બરાબર છ મહિના સુધી ચાલ્યા. એ ગાળામાં વિલાસરાવ અને કલ્પનાબહેનનો કોર્ટમાં જવાનો નવો ધંધો થઈ ગયો. આ કેસને કારણે ગ્રામ્યજનો વચ્ચે તકરાર થઈ, મારામારી થઈ. તેમાંથી બીજા નવા કેસ થયા... ગામનું વાતાવરણ ડહોળાયું. તેમાં વળી રાજકીય આંતરિક પ્રવાહ હતો જ. ગામમાં બે જૂથ પડ્યાં. એક જૂથ - સરખામણીમાં વધારે જમીન ધરાવનારાઓનું અને વહેળાનું પાણી મફત વાપરનારા ખેડૂતોનું. આ જૂથ સંખ્યાની દૃષ્ટિએ નાનું, પણ રાજકીય ક્ષેત્રે વજન ધરાવનારું. (તેમાં પોતાને સમાજવાદી કહેવડાવનારા નેતાઓ પણ હતા એ વિશેષ.) બીજું જૂથ ગરીબોનું, ઓછી જમીન ધરાવનારાઓનું. આ જૂથમાં ‘મ્હસોબા લિફ્ટ્‌’ના સભ્ય ન હોય એવા ગરીબ ખેડૂતો પણ લિફ્ટ્‌ના સભ્યો સાથે હતા. આ જૂથ સંખ્યામાં મોટું પણ અસંગઠિત, રાજકારણ વિષયે અજાણષ કાયદાની બારીકાઈઓ નહિ જાણનારું, તેને કારણે તે મૂંઝાઈ જતા. આ લોકોને સરકાર અને ન્યાય વ્યવસ્થા વચ્ચેનો ભેદ સમજાતો ન હતો. ‘સરકાર જ કાયદા ઘડે. કોર્ટ પણ સરકાર જ. પછી સરકાર જેને મંજૂરી આપે, એવા કામ ઉપર કોર્ટ મનાઈહુકમ કઈ રીતે આપી શકે ?’ એ કોયડો તે ઉકેલી શકતા ન હતા. તેમની વચ્ચે અંદરોઅંદર આ વાતે ખૂબ વાદવિવાદ થતો. મજાની વાત તો એ કે ગામના ભૂમિહિન, પાસે આવેલા ગામના ખેડૂતોનેય આ લિફ્ટ્‌ પ્રકરણમાં રસ જાગ્યો. કારણ એક વખત ‘મ્હસોબા લિફ્ટ્‌’ શરૂ થઈ અને દેવસ્થાનની જમીનની જેમ જ તેનો લાભ જોવા મળ્યો કે આ બાકી રહેલાં લોકો પોતપોતાના ગામે આવી સિંચાઈ યોજના બનાવવાના હતા. એ બધા ‘મ્હસોબા લિફ્ટ્‌’ સફળ થતી જોવા ઇચ્છતા હતા.

લિફ્ટ્‌નો વિરોધ કરનારાઓનું કહેવું હતું કે ‘અમે સાચા કુદરતી લાભાર્થી. વહેળાને કાંઠે અમારી જમીનો આવેલી છે. એમાં અમારો ગુનો નથી. ૧૯૬૪ની સાલમાં અનુશ્રણ તળાવને કારણે પાણીનો સંગ્રહ વધ્યો. પાણીનું પ્રમાણ વધ્યું. એથી અમે બૅન્કમાંથી કરજ મેળવીને એન્જિનો ગોઠવ્યાં. પાઈપલાઇન નાંખી. શેરડી લીધી. પૈસા મેળવ્યા. એમાં અમે શું ખોટું કર્યું ? આવતી કાલે તમે લિફ્ટ દ્વારા પાણી લેશો. એટલે પાણી ખેંચીને વાપરશો. દૂરદૂરનાં ખેતરોને પાણી પહોંચાડશો, એટલે અમારા ખેતરને પાકને પાણી ઓછું પડશે...’ વગેરે વગેરે.

પણ એક વાત સાચી કે જૂના લાભાર્થીઓને તેમનો શેરડી હેઠળનો વિસ્તાર થોડો ઓછો કરવો પડે એમ હતો. સસ્તા માનવબળથી વંચિત થવાનું હતું. ઘેટાનું મફત ખાતર પણ મળવાનું ન હતું. કારણ, અત્યાર સુધી અત્યંત ઓછું કૃષિ ઉત્પાદન આપનારી (૩૫ જણની) ૧૦૦ એકર જમીન હવે પહેલી વાર સિંચાઈ હેઠલ આવવાની હતી. તેને કારણે એ ૩૫ જણની હાલત સુધરવાની હતી. અનુશ્રવણ તળાવને કારણે, કળણને કારણે ૧૫-૨૦ એકર જમીન ખેતી માટે નકામી થઈ હતી. એ લિફ્ટને કારણે (યોજનાને કારણે) પાણી ખેંચાવાથી ઉપયોગમાં આવનાર હતી. અન્યત્ર ખેતમજૂર તરીકે (ઓછી દાડી પર) જવાથી તેમને જરૂર રહી ન હતી. જેમના ઘેટાંના ઝૂંડ હતા, તે હવે ઘેટાંને પોતાના જ ખેતરમાં બેસાડીને તેમના દ્વારા મળનારું ખાતર વાપરી શકવાના હતા.

સિંચાઈ માટે પાણી ન મળવાથી કષ્ટમય જીવન જીવવું પડતું હતું. એવા ઓછી જમીન ધરાવનારાઓને પાણીની સમાન વહેંચણીના વિચારે, પાણી પરના હક્કની ભાવનાએ આંજી દીધા હતા. દેવસ્થાનની જમીનની કાયાપલટ તેમની આંખો સામે હતી. ‘મ્હસોબા લિફ્ટ’ના સભ્ય અને સભ્ય ન હોય એવા ખેડૂતોય કોર્ટના ચુકાદા તરફ મીટ માંડીને બેઠા હતા.

નિરીક્ષણ માટે કોર્ટ સ્વયં નાયગામમાં !

રૂબરૂ નિરીક્ષણ કરીને ચુકાદો આપવા માટે અંતે કોર્ટ જ નાયગામ આવી. ન્યાયાધીશ શ્રી સુભાષચંદ્ર દેસાઈ પોતે ત્યાં આવ્યા. ‘મ્હસોબા લિફ્ટ’ને કારણે પાણીનાં મૂળ સ્તોત્ર અવરોધાશે, એ વિરોધી પક્ષ સાબિત કરી શક્યો નહિ. (આવું તે સાબિત કરી શક્યા હોત, તો અંતે કોર્ટનો નિર્ણય લિફ્ટના વિરોધમાં ગયોય હોત. વહેળાનું પાણી એ સામાજિક સંપત્તિ હોય, તો તેની ઉપર માલિકીનો અત્યાર સુધી વિચાર થયો ન હોત, તેવો વિચાર સરકારી ધોરણે થાય એવું ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ને લાગતું હતું.) કોર્ટનો ચુકાદો લિફ્ટની તરફેણમાં આવ્યો. ન્યા. શ્રી દેસાઈને વિલાસરાવના વિચાર અને તેમનું કાર્ય એટલાં ગમ્યાં કે તે ત્યાર પછી અવારનવાર નાયગામ અથવા જ્યાં જ્યાં આવું તેમનું કામ ચાલુ હોય ત્યાં ત્યાં મુલાકાત લેતાં.

આ અરસામાં એટલે કે ઈ.સ. ૧૯૭૯માં વિલાસરાવે ‘પાણી પંચાયત’ નામનું દ્વિમાસિક શરૂ કર્યું. તે પોતે પત્રિકાના સંપાદક હતા. ‘પાણી પંચાયત’ વિચારધારાને આંદોલનનું સ્વરૂપ મળે, આ ચળવળનું મુખપત્ર બને, ખેડૂત સમાજની સમસ્યાઓનો ઉકેલ મળે, વૈચારિક મેળાપ થાય, એથી તેમણે આ પત્રિકા શરૂ કરી. પોતાના વિચાર, અનુભવ વ્યક્ત કરવા માટે, લોકજાગૃતિ માટે તે પતરિકા લેખન કરવા લાગ્યા. તદ્દન અલ્પ લવાજમમાં આ પત્રિકા ખેડૂતોના ઘેર ઘરે પહોંચવા લાગી.

નાયગામમાં હવે દર રવિવારે ‘પાણી પંચાયત’ની બેઠક મળવા લાગી. ‘અમારે સિંચાઈ યોજના જોઈએ, લિફ્ટ જોઈએ, અમને રસ્તો બતાવો.’ ેમ કહેવા જુદાં જુદાં સ્થળોના, ગામડાંઓના ખેડૂતોનાં ટોળેટોળાં આવતાં. વિલાસરાવ, કલ્પનાબહેન, જૂથના વડા યોજના અંગે ચર્ચા કરતાં, આયોજન કરતાં. તેમાંથી એક અનૌપચારિક સંગઠન ઊભું થતું. યોજનાની સંભાવના, એ માટે થનાર ખર્ચનો તાગ મેળવવામાં આવતો. પછી જૂથ ખર્ચની ૨૦% રકમ એકઠી કરીને ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ને હવાલે કરતી. ત્યાર બાદ પ્રતિષ્ઠાન સરકારમાં સબસિડી અને વીજળી માટે આરજી કરતું.

આ કાર્યવાહી ચાલુ હોય ત્યારે સભાસદ ખેડૂત ક્યારા ખોદવા, કૂવા ખોદવા વગેરે કામની આપમેળે શરૂઆત કરતાં. સિંચાઈ યોજનાના પ્રત્યેક સભાસદને એક કાર્ડ મળતું. એ કાર્ડ પાણી વિતરણ નોંધાવવા માટે રહેતું. કાર્ડની પાછળ ‘પાણી પંચાયત’ના કેટલાક નિયમો છાપેલા હતા. સહુથી મહત્ત્વનો નિયમ એટલે શેરડી વાવવા પર પ્રતિબંધ. ઉપરાંત દરેક જણ પાસે લેખિત કરારપત્ર પણ રહેતું જ. ‘પાણી પંચાયત’ના કાર્યકર, સભ્યના ખિસ્સા પર ‘પાણી પંચાયત’ શબ્દો ગૂંથેલા રહેતા. એ જોઈને એકાદ અજાણ્યો પૂછતો ‘આ શું છે ?’ પછી એ સભાસદ ‘પાણી પંચાયત’ની સંપૂર્ણ જાણકારી આપતો. સાંભળનારો ઉત્સુકતાથી યોજના જોવા જતો. ‘પાણી પંચાયત’નો આ રીતે જ પ્રસાર થતો ચાલ્યો.

વીજળી અભાવે બધું અટકી ગયેલું !

‘મ્હસોબા લિફ્ટ’ તૈયાર થઈ રહી છે, જોતાં જ નાયગામનું વધુ એક ૨૩ ખેડૂતોનું જૂથ આગળ આવ્યું. ૮૫ એકર જમીન ભીંજાય એવી યોજના તૈયાર કરવામાં આવી.

ઈ.સ. ૧૯૭૨માં બધે પથ્થર ફોડવાના કાર્યક્રમ ચાલુ હતા ત્યારે તેમાં નાયગામ એક અપવાદ હતો. ત્યાંના યુવાન સરપંચ પોપટ અણ્ણા ખેસેએ પથ્થર ફોડવાને બદલે કાંઈક ઉત્પાદક કામ કાઢવું, એટલે પાંચ મિલિયન (દસ લાખ) ઘનફૂટ અનુશ્રવણ તળાવની યોજના તૈયાર કરી. એનું આયોજન, અંદાજે કેટલો ખર્ચ આવશે તેનું ખાનગીમાં સરવૈયું કાઢ્યું. એ ખર્ચ લોકફાળામાંથી પૂરો કર્યો. દુષ્કાળમાં આ કામ પર માંડ માંડ દોઢ રૂપિયો મજૂરી મળતી. પણ ચડભડ વગર આનંદપૂર્વક આ કામ ખેડૂતોએ કર્યું. કામ આમ અધૂરું રહ્યું. ત્યાર બાદ પાંચ વર્ષે ડ્રોટપ્રોન એરિયા પ્રોગ્રામમાં ડી.પી.એ.પી. દ્વારા બાકી રહેલું ગૉર્જનું કામ પૂરું થયું. ઈ.સ. ૧૯૭૮થી તળાવમાં ભરપૂર પાણીનો સંગ્રહ થવા લાગ્યો. ઈ.સ. ૧૯૭૮માં ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ની પાંચ-ત્રણ-બે યોજના ‘મ્હસોબા લિફ્ટ’વાળા સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે, એવું જોયા પછી આ ખેસે લોકોએ ‘ખેસે લિફ્ટ’ ઊભી કરવાનું નક્કી કર્યું. લોકફાળાના ૨૦% નાણાં (એટલે વીસ હજાર રૂપિયા) ભેગા થયા. સરકારના રૂા. ૨૯,૦૦૦ મળ્યા. બાકીનાં ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાને’ આપ્યા. ત્યારબાદ એક મહિનામાં પાઈપલાઇન નાંખવામાં આવી. પણ વીજળી ક્યાં હતી ??

વિલાસરાવના પ્રયાસને પરિણામે નાયગામમાં ઈ.સ. ૧૯૭૮માં વીજળી આવી. ખેસે યોજના નાયગામની હદમાં જ. ત્યાંથી બે કિ.મી. દૂર વીજળીની મેઇન લાઇન. વીજળી માટે રોકાણ ખર્ચ સામાન્યપણે થતો હતો દોઢ લાખ રૂપિયા, પરંતુ આ લિફ્ટ યોજના માટે વીજળી બોર્ડ વીજજોડાણ આપવા આનાકાની કરતું હતું. કારણ તેમના નિયમ અનુસાર તેમાંથી યોગ્ય મહેસૂલી આવક (રેવન્યુ રિટર્ન) મળતી ન હતી. પોપટ અણ્ણા અને તેમના સાથીદારોએ વીજબોર્ડની સાસવડમાં આવેલી કચેરીમાં, પુણેના ગ્રામ્ય વિભાગના કાર્યાલયમાં એટલા આંટાફેરા કર્યા ! ત્યાર પછી બારામતી, કોલ્હાપુર વગેરે કાર્યાલયોના ઉંબરાય ઘસી નાંખ્યા. ‘હવે આ ભવમાં તો વીજળી જોડાણ થશે કે કેમ ?’ એવી ચિંતા તેમના મનમાં પેઠી.

ત્યાર બાદ આ જ તળાવ નીચે બીજી ચૌંડકર યોજનાનું ખેડૂતોએ આયોજન કર્યું. છતાંય વીજળી બોર્ડ વીજળી આપે જ નહિ. રેવન્યુ રિટર્ન (આર.આર.) નથી. આ બંને યોજના માટે રૂ. ત્રણ લાખ ખર્ચ થયું હોત એ વાત સાચી, પરંતુ ૨૦૦ એકર જમીન આઠમાસી પાણી નીચે આવી હોત, કૃષિ ઉપજમાં ત્રણ લાખ રૂપિયાની વૃદ્ધિ થઈ હોત. મોટા પ્રમાણમાં રોજગારની તકો ઊભી થઈ હોત. લોકો સ્વાવલંબી બન્યા હોત.

નાયગામની મ્હસોબા, ઠવાળ, મહાત્મા ફૂલે વગેરે ઉદવહન સિંચાઈ યોજના આકાર લેવા લાગી. તેવી અન્ય ગામોમાંથી, સ્થળોએથી પોતપોતાના સ્થળોની સામૂદાયિક યોજના સાથે લોકો વિલાસરાવ, કલ્પનાબહેનને મળવા લાગ્યા. વિલાસરાવ - કલ્પનાબહેનની જીપ દૂરથી આવતાં દેખાય કે ખેડૂતો તેને ઘેરી વળતાં. રોકતાં. તેમની સાથે વાતો કરતાં. પોતાની મુશ્કેલીઓ વર્ણવતાં. ઠેરઠેર સભાઓ થતી. જૂથપ્રમુખ અને કલ્પનાબહેન ચર્ચા કરીને ભાવિ આયોજન કરતાં.

એક યોજનાના અનુભવમાંથી બીજી આગળ આવતી હતી. લોકોનો ઉત્સાહ વધતો હતો. નિષ્ઠાવાન કાર્યકરો તૈયાર થતાં હતાં.

સરકારી લાલફીતાશાહીનો અવરોધ

ચારેક મહિનામાં વીસ સામૂહિક ઉદવહન સિંચાઈ યોજનાઓ તૈયાર થઈ. તેમણે સર્વ પ્રકારે પ્રયત્ન કરીને પોતાના ફાળાની ૨૦% રકમ ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ને હવાલે મૂકી. પાંચ-ત્રણ-બેમાં બે અને ત્રણની (‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠા’નો ફાળો) તૈયારી થઈ, પરંતુ સરકારના પાંચ લાલફીતાશાહીમાંથી છૂટતા ન હતા.

સામૂહિક ઉદવહન સિંચાઈ યોજના માટે ચાળીસથી પચાસ ટકા સબસિડી આપવાની સરકારી યોજના જાહેર થયેલી તો હતી, પણ એ લોકો સુધી પહોંચી જ ન હતી.

પાણી અને વીજળી આ બંને વાતો કૃષિ માટે આવશ્યક છે. પાણીનો સંગ્રહ અને તેના આયોજન પર થનાર ખર્ચમાંથી સર્વેને લાભ સરખા પ્રમાણમાં મળવો જોઈએ. એથી સરકારી આયોજનમાં, માપદંડમાં તેનો યોગ્ય વિચાર થવો જોઈએ એવો વિલાસરાવનો આગ્રહ હતો. તેવો વિચાર કરવામાં આવતો નથી એનું તેમને દુઃખ હતું.

સિંચાઈને કારણે રોકાણ ખર્ચ ઉપરાંત યોજના ચલાવવા માટે એકરે રૂ. ૧૨૦ ખર્ચ આવતો હતો. નહેરની સરખામણીમાં એ રૂ. ૬૦ વધુ હતો. આ વિસંગતતા સરકારે દૂર કરવી જોઈએ એવીય વિલાસરાવની માંગણી હતી.

સરકાર નહેરના પાણી પર એકરે રૂપિયા ચાર બજાર સામાન્યપણે ખર્ચ કરતી હતી. તો ઉદવહન જળસિંચાઈ પર પાંચ માણસના કુટુંબની કેવળ અઢી એકર ઉપર સિંચાઈની માંગણી હોય અને તે માટે થનાર ખર્ચ ચાર હજાર રૂપિયા કરતાં વધારે હોય, તો તે પૈકીનો એંશી ટકા ખર્ચ સરકારે અનુદાન તરીકે શા માટે ન આપવો જોઈએ, એવી ‘પાણી પંચાયત’ દ્વારા માંગણી કરવા માટે ૨૫, ૨૬ જાન્યુઆરી ૧૯૮૦ના રોજ ૨૦૦ ખેડૂતો સાથે મુંબઈમાં મંત્રાલયમાં મુખ્યમંત્રીને મળવા જવાનું વિલાસરાવે નક્કી કર્યું. પરંતુ એ તારીખ નાગપુરના શિયાળુ અધિવેશનને કારણે આગળ ઠેલવામાં આવી.

મુખ્યમંત્રીને મળવાની તારીખ આગળ ઠેલવવામાં આવી હોવા છતાં મુંબઈમાં ફોર્ટ વિસ્તારમાં ‘તાજમહાલ’ હોટેલ તરફ જનારા ચોકમાં ડૉ. બાબાસાહેબના પૂતળા હેઠળ વિલાસરાવ પોતાના દોઢસો-બસો સાથીઓ સાથે આવ્યા. ત્યાં તેમણે ટૂંકું ભાષણ આપ્યું. ત્યાર પછી એક કાર્યકરે જમીન ધરાવનારા ખેડૂતોના હક્કની સણંદ વાંચી સંભળાવીને સામૂહિક રીતે બોલાવી. મૂળભૂત હક્કની ન્યાયી માંગણી કરનારી સણંદ સારાંશે વર્ણવીશું, તો પાણીની સામાજિક ધોરણે વહેંચણી થાય. આ હક્કની બંધારણ અનુસાર અમલ બજવણી થાય. ખેડૂતોની મૂળભૂત સમાન પાણીની વહેંચણીની માંગણીની જાણ સરકારને કરવામાં આવે તે માટે સમય આવ્યે કાયદેસર ચળવળ કરીને ન્યાય સંસ્થાના દરવાજા ખખડાવવાં. પોતાના ન્યાયની માંગણી માટે સંગઠિત થઈને લડત આપવી જોઈએ એ તેમણે સ્પષ્ટ કર્યું.

કાય કરૂં આતાં ધરૂનિયાં ભિડા નિઃશંક હે તોંડ વાજવિલે ।।

નવ્હે જગી કોણી મુકિયાચા જાણ । સાર્થક લાજોનિ નવ્હે હિત ।।

આલે તે ઉત્તર બોલો સ્વામી સવે ।। ધીટ નીટ જીવે હોઉનિયાં ।।

(તુકારામ)

(શું કરું હવે સંકોચ રાખીને ક્ષોભ નિઃશંક આ બબડવું ।।

નથી જગમાં કોઈને મૂંગાની પીડા । સાર્થક શરમિંદા થવામાં નથી હિત ।।

સૂઝે એ જવાબ આપો સ્વામી તુર્ત જ । નીડર સરળ જીવ બનીને ।।)

૨૬ જાન્યુઆરી, ૧૯૮૦ના દિવસે દાદર ઉપનગરની શેતાન ચોકીમાં એક નાનકડી અનૌપચારિક બેઠક થઈ. વિલાસરાવે શેતાન ચોકી પસંદ કરી. એની પાછળ એક કારણ હતું. પુરંદર તાલુકાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારના દસ હજારથી વધુ લોકો શેતાન ચોકી, સાયન, લાલબાગ જેવી મુંબઈની વસ્તીઓમાં રહેતા હતા. નાની નાની ખોલીઓમાં ગીચોગીચ રહીને, જે મળે એ કામ કરીને નિર્વાહ કરતા હતા. આર્થિક, સામાજિક, કૌટુંબિક એમ બધી બાજુથી વિસ્થાપિત થયેલા અને રાજકીય દૃષ્ટિએ કોઈ પણ પ્રકારનું વજન ન ધરાવતાં આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લોકો કેવળ નિરુપાયે અહીં રહેતા હતા. તેમની સમક્ષ બીજો વિકલ્પ જ ન હતો. કેવળ ઔદ્યોગિકીકરણ એટલે વિકાસ અને પ્રગતિ એમ માનનારા અર્થશાસ્ત્રીઓએ પોતાના સિદ્ધાંતનો પુનર્વિચાર કરવો પડે એવી આ પરિસ્થિતિ હતી.

ઊલટા સ્થળાંતરનો પ્રયાસ

પોતાના વિસ્તારમાં વિલાસરાવ સાળુંખે ‘પાણી પંચાયત’ના માધ્યમ દ્વારા સિંચાઈની સુવિધા કરી રહ્યા છે. આઠ-દસ ઠેકાણે આવી યોજનાઓ તૈયાર થઈ છે એની આ લોકોને જાણ હતી. તેમણે નાયગામ યોજનાની સફળતા પ્રત્યક્ષ નિહાળી હતી. પોતાના વિસ્તારમાં ‘પાણી પંચાયત’ના ધોરણે કામ શરૂ થવાનું હોય, સરકારની મદદ મળવાની હોય તો આ મિશ્ર વસતીનું જીવન મુંબઈમાં છોડી દઈને પોતાના ખેતરે પાછા ફરવા હજારેક લોકો ખડેપગે તૈયાર હતા. આ આગળ ગયેલા લોકોને ત્યાંની ખેતી જો લાભદાયક નીવડે તો, તેમના પગલે ચાલીને બીજા ચાર-પાંચ હજાર ખેડૂતો પોતપોતાના ગામે પાછા ફરવાની સંભાવના હતી.

પુરંદર તાલુકામાંથી આવેલા ‘પાણી પંચાયત’ના સભ્ય ખેડૂત અને પુરંદરવાસી મુંબઈના ખેડૂતોની શેતાન ચોકી પરિસરમાં મુલાકાત ચર્ચા થઈ. ‘પાણી પંચાયત’ સભાસદો પાસેથી પ્રત્યક્ષ માહિતી મળી. શહેરની મિશ્ર વસતીમાંથી ગામ તરફ ઊલટો પ્રવાહ શરૂ થવાનાં ચિહ્નો દેખાતાં હતાં. શેતાન ચોકીના સાને ગુરુજી ઉદ્યાનમાં એકઠા થયેલા પાંચસો હજાર લોકો આગામી કેટલાક મહિનામાં પોતાના ગામે પાછા ફરશે એ તે મુલાકાતમાં જ સ્પષ્ટ થયું.

આ સર્વ ઘટનાના સાક્ષી હતાં શ્રી વિજય અને સુશ્રી સરોજા પરૂળકર. ગામનાં લોકો શહેર તરફ શા માટે દોટ મૂકે છે, એ પરુળકરને જણાવતાં વિલાસરાવે કહ્યું, ‘...આ બધા લોકો અમસ્તા પોતાનો સંસાર, પોતાના ઘરબાર, પોતાનાં ખેતરો મૂકીને મુંબઈમાં કેવળ મોજમજા માટે આવે છે કે ! આર્થિક વિકાસ માત્ર શહેરનો જ થાય છે. શહેરવાળાઓનો થાય છે, ગામડાના માણસોના વિકાસ તરફ કોઈનું ધ્યાન છે કે ? તેમના માટેની યોજના એટલે પ્રૌઢશિક્ષણ, કુટુંબનિયોજન, મેલેરિયા નાબૂદી, બાલવાડી. આ યોજનાઓ મહત્ત્વની નથી એમ હું કહેતો નથી, પણ જ્યાં આર્થિક વિકાસ થાય છે એ તરફ જ માણસ દોડવાનો ! જ્યાં સુધી આર્થિક વિકાસ એટલે ઉદ્યોગધંધા વધે એટલે બેકારીનો પ્રશ્ન ઉકલે એવી સર્વસ્વીકૃત માન્યતા છે, ત્યાં સુધી ગામડાંઓમાંથી શહેર તરફ માણસોનો પ્રવાહ ચાલુ રહેશે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને જો સાધનો ઉપલબ્ધ થશે તો કોણ મરવા તમારા શહેર તરફ આવવાનું છે ?’

જીવવાનું સાધન, જીવન આધાર પાણી ઉપલબ્ધ કરાવી આપીને વિલાસરાવ ઊલટું સ્થળાંતર (ઇીદૃીજિી સ્ૈખ્તટ્ઠિર્ૈંહ) કરાવવા ઇચ્છતા હતા.

નક્કી થયા અનુસાર ૭ ફેબ્રુઆરી, ૧૯૮૦ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી શરદ પવાર સાથે ‘પાણી પંચાયત’ના સભ્યોની બેઠક થઈ. આ બેઠકમાં મુખ્યમંત્રીના અન્ય સાથી મંત્રી શ્રી ગોવિંદરામ આદિક, શ્રી એન. ડી. પાટીલ, શ્રી ગણપતરાવ દેશમુખ, શ્રી નિહાલ અહમદ ઉપસ્થિત હતા. મહારાષ્ટ્ર સરકારના વિવિધ વિભાગોના સચિવ, પુણેના જિલ્લાધિકારી અજિત નિંબાળકર પણ હતા. કલ્પનાબહેન, પોપટરાવ ખેસે, વિઠ્ઠલ હોલે, નાના પાટોળે અને સો સવાસો ખેડૂતો... મુખ્યમંત્રી અને તેમના અધિકારીઓ સામસામે બેસીને આપણે આપણા પ્રશ્નો અંગે ખુલ્લેઆમ બોલી શકીએ, એનો અભૂતપૂર્વ અનુભવ ‘પાણી પંચાયત’ના કાર્યકર લઈ રહ્યા હતા. નીડરતાપૂર્વક પોતાની વ્યથા રજૂ કરી રહ્યા હતા. આ બેઠકની પૂર્વતૈયારી રૂપે વિજય અને સરોજા પરુળકર નાયગામ આસપાસના વિસ્તારની, ત્યાંની યોજનાઓની તસ્વીરો લઈને તેને મોટી બનાવીને લઈ આવ્યાં હતાં. તેમાંથી ત્યાંનું જીવન, ત્યાંની મુશ્કેલીઓ, સરકારી નિયંત્રણને કારણે નિષ્ફળ નીવડેલ નાઝરે યોજના વગેરેનો અંદાજ મળી રહેતો હતો. શેતાન ચોકીની બેઠકો, પુરંદરવાસી લોકોની મુંબઈ શહેરમાંની રહેણીકરણી પર પણ પ્રકાશ પડતો હતો.

ખેડૂતોના હક્કોની સણંદ મુખ્યમંત્રીને સાદર

પાણી એ કુદરતે આપેલું વરદાન છે. પાણી એ નૈસર્ગિક સંપત્તિ છે. તેનો લાભ સમતાપૂર્વક થવો આવશ્યક છે. આધુનિક વિજ્ઞાનને કારણે તે શક્ય છે. પાણીની સમાન વહેંચણી દ્વારા રાષ્ટ્રીય વિકાસમાં સહુને સમાવી લઈ શકાશે. ઔદ્યોગિકીકરણને તો વેગ મળશે, પણ ગ્રામ્ય વિસ્તારનું દારિદ્રય પણ દૂર થશે - એવું વર્ણવનારી ખેડૂતોના હક્કની સણંદ વિલાસરાવે મુખ્યમંત્રીને સાદર કરી. તેમજ સરકારી યંત્રણામાં અટવાયેલ પચાસ ટકા અનુદાન - બધી શરતો પૂરી કરી હોવાને કારણે તાત્કાલિક આપવું એવો આગ્રહ પણ સેવ્યો. આ અનુદાન મળતાં જ નાયગામ, કોથળે, રાજુરી, પિલાનવાડી ઇત્યાદિ અગિયાર સિંચાઈ યોજનાઓ કાર્યાન્વિત થવામાં વેગ આવનાર હતો. જિલ્લાધિકારી અજિત નિંબાળકરે પણ આ માંગણીને નક્કર પીઠબળ પૂરું પાડ્યું. શરદ પવારે માંગણીને માન આપીને એ અગિયાર યોજનાઓ માટેનું ૫૦% અનુદાન રૂ. પાંચ લાખ ચેકથી એ જ બેઠકમાં આપ્યું. તે પ્રમાણે ‘ઉદવહન જળ સિંચાઈ યોજના માટે આવશ્યક વીજળી મહારાષ્ટ્ર વિદ્યુત મહામંડળે અગ્રતાના ધોરણે આપવી, પરંતુ તે માટે હાલમાં અમલી નિયમો યોજના ઉપર બંધનકારક હોવા ન જોઈએ, એવી ‘પાણી પંચાયત’ની માંગણીનો સહાનુભૂતિપૂર્વક વિચાર કરવામાં આવશે.’ એવું આશ્વાસન પણ આપ્યું.

ચાર કલાક ચાલેલી આ બેઠકમાં ‘પાણી પંચાયત’ના કાર્યકરોને સંતોષ થયો. મુખ્યમંત્રીએ આપેલા આશ્વાસનથી આનંદ પામ્યા.

તે દિવસે બપોરે મુખ્યમંત્રી શરદ પવારે પત્રકારોને ‘પાણી પંચાયતે’ રજૂ કરેલી યોજના પોતાને ગમી હોવાનું જણાવ્યું.

પરંતુ આ બેઠક બાદ અઠવાડિયામાં જ શરદ પવારની પુ.લો.દ. સરકારનું વિસર્જન થયું. રાજ્યપાલનું શાસન આવ્યું. ત્યાર પછી ચૂંટણીઓ ક્યારે થશે, કઈ સરકાર સત્તા પર આવશે એ સમજાતું ન હતું. આપણી લડત આગળ ચાલુ રાખવી એટલું જ આપણા હાથમાં છે... હવે નવેસરથી બધી તૈયારી કરવી જોઈએ. વિલાસરાવે મનોમન નિશ્ચય કર્યો.

નિશ્ચયનું બળ ! તુકા કહે તેનું ફળ

૧૯૭૭માં રાજ્યપાલ શ્રી સાદિક અલી નાયગામની મુલાકાતે આવી ગયા. તે વખતે તેમણે નાયગામ યોજનાનું નિરીક્ષણ કરીને પ્રશંસા કરી. ‘આવા પ્રયોગ સફળ થવા માટે ખેડૂતોએ અંતઃસ્ફુરણાથી પ્રતિસાદ આપવો જોઈએ’ એવું આહ્વાન પણ કર્યું. તે પ્રસંગની યાદ અપાવતાં વિલાસરાવે રાજ્યપાલને ૨ મે, ૧૯૮૦ના રોજ પત્ર લખો. ‘સરકાર દ્વારા ‘પાણી પંચાયત’ની માંગણીઓનો સહાનુભૂતિપૂર્વક વિચાર કરવામાં આવશે.’ એવું આશ્વાસન (૭ ફેબ્રુઆરી, ૧૯૮૦ની) મુલાકાતમાં આપવા છતાંય એ અંગેની કાંઈ પણ કાર્યવાહી થયેલી નથી. એ તેમણે તેમના ધ્યાને લાવી આપ્યું.

નાયગામ, પિંપરી, પાંડેશ્વર, કોથળે ઇત્યાદિ દસ ગામોની ઉદવહન સિંચાઈ યોજના વીજળીનું જોડાણ ન થવાથી રઝળી પડી હતી. મહારાષ્ટ્ર વિદ્યુત મંડળ પાસે વારંવાર અરજીઓ, વિનંતી કરવા સુધ્ધાં પ્રત્યક્ષ કાર્યવાહી થતી ન હતી. એટલે વિરાસરાવે પરાકાષ્ટાપૂર્ણ કૃત્ય કરવા ઠરાવ્યું. એકાદ મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ હતી. ‘ચૂંટણીના આગલા દિવસ સુધીમાં સિંચાઈ યોજના માટે વીજ પુરવઠો આપવામાં નહિ આવે તો એ દસ ગામો મતદાન કરશે નહિ.’ એવું તેમણે રાજ્યપાલને લખેલા પત્રમાં જણાવ્યું.

૯ મે, ૧૯૮૦ના રોજ ઊર્જા સચિવે મંત્રાલયમાં બેઠક આયોજિત કરી. ‘પાણી પંચાયત’ના કાર્યકરોએ તાકીદે વીજળી જોડાણ આપવા આગ્રહ સેવ્યો, મહારાષ્ટ્ર રાજ્ય વીજ મંડળના અધિકારીઓએ હંમેશની જેમ ‘મૂડીની તંગી, માલની અનુપલબ્ધતા અને રેવન્યુ રિટર્નની શરતને કારણે અમલબજવણીમાં મુશ્કેલી આવી રહી છે. તેને કારણે વિલંબ થઈ રહ્યો છે.’ એમ જણાવ્યું. પરંતુ આ બેઠકમાં ઊર્જા સવિચ શ્રી કે. બી. શ્રીનિવાસને સકારાત્મક ભૂમિકા અખત્યાર કરી. સરકારે લીધેલા નીતિવિષયક નિર્ણયને અનુસરીને ‘પાણી પંચાયત’ની યોજનાને તાકીદે વીજ પુરવઠો આપવા આદેશ કર્યો. ‘ત્રણ મહિનાની અંદર વીજળી જોડાણ આપવામાં આવશે.’ એવું લેખિત આશ્વાસન આવ્યું. આ આશ્વાસન મળ્યા બાદ ‘પાણી પંચાયતે’ ચૂંટણીનો બહિષ્કાર પાછો ખેંચવા ઠરાવ્યું. ૧૮ મેના રોજ નાયગામના એ દસ ગામોના ખેડૂતોના સંમેલનમાં એવો ઠરાવ કરવામાં આવ્યો. એ સંમેલનમાં જ એકબીજાના વિરોધી એવા બે સ્થાનિક ઉમેદવાર શ્રી દાદાસાહેબ જાધવરાવ અને શ્રી સંભાજીરાવ કુંજીરનેય આમંત્રિત કરવામાં આવ્યા હતા. ‘પાણી પંચાયત’ના કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લઈને આ એક સર્વપક્ષીય કાર્યક્રમ અગ્રતાના ધોરણે સ્વીકારવો એવું આહ્વાન પણ તેમને કરવામાં આવ્યું. ચૂંટાઈ આવનારા ઉમેદવારે વિધાનસભામાં ‘પાણી પંચાયત’ની માંગણી પર પહેલો ઠરાવ રજૂ કરવો, એવો આગ્રહ પણ સેવવામાં આવ્યો અને વિશેષ એટલે પરસ્પર સામસામે ઊભા રહેલા એ ઉમેદવારોએ વિધાનસભામાં પાણી પ્રશ્નને અગ્રક્રમ આપવાનો સ્વીકાર કર્યો.

ચૂંટણીના દિવસે ‘પાણી પંચાયત’ના કાર્યકરોએ પોતપોતાના ગામના મતદાન કેન્દ્રોની બહાર ‘પાણી પંચાયત’ના બૂથ ગોઠવ્યાં. ત્યાં માંગણીપત્ર તૈયાર રાખ્યા હતા. મતદાન કરવા જતાં પહેલા આ બૂથ પર માંગણીપત્રક પર સહી કરીને ખએડૂતો ત્યાર બાદ મતદાન કરવા જતાં. કેટલાક ‘પાણી પંચાયત’ના કાર્યકરોએ તો અંગૂઠાની છાપ પોતાના લોહીથી માંગણીપત્રક પર ઉપસાવી. જ્યાં આવાં બૂથ હતાં ત્યાં ૮૦% મતદાન થયું હતું. પોતાની માંગણી માટે ત્યાંનો ખેડૂત કેવો જાગૃત અને ઉત્સુક થયો હતો તેનું આ ઉદાહરણ જ !

વિનંતિપત્રની અજબ પહોંચ !

વિધાનસભાની ચૂંટણીઓ પતી ગઈ. બૅરિ. શ્રી અ. ર. અંતુલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી થયા. તેમણે નાના ખેડૂતોના બાકી લહેણામાં કરજ અને મુદ્દલ એમ બંનેની સગવડ કરીને તેની પર બાવન કરોડ રૂપિયાની છૂટ આપવાની જાહેરાત કરી. વિરાસરાવને જુદી જ ચિંતા ખાઈ જતી હતી. ‘આટલા નાણા ખર્ચ કરીનેય ખેડૂતો સ્વાવલંબી થશે કે એનો વિચાર કરવાની નવરાશ અમારા શાસકોને નથી એનો ખેદ થાય છે. કરજ માફ કરો, વ્યાજમાં છૂટ આપો. કૃષિમાલને યોગ્ય ભાવ આપો. આ આજના ખેડૂતો માટેની પ્રચલિત જાહેરાતો છે, પરંતુ ૮૦% ખેડૂતોનો પ્રશ્ન આનાથી કાંઈક જુદો જ છે. તેમની ઉત્પાદકતા કઈ રીતે વધારી શકાય ? તેમનાં પરિવારોને તેમના ખેતર પર જ આખુંય વરસ પર્યાપ્ત રોજગાર કઈ રીતે મળે ? તેમની આવશ્યક જરૂરપિયાતો તેમની ખેતીમાંથી જ કઈ રીતે પૂરી કરી શકાય ? આ સ્વપ્ન સમાન લાગતો વિચાર ‘પાણી પંચાયત’ના છેલ્લા વરસના પ્રત્યક્ષ કાર્યમાંથી સાકાર થયેલો છે. આ બધું નવા મુખ્યમંત્રી પ્રત્યક્ષ મુલાકાત આપીને નિહાળે, ‘પાણી પંચાયત’ની માંગણીઓ વૈજ્ઞાનિક અને વ્યાવહારિક સ્તર પર કસોટીમાં પાર ઊતરે એમ હોય તો સરકારે તેનો સ્વીકાર કરવો.’ એવું આહ્વાહન કરનારું વિનંતિપત્ર વિલાસરાવે મુખ્યમંત્રી અંતુલેને ૧૮ જૂન, ૧૯૮૦ના રોજ મોકલાવ્યું. તેનો મુખ્યમંત્રી તરફથી ૮ જુલાઈ, ૧૯૮૦ના રોજ છાપેલો જવાબ આવ્યો.

‘મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે મારી વરણી થવા અંગે આપે વ્યક્ત કરેલ સદ્‌ભાવના માટે હું આપનો અત્યંત આભારી છું. આપની શુભેચ્છા બદલ આભાર !’ મુખ્યમંત્રીના સચિવને વિલાસરાવનો પત્ર તકસાધુ હિતચિંતકનો જ હશે એમ લાગ્યું હોવું જોઈએ.

મુખ્યમંત્રીની સહીનો આ પત્ર વાંચીને વિલાસરાવને સંત તુકારામ સાંભર્યા.

માન અપમાન ગોવે । અવધે ગંડૂની કવાવે ।।

આલી ઉર્મી સાહે । તુકા મ્હણે થોડે આહે ।।

(માન અપમાન અવગણવા । અંતે વાળીને મૂકી દેવાં ।।

આવી લહેરખી મદદે । તુકા કહે અલ્પ છે ।।)

મુખ્યમંત્રી પુણેમાં હતા ત્યારે ૧૨ જુલાઈ, ૧૯૮૦ના રોજ વિલાસરાવે દસ ગામના ચાળીશ ખેડૂતોને લઈને તેમની સર્કિટ હાઉસ પર મુલાકાત લેવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ નીવડ્યા. ત્રણ મિનિટની મુલાકાત નક્કી થઈ હતી. ચાર કલાક રાહ જોવા છતાં એ થઈ નહિ.

૧૯૮૦નું વરસ પૂરું થવા આવ્યું, છતાં સરકાર તરફથી કાંઈ હિલચાલ થથી જણાતી ન હતી. મોટા મોટા લોકો નાયગામ આવતા હતા. સિંચાઈ યોજના જોતા હતા. ઠેકઠેકાણે મુલાકાત લેતા હતા. મનોમન સહુનું બહુમાન કરતા હતા. તે વખતના અહમદનગર જિલ્લા પરિષદના અધ્યક્ષ શ્રી યશવંતરાવ ગડાખ. ઉસ્માનાબાદના વિભાગીય જમીન સંરક્ષણ અધિકારી શ્રી પ્રભાકર ચૌધરી જેવી કેટકેટલી મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ આવી ગઈ. ઊર્જામંત્રી શ્રી જયવંતરાવ ટિળક સુધ્ધાં આવી ગયાં. ઊર્જાસચિવે ત્રણ મહિનામાં વીજ પુરવઠો હશે એવું લેખિત જણાવ્યું હતું, એ મુદત પણ વીતી ગઈ.

સરકારી ઠેલંઠેલ

ઊર્જામંત્રીએ ચાર લિફ્ટ્‌સ જોઈ. એક માલધારી ખેડૂત ખેંગરેએ ઊર્જામંત્રીને કહ્યું, ‘પાછલી બે પેઢીઓથી અમે રાજૂરીથી કલ્યાણની યાત્રા અમારા ઘેટાં સાથે કરીએ છીએ. ‘પાણી પંચાયત’ની યોજનામાં અમે અમારી જિરાયત ખેતી ખીલવીને બતાવીશું, પણ તે માટે વીજળી જોઈએ. અમારી માંગણી અનુસાર વીજળી આવશે નહિ તો અંતિમ ઉપાય તરીકે અમે ઘેટાંઓ સહિત મુંબઈ પહોંચીશું.’

બીજા એક કાર્યકર દગડોબા ચૌહાણે (રાજુરી લિફ્ટ) કહ્યું, (ઑગસ્ટ મહિનો ચાલુ હતો) ‘ઑક્ટોબર સુધી વીજળી નહિ મળે તો લોકોએ સંગઠિત થઈને બંડ પોકારવું પડશે. સરકાર ૮૦% સબસિડી આપશે તો અમારા પગ પર અમે ઊભા રહીશું.’

ઠવાળ લિફ્ટ યોજનામાં ૨૦ હરિજન કુટુંબો સભાસદ હતાં. એ લિફ્ટના કાર્યકર ભિવા તાત્યા ઠવાળે ‘આપણે મુંબઈની ઝૂંપડપટ્ટીમાંથી પાછા આપણા ગામ આવ્યા છીએ. ખેતરમાં ઝૂંપડું બાંધીને રહીએ છીએ. મુંબઈ પાછા જવાના નથી. આ લિફ્ટ શરૂ થવી જ જોઈએ.’ એમ આવેશભેર જણાવ્યું.

ઊર્જામંત્રીએ આ બદી બાબતોમાં ધ્યાન આપવા આશ્વાસન આપ્યું.

એ દોઢ-બે વર્ષણાં પુરંદર તાલુકામાં ‘પાણી પંચાયત’ ધોરણે ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ દ્વારા ૨૦ ગામોમાં ૪૦ ઉદવહન સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી હતી. લોકફાળાના ૨૦% એટલે ચાલીસ લાખ રૂપિયાનું મૂડીરોકાણ થયું હતું. પુણે જિલ્લામાંથી પાસે આવેલા જિલ્લાઓમાંથીય લોકો આવીને ‘પાણી પંચાયત’ની યોજનાઓ કેવી કામ કરી રહી છે એ જોઈ જતા હતા.

આ ૪૦ યોજનાઓ પૈકી નાયગામની ૪ યોજનાઓ ભાગ્યશાળી નીવડી. અર્થાત્‌ નાયગામમાં વીજળી પહોંચી હતી એટલે જ મ્હસોબા, ઠવાળ, મહાત્મા ફૂલે, અણ્ણાસાહેબ ખેસે સિંચાઈ યોજનાઓને વીજળી પુરવઠો ચાલુ થયો. જૂન ૧૯૮૦માં તે યોજનાઓ કાર્યાન્વિત થઈ. એ પહેલાં જ વર્ષમાં આંખો અંજાઈ જાય એવો લહલહતો પાક એ ચારેય યોજનાઓ હેઠળની જમીનો પર લહેરાઈ રહ્યો હતો. પહેલાથી દસ ગણો વધારે હતો !

જેમની યોજનાઓને હજુ સુધી વીજળી પુરવટો મળ્યો ન હતો, એ યોજનાઓના સભાસદ ખેડૂતો હવે વધુ જ અસ્વસ્થ, અધીરા બન્યા. આ ખેડૂતોને હવે મંત્રીઓ પર કે સરકારી અધિકારીઓ પર વિશ્વાસ રહ્યો ન હતો. તેમણે વિલાસરાવને કહ્યું, ‘આપણો પ્રશ્ન સરકારને વ્યવસ્થિત સમજાવીને રજૂ કરે એવા માણસો બોલાવો.’ આ જીદ જ તેમણે પકડી હતી. પછી ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાને’ એક ખેડૂત સંમેલન આયોજિત કરવા ઠરાવ્યું.

સાસવડનું ખેડૂત સંમેલન

૧૩ ડિસેમ્બર, ૧૯૮૦ના રોજ સાસવડ નગરપાલિકાગૃહમાં ૫૦૦ ખેડૂતોનું સંમેલન યોજાયું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂત સ્ત્રીઓ પણ ઉપસ્થિત રહી.

શ્રી એસ. એમ. જોશી, શ્રી ના. ગ. ગોરે, ‘સકાળ’ના તત્કાલીન સંપાદક શ્રી ગ. મુણગેકર, ‘ગ્રામાયન’ સંસ્થાના પ્રતિનિધિ શ્રી અનિલ કાળે, શ્રી નવલભાઈ ફિરોદિયા, ‘મરાઠા ચેમ્બર ઑફ કૉમર્સ’ના ડૉ. ભા. ર. સાબડે, ઉદ્યોગ સલાહકાર શ્રી કે. ડી. જોશી, ‘વનાજ એન્જિનિયર્સ’ના શ્રી ખાંડેકર વગેરે એસ. કે. વ્યક્તિઓએ નાયગામમાં કાર્યાન્વિત થયેલ ‘પાણી પંચાયત’ની ચાર સિંચાઈ યોજનાઓ પણ નિહાળી.

આ સંમેલનમાં ખેડૂતોએ પોતાની ફરિયાદો વર્ણવી, માંગણીઓ રજૂ કરી, ગ્રામ્ય વિસ્તારોમાં ‘પાણી પંચાયતે’ તૈયાર કરેલ નેતૃત્વ, સરકારને જાગૃત કરવા માટે કાંઈક કાર્યક્રમ કરવા, આંદોલન જગાવવા તૈયાર થયું છે એ મહેમાનોને સમજાઈ રહ્યું હતું.

અનેક લિફ્ટ યોજનાઓ તૈયાર હતી. વીજળીના અભાવે તે કાર્યાન્વિત થતી ન હતી. ખેતરમાં વેંત વેંત રોપા તૈયાર થયા હતા. તળાવોમાં, કૂવાઓમાં પાણીનો સંગ્રહ થયો હતો. પાઈપલાઇનો પણ નાંખીને તૈયાર થઈ હતી. પંપ પણ ગોઠવાયા હતા. એ શરૂ થાય કે પાણી ઉલેચવાનું ચાલુ, પણ વીજળી જોડાણ જ થતું ન હતું. કેટલાંક સ્થળોએ અર્ધા માઈલ દૂર વીજળીની મેઈન લાઇન પસાર થતી હતી, પણ ત્યાંથી લિફ્ટ યોજના સુધી થાંભલા તાર વગેરે નાંખવામાં આવતા ન હતા. હજુય પંદર દિવસમાં પાણી નહિ મળે તો ખેતરનો પાક બળી જશે. પછી ફરીથી દુષ્કાળનાં કામો નીકળશે. તેની ઉપર લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવશે, રેવન્યુ રિટર્ન મળવાનું નથી, એવું કારણ આપીને આ ખેડૂતોને વીજળી આપવાનું નકારવામાં આવશે. આ આમ જ ચાલુ રહેશે કે ?

આ ગાળો એકંદર ખેડૂત આંદોલનનો જ હતો. આ અરસામાં જ શ્રી શરદ જોશીના ‘ખેડૂત સંગઠન’ના (ખેતકરી સંઘટના) આંદોલને મહારાષ્ટ્રમાં ખળભળાટ મચાવી દીધો હતો. કૃષિમાલના ભાવ સરકાર બાંધી આપે એ માટે ‘ખેડૂત સંગઠન’નો આગ્રહ હતો. ‘પાણી પંચાયતે’ પણ મૂળભૂત હક્કો માટે લડત આપવાની તૈયારી ચાલુ કરી.

‘વિધાનસભાના આગામી અધિવેશનમાં એ ૮૭ અનાવૃષ્ટિગ્રસ્ત તાલુકાઓના ધારાસભ્યોને ‘આ કેવળ પુરંદર તાલુકાનો જ નહિ, પણ એ તમારોય પ્રશ્ન છે. તમે સંગઠિત થઈને સરકાર સમક્ષ આપણી સમસ્યા રજૂ કરો.’ એમ કહેવું જોઈએ. એવો વિચાર ‘પાણી પંચાયત’ના એક કાર્યકરે રજૂ કર્યો. આ અધિવેશનમાં (૧૫-૩૦ ડિસેમ્બર, ૧૯૮૦) સરકાર સાંભળે નહિ તો જાન્યુઆરી, ૧૯૮૧માં મુંબઈ જઈને આંદોલન ચાલુ કરવું એમ પણ તેમણે સૂચવ્યું.

આ સંમેલનમાં અનેક ચાલુ-પૂર્વ ધારાસભ્ય, કામદાર આગેવાનો, રાજકીય અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત હતા. પુરંદરના માજી ધારાસભ્ય શ્રી દાદાસાહેબ જાધવરાવે (સમાજવાદી) ‘પાણી પંચાયત’ની બધી વાતો, માંગણીઓ, સંગઠન વગેરે માન્ય કર્યું, પણ સમાન પાણી વહેંચણી શક્ય બનશે નહિ. શેરડી વગર લિફ્ટ ઇરીગેશન યોજના અમલી બનાવવી શક્ય થશે નહિ એવો મત રજૂ કર્યો.

એટલે ઉદવહન સિંચાઈ યોજના જોઈએ. તેને વીજળી પુરવઠો, અનુદાન વગેરે મળવા જોઈએ, પણ ‘પાણી પંચાયત’ના ધ્યેય અનુસાર સમાન પાણી વહેંચણી, સતત પાણીની જરૂરિયાતવાળી શેરડી ન વાવવી એ સ્વીકાર્ય નથી.

નીકળી જળયાત્રા

આ સંમેલનમાં થયેલા નિર્ણય અનુસાર નરાયણ પાટોળે, દગડોબા ચૌહાણ, પોપટરાવ ખેસે, શ્રીમતી વિઠાબાઈ ભગત, વિલાસરાવ અને કલ્પનાબહેને પાણીની યાત્રા લઈને નીકળવું અને નાગપુરમાં અધિવેશન ચાલુ હોય ત્યારે ત્યાં મોટર દ્વારા પહોંચવાનું નક્કી થયું.

જળયાત્રા ટુકડી ૨૨ ડિસેમ્બર, ૧૯૮૦ના રોજ નાગપુરમાં પ્રવેશી. રસ્તામાં શ્રી તુકડોજી મહારાજની સમાધિનાં દર્શન, પવનારમાં શ્રી વિનોબાજીની મુલાકાત, વરોર્યામાં આનંદવનમાં શ્રી બાબા આમટેની મુલાકાત જેવા કાર્યક્રમ પણ થયા.

વિલાસરાવને વિદાય આપતી વખતે બાબાએ કહ્યું, ‘અમારું કાર્ય એક વખત સહેલું... પણ સમાજના વિચારોનું માળખું તમે બદલવા ઇચ્છો છો એ અધિક મુશ્કેલ કામગીરી છે.’

બીજા દિવસે સહુ નાગપુરમાં વિધાનસભાનું અધિવેશન જોવા ગયા. એક સત્ર જોઈને, ત્યાંની ધમાલ જોઈને દગડોબા ચૌહાણ બોલી ઊઠ્યા, ‘આ શાના અમારા પ્રતિનિધિ ? ખેડૂતોના નામનો ચાંદલો લગાવે છે અને સંસાર માત્ર બીજાનો માંડે છે.’

૨૨ ડિસેમ્બરના રોજ સવારે ૯ વાગે અર્ધા કલાક માટે મુખ્યમંત્રી શ્રી અંતુલેની મુલાકાત પહેલેથી જ આયોજિત કરવામાં આવી હતી. આ સુખદ આશ્ચર્યનો આઘાત જ. વિશેષ એટલે મુખ્યમંત્રીએ કેવળ ત્રણ મિનિટમાં ‘પાણી પંચાયત’ની સમગ્ર રજૂઆત સાંભળી લીધી. સર્વ માંગણીઓને સમર્થન આપ્યું. તાત્કાલિક વીજળી પહોંચાડવાનો આદેશ તે જ દિવસે બહાર પાડવા સચિવને સૂચવ્યું. ‘પાણી પંચાયત’ની બધી માંગણીઓની સવિસ્તર માહિતી મેળવીને તેને પોતાની સમક્ષ મૂકવા અને ત્વરિત કાર્યવાહી કરવાનું સચિવને જણાવ્યું. એટલું જ નહિ પણ જાન્યુઆરી, ૧૯૮૧માં નાયગામ જાતે આવીને એક દિવસ આખો પસાર કરીને નાયગામનો મૂળભૂત પ્રયોગ સંપૂર્ણ મહારાષ્ટ્રમાં કઈ રીતે અમલી બનાવી શકાય એ અંગે આગળ કાર્યવાહી કરવાનું આશ્ચસન પણ આપ્યું. પ્રતિનિધિઓએ નિરાંતનો શ્વાસ લીધો. ત્યારબાદ ‘પાણી પંચાયત’ના કાર્યકરોનું મુંબઈમાં મંત્રાલયમાં અનેક વખત આવવાજવાનું થયું. સચિવ સાથે મુલાકાતો થઈ, પરંતુ કાંઈ થતું ન હતું.

વિ. સ. પાગેના પ્રયાસ

મહારાષ્ટ્ર રોજગાર બાંહેધરી પરિષદના અધ્યક્ષ શ્રી વિ. સ. પાગેએ ‘પાણી પંચાયત’ની યોજનાઓની અનેક વખત મુલાકાતો લીધી. વિલાસરાવ સાથે ચર્ચા કરી. તેમનેય જિરાયત ખેડૂતો વિશે ચિંતા હતી. મુંબઈની કીર્તિ કૉલેજમાં ‘ઇકૉનોમિક્સ એન્ડ પૉલિટિક્સ ઍસોસિયેશન’ તરફથી એક પરિસંવાદનું ડિસેમ્બર, ૧૯૮૦માં આયોજન કરવામાં આવ્યું હતું. વિષય હતો ‘ખેડૂત આંદોલન’. શ્રી શરદ જોશી પણ તેમાં સહભાગી થયા હતા. પરિસંવાદમાં બોલતી વખતે પાગેએ કહ્યું, ‘જે મરવા પડ્યો છે તેને દવા આપવાનું મૂકીને બીજાને જ દવા આપવાનો ધંધો ‘ખેડૂત સંગઠને’ આરંભ્યો છે. જિરાયત ખેડૂતોની હાલત મૃત્યુ બિછાને પડેલા રોગી જેવી થઈ છે. આવા સમયે શરદ જોશીએ જિરાયત ખેડૂતોના પ્રશ્નને કોરે મૂકીને રોકડિયા પાકોનું આંદોલન હાથ ધર્યું છે એ યોગ્ય નથી. આવતી કાલે તેમના પ્રશ્ન તમે હાથમાં લેતાં સુધી આ ખેડૂત જીવતો રહેશે કે કેમ એની કોઈ જ ખાતરી નથી. તેને કારણે જિરાયત ખેડૂતોનો પ્રશ્ન મુલતવી ન રાખવો જોઈએ.’

મહારાષ્ટ્ર રાજ્યનાં નાણાં અને આયોજન વિભાગા સોશ્યલ સેક્રેટરી શ્રી માધવરાવ પળણીટકર અને શ્રી વિ. સ. પાગેએ જહેમતપૂર્વક યોજના તૈયાર કરીને તેની પર મુખ્યમંત્રીની મહોર મેળવીને જિરાયત ખેડૂતોને ન્યાય મેળવી આપવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોને ૮૦% મૂડી અનુદાન મળે એવી વિલાસરાવની વિનંતિ અંતે સ્વીકારવામાં આવી.

મૂળ ૫૦% સબસિડી આપનારો જી.આર. રદ થઈને હવે ૮૦% સબસિડી આપતો જી.આર. અમલી બન્યો.

વિલાસરાવના ધ્યાને તરત જ એ બાબત આવી કે આ ૮૦% સબસિડી દુર્લભ જ. આ સબસિડી માટે નોકરશાહોએ કાગળિયાઓનું કામ એટલું વધાર્યું અને ગૂંચવાડાભર્યું બનાવી દીધું હતું કે સામાન્ય ખેડૂત માટે તેની પૂર્તતા કરવી જ મુશ્કેલ હતી. ૫૦% અનુદાન આપનારો પૂર્વેનો જી.આર. રદ કરેલો અને નવા જી.આર.માં લાદવામાં આવેલી શરતોના અવરોધોની શરત પૂરી કરવી અશક્ય હતી. આનો આઘાત એકબે નહિ પણ તૈયાર થઈ રહેલ પૂરી ચાળીસ સામૂહિક જળ ઉદવહન યોજનાઓને લાગ્યો. પોતાની માંગણીઓ લઈને વિલાસરાવ ‘પાણી પંચાયત’ના કાર્યકરો સાથે મંત્રાલયમાં આંટા મારતા જ હતા. પણ હવે તેમને આશ્પાસનોને બદલે સરકારી અધિકારીઓની સહાનુભૂતિ મળવા લાગી.

આખરે પરમેશ્વરને વિનવણી

અનુદાનને અભાવે રઝળી પડેલી યોજનાઓ પાર પાડવી એ એકલદોકલનું કામ નથી. એટલે ‘હે પરમેશ્વર’ અમારા અન્ય અસંખ્ય મિત્રોને અમારી મદદે મોકલો એવી ‘પાણી પંચાયત’ના અંકો દ્વારા જાહેર વિનંતી તેમણે કરી. સંગઠિત કામદારોની લડત સફળ થતી તે જોઈ રહ્યા હતા. ખેડૂતોય સંગઠિત થતાં દેખાતા હતા. તેમનો મંત્ર અને તેમની પદ્ધતિના ઉપયોગ દ્વારા આપણેય આંદોલન ઊભું કરવું જોઈએ એમ વિલાસરાવને લાગ્યું. ગરીબો માટે કાર્યક્રમ ઘડતી વખતે અથવા તેમના માટે કોઈક નવી યોજના ચાલુ કરતી વખતે તે વર્ગની સમજણ જાગૃત થઈને એક દબાણ જૂથ તૈયાર થવું જોઈએ, એની વિલાસરાવને સમજણ હતી. એટલે ‘પાણી પંચાયત’ સંસ્થા ન બતાવતા, તેને કાગદી વ્યવહારમાં જકડી ન રાખતાં તેનું સ્વરૂપ તેમણે ચળવળનું રાખ્યું હતું.

છેલ્લા આઠ-નવ વર્ષના અનુભવ બાદ પાણી પ્રશ્ને સહુએ એક થવું, ન્યાયી માંગણીઓ માટે લડત આપવી અનિવાર્ય છે એ તીવ્રપણે તેમણે અનુભવ્યું હતું. તાકીદના ઉપાય તરીકે ‘આપણે સહુ પાણી માટે ત્રાસેલા ગરીબોએ આપણા મોટા રાજ્યકર્તાઓને મળવા મુંબઈ એકત્રિત થઈ ચાલતા જવું’ એવો કાર્યક્રમ ઘડવાની દૃષ્ટિએ તે ‘પાણી પંચાયત’ના કાર્યકરો સાથે ચર્ચા કરવા લાગ્યા. રાજ્યકર્તા દર વર્ષે અનેક યોજનાઓ જાહેર કરીને જિરાયત ખેડૂતોને ભ્રમમાં રાખે છે. તે યોજનાઓની કાર્યવાહી થતી વખતે સરકાર તરફથી મદદ મળવાને બદલે રુકાવટ જ વધારે થાય છે.

શિકલ્યા બોલાચે સાંગતીલ વાદા અનુભવ ભેદ નાહી કોણા ।।

પંડિત હે જ્ઞાની કરિતીલ કથા । ન મિળતી અર્થા નિજસુખ ।।

તુકા મ્હણે જૈસી લાંચાસાઠી ગ્વાહી । દેતીલ હેર ઠાવી નાહીં વસ્તુ ।।

(ભણેલા શબ્દોની કરશે ચર્ચા અનુભવ ભેદ નથી કોઈ ।।

પંડિત જ્ઞાની કરશે કથા । ન મળશે સંપત્તિ નિજસુખ ।।

તુકા કહે જેવી લાંચ માટેની ગવાહી । આપશે આ અંત નહિ વસ્તુ ।।)

એનો જ અનુભવ હંમેશાં મળી રહ્યો હતો. હવે બધાએ એકઠા થઈને જ, કાયદેસર ચળવળ શરૂ કરીને આપણી માંગણીઓ માટે દબાણ લાવવું જોઈએ. તે સિવાય જિરાયત ખેડૂતોના વિકાસનો માર્ગ ખુલશે નહિ એમ તે કહેવા લાગ્યા.

નાયગામ યોજના અને ત્યારબાદ ‘પાણી પંચાયત’ દ્વારા કેવળ બે વર્ષમાં તૈયાર થયેલ ઉદવહન સિંચાઈ યોજના, તેને કારણે થઈ રહેલા આર્થિક, સામાજિક બદલાવની વાતો પુરંદાર તાલુકા, પુણે જિલ્લો, મહારાષ્ટ્ર રાજ્ય વળોટીને દૂર દૂર પ્રસરી રહી હતી.

વૉર્ડ મોરહૌસ સ્વીડન સ્થિત લુંડ યુનિવર્સિટીમાં અને હૈદરાબાદમાં આવેલી પ્રશાસકીય અધિકારી પ્રશિક્ષણ સંસ્થામાં અતિથિ પ્રાધ્યાપક હતા. કાઉન્સિલ ઑફ ઇન્ટરમીડિયેટ ટેકનોલૉજી ડેવલપમેન્ટ ગ્રુપના ચેરમેન અને ન્યૂયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટીની ‘સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ અફેર્સ’માં તે રિસર્ચ ઍસોસિયેટ હતા. તેમણે નાયગામની મુલાકાત લીધી. ત્યાંની યોજનાની મુલાકાત લઈને તેની પર એક લેખ લખ્યો. તેમાં એક ઠેકાણે લખે છે -

‘સાળુંખેએ જે સફળતા નાયગામમાં મેળવી, તે સ્વીકારતાં સરકારી અધિકારી પ્રશ્ન પૂછે છે : ‘અન્ય વિસ્તારમાં જ્યાં સાળુંખે આવવાના નથી, ત્યાં આવી યોજના સફળ થશે કે ? આ સફળતા સાળુંખેની વ્યક્તિગત હોવી જોઈએ.’ સાળુંખે આનો જવાબ આપે છે, ‘પ્રતિષ્ઠાનનું કાર્ય, તેનું ગ્રામ્ય વિકાસનું કાર્ય, આ એક ઔદ્યોગિક યોજના છે, એમ ગણાવું જોઈએ.’ એકાદ સ્થાપક નવો ઔદ્યોગિક ઉપક્રમ શરૂ કરવા ઇચ્છતા હોય તો તેમાંના જોખમ, ભય અને નુકસાન તેણે સ્વીકારવાના હોય છે, પણ એક વખત જેવી તે યોજના સ્થિર થાય છે કે પછી વ્યાવસાયિક-વ્યવસ્થાપન-કુશળતા ત્યાર પછીનું સફળ સંચાલન ટકાવવા માટે તૈયાર જ હોય છે. વ્યવસ્થાપન નૈપુણ્ય એ મહત્ત્વનું બની રહે છે. તે જ રીતે આ...’

‘સાળુંખેએ સ્થાપક અને સંયોજકની ભૂમિકા પાર પાડી, ન્યાસની સ્થાપના કરી. તેમનો માર્ગ યોગ્ય હોવાનું પ્રયોગ સાથે સિદ્ધ કર્યું. હવે ન્યાસે આગળનું કાર્ય જોવું. મોટા પ્રમાણમાં વ્યવસ્થાપકની ભૂમિકા પાર પાડવી. ઔદ્યોગિક ક્ષેત્રમાં જે ધોરણ લાગુ પડે છે તે અહીં પણ.’

‘ઍક્યુરેટ એન્જિનિયરિંગ કંપની’માં વિલાસરાવે જુદાં જુદાં ઉત્પાદનો વિકસિત કર્યાં. તેનું ઉત્પાદન કરવા માટે અનેક ઉદ્યોજક તૈયાર કર્યા. તેઓ અહીં સુધ્ધાં તે જ ધોરણ અપનાવી રહ્યા હતા. નાયગામ યોજના સફળ કરી બતાવીને ‘પાણી પંચાયત’ના ધોરણો આધારિત અનેક યોજના ઊભી કરવા કાર્યકર્તાઓને, ગ્રામ નેતૃત્વને તૈયાર કરી રહ્યા હતા.

દિલ્હીના પ્રસિદ્ધ પત્રકાર શ્રી બી. જી. વર્ગીસ ૧૯૭૮માં નાયગામ આવી ગયા. ત્રણ વર્ષ બાદ ફરી જૂન ૧૯૮૧માં તેમણે નાયગામની મુલાકાત લીધી. જુલાઈમાં તેમણે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ‘પાણી પંચાયત’ પર માહિતીપૂર્ણ લેખ પણ લખ્યો. વર્ગીસ માત્ર લેખ લખીને અટક્યા નહિ. પણ તેમણે દિલ્હીમાં આયોજન મંડળના ઉપાધ્યક્ષ શ્રી ડૉ. એમ. એસ. સ્વામીનાથન અને કૃષિ ખાતાના સચિવ શ્રી એસ. પી. મુખર્જીને પત્ર લખીને ‘પાણી પંચાયત’ની માહિતી આપી. સરકાર દ્વારા અનુદાન બંધ કરવાને કારણે ‘પાણી પંચાયત’ની અનેક યોજનાઓ બંધ પડી હતી, એ તરફ ધ્યાન દોર્યું.

૯ જાન્યુઆરી, ૧૯૮૧ના રોજ ડૉ. સ્વામીનાથન ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ની મુલાકાત લેવા નાયગામ આવ્યા. ‘પાણી પંચાયત’ના કાર્યકરો સાથે ચર્ચા કરી. આ લોકો સાથે ડૉ. સ્વામીનાથને ચટની-ભાખરીનું ભોજન લીધું. શાંતારામબાપુ કોલતે, નાના પાટોળે, દગડુ અણ્ણા ચૌહાણ, ગણપપત પિલાણે વગેરે જૂથ પ્રમુખોએ તેમને પોતપોતાની લિફ્ટ યોજનાઓની માહિતી આપી. પોતાની મુશ્કેલીઓ વર્ણવી. સરકારી અનુદાન બંધ થવાથી નવી યોજનાઓ શરૂ કરી શકાતી ન હોવાનું ધ્યાને લાવ્યા. ડૉ. સ્વામીનાથને જાતે આ પ્રકરણમાં ધ્યાન આપવાનું આશ્ચાસન આપ્યું.

‘ઓછા પાણીવાળા પ્રદેશમાં શેરડી જેવા વધુ પાણીની જરૂરિયાતવાળા પાક ન લેતાં અને પાણીની વહેંચણી જમીનના પ્રમાણમાં ન કરતાં માથાદીઠ કરવાનો ‘પાણી પંચાયત’નો નિયમ દુષ્કાળગ્રસ્ત વિસ્તારનો નવી દિશા ચીંધનારો છે.’ એવો મત ડૉ. સ્વામીનાથને આ મુલાકાતમાં વ્યક્ત કર્યો.

નામ પૂર્વેનું જ પરંતુ વિચાર માત્ર નવો, વ્યાપક

સ્વાતંત્ર્ય બાદ સરકારે ઈ.સ. ૧૯૪૯ના અરસામાં ‘નહેરના પ્રત્યેક વિતરણ પર પાણી પંચાયત હોવી જોઈએ, લાભાર્થીઓએ પાણી પંચાયતના નિર્ણય અનુસાર પાણીની વહેંચણી કરવી’ એવો આદેશ બહાર પાડ્યો હતો. ‘ત્યાં નહેરવાળા પાણી પંચાયત પર દેખરેખ ન રાખતા તેના સચિવ તરીકે કામ કરશે’ એમ પણ કહ્યું હતું. પરંતુ ત્યાર પછીનાં ૨૫ વર્ષ એ આદેશ અમલમાં મૂકવાનો પ્રયત્ન કોઈએય કર્યો નહિ, એટલે એ કાગળ ઉપર જ રહ્યો.

વિલાસરાવે ૧૯૭૯માં ‘પાણી પંચાયત’ જેવી પૂર્વેની જ સંજ્ઞાનો ઉપયોગ કર્યો ખરો, પરંતુ તેની પાછળનો તેમનો વિચાર સંપૂર્ણતઃ નવો, વ્યાપક, ગહન હતો. ‘પાણી પંચાયત’નાં પાંચ સૂત્રો ગ્રામ્ય સ્તરે પાણીના સંગ્રહ, તેની વહેંચણી, વ્યવસ્થાપનને નવી દિશા આપનારા હતા. આ ‘પાણી પંચાયત’ વિલાસરાવનું પોતાનું સર્જન હતું. એટલે જ ડૉ. સ્વામીનાથને નવી સાકારવામાં આવેલી ‘પાણી પંચાયત’ની નોંધ લીધી.

ઈ.સ. ૧૯૮૧માં જ જાન્યુઆરી મહિનાની આખરે ત્રણ વર્ષમાં ત્રીસ લાખ હૅક્ટર જમીન સિંચાઈ હેઠળ લાવવાની ઘોષણા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યાના સમાચાર છાપામાં ઝળક્યા. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ નવો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તેમાં ખેડૂતોની પ્રાકૃતિક સ્થિતિ અનુસાર ખેતીની પદ્ધતિ બદલવાની સલાહ આપવામાં આવી હતી. સહકારી ધોરણે પાણીની વહેંચણી કરવા માટે પાણી પંચાયતને પ્રોત્સાહન આપવામાં આવનાર હોવાનીય નોંધ કરવામાં આવી હતી. દરેક વિભાગ માટે પાકોનું સમયપત્રક તૈયાર કરીને દરેક રાજ્યમાં તેવી યોજના અમલમાં મૂકવામાં આવનાર હોવાનું જાહેર કર્યું હતું. ડૉ. સ્વામીનાથનને કારણે ‘પાણી પંચાયત’ વીસ મુદ્દા કાર્યક્રમમાં ઝળકી.

દિલ્હીથી વિલાસરાવને મોકલાવેલા પત્રમાં ડૉ. સ્વામીનાથને તેવું જણાવ્યું પણ હતું. ઉપરાંત શ્રી એસ. પી. મુખર્જી (કૃષિ સચિવ)ને વિસ્તરણ ક્ષેત્રમાં કામ કરનારા અધિકારીઓને પ્રશિક્ષણ માટે નાયગામ યોજના પર મોકલવા કહ્યું. ‘પાણી પંચાયત’ના કાર્યકરો અને સભાસદ તેમને આવશ્યક સહકાર આપે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.

આગામી ત્રણ વર્ષ માટે જાહેર કરેલ આ લક્ષ્યાંક ભારતના ૫૦૦૦ તાલુકાઓ માટે હતો. એટલે દરેક તાલુકા માટે ૬૦૦ એકર લક્ષ્યાંક. એને પુરંદરમાં ‘પાણી પંચાયતે’ છેલ્લાં બે વર્ષમાં પાર કર્યો હતો. વીજળી અથવા અનુદાન, અથવા બંને કારણે રઝળેલી સિંચાઈ યોજનાઓ પૂરી થાય તો ૧૨૦૦ હૅક્ટર જમીન સિંચાઈ હેઠળ આવી શકતી હતી અને આગામી પાંચ વર્ષમાં માથા દીઠ અર્ધા એકર અનુસાર ૪૦૦૦ હૅક્ટર જમીન સિંચાઈ હેઠળ લાવવાનું ‘પાણી પંચાયતે’ વિચાર્યું હતું.

દુષ્કાળ નિર્મૂલન ભંડોળ રચવાનો ઇરાદો

સરકારે અનુદાન બંધ કર્યું એટલે હાથપગ બીડીને કેવી રીતે બેસી રહેવાય ? સરકાર સમક્ષ વીજળી માટે અને અનુદાન માટે કરેલી માંગણીનો સ્વીકાર થાય ત્યાં સુધી યોજના તૈયાર કરવાનું અટકાવ્યા સિવાય કામ ચાલુ જ રાખવું એવો દૃઢ નિર્ણય લઈને ‘પાણી પંચાયતે’ દુષ્કાળ નિર્મૂલન નિધિ રચવાની જાહેરાત કરી. મૂડીરોકાણ ખર્ચના ૨૦% રોકડ રકમ, અધિક શ્રમના કામનું મૂડીરોકાણ ૧૦% પોતે આપવું અને ૭૦% (પાઈપલાઇન, પંપ, ઇલેક્ટ્રિક મોટર ઇત્યાદિ માટે) મૂડીરોકાણ દુષ્કાળ નિર્મૂલન નિધિમાંથી ઊભું કરવું. આ ૭૦% રકમ સરકારી અનુદાનમાંથી અથવા પાંચ વર્ષમાં હપ્તેથી વગર વ્યાજે પરત કરવી. એવી યોજના તૈયાર કરવામાં આવી. આ દુષ્કાળ નિર્મૂલન નિધિ માટે વિલાસરાવે ‘પાણી પંચાયત પત્રિકા’ દ્વારા જાહેર આહ્વાન પણ કર્યું.

સર્વપક્ષી હરિ સાહે સખા જાલા

ઓલ્યા અંગણીચ્યા કલ્પલતા ત્યાલા ।।

(બધાં પક્ષી હરિના સખા થયાં ।

ભીના આંગણાની કલ્પલતા એને ।।)

તુકારામની આ અભંગવાણીને સાથ આપવા માટે અને કવિવર્ય શ્રી ગ. દિ. માડગૂળકરનું સ્વપ્ન -

જેથે હોતે રખડત નાંગર

બૈલામાગે મારીત રેષા ।

યેકરુનિયા ઢેકૂળ કાળે

જિરાયતીચ્યા બુજવિત ભેગા ।।

તેથે આતા ફિરતો ટ્રૅક્ટર ।

વિહિરવરતી બસલી મોટર ।

સલગ તરારે હિરવી શેતી ।

ઉરલી નાહી દૈવાધિન તી ।।

(રઝળતાં હતાં જ્યાં હાળ

બળદ પાછળ આંકતા ચાસ ।

ઉબડખાબડ ઢેફાં કાળા

જિરાયતની ભરતા તડ ।।

ત્યાં હવે ફરતાં ટ્રૅક્ટર ।

કૂવે ગોઠવેલી મોટર ।

અખંડ લહેરાતી લીલીછમ ખેતી ।

નથી એ દૈવ આધિન હવે ।।)

સાકારવા માટે વાચકોને મદદ અર્થે પોકાર કર્યો.

કેન્દ્ર સરકારે ઈ.સ. ૧૯૮૧માં ભારતના અવિકસિત પ્રદેશોના વિકાસ માટે એક રાષ્ટ્રીય સમિતિની શ્રી બી. શિવરામનની અધ્યક્ષતા હેઠળ નિમણૂક કરી. આ સમિતિ તરફથી શિવરામને પોતે ‘પાણી પંચાયત’ની યોજનાઓની મુલાકાત લીધી. તેમણે પોતાના અહેવાલમાં ભલામણ કરી. ‘પાણી પંચાયત’ની પદ્ધતિને કારણે દુષ્કાળગ્રસ્ત પ્રદેશોમાં પાણીનો પ્રશ્ન ઉકેલી શકાય. આ અંગે કેટલીક કાયદાકીય જોગવાઈની આવશ્યકતા છે એવું મહારાષ્ટ્ર સરકારનેય જણાયું છે. દુષ્કાળગ્રસ્ત પ્રદેશોનું સ્થળાંતર નિવારવું હોય તો સામાજિક ન્યાય અને સમાન પાણીવહેંચણી થવી જરૂરી છે. તે માટે કાયદાકીય વ્યવસ્થા થવી જરૂરી છે એવી ભલામણ એ સમિતિએ કરી.

ઈ.સ. ૧૯૭૯થી ‘પાણી પંચાયત’ પોતાની માંગણીઓ અવારનવાર સરકાર સમક્ષ રજૂ કરતી આવી હતી. અંતે ૯ સપ્ટેમ્બર, ૧૯૮૧ના રોજ મહારાષ્ટ્ર સરકારે જી.આર. બહાર પાડ્યો. ‘પાણી પંચાયત’ની માંગણીઓ સૈદ્ધાંતિક દૃષ્ટિએ માન્ય રાખી. તે જી.આર. મુજબ પંદર રૂપિયા સુધીનું જમીન મહેસૂલ અથવા પંદર એકર ખેતી ધરાવનાર ખાતેદારોને માણસદીઠ અર્ધા એકર પાણી વહેંચણીના ધોરણે અને શેરડી જેવા વધારે પાણીની જરૂરિયાતવાળા પાક લેવામાં આવશે નહિ એ શરતે ચલાવવામાં આવનારી સામૂહિક ઉદવહન જળસિંચાઈ યોજનાઓને સરકાર તરફથી ૮૦% અનુદાન આપવામાં આવનાર હતું, પરંતુ સરકારી યોજનાઓનો લાભ મેળવતી વખતે કેટલું કષ્ટ વેઠવું પડે છે, એનો અનુભવ વિલાસરાવને હતો. તેને કારણે આ અનુભવ ફરીથી થાય નહિ, એવી તેમની ઇચ્છા હતી.

૯ સપ્ટેમ્બર ૧૯૮૧નો આ જી.આર. પૂર્વેના જી.આર.ની જેમ કાગળ પર જ રહે નહિ એટલે વિલાસરાવે ૨૬ જાન્યુઆરી ૧૯૮૨ના રોજ, પ્રજાસત્તાક દિવસે પુરંદર તાલુકાના જિરાયત ખેડૂત ભાઈ-બહેનોનું સંમેલન પુણેમાં યોજ્યું. સ્વારગેટ ચોકમાં બપોરે એક વાગે ચાર-પાંચ હજાર લોકો એકઠા થયા. ત્યાં જેધે પૂતળા પાસેથી મોરચો નીકળ્યો. બપોરે ચારના સુમારે જિલ્લાધિકારીના કાર્યાલયે પહોંચ્યો. ત્યાં ‘પાણી પંચાયત’ તરફથી જિરાયત ખેડૂતોની માંગણીઓની સણંદ જિલ્લાધિકારીને આપવામાં આવી. માણસદીઠ અર્ધા એકર પાણી મળવું જ જોઈએ, એવી માંગણીઓનો પોકાર, સૂત્રોચ્ચાર થયા.

‘પંપ ત્યાં વીજળી...’

‘ખેતી માટે, પીવા માટે, આરોગ્ય માટે પાણી ! પાણી ! પાણી !’

આ એકમાત્ર માંગણી લઈને ‘પાણી પંચાયત’ની ઘોષણાઓનો અવાજ વધવા લાગ્યો.

‘પાણી પંચાયત’ની માંગણીઓનું જાહેરમાં વાંચન થયું. મુખ્યમંત્રીના નામનું તે અંગેનું આવેદન જિલ્લાધિકારીને સુપ્રત કરવામાં આવ્યું. આવેદનપત્રમાં માર્ચમાં પહેલા અઠવાડિયામાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી બાબાસાહેબ ભોસલેએ ચર્ચા માટે સમય ફાળવવો, એવી વિનંતિ કરવામાં આવી હતી.

નિર્ણાયક સત્યાગ્રહની આવશ્યકતા

પુરંદર તાલુકામાં ‘પાણી પંચાયત’ની ૫૦ ઉદવહન યોજનાઓ આકાર લઈ રહી હતી. ગરીબ જિરાયત ખેડૂતોને પગભર થવામાં મદદ કરતી વખતે ‘પાણી પંચાયત’ કોઈ પણ રાજકીય પક્ષ સાથે બંધાયેલી ન હતી. જોડાયેલી ન હતી. રાજકીય પક્ષ, ટ્રેડ યુનિયન અથવા અન્ય સંગઠનનું પીઠબળ ન હોવા છતાં આટલો વિરાટ મોરચો નીકળ્યાનું ઘણુંખરું આ પહેલું જ ઉદાહરણ હશે.

માર્ચના પહેલા અઠવાડિયામાં મુખ્યમંત્રીના કાર્યાલય તરફથી જવાબ આવ્યો નહિ. એ આવ્યો ૧૧ માર્ચના દિવસે. ‘આપે પહેલા નહેર, બંધ અને ઊર્જામંત્રીને મળવું.’

હવે કાંઈ પણ નવું થવાનું નથી. વિલાસરાવ અને તેમના સાથીઓના ધ્યાને આવ્યું. નિર્ણાયક સત્યાગ્રહ કરવાનો સમય આવ્યો છે એ ‘પાણી પંચાયત’ પત્રિકા દ્વારા જાહેર કરતી વખતે વિલાસરાવે સરકારી આયોજનમાંની ત્રૂટિઓ દર્શાવીને તેની ટીકા પણ કરી.

• મુંબઈને પાણી પુરવટો પૂરો પાડવા માટે ૧૧૦ કિ.મી. દૂરથી પાણી લાવવા માટે રૂ. ૩૦૦ કરોડ ખર્ચ કરવાની યોજના ઘડવામાં આવે છે.

• ખડકવાસલા, પાનશેત, વરસગામ બંધ પાછળ ૧૯૮૩ના અંત સુધીમાં રૂ. ૮૦ કરોડ ખર્ચ થશે. એ બંધને કારણે દૌંડ (૬૦ હજાર એકર), ઇંદાપુર (૬૦ હજાર એકર) અને હવેલી (૨૦ હજાર એકર) જેટલી જમીન ભીંજાશે. અહીં માથાદીઠ ૧૦ હજાર રૂપિયાનું મૂડીરોકાણ કરીને વ્યવસ્થાપન પર કરોડો રૂપિયાનું નુકસાન સરકાર સહન કરશે !

• પુરંદર તાલુકાના વીર બંધનું પાણી સાંગોલા તાલુકાને નહેર દ્વારા પહોંચાડવાનો સાહસપૂર્ણ કાર્યક્રમ પુલોદ સરકારે તૈયાર કર્યો. નહેરનો ખર્ચ એકર દીઠ દસ હજાર રૂપિયા આવે. થોડાંક નસીબદારો પર માથાદીઠ વીસ હજાર કરતાં વધુ રોકાણ સરકાર કરશે.

આ જ પાર્શ્વભૂમિ પર -

• સંપૂર્ણ પુરંદર તાલુકા માટે ૧૯૮૨ની સાલમાં સામુદાયિક ઉદવહન સિંચાઈ યોજના માટે રૂ. ૧ લાખ ૨૦ હજાર જેટલું અનુદાન મળવાનું હતું. માર્ચ આખર સુધી તો એ રકમ સરકારી લાલફીતાશાહીમાં અટવાયેલી હતી.

• ઉદવહન સિંચાઈ માટે આવશ્યક એવા વીજળી પુરવઠા અર્થે સમગ્ર પુરંદર તાલુકા માટે વિદ્યુત મંડળ દ્વારા ફાળો થતો હતો કેવળ ૨૦ લાખ રૂપિયા. (તેમાં જ ઘરગથ્થુ કનેક્શન, ગામનું વિદ્યુતીકરણ વગેરેનો સમાવેશ થતો હતો.)

આ આંકડાવારી પરથી આયોજનની દિશા સ્પષ્ટ હતી. તેમાંથી સામાન્ય ગ્રામ્યજનોને શું મળવાનું હતું ?

‘પાણી પંચાયત’ની સણંદ સ્વીકારીને સરકાર માણસદીઠ એક હજાર રૂપિયા મૂડીરોકાણ પાણી માટે કરે અને આવી ઉદવહન સિંચાઈ યોજનાઓને ત્રણ મહિનાની અંદર વીજળી જોડાણ આપે એટલી જ ‘પાણી પંચાયત’ની માંગણી હતી અને સરકારની તેમ માટે તૈયારી ન હોય તો આજ સુધી આયોજનની ગંગોત્રીથી અસ્પૃશ્ય રાખવામાં આવેલ જિરાયત ખેડૂત આંદોલન માટે આવીને ખડો થશે એવો સંકેત વિલાસરાવે આપ્યો. આ સત્યાગ્રહમાં બધા ખેડૂતોને અને તેમનાં પ્રશનો પરત્વે સહાનુભૂતિ ધરાવનાર રાજકીય, સામાજિક વિચારકોને પક્ષીય ભૂમિકા દ્વારા સામેલ થવાનું આમંત્રણ તેમણે મોકલ્યું. આ સત્યાગ્રહ ૧ મે, ૧૯૮૨ના રોજ શરૂ કરવાનું જાહેર કર્યું. પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી પુ. લ. દેશપાંડે ‘પાણી પંચાયત પત્રિકા’ નિયમિત વાંચતા. તેમણે વિલાસરાવને ફોન કરીને ‘પાણી પંચાયત’ યોજનાની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી. ૫ માર્ચ, ૧૯૮૨ના રોજ પુ. ર. ‘પાણી પંચાયત’ના ખેડૂતો સાથે જુદી જુદી યોજનાઓ પર દિવસભર ફર્યા. યોજના જોયા પછી ખેડૂતો સાથે વાત કરતી વખતે તેમણે વિનોબાજીની સંસ્કૃતિની વ્યાખ્યા સમજાવી. ‘ભૂખના પ્રમાણમાં આહાર લેવો એટલે પ્રકૃતિ. આસપાસના ભૂખ્યા જીવ ટળવળતા હોય ત્યારે અજીર્ણ થતાં સુધી જમતાં રહેવું એટલે વિકૃતિ. આપણી થોડીક ભૂખ ભાંગીને આપણાંમાંનો કોળિયો બીજાને આપવો એટલે સંસ્કૃતિ.’

પાણીના પ્રશ્ને રાજકીય નેતૃત્વ ઉદાસીન શાને ?

ગ્રામ્ય વિસ્તારોમાંથી આગળ આવેલું રાજકીય નેતૃત્વ ખેતીના પાણીના પ્રશ્ને આટલું ઉદાસીન કેમ ? એ વિશે પુ. લ.એ આશ્ચર્ય વ્યક્ત કર્યું. સૌ. સુનીતાબહેને ‘પાણી પંચાયત’ના કાર્ય માટે ભેટ મોકલાવી. પુ.લ.નો ‘અર્ધા એકર પાણી : એક અદ્‌ભુત વિચાર’ એવો લેખ પણ પ્રસિદ્ધ થયો. ‘સકાળ’ના સંપાદક શ્રી ગ. મુણગેકર, ‘નવશક્તિ’ના સંપાદક શ્રી પુ. રા. બેહેરેએ ‘પાણી પંચાયત’ના કાર્ય પર ખાસ લેખ લખ્યા.

એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છતાં કાંઈ થયું ન હતું. સરકારે જાહેર કરેલ યોજના જાહેરાત સ્વરૂપે જ રહી હતી.

બોલાચીચ કઢી । બોલાચાચ ભાત ।

જેવુનિયા તૃપ્ત કોણ ઝાલા ।।

(વાતોની જ કઢી । વાતોનો જ ભાત ।

જમીને કોણ ધરાયું ।।)

અંતે નક્કી થયા મુજબ ‘પાણી પંચાયતે’ ૧ મે, ૧૯૮૨ના દિવસને ‘પાણી દિન’ તરીકે પાળવાનું નક્કી કર્યું અને તે નિમિત્તે વીર બંધ પર મોટા સત્યાગ્રહના આયોજનની તૈયારીમાં લાક્યા.

‘મોટી સિંચાઈ યોજનાઓના લાભાર્થીઓ પર કશાય બંધન ન લાદતાં, કોઈ પણ કસોટી કર્યા વગર સરકાર ૧૦૦% મૂડીરોકાણ કરે છે, એટલું જ નહિ પણ જમીન સુધારણા, પાણી વહેંચણીની વ્યવસ્થાપનની જોગવાઈ કરીને કરોડો રૂપિયાનું નુકસાન વેઠે છે. જિરાયત વિસ્તારમાં નાયગામ પદ્ધતિની પાણી પુરવઠાની યોજનાઓ માટે ૨૦% ખર્ચ ખેડૂતોએ આપવો. ૫૦% સબસિડી સરકાર આપશે એ નિર્ણય કેટલાક મહિના પહેલા મંત્રીમંડળે લીધો, પણ તેની કાર્યવાહી થતી નથી. પુરંદર તાલુકાના વીસ-પચીસ ગામોમાં તેને કારણે યોજના ખોરંભે પડી છે, સમાન આર્થિક તકોની બંધારણની કલમ અનુસાર આ ભેદભાવ અન્યાય અને ગેરકાયદેસર પણ... ત્યારે હવે કાગળના ઘોડા નચાવવાનું બહુ થયું.’ એવા નિર્ણય પર ‘પાણી પંચાયત’ આવી. સરકારની અનેક પાણી યોજનાઓ નિષ્ફળ ગઈ, પણ ‘પાણી પંચાયત’ ધોરણે ઊભી કરેલી વૈકલ્પિક યોજના સફળ થતી હતી. આયોજનનું આ એક અનેરું મોડલ સફળ કરી બતાવવા સહુ અધિક ઉત્સાહી હતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED