(ગતાંક થી ચાલુ)
આરુષ અને નિશા એક જ કોલેજ માં સાથે અભ્યાસ કરતા હતા અને કંઇક અંશે મિત્રો પણ હતા, હા તેમની દોસ્તી એટલી મજબૂત તો ન હતી કદાચ તેનું કારણ નિશા ના ગ્રુપ માં રહેલો મોહિત હતો. મોહિત અને આરુષ ને જરા પણ બનતું ન હતું અને જો ભૂલ થી કોઈ જગ્યા એ આ બંને નો સામનો થઇ ગયો ને તો બંને વચ્ચે છુટા હાથ ની મારામારી થતી. તેમની કોલેજ જાણે આરુષ ગ્રુપ અને મોહિત ગ્રુપ માં વહેંચાઈ ગઈ હતી. નિશા મોહિત ના ગ્રુપ માં હતી, કદાચ મોહિત ના દેખાવ અને નેતૃત્વ કરવાની આવડત ના કારણે જ નિશા મોહિત થી આકર્ષાઈ હતી.
નિશા એ બધી વાત આરુષ ને વિગતે કહી અને આરુષે પણ નિશા ને તે નવલકથા ની સોફ્ટકોપી આપી જવા કહ્યું અને તે વાંચી ને પછી નિશા ને જવાબ આપશે તેવી બાંહેધરી આપી.
આરુષે નવલકથા દશ દિવસ માં વાંચી કાઢી, તેને વાંચી ને ખ્યાલ આવી ગયો હતો કે પોપટલાલે તેના જીવન નો પુરો નિચોડ આ નવલકથા માં ઠાલવી દીધો હતો, પોતાની જાત ને આમાં નીચોવી નાખી અને વાંચતા જ તેમની મહેનત નો ખ્યાલ આવી રહ્યો હતો, આ એક એવી નવલકથા હતી જે નજીક ના ભવિષ્ય માં ધૂમ મચાવવાની હતી, આ એક સપનું હતું જે આવનારા દિવસો માં સાકાર થવાનું હતું, પોપટલાલ નું નામ આ નવલકથા થકી અમર થવાનું હતું. નિશા ની આની પાછળ ની મહેનત સાકાર થવાની હતી.
****
નિશા પોતાના ઘરે બેડ પર સુતી છે, બહાર વરસાદ આવી રહ્યો છે, ધીમી ધારે પડતો વરસાદ નિશા ને કંઈક યાદ અપાવી રહ્યો હતો, ના તે વાત તે પોપટલાલ સાથે વીતેલી હૂંફાળી રાત ન હતી પણ તે વાત તો હતી નિશા ની સાથે કોલેજ માં અભ્યાસ કરતા મોહિત ની, જાણે આ વરસાદ તેને સતાવી રહ્યો હોય અને તે કોલેજકાળ દરમિયાન વીતેલા દિવસો યાદ કરાવી રહ્યો હતો અને આવીજ એક યાદ માં નિશા ખોવાઈ ગઈ.
" ચાલ, જલ્દી બાઇક પર બેસી જા વરસાદ ચાલુ થાય તે પહેલા તને તારા ઘરે ડ્રોપ કરી જઉ" મોહિત બાઇક ચાલુ કરતા બોલ્યો.
" શુ તુ પણ ! જરા પણ રોમાન્ટિક નથી" નિશા નારાજ થતી હોય તેવા ભાવ સાથે મોહિત ને કઈ રહી હતી.
"કેમ ?"
"અરે વરસાદ પડવાનો છે, વાતાવરણ ખુશનુમા થવાનું છે, અને તારી સાથે એક સુંદર યુવતી છે અને તને પલળવાની બીક ની પડી છે ? કેવો બાઘો છે તું આવી બાબતો માં? હમણાં કોઈ ની સાથે ઝગડવાનું હોય કે તારી ફૂટબોલ મેચ ની પ્લાનિંગ હોય તેમાં કુશળતા થી નિર્ણયો લે છે અને જયારે રોમાન્સ ની વાત આવે ત્યારે બાઘો બની જાય છે" નિશા થોડી અટકી અને મોહિત ની આંખોમાં જોઈ રહી. થોડી ક્ષણો પછી નિશા એ પોતાના બંને હાથ મોહિત ના ગળે વિટાળ્યા અને વાત આગળ વધારી.
"આજ તો સમય હોય છે જયારે રિવરફ્રન્ટ પર હાથ માં હાથ નાખી ને ફરવાની મજા આવે છે, એકમેક માં ખોવાઈ જવાની મજા આવે છે, આજ તો સમય....." નિશા બોલી રહી હતી ત્યાંજ મોહિતે અટકાવી અને બોલ્યો
"મારે મન તો આ વરસાદ એટલે કાદવ અને કિચડ, બીજું કશુંજ નહી" અને આટલુ બોલતાજ બંને સાથે હસી પડ્યા. મોહિત આટલુ બોલતા નિશા ની નજીક આવી ગયો હતો અને તેને નિશા નો ગરમ શ્વાસ નો અહેશાસ થઇ રહ્યો હતો. નિશા પણ આવુજ કંઈક અનુભવી રહી હતી. અને અચાનક મોહિત નો હાથ તેના કમર ના ભાગ પર ફરવા લાગ્યો અને મોહિતે નિશાને ધીમે રહી ને ગાલ પર હળવી કીસ કરી, તે નિશા ની વધુ નજીક જઈ રહ્યો હતો અને આજેતો કદાચ તેને નિશા પણ નઈ રોકે અને આ સાબરમતી નદી નો કિનારો વધુ બે શરીર ના મિલન નો સાક્ષી બનશે તેવું લાગી રહ્યું હતું. મોહિત ની આંગળી ઓ ધીમે ધીમે નિશા ના હોઠ પર ફરી રહી હતી અને તે નિશા ના હોઠ પર કીસ કરવા તરફ વધી રહ્યો હતો ત્યાંજ નિશા એ એકદમ જ મોહિત ને દૂર કર્યો અને બોલી ઉઠી
" માફ કરજે, પણ આપણે અત્યારે આવું કંઇજ ન કરવું જોઈએ"
પછી નિશા અને મોહિત રિવરફ્રન્ટ પર હાથમાં હાથ નાખી ફર્યા અને વાતો પણ કરી.
નિશા જયારે આજે સુઈ રહી હતી અને બહાર વરસાદ પડી રહ્યો હતો તેથી તે તેની આંખો તરફ આ જૂની યાદો તરવરી રહી હતી ત્યાંજ અચાનક તેના મોબાઈલ ની રિંગ વાગી, આરુષ નો ફોન હતો, નિશા એ ફોન ઉપાડ્યો.
"હેલ્લો, નિશા મે નવલકથા વાંચી છે, પણ મને નથી લાગતું કે આ આપણે પબ્લીશ કરવી જોઈએ, માફ કરજે" આરુષ બોલ્યો
"પણ, પણ......."નિશા અટકાતા અટકાતા બોલી
"સોરી" બોલી આરુષે ફોન કટ કરી નાખ્યો.
નિશા ને આરુષ નો આ વ્યવહાર શંકાસ્પદ લાગ્યો પણ અત્યારે તે બોલી શકવાની પરિસ્થિતિમાં ન હતી, તેના માટે આ એક મોટો આઘાત હતો, તેને આરુષ પાસે થી ઘણી અપેક્ષા હતી. પણ આરુષ ના આ ફોને તેનું હૃદય તોડી નાખ્યું, આટલા દિવસ પછી ફરીથી પાછી તેને નવેસરથી શરૂઆત કરવાની હતી, શું કરવું કઈ શુંઝતું ન હતું. તે છત પર ફરતા પંખા ને જોઈને સુઈ રહી હતી.
***
સવારે બીજા દિવસે નિશા અને તેના ઘર ના ડાઇનિંગ ટેબલ પર બેસી ને ચા પી રહ્યા હતા ત્યારે કેતુલ અને રમેશભાઈ પોપટલાલ વિશે સામાન્ય વાતો કરી રહ્યા હતા અને નિશા અને ઘર ના અન્ય સભ્યો આ વાતો સાંભળી રહ્યા હતા. આ વાત થતી હતી ત્યારે જ નિશા નું મન કંઇક અલગ વિચારે ચડ્યું હતું, તે વિચારી રહી હતી કે પોપટલાલે તો કહ્યું હતું કે તેમની નવલકથા હજુ અધૂરી છે તો તેમના લેપટોપ માં આ નવલકથા પુરી કઈ રીતે મળી ? શું પોપટલાલે તે આખી રાત્રી જાગી ને આ નવલકથા પુરી કરી હશે ? કે પછી પહેલે થી જ આ લખાયેલી હશે પણ પોપટલાલે તેનાથી આ વાત છુપાયી હશે, આવા વિચારો તેના મન માં આવી રહ્યા હતા અને તેને ફરી થી પોપટલાલ નું સપનું કહો કે અંતિમ ઇચ્છા પુરી કરવા માટે પ્રેરી રહ્યા હતા.
આરુષે ના પાડતા તેને હવે અન્ય કોઈ પબ્લિશર શોધવા નો હતો અને હવે તેણે આ માટે હવે મોહિત ની મદદ લેવાનું વિચાર્યું અને તે જ આશય થી તેણે મોહિત ને મળવા બોલાવ્યો. નિશા એ મોહિત ને મળી ને બધી વિગતે વાત કરી, પણ હા તેણે તેના અને પોપટલાલ થી થયેલી ભૂલ છુપાવી હતી. મોહિત નિશા ને મદદ કરવા માટે રાજી થી ગયો અને તે એક બે દિવસ માં નિશા ને ફોન કરી જણાવશે તેમ કહી બંને છુટા પડયા.
નિશા પોતાના રૂમ માં બેઠી છે અને તે લેપટોપ પર કઈ કામ કરી રહી છે, થોડો સમય કામ કર્યા પછી નિશા એ પોપટલાલ ની નવલકથા વાળી ફાઇલ ઓપન કરી ને વાંચવા લાગી. આ વખતે નિશા આ નવલકથા નો એ ભાગ વાંચી રહી હતી જયારે એક પુત્ર તેના માતા પિતા થી દૂર વિદેશ ભણવા જઈ રહ્યો છે. (વધુ આવતા અંકે)