સૌમિત્ર
સિદ્ધાર્થ છાયા દ્વારા
-: પ્રકરણ ૫૦ : -
પ્રેમ નો મતલબ અને પ્રેમ સંબંધોના આટાપાટા સમજાવતું સૌમિત્રનું લેક્ચર સમાપ્ત થતાંની સાથેજ એચ ડી આર્ટ્સ કોલેજનો સેન્ટ્રલ હોલ વિદ્યાર્થીઓની તાળીઓ, સીટીઓ અને ચિચિયારીઓથી ભરાઈ ગયો. દરેક વિદ્યાર્થી એની જગ્યાએથી ઉભો થઇ ગયો અને સૌમિત્રને વધાવવા લાગ્યો. આ બધું જોઇને સૌમિત્રની આંખોનાં ખુણાઓ ભીના થઇ ગયા. એને લાગ્યું જાણે કે અઢી વર્ષે એને ફરીથી એના જૂના દિવસો પરત મળી ગયા છે જ્યારે એના દરેક લેક્ચર કે પછી બૂક રીડીંગ બાદ આ જ પ્રમાણે એને સ્ટેન્ડિંગ ઓવેશન મળતું.
સૌમિત્ર વારાફરતી ઓડિયન્સને નમસ્કાર કરીને કે એમના તરફ હાથ હલાવીને અભિવાદન કરી રહ્યો હતો. આ તમામ તાળીઓમાં સૌથી વધારે જોશથી કોઈ તાળીઓ પાડી રહ્યું હોય તો સૌમિત્રની જમણી બાજુ પ્રોફેસર્સની દીર્ધામાં ઉભી રહેલી ભૂમિ હતી. એ પણ સૌમિત્રને ખુશ જોઇને અને એનું લેક્ચર વિદ્યાર્થીઓના દિલમાં ઉતરી ગયું હોવાનું પ્રમાણ સામે દેખાતા અત્યંત આનંદમાં આવી ગઈ હતી. સૌમિત્ર પછી સ્ટેજ પર એની સાથે જ બેસેલા એચ ડી આર્ટ્સ કોલેજનાં પ્રિન્સીપાલ જયદેવ કર્ણિકને પગે લાગ્યો તો કર્ણિકસરે એને ગળે વળગાડી દીધો. એમને પણ જાણેકે એમના પૂર્વ વિદ્યાર્થી પર અત્યારે ગર્વ થઇ રહ્યો હોય એવું એમના ચહેરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું.
સૌમિત્ર જેવો સ્ટેજ પરથી નીચે ઉતર્યો કે તરતજ વિદ્યાર્થીઓના ટોળાએ એને ઘેરી લીધો. આ જોઇને ભૂમિને એ દિવસ યાદ આવી ગયો જ્યારે સૌમિત્ર આ જ હોલમાં પહેલીવાર ડિબેટ જીત્યો હતો અને ત્યારે એના સાથી વિદ્યાર્થીઓએ એને આમ જ ઘેરી લીધો હતો. ભૂમિની આંખો સામે એ દ્રશ્યો આવી ગયા જ્યારે એ આ વિદ્યાર્થીઓ ક્યારે સૌમિત્રથી દૂર થાય અને એ પોતે એને અભિનંદન આપે એની રાહ જોતી ઉભી હતી. એ દિવસે સૌમિત્ર વિષે એ લગભગ અજાણ હતી જ્યારે આજે એ એના ગળાડૂબ પ્રેમમાં હતી.
‘સર, સર, સર... સૌમિત્ર સર.... આ બાજુ પ્લીઝ.’ સૌમિત્ર વિદ્યાર્થીઓને પોતાના ઓટોગ્રાફ્સ આપી રહ્યો હતો ત્યાં જ અચાનક જ એક અવાજ આવ્યો.
અવાજ સાંભળતાં જ સૌમિત્ર આસપાસ જોવા લાગ્યો અને ભીડથી સહેજ દૂર એક પાતળો સરખો વિદ્યાર્થી પોતાનો હાથ ઉંચો કરીને સૌમિત્રનું ધ્યાન પોતાના તરફ ખેંચવાની કોશિશ કરતો દેખાયો. સૌમિત્ર એ હસીને એને બે સેકન્ડ રોકાવાનો ઈશારો કર્યો અને પછી એ ધીરેધીરે ભીડ ચીરીને એની તરફ ગયો.
જેવો સૌમિત્ર પેલા વિદ્યાર્થી પાસે પહોંચ્યો કે એણે સૌમિત્રની પ્રથમ નોવેલ ‘ધરા’ નું કવરપેજ હટાવીને એની સામે ઓટોગ્રાફ માટે ધરી.
‘સર, માય ઓલ ટાઈમ ફેવરીટ નોવેલ છે.’ પેલા વિદ્યાર્થીએ સન્માન મિશ્રિત સ્મિત સાથે સૌમિત્ર સામે જોયું.
‘અરે તમે કદાચ સ્કુલમાં હશો ત્યારે આ પબ્લીશ થઇ હશે અને તોયે ઓલ ટાઈમ ફેવરીટ?’ સૌમિત્ર પેલા સામે હસીને બોલ્યો.
‘એક્ચ્યુલી મારા પાપાએ આ નોવેલ પરચેઝ કરી હતી અને એ પણ મુંબઈમાં તમારું બુક લોન્ચ હતું ત્યારે. જુવો, અહીંયા તમારો ઓટોગ્રાફ ડેઇટ સાથે છે.’ પેલા વિદ્યાર્થીએ સૌમિત્રના જૂના ઓટોગ્રાફ પર પોતાની આંગળી મૂકીને કહ્યું.
‘ઓહ વાઉ! તો તમારે ફરીથી ઓટોગ્રાફ કેમ લેવો છે? અને બાય ધ વે તમારું નામ?’ સૌમિત્રએ હસીને પૂછ્યું.
‘સંકેત, એકચ્યુઅલી આઈ વોન્ટેડ ટુ બી પાર્ટ ઓફ ધીસ બૂક ઓલ્સો. હું જ્યારે લાસ્ટ યર એઇટીનનો થયો ત્યારે પાપાએ મને આ મારા બર્થડેની મોર્નિંગમાં જ આ નોવેલ ગિફ્ટ કરી અને કહ્યું કે તારી ઉંમર માટે આ નોવેલ એકદમ ફીટ બેસે છે. એ દિવસે સન્ડે હતો અને બપોર સુધીમાં મેં એક જ બેઠકમાં ફિનીશ કરી દીધી. સર, આ જ નોવેલે મને લવ શું છે એ શીખવી દીધું. બટ....’ આટલું કહીને સંકેત રોકાયો એનું ગળું કદાચ ભરાઈ ગયું હતું.
‘બટ?’ સૌમિત્રએ સંકેતના ખભા પર હાથ મૂક્યો.
‘મારી ગર્લફ્રેન્ડ હતી. લાસ્ટ વિક એ મને છોડીને જતી રહી. એને કોઈ મારાથી પણ સારો, વધારે હેન્ડસમ છોકરો મળી ગયો. અત્યારસુધી બધું એટલું નોર્મલ હતું સર કે આવું કશું થશે એનો મને કોઈ ડાઉટ જ ન હતો. મને તો એમ હતું કે એ પણ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું એને. અને લાસ્ટ વિક એણે મને અચાનક જ કહી દીધું કે વી આર બ્રેકિંગ અપ. સર, મને એમ લાગતું હતું કે હું પણ એક ધરાને પ્રેમ કરું છું જેમ તમારો સુમિત કરે છે, પણ અહીં તો ધરા એ મને કહી દીધું કે એ એનો પ્રેમ ભૂલી જશે એટલે હું પણ એનો પ્રેમ ભૂલી જઉં. સર કોઈ દિવસ કોઈને દિલથી કરેલો પ્રેમ ભૂલી જઈ શકાય?’ સંકેતે સૌમિત્રને પૂછ્યું.
‘આસાનીથી ભૂલી જઈ શકાય એને પ્રેમ કહેવાય? શું તું એને આ અઠવાડિયામાં ભૂલી ગયો?’ સૌમિત્રએ સંકેતનો ખભો દબાવ્યો.
સંકેતે નકારમાં ડોકું ધુણાવ્યું એની આંખો ભીની હતી.
‘બસ, આઈ થિંક તને તારા સવાલનો જવાબ મળી ગયો હશે. પહેલો પ્રેમ નથી ભૂલાતો. તને કદાચ ભવિષ્યમાં કોઈ વધુ સારી છોકરી સાથે ફરીથી પ્રેમ થશે, તું ગમે તે કર અને ભલે તારી ગર્લફ્રેન્ડે તને ભલે ડીચ કર્યો છે પણ તને એ ક્યારેય નહીં ભૂલાય, ભલેને આવનારા વર્ષોમાં તું તારી નેક્સ્ટ ગર્લફ્રેન્ડને કે પત્નીને ખૂબ પ્રેમ કરવા લાગીશ. બસ, આપણે એ પહેલા પ્રેમને યાદગીરીની કોઈ પેટીમાં સંઘરીને એ પેટી મગજના દૂરના ખૂણે મૂકી દેવી છે કે પછી આપણી આસપાસ મુકીને એને રોજેરોજ કે વારંવાર ખોલીને જોતા રહેવી છે એ નિર્ણય આપણે જ લેવાનો છે. એને ભૂલવાની કોશિશ બિલકુલ ન કરતો, નહીં તો એ બમણા જોરથી તારા દિલોદિમાગ પર હાવી થઇ જશે. એક્સેપ્ટ કર કે તું હજી એને પ્રેમ કરે છે, લેટ ધેટ ફિલિંગ કમ નેચરલી ટુ યુ. એ જેટલી નેચરલી આવશે એટલી જ આસાનીથી અને ઝડપથી જઈ શકશે... ટેમ્પરરી. એના વિચારો રોજ આવશે, ફરી ફરીને આવશે, પણ એના વિચાર સાથે કોઈજ સંઘર્ષ ન કરતો. એમને આવવા દેજે, મહેમાન બનીને એ જતા રહેશે. હા, એ છોકરીને લીધે જીવનભર એકલા રહેવાનો નિર્ણય બિલકુલ ન કરતો. કદાચ કોઈ બીજું તારા સાચા પ્રેમને માંગતું હશે. એને આ પ્રેમ આપજે. બસ આટલું કરીશ તો તું તારા આવનારા લાઈફ પાર્ટનરને જ નહીં પણ તારા માતા-પિતા ને પણ અન્યાય નહીં કરે જેમણે તારા માટે જરૂર આટલાં બધાં સપનાંઓ જોયા હશે. રાઈટ?’ સૌમિત્રએ સ્મિત સાથે સંકેતમાં આત્મવિશ્વાસ ભરવાની કોશિશ કરી.
‘થેક્યું વેરી મચ સર... આઈ એમ રિયલી ફીલિંગ બેટર. હું હવે ફાઈટ કરી લઈશ મારી લાઈફ સાથે.’ સંકેતે સૌમિત્રનો હાથ પકડી લીધો.
‘અં .. અં... લાઈફ આપણી જ છે એની સાથે ફાઈટ ન કરાય, એની સાથે કાયમ સમજૂતી કરી લેવાની દોસ્ત! ઓલ ધ બેસ્ટ!’ આટલું કહીને સૌમિત્ર સ્ટેજ તરફ વળ્યો.
સ્ટેજ તરફ ચાલતાં ચાલતાં સૌમિત્રને અચાનક જ વિચાર આવ્યો કે હમણાં એણે જે સંકેતને સલાહ આપી એ તો એની જિંદગી સાથે પણ જોડાયેલી હકીકત છે. કદાચ એ ભૂમિના પ્રેમને પણ એક પેટીમાં બંધ કરીને એના મગજના દૂરના ખૂણામાં મૂકીને આવ્યો હતો અને એને એમ લાગી રહ્યું હતું કે આમ કરવાથી એ ભૂમિના પ્રેમને ધીરેધીરે ભૂલી જશે અને આ પેટી એનાથી સદાય દૂર જ રહે એવા વિચાર સાથે એ સતત સંઘર્ષ કરતો રહ્યો કારણકે એને ડર હતો કે ભૂમિનો પ્રેમ એને જો યાદ આવશે તો એ પોતાના કુટુંબ સાથે અન્યાય કરી બેસશે. પણ જો એણે ભૂમિના વિચારોને કુદરતી રીતે આવ-જા કરવા દીધા હોત તો કદાચ એને એટલીબધી તકલીફ ન પડી હોત જે એને ધરાના દૂર ગયા બાદ પડી રહી છે.
આમ વિચારતાં સૌમિત્રને તરતજ ભૂમિનો વિચાર આવ્યો કે એ પણ ક્યાં એના પ્રથમ પ્રેમને એટલે કે સૌમિત્રને ખુદને ભૂલી શકી હતી. બલ્કે ભૂમિતો સૌમિત્રની સાથે રહેવા માટે કાયમ મથામણ કરી રહી હતી એ એને સ્પષ્ટ દેખાતું હતું પણ ધરાનું રિએક્શન શું હશે એ વિચારે એણે ભૂમિને સતત અવોઇડ કરી. હવે ધરા એના પિતાની મદદના બહાને સૌમિત્રથી સંપૂર્ણપણે અળગી થઇ ગઈ છે ત્યારે ભૂમિ ફરીથી એનો ભાવનાત્મક સહારો બનીને આવી છે જેની એને અત્યારે એના નબળા સમયમાં ખુબ જરૂર હતી.
સંકેત જ્યાં ઉભો હતો ત્યાંથી સ્ટેજ માત્ર અમુક ડગલાં જ દૂર હતું, પણ આ દરમિયાન સૌમિત્રના મનમાં પ્રકાશની ગતિથી પણ વધારે ઝડપથી આ તમામ વિચારો આવી ગયા અને સ્ટેજ પર પહેલું કદમ મૂકતાની સાથે જ એણે નિર્ણય કરી લીધો કે હવે તે ભૂમિને બિલકુલ નહીં ટટળાવે પણ હવે એ અને ભૂમિ એકબીજાનો ટેકો બની રહેશે.
‘સર, હવે મારે વિદાય લેવી જોઈએ.’ કર્ણિક સર સાથે હાથ મેળવતાં સૌમિત્ર બોલ્યો.
‘વિદાયની વેળા કાયમ વસમી હોય છે શ્રીમાન સૌમિત્ર. તમારા જેવા આદર્શ વિદ્યાર્થીઓ જ્યારે અપ્રતિમ લોકપ્રિયતા પામીને આપણા વિશ્વવિદ્યાલયનું નામ વૈશ્વિક ફલક પર ઝળહળતું રાખે ત્યારે એમ કોઇપણ પ્રકારનો યથાર્થ વાર્તાલાપ કર્યા વગર આમ ત્વરિતતાથી એમની વિદાય લેવી ગમે નહીં. પરંતુ, તમારો સમય પણ કિંમતી છે એ મને જ્ઞાત છે. બસ આવી જ રીતે કોઈ વખત સમયનો ખાસ પ્રબંધ કરીને ફરીથી વિશ્વવિદ્યાલય મધ્યે કે મારા નિવાસસ્થાને આવશો તો ચર્ચા કરવાની મજા આવશે. પ્રાધ્યાપિકા ભૂમિ, આપ શ્રીમાન સૌમિત્રને એમના નિવાસસ્થાને મૂકી આવવાની આપણી પ્રથાનું પાલન કરશો અને શ્રીમાન જ્યારે ફરીથી અમારી સાથે વાર્તાલાપ કરવાની ઈચ્છા દર્શાવે ત્યારે આપ પણ એમની સાથે જરૂર પધારશો તો અમારો આનંદ બેવડાશે.’ પ્રોફેસર જયદેવ કર્ણિકે આટલા વર્ષે પણ પોતાનો આગવો અંદાજ છોડ્યો ન હતો.
‘જરૂર સર, હું બહુ જલ્દીથી તમારો..... સંપર્ક કરીશ.’ સૌમિત્ર કોન્ટેક્ટ બોલવા જતો હતો ત્યાં જ એને અચાનક જ કર્ણિક સરને ગમે એટલે સંપર્ક શબ્દ બોલવો જોઈએ એમ યાદ આવી ગયું, એ એમને પગે લાગ્યો.
ભૂમિ પણ કર્ણિક સરને પગે લાગી.
‘ઘરે જઈશું?’ સૌમિત્ર ભૂમિની કારમાં આવ્યો હોવાથી એણે ભૂમિને પૂછ્યું.
‘હજી એક સરપ્રાઈઝ બાકી છે. આપણે લંચ સાથે કરીએતો?’ ભૂમિએ સૌમિત્ર સામે જોયું.
‘મને લંચનો વાંધો નથી પણ સરપ્રાઈઝ? હવે શું છે ભૂમિ?’ સૌમિત્ર હસી પડ્યો.
‘મારે રજીસ્ટરમાં સાઈન કરીને અને કાલનો થોડોક પ્રોગ્રામ નક્કી કરવામાં પંદર વીસ મિનીટ લાગશે. તું નીચે પાર્કિંગમાં મારી રાહ જોઇશ?’ ભૂમિએ સૌમિત્રને વિનંતીના સ્વરમાં કહ્યું.
‘શ્યોર.’ સૌમિત્ર હસીને દાદરા તરફ વળ્યો.
સેન્ટ્રલ હોલ કોલેજના ત્રીજે માળે હતો અને ત્યાંથી સૌમિત્ર એકએક દાદરો ઉતરતા એની કોલેજકાળની તમામ યાદોને વાગોળવા લાગ્યો. વ્રજેશ, હિતુદાન અને એની એમ ત્રણેય મિત્રોની વાતો એમની મસ્તી જે એમણે આ દાદરા પર ત્રણ ત્રણ વર્ષ સુધી કરી હતી એ બધુંજ એને યાદ આવી ગયું. એક વખત એણે ભૂમિનો પીછો પણ અહીં આ દાદરાથી જ છેક યુનિવર્સીટી બસ સ્ટેન્ડ સુધી કર્યો કર્યો હતો એ પણ એણે યાદ કર્યું. આમ વિચારતાં વિચારતાં એ પહેલા માળે આવ્યો અને જમણી તરફ જોયું જ્યાં ખૂણાના એક રૂમનું બારણું અધખુલ્લું હતું. આ એ જ રૂમ હતો જ્યાં એણે ભૂમિને જજ તરીકે ટ્રેડીશનલ ડ્રેસ કોમ્પીટીશનમાં વિજેતા તરીકેના માર્ક્સ આપ્યા હતા અને એ સમયે એના અને ભૂમિના અબોલા ચાલી રહ્યા હતા.
ગ્રાઉન્ડ ફ્લોર પર આવતાં સૌમિત્ર પરસાળ પસાર કરીને પાર્કિંગ તરફ ચાલી રહ્યો હતો. આ રસ્તો અને કોલેજનું મુખ્ય દ્વાર જ્યાં મળતાં હતા એ મોટો હોલ આવ્યો અહીંયા સૌમિત્રને ભૂમિએ સૌમિત્રને કોલેજની શોર્ટ સ્ટોરી કોમ્પિટિશનમાં એને કર્ણિકસરે સ્પેશિયલ મેન્શન આપ્યું છે એ સમાચાર કોલેજ મેગેઝીનમાંથી વાંચીને સંભળાવ્યા હતા એ સ્થળ દેખાયું. સૌમિત્રએ એ ભીંત જ્યાં તે દિવસે ભૂમિ ટેકો દઈને એ મેગેઝીનમાં સૌમિત્રનું નામ શોધી રહી હતી એને સહેજ સહેલાવી.
આમ આખરે સૌમિત્ર પાર્કિંગમાં આવી પહોંચ્યો અને ભૂમિની કાર પાસે ઉભો રહ્યો. કોલેજ અને ભૂમિની યાદગીરી અહીં પણ એની સાથે જ આવી. આ એજ સ્થળ હતું જ્યાં ઝાડીઓ પાછળ હિતુદાન સાથે છુપાઈને સૌમિત્રને મિસ યુનિવર્સીટી સાથે વાતો કરતા જોઇને ભૂમિ પગથી માથા સુધી બળી ગઈ હતી અને એણે એની સાથે બોલવાનું સાવ બંધ કરી દીધું હતું. સૌમિત્ર આ યાદ કરતાં જ હસી પડ્યો અને એણે હસતાંહસતાં પોતાનું ડોકું ધુણાવ્યું અને બોલી પડ્યો, ‘ગાંડી તે સાવ જ ગાંડી!’
***
‘હોળી મિલનને હવે દોઢ મહિનો રહ્યો જગતા...’ એક હાથથી સિગરેટ અને બીજા હાથની હથેળી ઉંચા થઇ ગયેલા ધોતિયાને વધારે ઊંચું ખસેડીને પોતાની જમણી જાંઘ પર ફેરવતા સેવાબાપુ એ જગતગુરુને યાદ દેવડાવ્યું.
‘એની ફિકર નો કરો બાપુ. હંધુય હારી રીતે પતી જાહેં.’ સેવાબાપુએ ધરેલી સિગરેટમાંથી કશ ખેંચીને જગતગુરુએ જવાબ આપ્યો.
‘મને હોળી મિલન ઉત્સવની જરાય ચિંતા નથી જગતા મને તો બીજા મિલનની રાહ છે જે હવે નથી જોવાતી.’ સેવાબાપુની આંખો બંધ હતી. ચહેરા પર મંદમંદ મુસ્કાન હતી.
‘લાગે સે અંતે હાવજે ઓલ્યા હરણનો સીકાર કરવાનું નક્કી કરી દીધું હેં ને?’ જગતગુરુ પણ હસીને બોલ્યો.
‘હા જગતા.. હમણાં તો લગભગ રોજ મળવાનું થાય છે, હોળી મિલનની તૈયારી કરવા આશ્રમમાં આવે એટલે એને રોજ અહીં CCTVમાં જોવું છું અને મારા મનની મનમાં રહી જાય છે. જબરા કપડા પહેરે છે. આજ તો વળી સ્લીવલેસ ટોપ અને નીચે ચસોચસ જીન્સ પેન્ટ પહેર્યું હતું. ઉફ્ફ એના એ ગોરા ગોરા હાથ, પાછળથી એને ચોંટી વળેલા જીન્સમાંથી દેખાતા સુંદર અને વ્યવસ્થિત આકારવાળા એના .....હોળી મિલનની રાત્રે જ કાઈક કરવું પડશે જગતા.... હવે મારાથી નહીં રહેવાય.’ આટલું બોલીને સેવાબાપુએ એક લાંબો કશ ખેંચ્યો.
‘ઈ બધું આ જગતા પર સોડી દ્યો બાપુ. હું હંભાળી લઇસ. તમે બસ ઈ રાયતે ઈની હાયરે હું હું કરહો ઈ વસારે રાખો અટલે ઈ વખતે તમારે જાજું વસારવું નય.’ જગતગુરુએ સેવાબાપુને ધરપત આપી.
‘બસ, તો આ હોળીએ સવારે આ સેવાબાપુ ભક્તો સાથે આત્મા અને પરમાત્માનું મિલન કરશે અને રાત્રે ધરા સાથે અમારા એના અને મારા શરીરોનું મિલન કરાવશે.’ આટલું બોલતાં જ સેવાબાપુએ પોતાની બંને આંખો સજ્જડ બંધ કરી દીધી અને જાણેકે વર્ષો બાદ ધરાનું નામ એમની જીભેથી આમ અચાનક જ નીકળી ગયું એની ઉત્તેજનાને એમણે આ રીતે કાબૂમાં લીધી.
***
‘વાહ! હોટલ ઓલીવ? લાગે છે મેડમ આજે ખર્ચો કરવાના મૂડમાં છે.’ ભૂમિએ એસ જી હાઈવેની પ્રમાણમાં મોંઘી કહેવાતી હોટલ ઓલીવ પાસે પોતાની કાર રોકતાં જ સૌમિત્ર બોલી પડ્યો.
‘આપણી કોલેજના એરિયામાં કોઈ સારી હોટેલ નથી અને જે સરપ્રાઈઝ મારે તને આપવું છે એના માટે આનાથી વધુ સારી હોટેલ નહીં મળે એટલે પછી અહીંયા લઇ આવી.’ ભૂમિએ હસીને જવાબ વાળ્યો.
‘હવે મારાથી આ એક્સાઈટમેન્ટ નહીં સહન થાય. આખા રસ્તે તું થોડી વાર રાહ જો, થોડી વાર રાહ જો એમ બોલતી રહી, પણ હવે આપણે ટેબલ પર બેસીએ એટલે તારે મને તરતજ આ સરપ્રાઈઝ શું છે એ કહી દેવાનું છે.’ સૌમિત્ર રેસ્ટોરન્ટની સીડી ચડતાં રોકાઈ ગયો.
‘ના આપણે લંચનો ઓર્ડર આપીએ પછી હું કહીશ, પ્રોમિસ!’ ભૂમિએ પોતાની આંખો નચાવી.
‘તો હું નથી આવતો.’ સૌમિત્ર હસીને એક પગથીયું ઉતરી ગયો.
‘ઓકે બાબા, તું જીત્યો. આપણે બેસીએ કે તરત જ કહીશ. હવે તો આપશ્રી આવો છો ને?’ ભૂમિ હસી પડી.
જવાબમાં સૌમિત્રએ હસીને પોતાનું ડોકું હકારમાં ધુણાવ્યું અને હાથ લાંબો કરીને ભૂમિના માથા ના વાળ વિખેરી દીધા અને સીડી ફરીથી ચડવા લાગ્યો.
ભૂમિ બે-પાંચ સેકન્ડ ત્યાં જ ઉભી રહી. વર્ષો બાદ સૌમિત્રએ એના વાળ આ રીતે વિખેર્યા હતા. ભૂમિએ નજરો ઉંચી કરીને એની સામે આવી ગયેલી એની લટોને જોઈએ હસવા લાગી.
‘ચલ વળી ક્યાં ઉભી રહી ગઈ?’ ભૂમિ સાથે ન આવતાં સૌમિત્રએ પાછળ વળીને કહ્યું.
‘હેં? ઓહ હા..’ ભૂમિ અચાનક જ ભાનમાં આવી અને સીડી ચડવા લાગી.
ઓલીવ રેસ્ટોરન્ટનો આકાર ગોળાકાર હતો. ભૂમિએ દૂર પડેલા એક ટેબલ પર નજર નાખી જે એને અત્યારે સૌમિત્ર સાથે વાતો કરવા માટે યોગ્ય લાગ્યું અને એ તરફ ચાલવા લાગી. સૌમિત્ર પણ ભૂમિ પાછળ દોરવાયો.
‘યસ... હવે બોલ શું સરપ્રાઈઝ છે.’ સોફા પર બેસતાં જ સૌમિત્રએ ભૂમિને પૂછ્યું.
‘એક મિનીટ!’ આટલું બોલીને ભૂમિએ પોતાની હેન્ડીની ચેઈન ખોલી.
હેન્ડીના વચ્ચેના ખાનામાંથી ભૂમિએ એક સફેદ કલરનું કવર કાઢ્યું અને હસીને ટેબલ પર મૂકી અને સૌમિત્ર તરફ સરકાવ્યું.
‘આ શું છે?’ કવર તરફ નજર નાખતાં સૌમિત્રએ ભૂમિને પૂછ્યું.
‘સરપ્રાઈઝ!’ ભૂમિએ પોતાની મોટીમોટી આંખો પોતાના સમગ્ર ચહેરા સાથે ગોળગોળ ફેરવી.
‘અચ્છા જી! ચલો તો જોઈએ તમારું આ સરપ્રાઈઝ શું છે.’ આટલું બોલીને સૌમિત્રએ કવર હાથમાં લીધું.
સૌમિત્રએ કવર ખોલ્યું અને એમાં પોતાની પહેલી બંને આંગળીઓ નાખી અને એમાં રહેલા જાડા સરખા કાગળને પકડીને બહાર કાઢ્યો અને એને ઉલટાવીને જોયો તો એ એના નામનો અઢી લાખ રૂપિયાનો એક ચેક હતો જે XYZ Publications Pvt. Ltd. ના ડિરેક્ટર તરુણ પટેલે સાઈન કર્યો હતો.
સૌમિત્ર અવાચક બનીને ભૂમિ સામે જોઈ રહ્યો અને ભૂમિ સૌમિત્ર સામે સ્મિત રેલાવતી રહી.
-: પ્રકરણ પચાસ સમાપ્ત :-