ઓપરેશન અભિમન્યુ - 11 Vihit Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓપરેશન અભિમન્યુ - 11

ઓપરેશન અભિમન્યુ:

લેખકના બે શબ્દો...

જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સ એ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.

પ્રકરણ ૧૧

એક નવી સાંજે એસપી સુભાષ કોહલીના ઘરના બેઠક રૂમમાં નિહારિકા અને એસપી કોહલી બેઠા હતા. સોફા પર બંને હાથ જોડીને, કોણીઓ ઘુટણ પર ટેકવીને ધ્યાનમગ્ન અવસ્થામાં બેસેલા એસપી સાહેબ ઓપરેશન અભિમન્યુની આગળની કહાની કહેવા તત્પર હતા જેને સાંભળવા માટે નિહારિકા પણ ઈચ્છુક હતી. થોડીવારની ખામોશી બાદ એસપી સાહેબે વાતને આગળ ચલાવી.

કેસ હવે સંપૂર્ણ રીતે અમારા હાથમાં હતો પરંતુ આમાં અમારા માટે ખુશ થવા જેવું કશું નહતું કારણ કે અત્યાર સુધીમાં જેટલા સબૂતો મળેલા એના પરથી મેટ્રોના આત્મઘાતી બોમ્બર્સની ઓળખ કરવાનું અમારા માટે શક્ય નહતું બન્યું. જ્યાં સુધી એ છ આત્મઘાતી બોમ્બર્સ ન ઓળખાય ત્યાં સુધી તેમના આગળની કડી સુધી પહોંચી રણજીતની સામે પુરાવાઓ મેળવીને તેના સુધી પહોંચવું પણ અશક્ય હતું. અત્યાર સુધીમાં કેસ વિષે અમે ફક્ત એટલું જાણતા હતા કે છ આત્મઘાતી આતંકીઓએ ઘટનાને અંજામ આપેલો. પરંતુ તેઓ કોણ હતા, ક્યાંથી આવેલા અને આવા જધન્ય અપરાધ આચરવા પાછળ તેમનો ધ્યેય શું હતો એ અમે જાણતા નહતા.

કેસને ઉકેલવાની સંપૂર્ણ જવાબદારી હવે રાઘવના શિરે હતી. તેણે જાણીબુઝીને સળગતું હાથમાં લીધું હોય એવો તાલ અત્યારે જણાઈ રહ્યો હતો. કારણ કે કેસને ઉકેલવાની કોઈ ચોક્કસ દિશા દેખાતી નહતી. આવામાં જેમ દરેક કેસને ઉકેલવાના ભાગરૂપે પોલિસ જે કોઈ શરૂઆતી પગલા ભરે એવા જ કંઇક પગલા ભરવાના અમે શરૂ કર્યા. અસરગ્રસ્ત વિસ્તારના આજુબાજુના જેટલા પોલિસમથકો હતા ત્યાંથી પોલિસ ચોપડે નોંધાયેલા અપરાધીઓની ધરપકડ કરીને પોલિસથાને લઇ આવવામાં આવતા અને ઘટના વિષયક માહિતી મેળવવા માટે દિવસ રાત તેમની ધોલાઈનો દોર શરૂ થઇ ગયેલો.

“સર, કેસને ઉકેલવા માટેના આ બધા પ્રયાસો મને વ્યર્થ લાગી રહ્યા છે.” તિલકમાર્ગ પોલિસ સ્ટેશને પહોંચ્યા બાદ લોક-અપની મુલાકાત લેતી વખતે મેં રાઘવને કહ્યું. અપરાધીઓને બાંધીને લોક-અપમાં દનાદન ધોકા વરસાવવામાં આવી રહ્યા હતા અને અપરાધીઓ મરણચીસો પાડી રહ્યા હતા. મારા મત મુજબ આ લોકોનો ઘટના સાથે કોઈ સંબંધ નહતો એટલે મને તેમના પર દયા પણ આવતી હતી. આવી પરિસ્થિતિ જોઇને લાગતું હતું કે નર્કાગાર પણ કંઇક આવું જ હોતું હશે.!

“સુભાષ જે વ્યક્તિ ડૂબી રહ્યો હોય તેને તણખલાનો સહારો પણ મહત્વનો હોય છે. અત્યારે આપણી પરિસ્થિતિ પણ કંઇક આવી જ છે અને આમની પર દયા કરવા જેવું કશું નથી કેમકે આ બધા લોકો ચોર, લુટારા, હત્યારા અને બળાત્કારીઓ છે. તું જો જે કેસને ઉકેલવાની પહેલી કડી આ લોકોમાંથી જ મળી રહેશે.” મારા શબ્દો બોલવા પાછળનો મર્મ સમજતો હોય એમ રાઘવ મને કહી રહ્યો હતો. તેનો આગળ વિરોધ ન કરવા મારા પાસે ત્રણ કારણો હતા, એક તે મારો સિનિયર હતો, બીજું તે મારા કરતા વધુ અનુભવી હતો અને ત્રીજું તેની વાત સાચી પડી શકે એમ હતી.!

@ @ @

“આપણે પલ્લવીને બોલાવેલી એ વાત પેલા....શું નામ હતું એનું.?”

“રણજીત.?”

“હા, એ વાત રણજીતને કેમ ખબર પડી.?” અમે લોકો હું, રાઘવ, કરતાર અને અસલમ ચારે રાઘવની ચેમ્બરમાં બેઠા હતા. દસ પંદર મિનિટથી રાઘવ ફાઈલમાં માથું નાખીને બેઠેલો હતો અને પોતાના હાથમાં રહેલી પેન્સિલને પોતાના કપાળ સાથે ટકરાવતો હતો. થોડીવાર બાદ અચાનકથી તેમણે અમારી સામે જોતા સવાલ કર્યો.

“સર, કદાચ અશ્વિની મેડમની વાત સાચી હોય. એ પલ્લવી હજુ રણજીતના સંપર્કમાં હોય.” અસલમે શક્યતા વ્યક્ત કરી.

“કદાચ એવું પણ બની શકે કે એ લોકો ફક્ત આપણને ગુમરાહ કરવા અલગ હોવાનું બહાનું કરતા હોય અને આપણી જાસુસી કરવા પેલા રણજીતે પલ્લવીને આપણી પાસે મોકલેલી હોય.” કરતારએ શક્યતા વ્યક્ત કરતા કહ્યું.

“મને આવી કોઈ શક્યતાઓ જણાતી નથી. મને લાગે છે આપણા જ ડીપાર્ટમેન્ટના લોકો માહિતીને લીક કરતા હોય જે માહિતી રણજીત સુધી પહોંચી ગઈ હોય.” મેં મારો મત રજુ કર્યો.

“સુભાષ તું આટલો શ્યોર કેમ છો.?” અસલમે મને પૂછ્યું.

“કારણ કે હું રણજીતને જાણું છું અને પલ્લવીને પણ. હું એના ઘરે પણ જઈ આવ્યો છું. તમે જે શક્યતાઓ વ્યક્ત કરો છો તે ખરી પુરવાર થઇ શકે એમ જ નથી.”

“કેટલા વર્ષ પહેલા ઓળખતો એમને અને છેલ્લા કેટલા સમયથી નથી મળ્યો તું એ બંનેને.?” અસલમે સવાલ કર્યો.

“સાત વર્ષ પહેલા ઓળખતો અને છેલ્લા સાત વર્ષથી નથી મળ્યો એમને.”

“તાજેતરમાં મળવાનું થયેલું.?” કરતારએ પ્રશ્ન કર્યો.

“હમમ...એની પુછતાછના દિવસે.”

“તું સાત વર્ષે પલ્લવી અને રણજીતને મળ્યો. પુછતાછના દિવસે.!”

“ઇડીયટ હું એ દિવસે ખાલી પલ્લવીને મળ્યો.”

“વ્હોટેવર, પણ સાત વર્ષ પછી જ મળ્યો ને.”

“....હમમ” થોડીવાર સુધી ખામોશ રહીને મેં જવાબ આપ્યો.

“છતાંએ તને એના પર ભરોસો છે અને ડીપાર્ટમેન્ટના લોકો પર નથી.?” કરતારએ કહ્યું.

“એય તું હજુ પેલીના પ્રેમમાં નથીને.?” રમુજી સ્વરમાં અસલમે પૂછ્યું.

“મનેય એવું જ કંઇક લાગે છે.” રાઘવે પણ સુર પુરાવ્યો.

“તમે લોકો વાતને સમજતા નથી. આપણા ડીપાર્ટમેન્ટનું કોઈ જાસુસી કરતુ હોય કે ન હોય એ વિષે હું ચોક્કસ નથી પરંતુ પલ્લવી અને રણજીતનો હવે કશો સંપર્ક રહ્યો હોય એવું મને નથી લાગતું.” મેં ગુસ્સામાં કહ્યું.

“લિસન સુભાષ, સુભાષ...કરતાર અને અસલમની વાત કદાચ સાચી ન હોય પરંતુ સદંતર ખોટી પણ નથી જ. આપણે એક કામ કરીએ, તું આજથી પલ્લવી સાથે સંપર્ક બનાવવાના શરૂ કરી દે. અમે લોકો આ કેસ સાથે સંકળાયેલા સૌ કોઈ ઉપર નજર રાખીશું એટલે થોડા જ દિવસોમાં આપણા પરાક્રમોથી રણજીતને માહિતગાર કરનાર વ્યક્તિ વિષે માહિતી મળી શકશે.” રાઘવે મારો ગુસ્સો શાંત કર્યો અને મને વિગતવાર સમજાવતા કહ્યું.

“આ કામમાં તમારા ત્રણમાંથી કોઈ એક મારી સાથે રહેશે.!” હું વધારે સમય પલ્લવી સાથે એકલો ગાળવા નહતો માંગતો. એ આજે પણ મારો એકમાત્ર પ્રેમ હતી પરંતુ એક વખત પ્રેમભંગ થયા પછી એ જ પાત્ર સાથે ફરી મળવું કેટલું કઠીન હોય એને તો મારા જેવો વ્યક્તિ જ સમજી શકે. જે કઈ પણ હોય કેસ સોલ્વ કરવા માટે અહી બધું કરવું પડે એમ હતું એટલે રાઘવની વાતનો સીધો વિરોધ ન દર્શાવતા પુછતાછ માટે અમારી ટીમનો કોઈ એક સદસ્ય મારી સાથે હાજર રહે એવી મેં માંગણી રાખી.

“એ તારું રેપ નહિ કરે.!!” અસલમે ફરી એક વખત રમુજી સ્વરમાં કહ્યું. મેં ટેબલ પર રહેલું કાંચનું પેપરવેઇટ ઉપાડ્યું અને તેની સામે ઉગામ્યું. અસલમ હસતાં હસતાં ત્યાંથી ઉભો થઈને રૂમની બહાર નીકળી ગયો. મારા દ્વારા ફેંકાયેલું પેપરવેઇટ ખૂણામાં જઈને પડ્યું.

“સર, આઈ વિલ કમ અગેઇન ઇન ટુ મિન્સ.” અસલમ પાછો આવ્યો અને આટલું બોલીને નીકળી ગયો.

“સુભાષ તું પલ્લવીને ઓળખે છે એટલે એને કોઈપણ પ્રકારની શંકા નહિ ઉદભવે. અને બીજી વાત કે ત્યાં એક પલ્લવી પર તું એકલો વોચ રાખીશ અને અહી અમે ત્રણ ડીપાર્ટમેન્ટના સેકંડો લોકો પર નજર રાખીશું. બોલ તને મારી વાત મંજુર છે.?” રાઘવે મને પૂછ્યું. મારી પાસે કોઈ વિકલ્પ નહતો. મેં કશો જવાબ ન આપ્યો.

“હમણાં જ પલ્લવીના ઘરની એક મુલાકાત લેતો આવ.” મારા મૌનમાં રાઘવે મારી મુક સંમતિ માનીને મને આદેશ આપતા કહ્યું.

@ @ @

“આ બાજુ કેમ આવવાનું થયું.?” હું પલ્લવીના ઘરે સોફા પર બેઠેલો હતો. પલ્લવીએ મારી સામે પાણીનો ગ્લાસ ધર્યો અને ત્યારબાદ મારી સામે એક ખુરશી રાખીને તેના પર તેણે બેઠક લેતા પૂછ્યું.

“બસ એક કેસના સિલસિલામાં પુછતાછ કરવાની હતી તો....થયું કે તને મળતો જઉં.” મેં ગ્લાસમાંથી એક ઘૂંટ પાણી પીધું અને પલ્લવીને જવાબ આપ્યો.

“તો કરી દે ચાલુ પુછતાછ.!” ચેહરા પર હાસ્ય સાથે પલ્લવીએ ટોન્ટ મારતા કહ્યું.

“નહિ નહિ...તારી વળી શેની પુછતાછ કરવાની.! હું તારી નહિ બીજા એક જણની પુછતાછ કરવા જવાનો હતો. બાય દ વે હવે તારી તબિયત કેમ છે.?” ખંધુ હસીને મેં જવાબ આપ્યો. પલ્લવીની નારાજગી હજુ કાયમ હતી એ તેના જવાબ ઉપરથી જણાઈ આવતું હતું. તેના ઘરે જવાનો મુખ્ય ઉદેશ્ય તે સમજી ચુકી હતી આવા સમયે વાતને વણાંક આપવાનું જરૂરી લાગતા મેં પ્રયાસ પણ શરૂ કર્યા.

“જેણે જિંદગીની થપાટો ખાઈ હોય એને તમારા ડીપાર્ટમેન્ટની લેડી અફસર શું નુકસાન પહોચાડી શકવાની.? સુભાષ મેં આ છેલ્લા બે વર્ષ કેમ પસાર કરેલા છે એ ફક્ત મારું મન જાણે છે.” પલ્લવીએ કહ્યું. તેના ચેહરા પર હાસ્ય હતું અને આંખોમાં નમી હતી.

“એક વાત પૂછું પલ્લવી, ખોટું તો નહિ લગાડ ને.?” પાણીનો ગ્લાસ ખાલી થતાં મેં પલ્લવી સામે ધર્યો અને કહ્યું. તેણે નકારમાં માથું ધુણાવ્યું.

“આ રણજીત તને છેલ્લા બે વર્ષ દરમ્યાન એકપણ વખત નથી મળ્યો.?” હું જાણતો હતો કે આવા પ્રશ્નો પલ્લવીને વ્યથિત કરી દેશે પરંતુ મને જલ્દીથી જલ્દી તપાસ કરીને તેનાથી દુર જતા રહેવાની તાલાવેલી લાગેલી હતી. એણે ફરી એક વખત નકારમાં માથું ધુણાવ્યું. હવે તેના ચેહરા પરનું હાસ્ય તદ્દન દુર થવા આવ્યું હતું. ચેહરો હવે કોઈપણ પ્રકારનો ભાવ દર્શાવ્યા વગર તટસ્થતા ગ્રહણ કરવા લાગેલો. આંખો જે લાલ બની ગઈ હતી તેમાંથી અશ્રુધારા વહેવાની શરૂ થઇ ગઈ. જેટલું સહેલું હું સમજતો હતો આ કામ એટલું જ જટિલ નીકળ્યું. બંને હાથે પાણીનો ગ્લાસ પકડી માથું નીચું ઢાળીને તે બેઠી હતી. એને શાંત કરવા માટેના ઉપાયો હું વિચારવા લાગ્યો.

“જીવનમાં કશી કમી હોય કે કઈ સમસ્યા ઉભી થઇ હોય તો ગમે ત્યારે યાદ કરજે પલ્લવી, તારો એક સમયનો દોસ્ત હોવાના નાતે તારા માટે આટલું તો હું કરી જ શકું.” તેને શાંત કરવા માટેના શબ્દો શોધતો રહ્યો. અંતે જે સુજ્યું એ કહી દીધું.

“એક જીવનસાથીની કમી છે સુભાષ, બોલ શોધી આપીશ.?” પલ્લવીએ કહ્યું. હું સાંભળીને અવાક થઇ ગયો. “અયાનનો જન્મ પણ નહતો થયો સુભાષ એ પરીસ્થિતિમાં તારો દોસ્ત મને છોડી ગયો છે.”

“થયું શું હતું.?”

“હું સાચે જ વધારે કશું નથી જાણતી. જે હતું એ બધું પેલા દિવસે તને કહી દીધેલું.”

“એને હું પાછો લઇ આવું તો.?”

“મને એના પાછા ફરવાની કોઈ આશા નથી અને મેટ્રો બોમ્બ-બ્લાસ્ટ કેસમાં એની સંડોવણી પુરવાર થાય તો એના માટે સમસ્યા ઉભી થવાની જ છે.”

“એ દિવસે પોલિસ હેડક્વાર્ટરમાંથી તારા ગયા પછી રાઘવને એક કોલ આવેલો. એ પાક્કું રણજીતનો જ અવાજ હતો. એણે કહ્યું કે એ મેટ્રો જેવી ઘણી બધી ઘટનાઓને અંજામ આપવાનો છે.”

“એ મળી જશે એ દિવસે તું શું કરીશ સુભાષ. તારા દોસ્તની મદદ કરીશ કે...?”

“એની સજા ઓછી થાય એવા પ્રયાસો કરી જોઇશ.” થોડીવાર સુધી શાંતિ બની રહી.

“પેલા દિવસે તું આવેલો, તે મારા હાથની ચાય નહતી પીધેલી.” પલ્લવીએ કહ્યું.

“એકઝામ્સ પર બનાવતી હજુ પણ એવી જ ચા બનાવશ.?” મેં સામો પ્રશ્ન કર્યો. દિલ્લીમાં કોલેજકાળમાં પલ્લવી એક વૃદ્ધ દાદા-દાદીને ત્યાં પેઈન્ગ ગેસ્ટ તરીકે રહેતી. હું અને રણજીત ઘણીવાર તેના ઘરે સ્ટડી માટે જતા ત્યારે તે અમારા માટે ચાય બનાવીને લાવતી. એ ચાયના સ્વાદને યાદ કરતા મેં કહ્યું.

“ટેસ્ટ કરી જો કદાચ ટેસ્ટ બદલાયો પણ હોય.” ખુરશી પરથી ઉભા થતા પલ્લવીએ કહ્યું અને રસોડા તરફ ડગ માંડ્યા.

“દીદી, હું બહાર જઉં છું. હવે અયાનની સંભાળ રાખશો.” પલ્લવી ઘરના રસોડામાં ગઈ એટલે એક કિશોરીએ મુખ્ય દરવાજેથી પ્રવેશ કર્યો. હું તેને ઓળખતો હતો. એ પેલી જ છોકરી હતી જે પેલા દિવસે પણ અયાનને ઘરે લઈને આવેલી. કદાચ પલ્લવીની પાડોસી હોવાનું મેં અનુમાન લગાવ્યું.

“સુભાષ અગર તને વાંધો ન હોય તો બસ બે જ મિનીટ અયાનનું ધ્યાન રાખીશ.?” પલ્લવીનો રસોડામાંથી અવાજ આવ્યો.

“હા કેમ નહિ.?” મેં ઊંચા અવાજે જવાબ આપ્યો. ત્યારબાદ પેલી છોકરીના હાથમાંથી બે વર્ષના અયાનને મારા હાથમાં લીધો. છોકરી ત્યાંથી જતી રહી. હું અયાનને તેડીને રૂમમાં આંટા-ફેરા કરવા લાગ્યો. મેં પલ્લવીના ઘરનું અવલોકન કરવાનું શરૂ કર્યું પલ્લવીનું ઘર એક રૂમ અને નાનકડું રસોડું ધરાવતું હતું. રૂમમાં કુલ મળીને બે દરવાજાઓ હતા, મુખ્ય દરવાજો અને રસોડામાં જતો દરવાજો. મુખ્ય દરવાજાની બહાર જોતા ઘરની બહારથી એક સીડી પસાર થતી હતી. તે ઉપરના માળે લઇ જતી હતી. ઉપરના માળે મકાન માલિક અથવા બીજા ભાડુઆત રહેતા હોવા જોઈએ એવું મેં અનુમાન લગાવ્યું.

ઘરની મોટાભાગની દિવાલો ખાલી હતી, તેના પર કોઈ છબી કે તસ્વીર ટીન્ગાયેલી જોવા મળી નહિ. હું પલ્લવી અને રણજીતની તસ્વીર જોવા માંગતો હતો પરંતુ એવી કોઈ તસ્વીર મને ઘરમાં દેખાતી નહતી. કદાચ પલ્લવી હવે રણજીતથી નફરત કરવા લાગી હોય એવું બની શકે. અંતે ખૂણામાં રહેલા ટેબલ પર મારી નજર ઠરી, ત્યાં એક ફ્રેમ પડી હતી. એક હાથમાં અયાનને ઉચકીને બીજા હાથે મેં તસ્વીર ઉચકી. તેનામાં વચ્ચે એક વયોવૃદ્ધ વ્યક્તિ બ્લેક કલરના બ્લેઝર અને સફેદ શર્ટ પર લાલ કલરની ટાઇ પહેરીને બેઠેલા હતા. હું તેમને ઓળખતો હતો. તે રણજીતના પિતા અખિલેશકુમાર હતા. તેમની જમણી બાજુ પલ્લવી લાલ કલરની સાડીમાં હંમેશાની માફક મસ્તમજાનું સ્મિત આપતી ઉભી હતી અને ડાબી બાજુ રણજીત આછી દાઢી સાથે સફેદ શર્ટ અને બ્લેક બોવ ટાઇમાં સજ્જ બનીને ઉભો હતો.

“તે અમારા લગ્ન બાદની તસ્વીર છે.!” એક ટ્રેમાં બે કપ રકાબી સાથે રસોડામાંથી બહાર આવતા પલ્લવીએ કહ્યું.

“તમે બધા લોકો બહુ સુંદર લાગો છો.” એ તસ્વીર જોયા બાદ મારા મનમાં ખુશીનો કોઈ ભાવ નહતો. ઉલ્ટા હું તો એ તસ્વીર જોઈ વધારે વ્યથિત થઇ ઉઠ્યો હતો. મારા મનમાં નફરતનો ભાવ ઉત્પન્ન થવા આવેલો પરંતુ અત્યારે તેને દબાવી રાખવાનું જરૂરી હોતા મેં કહ્યું.

“અયાને પરેશાન તો ન કર્યો ને.? સોરી મારે એને તને સોંપવો પડ્યો સુભાષ.! લાવ હું એને લઇ લઉં.” ટ્રેને ટેબલ પર મુકીને પલ્લવીએ કહ્યું. ત્યારબાદ અયાનને લેવા માટે પોતાના હાથ લંબાવ્યા, પરંતુ અયાન પોતાની માં પાસે જવા ન માંગતો હોય એમ મોં ફેરવીને મને ગળે વળગી પડ્યો. એકરીતે મને તેની આવી હરકતો પસંદ આવતી હતી. પહેલી વખત પણ જયારે હું આવેલો ત્યારે તે તેની માં પાસેથી છટકીને મારી પાસે આવતો રહેલો અને પહેલીવાર તે બા..બા.. બોલેલો. “અંકલને છોડો બાબુ, મારી પાસે આવો.” પલ્લવીએ કહ્યું.

“તેને રહેવા દે મારી પાસે, મને કશો વાંધો નથી પલ્લવી.” મેં અયાનને પકડી રાખીને સોફા પર બેઠક લેતા કહ્યું. પલ્લવીએ પણ સોફા પર બેઠક લીધી અને એક કપ-રકાબી મારી સામે ધર્યા. એક હાથે અયાનને પકડીને બીજા હાથે ચાયનો કપ લઈને હું પીવા લાગ્યો. થોડીવાર શાંતિ બની રહી.

“બિઝનેસ કેવો ચાલતો હતો.?” મેં પૂછ્યું.

“હમમ્મ.?” ચાયની ચૂસકી લઈને કપમાંથી માથું ઊંચું કરતા પલ્લવીએ પ્રશ્નાર્થભાવે મારી સામે જોયું. કદાચ તે મારો પ્રશ્ન સમજી નહિ.

“તારા ફાધર ઇન લોનો બિઝનેસ હતો ને.? એ કેવો ચાલતો હતો.?” મેં પ્રશ્નને સ્પષ્ટ કરતા કહ્યું.

“બધું બરાબર જ તો ચાલતું હતું સુભાષ.”

“પેલી રમકડાની કંપની જ ને.? રણજીત એમાં જોઈન થયેલો.?” મેં બીજો પ્રશ્ન પૂછ્યો.

“હા એ પણ.. કશું નવું કરવા માંગતો હતો. કંપનીને નવા મુકામે લઇ જવા માંગતો હતો એ. અત્યારે તો એનું જ ક્યાય મુકામ નથી મળી રહ્યું.”

“ચાય સરસ હતી પલ્લવી, પહેલા જેવી જ.! તો હવે હું નીકળું.?” મેં ચાયનો કપ ખાલી કરીને ટેબલ પર મુકતા કહ્યું. ત્યારબાદ અયાન તરફ એક નજર કરી. તે હજુ કદાચ મને છોડવા નહતો માંગતો. તેણે પોતાના બંને નાના હાથ મારી દાઢી પર મુક્યા અને ત્યારબાદ મારી દાઢી પર બચકું ભરવા લાગ્યો. એ ખરેખર અદભુત હતું.

“ખબર નહિ તારી સાથે શી આત્મીયતા છે સુભાષ, આ દર વખતે કંઇક નવું કરે છે. ગયા વખતે એ પહેલીવાર બોલ્યો હતો અને આ વખતે તેણે પહેલીવાર કોઈકને બચકું ભર્યું છે.!” આટલું બોલતા પલ્લવી હસી પડી. અંતે મેં અયાનને પલ્લવીને સોંપ્યો અને સોફા પરથી ઉભો થયો. આ વખતે તે પોતાની માં પાસે ગયો પરંતુ તેનું ધ્યાન મારા તરફ જ હતું. તે ટગર-ટગર મારી સામે જોઈ રહ્યો.

“કોઈ છે.?” દરવાજા પર ટકોરા પડ્યા એટલે પલ્લવીનું અને મારું ધ્યાન દરવાજા પર ગયું. એક પચાસેક વર્ષનો માણસ દરવાજા પર ઉભેલો.

“તે મકાન માલિક છે. ઉપરના માળે રહે છે. સુભાષ હું હમણાં આવી તું અયાનને ફરી એકવાર સાચવ.” પલ્લવી ઉભી થઈને દરવાજે ગઈ. મેં અયાનને ફરી એક વખત સાચવ્યો. મને મોડું થતું હતું પરંતુ થોડીવાર રાહ જોવી પડે એમ હતું. મેં દરવાજા પર જોયું તો પલ્લવી અને પેલો માણસ કશી દલીલ કરી રહ્યા હતા. તેઓ ખુબ ધીમા અવાજે વાતો કરતા હોવાથી મને તેમની વાતો સંભળાતી નહતી.

“આગલા પાંચ દિવસમાં ભાડું ન મળ્યું તો ઘર ખાલી કરી દેજો.!” અંતે પેલા મકાનમાલિકે ઊંચા અવાજે કહ્યું એટલે મને સંભળાયું. પલ્લવીનું આવું અપમાન જોઈ લેવું મને પસંદ ન પડ્યું. અયાનને સોફા પર બેસાડી તેની આસપાસ બે ગાદી મુકીને હું ઉભો થયો અને તેની પાસે ગયો.

“કેટલા પૈસા આપવાના છે.?” પર્સ કાઢતા મેં પેલા ભાઈને સવાલ કર્યો.

“સુભાષ એની જરૂર નથી. પ્લિઝ તું બેસ થોડીવાર.” પલ્લવીએ આનાકાની કરતા કહ્યું.

“જી પંદરસો.!” પેલા બેશરમ મકાનમાલિકે જવાબ આપ્યો. મેં પર્સમાંથી પાંચસોની ત્રણ નોટ કાઢીને તેની સામે ધરી. ત્યારબાદ તે પાછો ફરીને ઉપર જવા લાગ્યો.

“શું વાત છે, આજે તો મેડમના ભૈસાબને લીધે મેળ પડી ગયો. ભગવાન ક્યારેક અમને પણ આ ભાઈ સાબ જેવો મોકો આપે.” પાછુ ફરીને ઉપર જતાં જતાં તે બોલવા લાગ્યો.

“એસીપી સુભાષ કોહલી...કદી કામ પડે તો યાદ કરજો.” તેની તરફ જઈને તેની બોચી પકડતા મેં તેને જવાબ આપ્યો ત્યારબાદ તેના કોલર સરખા કરતા તેને હળવો ધક્કો આપ્યો. મારી પાસેથી છૂટ્યા બાદ ગભરાઈને તે સીડી ચડી ગયો.

“સહન કરી લેવાની તારી આ આદત હજુ ગઈ નથી ને.? પલ્લવી કોઈપણ મુશ્કેલી હોય તું પ્લિઝ એકવાર યાદ કરજે. અયાનને સોફા પર બેસાડ્યો છે. જલ્દી અંદર જા અને અત્યારે હું જઉં છું. પાછી જલ્દી મુલાકાત થશે. બાય.” આટલું કહીને હું ઘરની બહાર નીકળી ગયો. મેં પાછું વળીને જોયું નહિ પણ ચોક્કસ પલ્લવી રડી રહી હોવાનું મેં અનુમાન લગાડ્યું.

“હેલ્લો રાઘવસર.” ઘરની બહાર નીકળતા જ રાઘવનો કોલ આવ્યો.

“કઈ જાણવા મળ્યું.?” ઘોઘરા અવાજે તેણે પૂછ્યું.

“ઘણુંબધું સર, ત્યાં આવીને બધી વાત કરું.?” ધીમેથી મેં કહ્યું અને જીપનો દરવાજો ખોલીને તેમાં બેઠક લીધી.

“અહી પણ ઘણા પુરાવાઓ ભેગા થઇ રહ્યા છે સુભાષ, સમજીલે પાઘડીનો છેડો મળી ગયો છે. હવે પાઘડી ઉતરતા વાર નહિ લાગે.”

“હું કઈ સમજ્યો નહિ સર.” મેં ગાડી ચાલુ કરતા કહ્યું.

“મેં કીધેલુંને પહેલો સબુત પેલા આવારા લોકો પાસેથી જ મળશે અને એવું જ થયું સુભાષ તું જલ્દી પહોંચ તને બધું વ્યવસ્થિત સમજાવું.” રાઘવ ઉમળકાભેર બોલી રહ્યો હતો. મારા મનમાં પણ તેને કહેવા માટે ઘણી વાતો હતી મને હેડક્વાર્ટર પહોંચવાની ઉતાવળ હતી. થોડીવારમાં જ મેં ત્યાંથી ગાડી મારી મૂકી.