ઓપરેશન અભિમન્યુ - ૫ Vihit Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ઓપરેશન અભિમન્યુ - ૫

ઓપરેશન અભિમન્યુ:

લેખકના બે શબ્દો...

જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સએ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.

પ્રકરણ ૫ પલ્લવીની પુછપરછ

અમે લોકોએ રિમાન્ડ હોમ કહેવાતા કક્ષમાં પ્રવેશ કર્યો. રિમાન્ડ હોમ રૂમની મધ્યમાં એક ટેબલ હતું અને તેની બંને બાજુઓએ એક એક ખુરશી ગોઠવેલી હતી. ટેબલની સામેની ખુરશી પર માથું નીચું ઢાળીને પલ્લવી બેઠેલી હતી. અત્યારે મેં તેને જોઈ, સારી રીતે જોઈ. તેનો એ જ નમણો અને નાજુક આછો શ્યામવર્ણ ચેહરો, એ જ મૃગ જેવી આંખો અને એ જ ઘાટા કાળા અને વાંકળીયા વાળ જરાય બદલાયા નહતા. એ એ જ પલ્લવી હતી જે મારા લાઈફની એકમાત્ર ગર્લફ્રેન્ડ રહી ચુકી હતી, જેની સાથે હું રિલેશનશિપમાં રહ્યો હતો અને સાત વર્ષ પહેલા મારા જ મિત્ર રણજીતે કરેલી દગાખોરીના લીધે મેં તેને ગુમાવી દીધેલી. તે છતાં તેની યાદો અને તેના માટેનો પ્રેમ હજુ પણ મારા હૃદયના કોઈક ખૂણેખાંચરે જીવંત હતો. અત્યારે જે પરિસ્થિતિમાં અમે બંને એકબીજાની સામે બેઠા હતા તે પરિસ્થિતિમાં રાઘવે કીધેલું એ રીતે કામ લેવું થોડું અઘરું હતું.

“તમારું પૂરું નામ શું છે.?” મેં તેની સામેની ખુરશી પર બેઠક લીધી ત્યારબાદ ટેબલ પર રહેલા ગ્લાસમાંથી થોડું પાણી પીધું અને ઔપચારિક સવાલ પૂછ્યો. રાઘવ મારી પાછળની દીવાલને અડીને ઉભો રહ્યો.

“જી પલ્લવી...” એણે માથું ઉચક્યું અને અમારી આંખો મળી. મને જોતાવેત પળવાર માટે તે ડઘાઈ ગઈ હોય એવું લાગ્યું તે છતાં પોતાની જાતને જલ્દીથી સંભાળી લેતા મક્કમપણે જવાબ આપ્યો.

“મેડમ અમે પૂરું નામ જાણવા માંગીએ છીએ.” સિંહની માફક ત્રાડ પાડતા પાછળથી રાઘવે સવાલ કર્યો.

“મેં પણ એ જ કીધું છે.” ફરીથી એ જ મક્કમતા સાથે એણે અમને જવાબ આપ્યો.

“પલ્લવી તું પોલિસ હેડકવાર્ટરમાં છો. જે પૂછીએ એનો પુરેપુરો જવાબ આપ. નામની પાછળ પતિ કે પિતાનું નામ અને સરનેમ પણ જણાવ.!” રાઘવ વધુ ગુસ્સે થાય એ પહેલા જ થોડી આત્મીયતા દાખવતા મેં સવાલ કર્યો.

“ACP સુભાષ હવે આ દુનિયામાં મારું એવું કોઈ નથી જે મને ઓળખાણ આપી શકે. માટે મેં આપેલી માહિતી સો ટકા સાચી છે.” તેણે એ જ મક્કમતા જાળવી રાખતા જવાબ આપ્યો.

“આમને કસ્ટડીમાં મોકલી આપીએ બે દિવસ લેડી ઓફિસર્સના ડંડા પડશે એટલે બધી જ અક્કલ ઠેકાણે આવી જશે.” રાઘવ મારી પાસે આવ્યો અને કહ્યું. “પ્લીઝ સર મને હેન્ડલ કરવા દો.” મેં ધીમેથી કહ્યું. ત્યારબાદ રાઘવ ગુસ્સા સાથે દરવાજો પછાડીને રૂમમાંથી બહાર જતો રહ્યો. હવે રૂમમાં હું અને પલ્લવી બે જણા બચ્યા હતા.

“RTOમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તારું નામ પલ્લવી કેલકર આપેલું છે. પલ્લવી આ એક ઔપચારિક સવાલ હતો હવે થનારા સવાલો ઔપચારિક નહિ હોય માટે સાચા ઉત્તર આપજે નહિ તો તારા માટે મુસીબત ઉભી થઇ જશે.”

“સર, RTOમાં મારી જે વિગતો છે એ જુના ડોક્યુમેન્ટ્સ પર આધારિત છે. હાલે મારા બાળક સિવાય મારું આ દુનિયામાં કોઈ રહ્યું નથી. એટલે ફક્ત પલ્લવી જ મારું આખું નામ છે. હું મારું નામ હવે કોઈની સાથે જોડવા માંગતી નથી. પિતા પણ નહિ અને પતિ પણ નહિ.” મને એમ હતું કે રાઘવના જવાથી પલ્લવી થોડા ખુલ્લા મનથી વાત કરશે પરંતુ એનો મિજાજ જરાપણ બદલાયો ન હતો.

“પલ્લવી તું આ છ લોકોને ઓળખશ.?” પુછપરછને આગળ વધારતા મેં ટેબલ પર અમુક પેપર્સ રાખ્યા જેના પર પેલા આતંકવાદીઓના સ્કેચ હતા અને તેને પલ્લવી સામે ધર્યા. તેણે એક પછી એક પેપર્સ ઉથલાવતાં બધા સ્કેચ જોયા અને બાદમાં નકારમાં માથું ધુણાવ્યું.

“આ એ જ આતંકીઓ છે જે તમારી બ્લેક સફારી કાર નંબર DL ૧૨ XX OOOO માંથી ઉતરીને મેટ્રોમાં ચડ્યા. મેટ્રોમાં થયેલા વિસ્ફોટો માટે આ ફિદાયીન આતંકીઓને જ જવાબદાર ગણવામાં આવ્યા છે.” તેની પાસેથી સ્કેચના પેપર્સ પાછા લઈને હું તેને ગોઠવીને મારા બેગની અંદર મુકવા લાગ્યો.

“મારી બ્લેક સફારી કાર.? ACP સુભાષ તમે કદાચ કોઈ ભૂલ કરી રહ્યા છો.” તેને આંખો ઝીણી કરતા કહ્યું.

“કેવી ભૂલ મિસ પલ્લવી.?” મેં બેગમાંથી માથું ઉચક્યા વિના કહ્યું.

“ACP સુભાષ મારી પાસે કોઈ બ્લેક સફારી કાર નથી.” તેણે કહ્યું. મેં બેગમાંથી અચાનક માથું ઉચક્યું અને તેની સામે જોવા લાગ્યો.

“પલ્લવી તમે પોલીસને ગુમરાહ કરવાની સજા જાણો છો.? અમને ગેરમાર્ગે દોરવાની કોશિશ પણ કરી છે તો તેનું પરિણામ સારું નહિ આવે.” તેના વિધાનથી મને લાગવા લાગ્યું હતું કે તે પોલિસ કાર્યવાહીમાં મદદરૂપ થવાને બદલે બાધા ઉત્પન્ન કરી રહી છે.

“ACPસર હું ૨ વર્ષના માસુમ બાળકની મા છું મારી પાસે મારા બાળક સિવાય લોહીનો કહી શકાય એવો કોઈ સંબંધ બાકી નથી રહ્યો. એ નાના જીવના ભવિષ્ય ખાતર છેલ્લા થોડા સમયથી એક ઓછા પગારવાળી જોબ ચાલુ કરી છે. મારી પાસે આવી મોંઘી કાર ખરીદવાના પૈસા સુધ્ધા નથી. હું જુઠ્ઠું શા માટે બોલું.?” તેણે કહ્યું. તેની આંખના ખૂણા ભીના થવા આવ્યા હતા.

આજે હું પલ્લવીને સાત વર્ષ પછી મળી રહ્યો હતો. હું નહતો જાણતો કે આ દરમ્યાન તેણે પોતાની લાઈફ કેવી રીતે વિતાવેલી છે. હું એ પણ નહતો જાણતો કે તે વારંવાર પોતાના બાળક સિવાય આ દુનિયામાં કોઈ ન હોવાનો ઉલ્લેખ શા માટે કરી રહી છે. કદાચ તે સાચું બોલતી હોય. આ બાબતે મને રાઘવની સલાહ લેવાનું સુજ્યું. મેં તેને ફોન જોડ્યો પરંતુ તેણે મારો ફોન કાપી નાખ્યો. ત્યારબાદ રિમાન્ડ હોમનો દરવાજો ખુલ્યો અને રાઘવે પ્રવેશ કર્યો કદાચ તે બહાર જ ઉભો હોવાનું મેં અનુમાન કર્યું.

“સર, આ લેડીના કહેવા મુજબ એ કાર એમની નથી.” મેં બહુ ટૂંકમાં સીધે સીધી વાત કરી.

“એસ.પી.સર કાલ રાતથી મને બે વખત અહી આવવાનું થયું છે. આ કેસમાં મારો કોઈ હાથ નથી. હું તમને વિનંતી કરું છું મહેરબાની કરીને મને છોડી મુકો. મારા ઘરે મારું બે વર્ષનું બાળક એકલું છે કદાચ તે રડતું હશે.” આટલો વખતથી મક્કમતાપૂર્વક જવાબ આપી રહેલી પલ્લવી હવે ભાંગી પડી હતી. તે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી. મને આજે પણ તેના પ્રત્યે લાગણી હતી પરંતુ રાઘવનો ઓર્ડર ન મળે ત્યાં સુધી હું પણ કશું કરી શકું એમ નહતો.

“આપણે ક્રોસચેક કરી લઈશું.” રાઘવે મને ધીમેથી કહ્યું.

“અને તમે...આમ જુઓ તમે એક મોટા આતંકવાદી હુમલાના સંદર્ભમાં પકડાયેલા એકમાત્ર શકમંદ છો. અત્યારે તમને જવા દઈએ છીએ પરંતુ આ શહેર છોડવાની હિમ્મત નહિ કરતા નહીતર મારાથી ખરાબ કોઈ નહિ થાય. અને હા પૂછપરછ કરવાની થશે તો ફરી બોલાવીશું...સમજ્યા.?” રાઘવે પોતાના બે હાથ ટેબલ પર ગોઠવ્યા અને ઊંચા અવાજે પલ્લવીને કહ્યું. તેનો અવાજ સાંભળીને પલ્લવી ધ્રુજી ગઈ.

“હવે જાઓ અહીંથી.” રાઘવે ફરી ત્રાડ પાડીને કહ્યું. ફરી એકવાર પલ્લવી ધ્રુજી ઉઠી અને ઉભી થઈને રૂમમાંથી બહાર જતી રહી. તેના ગયા બાદ હું પણ રૂમની બહાર જઈને ફ્રેશ થવા માંગતો હતો.

“સુભાષ થોભ એક મિનીટ.” રાઘવે મને બહાર જતા રોક્યો અને ઈશારાથી પોતાની પાસે બોલાવ્યો.

“કેટલા સમયથી ઓળખે છે આમને.?” તેણે મને સવાલ કર્યો. પલ્લવી સાથેની મારી વાતચીતથી કદાચ તે પામી ગયેલો કે હું તેને ઓળખું છું. તેને જવાબ આપવાની શરૂઆત ક્યાંથી કરવી અને કેવી રીતે સમજાવવું એ વિચારવા માટે હું થોડો સમય મૌન બની રહ્યો.

“તું જવાબ આપે છે કે તારી પાસે વાત કઢાવવા માટે એ મારે થર્ડ ડિગ્રી વાપરવી પડશે.” રાઘવે ઊંચા સ્વરમાં કહ્યું.

“સર આપણી પાર્ટીઓ વખતે ટકિલાના બે પેગ લાગ્યા પછી હું શાયર બનીને જે શાયરીઓ કરું છું ને એ આના માટે જ કરું છું. સર આ જ મારા લાઈફની એક માત્ર મહિલા હતી જેને મેં આજથી સાત વર્ષ પહેલા ગુમાવી દીધેલી.”

“કેમ શું થયું હતું.? એને તારાથી સંતોષ નહતો.?”

“એને મારાથી પણ કોઈ સારું મળી ગયેલું.!” મેં એક નિસાસો છોડતા કહ્યું.

“તો જા હવે ફરી મેળવી લે એને. જે પ્રકારે એ બોલી રહી હતી એના પરથી લાગ્યું કે એને તારી જરૂર પણ છે.”

“સર આ સાત વર્ષમાં ઘણુબધું બદલાયું છે હવે એને પામવું શક્ય નથી.”

“લે તું તો સીરીયસ થઇ ગયો.? હું તો મજાક કરતો હતો.” રાઘવે કહ્યું. “જા...એની પાછળ જા...એને ઘરે મુકતો આવ.” થોડીવાર વિરામ લઈને રાઘવ ફરી બોલ્યો. હું અવાક બનીને તેના સામે જોઈ રહ્યો મને લાગ્યું તે ફરી જોરજોરથી હસવા લાગશે પરંતુ એણે એવું કશું ન કર્યું.

“સુભાષ હું સીરીયસ છું. જા જલ્દી એને ઘરે મુકતો આવ અને એની પાસેથી વાત કઢાવવાની કોશિશ કર પરંતુ આ વખતે ACP સુભાષ તરીકે નહિ તેના X બોયફ્રેન્ડ તરીકે. જા આ મારો ઓર્ડર છે.” રાઘવે મને હલકો ધક્કો આપ્યો અને હું દોડીને રૂમમાંથી બહાર નીકળી ગયો.

@ @ @

રિમાન્ડ હોમમાંથી નીકળીને તેના ફ્લોર પર તથા અન્ય ફ્લોર પર કેટલાક કોન્સ્ટેબલ્સને તેના વિષે પૂછપરછ કરી. મોટાભાગના એ જવાબ આપ્યો કે તે ખુબ જલ્દીમાં હોવાથી દોડીને હેડક્વાર્ટરથી બહાર જતી રહેલી. એટલે મેં તેને શોધવા માટે પાર્કિંગમાં પહોચીને પોતાની ગાડી સ્ટાર્ટ કરી. હું મારી ગાડી લઈને પોલિસ હેડક્વાર્ટરના મુખ્ય દરવાજેથી બહાર નીકળી રહ્યો હતો ત્યાં મારી નજર પોલિસ હેડક્વાર્ટરની સામેના સીટી બસ સ્ટેન્ડ પર પડી. પલ્લવી સીટી બસની રાહ જોતા ત્યાં ઉભી હતી. ડીવાઈડર પૂરું કરીને જલ્દીથી હું ત્યાં પહોંચી ગયો.

“હું તારા એડ્રેસ તરફ જ જઈ રહ્યો છું, ચાલ તને ઘરે છોડી દઉં.” મારી બાજુની સીટની વિન્ડોનો ગ્લાસ નીચે સરકાવીને મેં પલ્લવી સામે જોતા કહ્યું. જાણે હજુ મારી ગર્લફ્રેન્ડ હોય અને મારાથી નારાજ થઇ હોય એમ એણે મોઢું ફેરવી લીધું. તેની આ વર્તુંણુકથી મારા મનમાં હીન ભાવના ઉત્પન્ન થઇ, એકવાર મને થયું કે એને અહી જ ઉભી રહેવા દઈ પાછો હેડક્વાર્ટર જતો રહું. પણ એ શક્ય નહતું, ખાલી હાથે પાછા ફરો તો રાઘવ બાર વગાડી દે માટે કામ તો ગમે એમ પૂરું કરવાનું જ હતું. હું ગાડીમાંથી નીચે ઉતર્યો અને તેની પાસે ગયો.

“અમને અફસોસ છે કે એક એકલી મહિલાને તેના નાના બાળકથી દુર કરવી પડી. પણ અમને કાયદાનું પાલન તો કરવું જ પડે. વધીને અમે એટલું કરી શકીએ કે એ જલ્દીથી પોતાના ઘરે પહોંચી જાય.” મેં ભાષણ આપવાનું ચાલુ કર્યુ. તેનો કોઈ રિસ્પોન્સ નહતો મળી રહ્યો.

“પલ્લવી ઘરે તારું બાળક એકલું છે. બસને આવતા હજુ વાર લાગશે અને એ ઘણાબધા સ્ટોપ કરશે. હું તને દસ મિનિટમાં તારા ઘરે પહોચાડી દઈશ.” મેં અંતિમ હથિયાર વાપરતા કહ્યું. એણે મારી તરફ જોયું કદાચ બાળકનો ઉલ્લેખ થતાં તેણે લીફ્ટ લઈને જલ્દી ઘરે પહોંચવાનું ઉચિત સમજ્યું. એ મારી સાથે આવવા રાજી થઇ એટલે મેં ગાડીનો દરવાજો ખોલ્યો અને તેણે અંદર બેઠક લીધી.

“કાલે રાત્રે આતંકી ઘટના થઇ એ વખતે તું ક્યાં હતી.?” થોડીવાર અમારા વચ્ચે શાન્તિ બની રહી. વાત કઢાવવાના ભાગરૂપે મેં પ્રશ્નોતર ચાલુ કર્યા.

“ACP સુભાષ શું હજુ પણ તમને મારા પર કશી શંકા છે.?” તેણે કહ્યું.

“એવી કોઈ વાત નથી. તમે લોકો વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હો એટલા માટે.” એક દોસ્તની માફક મેં પૂછ્યું.

“સુભાષ તું હજુ એવો ને એવો જ છો. ઇન્ટેરોગેશન કરવાની તારી આદત હજુ ગઈ નથી.” તેના શબ્દો મારા કાનમાં ખૂંચવા લાગ્યા. હું સાત વર્ષ પહેલાના સમયમાં પહોંચી ગયો હોઉં એવું લાગ્યું. એ સમયે પલ્લવી સાથે રાત્રે ફોન પર વાત કરતી વખતે હું મોટાભાગે તેને પ્રશ્નો પૂછ્યા કરતો અને તે મારા ઇન્ટેરોગેશનથી કંટાળી ગઈ છે અને મને મૂકી જવાની એવી વાતો કરતી. મેં થોડીવાર કઈ ન કહ્યું. ખરેખર તો અત્યારે મને મારી ડ્યુટી પર ગુસ્સો આવતો હતો. મારી ડ્યુટી અત્યારે મારી પર્સનલ લાઇફમાં દખલ કરી રહી હોય એવું લાગ્યું.

“કોલેજ પૂરી થયા પછી ઘણુબધું બદલાયું છે સુભાષ. અયાનના જન્મ પછી હું સાસરાની નથી રહી અને પિયરની પણ નથી રહી.” થોડીવારની ખામોશી બાદ તેણે બોલવાનું ચાલુ કર્યું એ પણ એક દોસ્ત બીજા દોસ્તને ઘણા સમયે મળે ત્યારે જે રીતે વાત કરે એ રીતે. આમ તો મને તેની કોઈપણ વાતમાં રસ નહતો છતાં ઇન્વેસ્ટીગેશનના ભાગરૂપે તેના વિષે થોડી જાણકારી ભેગી કરવી પણ જરૂરી હતી.

“એવું શું થયું છે.? બધું બરાબર છેને.? અને મારો દોસ્ત ઠીક તો છે ને.?” મેં પૂછ્યું. તેનું માથું ઝુકેલું હતું, આંખોમાં નમી હતી કંઇક આવી જ સ્થિતિમાં તેણે નકારમાં માથું ધુણાવ્યું.

“કોલેજ પૂરી થયા પછી અમે મેરેજ કરી લીધા હતા. મારા ઘરનાઓએ જ્ઞાતિ બહાર મેરેજ કરવાના પગલે મારાથી છેડો ફાડી નાખ્યો હતો. મને થોડા દિવસો સુધી એ વાતનો અફસોસ રહેલો પણ બાદમાં એના પ્રયાસોએ મારી હોમ સીક્નેસ દુર કરી દીધી. મારા સસરાનો કરોડોનો કારોબાર હતો. રાજકીય ઓળખાણ પણ જબરી હતી. આર્થિક સંપન્નતાનો કોઈ છેડો નહતો. હું ખુબ ખુશ હતી. ત્રણ વર્ષ તો પાણીના પ્રવાહની જેમ નીકળી ગયા. ત્યારબાદ અમારો કપરો કાળ શરૂ થયો. પપ્પા ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. ઘરમાં પોલીસની અવરજવર થવા લાગી. પપ્પા રોજ મોડે સુધી તેમના ફોન પર વળગી રહેતા તથા પોલિસ સાથે પણ તેમની જબરી વાટાઘાટો થતી. એક વખત તેમને જેલ લઇ જવામાં આવ્યા પણ એમણે પપ્પાની જમાનત કરાવી દીધેલી. બસ એ છેલ્લો દિવસ હતો. બે વર્ષની લડતના અંતે પપ્પા હિંમત હારી ગયા પોતાના આખા પરિવાર સમાન એકના એક પુત્ર અને પુત્રી સમાન પુત્રવધુને હમેશા માટે છોડીને તેઓ ચાલ્યા ગયા.” પલ્લવી ડુસકા ભરવા લાગેલી. મને તેના વિષે વધુ જાણવાનો રસ જાગ્યો.

“બસ અહીંથી લેફ્ટ લઇ લે એટલે મારું ઘર આવી ગયું.” તેણે પોતાના આંસુઓ લૂછતાં કહ્યું. મને અફસોસ હતો કે અમારી વાત અહીંથી અધુરી રહી જવાની. મેં ડાબે વણાંક લીધો અને એણે કહ્યું એટલે એક ઘર પાસે ગાડી ઉભી રાખી.

“અંદર આવવાનું પસંદ નહિ કર.?” ગાડીમાંથી ઉતરીને તેણે સવાલ કર્યો.

“હું ડ્યુટી પર છું.”

“ACP સાહેબ એક કપ ચાય પીવામાં વધુ સમય નહિ લાગે.” આંખોમાંથી આંસુઓ વહેતા હોવા છતાં મસ્ત મજાનું સ્મિત આપતા તેણે કહ્યું. આ જ તેની ખાસિયત હતી. વર્ષો પહેલા પણ જયારે તેને રડાવીને હું જ હસાવતો ત્યારે આંખોમાં રહેલા આંસુ સાથે તે આવું જ સ્મિત આપતી. એક બાજુ મને ડર લાગવા લાગ્યો ક્યાંક ફરી એના પ્રેમમાં ન પડી જઉં.!

હું પણ ગાડીમાંથી ઉતર્યો અમે તેના ઘરમાં પ્રવેશ કર્યો.

“આગળ શું થયું પછી.? અને રણજીત શું કરે છે.?”

“પપ્પાના ગયા પછી એ પાગલ જેવો થઇ ગયો હતો. ક્યારે ઘરે આવે અને ક્યારે જતો રહે એનું કઈ નક્કી નહતું રહેતું. હું પ્રેગ્નન્ટ હતી છતાં તેને મારી કે મારા બાળકની કોઈ ફિકર નહતી રહી. મને લેબર પેન થયું ત્યારે પણ અમારા ડ્રાઈવર મને હોસ્પીટલમાં લઇ ગયા હતા કારણકે તે હાજર નહતો અને એ જ છેલ્લો દિવસ હતો જયારે મેં એને જોયેલો. એકતરફ દુનિયામાં અયાનનું આગમન થયું અને બીજી તરફ મારો પતિ મને હમેશા માટે એકલી છોડીને જતો રહેલો.” તેની આંખોમાં ફરી એકવાર આંસુઓ આવી ગઈ હતા.

“સોરી, મારે આટલું ઈમોશનલ થવું પડ્યું. હું ચાય બનાવીને લાવું છું.” આંસુઓ લુછીને તે ઉભી થવા લાગી.

“એની કશી જરૂર નથી તું બેસ અહી.” મેં કહ્યું. તેણે ફરી એકવાર સોફા પર બેઠક લીધી.

“પલ્લવી તારી સાથે જે સમય વિતાવેલો એ મારા જીવનનો સૌથી યાદગાર સમય હતો. આપણે ત્રણ લોકો પાક્કા મિત્રો હતા. હું, તું અને રણજીત. ઈનફેક્ટ રણજીતને હું એના પણ પહેલાથી ઓળખતો હતો. આપણી મિત્રતાને આગળ ધપાવતા મેં તને પ્રોપોસ કર્યું. આપણા બે વર્ષના પ્રેમ સંબંધે મને સુખ દુખ ઘણું બધું આપેલું, પરંતુ ઊંડો આઘાત મને ત્યારે લાગેલો જયારે મારા સૌથી પ્રિય મિત્રએ મારી પ્રેમિકાને મારી પાસેથી છીનવી લીધી.” મારા આંખોના ખૂણા ભીના થવા આવ્યા.

“વહી ગયેલો સમય પાછો તો નહિ આવે પરંતુ આટલા મોટા શહેરમાં મારી કોઈ ઓળખીતી મિત્રને કોઈ સમસ્યા આવે અને હું તેને મદદરૂપ ન થઇ શકું એ મને પસંદ નથી. આ મારા નંબર છે. કદી કોઈપણ જરૂરિયાત ઉભી થાય તો સંકોચ રાખ્યા વિના ફોન કરજે. હું હાજર થઇ જઈશ.” મેં પોતાના આંસુઓ લૂછ્યા. એક મિત્ર તરીકેની ફરજ પૂરી કરવા તેને મારો નંબર પણ આપ્યો અને સોફા પરથી ઉભો થઈને ત્યાંથી જવા લાગ્યો. જેવો હું દરવાજા પાસે પહોંચ્યો ત્યાં એક યુવાન વયની છોકરી એક નાના બાળકને લઈને ઉભી હતી.

“બહુ પરેશાન તો ન કર્યો ને.?” સોફા પરથી ઉભી થઈને પલ્લવીએ પેલી છોકરીને પૂછ્યું.

“ના દીદી એ તો સુઈ ગયો હતો આ તો તમારો અવાજ સાંભળીને જાગ્યો એટલે અહી લઇ આવેલી.” પલ્લવીએ બાળકને પોતાની પાસે લીધું અને ફરીથી સોફા પર બેઠક લીધી. પેલી છોકરી ગઈ એટલે મેં પણ બહાર જવા પગ ઉપાડ્યા.

“સુભાષ તું અયાનને રમાડવા માટે પણ નહિ ઉભો રહે.?” પલ્લવીએ કહ્યું. મેં પાછળ વળીને તેની સામે જોયું.

“પ્લીઝ તેને સારું લાગશે.!” મેં ફરી એકવાર સોફા પર બેઠક લીધી. અયાન પલ્લવીના ખોળામાં સરખો નહતો બેસી રહ્યો. ખુબ હલચલ કરી રહ્યો હતો. પલ્લવીએ તેને સંભાળવાના ખુબ પ્રયાસો કર્યા પરંતુ તે જાણે છટકવા માંગતો હોય એવું લાગતું હતું. લાંબા પ્રયાસો બાદ તે પલ્લવી પાસેથી છટકવામાં સફળ રહ્યો. પોતાની માંના ખોળામાંથી ઉતરીને તેણે જમીન પર પગ મુક્યા. ધીમેધીમે ચાલતો ચાલતો તે મારી પાસે આવીને મને વળગ્યો.

“બા...બા” તેના મોઢે બોલાયેલા આ પહેલા શબ્દો હતા.

“આ અદભુત છે સુભાષ, અયાન આજે પહેલીવાર બોલ્યો છે.” પલ્લવીની આંખોના બધા આંસુઓ સુકાઈ ગયા અને મધુર હાસ્ય વડે તેનો ચેહરો પ્રફુલ્લિત બની ગયેલો.

“કદાચ એના પપ્પા પર ગયો છે. એનો બાપ પણ મારું બહુ રાખતો....બસ એક જ વાર દગો કરી ગયો સાલો.” મેં અયાનને ઊંચકીને તેના ગાલ પર પપ્પી કરી અને તેને પલ્લવીને સોંપ્યો. ત્યારબાદ ઘરની બહાર જતો રહ્યો.

“સર આ પલ્લવી મને નિર્દોષ લાગે છે. આપણી કૈક ભૂલ થઇ છે.” મેં રાઘવને ફોન જોડ્યો.

“તું અત્યારે હેડક્વાર્ટર આવી જા. જરૂરી વાત કરવી છે.” મેં ગાડીનો દરવાજો ખોલ્યો અને હેડક્વાર્ટર તરફ પ્રયાણ શરૂ કર્યું.

@ @ @