ઓપરેશન અભિમન્યુ: - ૭ Vihit Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓપરેશન અભિમન્યુ: - ૭

ઓપરેશન અભિમન્યુ:

લેખકના બે શબ્દો...

જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સએ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.

પ્રકરણ ૭ પલ્લવી ઉવાચ

ગાત્રો થીજવી દે એવો ઠંડો પવન વહી રહ્યો હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં એક સાંજે નિહારિકાના ફોન પર પ્રાઇવેટ નંબર પરથી કોઈનો કોલ આવતો હતો. સ્વતંત્ર સમાચાર ન્યુઝ બિલ્ડીંગની પોતાની ચેમ્બરમાં ખુરશી પર બેસીને તે કમ્પ્યુટર પર પોતાનું કામ કરી રહી હતી. ચેમ્બરની ડેસ્ક પર રહેલા પોતાના ફોનના વાયબ્રેશન મોડની ધ્રુજારીથી થતા અવાજના લીધે તેનું ધ્યાન ફોન પર ગયું.

“હેલ્લો.!” પ્રાઈવેટ નંબર હોવાથી થોડા આશ્ચર્યના ભાવ સાથે તેણે હેલ્લો કહ્યું.

“શું તમે ફ્રિ થઇ ગયા છો.?” સામેથી કોઈ સ્ત્રીનો અવાજ આવતો હતો.

“એક્સક્યુઝ મી. હુ સ ધીસ.?” થોડા વધારે આશ્ચર્ય અને ઉત્સુકતાયુક્ત સ્વરમાં નિહારિકાએ પૂછ્યું.

“ઓહ્હ સોરી. નિહારિકા, હું મિસિસ કોહલી બોલું છું.” તે પલ્લવી મેડમનો કોલ હતો.

“ઓહ્હ યા મેમ હું બસ થોડી જ વારમાં ત્યાં પહોંચું છું. આજે મારે થોડું લેટ થઇ ગયું છે. કદાચ એસપી સાહેબને મારા લીધે આજે થોડી વધારે વખત રાહ જોવી પડશે સોરી.” અચાનકથી પોતાના બોલવાની છટા બદલીને નિહારિકાએ જવાબ આપ્યો.

“એક્ચ્યુલી આજે તમારા એસપી સાહેબ ઘરે નથી. તે કામથી દિલ્લી ગયેલા છે. હું એકલી છું ઘરે. તમે આવો તો આપણે બે ઘડીક વાતો કરીએ.” શાંત સ્વરે પલ્લવીએ કહ્યું.

“જી એમણે ગઈ કાલે આ વિષે મને કશુ કહ્યું નહિ.” કોઈ આંચકો લાગ્યો હોય એવી તત્પરતા દાખવવાના ભાવ સાથે થોડા ઊંચા અવાજે નિહારિકાએ કહ્યું. તેને પલ્લવીમેડમ સાથે આ રીતે વાત ન કરવી જોઈએ એવો ભાસ થતાં જીભને દાંત વચ્ચે દબાવીને કપાળ ઘસતા અફસોસ વ્યક્ત કર્યો.

“એ એમનું અચાનકથી જવાનું થયું છે. એમણે જ મને તમને કોલ કરવા માટે સુચન કર્યું. તમે આવો એટલે મને પણ કંપની મળી રહેશે.!” ખુબ જ નિખાલસતાથી પલ્લવીએ જવાબ આપ્યો.

“હું બસ થોડી જ વારમાં પહોચું છું.” નિહારિકાએ કહ્યું અને કોલ કાપ્યો. તેના ચેહરા પર કોલ ઉપાડ્યો ત્યારે હતા એવા જ ભાવ અત્યારે દેખાઈ રહ્યા હતા. બે દિવસ પહેલા પલ્લવીથી મુલાકાત થઇ ત્યારથી જ તેના સ્વભાવ વિષે અનુમાન લગાવવામાં હજુ પણ નિહારિકા સદંતર નિષ્ફળ રહી હતી. ક્યારેક તેને પલ્લવી મેડમનો સ્વભાવ થોડો આકરો લાગતો તો ક્યારેક ખુબ મળતાવડો સ્વભાવ લાગતો. આજે એમની સાથે મુલાકાત કેવી રહેશે એના વિષે અનુમાન લગાવવું તેના માટે મુશ્કેલ હતું. પોતાનું કામ પૂરું કરી બેગ લઇને ન્યુઝ બિલ્ડીંગમાંથી તેણે પ્રસ્થાન કર્યું.

@ @ @

“નિહારિકા તમે કેવી ચાય પસંદ કરો છો.?” એસપી સુભાષ કોહલીના બગીચામાં બેઠા-બેઠા પલ્લવી અને નિહારિકા વાતો કરી રહ્યા હતા.

“એસપી સાહેબ બનાવે છે બિલકુલ એવી જ.!” નિહારિકાએ જવાબ આપ્યો. આજે તેણે બ્લેક કલરનું સ્લીવલેસ ટોપ અને બ્લુ જીન્સ પહેર્યા હતા. વાંકડિયા વાળ હંમેશાની માફક ખુલ્લા જ રાખ્યા હતા.

“એમના જેટલી સરસ ચાય તો હું ન બનાવી શકું.!” ડાબા પગને જમણા પગ ઉપર ચડાવતા પલ્લવીએ કહ્યું. તેણે મોરપિચ્છ કલરના સલવાર-કમીઝ પહેર્યા હતા.

“એમણે મને પોતાની આ આવડતને મજબૂરી અથવા ખાસિયત કહી શકો એમ કહ્યું હતું. આમાં મજબુરીનો શું અર્થ થયો મને સમજાવશો.?” નિહારિકાએ પૂછ્યું.

“આપણે અંદર રસોડામાં જઈએ ત્યાં તમને સમજાવવાની કોશિશ કરી જોઉં.” ખુરશી પરથી ઉભા થતાં પલ્લવીએ એક નાનકડું સ્મિત આપ્યું. નિહારિકા થોડીવાર એમ જ બેઠી રહી. જાણે એણે પલ્લવીના શબ્દો સાંભળ્યા જ ન હોય.! ત્યારબાદ અચાનકથી ઉભી થઇ પલ્લવી પાછળ રસોડામાં જવા લાગી.

“સુભાષ બચપણથી જ એકલા રહ્યા છે. બાળપણમાં જ એક કાર અકસ્માતમાં માતા-પિતાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ એ દિલ્લીમાં પોતાના કાકાને ત્યાં રહીને મોટા થયેલા. કાકા આર્મીમાં હતા અને આજીવન અપરણિત રહેલા. કાકાને હમેશા બહાર જ ફરવાનું હોય. ઘરે ક્યારેક જ આવતા. આમ તો ઘરમાં કામ કરવા માટે કામવાળા બેન હતા પરંતુ દરેક નાના કામ માટે એમના પર આધાર રાખી શકાય એમ નહતો. એટલે જ એમણે તેમની આ આવડતને ખાસિયત અથવા મજબૂરી કહ્યું હશે. ચાયમાં ખાંડ ઓછી કે વધારે ચાલશે.?” ગેસ પર ચાય ગરમ કરતા પલ્લવીએ કહ્યું.

“ઓહ્હ અચ્છા.!” પલ્લવીની બાજુમાં ઉભેલી નિહારિકાએ હકારમાં માથું ધુણાવ્યું.

“મે’મ, એક બીજી વાત પૂછું.?” થોડીવાર શાંતિ જળવાઈ રહ્યા બાદ નિહારિકાએ શાંતિનો ભંગ કરતા ફરીથી સવાલ કર્યો.

“એક નહિ સો વાત પૂછો પણ આ મેડમ કહેવાનું બંધ કરો મને પસંદ નથી.” પલ્લવીએ કહ્યું.

“ઓકે તો દીદી કહું તો ચાલશે.?” નિહારિકાએ કહ્યું. પલ્લવીએ મસ્ત મજ્જાનું સ્મિત આપતા હકારમાં માથું ધુણાવ્યું.

“આમ તો તમારો સ્વભાવ ખુબ મળતાવડો છે પણ આ ઓપરેશન અભિમન્યુનો ઉલ્લેખ થતા કેમ ગુસ્સે થઇ જાઓ છો.?” નિહારિકાએ નિખાલસપણે સવાલ પૂછ્યો.

“હવે તમે એના પર કહાની લખવાના જ છો તો એ બધી વાત તમારા એસપી સાહેબ તમને કહેશે જ. અગર હું અત્યારે કહીશ તો અમુક ભેદ ખુલ્લા પડી જશે.” તપેલીમાંથી ચાયના બે કપ ભરતા પલ્લવીએ કહ્યું. “ભેદ ને અત્યારે ભેદ જ રહેવા દો.”

“ઓકે તમે એસપી સાહેબ વિષે સારી એવી માહિતી આપી.” પ્લેટફોર્મનો ટેકો લેતા નિહારિકાએ કહ્યું. ”પણ રણજીત વિષે કશી વાત ન કરી.” થોડીવાર અટકીને નિહારિકાએ પોતાનું અધૂરું વાક્ય પૂર્ણ કર્યું. જાણે કોઈ બોમ્બ ધડાકો કર્યો હોય એમ આંખો પહોળી કરીને પલ્લવી નિહારિકા સામે જોવા લાગી.

“તમે અત્યારે પણ રીપોર્ટીંગ કરી રહ્યા હો એવું લાગી રહ્યું છે.” ચાયની ટ્રે ભરીને પલ્લવી રસોડામાંથી બહાર જતા બોલી. તેણે થોડીવાર વચ્ચે બોલવામાં વિરામ લીધેલો. કદાચ નિહારિકાના પ્રશ્નને અવગણવા માંગતી હોય એમ એના વિધાન પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું.

“એવું તો નથી પણ આ રણજીત મારા માટે સાવ નવું પ્રાણી છે. મારે મારા મનમાં એની એક સ્પષ્ટ છબી બનાવવી છે. મારે એના વિષે બધું જાણવું છે. એનો ઈતિહાસ, તમારા બંને સાથેના સંબંધો અને અત્યારે એ ક્યાં છે એ બધું જ.” નિહારિકા પલ્લવીની પાછળ ઓલમોસ્ટ દોડવા લાગી. તેની ચાલ ખરેખર ખુબ ધીમી હતી.

થોડીવાર બંને વચ્ચે શાંતિ બની રહી. ફરી એકવાર બગીચામાં પહોંચ્યા પછી બંને એ ખુરશી પર સામસામે બેઠક લીધી.

“તમે એક સારા રિપોર્ટર છો નિહારિકા. તમને જાણવાની ઈચ્છા છે જ તો હું જણાવીશ. પરંતુ ઓપરેશન અભિમન્યુ વિષે નહિ...એના સાત વર્ષ પહેલાની કહાની વિષે જણાવીશ. આજથી સત્તર વર્ષ પહેલાની કહાની વિષે જણાવીશ.” ખુરશી પર બેઠક લીધા બાદ પલ્લવીએ એક કપ નિહારિકા સામે ધર્યો અને બીજો પોતાની પાસે રાખ્યો. મોડી સંધ્યાની નિરવ શાંતિમાં બંને થોડીવાર શાંતિનો ભંગ ન કરતા ચાય પીવામાં મશગુલ થઇ ગયા.

“તમે મારા સાથે ડીનર લેવાનું પસંદ કરશો.? ઈનફેક્ટ આમ તો આજે તમારે મારી સાથે ડીનર લેવાનું જ છે. આજે આમ પણ એકલી છું. તમે સાથે હશો તો મજ્જા આવશે.” ખુરશી પરથી ઉભા થતાં પલ્લવીએ કહ્યું. નિહારિકા નકારમાં માથું ધુણાવતી રહી.

“ડીનર માટે આજે આપણે બહાર જવું જોઈએ. આમ વાતો કરવા માટે વધારે સમય મળી રહેશે. હું કારની ચાવી લઇ આવું. તમે અહી બેસો.” કહેતાં પલ્લવીએ ઘરમાં અંદરની તરફ ડગ માંડ્યા અને નિહારિકા આનાકાની કરતી રહી.

“મે’મ, સોરી દીદી... મારે ઘરે જમવાનું તૈયાર હશે. હું દરરોજની માફક રાત્રે ઘરે જઈને જમી લઈશ.” અંતે મોકો મળતા નિહારિકાએ કહ્યું. ઘરમાં અંદર જઈ રહેલી પલ્લવીએ પગ થોભાવ્યા અને પાછળ વળીને નિહારિકાની સામે જોયું.

“પ્લીઝ ડોન્ટ લાય.! તમે છેલ્લા ઘણા દિવસોથી અમારા ઘરે આવો છો, છતાં ઘરેથી જમ્યા વગર જતા રહો એ ન ચાલે. એટલીસ્ટ આજે તો કંપની આપવી જ પડશે.” પલ્લવીએ કહ્યું. નિહારિકા કશાક અસમંજસમાં માથું ઢાળીને બેઠી હતી. તેની મુક સંમતિ માનીને પલ્લવીએ ચાવી લેવા ઘરની અંદર જવા માટે ડગ માંડ્યા.

@ @ @

“કાવેરી રેસ્ટોરેન્ટ આ ગલીમાં જ છે ને.?” હાઇવે પરથી એક નાના રસ્તા પર કારને વળાંક આપતા પલ્લવીએ નિહારિકાને પ્રશ્ન કર્યો. જવાબમાં નિહારિકાએ ફક્ત હકારમાં માથું ધુણાવ્યુ.

“એક્ઝેટલી ક્યાં આવેલી છે એ.?” પલ્લવીએ સવાલ કર્યો.

“આગળ ચાર રસ્તા આવે એટલે તેના પછી ઘણી બધી હોટેલો આવવાની શરૂ થઇ જશે. કાવેરી એ લાઈનમાં ચોથા નંબરની હોટેલ છે.” નિહારિકાએ કહ્યું.

“વાહ સરસ તમે તો એકદમ સાચેસાચી લોકેશન આપી.! લ્યો આપણે તો અહી આવી પણ પહોંચ્યા.” ચાર રસ્તા વટાવી ગાડી આગળ નીકળી એટલે પલ્લવીએ હોટેલ કાવેરીનું બોર્ડ વાંચતા કહ્યું. પછી તેણે ‘હોટેલ કાવેરી’ લખેલા વિશાળ લાઈટ બોર્ડની નીચેના પાર્કિંગ એરિયામાં પોતાની કાર પાર્ક કરી.

“પહેલા ઘણી વખત આવવાનું થયેલું એટલે જગ્યા બરાબર યાદ છે.” કારનો દરવાજો ખોલતા નિહારિકાએ કહ્યું. બંને ચાલતા ચાલતા હોટેલના મુખ્ય દરવાજે પહોંચ્યા. દરવાને હોટેલનો દરવાજો ખોલ્યો એટલે બંનેએ તેમાં પ્રવેશ લીધો. એક વેઈટરે બંનેને પાસેના ટેબલ પર બેસવા આમંત્રણ આપ્યું.

“તો હવે કેમ અહી આવવાનું બંધ કરી દીધું.?” ટેબલ પર બંનેએ બેઠક લીધા બાદ થોડીવાર મૌન જળવાઈ રહ્યુ, ત્યારબાદ તેનો ભંગ કરતા પલ્લવીએ પૂછ્યું.

“હવે ટાઇમ નથી મળતો.... અને હવે સાથે આવવાવાળું પણ કોઈ નથી.” નિસાસાયુક્ત સ્વરમાં નિહારિકાએ કહ્યું.

“પહેલા કોણ સાથે આવતું હતું.?” પલ્લવીએ પૂછ્યું. નિહારિકા કોઈપણ પ્રકારનો પ્રતિભાવ આપ્યા વિના માથું ઢાળીને બેઠી રહી.

“કોઈ તો હતું.?... બોયફ્રેન્ડ.?” પલ્લવીએ તુક્કા લગાવવાના શરૂ કર્યા.

“અમે પણ અમુક ભેદ સાચવીને બેઠા છીએ.” માથું ઉચકતા નિહારિકાએ કહ્યું. “અત્યારે મારા ભેદને પણ ભેદ જ રહેવા દો અને તમારા ભેદની માંડીને વાત કરો દીદી.” પલ્લવી થોડીવાર મૌન બનીને બેઠી રહી. નિહારિકા તેને સાંભળવા ઉત્સુક બની.

@ @ @

કોલેજનો એ પ્રથમ દિવસ મને આજે પણ યાદ છે. એ દિવસે જીન્સ અને શર્ટમાં સજ્જ દિલ્લીના યુવાન છોકરાઓએ ક્લાસમાં નવી આવેલી મરાઠી મુલ્ગીનો પીછો કર્યો હતો.

“કાય આહે.? તુમ્હી માઝા પાઠલાગ કા કરતા.?” (“શું છે તમને.? તમે લોકો મારો પીછો શા માટે કરી રહ્યા છો.?”) કોલેજના મુખ્ય દરવાજેથી કેન્ટીન તરફ જતા રસ્તા પર બે છોકરાઓ દ્વારા થતા પીછાથી કંટાળીને મેં પાછળની તરફ ફરતા તે બંનેને કહ્યું. મુંબઈથી દિલ્લી આવ્યાને હજુ બે જ દિવસ થયા હતા. જીભ હજુ મરાઠીની જગ્યાએ હિન્દી બોલવા ટેવાયેલી નહતી. કઈ પણ જવાબ દીધા વિના બટાટા જેવી આંખો કરીને બંને મને ઘુરવા લાગ્યા. શરૂઆતમાં મને એમ થયું કે એ લોકો કોઈ બદઈરાદે આવું કરી રહ્યા છે. આઈ અને બાબાએ દિલ્લીના ગુંડાઓથી દુર રહેવા કહ્યું હતું. દિલવાલોની દિલ્લી ટપોરીઓ અને લુખ્ખાઓથી ભરપુર હોવાની મને પણ જાણ હતી. એન્જીનીયરીંગના ઉચ્ચ અભ્યાસ માટે આવેલી મરાઠી મુલગી પલ્લવી આમ તો કોઈની સાથે પંગો લેવા માંગતી નહતી પણ જો એવું કરવું પડે તો કરવામાં પાછીપાની કરે એવી પણ સાવ નહતી.

“કધી મુલગી બઘીતલી નાહી કા.?” (“કદી કોઈ છોકરી નથી જોયેલી કે શું.?”) ઝઘડો કરવાના ઈરાદે મેં તે બંનેને સંભળાવી દીધું. હજુ આંખો ફાડીને કંઈપણ બોલ્યા વગર બંને મને ઘુરવા લાગ્યા હતા.

“મેડમ, તમારું પર્સ.!” થોડીવાર શાંતિ બની રહી. ગુસ્સામાં લાલચોળ આંખે હું બંનેને તાકતી રહી અને એ બંને મને ઘૂરતા રહ્યા. અંતે સફેદ શર્ટ અને બ્લુ જીન્સમાં સજ્જ તેમાંના એક યુવકે મને કહ્યું. તેના હિન્દી શબ્દોએ મને ભાન કરાવ્યું કે હું મરાઠીભાષી મુંબઈમાં નહિ પરંતુ હિન્દીભાષી દિલ્લીમાં છું.

“સોરી...” તેના હાથમાંથી મારું પર્સ ઝુંટવીને તિરસ્કારના ભાવ સાથે મોઢું ફેરવતા મેં કહ્યું. બે ડગલા આગળ ચાલી ત્યા બંનેના હસવાનો અવાજ સંભળાતો હતો. મેં પાછળ વળીને જોયું. બંને લોકો હવામાં હાથ લહેરાવતા મને બાય કહી રહ્યા હતા. આ સમયે થોડીવાર માટે મને મારા વર્તન ઉપર શરમ આવવા લાગી, પરંતુ મારા મિજાજ પ્રમાણે એકઝાટકે એવી તુચ્છ ભાવનાને ખંખેરી નાખી. અંતે એ લોકો પણ પર્સ દેવાના બહાને છોકરી પટાવવાનો ઈરાદો તો રાખતા જ હતા ને.!

એ રાત્રે મને નીંદર નહતી આવતી. પથારીમાં સુતા સુતા હું પડખા ફેરવતી ફેરવતી સવારે બનેલી ઘટના મનમાં વાગોળતી હતી. એ બંને લોકો પર્સ પાછુ કરવાના નેક ઈરાદે જ મારી પાછળ આવેલા કે પછી તેમનો ઈરાદો બીજો જ કંઇક હતો એ બાબતે હું અસમંજસમાં હતી. દિલ કહેતું હતું કે એમનો ઈરાદો નેક જ હતો અને દિમાગ કહેતું હતું કે તેઓ પર્સ દેવાના બહાને બીજા ઈરાદાથી પાછળ પાછળ આવ્યા હતા. આ દરમ્યાન કેટલાક તર્ક પણ મનમાં વાગોળ્યા જેમકે અગર પર્સ જ પાછું આપવું હોત તો બે જણે પાછળ આવવાની શી જરૂર હતી.? અંતે દિલની જીત થઇ. ગમે તેમ પણ એ લોકોએ મારી મદદ કરેલી અને એ સમયે મારો પ્રતિભાવ યોગ્ય નહતો એટલે બીજા દિવસે બંનેનો આભાર માનવા અને ગઈકાલના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરવા માટે જાતને મનાવી લઇ હું મીઠી નિંદ્રામાં પોઢી ગઈ.

“મિસ મરાઠીભાષી કાલ આમ્હી કુઠલ્યા કુવિચારાની તુમચ્યા માગે આલો ન્હવતો. તુમચા પર્સ પરત કરણ્યાસાઠી, તુમચ્યાશી મૈત્રી કરણ્યાસાઠી આલો હોતો. (“મિસ મરાઠીભાષી. ગઈકાલે અમે કોઈ ગેરઈરાદે તમારી પાછળ પાછળ આવ્યા નહતા. તમારું પર્સ પાછુ કરવા અને તમારી સાથે દોસ્તી શરૂ કરવા જ તમારો પીછો કર્યો હતો.”) બીજા દિવસે ક્લાસની પહેલી બેંચ પર બેઠા બેઠા હું લેકચર શરૂ થવાની રાહ જોઈ રહી હતી ત્યારે આવા મરાઠી શબ્દો મારા કાને પડ્યા. હિન્દીભાષી દિલ્લીમાં મરાઠી શબ્દો સાંભળીને એકવખત તો હું આનંદિત થઇ ઉઠી પરંતુ જયારે પાછળ ફરીને જોયું તો ક્લાસની છેલ્લી બેંચ પર ગઈકાલે જેમણે મારો પીછો કરેલો એ બે યુવકોને પાછળ બેઠેલા અને મરાઠીમાં બોલતા જોઈ હેબતાઈ ગઈ.

“તુમ્હાલા મરાઠી યેતે.?” (“તમને મરાઠી આવડે છે.?”) આશ્ચર્ય અને આનંદની મિશ્રિત લાગણીઓ સાથે મેં તેમને પૂછ્યું.

“આમચા દુસરા કુઠલા આશય નાહી. આમ્હાલા તુમચ્યાશી કેવળ મૈત્રી કરાયાચી આહે. (“અમારો બીજો કોઈ આશય નથી. અમે તો ફક્ત તમારી સાથે દોસ્તી કરવા માંગીએ છીએ.”) મરાઠીમાં બોલતો બેમાંનો એક યુવક બેંચ પરથી ઉભો થયો અને ધીમે ધીમે ચાલતા મારી પાસે આવ્યો. ગઈકાલની માફક જ તેણે રાઉન્ડ નેકવાળું ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેર્યા હતા. તેના હાથમાં એક નોટબુક હતી જેમાં જોઇને તે આ મરાઠી વિધાનો બોલી રહ્યો હતો. તેને જોઇને મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો.

“કુઠલા હરકત નાહી આણી કાલચ્યા ગેરવર્તન સાઠિ મી આપલી ક્ષમા માગતે. (“કોઈ વાંધો નહિ અને ગઈકાલની મારી ગેરવર્તણુક બદલ માફી ચાહું છું”) જાણે કોઈ મરાઠીભાષી સાથે વાત કરી રહી હોઉં એમ તેને મેં જવાબ આપ્યો. કોઈપણ પ્રકારના પ્રતિભાવ આપ્યા વગર ગઈકાલની માફક જ ફરી બટાટા જેવી આંખો કરીને તે મને ઘુરવા લાગ્યો એટલે હું સમજી ગઈ કે એકપણ મરાઠી શબ્દ તેને સમજાયો નથી. “કોઈ વાંધો નહિ અને ગઈકાલની મારી ગેરવર્તણુક બદલ હું માફી ચાહું છું એવું મેં કીધું.” મેં હિન્દીમાં ભાષાંતર કરતા કહ્યું.

“મારું નામ પલ્લવી કેલકર છે અને તમારું.?” થોડીવાર ક્લાસમાં શાંતિ બની રહી. મને બંને યુવકો દોસ્તી કરવા યોગ્ય લાગ્યા એટલે દોસ્તી કરવા માટે હાથ આગળ કરતા મેં કહ્યું. આટલીવારમાં છેલ્લી બેંચ પર બેઠેલો બીજો યુવક પણ ચાલીને મારી પાસે આવ્યો. તેણે આજે પણ શર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલું હતું.

“રણજી....જી...જી...” આટલા વખતથી જે યુવક નોટબુકમાં જોઇને મારી સાથે મરાઠીમાં વાત કરતો હતો તે પોતાનું નામ બોલતી વખતે અચકાવવા લાગ્યો હતો. “તે રણજીત કુમાર છે અને હું સુભાષ કોહલી.” બીજા યુવકે મારી સાથે હાથ મિલાવતા કહ્યું.

@ @ @

“તમને રણજીત વિષે જાણવું હતું ને, તેને એક સમસ્યા હતી અટકી અટકીને બોલવાની.” પલ્લવીની આંખમાં આંસુઓ હતા પરંતુ કદાચ તે દુઃખના નહિ પરંતુ ખુશીના આંસુઓ હતા. આટલા સમયે રણજીતને યાદ કરવાના કારણે આમ થયું હોય કે પછી પોતાના બંને મિત્રો સાથેની પહેલી મુલાકાતને યાદ કરવાના લીધે, નિહારિકા માટે તેનું કારણ જાણવું મુશ્કેલ હતું.

કાવેરીના મૈસુર મસાલા ઢોસા ખુબ પ્રખ્યાત છે એવું નિહારિકાએ કહેલું એટલે ઓર્ડરમાં લખાવેલા મૈસુર મસાલા ઢોસા આવી ચુક્યા હતા. ટેબલ પર ડીનર આવ્યા બાદ પણ મહત્વના અમુક મુદ્દાઓ પોતાની ડાયરીમાં ટપકાવવાનું નિહારિકા ચૂકી નહતી માટે જ અત્યારે તેની ડીનરની પ્લેટ એકબાજુ પડી હતી અને પેન ડાયરી પર દોડી રહી હતી.

“ચાલો હવે આપણે ડીનર પૂરું કરીએ, વાતો બહુ કરી હવે સખત ભૂખ લાગી છે.” પલ્લવીએ ફોર્ક અને સ્પુન હાથમાં લેતા કહ્યું.

“અને આગળની કહાની.?” ડાયરીમાંથી માથું ઊંચકીને નિહારિકાએ પૂછ્યું.

“ફરી ક્યારેક જયારે તમારા એસપી સાહેબ ઘરે હાજર ના હોય..” મસ્ત મજાનું સ્મિત આપતા પલ્લવીએ કહ્યું. ડાયરીને પોતાની હેન્ડબેગમાં મુકીને નિહારિકાએ પણ ફોર્ક અને સ્પુન ઉપાડ્યા.