અવની - 2 Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવની - 2

અવની

ભાગ 2

અને પછીના રવિવારે જ બીજી મુલાકાત નસીબથી જ રતનમહાલ માં થઇ, તે ફેમિલી સાથે ફરવા આવી હતી ને હું પણ દોસ્તો સાથે ગયો હતો. રતનમહાલ શહેરથી 40 km દુર રીંછ અભયારણ્ય છે. હું એ તેની સામે જોઈને સ્માઈલ આપ્યું ને હાથ હલાવ્યો, મને એમ હતું કે તે મોં ફેરવી લેશે, પણ ના, તેને પણ સ્માઈલ કર્યું, મારામાં હિમ્મત આવી ને હું તેની પાસે જઈ ને બોલ્યો

''ઓહ્હો, તમે અહી?''
હા, અહીં .. આ ડ્રેસ કેવો છે તે કહો.''
ઓહ, હજુ તમે ભૂલ્યા નથી? સોરી,પણ શું કરું? મને ખોટા વખાણ કરતા આવડતા જ નથી, અરે સાચા વખાણ પણ હું જવલ્લે જ કરું છું,તમારા ગયા પછી બહેને પણ મને ખુબ ખખડાવ્યો, દરેક જગ્યાએ ગમે તેમ બોલી ને મને હાથે કરીને અળખામણો થવાની કુટેવ છે, ફરીવાર .. સોરી...''

''મનેય ચાપલુસી પસંદ નથી, તમે એ કહોને કે આ ડ્રેસ કેવો છે?''

''બરાબર જ છે, જીન્સ તો સદાબહાર છે, તેને કોઈ પણ અને ગમે ત્યારે પહેરી શકે.''

''હાશ..બચી ગયો..નહિ તો પેલા ડ્રેસ ની જેમ આ ડ્રેસ પણ સહેલીને આપી દેવો પડતો.''

''એટલે તમે મારી મજાકને સિરિયસલી લીધી હતી?''

''હા, કેમ કે તે મજાક નહોતી, કોલેજમાં કે ગમે ત્યાં આજ દિવસ સુધી મેં મારા ને મારી વસ્તુઓના વખાણ જ સાંભળ્યા છે, ને હું ગાંડી સાચું માનીને પોરસાતી હતી.''

''દરેક છોકરીઓ, સ્ત્રીઓને તારીફ જ પસંદ છે, જો કે આ ડ્રેસ તો સહેલી પણ નહિ લે, ગાભાવાળો કદાચ એક-બે કાચના વાટકા જ આપે....''

''એટલે?? શું તમે મારુ પૂરું વોર્ડ રોબ બદલાવી નાખશો? ફાઉન્ડેશન ક્રીમ તો હવે મારુ અલગ લઇ આવી છું, પહેલા તો એક-બીજાનું જ વાપરી લેતા હતા.''

આમજ વાતો થતી રહી, દૂર થી તેના ભાઈની નજર તો અમારા પર જ હતી. તેણે જીન્સ ને ટોપ પહેર્યા હતા, તેથી વળાંકો સ્પષ્ટ જોવાતા હતા, મને લાગ્યું કે હજુ તેનો વજન 3-4 કિલો વધુ હોતો તો સારું... આમ તો હું વેજીટેરીઅન છું, પણ મને મીટ ખુબ ગમે છે,ખાસ તો તે છોકરીઓના શરીર પર હોય ત્યારે… મારા દોસ્તોએ મને જરાય ડિસ્ટર્બ કર્યો નહિ, પણ તેના ભાઈ એ તેને બુમ પાડીને બોલાવી લીધી. હું એ તેને મારો તેમજ ઘર-ઓફિસના નંબરો આપ્યા, તેનો માંગતો તો તે જરૂર આપતી, પણ મારા અહંકારને લીધે મારાથી માંગી શકાયો નહિ. મેં તેને ફોન કરવાનું કહ્યું, તે હસી ને જતી રહી. તેની આંખોમાં મને એક અજબ, વિચિત્ર ચમક જોવાઈ, કે મારો વહેમ હતો...ખબર નથી.

બીજી મુલાકાત પછી તો તે મને વધારે ગમવા લાગી... હવે હું તેને માટે ગંભીર હતો, તેને પણ મારામાં રસ પડ્યો છે, કે મને એવું લાગતું હતું? ગમે-તેમ હું તેની સાથે વાતો, મારા વિચારો શેર કરવા માંગતો હતો, ખુબ રખડવું હતું, તે એવી હતી કે તેની સાથે ગંભીર ચર્ચાઓ પણ કરી શકાય અને મજાક-મસ્તી પણ કરી શકાય. હું એવી કોઈ દોસ્ત ઈચ્છતો હતો કે જેના માં અક્કલ હોય, નાદાની હોય, મજાક,કટાક્ષ કરી શકે, હ્યુમરને સેન્સ કરી શકે... મને ગમતી બધી જ વાતો તેનામાં હતી. તેને શું ગમે છે, તે જાણતો નથી, પણ નક્કી કર્યું કે તેને ગમે કે ના ગમે પણ હું જેવો છું તેવો જ તેની સામે રહીશ....જરાય દંભ કે તેને છેતરવાની કોશિશ નહિ કરું. દુનિયામાં કોઈક જ એવું હોય છે કે જેની સામે બધા જ આવરણ ઉતારી કાઢવાનું મન થાય, સંપૂર્ણ નગ્ન થઇ જવાય....

તેના અને તેની ફેમિલી વિષે ઘણી, લગભગ બધી જ માહિતી એકઠી કરી લીધી હતી. મને આશા હતી કે તે જરૂર ફોન કરશે, નહિ કરે તો?? કદાચ તે મારા ફોનની વાટ જોતી હશે? તેનો નંબર તો મેં માંગ્યો જ નહોતો, પણ મેળવવો અઘરો પણ નથી. કે તેને મારામાં રસ નથી? કે જેમ મેં બધી તપાસ કરી છે તેમ તેણે પણ મારા વિષે કરી જ હશે ને? મારો ભૂતકાળ મને નડી ગયો? ખૈર, જવા દે... તે મારા ઈગો કરતા મોટી તો નથી જ...

તેના ફોન ની રાહ જોવામાં ત્રણ મહિના વીતી ગયા. ઓફિસ કે ઘરમાં ફોન વાગતો કે દોડીને હું જ ઉપાડતો, એ આશા એ કે તેનો જ હશે... હું કંટાળી ગયો, રાહ જોઈ જોઈ ને...તે મને ગમતી હતી, તેની સાથે દોસ્તી કરવી હતી, સાથે રખડવું હતું, વાતો કરવી હતી... પણ તેને ય ગમવું જોઈએને... પણ દોસ્તોનું કહેવું હતું કે મહેનત કર્યા વગર કશું ના મળે, ફિલ્ડિંગ તો ભરવી જ પડશે. અને એકવાર વાત કરી લેવી જોઈએ... તે શરૂઆત કરે એટલો બધો પણ હું કઈ લાયક નહોતો.

તે મારા સ્વભાવ ને મારી પ્રકૃતિ વિરુદ્ધનું કામ હતું, તો પણ તે કરવા હું તૈયાર થયો, ને છેવટે હું તેની કોલેજ ના ગેટની ની બહાર જઈને ઉભો રહ્યો ને તેની રાહ જોવા લાગ્યો. તે બહાર આવી, હસી, ને બોલી '' ઓહો, કેમ તમે અહી?''
એક મિનિટના 30 પૈસા છે, ને મિસકોલ કરવાના તો પૈસા જ લાગતા નથી...સબંધ રાખવા હવે કેટલા સસ્તા થઇ ગયા છે નહિ?? તોયે અમુક લોકોને તેનો લાભ લેતા આવડતો નથી, શું કહો છો??

તે ખુલીને ખડખડાટ હસી પડી, ને હસતા હસતા બોલી ''સામેવાળાની કિંમત 30 પૈસા જેટલી તો હોવી જોઈએને?? છોડો, તમે અહીં શું કરો છો? આ કોલેજ છે, ને અહીં વાલીઓને આવવાની મનાઈ છે..''

''સાચું કહું કે જુઠું?''
વારાફરતી બંને કહી દો..''
જુઠું કહું તો, દોસ્ત અંદર ગયો છે, તેની રાહ જોઉં છું.''
તે તરત બોલી કે ''સાચું એ છે કે તમે એને જોવા આવ્યા છો કે જે તમારે માટે 30 પૈસા ય ખરચતી નથી, બરાબર ને?''
ના ના બિલકુલ બરાબર નથી. તમને જોવા હોય તો હું રોજ જોઈ શકું છું, પણ મને લાગ્યું કે તમને પણ મને જોવાનો લ્હાવો આપવો જોઈએ... એટલા માટે અહી આવ્યો છું.''
આ નવું છે.''
ઘણું નવું જાણવા મળશે જો તમે અડધો કલાક આ બેન્ચ પર મારી સાથે બેસો તો..''
વાંધો નથી, પણ મને સતત કશું ખાવા જોઈએ છે, એટલે તમે પહેલા વેફર લઇ આવો ને બીજી શરત કે કશીય ખોડ-ખાંપણ કાઢવી નહિ.''
મેં વેફરનું પેકેટ તેને લાવી આપ્યું, તોયે તે હાથ લાંબો કરીને બોલી '' લાવો....''

મને કઈ સમજ પડી નહિ ''શું?''

''ચોકલેટ નથી લાવ્યા?''

''સોરી, જો મને ખબર હોતી કે આવો રિવાજ છે, તો હું જરૂર લાવતો... ને ફરીથી લેવા જવામાં હું ટાઈમ બગાડવા માંગતો નથી...''

''વાંધો નહિ, કાલે બે લેતા આવજો'' ને બે હાથથી ઈશારો કરી ને બોલી ''ના, ના એક જ મોટ્ટી લાવજો.''

હું રોમાંચિત થઇ ગયો, આ તો કાલે ફરી આવવાનું ખુલ્લું આમંત્રણ હતું.

મને લાગ્યું કે મેં ફોકટમાં ત્રણ મહિના બગાડી નાખ્યા, અને ખોટો ડરતો હતો. ખૈર, તેનામાં એવી ઘણી વસ્તુ હતી જે મને ગમતી હતી, હવે તે મને વધારે ગમવા લાગી, ખાસ તો તેની બોલ્ડનેસ, સેન્સ ઓફ હ્યુમર, નિખાલસતા, નિર્દોષતા... તેની પાણીદાર અને હંમેશા હસ્તી આંખો...તેની આંખોમાં મેં લુચ્ચાઈ ને કપટ શોધવાની ઘણી કોશિશ કરી, પણ મળ્યા નહિ. તે એવી હતી કે કોલેજના કેટલાયે છોકરાઓ તેના પર મરતા હશે.. અમે હવે તમે પર થી તું પર આવી ગયા હતા.

મને ગુસ્સો ચડ્યો જયારે તેની ફ્રેન્ડ આવીને બોલી ''ચાલને... કેટલી વાર?? મારે ઘેર થી બે ફોન આવી ગયા છે...''

''હા, બસ જઇયે જ છે.'' કહીને તે ઉભી થઇ.

મેં કહ્યું કે ''તું બેસ, તેને જવા દે, આપણે તો અડધો કલાક બેસવાના હતા, હજુ તો દસ મિનિટ પણ થઇ નથી.''

'' ના, મારી એક્ટિવા પર અમે બે આવ્યા છે, એક વીક તે એક્ટિવા લાવે છે ને એક વીક હું લાવું છું. એટલે મારે તેને લઇ જવી જ પડશે, પણ ફોન કરતો રહેજે, ને મળતો રહેજે.''

તે જતી રહી, મને શું થતું હતું, કે હું શું ફીલ કરતો હતો તે વર્ણવી શકતો નથી, પણ મારામાં એક નવી જ ઉર્જાનો ધોધ ફૂટ્યો હતો. હવે મને બધા જ માણસો સારા અને દુનિયા ખુબસુરત લાગતી હતી.