Avni books and stories free download online pdf in Gujarati

અવની - 1

અવની

ભાગ એક

હું દોસ્ત જોડે વાતો કરતો હતો, ને અચાનક હસવા, કિકિયારીઓ, ને તાળીઓ પાડવાના અવાજથી ચોંકી ને જોયું તો બાજુના સ્ટોલ પર બે છોકરીઓ રિંગ ફેંકી ને સાબુ જીતી લીધો તેની ખુશી મનાવતી હતી.

મોટા પાર્ટી પ્લોટમાં મેળો લગાવ્યો હતો, ખાવા-પીવાના સ્ટોલ અને રમતોના સ્ટોલ હતા. તે પછી બુફે ડીનર હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાતિનો મેળાવડો રાખ્યો હતો, કે જેથી દૂર દૂર રહેતા લોકો મળી શકે.

આમ તો હું કોઈ મેળાવડા કે સામાજિક પ્રસંગોમાં જતો નથી, પણ આજે તો બે બહેનો ને ભાભીના આગ્રહને માન આપીને હું આવ્યો હતો. મને આ બધું ગમતું નથી, ખોટે-ખોટું હસવું, ગળે લાગવું, વેવલાવેડા કરવા, પોતાના કપડાં ને ઘરેણાં બધા જુએ તેમ પ્રદર્શન કરવું, મોટાઈ મારવી, દંભ, દંભ, દંભ....

ખુબ ભીડ અને શોર હતો. હું કંટાળતો હતો ને દોસ્ત મળી ગયો, સારું થયું, ડીનર સુધી ટાઈમ પાસ તો થશે...

સાબુ જીતેલી છોકરી હજુ હસતી હતી ને ઉછળી ઉછળીને નાની બહેન ની તાળીઓ લેતી હતી. મેં તેની પાસે જઈને બોલ્યો ''કોન્ગ્રેચ્યુલેશન, તમે તો પાકિસ્તાન જીતી લીધું....''

તે ચૂપ થઈ ગઈ ને ધારદાર નજરે મને જોયો ને નાની બહેન નો હાથ પકડીને જતી રહી. દોસ્ત પાસે આવીને બોલ્યો '' તું પાકું માર ખાઈ ને જ ઘેર જવાનું નક્કી કરીને આવ્યો છે?''

મેં કશો જવાબ આપ્યો નહિ, પણ મારી નજર તો તે છોકરીને શોધતી હતી. અને તે દેખાઈ.. દોસ્તને કહ્યું કે ચાલ આપણે તેની સાથે દોસ્તી કરીએ, કૈંક અલગ અને 'હટકે' કહેવાય એવી છે.''

તે બોલ્યો કે '' હું તને ઓળખું છું, બધી જ તને 'હટકે' લાગે છે, હું તો પયણેલો છું, ને મને જાહેરમાં બેઇજ્જતી કરાવવાનો શોખ નથી, તું તારે જા..''

તેની વાત મહદ અંશે સાચી પણ હતી, જો કે હું માનતો નથી, પણ મારી છાપ કોલેજમાં ઉછાંછળો અને પ્લેબોય પ્રકારની હતી. હું ઘણા ફ્લર્ટ કરી ચુક્યો છું, પણ તે ઉંમર જ એવી હતી. તે પછી તો મારા આ સ્વભાવને કારણે ઘણી ઠોકરો ખાધા પછી હવે તો હું ખુબજ ગંભીરતાથી સબંધ આગળ વધારું છું. ગમે-તેમ આ છોકરીને જોઈને પહેલા ની જેમ મને વિચાર આવતા નહોતા. પહેલા તો દોસ્તી કે ઓળખાણ કરતા જ તે પથારીમાં કેવી લાગશે? તેની કલ્પના કરી ને જ હું આગળ વધતો....

હું એકલો જ તેની પાછળ ગયો ને તેને દૂરથી જોવા લાગ્યો. મને શું થયું હતું તે ખબર નથી, પણ તેનામાં એવું કશુંક હતું જે મને ખેંચતું હતું. ટૂંકા વાળ અને કાળો વાન મને ચુંબકની જેમ ખેંચતા હતા. કઈ પણ થાય, આવી એક દોસ્ત તો હોવી જ જોઈએ... કઈ રીતે તેનાથી વાત કરવી? કોઈ સાથે હોત તો સારું,

હું મારી બહેનને શોધવા લાગ્યો, અને તે છોકરી ખોવાઈ ના જાય તેનું પણ ધ્યાન રાખવાનું હતું, બહેન જોવાઈ નહિ, ફોન કર્યો, પણ શોર એટલો હતો કે તેને રિંગ સંભળાવાની શક્યતા નહોતી, પણ નસીબ જોગે બીજીવારની રિંગ પુરી થતા પહેલા ફોન ઉપાડ્યો. મેં તેને મારી પાસે બોલાવી લીધી.

બહેનને મેં દૂર થી પાણીપુરી ખાતી છોકરી બતાવી, ને પૂછ્યું '' ઓળખે છે?''

બહેન સહેજ નજીક જઈને જોઈ આવી, ને બોલી ''હા, આ તો ફલાણાની....પણ મને છોકરીનું નામ યાદ આવતું નથી.''

''મને ઓળખાણ ને દોસ્તી કરાવ...''

''કેમ? શું ઉડે છે તેમાં?''

''તને સમજ ના પડે, તું ઓળખાણ કરાવે છે કે નહિ??''

‘’ચાલ, તું તો આવતો નહોતો ને? જો આવ્યો તો ફાયદો થયો ને... કોઈક તો ગમી, ભલે ને ચુડેલ જેવી છે...''

બહેન તેની પાસે ગઈ, ને તેઓ વાતો કરવા લાગ્યા, હું દૂર ઉભો હતો, થોડીવારે બહેને મને ઈશારો કરીને બોલાવ્યો, ને મારી ઓળખાણ આપી.

મારી સાથે હાથ મિલાવતી વખત તેનું મોં સહેજ વંકાયું, ને બહેન ને સંબોધીને બોલી ''અમુક પનોતી ને રોતલ લોકોને તો આવા પ્રસંગોએ આવવું જ ના જોઈએ, પોતે તો કોઈ દિવસ ખુશ થતા નથી ને બીજાને ખુશ જોઈ શકતા પણ નથી.'' તે મને સંભળાવી રહી હતી, મને તેના બોલવાની રીત ગમી.

બહેને પણ વટાણા વેરી દીધા, ને બોલી ''આ તો ભાઈને તારી સાથે ઓળખાણ, દોસ્તી કરવી હતી, એટલે જબરદસ્તી મને લાવ્યો.''

''કેમ?'' ને મારી સામે જોઈને બોલી ''કેમ દોસ્તી કરવી છે?''

મેં કહ્યું ''બસ એમ જ... હું ક્યારનો કોઈ રિંગ ફેંકવાના એક્સપર્ટને શોધતો હતો, જે મને પણ સાબુ જીતી આપે...મારી એકેય રિંગ સાબુ પર પડી નહિ, તમે સાબુ જીતી આપો, ઘણા દિવસથી ન્હાયો નથી.''

તે ખિખિલાટ હસી પડી, અમે ઔપચારિક વાતો કરતા રહ્યા, તેણે અમને પાણીપુરી પણ ખવડાવી. તે કોલેજમા હતી. તેની નિર્દોષતા,નિખાલસતા, નાદાનિયત અને તેનું ખુલી ને જોરથી હસી પડવું મને આકર્ષતા હતા.

આમ જ અમે વાતો કરતા હતા, ને છેલ્લે મારાથી ભાંગરો વટાઈ જ ગયો, બોલ્યો '' આ ડ્રેસ સરસ છે, પણ તમારે માટે નથી, તમને બિલકુલ શોભતો નથી. ને ફેસ પર ફાઉન્ડેશન ક્રીમ પણ સાચા નંબરનું લગાવ્યું નથી, તોયે તમે ખુબસુરત લાગો છો.''

''વ્હોટ? શું તમે ડ્રેસ ડિઝાઈનર છો? કે પાર્લર ચલાવો છો? ''

''ના, પણ... ''

''ઓકે, મારી મમ્મી વાટ જોતી હશે, બાય..'' કહીને તે તેની નાની બહેનને લઇ ને જતી રહી.

તેના ગયા પછી બહેન ગુસ્સાથી બોલી કે ''તને છોકરી જોડે વાત કરતા આવડતું નથી, ગમે તેવો લઘરા જેવો ડ્રેસ હોય કે ચુડેલ જેવો મેકઅપ હોય તો પણ વખાણ જ કરવાના, હવે આ તારી સાથે દોસ્તી તો દૂર પણ વાત સુધ્ધાં નહિ કરે. હરિશ્ચંદ્ર મરી ગયો ને તને છોડી ગયો... ખોટા વખાણ ના કરી શકતો હોય તો ચૂપ તો રહી શકેને??''
હા, ચૂપ રહેતા મારે શીખવું પડશે, સાલો આ દંભ...છોકરીઓને પણ દંભ જ પસંદ છે??

આ છોરી એટલી સજ્જડ મારા દિલ-દિમાગમાં છવાઈ હતી કે મને બીજું કશું સૂઝતું જ નહોતું... બધા કહે છે તેમ આને પહેલી નજરનો પ્રેમ કહેવાય? જો હોય તો તે કેટલામો હતો? પ્રેમ-બેમ તો ઠીક છે, પણ હું આકર્ષાયો જરૂર હતો. એવું તો શું જોઈ લીધું'તું તેમાં? સુડોળ અને સુંદર તો હતી જ, પણ ઊંચાઈ સહેજ ઓછી, 5 ફૂટની હશે, પણ ઊંચી હિલ ને લીધે તે બરાબર લાગતી હતી. ગમેતેમ મારે તેની સાથે દોસ્તી કરવી જ છે. તે માટે હું ગમે તે કરીશ, પણ મારા સ્વમાન કે અહમ ના ભોગે તો નહિ જ....

બીજા રસપ્રદ વિકલ્પો