અવની
ભાગ 3
બીજે દિવસે હું ચોકલેટનું મોટું ગિફ્ટ પેક લઈને કોલેજ ગયો. તેણે પોતાના ગ્રુપના દોસ્તો સાથે મારી ઓળખાણ કરાવી, છોકરાઓને ગમ્યું હોય તેવું લાગ્યું નહિ. પણ મને કોઈની પડી નહોતી.
બસ, પછી અમારી દોસ્તી જામી, રોજ અમે ફોન પર વાતો તો કરતા જ, અને તે ઉપરાંત અવની અવાર-નવાર અમારી ઓફિસ કમ ગોડાઉન કમ શોરૂમ પર આવતી. અમારો હોઝિયરીનો હોલસેલનો ફેમિલી બિઝનેસ છે, જે હું, મારો મોટો ભાઈ અને પપ્પા સંભાળીએ છીએ. હા, તેનું નામ અવની છે.
તે મારી સાથે બિન્દાસ ફરતી, તેની આ નીડરતા મને ખુબ ગમતી. તે અચાનક ને ગમે તે સમયે ઓફિસ પર આવી જતી, મારા પપ્પાને તે અંકલ કહેતી, તે જોર જોરથી વાતો કરતી ને ખુલી ને ખડખડાટ હસતી. હું પણ બધું કામ પડતું મૂકીને તેની સાથે વાતો કરતો અથવા અમે બહાર લોન્ગ ડ્રાઈવ પર નીકળી જતા. પપ્પા અને ભાઈ બધું જોયા કરતા, પણ કશું બોલતા નહોતા, પણ મને ડર લાગતો, ને હું જે નહોતો ચાહતો એવું કશું બને તે પહેલા પપ્પા થી વાત કરી લેવી સારી..., ''જુઓ, અવની ગમે ત્યારે આવે છે, ને હું પણ કામ અધૂરું મૂકીને તેની પાછળ લાગી જાઉં છું, તે જોઈને તમને ગુસ્સો આવતો હશે, બરાબર પણ છે, પણ તમે તેને કશું કહેશો નહિ, જે કહેવું હોય તે મને કહો, તેને કહેશો તો તે બચારી માસુમ ઢીંગલી ને ખોટું લાગશે... હું તેને ધીરેથી સમજાવી દઈશ.''
''હુંહહ્હ્હ ''
''શું હુંહહ્હ્હ??''
''એજ કે ગુસ્સો આવશે તો તને કહીશ, તેને નહિ કહું....બસ? પણ મને જાણે કેમ પણ આ છોકરી પર ગુસ્સો આવતો નથી, મને તે ઘણી જ ગમે છે.''
''ગમે જ ને.. તે છે જ એવી...ને મેં તેને શોધી છે. આખરે દોસ્ત કોની છે???''
હવે હું ખરેખર તેને ચાહવા લાગ્યો હતો, તેની વાતો, તેના વિચારો, તેનો થનગનાટ, તેનું રમતિયાળપણું... જીવંત, હસતી-રમતી... તેની હાજરી માત્ર થી જ તે પૂરો માહોલ ખુશનુમા બનાવી દેતી....મનોમન નક્કી કરી લીધું કે લગન કરીશ તો આની સાથે જ, જો તે ના પાડશે તો બીજે ક્યાંય લગન નહિ કરું....વાર્તામાં કે ફિલ્મોમાં હોય છે એમ તેની યાદમાં રડીશ? પાગલ થઇ જઈશ? કવિ કે શાયર બની જઈશ? - ના, એવું નહિ પણ મને આવી જ છોકરી જોઈએ, અને તેના જેવી બીજી તો હોય જ નહિ ને?? એટલે જો અવની ના પડશે તો બીજી અવની શોધવાની મિથ્યા કોશિશ મને કરવી નહોતી.
તેને હું અવાર-નવાર મારા ઘેરે પણ લઇ જતો હતો. તેના ઘેરે પણ એકવાર મને લઇ ગઈ પણ તેના ઘરવાળાને મારુ આવવું ગમ્યું હોય તેવું લાગ્યું નહિ. અમે ફોન પર ખુબ વાતો કરતા, મારી ભાભી અને મારી બહેનો ને પણ તે ગમતી હતી, અને હું તેની સાથે શાદી કરું તેવી તેમની ઈચ્છા હતી. રોજ તેઓ મને મોડું થાય તે પહેલા વાત કરી લેવા કહેતા હતા. પણ હું કહીશ, કહીશ કહીને ટાળતો હતો. આમ તો મને પૂરો વિશ્વાસ હતો કે તે ના નહિ પાડે પણ ઓપચારિક્તા પુરી કરવી જરૂરી હતી.
મારા લગભગ બધા દોસ્તો પરણેલા હતા, હું પણ 31 પાર કરી ચુક્યો છું, જયારે અવની 22 ની હશે... દોસ્તો સજોડે ભેગા થતા કે અમે પીકનીક કરતા તો હું તેને મારી સાથે લઇ જતો.
મને મારા ભાઈ સાથે હમેશા મત-ભેદ રહ્યા છે, ને રહે જ છે. તે હમેશા હું કૈંક ઊંધું મારીશ તેની ફિકર માં જ રહે છે ને મને ટોક્યા જ કરે છે. તે પણ બોલ્યો કે-
''આમ તો તારા દરેક કામ ઉંધા જ હોય છે, પણ આ છોરી સાથે દોસ્તી કરી તે મને ખરેખર ગમ્યું છે, જો છોરી હા પાડે તો મોઢું ધોવા જતો નહિ, ઘરમાં રોનક ને ખુશહાલી લાવી દેશે.''
ભાભી અને બહેનોના ઘણા મહેણાં-ટોણા સાંભળ્યા પછી એક દિવસ મારામાં શુરાતન ઉભરાયું, ને નક્કી કર્યું કે આજે તો કહી જ દેવું છે. હિમ્મત અને શૂરાતન ઓસરી જાય તે પહેલા મેં તેને ફોન કર્યો ''ક્યાં છે?''
''કોલેજ….. કેન્ટીનમાં બેઠી છું, કેમ?''
''જરૂરી કામ છે, હું લેવા આવું છું.''
''ના, હવે મારુ સાયકોલોજી નું લેક્ચર છે, જે હું મિસ કરવા નથી માંગતી''
''અરે છોડ લેક્ચર ને તારા થોથાઓ, મારી સાથે રહીશ તો હ્યુમન સાયકોલોજીના પ્રેક્ટિકલ પાઠ શીખવા મળશે''
''ના, મને તારા જેવું નથી કરવું..''
''મારા જેવું? એટલે?''
''કેમેસ્ટ્રી સાથે M.Sc. કર્યું ને હવે ગંજી, જાંઘીયા અને બોડીસો વેચે છે.''
''હા હા હા !!! જલ્દી બહાર આવ, હું વેઇટ કરું છું.''
''ના, મારાથી હમણાં નહિ અવાય.''
પણ હું જાણતો જ હતો કે તે આવશે જ, ને હું કોલેજ પહોંચ્યો તો તે ગેટ પર ઉભી હતી.
અમે પાર્કમાં આવ્યા ને બેન્ચ પર બેઠા, તે શું કામ હતું? બોલ હવે.. કહીને નીચે ઘાસ પર પડખાભેર માથું હથેળી પર ટેકવીને આડી પડી. હું પણ ઉઠીને નીચે તેની પાસે બેસી ગયો, ને કઈ રીતે કહેવું તે શબ્દો ગોઠવવા લાગ્યો. તે મારી આંખમાં જ તાકી રહી હતી. ફિલમો જોવાનો શોખ રાખતો તો આજે મને તકલીફ પડતી નહિ. હું નીચું જોઈ ને તેની હેન્ડ બેગ ખોલ-બંધ કરતો હતો. તે પણ ધીરજ થી મારા બોલવાની રાહ જોતી હતી.
''જો, મેં એક મહત્વનો નિર્ણય લીધો છે, ને તારી સલાહ જોઈએ છે.''
''હુંહ ''
''મારા બધા દોસ્તો પરણી ગયા છે, હવે મને પણ લાગે છે કે મારે પણ લગન કરી જ લેવા''
''બરાબર છે, પરણી જા...''
''તારી સાથે....''
કહીને હું એ તેની આંખમાં જોયું, તે હસતી હતી, તે જરાય સરપ્રાઈઝ થઇ હોય તેવું લાગ્યું નહિ. તે ઉઠીને પલાઠીવાળીને મારી સામે બેઠી, મેં તેના બંને હાથ પકડ્યા, તે હાથ છોડાવીને હસતા હસતા બોલી ''જા, જા ફૂટ અહીંથી..તું તો ડિવોર્સી છે...''
''તો? તો શું થયું? અનુભવ જ વધ્યો ને.... આજ-કાલ દરેક જગ્યાએ અનુભવીને પ્રાથમિકતા અપાય છે..''
તે ખડખડાટ હસી ને બોલી ''જોયો મોટો અનુભવી.... ઘરવાલા???''
''માનશે, એમ સમજ કે માની જ ગયા છે.. બધા પર તારો જાદુ છવાયો છે.. તારા ઘરવાળા ની ખબર નથી, પણ રિવાજ મુજબ કહેણ તો જરૂર મોક્લાવીશું''
''મારા તો માનશે જ નહિ, આ દોસ્તી માટે પણ હું કેટલી કિંમત ચૂકવું છું, કેટલો વિરોધ, ઝઘડા, ને ટોર્ચર નો સામનો કરું છું, ને તને મળવા માટે કેટલા બહાના ને કેટલા લેક્ચર બંક કરું છું, તે હું જ જાણું છું. બધાને તારી એલર્જી ને ચીડ છે, ખાસ તો મારા ભાઈ ને...તેઓએ તો મારુ ગોઠવી પણ રાખ્યું છે, અમેરિકાથી ડોક્ટર આવશે, મળીશું ને લગન કરીને મને અમેરિકા લઇ જશે.'' બોલતા બોલતા અવનીની આંખો ભીની થઇ.
મેં તેનો ઢીચણ પકડ્યો ને બોલ્યો ''અરે બેબી, મને બધી ખબર છે ને હું બધું જાણું છું, ને તારી આ હિમ્મત ને નીડરતા પાછળ તો હું પાગલ થયો છું.''
‘'ના પાડશે તો ?'’
'તું મનાવજે, છેલ્લે ના માને તો મને ફોન કરજે, કલાક માં તો આપણે પતિ-પત્ની હોઈશું, કોણ રોકશે આપણને?'
તે ફરીથી તેના ઓરીજીનલ મૂડ માં આવી ગઈ. તે મજાક માં બોલી ''મને વિચારવું પડશે..''
''ભલે, એક મિનિટ વિચારી લે, તારો સમય સ્ટાર્ટ થઇ ગયો છે....''
''હમણાં જ મને બિગ મેક ખવડાવીશ તો જ હું હા કહીશ...''
જાહેર જગ્યા હતી એટલે હું એ તેનો ફક્ત હાથ પકડ્યો ને બીજો હાથ તેના માથા પર ઘસીને તેના વાળ વીંખી નાખ્યા. તે હસ્તી હતી, હવે મને કોઈની પડી નહોતી, પુરા સમાજ થી લડવાની તાકાત આવી ગઈ હતી. અવનીએ મને ખાતરી આપી કે તે પોતાના ઘરવાળાઓને મનાવી લેશે, ને મારી પાસેથી પ્રોમિસ લીધું કે હું જરાય વચ્ચે નહિ આવું.
તે બોલી ''તારામાં જરાય નજાકત, કે શિષ્ટાચાર નથી.''
''કેમ? હાથ જોરથી પકડાઈ ગયો?''
''એની વાત નથી કરતી ડોબા, આ રીતે પ્રપોઝ કરાય? ફિલ્મો ની જેમ ઘૂંટણિયે પડીને, હાથમાં ફૂલ લઈને કહેવું જોઈએને...સાલો અચર... ગંજી, જાંઘીયા વેચી વેચી ને તું પણ પથારાવાળાઓ જેવો જ થઇ ગયો છે.''
''અરે આ પણ મારા માટે અઘરું હતું, મારો વિચાર તો મેરેજ ફોર્મ લઇ ને જ આવવાનો હતો, તને આપતો ને કહેતો સહી કર.''
ખૈર, મારા માટે બધું પૂરું થયું હતું, હવે બીજું બધું ગૌણ હતું, હું હવામાં ઉડવા લાગ્યો, હવે કોઈની તાકાત નથી કે અમને રોકી શકે....ત્યાંથી અમે દૂર હાઈ વે પર કારમાં ગયા, ત્યારે પહેલીવાર હુંએ તેના સહેજ ખારા હોંઠનો સ્વાદ ચાખ્યો. અમારા બંનેના હાથ પોતાની જાતને સામેવાળામાં શોધવા મથતા હતા.