માઁ, મને માફ કરીશ ને Devyani Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માઁ, મને માફ કરીશ ને

માં, મને માફ કરીશ ને?

દેવ્યાની ડી.જાડેજા

આ કથા એક માં તથા તેના સંતાન વચ્ચેના સંબધની છે. દરેક માં નો પોતાના સંતાન પ્રત્યે નો પ્રેમ તો સરખો જ હોય છે એવું કહેવામાં આવે છે. પરંતુ દરેક સંતાન નો તેની માં પ્રત્યે નો પ્રેમ સરખો જ હોય તેવું જરૂરી નથી. આ કથા કાલ્પનિક છે, પરંતુ આજ ના જમાના માં આવી કથા વાસ્તવમાં હોવી એ કોઈ મોટી વાત નથી.

એક નાનકડા ગામમાં એક કુટુંબ રહેતું હતું. જેમાં એક માં અને તેના બે સંતાન એક દીકરી તથા એક દીકરો હોય છે. દીકરોએ મોટા સંતાન તરીકે તથા દીકરી એ નાના સંતાન તરીકે હોય છે. દીકરાની ઉમર ૧૨ વર્ષ તથા દીકરીની ઉમર ૮ વર્ષ હોય છે. માં દીકરાને પોતાનો રાજા માનતી હોય છે, તેથી તેનું નામ રાજ રાખ્યું હોય છે, તથા દીકરી શાંતિનું પ્રતિક હોવાથી તેનું નામ શાંતિ રાખ્યું હોય છે. માં નું નામ સરલા હોય છે. રાજની ખૂબ જ નાની ઉમરે તેના પિતાનું મૃત્યુ થઇ ગયું હતું. રાજને કદાચ તેના પિતા ની તસ્વીર પણ યાદ નહિ હોય. રાજના પિતાના મૃત્યુ બાદ ઘરની જવાબદારી સરલાબેને લઇ લીધી હતી.

તેમની આર્થિક પરિસ્થિતિ એટલી સારી ન હતી, કારણકે ઘરમાં કમાવવા વાળી એક જ વ્યક્તિ હતી, સરલાબેન. અને તેઓ પણ બહુ ભણેલા ન હતા, તેથી તેઓ બીજાના ઘરમાં કામ કરતા, થોડું ભરતકામ કરતા અને મોડી રાત સુધી સીવણકામ કરતા અને પોતાનું ગુજરાન ચલાવતા, પરંતુ તેમણે રાજ અને શાંતિના ઉછેરમાં પિતાની ઓછપ આવવા દીધી નહોતી. ક્યારેક તો ખાવાના પૈસા પણ ન વધતા, તેમ છતાં તેઓ થોડાઘણા વધેલા પૈસામાંથી રાજ અને શાંતિ માટે ખાવાનું લાવતા અને પોતે ભૂખ્યા રહેતા. વળી, એમ કહેતા કે,” આજે શેઠના ઘેર જમવાનું હતું.” તો રાજ કહેતો કે,” માં, તું પોતે જમીને આવી ગઈ, પરંતુ અમારા માટે તો કશું જ ન લાવી.” પણ શાંતિ કહેતી કે,” માં, તું દરરોજ કેટલું કામ કરે છે. સારું, આજે તને ભોજન મળ્યું.”

આમ, સરલાબેન ખોટું બોલીને ભૂખ્યા પેટે સુઈ જતા, બસ એ જ આશાથી કે એક દિવસ તેમના સંતાનો મોટા થઇ જશે, ત્યારે આવા ખરાબ દિવસો જોવા નહિ પડે. ત્યારે એક નવી સવારનો ઉદય થશે.

પરંતુ ભવિષ્ય કોણે જોયું હતું?

બીજા દિવસની સવાર થતી અને અને સરલાબેન ફરીથી કામે લાગી જતા. સરલાબેન તેમના સંતાનોની બધી જ ઈચ્છા પૂરી કરતા. સંતાનોને ભણતર પણ સારું અપાવતા, પરંતુ તેઓ પોતે ભણતરની બાબતે અજ્ઞાની હતા.

એક વખત રાજ અને શાંતિની શાળામાં નાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં માતા-પિતાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ, કાર્યક્રમમાં અંગ્રેજીમાં બોલવાનું હતું. રાજ અને શાંતિએ પણ પોતપોતાના મનપસંદ વિષય પર થોડું બોલવાનું હતું. રાજ અને શાંતિ એ વારાફરતી પોતાનું વક્તવ્ય આપ્યું. પરંતુ, તે અંગ્રેજીમાં હતું, તેથી સરલાબેનને કંઇજ સમજ માં ન આવ્યું. કાર્યક્રમ પૂરો થયો ત્યારે સરલાબેને રાજને પૂછ્યું,” બેટા તું શું બોલ્યો એ તો કહે.”, પરંતુ રાજે ગુસ્સેથી જવાબ આપ્યો,” માં, તને આટલું પણ નથી આવડતું? બધાની માંને આવડે છે. તું બધાની વચ્ચે મને આવો સવાલ પૂછીશ નહિ. મને શરમ આવે છે.” આવું બોલીને રાજ ગુસ્સામાં પોતાના મિત્રો પાસે ચાલ્યો ગયો. ત્યારે સરલાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમને થયું કે જે દીકરાને આટલો લાડ થી ઉછેર્યો તે જ દીકરો તેની માં સાથે આવી રીતે વાત કરે છે. પરંતુ દીકરા પર અસર ન પડે એટલે તેમણે પોતાના આંસૂ લૂછી કાઢ્યા અને શાંતિ પાસે ગયા અને કંઈ જ પૂછ્યું નહિ અને ફક્ત હસતા રહ્યા. એમને ડર હતો કે શાંતિનો જવાબ પણ કદાચ આવો જ હશે. ત્યારે શાંતિએ પૂછ્યું,” માં, તું પૂછીશ નહિ કે હું અંગ્રેજીમાં શું બોલી?”

ત્યારે માં ખુશ થઇ ગઈ અને બોલી,” બેટા, તું મને સાચે કહીશ?”

ત્યારે શાંતિએ કહ્યું કે,”હા માં, તને તો કહું જ ને. મેં મારો વિષય ‘માય સ્વીટ મધર’ રાખ્યો હતો, એટલે કે ‘મારી મીઠી માં’, અને હું તારા વિશે જ બોલી, અને એ સાંભળવા માટે તને અંગ્રેજી શીખવાની જરૂર નથી. પરંતુ એ જાણવા માટે મને તારા મનની ભાષા શીખવાની જરૂર છે, માં. માં વિશે બોલવામાં કોઈપણ પ્રકારની ભાષાની જરૂર જ નથી, બસ માં વિશે બોલવું હોય તો અખૂટ શબ્દો મનમાંથી આપોઆપ આવે છે, અને રહી વાત અંગ્રેજીની, તો હું તને અંગ્રેજી શીખવાડીશ માં.”

આ સાંભળીને માં ની આંખ માં ફરી આંસુ આવી ગયા, પરંતુ ફરક એટલો હતો કે પહેલાના આંસુ એક માં ની લાચારીના હતા, જ્યારે આ આંસુ એક માં ના પોતાની દીકરી પ્રત્યેના “ગર્વ”ના.

એક દિવસ આંગણામાં રાજ, શાંતિ અને તેના મિત્રો રમતા હતા. રમતા-રમતા બધાની વચ્ચે ઝઘડો થયો, અને તેના એક મિત્રે બાવળનો મોટો કાંટો લઈને રાજના હાથમાં ખૂંપી દીધો. પોતાના રાજકુમારનો રડવાનો અવાજ સાંભળીને માં તરત જ બહાર આવી, અને તેણે કાંટો શાંતિના હાથ માં પકડેલો જોયો. એ જોઇને માં એ કઈ પણ વિચાર્યા વગર શાંતિને જોરથી થપ્પડ મારી, અને શાંતિ ધ્રુસકે-ધ્રુસકે રડીને ત્યાંથી જતી રહી. ત્યારબાદ તેના બીજા મિત્રોએ તેની માં ને જણાવ્યું કે એ કાંટો શાંતિએ નહિ, પરંતુ બીજા કોઈ મિત્રે ખૂંપ્યો હતો. શાંતિ તો એ કાંટાને કાઢતી હતી જેથી રાજને દર્દ ન થાય. એ સાંભળીને માં ને પસ્તાવો થયો અને દોડતી દોડતી શાંતિ પાસે ગઈ અને તેની માફી માગી.

ત્યારે શાંતિએ કહ્યું,” માં, આમાં તારો કોઈ જ વાંક નથી. “માં” કોઈ દિવસ ખોટી ના હોય. રાજની દશા જોઇને તું દુ:ખી હતી એટલે તે આવું કર્યું. તારી જગ્યાએ હું હોત તો હું પણ આમ જ કરત કે જે તે કર્યું.” આ સાંભળીને માં ખુશ થઇ ગઈ.

ધીરે ધીરે સમય વીતતો ગયો, અને રાજ અને શાંતિ પણ મોટા થતા ગયા. એ નાના ગામમાં આગળનું ભણતર ન હોવાથી રાજ ભણવા માટે પરદેશ ગયો. શાંતિ પણ આગળ પોતાનું ભણતર પૂરું કરે છે. માં ના દુઃખ ના દિવસો હજુ પણ એવા જ છે. દરરોજ એ જ ને એ જ કામ. એજ આશામાં તે જીવે છે કે એક દિવસ તેનો દીકરો પરદેશથી આવશે અને ત્યારે બધું જ બરાબર થઇ જશે અને તેના જીવન માં સુખ તથા આનંદ નો ઉદય થશે. આશાના આધાર પર તો દુનિયા પણ ચાલે છે, અને સરલાબેન પણ એ જ આધાર થાકી ચાલે છે.

હવે દીકરીની પણ વિવાહયોગ્ય ઉમર હોવાથી તેના લગ્ન સારા ઘરના અને વ્યવસ્થિત છોકરા સાથે થઇ જાય છે. પરંતુ, દીકરાની પરદેશ થી આવવાની કોઈ જ ખબર હોતી નથી. હા, દર મહીને ચિટ્ઠી આવ્યા કરે અને એમાં લખ્યું હોય કે “બસ થોડી રાહ જોઈ લે.” પરંતુ એ “રાહ” ખતમ થવાનું નામ જ લેતી નથી. સમય વીતતો જ જાય છે. દીકરીના લગ્ન થઇ ગયા હોય છે અને દીકરીથી માંની આ હાલત જોવાતી નથી. દીકરી ઈચ્છે છે કે તે માંની મદદ કરે, માં પાસે વધુ સમય રહે, માં ની સેવા કરે. પરંતુ લગ્ન થઇ ગયા હોવાથી તેના સાસરાવાળા તે યોગ્ય નથી માનતા. અને તેને ના પાડે છે. એક જુવાન દીકરો અને જુવાન દીકરી હોવા છતાં ય માં પોતે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

ઘણા દિવસો વીતી જાય છે, અને માં ની તબિયત ખરાબ થતી જાય છે. ત્યારે બાજુના પાડોશી રામજીકાકા રાજને ચિઠ્ઠી મુકે છે, કે બેટા હવે પાછો આવી જા. ચિઠ્ઠી ના થોડા સમય બાદ દીકરો ઘેર આવે છે. તેને જોઇને માં ની ખુશીનો પાર રહેતો નથી. પરંતુ દીકરો કોઈકને પણ સાથે લાવ્યો છે અને કહે છે,” માં મેં લગ્ન કરી લીધા છે.”

માં ને એક ક્ષણ માટે તો આઘાત લાગે છે, પણ પછી દીકરાની ખુશી માટે કહે છે કે,” ચાલ સારું, મારું કામ તે ઓછું કરી નાખ્યું.” એમ કહીને બંનેને આશીર્વાદ આપે છે. હવે માં ની હાલત પહેલા કરતા ઘણી સારી હોય છે, અને ઘરમાં પરિસ્થિતિ પણ સારી હોય છે. ત્રણેય ઘરમાં હળીમળીને સાથે રહે છે.

થોડો સમય જાય છે. સંસાર ના નિયમ મુજબ મોટાભાગે લગ્નજીવન પછી બદલાવ આવે જ છે. તે બદલાવ સારો કે ખરાબ હોઈ શકે છે. રાજની પત્ની નો વ્યવહાર પહેલા તો સારો હોય છે, પરંતુ પછી તેમાં ઘણો જ બદલાવ આવે છે. તે રાજને તેની માં વિરુદ્ધ ઉકસાવે છે. ધીરે ધીરે રાજનો માં પ્રત્યેનો પ્રેમ ઓછો થતો જાય છે. અને આખરે તે ઝઘડામાં પરિણમે છે. રાજની પત્ની હવે સાથે રહેવામાં સહમત થતી નથી. રાજ માં પાસે જુદા થવાનો પ્રસ્તાવ મૂકે છે. માં ને પુત્રના નિર્ણયનો ફરીથી આઘાત લાગે છે. પરંતુ તે પણ જાણે છે કે સાથે રહેવું હવે અશક્ય છે. દીકરાની ખુશી માટે માં એકવાર ફરીથી પોતાની હૃદયભાવનાનો ત્યાગ આપે છે અને તેને અલગ થવાની સહમતિ આપે છે.

રાજ તેની પત્ની સાથે તે જ શહેરમાં રહે છે, પરંતુ જુદા “મકાન” માં અને માં થી અલગ. પરંતુ તેની પત્ની માં સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવાની ના પાડે છે. વાર-તહેવારે પણ માંને મળવા માટેની મનાઈ ફરમાવે છે, અને માં સાથે ક્યારેય વાત કરવાની ના પાડે છે.

રાજ અને તેની પત્નીનું લગ્નજીવન ત્યારબાદ બરાબર ચાલતું હોય છે, પરંતુ બીજી તરફ દીકરાના આઘાતથી માં ની માનસિક પરિસ્થિતિ અત્યંત ખરાબ બની ચૂકી હોય છે, અને તેનો શારીરિક દેખાવ પણ અત્યંત ખરાબ થઇ ચૂક્યો હોય છે.

એક વખત રાજ તેના ઓફિસ ના લોકો સાથે બહાર નીકળ્યો હોય છે, ત્યારે સામે તેને તેની માં મળે છે. માં ની આવી હાલત જોઇને તે તે પોતાની માં ને ન ઓળખવાનું નાટક કરે છે, કારણકે ઓફિસવાળા સાહેબોની સામે તેને તેની માં ને બોલાવવામાં પણ શરમ અનુભવાતી હોય છે. માં નું દિલ કાચના ટુકડા ની જેમ તૂટી ગયું હોય છે તેથી તે ખૂબ જ માનસિક તાણ અનુભવે છે.

થોડા વર્ષો વીતી જાય છે. રાજ અને તેની માં ના કોઈ જ સંબંધ હોતા નથી. રાજના ઘરે એક સંતાનનો જન્મ પણ થઇ ગયો હોય છે, અને તેનું સંતાન ૫ વર્ષનું થઇ ગયું હોય છે. રાજ પોતાના સંસારમાં વ્યસ્ત થઇ ગયો હોય છે. પરંતુ તેની માં તો પહેલાની જેમ જ ભટકતું જીવન ગાળે છે.

એક વખત તેની માં ભટકતા ભટકતા કોઈ શાળા પાસે પહોચી જાય છે, અને તે શાળાની બહાર રાજના પુત્રને જુએ છે. એકદમ રાજનો જ પડછાયો જોઇને તે એકદમ ખુશ ખુશ થઇ જાય છે. માં ની ખુશી નો પાર રહેતો નથી. રાજનો પુત્ર રસ્તાની વચ્ચે કંઇક કરતો હોય છે. થોડીવાર રાજની માં તેને મન ભરીને જુએ છે, પરંતુ ત્યારબાદ અચાનક જ જુએ છે કે પેલી બાજુથી એક મોટી કાર આવી રહી છે અને તે રાજના પુત્રની નજીક ધસમસતી આવે છે.તે ઝડપથી દોડે છે અને રાજના પુત્ર ને રસ્તા ની પેલે પાર ધક્કો આપીને બચાવી લે છે, પરંતુ તે કાર માં ને જ ટક્કર મારી દે છે. આજુબાજુના લોકો ત્યાં એકત્ર થઇ જાય છે અને તેને હોસ્પિટલ પહોચાડી દે છે.

રાજનો પુત્ર ઘરે આવીને રાજને કહે છે કે તેનો અકસ્માત થતાં થતાં બચ્યો છે અને તેને બચાવનાર વ્યક્તિ હોસ્પીટલમાં છે. તેનો આભાર વ્યક્ત કરવા અને તેના મળવા રાજ અને તેનો પુત્ર હોસ્પીટલમાં જાય છે.

હોસ્પીટલમાં એ વ્યક્તિને જોતાં જ રાજ ને ઝટકો લાગે છે. ડોક્ટર તેને અંદર જવાની ના પાડે છે. અંદર માંની સારવાર થઇ રહી હોય છે. માં ના પાડોશી પેલા રામજીકાકા પણ ત્યાં હાજર હોય છે. તે રાજને જોઇને હતપ્રભ બની જાય છે અને તેને ખૂબ જ સંભળાવે છે. અને એક એવી હકીકત કહે છે કે જે સાંભળીને રાજની આંખો પહોળી જ રહી જાય છે.

તે કહે છે કે,” બેટા રાજ, જે માં તને પોતાનો પુત્ર માની રહી છે, હકીકતમાં તું તેનો પુત્ર છે જ નહિ. હકીકત તો એ છે કે આજ થી ૩૦ વર્ષ પહેલા તું સરલાબેનનેને એક રેલવે સ્ટેશન પર મળ્યો હતો. ત્યાં તને તારી જન્મ આપનારી માં ત્યજીને જતી રહી હતી ત્યારે આ જ સરલાબેને તને અપનાવ્યો હતો. પોતાની પરિસ્થિતિ કફોડી હોવા છતાં તને તેમણે રાજા ની જેમ રાખ્યો અને રાજાની જેમ જ તારું ભરણપોષણ કર્યું. પોતાના પેટે પાટા બાંધીને તને મોટો કર્યો અને તેમની સગી દીકરી શાંતિથી ય વધારે તને લાડ લડાવ્યા. હકીકતમાં આ માં એ તને જન્મ જ નથી આપ્યો, અને આજે તે પણ સાબિત કરી દીધું કે તું એમનું લોહી જ નથી. એમનો સગો દીકરો ન હોવાની તે એમને આટલી મોટી સજા આપી કે તેમને આવી પરિસ્થિતિમાં એકલો છોડીને જતો રહ્યો? કે પછી એ સગી માં ન હોવા છતાં તને સગી માં ની જેમ જ પ્રેમ કર્યો એની સજા આપી?”

આ સાંભળીને રાજના પસ્તાવાનો પાર ન રહ્યો. તે પોતાની જાત થી જ નજર મળાવી શકતો ન હતો. થોડા સમય બાદ ડોકટરે અંદર મળવાની રજા આપી. સરલાબેનના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા અને પોતાની આંખ ખોલીને તેમના “કુ”પુત્ર તથા તેમના પૌત્ર ને જોઈ રહ્યા હતા. તેમના પુત્રની આંખોમાંથી આંસુની ધારા વહી રહી છે. પુત્રના મુખમાંથી શબ્દો નીકળતા જ નથી. બસ, રાજ એક વાક્ય બોલે છે, ”માં, મને માફ કરીશ ને?”

ત્યારે માં એક જ જવાબ આપે છે કે,” બેટા, હું તને માફ તો કરીશ પણ તેના માટે તારે બીજો જન્મ લેવો પડશે, અને એ જન્મ માં તારે મારો “દીકરો” નહિ પરંતુ “દીકરી” બનવું પડશે. કારણકે હવે મારા મનમાંથી દીકરાનો મોહ અને દીકરા પરનો વિશ્વાસ ઉઠી ગયો છે.”

સરલાબેન હવે પોતાની આંખો મીંચે છે, અને આં દુનિયામાંથી વિદાય લે છે.

શું ખરેખર સરલાબેને પોતાના પુત્રને માફ કરવો જોઈએ?