કુસુમનો પ્રેમ સફળ થયો Devyani Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

કુસુમનો પ્રેમ સફળ થયો

“કુસુમનો પ્રેમ સફળ થયો”

લેખિકા : દેવ્યાની ડી. જાડેજા

સાચા પ્રેમની તો ઘણી વાતો આપણે સાંભળી હોય છે, તથા આપણે કરતા હોઈએ છીએ. આ વાર્તા તેમાંની જ એક છે. પ્રેમ એ કોઈપણ પ્રત્યેનો હોઈ શકે છે. તે એક પિતા અને પુત્રી વચ્ચેનો પણ હોઈ શકે છે, એક માતા અને દીકરીનો પણ હોઈ શકે છે, બે બહેનો વચ્ચે પણ હોઈ શકે છે, બે મિત્રો વચ્ચે પણ હોઈ શકે છે તથા બે અજનબી વચ્ચે પણ હોઈ શકે છે.પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ દરેક મનુષ્ય તેને જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરે છે. પિતા તથા પુત્રી વચ્ચેનો સંબંધ તો એક અતૂટ સંબંધ હોય છે, તેમના વચ્ચે ખૂબ જ ઊંડો પ્રેમ હોય છે, જેને તો ભગવાન પણ સલામ કરે છે.

આ કથામાં એક પિતાને તેની દીકરી પ્રત્યે અઢળક પ્રેમ હોય છે તેમ દર્શાવ્યું છે. પિતા એ જુદા જુદા સ્વરૂપે હોય છે. પિતા ધનવાન હોય કે ગમે તેટલો કંગાળ હોય પરંતુ પુત્રી પ્રત્યેના તેના અપાર પ્રેમ માં રતીભાર જેટલો પણ ફરક પડતો નથી. બસ પિતા એ જ વિચારે છે કે તેની પુત્રી કઈ રીતે ખુશ રહે, પછી તે અત્યંત ગરીબ પિતા પણ કેમ ન હોય. તે પોતાના પેટ પર પાટા બાંધીને પોતાની પુત્રીના સપના અચૂક પુરા કરે છે.

આ કથામાં પિતા એક રાજા સ્વરૂપે હોય છે અને તેની એક ખૂબ જ સુંદર અને સુશીલ રાજકુમારી હોય છે.રાજા તેની પુત્રીને ખૂબ જ પ્રેમ કરતો હોય છે. રાજાએ તેની પુત્રીને ફૂલની જેમ રાખી હોય છે.તેથી જ તેનું નામ કુસુમ રાખ્યું હોય છે. કુસુમનું નામમાત્ર કુસુમ ન હતું પરંતુ તેની સુંદરતા પણ કોઈ ફૂલથી ઓછી ન હતી. કુસુમ ધીરે ધીરે મોટી થતી જાય છે તથા તેની સુંદરતામાં પણ વધારો થતો જાય છે. તેની સુંદરતાથી તો ફૂલ પણ ઈર્ષ્યા અનુભવે એટલી સુંદર હતી રાજકુમારી કુસુમ. રાજા તેને બેહદ પ્રેમ કરતો હતો. રાજા એ ક્યારેય પણ તેનો વાળ વાંકો થવા દીધો ન હતો. ધીરે ધીરે કુસુમ મોટી થતી ગઈ. જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેમ રાજાની તેના પ્રત્યેની ચિંતા વધતી ગઈ. આ વાત તો સ્વાભાવિક છે કે દરેક પિતાને પોતાની પુત્રી પ્રત્યે ચિંતા હોય જ, અને જેમ જેમ દીકરી ની ઉમર વધે તેમતેમ પિતાની ચિંતા પણ વધતી જાય. પરંતુ, રાજાને હદ બહારની ચિંતા હતી.

પરંતુ, જેમજેમ કુસુમ મોટી થતી ગઈ તેમતેમ રાજા તેના પર જાતજાતના નિયંત્રણો મૂકવા લાગ્યા. રાજાનો હેતુ એ ન હતો કે નિયંત્રણોને લીધે કુસુમને કોઈ દુઃખ પહોંચે, પરંતુ એ તો માત્ર એમની ચિંતાનું સમાધાન કરતા હતા. કદાચ તેઓ તેમની જગ્યાએ સાચા પણ હતા પરંતુ કુસુમને તે ગમતું ન હતું, જે બાબતે તે ખોટી ન હતી. કારણકે મનુષ્યના સ્વભાવ મુજબ મનુષ્યને દુનિયાની કોઈપણ પાબંદી મંજૂર નથી. કુસુમને બહારની દુનિયા જોવી હતી, પરંતુ રાજાને તે મંજૂર ન હતું.રાજા તેને બધી જ પ્રકારની ખુશીઓ રાજમહેલમાં જ આપતા હતા. તેઓ તેમને બહારની દુનિયાની દરેક પ્રકારની ખુશીઓ રાજમહેલમાં જ મળે એવી વ્યવસ્થા કરતા હતા. પરંતુ, હકીકત તો એ જ છે કે ખુશી ને ક્યારેય પણ ચાર દિવાલોની વચ્ચે કેદ કરી શકાતી નથી.

કુસુમ આ આલિશાન મહેલ થી કંટાળી જાય છે. તે ત્યાં બિલકુલ ખુશ હોતી નથી. તેનું સ્વપ્ન બહારની દુનિયા જોવાનું છે,પરંતુ તેના માટે તે શક્ય નથી. તે નાનપણથી જ રાજમહેલમાં રહેલી હોય છે. રાજમહેલમાં રહેવાને લીધે તેનો એક પણ મિત્ર હોતો નથી. મિત્રો વચ્ચેનો સંબંધ શું હોય એ તેણે માત્ર પુસ્તકોમાં જ વાંચ્યું હોય છે, અને તેમાંથી જ તે કલ્પના કરે છે કે તેનું પણ કોઈ મિત્ર હોત તો? તેને રાજમહેલ નો રાજભોગ નહિ, પરંતુ રસ્તા પરનો સામાન્ય લોકોનો ખોરાક ખાવાની ઈચ્છા હોય છે. તેને રાજમહેલના સોનાના પ્યાલામાં પાણી પીવા કરતા નળમાંથી બે હાથેથી પાણી પીવું પસંદ છે. તેને રાજાના મોટા વાહનો પર સવારી કરવા કરતા સામાન્ય વાહનમાં સવારી કરવી હોય છે. તેને કાલ્પનિક મિત્રો કરતાં સાચા મનુષ્યમિત્રો બનાવવાની ઈચ્છા હોય છે.

રાજકુમારી ની ઈચ્છાઓ તો સામાન્ય હતી, પરંતુ તેના માટે તે મોટા સપનાં હતાં.પરંતુ રાજાની નજરે તેના સપનાંની કિંમત ખુબ જ અવગણ્ય હતી, પરંતુ કુસુમની નજરેથી તેના સપનાંની કિંમત અમૂલ્ય હતી. તેને વિદ્યા પણ રાજમહેલમાં જ આપવામાં આવતી, તેને બધા સામાન્ય બાળકોની જેમ શાળાએ જવું પડતું નહોતું. નાનપણ માં જ રાજકુમારીની માતા નું અવસાન થઇ ગયું હતું તેથી તે આ વાતો કોઈને કહી શકતી નહોતી. એક દીકરી પોતાની “માં” પાસે જ આવી વાતો કરતી હોય છે પરંતુ કુસુસ્મને એ સુખ પ્રાપ્ત નહોતું થયું. ધીરે ધીરે કુસુમ ને આ રાજમહેલ જેલ સમાન લાગવા મંડ્યું, પરંતુ તે પિતાને કશું કહી શકતી નહોતી. તેના પિતા એક આદર્શ રાજા હતા, તે પ્રજાનું દુઃખ બરાબર સમજતા અને યોગ્ય નિદાન લાવી આપતા. પરંતુ તેમની પુત્રી માટે તેઓ કદાચ આદર્શ “પિતા” ન હતા.

રાજકુમારી મોટી થઇ એટલે તેની સેવામાં પણ વધારો કરવામાં આવ્યો. રાજાએ સેવકોની સંખ્યામાં વધારો કર્યો, તથા કુસુમ માટે એક અલગ સેવક રાખવામાં આવ્યો. તે દિવસ રાત તેની સાથે જ રહેતો. રાજકુમારીની એક એક ક્ષણે રક્ષા કરવી એ તેનો ધર્મ હતો. તે એક ઈમાનદાર સેવક હતો અને પોતાના કર્તવ્યને જ પોતાનું જીવન માનતો હતો. તે રાજકુમારી નું ખુબ જ ધ્યાન રાખતો હતો. તે રાજકુમારીની વય નો જ હતો, જેથી તેના દુઃખ-દર્દ પણ સમજી શકતો હતો. તે સેવક નું આ દુનિયામાં કોઈ જ ન હતું.તેણે આજ સુધી દુઃખ જ જોયું હતું. નાનપણમાં જ તેના માતાપિતાના મોતને લીધે તેનું જીવન દુઃખમય બની ગયું હતું અને ત્યારબાદ તેને સમગ્ર જીવન પોતાની રીતે જ જાતનું ભરણપોષણ કર્યું હતું. સગા સંબંધીઓએ પણ આ સ્થિતિમાં હાથ ઊંચા કરી લીધા હતા.

એક વખત રાજકુમારી રાજમહેલના બગીચામાં એકલી બેઠી હતી અને આ સેવક બગીચાની સફાઈ કરતો હતો. ત્યારે જ સેવકની બાજુમાં રાજકુમારીએ સાપને બેઠેલો જોયો, પરંતુ સેવકને તેની જાણ ન હતી.સાપને જોતાં જ રાજકુમારીએ કઈ પણ વિચાર્યા વગર પોતાનું જીવન જોખમમાં મૂકીને લાકડી વડે સાપને ભગાડી નાખ્યો. આ જોઇને સેવકના મનમાં પ્રથમ વાર રાજકુમારી પ્રત્યે મનમાં લાગણી ઉત્પન્ન થઇ.કારણકે જીવન માં પ્રથમ વખત સેવક પર કોઈએ લાગણી વ્યક્ત કરી હતી. તે રાજકુમારી હોવા છતાં પોતાની જાન જોખમમાં નાખીને સેવકની જાન બચાવી. પરંતુ એક સેવક એક રાજકુમારી વિષે સપનામાં પણ વિચારી ન શકે. તેથી તેણે બીજી જ ક્ષણે રાજકુમારી પ્રત્યેની લાગણીને મનમાં ને મનમાં જ દબાવી દીધી. પરંતુ તેણે રાજકુમારીને કહ્યું કે,” એક દિવસ હું આપનું અહેસાન જરૂર ચૂકવીશ.”

આ ઘટના બાદ સેવકનો રાજકુમારી પ્રત્યેનો પ્રેમ દિવસે દિવસે વધતો જતો હતો, પરંતુ તે હંમેશા પોતાના હૃદયમાં દબાવીને જ રાખતો. ધીરે ધીરે રાજકુમારી તથા સેવક વચ્ચે વાર્તાલાપ શરૂ થયો, ધીમે ધીમે તેઓ મિત્ર બની ગયા.રાજકુમારીનું “સાચા મિત્ર”નું સપનું પૂરું થયું હતું અને તે ખૂબ જ ખુશ હતી. બંને સાથે માંડીને સુખ-દુખની વાતો કરતાં. સેવક તેને બધી જ ખુશીઓ આપવા ઇચ્છતો હતો. સેવક ચોરીછૂપીથી રાજકુમારીને બહાર ફરવા લઇ જતો તથા બહારની દુનિયા બતાવતો. રાજકુમારી તો જાણે સપનું જ જોઈ રહી હતી. તેને એ પણ ડર હતો કે કોઈ દિવસ આ સપનું તૂટી ન જાય. ધીરે ધીરે કુસુમ પણ તેને પ્રેમ કરવા લાગી હતી. બંને એ એકબીજાના મનની વાત જાણી લીધી હતી.

પરંતુ તેમની જીવનયાત્રા આગળ વધે એ પહેલા જ રાજા ને આ વાતની જાણ થઇ ગઈ અને રાજા ના ગુસ્સાનો પાર ન રહ્યો. રાજા એ તરત જ એ સેવક ને નોકરીમાંથી કાઢી મૂક્યો.

ત્યારબાદ સેવક નવી નોકરીની શોધમાં ભટકતો રહ્યો અને અંતે તેને એક દવાખાનામાં સફાઈકામ ની નોકરી મળી.તેના માટે નવું જીવન શરૂ થઇ ચૂક્યું હતું પરંતુ તે આજે પણ કુસુમને અનહદ પ્રેમ કરતો હતો.

આ વાતને બે વર્ષ થવા આવ્યાં. રાજકુમારી વિવાહલાયક થઇ ગઈ હોવાથી રાજાએ તેના માટે ખૂબ જ સારો રાજકુમાર શોધ્યો અને વિવાહ પણ ખૂબ જ જાહોજલાલીથી થયાં.રાજકુમારી ધીરે ધીરે પેલા સેવકને ભૂલી ચૂકી હતી અને પોતાના લગ્ન-જીવનમાં ખુશ હતી. રાજા એ એટલો અમીર રાજકુમાર શોધ્યો હતો કે તે રાજકુમારીની ઈચ્છા તે જ ક્ષણે પૂરી કરી શકે. પરંતુ કુદરતની ઈચ્છા સામે કોઈનું કશું જ ચાલતું નથી. આખરે કુદરતે પોતાની કરામત દેખાડી. લગ્નજીવન પછીના થોડા જ મહિનામાં રાજકુમારીની તબિયત ખૂબ જ ખરાબ થઇ ગઈ. સારવાર કરતા ડોકટરે કહ્યું કે તેની તબિયત ખૂબ જ નાજુક છે, તેની પાસે જીવવાના ઓછા દિવસો બચ્યા છે.જયારે રાજાએ જ્યોતિષીને આ બાબતે પૂછ્યું તો તેમને જણાવ્યું કે આ પરિસ્થિતિ આવવાનું કારણ તેમની ભૂતકાળની ભૂલ છે. ભૂતકાળમાં રાજાને લીધે અજાણતા જ સવારી સમયે તેમના સેવકની પત્ની નો તેમને લીધે અકસ્માત થઇ ગયો હતો, જેમાં રાજા ની ભૂલ હતી.સેવક તેની પત્નીને બેહદ પ્રેમ કરતો હતો તેથી તેને ક્રોધમાં આવીને શાપ આપ્યો કે,” આ દુનિયામાં તું જેને સૌથી વધુ પ્રેમ કરે છે એ જ વ્યક્તિ એક દિવસ તારાથી હંમેશા માટે દૂર થઇ જશે.” તેને લીધે રાજા ખૂબ જ ચિંતિત થઇ ગયા. તેથી જ તેમણે કુસુમ પર બહાર હરવા ફરવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. રાજાએ બધી વાત રાજકુમારને કરી. પેલો સેવક આ જ દવાખાના માં કામ કરતો હતો. એ આ વાત સાંભળી ગયો.

અમુક કલાકો ગયા. રાજકુમારીનું ઓપરેશન થયું.બીજે દિવસે તે ભાનમાં આવી. રાજા અને રાજકુમાર ખૂબ જ ખુશ હતા કે કુસુમ મોતના મુખમાંથી પાછી ફરી હતી. તેના ભાનમાં આવ્યા પછી રાજાએ તરત જ તેને એક ચિટ્ઠી આપી.

ચિટ્ઠી ખોલતાની સાથે જ રાજકુમારી કુસુમ નું હૃદય જોરજોરથી ધબકવા માંડ્યું. તેણે ચિટ્ઠી વાંચવાની શરૂઆત કરી. તેમાં લખ્યું હતું કે-

વ્હાલી કુસુમ,

તારા આ નવા જીવનમાં તારું સ્વાગત છે.હવે તને જે જોઈતી હતી એ દુનિયા મળી જશે અને બધા જ પ્રકારના પ્રતિબંધો દૂર થઇ જશે. તું કદાચ મને ભૂલી ચૂકી હોઈશ. હું પેલો સેવક છું કે જે તારી સેવા કરતો હતો. યાદ છે? હવે તું ક્યારેય આ દુનિયામાં મને શોધવાનો પ્રયત્ન ન કરજે. હું તારી સાથે જ છું. પણ આપણો સાથ આ દુનિયામાં શક્ય નથી.તેથી જ મેં તારા હૃદયમાં સ્થાન શોધ્યું છે. જેથી હું હંમેશા તારી સાથે જ રહીશ. હવે આપણે સાથે જીવશું અને સાથે મરશું. તારા શરીરમાં હૃદય મારું હશે અને ધડકનો તારી હશે. આવા સાથને હવે ભગવાન પણ અલગ નહિ કરી શકે. મેં તને ત્યારે કહ્યું હતું ને કે અહેસાન ચૂકવીશ. હવે મન ભરીને આ દુનિયા જીવી લે અને તેનો અહેસાસ મારા હૃદયથી કરજે. મારા માટે તું રાજકુમારી નહિ પરંતુ મારી ચાહક કુસુમ જ છો. આપણી આ નવી દુનિયામાં હું ફરીથી તારું સ્વાગત કરું છું. જયારે તું મને યાદ કરીશ ત્યારે આ હૃદય જોરજોરથી ધડકવા મંડશે, અને ત્યારે સમજી જજે કે હું તારી સાથે જ છું અને તારી પાસે જ છું.”

આ ચિટ્ઠી વાંચીને કુસુમ ના આંસુ બંધ નહોતા થતા, અને રાજાને પણ આ વાતનો ખૂબ જ અફસોસ હતો.કારણકે તેને એ વાત જાણવા મળી હતી કે રાજકુમારી નો સેવક એ બીજો કોઈ નહિ પણ પેલા સેવકનો પુત્ર જ હતો જેને રાજા ને શાપ આપ્યો હતો.

રાજકુમારીની નવી દુનિયાનો શુભારંભ થઇ ગયો. બધા જ પ્રકારના પ્રતિબંધો દૂર થયા અને હરવા ફરવા ની છૂટ આપવામાં આવી. તે દુનિયાને જીવવા માંડી અને ક્ષણે ક્ષણે પેલા સેવકને યાદ કરતી.

આમ, “સેવકનો પ્રેમ જીતી ગયો” અને “કુસુમનો પ્રેમ સફળ થયો”