સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 6 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 6

સરસ્વતીચંદ્ર

ભાગ : ૨

ગુણસુંદરીનું કુટુંબજાળ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૬

મનોહરપુરીમાં એક રાત્રિ

મનોહરપુરીમાં ગુણસુંદરીના ઉતારાનું મકાન ગામડાના પ્રમાણમાં મોટું અને સોઇવાળું હતું. માનચતુરને વાસ્તે, સુંદરગૌરીને વાસ્તે, ગુણસુંદરીને વાસ્તે અને ચંદ્રકાન્તને વાસ્તે, સોઇદાર જુદાજુદા ઓરડા હતા. તે સિવાય રસોડાનો ખંડ, જમવાનો ખંડ, પાણીનો તથા નાહવાનો ખંડ, એ પણ નિરનિરાળા હતા. વળી પાછળ એક વાડો અને આગળની અસરી એ તો જુદાં જ હતાં.

જે વખતે સરસ્વતીચંદ્ર અર્થદાસનની સાથે ઘાસમાં પડ્યો હતો તે વખતથી તે એક સંધ્યાકાળ સુધી ગુણસુંદરી, ઓસરીના ઓટલા પર એક આડી વળી સીડી દીધેલી હતી તેને અઠીંગી, રસ્તા પર નજર કરતી ઊભી હતી. હજી દિવસ બરાબર આથમ્યો ન હતો અને ગામ બહાર આઘે ઊંચા ઝાડનાં શિખર ઉપર સૂર્યનાં કિરણ પાછાં પગલાં ભરતાં જણાતાં હતાં. નીચે આવતી જતી વસ્તીના છૂટા છુટા પ્રશ્નને તે ભાગ્યાંતૂટયા ઉત્તર આપતી હતી પણ તેનું ચિત્ત ભાગો ભણીનો માર્ગ અને પોતાના કુટુંબનો ભૂતકાાળ બેની વચ્ચે ફેરા ખાતું હતું. છેક સાંયકાળ પડ્યો અને ચારેપાસ અંધારાની પછેડી પથરાવા લાગી ત્યારે ગામને પાઘરેથી બે સવાર દોડતા દોડતા આવતા જણાયા ને ગુણસુંદરીની આંખ ચમકી હોય તેમ તેમની જોડે દોડવા લાગી અને પોતાની પાસે પાસે આવવા લાગી. ભધે ઠેકાણે માર્ગે મેળવી, સૌનું કૌતુક ખેંચતા ખેંચતા એ સવાર આવી પહોંચ્યા; અને પ્રથમ તેમના પોશાક ઉપરથી અને આખરે નજરે નજર મળતાં તેઓ ઓળખાયા. એ સવાર સુવર્ણપુર મોકલેલા અબ્દુલ્લા અને ફતેહસંગજી હતા; છેક ઓસરી આગળ આવી ઘોડા પરથી જ ફતેહસંગજીએ ગુણસુંદરીના હાથમાં ચિઠ્ઠી મૂકી તે તેણે એકદમ ફોડી અને વાંચી.

“તીર્થસ્વરૂપ અખંડસૌભાગ્યવતી માતુશ્રી,

હું આજ સંધ્યાકાળે નીકળી કાલ સવારે આપણા ચરણાવિંદને ભેટીશ. સૌ સમાચાર સવારો કહેશે તેથી જાણજો. અત્રે મારા તીર્થરૂમ શ્વશુરજી કારભારી થયા છે અને જૂના કારભારી બદલાયા છે. મારાં સાસુજીએ તથા નણંદે આપને બહુ બહુ બોલાવ્યાં છે. હું અત્રે છું તો સુખી, પણ મારું હૈયું આજ ભરાઇ આવે છે તે કાલ તમને મળીશ ત્યારે ખાલી કરીશ. વડીલ અને કાકીને મારા દંડવત્‌ પ્રમાણ કહેજો અને બહેનને આશીર્વાદ. પિતાજી તો રત્નનગરીમાં હશે.

ચૈત્ર સુદ બીજ. લિ.ચરણરજ કુમુદના દં. પ્રં.”

કાગળ વાંમચે છે એટલામાં માનચતુર, સુંદરગૌરી, કુસુમસુંદરી, ચંદ્રકાંત વગેરે મંડળ ભરાઇ ગયું. કાગળ લઇ ફરી પરી કુમુદસુંદરીએ મોટેથી વાંચ્યો. અને એક પછી એક એમ સૌએ વાંચી જોયો. ચંદ્રકાંકતે પણ હાથમાં લીધો, અને આ અક્ષર સરસ્વતીચંદ્રના હાથમાં જોવાનો અભ્યાસ સરત આવતાં ઊકળતા અંતઃકરણમાં નિઃશ્વાસ નાખી, પાછો આપ્યો. તેટલામાં ગુણસુંદરી “એક પાસાથી હૈયું ભરાઇ આવે છે તે ખાલી કરીશ” એ શબ્દો મનમાં ફરીફરીને આણી હજાર તર્ક કરવા લાગી, અને બીજી પાસથી સવારોને સુવર્ણપુરના, વેવાઇના, જમાઇના અને દીકરીના સમાચાર પૂછવા લાગી. અંતે સવાર રજા લેઇ ચાલ્યા ગયા, રાત્રિ એકદમ જગત ઉપર તૂટી પડી, ઠેકાણેઠેકાણે દીવાઓમાં તેજ આવ્યું અને તેનો છિન્નભિન્ન પ્રકાશ સ્ફુરવા લાગ્યો. ચારેપાસની વસ્તી ધીમે ધીમે રજા લઇ વેરાવા લાગી અને પોતપોતાના ઘર ભણી પ્રધાનપત્નીની સુજનતાની વાતો કરતી વળી. તેમનો અને છોકરાંનો કોલાહલ અંધકારમાં પળવાર ગાજી રહ્યો અને થોડાકમાં શાંત થયો. રાત્રિ એકલી જ રહી લાગી. વાળુનો વખત થયો અને માનચતુરે આજ્ઞા કરી કે આજ તો સ્ત્રીમંડળે પણ મારી સાથે જ બેસવું કે ઘણે દિવસે એકઠાં જમવાનો લાભ મળે. સૌ વાળુ કરવા બેઠાં. એક ગરીબ માબાપ વગરની છોકરી ગુણસુંદરીએ ઉછેરી મનોહરપુરીમાં મોટી કરી હતી તે પણ પાસે બેઠી. માનચતુરને ગામડાનાં ગીતોનો રસ હતો તેથી તેણે કહ્યું એટલે વાળુની સાથે તે છોકરીએ ગીત ગાવા માંડ્યું તેમાં સૌ લીન થઇ ગયાં.

“ગુણસુંદરીબા, સાંભળજો, દીકરી સાસરેથી સંદેશો કહાવે છે :

જઇ કહેજો મા ને બાપ, દીકરી તમારી રે,

મરી ગઇ સાસરિયામાંય પરદેશખ નાંખી રે; જઇ૦ ૧

નણદી દે છે મહેણાં રોજ, સાસુ સંતાપે રે,

મારો માવડિયો ભરતાર કાળજી કાપે રે; જઇ૦ ૨

કાઢું અંતરની હો વરાળ કોની પાસે રે ?

કરું હું કૂવો કે તળાવ ? મન મૂંઝાયે રે. જઇ૦ ૩

મારો જીવવામાં નથી જીવ; પણ ઓ માડી રે !

તને મળવા તલસે જીવ, નથી, તું જતી છાંડી રે. જઇ૦” ૪

કુમુદસુંદરીનો કાગળ મન આગળ તરતો હતો તેવી ઘડીએ આ ગીત ગુણસુંદરીને ચિત્તવેધક થયું. તેની આંખ સુધી આંસુ ઊભરાયાં અને બેબાકળી જેવી તે થઇ ગઇ. “પરદેશ કુમુદનો કાગળ વાંચ્યા પછી મારું કાળજું કહ્યું નથી કરતું. ગા, છોકરી, ગા.” છોકરીએ જરા વધારે લહેકારી બીજું ગીત ગાવા માંડ્યું અને તેની સાથે ગુણસુંદરીનું હ્ય્દય વલોવાઇ જવા લાગ્યું, વીંઘાઇ જવા લાગ્યું, અને તે શુંભ જેવી બની સાંભળવા લાગી. અન્નનો કોળિયો તેના હાથમાંનો હાથમાં જ રહી ગયો. છોકરી બોલી :

“માવડી ! એક છોડી સાસરાની બારીએ એકલી બેઠી બેઠી પિયરની વાટ ભણી જોઇજોઇ નિસાસા મૂકે છે ને રસ્તામાં જનાર સાથે કહાવે છે :

મારું હૈયું ઘડીમાં આજ પિયર ભણી દોડે રે. મારા૦ ૧

ઓ આ મારગ જાનાર ! પિયર મારે જાજે રે,

જઇ કહેજે મા ને બાપ, દીકરી સંભારે રે. મારા૦” ૨

ગુણસુંદરીએ નિઃશ્વાસ ઉપર નિશ્વાસ મૂકવા માંડ્યા.

“ઓ વાદળના ઊડનાર ! પંખી ! ઊડજે રે,

મારે પિયર પરવડી ત્યાં જ જઇ ક્ષણું રહેજે રે. મારા૦ ૩

પંખી બેસજે પિયરને મોભ મોટે મળસકે રે,

મારાં માબાપ ચોકનની મધ્ય ઊભાં હોશે રે. મારાં૦” ૪

ગુણસુંદરી ગાળામાં રોતી સંભળાઇ.

“મારા બાપ તે ચૌટે જાય, માવડી પૂછે રે -

પૂછતા આવજો નક્કી આજ કે દીકરી સુખી છે રે ? મારા૦ ૫

પૂછી પૂછી એવું મારી માતા ધ્રુસકે રોશે રે !”

ગુણસુંદરીથી રોવાઇ જ ગયું.

“પંખી અબોલડા ! એવું જોઇ તું યે રોજે રે. મારા૦” ૬

“ગુણસુંદરીબા ! હું અને કુમુદબહેન પણ ઓસરીમાં બેસી પોર રોજ સાંજે આ ગાતાં’તાં ને હું એમને કહેતી હતી કે તમારે યે આ મુંબઇ જવાનું આવશે ને માવતરથી નોખાં પડવાનું થશે.”

કરુણરસની સીમા આવી. દીકરીની પરદેશમાં શી દશા હશે તે વિચાર સાથે સરસ્વતીચંદ્ર જેવા વરની હાનિ ગુણસુંદરીના મનમાં તરી આવી અને છોકરી પાસે છેલ્લી બે કડીઓ વારંવાર ગવરાવી અને તેની સાથે પોતે રોવાયું એટલું રોઇ.

એને તેરમું વર્ષ ચાલતું હતું અને શરીર કન્યાવયમાંથી બહાર નીકળવા લાગ્યું તેમ તેમ મન પણ વધારે સમજણું થતું ગયું. આટલું વય થતાં સુધી-કન્યાકાળ થવા આવતાં સુધી-એનું લગ્ન થવા વારો આવ્યો નહીં અને તેને લીધે યુવાવસ્થાનાં પ્રભાતે તેનાં શરીરશિખરને સ્પર્શ કર્યા વિનાનાં રાખ્યાં હોય એવું કંઇ થયું નહીં. તેને માબાપે વિદ્યાદાન દીધું હતું છતાં મદને પોતાર્ન કળાઓ એને શીખવવામાં રજ પણ વિલંબ કર્યો નહીં. પોતે મદનને શોધતી ન હતી, દીં ઓળખતી પણ ન હતી, તેની કળાઓ શાને કહેવી તે જાણતી પણ ન હતી; છતાં અણદીઠો, અણપરખ્યો મદન એની નાડીએ નાડીમાં અને રૂવેરૂવામાં અગોપ્પ તનમનાટ નિરંતર મચાવી મૂકતો હતો. મુગ્ધ શૃંગારમાં પડેપડ એમનાં એમ રહેવા છતાં તેની અંદરથી આ તનમનાટ પ્રકાશ મારી રહેતો હતો. પરંતુ હજી સુધી સૌ ભુલાવો ખાતાં અને કુમુદસુંદરી નાનપણમાં જેવી મસ્તીખોર, ઉચ્છૂંખલ એ સ્વતંત્ર હતી, વગર શીખવી કળાઓ શીખવવાની ખંતીલી હતી, અને ઉઘાડી અથવા ગુપ્ત રીતે એ ખંતને લીધે હરેક નવી વાત જોતાંમાં, સાંભળતાંમાં, અનુકરણ કરતાંમાં, વિચારતાંમાં અને અનુભવી જોતાંમાં, શીખી જતી ત્યારે જ જંપતી તેમ હાલ પણ કુસુમસુંદરી નવે રૂપે એ જૂના જ ગુણો જાળવી રહી છે અને તેનામાં કંઇ નવું દૈવત આવ્યું નથી એવી જ સૌને ભ્રાંતિ રહેતી. પરંતુ એ મદનદૈવત ચકોર કુસુમના કુમળા શિરમાં ભરાઇ રહેતું, એની પાસે સોડિયું વળાવતું, વધતાં અંગ સંકોચાવતું, લજ્જારૂપી હાથવડે એનો હાથ ઝાલી એને પાછો ખેંચી રાખતું અને એના શબ્દમાં મિતાક્ષરતાને અને ચેષ્ટામાં મર્યાદાને ભરતું. જોનારનો અભિપ્રાય પણ છેક ખોટો ન હતો; કારણ મદને એને ઝાલવા માંડી હતી તેમ પોતાના બાળપણને હજી એણે ઝાલી રાખ્યું હતું અને તે ઉભયની સાંકળોને આધારે આ હીંચકા ખાતી હતી.

ગીતની અસરથી રોતી ગુણસુંદરીને દેખી, તેની અને સુંદરની વચ્ચે ભરાઇ બેઠેલી કુસુમસુંદરી ડોકું સૌથી દેખાય એમ બહાર કાઢી બોલી ઊઠી : “દાદાજી, જોયું કે ? ગુણિયલની આંખમાં આંસુ આવ્યાં ને રુએ છે.”

અચિંત્યા આ પ્રશ્નથી સૌની એકાગ્રતામાં વિક્ષેપ પડ્યો, અને વૃદ્ધ માનચતુર વ્હાલી પૌત્રીના ઓઠમાંથી અક્ષર પડતાં મલકાઇ ગયા અને બોલ્યા : “બહેન, એ તો તારી જ આબરૂ ગઇ કે તું પાસે છતાં રુએ છે !” સૌ હસી પડ્યાં.

“ના, ના, એ તો એમ નહીં. જુઓ, એ તો રત્નનગરીમાં સરસ્વતીચંદ્રનું વાંકું બોલતી હતી ને કહેતી હતી કે બાાપે બે બોલ કહ્યાં, તેટલા ઉપરથી આટલો રોષ ચડાવવો એ તો છોકરવાદી છે. ત્યારે સાસુનણંદનાં મહેણાં ન સંભળાયાં અને વહુને ઓછું આવ્યું એવું ગીત સાંભળતાં જ આવડાં મોટાં ગુણિયલ રોઇ પડ્યાં ત્યારે એ છોકરવાદી નહીં ? સરસ્વતીચંદ્રને તો જાતે વેઠવું પડ્યું અને આને આ તો આટલાથી જ રોજ આવ્યું ! મેં તે દિવસે ગુણિયલને કહ્યું હતું કે સરસ્વતીચંદ્રને ઠપકો દેતાં પહેલાં વિચાર કરજોકે આપણે પોતે એને ઠેકાણે હોઇએ તો કેવું લાગે ?”

“ત્યારે તો એમ કહેને કે તું જીતી ને તારાં ગુણિયલ હાર્યાં !”

“હાસ્તો. એક વાર નહીં ને હજાર વાર.”

“બહેન, માને જિતાય નહીં, હોં !” સુંદરગૌરી એને માથે હાથ ફેરવતી ફેરવતી બોલી.

“ના કાકી. મોટા આગળ તો નાનાં જ જીતે. જુઓને, તમે જ વાતો કરો છો કની કે ગુણિયલે ઘરમાં બધાંને એવાં જીતી લીધાં હતાં કે દાદાજી, મોટાાં મા, બે ફોઈઓ અને તમે બે કાકીઓ-કોઇનાથી ગુણિયલ આગળ બોલાય નહીં. એણે તમને બધાંને જીત્યાં ત્યારે હું એને ન જીતું ?”

ચંદ્રકાંત સુધ્ધાંત સર્વને હસવું આવ્યું. ચંદ્રકાંતને પણ એની સાથે બોલવાનું મન થયું અને સ્મિત કરી બોલ્યો :

“બહેન, તમારાં માતુશ્રી જેનો વાંક કાઢે તેનો પક્ષપાત તમારાથી કેમ થાય ?”

દીવાનું અજવાળું કુમુદસુંદરીના અર્ધા મુખ ઉપર પડતું હતું, અને અર્ધો ભાગ ગુણસુંદરીની છાયામાં ઢંકાયો હતો. અજવાળાવાળા ભાગ ઉપર ચંદ્રકાંત ઉત્તર સાંભળવાને નિમિત્તે જોઇ રહ્યો અને સર્વસ્વતીચંદ્રનો પક્ષપાત કરનારી કન્યાના મુખ પરની સાદાઇ અને પ્રસન્નાના ઉપર થઇને આવતા જતાં ગૂંચવાડાવાળા વિકાર કલ્પવા લાગ્યો : “સરસ્વતીચંદ્ર, કુમુદસુંદરી ગરીબ સ્વભાવની છે-પણ તારે યોગ્ય તો આ જ છે-કારણ એ તારા માથાની નીવડશે અને તારા સદાના ગંભીર અને આડા સ્વભાવને પાંસરો કરશે પણ-ઓ દિન ક્યાં ?” નિઃશ્વાસ મૂકી, મનમાં આમ બોલી, ચંદ્રકાંત જોઇ રહ્યો.

“ખરી વાત, બહેન, એવું રોજ રાખજો.”

ચંદ્રકાંત મ્હાત થયો અને સરસ્વતીચંદ્રનો વિચાર કરી ફરી ફરી નિઃશ્વાસ મૂકી ગદ્‌ગદ થયો અને બોલતો બંધ પડ્યો. માત્ર મનમાં જ બોલ્યો : “તારે તો આ જ જોઇએ-પણ તું ક્યાં ?”

“સુંદર પાસે કુમુદ ઊછરી અને મનોહરી પાસે કુસુમ ઊછરી. મનોહરી બોલતાં હારે તો કુસુમ હારે !-કેમ કુસુમ ?” ડોસાએ હસીને પ્રશ્ન પૂછ્યો. ગુણસુંદરીએ બીજી વાતો કાઢી. સુવર્ણપુરમાં વેવાઇનો કારભાર થયાના સમાચાર-એ મોટી નવાજૂની હતી; સરસ્વતીચંદ્ર સુવર્ણપુર છોડી નીકળ્યો તે ક્યાં ગયો હશે તેની કલ્પનાઓ થવા લાગી અને ચંદ્રકાંતને ચિંતાતુર બનાવવા લાગી. બહારવટિયાઓની વાતો અને કાલે કુમુદસુંદરી આવવાની એ સંધિ ભય ઉપજાવવા લાગ્યો. વોતામાં ને વાર્તામાં સર્વ જમી રહ્યાં, ઊઠ્યાં અને પોતપોતાનાં શયનખંડમાં જવા વેરાયાં.

ચંદ્રકાંત અને માનચતુર એક ખંડમાં સૂવાના હત ત્યાં સૂતા સૂતા પરસ્પર વાતો કરવા લાગ્યા. માનચતુરે સરસ્વતીચંદ્ર શાથી ઘર છોડી નીકળ્યો એ વાતની સર્વ વિગત પૂછી લીધી, અને તે વિગત પૂરી પાડતાં પાડતાં ચંદ્રકાંતનો મિત્રભાવ અંતરમાં ખીલ્યો. સરસ્વતીચંદ્રનું નામ-એના ગુણની કથા-એની કીર્તિ-એ સર્વનો પ્રસંગ આવતો તેમ તેમ એની જીભ ઉપર આનંદની ઊર્મિઓ ઊછળતી; લક્ષ્મીનંદનના મનની નિર્બળતા, ગુમાનની સ્ત્રીબુદ્ધિ, ધૂર્તલાલની નિંદા, અને અંતે સર્વ કક્ષાનું અતિકરુણ પરિણામ, એ પ્રસંગોએ એના ઓઠમાંથી તિરસ્કારના ફુવારા ઉરાડ્યા અને છેવટે અત્યંત શોકની ટાઢ આણી દીધી. વિદ્યાચતુરે સરસ્વતીચંદ્રનો દોષ કાઢ્યો હતો એ વાત પણ સવિસ્તાર આવી ગઇ; અને વિદ્યાચતુરનો બાપ જ એ વાત સાંભળે છે તેની પરવા રાખ્યા વિના સરસ્વતીચંદ્રના અત્યંત સ્નેહી સ્નેહપરવશ મિત્રે વિદ્યાચતુરના મતનું ખંડન રસથી, છટાથી, અને જુસ્સાથી કરવા માંડ્યું અને મુંબઇની સભાઓમાં તે મહાપ્રયાસ કરતાં પણ ખીલી શક્તો ન હતો એટલા વેગથી અત્યારે તે ખીલ્યો, અને ગુણસુંદરી સામે આવી બેઠી હતી તે પણ ધૂનમાં ને ધૂનમાં જોઇ શક્યો નહીં. મિત્રભાવે અત્યારે એનામાં મહાન વક્તાની શક્તિ મૂકી દીધી, અને સરસ્વતીચંદ્ર જેવા મહાત્મા આગળ રજવાડામાં રાજ્યાધિકારીઓ પાણી ભરે એટલો મોટો મારો મિત્ર છે એવા વિષયનું વિવેચન કરતાં કરતાં, માનચતુર, ગુણસુંરી અને બીજું મંડળ ધીમેધીમે ભરાયું હતું તે સૌના અંતઃકરણને ચંદ્રકાંત ટકોરા મારવા લાગ્યો, અને ન્યાયાધીશની પાસે પક્ષવાદ કરવાની પોતાની કળાની સીમા પ્રત્યક્ષ કરાવવા લાગ્યો.

વિદ્યાચતુરે ચંદ્રકાંત પાસે સરસ્વતીચંદ્રનો દોષ કાઢ્યો હતો તે સારુ ગુણસુંદરી મનમાં પસ્તાવા લાગી; નાની કુસુમ સુંદરગૌરીને ખભે પછવાડેથી વળગી ઓઠ કરડતી કરડતી શ્વાસ સરખો લીધા વગર સૌ સાંભળી રહી અને પોતાના ઊંધા મૂકેલા પગ અંધારામાં પૃથ્વી પર કંઇક પછાડવા લાાગી; અને અનુભવી માનચતુર, દંશ પામેલા સ્નેહને આશ્વાસન દેવું એ પોતાનો ધર્મ સમજી, સરસ્વતીચંદ્રને નિર્દોષ ઠરાવવા, પોતાના પુત્ર વિદ્યાચતુરનો ફેંસલો ફેરવવા, પોતાના જ પાછલા અનુભવનો આધાર બતાવવા લાગ્યો, એ જ અનુભવના બાંધેલા કાયદાના સિદ્ધાંતોનું સ્પષ્ટીકરણ કરવા લાગ્યો, એ જ અનુભવના બાંધેલા કાયદાના સિદ્ધાંતોનું સ્પષ્ટીકરણ કરવા લાગ્યો, અને ચંદ્રકાંતે કરેલી વકીલતાને સફળ કરી, એવી એની મિત્રતાને ધન્યવાદ આપતાં આપતાં, પોતે બોલ્યો હતો તેનો ઉપસંહાર કરી બોલ્યો :

“ચંદ્રકાંત, સરસ્વતીચંદ્રનો વિચાર બધું જોતાં ખોડો ન હતો. કુમુદસુંદરી ગુમાનબા સાથે રહી સુખી ન થતા. એમાં કાંઇ વાંધો નથી. વિદ્યાચતુર એ વાત ન સમજે. એને ભાગ્યે અમારાં આ ગુણસુંદરી મળી ગયાં છે અને ગુણસુંદરીએ એને જગતનો માર જણાવા દીધો નથી એટલે એવો માર કેવી વસ્તુ છે એની એને કલ્પના જ નથી. આજ તો ગુણસુંદરી ભૂલી ગયાં હશે પણ એમની બાવીશત્રેવીશ વર્ષની અવસ્થા હતી, અને અમારા ઘરમાં તો સંપ હતો છતાં કેવાં કેવાં નાટક થતાં હતાં, અને એમણે કેટલી નાની ઉમ્મરે કેવી રીતે સૌ શાંત કરી દીધું તે મને સરત છે. બાવીશત્રેવીશ વર્ષની છોકરીએ મારા આખા ઘરનો મોટાંને કચરી નાખે એવો ભાર ભૂલની પેઠે માથે ઝીલી લીધો, અને નાનુંનાનું શરીર રૂપાની આરતી પેઠે આખા ઘરમાં ફરી વળે અને જ્યાં ફરે ત્યાં એના અજવાળાનો ઝાત્કાર; તેમ એની શાંતિને ધન્ય કહો કે મારા જેવા વૃદ્ધથી મિજાજ જળવાય નહીં ત્યાં એના મોંમાંથી શબ્દ સરખો નીકળે નહીં. ને જો નીકળે તો કેવો ? શાંત, ધીમો અને સૌને ટાઢાં પાડી દે એવો. એટલું જ નહીં પણ એના મનમાં યે કંઇ લગાડે નહીં. કેટલાંક એવાં હોય છે કે મનમાં તો લાગ્યા વગર ન રહે પણ બહાર ન જણાવે, અને આ તો એવું કે એને કોઇ ખાવા ધાય તો તેના ઉપર એ નાની સરખી છોકરી ઊલટી પ્રીતિ રાખે અને સામાની સાથે સામી ન થતાં તેને અનુકૂળ થઇ જઇ એવું તો વશ કરે કે કંઇ વાત નહીં !”

પોતાનાં દેખતાં પોતાની સ્તુતિ થતી જોઇ ગુણસુંદરી શરમાઇ જઇ ગૂંચવાડામાં પડી કંઇક વિનયસૂચિત ઉત્તર દેવાનું કરતી હતી. માનચતુર તે ચેતી ગયો અને તેને બોલતી અટકાવવા હસતો હસતો એના સામું જોઇ બોલ્યો :

“ગુણસુંદરી, ઉતાવળ ન કરશો. આ કંઇ તમારી પોતાની સ્તુતિ છે એમ સમજી ફુલાઇ ન જશો હોં ! આ તો તમારી નામરાશિ છોકરી આપણા ઘરમાં કેટલાંક વર્ષ ઉપર હતી તેની વાત છે. એ છોકરી તો તમે દીઠેલી યે નહીં. કહો-તમારી આંખે તમે એને દીઠેલી ?-હા-બાકી ચાટલામાં જોઇ હશે.” સૌ હસી પડ્યાં.

“તમારી તો હવે મારે નિન્દા કરવાની છે, તે તમારે સાંભળવી પડશે-વડીલ નિન્દા કરે તે તો સાંભળવી જ જોઇએ કની ?”

“હા, જી, હા ! વડીલ કહે તે ખરું.” ગુણસુંદરીએ હસતે હસતે નરમાશથી જવાબ દીધો અને લમણે હાથ દીધો.

ડોસાએ પોતાનુંં કથાસૂત્ર ફરી ઝાલ્યું : “ચંદ્રકાંત ! શી કહીએ વાત ? મારાં ભર્યાભાદર્યા ઘરમાં કોઇ કંઇ બોલ્યું હશે, કોઇએ કાંઇ મહેણાં દીધાં હશે, કોઇએ પાડઉલાળ ગણ્યો નહીં હોય, કોઇ ખડક્યામાંથી ખસી ગયું હશે, કોઇનું નચાવ્યું નાચતું પડ્યું હશે, પોતાને માટે આણેલી સારી ચીજ કોઇ પટકાવી પડ્યું હશે, કોઇએ કાયર કાયર કરી મૂક્યાં હશે, અને આવાં આવાં કેટલાંક વર્ષ ગયાં હશે, પણ ગુણસુંદરીનો નથી ઓઠ ફફડ્યો કે નથી એમણે મારા વિદ્યાચતુરને કંઇ જાણવા દિધું ! વિદ્યાચતુરને તો એમણે રોજ પોતાની હરકતોથી અજાણ્યો જ રાખ્યો છે, એમનાં દુઃખ-સુખ એ કદી જાણવા પામ્યો જ નથી, ને કુટુંબના દુઃખ કેવાં હોય છે તેનો તો એ બિચારાને અનુભવ જ થવા દીધો નથી-સ્વપ્ન સરખું પણ આવવા દીધું નથી નથી ! કેવી વાત ? આતે કંઇ સ્ત્રીનું સ્ત્રીપણું ? બીજી કોઇ સ્ત્રી એમની દશામાં હોય તો રોઇ રોઇને ધણીને નિરાંતે સૂવા ન દે અને સંસારનું દુઃખ શું છે ને પરણીને પસ્તાવું તે શું તેનો પૂરેપૂરો અનુભવ કરાવી દે. એનું નામ તે સ્ત્રી કે જે પોતાના દુઃખનો પતિનો ભાગિયો કરી દે. અને આ અમારાં ગુણસુંદરી તો એકલપેટાં જ ! બધું દુઃખ જાતે વેઠ્યું, કોઇને કહ્યું પણ નહીં, સૌ વાતમાં ઘૂંટડા ગળી ગયાં, પોતાના દુઃખમાં કંઇ ભાગ વિદ્યાચતુરને આપ્યો નહીં અને સૌ દુઃખ જાતે જ વેઠી લેવું-સૌ જાતે જ એકલાં લેવું-સમજ્યાં ! મારા વિદ્યાભાઇ દુઃખના અનુભવ વગરના રહ્યાં, અને સરસ્વતીચંદ્રને ઓરમાન માના હાથમાં ગયેલા બાપના બોલનો ચાટકો કેમ લાગ્યો હશે તે અમારા અનુભવ વગરના વિદ્યાભાઇના સમજ્યાંમાં ન આવ્યું તેનું કારણ અમારાં આ ગુણિયલ !- જો આ વાત કરું છું ત્યો કેવા શરમાઇ જાય છે ? -પોતાનો વાંક તે કોને કહે ? એમણે મારા વિદ્યાને એટલું સુખ આપ્યું છે ને દુઃખનું નામ સમજવા દીધું નથી એવું કામ કોઇ સજાત સ્ત્રીએ કરવું નહિ ! ધણીને દુઃખનો અનુભવ ન કરાવે-પોતાના દુઃખનાં રોદણાં રોઇ રોઇ કાયર ન કરે-એ સ્ત્રીની જાત ? માટે ચંદ્રકાંત, મારા પુત્રનાં વચન સામું જોવું નહીં અને ગુણસુંદરીનો જ વાંક કાઢવો કે વિદ્યાના કાનમાં સુખ વગર બીજો શબ્દ આવવા ન દીધો !

“આટલો દોષ એમનો. મારા પુત્રનો દોષ એટલો કે એણે એમ જાણ્યું કે આખા જગતમાં ઘેરઘેર ગુણસુંદરીઓ જ વસતી હશે ને ગુણસુંદરી થવું તે રમત વાત હશે. ઘેબર ખાનાર જાર ખાનારની કથા ક્યાંથી જાણે ? પણ હું તો જાણું છું. સરસ્વતીચંદ્રને લક્ષ્મીનંદનનાં વેણ વસમાં લાગ્યાં તે લાગે જ. એ કુમળું ફૂલ ! એ તે હિમના કડકાનો મારા કેમ સહી શકે ? એનું શું ગજું ? એણે ધાર્યું તે ખોટું નહીં; મારી ગરીબડી કુમુદ ગુમાનના હાથ નીચે એકલી એકલી કચરાઇ રિબાઇ મરી જાત ! ગુમાનના સામાં તો મારાં ગુણિયલ પણ ન ટકે તો કુમુદ તે કોણ માત્ર ? ગુમાનને તો સામું લાંઠ માણસ જોઇએ-મારી કુસુમના જેવું-કેમ કુસુમ ? ગુમાનને તું પાંશરી કરે કે તને ગુમાન પાંશરી કરે ?”

“હા. તે અમે એવાં પક્કાં હઇશું ?” કુસુમ સુંદરને ખભેથી ઊતરી આઘી બેસી બોલી : “દાદાજી ! તમે જ પક્કા છો. ગુણિયલનોવાંક કાઢવાનું નામ દઇ વખાણ કર્યાં !”

“શું પક્કાઇમાં કાંઇ ખોટું છે ?”

“ના, શું કરવા ? દાદા પક્કા ત્યારે દીકરી પણ પક્કી જ હોય કની ? લો, તમારી વાત કરો-આડી વાત ક્યાં કાઢી ?”

માનચતુર પાછો વાતમાં પડ્યો : “ચાલો ત્યારે, હવે તારી માનાં વખાણે નહીં કરીએ ને વાંકે નહીં કાઢીએ. ચંદ્રકાંત ! સરસ્વતીચંદ્રને રોગ પરખતાં આવડ્યો પણ ઔષધ આવડ્યું નહીં એમાં તો તમે પણ ના નહીં કહો. એમણે કુટુંબ છોડી વનવાસ લીધો એટલી બુદ્ધિ ઓછી. લક્ષ્મીનંદનથી જુદા રહેવામાં કંઇ બાધ ન હતો. ખરું પૂછો તો મને સાહેબલોકનો ચાલ ઘણો ડાહ્યો લાગે છે કે પરણે ક્યારે કે જુદા રહેવાની તાકાત આવે ત્યારે જ, અને પરણે એટલે જુદાં જ રહેવું. આપણો ચાલ પણ ખોટો નથી, પણ તે ક્યાં સુધી કે બધાંની આંખમાં અમીદ્દૃષ્ટિ હોય ને બધામાં સંપ હોય ત્યાંસુધી. સાહેબલોકને હુતો ને હુતીનું સુખ-પણ આપણા કુટુંબનું સુખ તેઓ સમજતા નથી. આ મારી આસપાસ આ બધો વિસ્તાર ભરાઇ બેઠો છે ને જે આનંદની રેલ આપણે ચાલે છે, ને હું જાણું છું કે મારા ગુણસુંદરી અને ગુણસુંદરી જાણે છે કે મારા વડીલ, એ સુખનું સાહેબલોકને સ્વપ્ન પણ નહીં હો ! આપણાં કુટુંબમાં તો કહો કે મારો અને અમારી આશિષ છે તે ગુણસુંદરીને આનંદ જ રહેવાન. અમારાં જેવાં ઘરડાં, લૂલાંલંગડા અને નિરુદ્યમી, ગુણસુંદરીને માથે પડ્યાં છીએ અને વિદ્યાચતુરની ટૂંકી કમાઇના દિવસ હતા ત્યારથી એનું લોહી ચૂસી લેતાં આવ્યાં છીએ-”

“સાંભળો તો ખરા. આમ છે છતાં અમે પણ એમને કોઇ વખત કામે લાગ્યાં હોઇશું અને આજ અમારાથી લોકમાં અને પરલોકમાં એમને સુકીર્તિ છે, પણ આ વખત આવતાં સુધી ટકી રહે એવાં ગુણસુંદરી મારા જ ઘરમાં છે, બીજે કોઇ ઠેકાણે નથી. ગરીબ અને પગ ઘસતા દીકરાઓની કમાઇ ઉપર દબાણ મૂકવું, ડાહી અને મહેનતુ વહુરોને મજૂરી કરાવી કચડવી, તેમને જુવાનીનું સુખ અને જુવાનીનો ઉમંગ જોવા વારો જ ન આવે તેમ એમની પાસે રહી એમને કેદ રાખવાં, તેમના ઊગતા ડહાપણને અને તેમની નવી બુદ્ધિને પોતાના કોહ્યાપણમાં છેક પરતંત્ર કરી નાંખવાં-એનાથી વધારે નિર્દયતા કઇ હશે ? અને જાણ્યે અજાણ્યે અને સમજ્યે અથવા અણસમજ્યે કેટલાં માબાપ અને કેટલાં સાસુસસરા આવાં નિર્દય થાય છે, તેનો મને અનુભવ છે. બોલનારી અને લડનારી વહુરોનાં દુઃખ બધે ગવાય છે અને કપૂત દીકરાઓનાં પરાક્રમ જગતજાણીતાં છે; પણ ડાહ્યો દીકરો દેશાવર ભોગવે અને ડાહી વહુ રાંધણાં રાંધે એ કહેવત પ્રમાણે, ન બોલનારા દીકરાઓ અને ન બોલનારી વહુરોની ખબર કોને છે ? માબાપ અને સાસુસસરાઓનો ધર્મ એ છે કે આવાં બાળકની દાઝ પોતાની મેળે જાણવી અને ન બોલે તેને બેવડો માર ન મારવો અને મીઠા ઝાડનાં મૂળ ન કાપવાં. કોઇ માબાપ જાણી જોઇને માર મારતાં નથી, પણ જાણી જોઇને કે અજાણ્યે કચરાય તો યે ફૂલ તો ચોળાય જ ! માટે મારો અનુભવ એવું કહે છે કે ઘરડાંઓનો તેમ ભાઇભાડુંઓનો ધર્મ એવો છે કે પોતે છૂટા થવાય કે ન થવાય તોપણ સામાને છૂંટા થવાય તોપણ સામાને છૂટાં થવા દેવા અવસર આવે એવી રીતે પોતે જાતે જ ખસતાં રહેવું. સરસ્વતીચંદ્ર મોટા થયા ત્યાંથી જ એમને લક્ષ્મીનંદને ભેગા ને ભેગા અને છૂટા ને છુટા એમ રાખ્યા હોત તો આ વખત ન આવત. કુસંપ થવા પહેલાં સંપને વખતે જ પોતે છૂટાં થવું અને સામાને છૂટૂં કરવું એમાં માણસની દીર્ઘદ્દૃષ્ટિ છે, ડાહપણ છે, ચકોરતા છે અને એ જ એનો ધર્મ છે. એ વાતમાં લોકલજ્જાનો પ્રતિબંધ ગણવો એ મૂર્ખતાં છે. જ્યારે મોડુંવહેલું પેઢીએ બે પેઢીએ જુદું પડ્યા વિના છૂટકો નથી ત્યારે સમય સમજી જાતે છૂટાં પડવું એ તો સંસારવ્યવહારની દૂર ન કરી શક્યા તે એટલું જ બતાવે છે કે એ ભણ્યા પણ ગણ્યા નહીં. -એમાં શી મોટી વાત હતી ? -જુદું રહેવું એ સંસારનો રસ્તો છે તો એમાં ઓસંગાવું શી બાબત ? સરસ્વતીચંદ્રને એ વાતમાં લાજ લાગી તેનું કારણ એ જ કે હજી એ બાળક છે. મેં તો કેટલાંક સિદ્ધાંત જ કરી મૂકેલા છે તેમાં એક તો એ કે બે બૈરાંને એક ઘરમાં રહેવા ન દેવાં અને બીજું-ક્યાં પુરુષ કે ક્યાં સ્ત્રી-સૌને છૂટાં રહેવા દેવાં, અને મારે જાતે કેટલું કરવું કે સૂર્ય પોતે પૃથ્વીની દૂર અને છૂટો રહી આપણને પ્રકાશ અને તાપ બે વાનાં આપે છે અને લોકનાં ઢાંકેલાં છાપરાં તળે અને ખૂણેખાંચરે શું થાય છે તે જોતો નથી અને તેની ચિંતા કરતો નથી તેમ મારે પણ કુટુંબમાં એ સૂર્યની પેઠે રહેવું; તેમાં સૌને સુખ છે, અને સૌનું કલ્યાણ છે. કુટુંબમાં વૃદ્ધજનનો ધર્મ આ છે અને તે સૌ વૃદ્ધોએ પાળવો જોઇએ છે-જો પોતાના કુટુંબ ઉપર ખરી પ્રીતિ હોય અને જો સૌનું સુખ વાંછતાં હોઇએ તો. તેમ હોય તો વૃદ્ધાવસ્થા મને સુખરૂપ છે તેવી થવાની, તેમ નહીં હોય તો તેવા વૃદ્ધોએ છોકરાંને ગાળો દઇ ગાવું કે ‘ઘડપણ કોણે મોકલ્યું ?’ તમે સર્વ વૃદ્ધ થશો માટે આટલું કહી મૂકું છું, અને આજને વાસ્તે તો એટલું કહું ચું કે સૌના સુખને વાસ્તે ઘરમાં કે કુટુંબમાં કાંઇ કરવાનું આવશ્યક લાગે તો બાયડીઓની પેઠે અને સરસ્વતીચંદ્રની પેઠે ‘આમ કેમ થાય ?’ કરી લજવાશો નહીં, પણ જે ઠીક લાગ્યું તે ધૈર્યથી અને ખબરદારીથી કરી દેવું જ અને રજ પણ આશંકા ન ગણવી. આહારે વ્યવહારે ચ સ્પષ્ટત્કા સુખી ભવેત્‌ ।”

“આ સર્વ વાર્તાપ્રસંગમાં શ્વશુર પાસે મર્યાદા રાખવાના સ્વભાવવાળી ગુણસુંદરી કંઇ બોલ્યા ચાલ્યા વિના બેસી રહી હતી તે માનચતુરનું ભાષણ થઇ રહ્યં એટલે મોં મલકાવી ધીમે રહી બોલી : “ત્યારે મારા આગ્રહનો તિરસ્કાર કરી મારા જેઠને જુદા રાખ્યા અને પાણીફેરનું નિમિત્ત કાઢી આપ અહીંયાં રહેવા આવ્યા તેનો મર્મ પણ આજ કે ?”

ડોકું ઊચું કરી, આંખો વિકસાવી, મૂછે તાલ દઇ, વક્ર મુખે હસી પડી, આડંબર કરી, ડોસાએ એકદમ ઉત્તર દીધો : “હાસ્તો વળી !” મિતાક્ષર અને વેગભર્યો ઉત્તર સાંભળી ગુણસુંદરી ચૂપ થઇ ગઇ.

વિદ્યાચતુરની કંઇક અસંબદ્ધ પણ વેગવાળી અને અનુભવી વાતચીતથી તે ઠંડોગાર થઇ ગયો, અને રત્નનગરીના પ્રધાન કરતાં પ્રધાનના પિતાની બુદ્ધિ આટલી વયે આવી ઉત્તેજિત જોઇ ચકિત થઇ જોઇ જ રહ્યો-સાંભળી જ રહ્યો.

રાતઘણી ગઇ હતી અને પોતપોતાના શયનખંડ ભણી વેરાયાં. સર્વને મોડીવહેલી નિદ્રા આવી. માત્ર ગુણસુંદરી ઉગાડી આંખે સૂતી. તેનું સ્વાભાવિક ઘૈર્ય આજ કુમુદસુંદરીના વિચારથી, અનિષ્ટ શંકાઓથી અને ઉદ્ધેગકારક તર્કોથી ખસી ગયું હતું. થોડીક વારે સુંદરગૌરીની આંખ સહેજ ઊઘડી જતાં એણે ગુણસુંદરીને જાગતી અને રોતી જોઇ, અને જોતાંમાં જ તે જાગૃત બની પૂછવા લાગી : “ગુણિયલભાભી, શું થાય છે ? કેમ રુઓ છો ?” ગુણસુંદરી બેઠી થઇ અને સુંદરની છાતી ઉપર માથું નાખી રોઇ પડી; “સુંદરભાભી, આજ મને કંઇ કંઇ વિચાર થયા કરે છે અને રોવાઇ જવાય છે; તેમાં કુમુદનો કાગળ સંભારું છું ત્યારે કોણણ જાણે શું દોહ્યલું મને ભરાઇ આવે છે ને રહેવાતું નથી.” આટલી વાતચીત થાય છે એટલાથી ચકોર કુસુમ ઊઠી ઊભી થઇ, અને તે ઊભી થઇ નથી એટલામાં બારણે કોઇ કડું ઠોકતું અને ધીમેથી બોલાવતું સંભળાયું : “ગુણસુંદરીબા, ગુણસુંદરીબા, જરી ઉઘાડો !” સૌએ કાન માંડ્યા; કુસુમ બોલી ઊઠી : “ફતેહસંગનો સ્વર ! ગુણિયલ, ઉગાડું ?” હાનો ઉત્તર મળતાં એ ઊઠી અને બારણું ઉઘાડતાં ફતેહસંગ હાથમાં ફાનસ લઇ દાખલ થયો; અને ફાનસ પાસે મૂકી ગુણસુંદરીનાથી કંઇક છેટે બેસી, તલવાર ઊભી રાખી, તેની મૂઠ ઉપર હાથ મૂકી બોલ્યો.

“બધા વચ્ચે કહેવાય નહીં એવી વાત હસી એટલે તે વખત કહી નહીં. તે હવે કહેવા આવ્યો છું.”

સૌની આતુરતા વધી. ફતેહસંગે કુમુદસુંદરીએ સરસ્વતીચંદ્ર વિષે કહાવેલા સમાચાર કહ્યા અને બહારવટીયા એને ખેંચી ગયા ત્યાંસુધી અથઇતિ કહી બતાવ્યું. છેવટે વધારે પત્તો મેળવવા હરભમજી ગયો હતો તે પણ કહ્યું.

ગુણસુંદરી અકળાઇ. “હેં ! શું સરસ્વતીચંદ્ર જડ્યા યે ખરા ને ખોવાયા પણ ખરા ? શું એને બહારવટિયા ખેંચી ગયા ? અરેરે ! સુંદર ! એમનો ઉતારો બુદ્ધિધનને ઘેર હતો-કુમુદના પત્રનો અર્થ સમજ્યાં કની ! હૈયું ખાલી કરવાનું એ લખે છે તે એ જ-બીજું શું ? - વડીલને અને ચંદ્રકાંતને ઉઠાડી સમાચાર કહીશું ?”

“ના જી, શું કામ છે તેમને અત્યારે મોડી રાત્રે જગાડીને ?” ફતેહસંગ બોલ્યો.

“ચંદ્રકાંત નામના સરસ્વતીચંદ્રના ભાઇબંધ છે તે બિચારા એમને જ શોધવા આવ્યા છે.” સુંદર બોલી.

ગુણસુંદરી કંઇક શાંત થઇ; વિચારમાં પડી, નિઃશ્વાસ મૂકી બોલી : “શા સારા સમાચાર કહેવાના છે ? દુઃખના માર્યા અને થાક્યાપાક્યા બિચારા અત્યારે જ સૂતા છે તે સૂવા દો. જાગીને શું કરવાના હતા ? સમાચાર જાણશે એટલે આખી રાતની ઊંઘ ખોશે ને હરભમ આવ્યા સુધી કંઇ કરવાનું નથી. જા, ભાઇ ફતેહસંગ, સવારે જ સૌને જગાડીશું. પણ હરભમ આવે એટલે તરત એને લાવજે ને એમને જગાડજે.”

ફતેહસંગ બારણું વાસી ગયો. કુસુમે સાંકળી વાસી અને ગુણસુંદરી બોલી : “સવાર સુધીમાં વળી કોણ જાણે શાયે સમાચાર આવશે. ચંદ્રકાંતને ભાઇબંધનો દોષ ન વસે પણ આવી દશામાં આવી પડવાનું સરસ્વતીચંદ્રને એવું શું કારણ હતું ?”

સુંદર બોલી : “ભાવિમાં લખેલું તે એ પણ શું કરે ?”

કુસુમ ગાતી ગાતી ગણગણી : “લખ્યા લેખ મિથ્યાન થાયે લગાર.”

સુંદરગૌરીએ કુસુમને ખેંચી કેડ સરસી ચાંપી.

ફરી બારણું ખખડ્યું. સૌ ચમક્યાં અને કાન માંડ્યા.

“કોણ ?”-ગુણસુંદરી બોલી અને તેને બોલે રાત્રિ ભેદાઇ.

ફતેહસંગ ઘરમાંથી નીકળ્યો અને તરત અંધારામાં સામા બે માણસના આકાર આવતા દેખાયા. તે આકાર ચોરના છે કે શાહુકારના, ભૂતના કે માણસના, શત્રુના કે મિત્રના, તે સમજાયું નહીં ત્યાંસુધી ફતેહસંગ કમર બાંધી, સજ્જ થઇ સામો ચાલ્યો અને ખોંખારી, ઊંડા અંધકારમાં પડઘા કરાવતો બોલ્યો : “ખમા મહારાજ મણિરાજને ! કોણે આવે છે એ ?”

ઊંડાણમાંથી બે મુખમાંથી એકઠો ઉત્તર મળ્યો : “ખમા મહારાજ મણિરાજને !”

ઊંડાણમાંથી બે મુખમાંથી એકઠો ઉત્તર મળ્યો : “ખમા મહારાજ મણિરાજને !”

સૌ એકઠા થયા અને સ્વરથી સૌએ એકબીજાને ઓળખ્યા. રાત્રિના પ્રથમ પહોરમાં ગામના ત્રિભેટામાં બહારવટિયાઓનું રાવણું મળ્યું હતું તે સર્વ વાત ઝાડની ડાળમાં બેસી પ્રત્યક્ષ કરી, રાવણું વેરાયા પછી ઉતાવળે પગલે ગામમાં આવી, મુખી પટેલને મળી એને સાથે લઇ, ગુણસુંદરીને અને માનચતુરને કહેવા ઝડપથી હરભમજી આવતો હતો તે ફતેહસંગને મળ્યો. અંધારામાં મુખ અને કાન વચ્ચે વાત ચાલી.

“કોણ ? હરભમજી ?”

“એ જ. કોણ ? ફતેહસંગજી ?”

“એ જ. પાછળ કોણ છે ?”

“મુખી પટેલ.”

“ઠીકથયું, ચાલો, ગુણસુંદરીબા વાટ જ જુએ છે.” ફતેહસંગ સૌમાં આગળ ચાલ્યો, બારણું ઠોક્યું અને ગુણસુંદરીનો “કોણ ?” એ પ્રશ્ન નીકળતાંમાં જ ઉત્તર દેવા લાગ્યો.

“બા ! ઉઘાડો, એ તો હું ફતેહસંગ અને હરભમજી.”

ઉત્તર પૂરો થતાં પહેલા બારણું ઊઘડ્યું અને કુસુમના હાથમાં ફાનસ હતું તેનું અજવાળું ત્રણે પુરુષોનાં મોં ઉપર બરોબર પડ્યું. બારણાં વાસી સર્વ અંદર આવ્યાં. ગુણસુંદરી અને સુંદરી ખાટલામાં બેઠાં, કુસુમ તે બેની વચ્ચે ભરાઇ ગઇ, મોં આગળ ખાટલા પાસે ફાનસ મૂક્યું, થોડે છેટે સામા પુરુષો બેઠા, અને તેમાં જરાક આગળ ઊંઘે પગે બેસી હરભમજી ખોંખારતો ખોંખારતો સમાચાર કહેવા લાગ્યો. અથથી તે ઇતિ સુધી બહારવટિયાઓની કથા અને કુમુદસુંદરીને પકડવા તેમણે કરેલો સંકેત આખર કહી બતાવ્યો અને કહેતો કહેતો બોલ્યો :

“બા, રજ પણ ગભરાશો નહીં. એક પાસ બુદ્ધિધનભાઇની હાક વાગે છે અને બીજી પાસ મહારાજ મણિરાજના નામથી જગત કંપે છે. વિદ્યાચતુરભાઇના છોરુ ઉપર હાથ ઉપાડનારનું ભવિષ્ય ફરી વળ્યું સમજવું.”

સુંદરગૌરી રોઇ પડી, કુસુમ કંપવા લાગી અને ગુણસુંદરી સજડ થઇ ગઇ : “ફતેહસંગ, એકદમ વીલને જગાડ.” -સૌ માનચતુરના શયનખંડ ભણી દોડ્યાં.

સૌના પગના ઘસારાથી જ, વગર ઉઠાડ્યા માનચતુર અને ચંદ્રકાંત જાગી ઊઠ્યા અને બારણું ઉઘાડી બહાર આવ્યા અને ગભરાયેલા જેવા પૂછવા લાગ્યા : “શું છે ? શું છે ?”

ગુણસુંદરીએ ઉતાવળથી સર્વ સમાચાર કહી દીધા. સરસ્વતીચંદ્ર બહારવટિયાઓના હાથમાં ગયો સાંભળતાં જ ચંદ્રકાંત નરમ બની ગયો. એનું તો જે થયું તે થયું-તરત તો કુમુદસુંદરીને બચાવવાના વિચારની વધારે અગત્ય હતી-પ્રધાનની બાળાના ઉગ્ર ભાવિના શીઘ્ર કર્તવ્ય આગળ સરસ્વતીચંદ્રના સમાચાર, ભૂતકાળના સમાચાર જેવા બની, પ્રાતઃકાળના ચંદ્રોદયપ્રસંગે ચંદ્ર દેખાતાંમાં જ સૂર્યપ્રકાશમમા લીન થાય તેમ થયા. માત્ર ચંદ્રકાંત જ ઓ સમાચારથી અંતરમાં દાઝતો રહ્યો, અને ખીજવાતો ગયો; સરસ્વતીચંદ્રના હઠાગ્રહને ગાળો દેવા લાગ્યો તેમ જ પોતાની પણ મૂર્ખતાને ગાળો દેવા લાગ્યો : ‘મેં આ ડહાપણ કરી પત્ર લખ્યો તે સુવર્ણપુર પહોંચેલો. તેમાં જ એણે સુવર્ણપુર પણ છોડ્યું; દીન બની વિચારવા લાગ્યો, ‘હવે મારે તને ક્યાં ખોળવો ? -મને એ પત્ર લખવો ક્યાં સૂઝયો !-કુમુદસુંદરી હેમક્ષેમ ગુણસુંદરીને મળે ત્યાં સુધી સરસ્વતીચંદ્રની શોધમાં વાત તે હું શી રીતે એમના આગળ કરવાનો હતો ?’ આ સર્વ પ્રશ્નોત્તર એના મનમાં જ થયા. બાહ્યપ્રસંગ કુમુદસુંદરીની બાબતની ગભરામણનો જ સાક્ષી રહ્યો.

સર્વ વાત ગુણસુંદરીએ પૂરી કરી, એટલે માનચતુરે હરભમજી સાથે કેટલાક પ્રશ્નોત્તર કર્યા, અને હવે શું કરવું તે વિષેતેની સાથે તેમ જ મુખીની સાથે ટૂંકી ગોષ્ઠી જેવું કંઇક કર્યું. આખરે મુખી અને સવારોની સૂચનાઓ ઉપર સુધારાવધારા અને વિચાર કરી, પળવાર શાંત વિચારમાં પડી, વીજળી ઝબૂકે તેમ કંઇ વિચાર સૂઝી આવતાં, માનચતુરે ત્વરાથી આજ્ઞા આપી :

“મુખી પટેલ, તમારા કહેવા ઉપરથી એમ ઝણાય છે કે ગામમાં ચાળીસેક સવાર અત્યારે તૈયાર છે-એ બહુ સારો જોગ બન્યો છે; હવે જુઓ આ પ્રમાણે વ્યવસ્થા કરો. આપણા ચાળીસ સવારોમાંથી પાંચ ટૂકડીઓ કરી દેવી. જ્યાં કુમુદને અટકાવવાની ધારી છે ત્યાં આગળ વધારેમાં વધારે માણસોની ટુકડી રાખવી. એક ટુકડી આ ગામમાં જ રહે; બીજી ટુકડીએ ત્રિભેટાના વડની પાસેથી તે વાઘજી ફરતો હોય તેની પણ પેલી પાસ સુધી ફરવું. નદીના પુલ પાસે-આ પાર-બહારવટિયાઓની ઢોલ હોય તેની અને નદીનાં કોતર બેની વચ્ચે ત્રીજી ટુકડી રહે; ચોથી ટુકડીને ક્યાં રાખીશું ? હા, સુભદ્રા નદીને પેલે તીરે, જ્યાં આગળ રસ્તોબે વનની વચ્ચે પેસી આવે છે તેની પણ પેલી પાર, સુવર્ણપુરના રસ્તા ઉપર સુવર્ણપુરભણીની દિશામાં બને તેટલું વધારે, -એ રસ્તા પર જ ચોથી ટુકડીએ રહેવું. પાંચમી ટુકડી સૌ ટુકડીઓને મૂકી કુમુદ આવવાની છે તે રસ્તે જઇ તેને મળે. લઇ જવા લાવવા ફરે.

“વળી જુઓ, બીજું સરત રાખવાનું છે. મુખી પટેલ સૌ રસ્તાના ભોમિયા છે માટે એણે વડ પાસે રહી વડથી નદી સુધી બધે રસ્તે હેરાફેરા કરવા. પટેલ, તમારે રુઆબબંધ દોડાદોડ કરી મૂકવી અને તમારી ખબરદારીથી અંજાશે તો લુચ્ચાઓની તાકાત નથી કે ચેંચું કરવાની હિંમત કરે. મારી ખાતરી છે કે ચંદનદાસ અને વાઘજી બે જણ તારાથી સચવાશે. મનહરપુરીમાં ટુકડી રાખવાની છે તે તો ગમે તે સાધારણ પણ સાવચેત માણસને સોંપજો.”-

હરભમ બોલી ઊઠ્યો : “હાજી, બરાબર છે. વિદ્યાચતુરભાઇના બંદોબસ્તમાં કોઇની આંગળી ખૂંપે એમ નથી અને મણિરાજ મહારાજની આણથી બધો મુલક થરથરે છે-તે ત્યાં વગર ફોજે ફોજે છે. આ ગામમાં માણસો રહે તે તો ઠીક ગમે તેને રાખો.”

પુત્રની સ્તુતિથી ઉત્કર્ષ પામતો ડોસો બોલ્યો : “હરભમ, મુખી વડથી તે નદી સુધીનો રસ્તો સાચવી શકશે, એમાં વાંધો નથી.” હરભમનો મત માગતો હોય, અને મુખીની હિંમત નાણી જોતો હોય તેમ ડોસો તેમના સામું જોઇ રહ્યો. મુખીએ તરવાર પર હાથ મૂકી દાંત પીસ્યાં તે દીવાને અજવાળે ચળક્યા. શુભ શકુન ગણીને ડોસો બોલવા લાગ્યો.

“ફતેહસંગ, તારે પુલ આગળ અને કોતરોમાં રહેવું અને ભીમજીને અને પ્રતાપને આંચમાં રાખવા. એ તો તને આવડશે.” ફતેહસંગને પોતાની મૂછો આમળી.

“હરભમ, સૌથી વધારે જરૂરનું કામ તને સોંપુ છું. કેમ થશે કે તારાથી ?”

હરભમ હસ્યો : “ગાજ્યો મેહુલો વરસે નહીં, માટે ગાજ્યું કાંઇ વધારે છે ?”

ડોસો :- “ઠીક, ત્યારે વરસો, અત્યારે ને અત્યારે તારે સુરસંગનો પત્તો ખોળી કાઢવો અને ચોથી ટુકડી લઇ એવી રીતે રહેવું કે એના સાથી એની સાથે મળવા કે સંદેશો પહોંચાડવા પામે નહીં અને ભાઇસાહેબ નદી કે રસ્તો ઓળંગી પેલી પાસ જવા પામે નહીં અને જ્યાં જાય ત્યાં તને જ સામો દેખે !”

હરભમ આ મોટા કામથી ખુશ થઇ બોલ્યો : “બસ, એ તો થયું સમજો. પણ હજી એક ટુકડી રહી.”

ડોસો : “તાારા મનમાં ધીરજ નથી તે બોલવા સરખું ક્યાં દે છે જે ? એ ટુકડી અબ્દુલ્લાને સોંપું છું.” હરભમ બોલ્યો.

“અબ્દુલ્લો તરવારબહાદુર છે પણ ત્યાં તો બુદ્ધિવાળું કપાળ જોઇએ. કુમુદબહેનને આવવાનું ત્યાં આગળ પરતાપ પણ પાસે રખડવાનો; તે કપટ કરવાનો એ નક્કી. અબ્દુલ્લો એને નહીં પહોંચે.” હરભમ બોલ્યો.

ડોસો બોલ્યો : “હું જઇશની અબ્દુલ્લા જોડે જે !” ડોસો છાતી કાઢી બોલ્યો.

હરભમ : “ત્યારે તો ઉત્તમ.”

“ના, ના, વડીલ, તમારે એ જોખમમાં પડવાનું નહીં. વૃદ્ધ શરીર અને આપણો ધંધો નહીં.” ગુણસુંદરી બોલી ઊઠી.

ડોસો હસ્યો : “વારુ, ગુણસુંદરી, ડોસાને જુઓ તો ખરાં ! તમારો તો જન્મ પણ ન હતો અને આ બધા દેશમાં સાહેબલોક નવા આવતા હતા તે વખત તમારો વડીલ તલવાર બાંધી રજપૂતો ભેગો દોડતો હતો. શું કુમુદને માથે હરકત આવે ને હું જોઇ રહું ? જો એમ થાય તો મારો અવતાર નિષ્ફળ જ. જોહરભમ, હું અને અબ્દુલ્લો અમારી ટુકડી લઇ અત્યારે નીકળશું તે સુભદ્રા ઓળંગી આગળ ચાલ્યા જઇશું તે જ્યારે કુમુદને મળશે ત્યારે અટકીશું અને એને લઇ આવીશું. એની સાથે પણ માણસો હશે તેને સાવધાન કરી આગળ પાછળ ચાલીશું. જાવ, મુખી અને હરભમ, તમે કહ્યા પ્રમાણે તૈયારી કરી પલકારામાં પાછા આવો;અને ગુણસુંદરી, તમે જરા મારાં જૂનાં કપડાંમાંથી પાયજામો કઢાવો અને બીજાં કપડાં કહું તે કઢાવો. ફતેહસંગ ! તું મારે સારુ તમારા બધામાંથી કોઇની તરવાર સારી જોઇને લાવ, બંધૂક પણ લાવજે, અને....”

ડોસો વધારે બોલવા માંડે છે એટલામાં તો સર્વ શૂરમંડળ તેના હુકમનો અમલ કરવા વેરાઇ ગયું.

સ્ત્રીમંડળ ડોસાનાં કપડાં લેવા ગયું. જૂના કાળમાં જ્યારે અંગ્રેજી રાજ્યનો અમલ બેઠો ન હતો અને બધો દેશ લૂંટારા લોકના ત્રાસથી બારે માસ હથિયારથી સજ્જ રહેતો હતો, જ્યારે બ્રાહ્મણોને અને સ્ત્રીઓને પણ પોતાનું રક્ષણ કરવા જેટલી તત્પરતા રાખવી પડતી હતી, તેવા ભયંકર સમયમાં જેની જુવાનીનો મુખ્ય ભાગ ગયો હતો તે માનચતુર હથિયારના ઉપયોગમાં પાવરધો હતો, અને હાથને એવી રીતે કસવાના પ્રસંગ પણ ઘણા મળ્યા હતાં. નાનાસાહેબના બંડ પછી દેશ અશસ્ત્ર થયો છતાં, સશસ્ત્ર અવસ્થાનું શૂરાતન, બળ, અને આવડ માનચતુરમાંથી અદ્દશ્ય થયાં ન હતાં અને ઘણે સર્વે વર્ષે પ્રસંગ આવ્યે સૂતેલો સિંહ જાગ્યા પછી પણ સિંહ જ હોય છે તેમ માનચતુર આજ શૂરજનની ઉશ્કેરાયેલી અવસ્થા અનુભવવા લાગ્યો.

“ચંદ્રકાંત ! તમે તો ઘેર જ રહેજો-બધી સ્ત્રીઓનું રક્ષણ થશે તે ભેગું તમારું ફણ થશે ખમાં અંગ્રેજ બહાદુરને કે હથિયાર લઇ લીધાં અને સ્ત્રીઓની તેમ જ તમારા જેવા પુરુષોની સૌ ચિંતા ઉપાડી લીધી !”

પોતાની ચિંતામાં પડેલો ચંદ્રકાંત આ વાક્યથી સાવધાન થયો, આભો બન્યો, અને દેશને અશસ્ત્ર કરનાર ધારાના વિચારમાં પડી સરકાર ઉપર મનમાં ખીજવાયો.

માનચતુર બોલ્યો : “મૂંઝાશો નહીં; આ ઉતાવળને પ્રસંગે વાદવિવાદ કરવાનો નથી. તમથી કાંઇ અમારી સાથે આવી નીપજે એમ નથી. કાયદાની તકરારો બહારવટિયા સાંભળે એમ નથી. હું તમને બંધૂક આપું પણ દારૂગોળાને ઠેકાણે કાંઇ તેમાં ચોપડીઓ ભરાય એવું નથી. મને વાત કરવા વખત નથી. હું હથિયાર બાંધી જાઉં છું. પાછો આવું એટલામાં આ વાત ઉપર એક નિબંધ લખી કાઢજો.”

માનચતુર ઉત્તર સાંભળવા ઊભો ન રહ્યો પણ બીજાં ખંડમાં ચાલ્યો ગયો. ચંદ્રકાંત શરમાઇ, ખીજવાઇ, સજડ થઇ જઇ, બેસી જ રહ્યો, થોડી વારમાં ઘર બહાર થતા પગરવથી, કોલાહલથી, એકદમ આવતા જતા મશાલોના અજવાળાથી અને પાછા થઇ જતા અંધારાથી, અસ્પષ્ટ સંભળાતા ઘણાક જનના ગભરાયેલ ઉતાવળા બોલથી, ઘોડાઓની ખરીઓના પડઘાથી, હથિયારોના ખડખડાટથી, સૌને અંતે “ચાલો ચાલો” એવા માનચતુરના દૂર જતા, રહી જતા તીવ્ર શબ્દથી, અને આખરે એ સૌને ઠેકાણે થઇ જતાં અંધકાર અને નિઃશબ્દતાથી, સૌ લશ્કરનું પ્રયાણ થયું અને પોતે એકલો રહ્યો એવું ગૂંચવાયેલો ચંદ્રકાંત સમજી ગયો, અને વિચારમાં ને વિચારમાં બેઠો હતો ત્યાં ને ત્યાં એમનો એમ રાત્રિના ત્રણ વાગતાં ઊંઘી ગયો.