આત્મિયતાનું આકુંચન SUNIL MANKAD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મિયતાનું આકુંચન

આત્મિયતાનું આકુંચન..

સુનીલ માંકડ

એક સમય હતો જયારે ગાંધીયાણા માટે, કપડાં ખરીદવા, જ્ઞાન મેળવવા, મનોરંજન માટે જુદા જુદા વિકલ્પો અને સ્થળોએ ફરવું પડતું. અરે.. એક ફિલ્મ જોવા માટે સિનેમાઘરો ઓછા હોવાથી નવી ફિલ્મ રીલીઝ થાય તે પછી વર્ષ કે ક્યારેક બબ્બે વર્ષ સુધી રાહ જોવી પડતી. જો કે હવે તો એ માટે આખા દેશમાં એક જ દિવસે કોઈ ફિલ્મ રીલીઝ કરી શકાય એવો વિકલ્પ મલ્ટીપ્લેક્સ સિનેમાઘરો આપણને મળી ગયા છે. પરંતુ મલ્ટીપ્લેક્સનો જમાનો તો હવે આવ્યો છે જયારે એક જ સ્થળે ત્રણ કે તેથી વધુ ફિલ્મો જોવાનો વિકલ્પ મળે. (દુબઈ ના એક મોલમાં તો એક એવું મલ્ટીપ્લેક્સ છે જેમાં ૪૦ થી વધુ સ્ક્રીન છે). આજે તો દરેક શહેરોમાં મોલ પણ એવા આધુનિક અને વિશાલ બની ગયા છે કે એક નાની વસ્તુ માટે પણ તમારે બહાર જવું ન પડે. સોય થી માંડીને કપડાં કે ઇલેક્ટ્રોનીક્સ સાધનો ખરીદવા છે તો રીટેઈલ મોલ પણ હવે ઉપલબ્ધ બની ગયા છે. ઇતિહાસની જાણકારી મેળવવી હોય કે ભૂગોળની.. અરે, ગણિત અને વિજ્ઞાન પણ એક જ કોમ્પ્યુટરના માધ્યમથી એકસાથે જાની શકાય તેવો સમય આજે આવી ગયો છે. આ આવી મળેલી સુવિધાઓના લાભાલાભ અંગે કશું વિચારી શકાય ખરું ? કોઈ કહેશે કે આ અતિ આસન રીતે મળી રહેલી સુવિધાઓના તો માત્ર લાભ જ છે. કોઈ તેની બીજી બાજુ વિષે વિચારી શકે ખરું ?

હા, સૌથી મોટો લાભ એટલે સમયની બચત એવું ચોક્કસ કહી શકાય. એક જ સ્થળે આપણને જોઈતું બધું જ મળી જતું હોય તો સમય નો લાભ ચોક્કસ માની શકાય. કોમ્પુટર જેવા એક જ માધ્યમથી દુનિયાની તમામ વસ્તુ જાણી કે મેળવી શકાય તેને વિજ્ઞાનનો આશીર્વાદરૂપ ઉપકાર ચોક્કસ કહી શકાય, પરંતુ આ તમામ ઉપલબ્ધિઓ આત્મિયતાના અંત તરફ દોરી જતી હોય તેવું નથી લાગતું ? આત્મિયતાનું આકુંચન થતું હોય તો સરવાળે એ લાભ કહેવાય કે ગેરલાભ ? જરા મંથન કરીને વિચારશું તો ચોક્કસ સમજાશે કે માઈક્રોચીપ્સથી મલ્ટીપ્લેક્સ સુધીની સુવિધા આપણને ગમી તો રહી છે, પણ શું એ આપણા જીવનમૂલ્યો ને સાચવી શકે છે ખરી ?

એક સમય હતો.. આપણા પરિવાર માટે એક ચોક્કસ કરીયાણાવાળો હોય, કાપડ ખરીદવા માટે આપણે એક ચોક્કસ દુકાને જતા, ઘરમાં કોઈ સાજુ માંદુ પડે ત્યારે એક આપણો ફેમિલી ડોક્ટર પણ રહેતો .. અને આ ચોક્કસ વ્યક્તિ કે સ્થળ સાથે વિશ્વાસનો એવો તો સેતુ જોડાયેલો રહેતો કે તે વ્યક્તિ કે એ સ્થળ સાથે આપણને ઘરોબો બંધાઈ જતો. આજે એવું શક્ય છે ખરું ? આજે ધીમે ધીમે આ તમામ પોતીકી વસ્તુઓ દૂર થતી જાય છે. હા, આપણને જે જોઈએ છે તે ખુબ સરળ રીતે મળી જાય છે, પણ શાંતિથી વિચાર કરીશું તો એવું નથી લાગતું કે પેટ ભરીને ખાધું, પણ સ્વાદ વગરનું ખાધું !

બધું જ હવે સહજ, એક જ સ્થળે, ખુબ જ ઓછા સમયમાં અને પુષ્કળ પ્રમાણમાં મળી જતું હોય એ આપણા માટે લાભદાયક જરૂર છે પણ એના માટે આપણને નાનું સરખું ય કષ્ટ અનુભવવું નથી પડતું એ આખરે તો આપણા માટે નુકસાનકર્તા જ સાબિત થાય છે. જેનેટ બેન્ટફોર્ડ કહે છે કે.. વ્હેન એવેર ધેર ઇસ ક્રાઈસીસ, ધેર ઇસ ઓપોર્ચ્યુનિટીસ.. માનવીના જીવનમાં કાષ્ટની પરાકાષ્ઠા આવે ત્યારે સમજવું કે તેને માટે કોઈ સિદ્ધિના દરવાજા ખુલવાના છે. દરેક મુશ્કેલીનો વખત તકોના સર્જન સાથે જ આવે છે. માર્ગમાં અવરોધ આવે ત્યારે સમજવું કે તમારા માટે રસ્તો સરળ બનવાનો છે. વાદળાં ઘેરાય, બહુ જ બફારો થાય ત્યારે જ ધોધમાર વરસાદ વરસે છે. વરસાદ વરસે તે માટે કેટલી ઈ પૂર્વ તૈયારીઓ થતી હોય છે. જેટલા સમયમાં વરસાદ વરસી જાય છે તેનાથી અનેકગણો સમય વાદળને બનવામાં લાગતો હોય છે. લાંબી મજલ કાપ્ય પછી યોગ્ય અને અનુકુળ વાતાવરણમાં વાદળ પાણી બની વરસે છે. ..પણ આપણને તો સીધો જ વરસાદ જોઈએ છે... જ્ઞાનનો, જાણકારીનો, ઉપલબ્ધીનો.. વરસાદ જલ્દી વરસે તેવું આપણે ઈચ્છીએ છીએ. આવો વરસાદ વરસે તો તેમાં આત્મિયતાને અવકાશ રહેતો જ નથી.

કોમ્પ્યુટરની અંદર રહેલી એક નાનકડી માઈક્રોચિપ્સ કરોડો માહિતીને સાચવે છે અને પૃથ્થકરણ પણ કરે છે.. કહેવાય છે કે માનવ મગજ પણ એક સુપર કોમ્પ્યુટર છે, આપણા ટેબલ કોમ્પ્યુટરના પ્રમાણમાં માનવ મગજના ઉપયોગને અવકાશ કેટલો ? આ નાનકડી માઈક્રોચિપ્સ મોબાઈલ સ્વરૂપે પણ આપણા હાથમાં આવી ગઈ છે. એમાં એટલી બધી માહિતીઓ, સુવિધાઓ અને મનોરંજન મળી રહે છે કે હવે આપને જીવનની કોઈપણ ક્ષણે એકલા નથી રહેતા.. આપણી સાથે સતત (મોબાઈલ કે કોમ્પ્યુટર રૂપે) કોઈ હોય છે. પરંતુ એ માનવી નથી, મિત્ર નથી (આપણે તેને મિત્ર સમજી બેઠા છીએ એ આપણી કમનસીબી છે). સહજ બનતી ઉપલબ્ધિઓ સહૃદયી મિત્ર ન બની શકે. આપને એવું વિચારીએ છીએ ખરા ? એ વિચારવાની શક્તિ આપણે ગુમાવી બેઠા છીએ. આજનો યુવાનને મિત્રો ઓછા હોય છે, તેમને મિત્ર વિના ચાલે પણ છે કારણ કે આજનો યુવાન મિત્ર કર્તાન કોમ્પ્યુટર કે મોબાઇલ સાથે વધુ સમય ગળે છે અને માને છે કે મિત્ર નથી તો શું થયું ?

હવે તો દરેક શહેરોમાં મોટી મોટી કંપનીઓની રીટેઈલ કન્ઝ્યુમર શોપ ખુલી ગઈ છે. ગૃહિણીઓ હવે મહિનાનું રાશન, બીજી ચીજવસ્તુઓ સાથ હવે શાકભાજી પણ આ મોટી મોટી કંપનીઓના રીટેઈલ શોપમાંથી જ ખરીદી લે છે, તે પણ છે[એલી કિંમતે.. કરીયાણાની દુકાને થતી બે-ચાર આત્મિય વાતો તો હવે રહી જ નથી.. અરે.. બરરોજ ખરીદવી પડતી શાકભાજી પણ હવે એ જ શોપમાંથી ખરીદતી હોવાથી પહેલાં શાકભાજી વેચતા કાછિયા સાથે જે ભાવની રકઝક થતી અને રકઝકને અંતે પણ ગુણવતા ખરીદી શકાયાનો સંતોષ મળતો તે હવે નથી મળતો. કાછીયા સાથે થતી ભાવતાલની રકઝક અને ગુણવતા મેળવ્યાનો વિશ્વાસ જેવી અનેક નાની નાની પણ અંતરો ને જોડી રાખતી અનોખી આત્મિયતાનો હવે છેદ જ ઊડી ગયો છે. જો કે હજુ સાવ એવા દિવસો નથી આવ્યા કે આપણે બધી જ ખરીદી રીટેઈલ આઉટલેટમાંથી, બીગ બાઝાર કે મોલમાંથી કરતા હોઈએ.

ચોવીસે કલાક ટીવી પર દર્શાવાયા કરાતી ફિલ્મોએ આપણા મહિનામાં કે સપ્તાહમાં એકવાર ફિલ્મ જોવા જવાના આગોતરા આનંદને છીનવી લીધો છે. આપણે બધું જ મેળવ્યું છે છતાં જાણે કશું જ મેળવ્યું નથી, બધું જ ગુમાવ્યું છે એવું મનના કોઈ ઊંડા ખૂણે પણ અનુભવાતું હોય તો ચોક્કસ માનજો કે આત્મિય સંબંધોની રાખ ઉપર આપણે નવું ચણતર કરી રહ્યા છીએ... એ સુંવાળું લાગે છે છતાં છાના ઉઝરડા કરતુ હોય તેમ પણ લાગે છે. આવી અનુભૂતિને આપણે નઝરઅંદાઝ કરીએ છીએ એ આપણી મોટી ભૂલ છે. પ્રામાણીકપણે એક યાદી બનાવીએ કે સમય સાથે આપણે શું મેળવી રહ્યા છીએ અને શું ગુમાવી રહ્યા છીએ. એ બનેલી યાદી તરફ જોઈશું તો માન્ય વગર રહેવાશે નહિ કે લાગણીઓના મણકા તૂટી રહ્યા છે. યાંત્રિક લાગણીઓ આત્મિય અનુભૂતિનું સ્થાન કયારેય લઇ શકે ખરી ?

બ્રહ્માસ્ત્ર : જેની સાથે તમે મોજ માની હોય તેને તમે કદાચ ભૂલી જાઓ, પણ જેની સાથે તમે આંસુ સાર્યા હોય તેને હરગિઝ ન ભૂલતા...

  • ખલીલ ઝિબ્રાન