ગળે સંવાદનો શોષ SUNIL MANKAD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગળે સંવાદનો શોષ

ગળે સંવાદનો શોષ..

  • સુનીલ માંકડ
  • લીવ ઇન રીલેશનશીપ.. આ શબ્દ આજની પેઢી માટે નવો નથી.. પરંતુ આ શબ્દ સાંભળતાં યુવાન-યુવતી વચ્ચેનો એવો સંબંધ સમજાય છે જ્યાં એડજેસ્ટમેન્ટના અખતરાની સ્વાર્થમાં ઝબોળાયેલી ગંધનો અહેસાસ છે... લીવ ઇન રીલેશનશીપ શબ્દ નવો નથી. પણ એ શબ્દને સમાજે મેલો કરી નાખ્યો છે તેથી એ સુગાળવો લાગે છે. વિજાતીય વ્યક્તિઓને સાથે રહેવાની વાત પ્રત્યે દ્રષ્ટિકોણ બદલી ના શકાય ? વાત કરવી છે 'લીવ ઇન..' શબ્દથી પ્રયોજાયેલા છતાં દિવાળીની અમાવાસ્યાની રાતના ઘેરા અંધારામાં પણ ટોડલાને પ્રજ્જવલિત કરી નાખનારા દિવડાની.. આંખોને આંજી દેતી વિરાટ જ્યોતિ જેવા એવા સંબંધોની જેના થકી ઉજળા સમાજનું સાચું સ્વરૂપ પ્રતિબિંબિત થાય છે.

    થોડા સમય પહેલાં અમદાવાદ ખાતે વયસ્કો, પ્રૌઢો, વૃદ્ધો માટે લીવ ઇન.. પસંદગી મેળો યોજાયો હતો. અલબત એ આમ તો એક પ્રકારનો લગ્નમેળો જ હતો, પણ એ વયસ્કો, પ્રૌઢો, વૃદ્ધો માટે હતો તેથી કેટલાય ચોખલીયા લોકોના નાકના ટેરવાં ચડી ગયા હશે.. પાત્ર પસંદગી મેળો.. લગ્ન માટે.. અને તે પણ વયસ્કો, પ્રૌઢો, વૃદ્ધો માટે ? હા, આ આયામ હવનકુંડ જેવો પવિત્ર હતો. આયોજકોને બ્રહ્મઋષિ કહીએ તો પણ ખોટું નથી. આ પ્રયાસ એટલા માટે સ્તુત્ય હતો કે કુંભ મેળાની ભીડમાં ખોવાઈ ગયેલા સ્વજન જેવા ‘સંવાદ’ ખોઈ ચુકેલા એવા વયસ્કોને આવી મળેલો એવો અવસર જેને ઝાંખી પડી ગયેલી સંસ્કૃતિને તરોતાઝા કરી દીધી હતી.

    સંબંધ.. અને તે પણ ‘લીવ ઇન..’ શા માટે ? સમસ્ત જિંદગી દરમ્યાન અતુટ મૈત્રીભર્યા સંબંધો ‘લીવ ઇન..’ હોવા જરૂરી નથી. તો જિંદગીના ઉતરાર્ધમાં, દિવંગત થવાની કગારે ઉભેલા લોકો માટે ‘લીવ ઈન..’ સંબંધોની શી જરૂરિયાત ? એવો પ્રશ્ન સહેજે ય થાય. નામ વગરના સંબંધ સાથે એકબીજામાં ઓગળી ગયેલા યુવાન વિજાતીય લોકોને પણ સમાજ મોં મચકોડીને જોતો હોય, ત્યાં વયસ્કો, પ્રૌઢો, વૃદ્ધો આવું વિચારી પણ શકે ? વળી વિજાતીય વયસ્કો, પ્રૌઢો, વૃદ્ધો તો સમાજ માટે વંદનીય કહેવાશે પણ એમના ધબકતા હૃદય પ્રત્યે, તેમની એકલતા પ્રત્યે બહુ ઝાઝું વિચારતું નથી. વંદનીય આમ તો ત્યજનીય હોય છે. જો આવા પાત્રો એકમેક સાથે સંબંધના નામ વગર રહે તેને આપણો સમાજ સ્વીકૃત ગણે ખરો... ? છતાં આ પસંદગી મેળો ? અને તે પણ અકલ્પનીય સફળ ? કારણો અનેક છે.

    પાનખરમાં પોતાના તમામ ખરી પડેલાં પાંદડાઓ પછી સુકાઠઠ થયેલા વૃક્ષને, નજીકમાં જ ઉભેલા એવાજ એક સુની થઇ ગયેલી ડાળીઓ વાળા વૃક્ષ સાથે જોઈશું ત્યારે આપણે ઉદાસ થઇ જઈશું.. પણ એ બંને વૃક્ષો વચ્ચેનો સંવાદ પાનખરના દર્દને ઘોળીને પી ગયો હોય છે એ આપણને દેખાતો નથી. આપણે ઉદાસ ચોક્કસ થઇ જઈએ એવા સુકા વૃક્ષ જોડલા અથવા ખાલીખમ દેખાતા વૃક્ષોને જોઇને.. પણ તેના માટે શું થઇ શકે એ બાબતે ગંભીરતાથી કોઈ વિચારે છે ખરું ? જયારે વયસ્ક, પ્રૌઢ, વૃદ્ધ પુરુષ કે મહિલા આપણી સાથે રહે છે છતાં એ આવા ઉદાસીન વૃક્ષ જેવા જ છે તેમ આપણે અનુભવી પણ નથી શકતા. એમને શાની જરૂર છે ? શારીરિક સૌષ્ઠવ કે શારીરિક અંગો કદાચ શીથીલ થયા હશે પણ ઉમંગોને વૃદ્ધત્વ આવતું નથી, ઉમંગો કાયમ યુવાન રહે છે. હા, એવા વયસ્ક વડીલોને જરૂર હોય છે સંવાદની.. પોતાપણાની.. જે આપને આપણી દુનિયામાં મસ્ત રહેતા હોવાથી આપી શકતા નથી. અને સામાજિક કુંઠિત વિચારશીલતા ને કારણે આપણા વડીલો પણ એકલતા સાથે જીવવા તેવી જતા હોય છે. એમના અંતરમાં ડોકિયું કરવાનો તેમના જ સંતાનો કે સમાજને સમય જ ક્યાં છે ? તેથી સામાજિક ઘરેડથી પરે જવાનું કોઈ વિચાર શુદ્ધા કરતુ નથી. પુરુષ અને સ્ત્રી એટલે માત્ર વિજાતીય શારીરિક અંગો સાથેની ધબકતી વ્યક્તિ એવું માનવાની ઉમર વીતી જાય ત્યારે જે સાયુજ્ય સર્જાય છે તેમાં સંવાદની વાસના હોય છે.

    જીવનની સફરમાં હમસફરનો સાથ છૂટે ત્યારે અટૂલો પડેલો પુરુષ કે એકલી પડી ગયેલી સ્ત્રી માટે જીવનના ઉતરાર્ધમાં શારીરિક ઝંખનાઓ કે નવપલ્લવિત સંસાર રચવાની એષણાઓની તીવ્રતા મંદ પડી ગઈ હોય છે. જીવન કુંડળીમાં દશા મહાદાશાઓ પૈકી મહદઅંશે ભોગ્ય થઇ ચુકી હોય છે. છતાં હજુ કેટલું જીવન બાકી છે એ ક્યાં કોઈને ખબર હોય છે ? કેટલાક આજના વયસ્કો, પ્રૌઢો, વૃદ્ધો તો એકાકી રહેતા રહેતા ત્રણથી ચાર દાયકા કે તેથી ય વધુ સમય કાઢી ચુક્યા હોય છે અથવા સ્કેત્લય લોકોના જીવનમાં એવું બને છે કે એકલા પડી ગયા પછી ત્રણથી ચાર દાયકા કાઢવાના હોય છે. પ્રતિપ્રશ્ન થશે કે સાવ એવું પણ નથી હોતું... ! પરંતુ જીવનના દરેક તબક્કે જીવનનો ‘મોટો’ કે હેતુ સતત બદલાતો રહે છે. ઈશ્વરે કોઈને એકલા રહેવા માટે સર્જ્યા નથી. આપને સમાજમાં રહીએ છીએ, આપણા હર્યાભર્યા કુટુંબ વચ્ચે રહેતા હોઈએ ત્યાં સુધી ‘એકલા’ કેમ રહી શકાય તેનો અનુભવ પણ નથી કરી શકતા. અને એટલે જ કોઈ સમાજના બંધન તોડે તો તરત તેની સામે આંગળી ચીંધવાનું સહેલું લાગે છે.

    સમાજમાં રહેતી વ્યક્તિને સૌથી વધુ શું સ્પર્શે છે ? આખી જિંદગી તેને શેનો ડર રહ્યા કરે છે ? એકાંત અને અંધારું બંને અકળાવે ત્યારે ઉદ્ભવતી પરિસ્થિતિનો અનુભવ કેવો હોઈ શકે ? અંધારા ઓરડામાં અચાનક ઝળાહળા રોશની કરાય પણ રહેવાનું તો એકલા જ હોય તો એવી રોશની પણ રાહત આપી શકે ખરી ? ઉત્તરો અનેક હશે તો પણ અંતિમ તારણ એ હશે કે માનવ માત્રને એકાકીપણાનો ડર સૌથી વધુ સતાવે છે. મોટા કુટુંબ કબીલા સાથે રહેતા ઘરના મોભીના મનની ભીતર કોઈ જોઈ શકતું નથી.. હર્યું ભર્યું કુટુંબ એટલે ‘સુખ’ ની વ્યાખ્યા માનવ મનના ઊંડાણ સાથે સુસંગત નથી. ભીડ વચ્ચે માનવી મનથી એકલો હોઈ શકે છે. હા, એ એકલો જ હોય છે.. ભીડ કે ટોળું કે કુટુંબના સભ્યો વચ્ચે પણ માનવી એકલો હોઈ શકે.. અને એ એકાકીપણાને મીટાવવાનો એકમાત્ર વિકલ્પ છે.. અને તે છે ભારેલા મનની અંદર ઘૂઘવતા તરંગોને શાંત પાડે તેવા ‘સંવાદ’.

    આપણને સહજે ય થાય કે સંવાદ તો પુરુષ - પુરુષ અને સ્ત્રી – સ્ત્રી વચ્ચે પણ શક્ય છે.. શું જીવનનો ઉતરાર્ધ એ રીતે શક્ય નથી ? હા, એ ચોક્કસ શક્ય છે અને અત્યારે એમ હ થઇ રહ્યું છે.. પણ શું એ ઈશ્વરને મંજુર છે ખરું ? પુરુષ અને સ્ત્રી એ ઈશ્વરદત્ત સાયુજ્ય છે. આધિપત્ય, પુરક બનવા માટેનું માધ્યમ અને અસ્તિત્વને ઓગળવા માટે વિજાતીય પાત્ર જ જરૂરી છે. તેમાં દુર્વિચાર કરનાર ઈશ્વરનો અપરાધી છે. આખા જીવનનું ભાથું પાથેયમાંથી કાઢી કાઢીને શબ્દો દ્વારા, અભિવ્યક્તિ દ્વારા કે ક્યારેક મૌન દ્વારા પણ પ્રસરાવવાનું માધ્યમ એટલે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંવાદ.. સંવાદ વાણી વગરનો પણ હોઈ શકે. અને એટલે જ મોટી ઉમરના આપણા વડીલો જીવનના ઉતરાર્ધમાં સંવાદ સાધી શકે તેવું પ્લેટફોર્મ ઊભું કરવાની આપણી ફરજ છે અને તેમનો હક્ક છે. એકલા પડી ગયેલા વૃદ્ધોના હાવભાવ અને મૌનની ભાષા માત્ર એકલી પડી ગયેલી વૃદ્ધા જ સમજી શકે. એ બંને વચ્ચે નો સંવાદ ‘લીવ ઈન..’ સંબંધ થકી, બે હૃદયોના પ્રાકૃતિક બંધન થાકી એ શક્ય છે.. આવો સંબંધ શક્ય બનાવી શકાય તેવો પ્રયાસ એટલે મંદિરમાં થતી સંધ્યા આરતીનો રણકાર...

    બ્રહ્માસ્ત્ર : સ્થૂળમાં સૌન્દર્ય દ્વારા, મનમાં જ્ઞાન દ્વારા, પ્રાણમાં શક્તિ દ્વારા

    અને આત્મામાં પ્રેમ દ્વારા પ્રભુનું પ્રાગટ્ય થાય છે....

  • શ્રી માતાજી
  • --------------