વાણીનો વેડફાટ SUNIL MANKAD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાણીનો વેડફાટ

વાણીનો વેડફાટ..

વ્યર્થ બોલવા કરતાં મૌન રહેવું એ વાણીની પ્રથમ વિશેષતા છે. સત્ય બોલવું એ વાણીની બીજી વિશેષતા છે. પ્રિય બોલવું એ વાણીની ત્રીજી વિશેષતા છે અને ધર્મગત બોલવું એ વાણીની ચોથી વિશેષતા છે. આ ચારેય ક્રમશ: એકબીજાથી ચઢીયાતા છે તેવું મહાભારતમાં કહેવાયું છે. વાણીનું ક્યારેય આ રીતે કોઈએ વર્ગીકરણ કરીને વિચાર્યું હશે ? વાણી જયારે બહાર આવે છે ત્યારે ક્યારેય તેની વિશેષતા વિષે કોઈ વિચારે છે ખરું ? વાણીના પ્રકારો કે વિશિષતા વિષે વિચારવા જેટલી ધીરજ વાણી ઉચ્ચારવા વખતે કોઈ રાખી શકે ?

કોઈપણ વસ્તુનો અતિરેક હમેંશા વિનાશ નોતરે છે. વાણી નો અતિરેક પણ વિનાશ માટે જવાબદાર બની શકે. એવું જાણવા છતાં વાણી ઉચ્ચારવા પહેલાં કોઇથી રહેવાતું નથી. સામાન્ય માણસની આ સાહજિક નબળાઈ છે. કેટલાક લોકોને બૌધિક સ્તરે કે સામાજિક સ્તરે આપણે મુઠ્ઠી ઊંચેરા બેસાડ્યા હોય ત્યારે તો તેમના સંયમી વાણી અને વર્તનની અપેક્ષા સામાન્યજનને વધારે હોય તે સ્વાભાવિક છે. પણ આજે તમામ સમાચાર માધ્યમોમાં રાજકીય નેતાઓના બેફામ કહી શકાય તેવા વાણી વિલાસ છવાયેલા હોય છે. કોઈ દિવસ એવો નથી ઉગતો જયારે કોઈ અખબારમાં કે કોઈ ટીવીની ન્યુઝ ચેનલમાં કોઈ ને કોઈ રાજકીય નેતાએ વાણી દ્વારા બફાટ કર્યાનું વાંચ્યું કે સાંભળ્યું ન હોય. બેફામ ઉચ્ચારણો અને નિવેદનો વાંચી, સાંભળીને મોં કટાણું થઇ જાય ત્યારે વળી ફેરવી તોળવાની કે માફી માગવાની પરંપરા શરુ થઇ જાય. જાણે કોઈ કઈ બોલ્યું જ નાથીપ ક્યારેક એવી વાતો પણ કરવામાં આવે કે આ તો મીડીયાએ મારા વાક્યને વિકૃત રીતે રજુ કર્યું છે કે હું તપ આવું બોલ્યો જ નહોતો અથવા મારો કહેવાનો મતલબ આવો નહોતો. અથવા આ તો વિપક્ષના ઈશારે મીડીયાએ મને બદનામ કરવા મારા વાક્યને આ રીતે રજુ કર્યું છે. આ ક્રમમાં વ્યક્તિના આત્મ્સમ્માનનું તો કોઈ મહત્વ રહેતું નથી. અભી બોલા અભી ફોક જેવો તાલ થઇ જાય છે. અખબારોમાં તો જાણે સમજ્યા કે લખેલું વાંચતા હોઈએ પણ ટીવીમાં તો આપણી સામેજ નિવેદન કર્યા પછી પણ પોતે આવું બોલ્યા નથી એવું કહેતા કોઈને શરમ આવતી જ નથી.

વાણી વિલાસને નોતરે છે.. અને વિલાસ વિવાદને નોતરે છે. ‘બોલે એના બોર વેંચાય’ અને ‘ન બોલ્યામાં નવ ગુણ’ જેવી બે વિરોધાભાસી કહેવતોની તુલના કરતા જઈશું તો બંને પોતાના સ્થાને યોગ્ય લાગશે. ટૂંકમાં વાણીથી મૌન ચડિયાતું અને શોભાયમાન છે. જો કે મોટાભાગના લોકો માટે મૌન કરતા બબડાટ વધારે ચડિયાતો હોય છે.

તત્વચિંતક સાઈરસે કહ્યું છે કે મારી વાણીનો અફસોસ મને ઘણીવાર થયો છે, મૌનનો કદી નહીં. તેને શા માટે આવું કહ્યું હશે ? વાણી એક વખત બહાર આવી જાય એટલે બોલનાર પાસે અફસોસ કરવા સિવાય બીજો કોઈ ઉપાય હોતો નથી. એ વખતે એવું પણ થાય છે કે આના કરતા ન બોલ્યા હોત અથવા મૌન જ રહ્યા હોત તો આવું તો ન થાત ! એક અરેબિયન કહેવત પણ છે કે ન બોલાયેલા શબ્દના તમે માલિક છો અને બોલાયેલા શબ્દના ગુલામ.. એકવાર બોલાઈ ગયું તો શબ્દો સંકેલીને પાછા અંદર નથી જતાં. એ હવાના તરંગો પર સવાર થઇ વાતાવરણમાં ફેલાઈ જાય છે. બાંધી મુઠ્ઠી લાખની તેમ જ્યાં સુધી કઈ બોલ્યા નથી ત્યાં સુધી આપણા વચનો કે શબ્દો કોઈના કાન સુધી પહોચવાના નથી તેથી એ શબ્દો ઉત્તમ છે કે નિરર્થક એવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આપણા રાજકીય નેતાઓ આટલું વિચારે તો તેમની અસંયમી વાણી પર લગામ આવી જાય. જો કે જ્યાં સુધી રાજકારણને સંબંધ છે ત્યાં સુધી રાજકીય નેતાઓ જાણે છે કે મતદારોની સ્મૃતિ બહુ કાચી હોય છે. તેથી બેફામ વાણી અને વિલાસ માટે તેમને ક્યારેય ક્ષોભ થતો નથી ! લોકો પણ સમય જતાં એ બધું ભૂલી જાય છે જેથી આવા નેતાઓ ફરી વાણી નો વેડફાટ કરવા માટે પ્રેરાય છે.

દ્રૌપદીના એક વાક્યથી મહાભારત રચાતું હોય, કૈકેયીના એક વેણથી રામાયણનું સર્જન થયું હોય ત્યારે આજના યુગમાં તો બેફામ નિવેદનોની ભરમાર છે.. જરા વિચારો, આપણે કેટલા મહાભારતોનું આહ્વાન કરીએ છીએ ? આપને કેટલા રામાયણના કૈકેયી જેવા પ્રસંગોનું જ પુનરાવર્તન કરીએ છીએ. રામાયણમાંથી આદર્શો શીખવાની તો વાત બાજુમાં રહી આપણે તો વાણીના વિલાસને જ અનુસરીએ છીએ. મધુ ભાષા સૌને ગમે, સૌને પ્રિય લાગે એમ જનતા હોવા છતાં આપણને કડવા વેણ બોલવાની આદત પડી ગઈ હોય છે.

વાણી ઉપર સંયમ કરવો હોય તો એનો પહેલો નિયમ એ છે કે વગર પ્રયોજને કંઇ બોલવું નહિ તેમ વધુ પડતું પણ બોલવું નહીં. બીજાની જીભ અને તમારા કાન કામમાં લેશો તો તમે જીવનમાં કામમાં આવે તેવી ઘણી વાતો જાણવા મળશે. પણ આજે તો તરત અભિપ્રાય આપવાની ફેશન થઇ ગઈ છે. આપણે માત્ર મૌન રહી સાંભળવાની કલાને વિસરી જ ગયા છીએ. સાંભળવા કરતા બોલવા માટે બધા થનગનાટ અનુભવતા હોય છે. વ્યક્તિગત વિરોધ કે પૂર્વગ્રહ જીભ દ્વારા એવા લોચા વાળે છે કે પછી માફી માગવી પડે. દરેક બાબતમાં અભિપ્રાય આપવો કે કોઈ વિષે પોતાનો દ્રષ્ટિકોણ પ્રગટ કરવો હોય ત્યારે સાવચેતી રાખવાનું પણ શીખવું પડે. વળી માફી માંગવામાં પણ હવે આવા રાજકીય નેતાઓને નાનપ લગતી નથી. તેમને મન માફી એ સહજ છે. તેને આત્મસન્માન સાથે લોઈજ લેવાદેવા ના હોય તેમ આવા લોકો નીમ્ભર બની જાય છે અને તેથીજ આવું વારંવાર થાય છે.

વાણી આપણી પ્રબળ મનોવૃત્તિનો અરીસો છે. વર્ષો પહેલાં બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે બિહારના રસ્તાઓ હેમામાલિનીના ગાલ જેવા લીસા બનાવવાની વાત કરી હતી. (જો કે ત્યારે હાસ્યલેખક અશોક દવેએ રમૂજમાં લખ્યું હતું કે લાલુપ્રસાદ યાદવનું કોઈએ ધ્યાન દોરવું જોઈએ કે થોડો વિચાર કરી ને કહે કે હેમા માલિનીના ગાલ પર ટ્રાફિક કેટલો અને બિહારના રસ્તા પર કેટલો ?) ત્યાંથી માંડીને તાજેતરમાં કોંગ્રેસના મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજયસિંઘે કોંગ્રેસના લોકસભાના મહિલા ઉમેદવાર મીનાક્ષી નટરાજન માટે ‘ સો ટકા નો માલ ‘ એજવા શબ્દો વાપર્યા હતા.. તે છતી થઇ ગયેલી મનોવૃત્તિ નથી તો બીજુ શું છે ? વગર વિચાર્યે, વિવાદ ઊભો કરે તેવું બોલવું અને પછી બેશરમીથી માફી પણ માગી લેવી એ ક્રમમાં શરમ કે અફસોસને કોઈ જ અવકાશ હોતો નથી. એક વખત વિવાદાસ્પદ બોલી ગયા પછી ફરી એ ને એ દોહરાવવું એ માનસિકતા છોડી શકાતી નથી. શેક સાદીએ કહ્યું છે કે બે વસ્તુ માટે શરમાવા જેવું છે. બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું.

અસ્ખલિત અને અશોભનીય વાણી એ વિલાસી પ્રકૃતિનું પ્રતિબિંબ છે. પ્રકૃતિને અનુસાર વાણીને વેરવી એ માનવીની પ્રકૃતિ અને મનની વિકૃતિ છે. જયારે કંઇક અજુગતું બોલાઈ જાય ત્યારે આપને અંગ્રેજીમાં શબ્દ વાપરીએ છીએ ‘ સ્લીપ ઓફ ટંગ ‘.. પણ વારંવાર લપસણી ભૂમિ પર જીભ લપસ્ય કરે તો એ તમારા મનની વાતો કરવા લાગે છે. અને એકવાર વાણી દ્વારા, શબ્દો દ્વારા મન છતું થઈ ગયું પછી છબી ઉપર ગમે તેવું સુંવાળું કપડું ફેરવીએ તો ય નકામું છે.

બ્રહ્માસ્ત્ર : મન સરસવની પોટલી જેવું છે, એકવાર વિખેરાઈ જાય તો

બધા દાણાને ભેગા કરી લેવા અસંભવ જેવું બની જાય છે.

  • રામકૃષ્ણ પરમહંસ
  • -------------------------