સુખદ અંત Bhasha Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખદ અંત

“સુખદ અંત”

અમારા સંવાદો ઓછા થઈ રહ્યા હતાં.મારા શબ્દો એ હવે બહાર આવવાનું બંધ કરી દીધું હતું અને પ્રથમ ને કદાચ મારો અવાજ પણ સાંભળવો ના ગમતો હોય એવું લાગી રહ્યું હતું. તમે જ કહો જાગૃતિ બહેન આમ કેમ જીવન ગાળવુ ??

જાગૃતિ બહેન શહેર ના એક જાણીતા મૅરેજ કાઉન્સિલર હતાં. મારા ને પ્રથમ ના દસ વર્ષના લગ્ન સમય પછી આવી રીતે કોઈને કનસલ્ટ કરવા પડશે તેનો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો.

હું ચા નો ઘૂંટડો ગળે ઉતરતા બોલી : પ્લીઝ, હવે તમે જ કંઈક કરી શકો તેમ છો. પ્રથમ સાથે નું જીવન મને જેલ ના કેદી જેવું લાગે છે. મારે આ બધા માંથી બહાર નીકળવુ છે.

જાગૃતિ બહેને મને પુછ્યું : શું પ્રથમ તમારા આ પગલા વિશે જાણે છે ? જાણતો જ હશે ને ! હું બોલી ઊઠી. પ્રથમ અને મારા વચ્ચે પ્રેમ જેવું કશું રહ્યું નથી. એક જ ઘર માં બે અજનબી ની જેમ જીવી રહ્યા છે. સાચું કહું તો પ્રથમ ને ઘરે રેહવુ જ નથી ગમતું. સવારે ઉઠી ને સીધો ઓફિસ જાય છે અને રાત્રે મોડો ઘરે આવે છે. ઘરની કે મારી કોઈ જવાબદારી જેવું છે જ નહી.

જાગૃતિ બહેન બોલ્યા : ઠીક છે. આજે મારે થોડું પર્સનલ કામ છે. આપણે કાલ મળશું પણ હું એક વાર પ્રથમ સાથે પણ વાત કરવા માંગુ છું. જો તમે તેને બાર વાગ્યે મારી ઑફીસ લઈ આવી શકો તો ? એમણે પ્રશ્ન અધૂરો મૂકી મારી સામે જોયુ. મેં ફક્ત ‘હા’ માં જવાબ આપ્યો અને પર્સ લઈ ઉભી થઇ.

સાંજે પ્રથમ ના ઘરે આવતા ની સાથે જ જાગૃતિ બહેન ને મળવાની વાત કરી. દરેક વખતની જેમ એણે જવાબ માં ફક્ત એટલું જ કહ્યું : સારુ.

સારુ ?? શું પ્રથમને કંઇ ફર્ક જ નથી પડતો ? દસ વર્ષના લગ્ન જીવનમાં એને મારા પ્રત્યે થોડી પણ લાગણી નહી થઈ હોય ? શું આ દિવસ દેખાડવા જ મારી સાથે લગ્ન કર્યા હશે ? આવા અનેક વિચારો મારા મન માં ચાલી રહ્યા હતાં. મેં સુતા-સુતા કાલ શું થશે એનાં વિચારોં કરતા પડખું ફેરવ્યું તો જોયું કે પ્રથમ ગાઢ નિંદ્રા માં હતો. પડખું ફેરવી હું જૂની વાતો ને વાગોળવા માંડી.

આમતો અમારા અરેઁજ મેરેજ હતાં પણ સગાઈ થી લગ્ન સુધી ના સમય દરમિયાન અમારી વચ્ચે પ્રેમની લાગણી જરૂર બંધાઈ હતી. લગ્ન ની પહેલી રાત્રે પ્રથમે મને સુંદર હાર ભેટ આપ્યો હતો અને મારા હાથ ને પોતાના હાથ માં લઈ જીવવા - મારવા ના કોલ લીધા હતાં. તે પછી તો રોજ મને આલિંગન કરીને જ ઑફીસ જવાનું, સાંજે એક જ થાળી માં જમવાનું, ક્યારેક- ક્યારેક મારા માટે ગુલાબનું ફૂલ લઈ આવવુ...આ બધું ક્યારે ખતમ થઇ ગયું એની ખબર જ ના પડી. દિવસો જતાં એ વધુ ને વધુ પૈસા કમાવામાં ઓતપ્રોત થઈ ગયો. ઘરમાં ઓછો અને નોકરીમાં વધુ સમય પસાર કરવા લાગી ગયો. હું ઘરે આખો દિવસ એકલી જ રહેતી. હવે તો બહાર જમવા જવાનું પણ બંધ કરી દીધું હતું. આજ રવિવાર છે મને શાંતિ થી રહેવા દે એવાં બહાના કરતો. સમય જતાં ઘરમાં બધી એશ-આરામ ની ચીજવસ્તુઓ આવી ગઈ. ઘર છોડી બંગલા માં રહેવા લાગ્યા પણ મારી એકલતા દિવસે-દિવસે વધતી ગઈ. શરૂઆતમાં બાળકનો વિચાર પણ કરેલો પણ મારા નસીબમાં એ સુખ નહતું. બાધા-માનતા, દવા કંઇ બાકી ના રાખ્યું પણ કંઇ ફર્ક ના પડ્યો. મારા અધૂરાપણા થી દુઃખી થઈ હું પ્રથમ નો સાથ ઝંખતી હતી પણ એની પાસે મારા માટે સમય જ ન હતો.

ધીરે-ધીરે અમારી વચ્ચે ઝઘડા શરુ થઇ ગયાં. હવે તો ઝઘડાઓ એ પણ મૌન ધારણ કરી લીધું હતું. હવે અમારી વચ્ચે એક શબ્દની પણ વાત નહોતી થતી અને તેથી જ મેં કંટાળી ને અલગ થવાનો નિર્ણય લીધો અને એ નિર્ણય પણ મેં એકલી એ જ લીધો કારણ કે પ્રથમ પાસે તો એનો પણ સમય ન હતો.

આવા વિચારોની વચ્ચે ક્યારે સવાર પડી ખબર જ ના પડી. રોજ ની જેમ પ્રથમ ઑફીસ જવા તૈયાર થઇ ગયો હતો. જતાં-જતાં ફક્ત એટલું બોલ્યો કે હું સીધો ત્યાં આવીશ.

બાર વાગ્યે અમે જાગૃતિ બહેનની ઑફીસમાં હતા. ચા-કૉફી ની ફોર્મલિટિ કરી જાગૃતિ બહેન બોલ્યા : આમ તો હું છેલ્લા વીસ વર્ષથી મેરેજ કાઉન્સિલર તરીકે કામ કરું છું. મેં ઘણા લોકોને અલગ થતાં જોયા છે તો સાથે જ ઘણા લોકોને એક પણ કર્યા છે. કલ્પના બહેન તમારી બધી વાત મેં સાંભળી પણ હવે હું પ્રથમ ભાઈ ને પૂછવા માંગુ છું કે એ પણ અલગ થવા ઇચ્છે છે? પ્રશ્ન કરી એ પ્રથમ સામે જોઈ રહ્યા.

પ્રથમ પાસેથી જે જવાબની આશા હતી તે ના મલ્યો પણ પ્રત્યુતરમાં તો પ્રથમએ એમ કહ્યું : ના, હું આ જનમ માં તો શું બીજા કોઈ જનમમાં કલ્પના થી અલગ થઇ શકુ તેમ નથી. પણ જો તેને અલગ થવું હોય તો એ ખુશીથી થઇ શકે છે. મેં કયારે પણ એને રોકી નથી અને આગળ પણ નહીં જ રોકુ. હું સ્તબ્ધ બની ગઈ. ગઇ કાલ સુધી જે માણસ મારી સાથે વાત કરવા પણ નાહોતો ઇચ્છતો એની અંદર અચાનક આવો પ્રેમભાવ ???

જાગૃતિ બહેન પણ અચરજ પામ્યા અને બોલ્યા : પણ કલ્પના બહેનનું કહેવું તો એવું છે કે તમે એમની સાથે વાત કરવાનું મુકી દીધું છે? જો તમને કંઇ પ્રોબ્લેમ નથી તો આવો વ્યવહાર કેમ?

પ્રથમ નિઃસાસો નાખીને બોલ્યો: કારણ કે હું થાકી ગયો છું! હું થાકી ગયો છું એને સમજાવતા કે મને પૈસા કમાવાની ઘેલછા ક્યારેય ના હતી. હું તો એને એક સુંદર જીવન આપવા ઇચ્છતો હતો. મારી ઇચ્છા એ હતી કે કલ્પના જીવનની એ તમામ સુખ સુવિધા ભોગવે જેની તે હકદાર છે. જાગૃતિ બહેન વચ્ચે બોલ્યા: તો તમારી વચ્ચેનો સંવાદ કેમ બંધ થઇ ગયો? હું એ જ કહેવા જઇ રહ્યો હતો, પ્રથમ બોલ્યો. હું એને પુત્ર સુખ ના આપી શક્યો. હું એને એકલી ઝઝુમતી નથી જોઈ શકતો. આ બધા માટે હું એકલો જવાબદાર છું. હું ઇચ્છું છું કે એ મારા થી અલગ થઇ અને કોઈ એવી વ્યકિત સાથે જીવન વિતાવે જે તેને પુત્રસુખ આપે બસ આજ કારણ થી હું અલગ થવા માંગુ છું. આવું કહેતા પ્રથમના ગળામાં ડૂમો બાજી ગયો.

જાગૃતિ બહેન બોલ્યા : તો પછી અત્યારે અલગ થવાની વાત ઉપર કેમ ના પાડી? પ્રથમ બોલ્યો : ગઇ કાલ રાત્રે જયારે એણે મને તમને મળવાની વાત કરી તો મને ખૂબ દુઃખ થયું. કલ્પના વિનાની મારી જિંદગી ને હું વિચારી શકું તેમ નથી. કલ્પનાને મારી જિંદગી માંથી નીકળવુ હશે તો હું નીકળવા દઈશ પણ એ મારી જિંદગીનો આખરી સમય હશે. હું સ્તબ્ધ બની એક પુતળા માફક સાંભળી રહી હતી. પ્રથમે મારો હાથ એનાં હાથમાં લીધો અને કહ્યું : કલ્પના તારી જિંદગી નો નિર્ણય કરનાર હું કોણ ? તારે જવું હોય તો સુખેથી જા ! એનાં શબ્દો સાંભળી હું ધ્રુસ્કે- ધ્રુસ્કે રોઈ પડી.

જાગૃતિ બહેને પાણીનો ગ્લાસ આગળ ધરી મને સાંત્વના આપી. મને થોડી શાંત પડતા જોઇ એ બોલી ઉઠ્યા : હું કલ્પના બહેનનો જવાબ જાણું છું. જેમ તમે એમને પ્રેમ કરો છો એમ તે પણ તમને ખૂબ પ્રેમ કરે છે કેમ બરાબર ને? આમ બોલી એમણે મારી સામે જોયું. મેં સહમતિમાં માથું ધુણવ્યુ.

જાગૃતિ બહેન બોલ્યા : આજકાલ દરેક સંબંધ તૂટવા પછળનું એક કારણ મૌન પણ છે. જો આ જ વાત તમે એકબીજાને શાંતિથી કરી હોત તો આજ મારી પાસે આવવાનો વારો ના આવત. દરેક આમ કપલ્સ ની જેમ તમારી સમસ્યા પણ એ જ છે કે તમે બંને એ પોતપોતાની લાગણી વ્યકત કરવાને બદલે મનમાં દબાવી રાખી અને એ નાની અમથી વાતથી તમે લોકો જીવનના કેટલા મોટા નિર્ણય સુધી આવી ગયાં? પતિ-પત્ની વચ્ચેનો સંબંધ એક ગાડીના બે પૈડા જેવો છે. બંને એ સાથે જ ચાલવું પડે. એક આગળ નીકળી જાય અને બીજું પાછળ રહી જાય એ ના ચાલે. હવે જે થયું તે થયું. ઘરે જાવ અને શાંતિ થી જીવન પસાર કરો. અને બીજું કે બાળક ના થતું હોય તો IVF જેવી ટેક્નીકથી હવે કશું જ અશક્ય નથી અને કોઈ અનાથ નવજાત ને પણ તમે અડૉપ્ટ કરી જ શકો છો ને !

So, i think i have resolved one more case ! આવું કહી અમારી બંનેની સામે એ હસી પડ્યા. એમનો આભાર માની અમે બંને બહાર નીકળી ગયા. પ્રથમે મારી સામે જોઇ ને કહ્યું કે તને પાછી મેળવી હું ખૂબ ખુશ છું. આજથી આ નવી જિંદગી ફક્ત અને ફક્ત તારી. બોલ તું જે કહીશ હું એ કરીશ. હું હસી પડી અને બોલી કે અત્યારે ઑફીસ જાવ અને સાંજે વહેલા ઘરે આવજો. પ્રથમે હા પાડી ગાડી હંકારી મુકી.