મા કોણ Bhasha Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મા કોણ

“મા” કોણ ?

બહેન તમારા માટે ફોન છે.

“તને મેં કીધું તો હતું કે જરૂરી ના હોય તો ના પાડી દે જે. આજે મારે કોઈ દર્દી નથી જોવા.” હું બોલી.

“હા,પણ બહેન કોઈ સારિકા બહેન છે અને તમારી સાથે એમને જરૂરી વાત કરવી છે. મેં ના પાડી તો માની નથી રહ્યાં”.

સારિકા નામ સાંભળતા જ મારા કાન ચમક્યા. સારિકા બહેન? ક્યાંક એ જ તો નહીં ને? હું ઝડપભેર ઉઠીને ફોન તરફ દોડી.

“હેલો”! સામેથી વાર્ધક્ય અવાજ આવ્યો. “સોરી મેં તને રજાનાં દિવસે પણ હેરાન કરી પણ વાત થોડી અગત્યની હતી”.

“અરે તમે મને શરમાવો છો ! તમારે તો હુકમ કરવાનો હોય. હું તમારી કાંઇ પણ કામ આવી શકું એ મારા માટે ખુશીની વાત થશે”. મેં કહ્યું.

“તું મને મળવા આવી શકે અત્યારે”? સારિકા બહેન ના અવાજ માં ચિંતા સાથે ઉંમર ની અસર જણાઈ રહી હતી.

“હા ચોક્કસ ! બોલો ક્યાં આવું?” મેં પૂછ્યું.

“સરનામું લખો”. એમણે જણાવેલ સરનામું ટેબલ પર પડેલી ચબરખીમાં ઉતારી મેં ગાડી ની ચાવી હાથમાં લીધી.

“લક્ષ્મી સાંભળ, કોઈનો ફોન આવે કે કોઈ રૂબરૂ મળવા આવે તો કહેજે કે હું ઘરની બહાર છું કાલે મળીશ .અને મમ્મીનો ફોન આવે તો મોબાઈલ પર કરવા કહેજે” હું બબડીને નીકળી પડી.

રજાનો દિવસ હોય રસ્તા પર વાહનોની અવર-જવર ઓછી હતી. હું પુરપાટ ગાડી હંકારતી આગળ વધી રહી હતી. મનમાં સારિકા બહેનનો વિચાર ચાલી રહ્યો હતો. સારિકા બહેન ને ઘણા વર્ષે હું મળી રહી હતી. એમનો લાગણીસભર ચહેરો અને વાત્સલ્યભર્યો સ્વભાવ. એમના શબ્દોમાં એટલો જાદુ હતો કે કોઈ પત્થર દિલ પણ પીગળી જાય. એમના મારા પર એટલા ઉપકાર હતાં કે એનું ઋણ હું કદી ચૂકવી શકું એમ ના હતી. આટલા વર્ષ પછી એમને મારી શું જરૂર પડી હશે? આવું વિચારતી હું શહેરનો ભીડભાડ વાળો રસ્તો ઓળંગી નાના ગામની ગલીઓમાં આવી ગઈ હતી.

ભૂતકાળનાં સ્મરણો આંખ સામે આવી ગયા હતાં. જન્મતા જ મારી મા એ મને ત્યજી દીધેલી. સારિકા બહેન મને કચરા નાં ઢગલા માંથી ઉઠાવીને સિવિલમાં સારવાર અર્થે લાવ્યા હતાં. ત્યાંથી મને એક અનાથાશ્રમમાં મૂકી હતી અને મારા માટે એક સજ્જન દંપતિ શોધી લાવ્યા હતાં; જેમણે મને દત્તક લઈ, મારો ખૂબ સારી રીતે ઉછેર કરી મને ભણાવી-ગણાવી ને ડોક્ટર બનાવી હતી. હું મારી જાતને ખૂબ નસીબદાર માનતી હતી કારણ કે મારી એક માએ મને ત્યજી દીધી પણ મને સામે બે-બે મા મળી હતી. મારા દત્તક લેવાઈ ગયા પછી સારિકા બહેન ક્યારેક મળવા આવી જતાં પણ થોડા વર્ષોથી એ દેખાયા ન હતા. એ એમના સમાજસેવાનાં કાર્ય નો ઢંઢેરો પીટવામાં માનતા ના હતા તેથી જ એમણે પણ ક્યારેય મારો સંપર્ક કર્યો ના હતો. અને એમના આ નિર્યણને અમે પણ માન આપ્યું હતું. આજ વર્ષો પછી એમનો થાકેલો અવાજ સાંભળી મનમાં એમને મળવાની તાલાવેલી જાગી હતી અને સાથે મારું શું કામ પળ્યું એ પણ રહસ્ય હતું.

મેં એક ચ્હાની લારી વાળા પાસે ઊભા રહી ને સરનામું પૂછ્યું. એમને ઈશારો કરી આગળની ગલી બતાવી અને કહ્યું, “બહેન ગાડી આગળ નહીં જાય,સાંકળી શેરી છે અહીં જ રાખી દો.” હું ગાડી ત્યાંજ પાર્ક કરી ચાલવા માંડી.

આગળની શેરીમાં એક નાની ઓરડી આગળ જઈ દરવાજો ખખડાવ્યો. એક બહેન બહાર આવતાં મેં પૂછ્યું, “સારિકા બહેન અહીં રહે છે?” એમણે અંદર આવવા ઈશારો કર્યો. હું અંદર પ્રવેશી તો એક ખાટલાપર એક માજી પડ્યાં હતાં. શરીર સાવ સુકાઈ ગયેલું. સારિકા બહેનની આવી હાલત જોઈ નવાઈ લાગી. એમણે મારા જેવા કેટલાયના આશીર્વાદ લીધા હશે અને એમની આવી હાલત ?

“કેમ છો?” મેં હાલત જાણવા છતાં પણ પૂછ્યું. એમણે સારું છે એમ કહેવા હાથ હલાવ્યો.

એ હાથ નો ટેકો લઈ ઊભા થઈ બોલ્યા; “સારું થયું તું આવી. મારા પાસે હવે બહુ સમય નથી. તારી એક અમાનત મારે તને આપવાની છે.એમનાં અવાજમાં હજી પણ એટલી જ મીઠાશ હતી.

“કેમ આવું બોલો છો?” મેં કહ્યું.

“સમય તો નથી જ બેટા ! કેન્સર છે છેલ્લાં સ્ટેજ નું.”

એમની વાત સાંભળી મને ઝળઝળીયાં આવી ગયા. “તમે મને અત્યારે છેક કહો છો? હું તમારી દીકરી નથી કે?”

“એ બધી વાત મુક, મને કહે ચ્હા-પાણી કાંઇ લઇશ?” મેં ના માં માથું ધૂણાવ્યું.

“ઠીક. એમ કહી એમણે એક કવર મારા હાથ માં મૂક્યું અને કહ્યું કે આને ઘરે જઈને ખોલજે અને તારી મા ને કાંઇ કહીશ નહીં.”

“હું કાંઇ સમજી નહીં.” હું કવર હાથમાં લેતા બોલી. એમણે કહ્યુ; ”કાંઇ સમજવાની જરૂરપણ નથી.” તું હવે ઘેર જવા નીકળ કારણકે અંધારું થવા આવ્યું છે અને તારે હજી શહેર પહોંચવાનું છે. હું ના ન પાડી શકી અને પોતાની કાળજી રાખવાનું કહી નીકળી પડી.

ગામડાંની ધૂળી શેરીઓમાંથી નીકળી શહેરના ઘોંઘાટ તરફ મારી ગાડી દોડી રહી હતી. સારિકાબહેન ની હાલત અને હાથમાં આપેલ કવર વિષે મનમાં ઘણા અણઉકેલ્યા સવાલો હતા જે કવર ખોલ્યા પછી જ સમજાય એમ હતું.

વિચારોના વમળમાં ખોવાઈને ઘર ક્યારે આવ્યું સમજાયું નહીં. ગાડી પાર્ક કરી ઘરમાં પ્રવેશતા લક્ષ્મી ને બૂમ પાડી. “મારા માટે કોઈનો ફોન હતો લક્ષ્મી?”

અવાજ સાંભળતા લક્ષ્મી દોડી આવી. “ના બહેન કોઈનો નહીં. તમે ચ્હા પીશો ?”

“સારું બનાવ” બોલી હું સોફા પર બેસી કવર ખોલવા લાગી.

કવર માં એક કાગળ હતો જે ખૂબ સુવાચ્ય અક્ષરોમાં લખાયેલો હતો. કોઈ કાગળ લખવામાં પારંગત હોય એવું લાગી રહ્યું હતું. હું કાગળ વાંચવા લાગી.

“પ્રિય રંજના,

આજ આટલા વર્ષો પછી હું આ લખી રહી છું અને એના માટે હું દિલગીર છું. પણ આ વાત તને પહેલા કરી હોત તો કદાચ તું એ જગ્યાએ ના હોત જે જગ્યાએ હું તને જોવા માંગતી હતી. તે હમેશાં તને જન્મ આપનાર મા ને કોશી હશે કારણ કે એણે જન્મતા જ તને ત્યજી દીધેલી. અને એ કમનસીબ મા હું જ છું.”

આટલું વાંચતાં જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. આવું કાઇં કાગળ માં હશે એની કલ્પના પણ ના હતી.

આગળ લખ્યું હતું, “ હું જાણું છું કે વર્ષો પછી આમ અચાનક આ વાત સાંભળી તને આંચકો જરૂર લાગ્યો હશે. જ્યારે તારો જન્મ થયો ત્યારે મને તને ત્યજી દેવાનું કહેવામાં આવ્યું કારણ કે તું એક દીકરી હતી. અને હું તને લઈને નીકળી ખરી પણ અંતે હું એક મા હતી અને સાથે એક સ્ત્રી પણ. તેથી તને મારાથી અલગ કરવાનો વિચાર પણ મારા માટે મોત સમાન હતો. એટલે મેં જ તને દત્તક આપવાનો વિચાર કર્યો. હું તને મારી પાસે રાખી શકું એમ ના હતી પણ હું તને જોઈ શકું એમ તો હતી જ. તેથી જ મેં સિવિલ જઇ ને તને કચરા માંથી મળી હોવાની વાત અને સમાજસેવાના કાર્યો ની વાર્તા બનાવી. ભગવાનનો ખૂબ આભાર કે તને યશોદાજેવી પાલક મા મળી જેણે તને ભણાવી ગણાવી ને પોતાના પગ પર ઊભી કરી॰ હું કદાચ આ વાત તને ક્યારેય પણ ના કહેત પણ હવે મારા પાસે બહુ સમય નથી. તારા પપ્પાના ગયા પછી તારો વિરોધ કરવા વાળું કોઈ રહ્યું નહીં પણ હું કયા મોઢે તારી પાસે આવું એ સમજાતું ના હતું અને તું તારી દુનિયા માં સુખી હતી એ જ મારા માટે ઘણું હતું. બની શકે તો મને માફ કરી દે જે. હું જાણું છુ કે તારા માટે એ સહેલું નથી પણ આશા રાખું છુ કે તને મારા માટે કોઈ રંજ ના રહે.

મારા બે-બે દીકરાઓ જીવતા હોવા છતાં મારા અંત સમયમાં મને અગ્નિદાહ આપવા માટે એમની પાસે સમય નથી. આ કાગળ વાંચતાં સુધીમાં કદાચ હું જીવતી ના પણ રહું તો મારા ઉપર એક ઉપકાર કરીશ ? મને અગ્નિદાહ તું આપીશ? એક મા તરીકે નહીં તો સારિકાબહેન માટે આટલું તો કરીશ ને?

કાગળ પૂરો થતાં મારી આંખમાં આંસુ હતા અને પ્રશ્ન પણ કે એક સ્ત્રી જેણે મને દુનિયા ની બધી ખુશીઓ ત્યારે આપી જ્યારે મારૂ મૂલ્ય કઈજ ના હતું અને એક સ્ત્રી કે જેણે મને આ બધી ખુશીઓ અપાવા પોતાનું સર્વસ્વ આપી દીધુ, આમાંથી મારી ખરી મા કોણ ?

  • ભાષા વોરા