“પેરાશુટ!!!!!!!! “
ઓફિસમાં કામ કરતાં કરતાં જ વિરેન આજે શાલીની સાથે થનારા સંભવીત મિલનની કલ્પનાઓમાં વિચરતો હતો અને તેને મળવાના સમય અને સ્થળનો મેસેજ આવે તેની રાહ જોતો હતો ત્યાં જ અચાનક જ તેના ઈન બોક્ષમાં એક અજાણ્યો મેસેજ ટપક્યો “હું આપના અંગત જીવન વિશે એક એવી વાત જાણું છું કે જે આપની પત્નીને જાણ થશે તો આપના જીવનમાં ધરતીકંપ મચી જશે.વધુ વિગતો માટે સાંજે છ વાગ્યે હું ફરીથી કોન્ટેક્ટ કરીશ.” અને અચાનક જ શાલીનીના મખમલી બદનના એહસાસની જગા કાંટાળી શુળોએ લઈ લીધી અને તે વ્યગ્ર થઈને સિગારેટ પર સિગારેટ ફુંકવા લાગ્યો અને બેલ મારીને પીયુન ઈશ્વરને બોલાવીને બધો જ ગુસ્સો પીયુન ઈશ્વર ઉપર ઉતાર્યો.ઈશ્વરને પણ ના સમજાયુ કે હજી હમણા થોડી વાર પહેલા તો સાહેબ ખુબજ ખુશ હતા અને અચાનક આ શું થઈ ગયું?
છેલ્લા બે વર્ષોથી વત્સલાના પ્રેગનન્સી પછીનો વિરેનનો આજ ઘટનાક્રમ હતો શાલીની સાથે ઓફિસટ્રીપના બહાને દર મહીને ત્રણથી ચાર વખત નજીકના હીલ સ્ટેશનોએ જઈને મોજ-મજા કરીને તે પાછો આવી જતો હતો.વત્સલાને પણ શરુઆતમાં તો તેમની લાડકી શૈલાના આગમન બાદ તેની સાર-સંભાળમાં જ વ્યસ્ત હોવાને લીધે કોઈપણ શંકા ગઈ નહોતી અને વિરેન તેને આજકાલ જોબ કેટલી અઘરી થઈ ગઈ છે ડાર્લીંગ કહીને સમજાવી દેતો એટલે ચાલતું,પણ થોડા વખતથી તેણે પણ વિરેનની વધતી જતી વ્યસ્તતાને વત્સલાએ પણ શંકાથી જોવાનું ચાલુ કર્યું હતું કાયમ ઘરે મોડું પહોંચવું અને ઘરે પહોંચીને પણ મોબાઈલ અને લેપટોપ ઉપર જ ચોટ્યા રહેવું જેને કારણે અનેક વાર તેને ટોકેલો પણ ખરો.પણ દરેક વખતે વિરેન તેની વાક્પટુતાથી તેને મનાવી લેતો.અને મામલો શાબ્દીક ઘર્ષણથી શરુ થઈને વધે તે સાથે જ વિરેન એક કુશળ યોધ્ધાની અદાથી તેને હળવેથી આલિંગનમાં લેતાં જ વત્સલાની તમામ દલીલોનો અંત આવી જતો અને તે પણ બધું જ ભુલીને તેની જાતને વિરેનમાં ઓગાળી દેતી..પરંતુ જો આજે આ વાતની તેને ખબર પડી તો તેને ઘર છોડવાનો વારો આવશે કેમકે તેના ઘરનું ઈન્સ્ટોલમેન્ટ પણ વત્સલાની બુટીકની આવકમાંથી ભરાય છે,તેની કમાણી તો શાલીનીમાં જ ખર્ચાઈ જાય છે.આથી તેણે તેના મોં પર માર્મિક સ્મિત ધારણ કરીને પરિસ્થિતીનો સામનો કરવાનું નક્કી કર્યું અને ઓફિસમાંથી વહેલો નીકળી ગયો.
આજે ઘણા દિવસે તેણે વત્સલાને પ્રિય એવા ફુલોનો બુકે ખાસ ઓર્ડર આપીને ઈમરજન્સીમાં તૈયાર કરાવ્યો અને ઘેર જઈને ડોરબેલ વગાડી.વત્સલાએ બારણું ખોલતાં જ આનંદાશ્ચાર્યથી પુછયું કે “શું વાત છે?આજે તું આટલો વહેલો અને તે પણ બુકે સાથે?વાત શું છે,ક્યાંક ખુશીથી જ હાર્ટ ફેઈલ ના થઈ જાય?” એટલે વિરેને કહ્યં કે “ડાર્લીંગ આજે અચાનક જ ઓફિસમાં તને મળવા માટે મન બેચેન થઈ ગયું એટલે તાત્કાલીક બધું જ છોડીને ચાલ્યો આવ્યો.” આ સાંભળતાં જ વત્સલા તેને ભેંટી જ પડી અને તેની આંખમાં થી આંસુઓ ટપકવા લાગ્યા અને બંન્ને પ્રગાઢ આલિંગન અને ચુંબન બાદ છુટા પડ્યા ત્યારે વત્સલા આજે વિરેનને ભાવતી ડિશ બનાવવા માટે રસોડામાં ગઈ અને તેનું પ્રિય ગીત ગણગણવા લાગી. ”એક પુરાના મૌસમ લૌટા યાદ ભરી પુરવાઈ ભી,
ઐસા તો કમ હી હોતા હૈ વો ભી હો તન્હાઈ ભી.”
મેસેજ આવ્યા પછી અત્યાર સુધીમાં વિરેને વત્સલાની સતત બે વર્ષથી કરેલી ઉપેક્ષા બદલ પસ્તાવો અને શાલીનીની પાછળ કરેલા ખર્ચાઓનો હિસાબ પણ માંડી જોયો અને વત્સલાને ખબર પડે તો માફી કઈ રીતે અને ક્યા શબ્દોમાં માંગવી તેનું મનોમન રીહર્સલ પણ કરી જોયું.આજે અચાનક જ તેને યાદ આવ્યું કે તેની એક નાની પરી જેવી દીકરી શૈલા પણ છે જો ડીવોર્સ થશે તો તેને કોણ સંભાળશે તેની પણ મનોમન મુંઝવણ કરી જોઈ.જેમ-જેમ ઘડીયાળનો કાંટો છ તરફ આગળ વધતો જતો હતો વિરેનની હાર્ટબીટ્સ જાણે કે ત્યાં જ રોકાઈ જવા મથી રહી હતી.અને છ વાગ્યા અને તેના ઈનબોક્ષમાં મેસેજ આવ્યો “APRIL FOOL,BY YOUR FRIEND JATIN FROM NEW NUMBER!!!!”.
અચાનક જ જાણે સળગતા પ્લેનેમાંથી બચવા માટે પેરાશુટ સાથે કુદેલા હોઈએ અને છેલ્લી ઘડી સુધી પેરાશુટ ખુલે જ નહીં અને મોત સામે જ દેખાતું હોય અને ત્યાં જ પેરાશુટ ખુલે અને જે આહલાદક આનંદ કોઈને થાય તેવો જ આનંદ અત્યારે વિરેનને થઈ રહ્યો હતો.
હવે તે વિરેનના વહેલાં આવવાની ખુશીમાં ઝુમી રહેલી વત્સલાને જોઈને અને શૈલાને રમાડીને ખુશ થઈ રહ્યો હતો ત્યાં જ તેના ઈનબોક્ષમાં ફરીથી શાલીનીનો મેસેજ આવ્યો “ આજે રાત્રે આઠ વાગ્યે હોટેલ ડીસન્ટમાં ઈમરજન્સી બિઝનેસ મીટીંગ” અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેણે તરત જ સામો મેસેજ કરી દીધો “Just Coming Darling”.
અને હજી તો વત્સલા કાંઈ સમજે તે પહેલાં જ ઈમરજન્સી ઓફિસ મીટીંગનું બહાનું કાઢીને વિરેન તેની ગાડી કાઢીને નીકળી પણ ગયો અને કહેતો ગયો કે “જમવામાં રાહ ના જોતી હું બહાર જ પતાવી લઈશ!!!!”.
અને વત્સલા સ્તબધ થઈ ગઈ અને તેણે એફ.એમ. ચાલુ કર્યું અને સોલી કાપડીયાના ઘુંટાયેલા અવાજમાં મનોજ ખંઢેરીયાની રચના શરુ થઈ
” પકડો કલમને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને.”
એટલે તેણે ચેનલ બદલી તો ત્યાં પણ ગાઈડનું ગીત આવ્યું
” દિન ઢલ જાયે હાયે રાત ના જાયે,તું તો ના આયે તેરી યાદ સતાયે” અને તેણે ગુસ્સામાં રેડીયો બંધ કર્યો ત્યાં જ શૈલાએ રોવાનું ચાલુ કર્યું અને બધો જ ગુસ્સો શૈલા ઉપર ઉતરી પડ્યો.