મૃગજળ ના વમળ
“ ક્યારેય કોઈ એકનો થઈને રહ્યો નથી,
રાજા અને નવાબનો બદલાય છે સમય “
આમ તો મનહર ઉધાસના સ્વરે ગવાયેલ આ પંક્તીઓ મારી ફેવરીટ રહી છે પણ એનો અર્થ સમજાયો છે હવે !!!
અમદાવાદ જેવા અતિ વ્યસ્ત શહેરમાં ફક્ત ૨૫ વર્ષની ઉંમરે પોશ એરિયામાં પોતાનો ફ્લેટ લીધાને આજે દશ વર્ષ થયાં અને એના મારી લાઈફમાં આવ્યાને પણ. આજના દિવસે જ તો એણે મારી પ્રપોઝલ સ્વીકારેલી પણ જેમ નોકરીમાં પ્રોબેશન પીરીયડ હોય એ રીતે, કે જો સંબંધ સંતોષકારક રહેશે તો કાયમી નિમણુંક મળવાની શરતે! ને મેં પણ દરેક નોકરી વાંચ્છુક પ્રોબેશનરીની માફક એને ખુશ કરવાની એક પણ તક જતી નહોતી કરી પણ...
પણ આજે એ જ ઘર, એ જ દિવાલો, એ જ હિંચકો, એ જ વોલ ક્લોક જાણે કે અચાનક મને અજાણ્યા લાગે છે. આ જ ઘરમાં કલાકો સુધી કોફી પીતાં પીતાં એની મૌજુદગીને માણી છે મેં. એનો મખમલી અહેસાસ ને એની ભીની સુગંધ અહીંની જડ વસ્તુઓને આજે પણ જીવંત બનાવી રાખે છે. પણ અચાનક જ થોડા સમયથી એક જાતનો ખાલીપો મનને ઘેર્યા કરે છે, જે સવાલ આંતરમનમાં વર્ષોથી દબાયેલો હતો એ હવે વિસ્ફોટપુર્વક બહાર આવી ગયો છે કે મારી અને ઈપ્સાની વચ્ચે છે એ કોઈ સંબંધ છે ઋણાનુબંધ છે કે પછી બંધન છે?
શરુઆતમાં તો આ કોઈપણ જાતના કમિટમેન્ટ વિનાનો સંબંધ બહુ ક્રાંતીકારી લાગેલો મને પણ સમય જતાં હવે મનને થાક લાગે છે સતત કોઈ જ ડેસ્ટિનેશન વિના ભાગ્યા જ કરવાનો. પહેલાં એવું લાગતું કે સાથે જ ભાગીએ છીએ પણ હવે એમ લાગે છે કે એકબીજાથી તો નથી ભાગતાં ને?
હું આજે પણ એના આવવાની એટલી જ ઉત્કટતાથી રાહ જોઉં છું પણ પહેલાં અઠવાડિયામાં ચાર દિવસ મળનારી ઈપ્સા ક્યારે ચાર અઠવાડિયે એક વાર મળતી થઈ ગઈ એ જ ખબર ન પડી. ઈપ્સાના મમ્મી પપ્પા જીવીત હતાં ત્યાં સુધી તો ઠીક હતું પણ એમના ગયા પછી તો મને હતું કે એ કદાચ તાત્કાલીક મને પરણે ભલે નહીં પણ એ મારી સાથે રહેવા તો આવી જ જશે પણ પહેલાં એના પપ્પા અને પછી મમ્મી ના અવસાન ને પણ આજે બે વર્ષ થવા આવ્યાં પણ એ ના આવી. જુની ઈમારતની દિવાલો પરથી જેમ રેતી ના કણ ખર્યાં કરે એમ ધીમે ધીમે મારી રાહ જોવાની ધીરજ પણ દિવસે દિવસે ખુંટતી ચાલી છે. પણ પ્રિય પાત્રને કોઈપણ ભોગે મેળવવાની તીવ્ર ઝંખના માં જ આજ સુધી હું ઢસડાતો ચાલ્યો છું. પણ છેલ્લા ઘણા દિવસોનાં મનોમંથન બાદ આજે મેં એક નિર્ણય લીધો છે. આ ઘરથી દુર ઈપ્સાથી દુર જ્યાં હાથ માં થી સરી રહેલાં સમય જેવી રેતીને સમેટવાને બદલે એક ઝાટકે મુઠ્ઠી ખોલવાની હિંમ્મત ભેગી કરવાનો.
ને હું નીકળી પડ્યો મારી કાર લઈને સેલ્ફ ડ્રાઈવ અમદાવાદ થી રાજકોટ થી જામનગર થી દ્વારકા થી પોરબંદર ને સોમનાથની વચ્ચે ક્યાંક ઘેડ વિસ્તારના કોઈ અંતરિયાળ ગામમાં કે જ્યાં કોઈને મારી ભાળ ન મળે. મોબાઈલ તો હું ઘેર જ સ્વિચ ઓફ કરીને મુકી આવેલો. થોડા દિવસ મોબાઈલ પર મને કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરીને બે-ત્રણ વખત ઘેર જઈને ઈપ્સા તપાસ કરી આવી ને પછી એની રુટીનમાં ગોઠવાઈ ગઈ.
ને હું દુર દુર સુધી વિસ્તરેલા ક્ષિતિજ સુધી ફેલાયેલાં દરિયાને નિહાળતો બેસી રહેતો. કિનારા પરની ભીની રેતી પર થોડાં દિવસો સુધી ઈપ્સા લખવાનું ગાંડપણ પણ સુજતું ને ધીરે ધીરે જેમ દરિયો એ નામ સતત ભુંસતો રહ્યો એમ જ હું પણ એ નામને મારા અસ્તિત્વમાંથી ભુસતો ગયો. કિનારા પરના કાળમીંઢ પથ્થરો સાથે અફળાઈને મોં પર લાગતી છાલક સાથે ઘણી યાદો ધોવાતી રહી. ને એક દિવસ ખરેખર એવો આવ્યો કે મને લાગ્યું કે હું ઈપ્સાના તમામ બંધનોથી આઝાદ થઈ ગયો છું. જિંદગી ના મેદાન પર ચાલવા માટે મારે ઈપ્સા રુપી ટેકણ લાકડીની હવે કોઈ જરુર નથી. ને મેં અમદાવાદ પરત ફરવાનો નિર્ણય કર્યો.
જેમ જેમ અમદાવાદ નજીક આવતું ગયું મન અનેક પ્રકારના વિચારોના વમળોથી વિચલીત થતું ગયું. ને એક તબક્કે તો એવો વિચાર પણ આવ્યો કે હું કંઈ ખોટું તો નથી કરી રહ્યો ને? એટલામાં બોપલ આવતાં જ કાર પાર્ક કરીને અમારા બંન્નેનાં ફેવરીટ કાફે શોપ માં દાખલ થયો ને કોર્નરના ટેબલ પર જઈને બેઠો. મેં કોફી ઓર્ડર કરી ને ત્યાં જ મારી નજર બિલકુલ સામેના ટેબલ પર જ નિરાંતે કોફી પી રહેલી ઈપ્સા પર પડી ને હું અંદરથી થીજી ગયો. એક તબક્કે તો દોડીને એની પાસે જવાનું મન થઈ ગયું પણ હું ગયો નહીં. ઉંડે ઉંડે એવી તીવ્ર આશા અને અપેક્ષા હતી કે ઈપ્સા સામેથી ઉઠીને મારી પાસે દોડીને આવશે અને ભેંટી પડશે પરંતુ એ પણ ન આવી ને એવું પણ નહોતું કે એનું ધ્યાન નહોતું એને પણ ખબર હતી કે હું અહીં બેઠો છું! ઘણૉ સમય થયો પણ બે ટેબલ વચ્ચેનું અંતર અમારા બંન્નેમાંથી કોઈથી ન કાપી શકાયું...
મને વિચાર આવ્યો કે એ કોઈ અન્યની રાહ તો નહીં જોઈ રહી હોય અહીં? ને બીજી જ ક્ષણે હું કોફી પીધા વિના જ એનું પેમેન્ટ કરીને સડસડાટ નીકળી ગયો ત્યાંથી. એપાર્ટમેન્ટ પર આવી ગાડી પાર્ક કરીને સીધો જ ફ્લેટ માં ઘુસી ગયો. રસોડામાં જઈને કોફી બનાવીને હિંચકા પર બેઠો. ઘેડમાં શુટ કરેલ દરિયાને 40” સ્ક્રીન પર ડોલ્બી ડિજીટલ સાઉન્ડમાં મેહસુસ કરવા લાગ્યો અને ઘણા સમયથી બંધ મોબાઈલ ચાલુ કર્યો. ને રિંગ વાગી
“ तू छुपी है कहाँ मैं तडपता यहाँ “
***
“બાંહેધરી પત્ર”
આથી બાંહેધરી આપવામાં આવે છે કે આ વાર્તા સંપુર્ણ પણે મૌલિક છે અને કોઈપણ માધ્યમ માં પ્રકાશીત થયેલ નથી. તેમજ આ સ્પર્ધાનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી આ વાર્તા કોઈપણ માધ્યમમાં પ્રકાશીત કરવામાં આવશે નહીં.
( ડો. ભસ્માંગ કે. ત્રિવેદી )
સ્થળ : રાજકોટ