Part-2 Vangio MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Part-2 Vangio


વાનગીઓ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

બનાના અને એપલ સ્મૂધી

સામગ્રીઃ

•૧ નંગ પાકેલુ કેળુ

•૧ નંગ નાનું સફરજન

•૧૧/૨ ગ્લાસ દૂધ

•૧ નાની ચમચી મઘ

•૧/૨ ચમચી તજનો પાવડર

•લીંબૂનો રસ સ્વાદાનુસાર

રીતઃ

સૌપ્રથમ કેળા અને સફરજનને સમારી લો. તેના પર લીંબૂનો રસ નાખો. બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં ફેરવી લો. એકદમ સ્મૂધ સ્મૂધી તૈયાર કરો. તૈયાર થયેલી સ્મૂધીને ગ્લાસમાં નાખીને તજનો પાવડર ઉમેરીને સર્વ કરો.

મગદળ

સામગ્રીઃ

•૫૦ ગ્રામ મગની દાળ

•૫૦ ગ્રામ અડદની દાળ

•૧૦૦ ગ્રામ ઘી

•૧૦૦ ગ્રામ દળેલી ખાંડ

•૫ ઈલાયચી

રીતઃ

મગની દાળ અને અડદની દાળને ધોઈને અલગ-અલગ સૂકવી દો. સૂકાઈ ગયા બાદ દળી લો. ઘી ગરમ કરીને બંન્ને લોટને અલગ-અલગ બદામી રંગના થાય ત્યાં સુધી શેકવા. ઠરી ગયા બાદ બંન્નેને બરાબર ફીણો. ત્યાર બાદ બંન્ને ભેગા કરીને તેમાં ખાંડ અને ઈલાયચીનો ભૂકો નાખીને લાડુ બનાવો.

મીઠી ખાજલી

સામગ્રીઃ

•૧ કિ.ગ્રા. મેંદા લોટ

•૧ કિ.ગ્રા. ઘી

•૭૫૦ ગ્રામ ચોખાનો લોટ

•૭૫૦ ગ્રામ ખાંડ પાણી જરૂર મુજબ

રીતઃ

સૌપ્રથમ મેંદામાં ઘી કરમ કરીને નાખીને મોણ દઈને કઠણ કણક બાંધી લો. પછી ૧૨૫ ગ્રામ ઘી અને ૧૨૫ ગ્રામ પાણી નાખી ઢીલો કરવો. ત્યાર બાદ ચોખાના લોટમાં ૭૫૦ ગ્રામ ઘી અને ખાંડ રેડીને તેને બરાબર ફીણી લો. હવે એક પાટલા પર પહેલા મેંદાના લોટનો થર પાથરવો. ત્યાર બાદ તેની પર ચોખાના લોટનો થર પાથરવો. હવે બંને બાજુએથી વાળીને રોલ બનાવો. તેના કટકા કરો. તેમાંથી ફરી લુઆ બનાવો. તેને વળી લો. તૈયાર થયેલી ખાજલી પર હાથથી પાંચ કાણા પાડો. પછી બધી જ ખાજલીને ધીમાં તળી લો.

ગોળ પાપડી

સામગ્રીઃ

•૧ વાટકી ઘઉંનો લોટ

•૪ થી ૫ ટેબલ સ્પૂન ઘી

•૫ નંગ ઈલાયચી

•૨ ગ્રામ સૂંઠ

•૧૦૦ ગ્રામ ગોળ

રીતઃ

સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો. ત્યાર બાદ તેમાં ઘઉંનો લોટ નાખીને મધ્યમ આંચે શેકવો. લોટ આછા બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવો. લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ ઝીણો કરીને નાખવો. ગોળ નાંખીને બરાબર હલાવ્યા બાદ તૈયારીમાં ગેસ બંધ કરીને કડાઈને ગેસ પરથી નીચે ઉતારી લો. હવે તેમાં ઈલાયચીનો ભૂકો અને સૂંઠ નાખીને થાળીમાં પાથરી દેવું.

સુતરફેણી

સામગ્રીઃ

•૫૦૦ ગ્રામ રવો

•૫૦૦ ગ્રામ મેંદો

•૩ કિલોગ્રામ ખાંડ

•મીઠું સ્વાદાનુસાર

•ઘી જરૂર મુજબ

•તેલ જરૂર મુજબ

રીતઃ

સૌપ્રથમ રવા અને મેંદાને ભેગા કરીને તેમાં મીઠું નાખીને કઠણ કળક બાંધવી. કણકને ત્રણેક કલાક ઢાંકીને રહેવા દેવી. ત્યાર બાદ તેને ખૂબ જ ખાંડી લેવી. હવે હાથ પર ઘી લગાવીને તેને આંગળી જેટલી ઝાડી સોટી પર તેલ લગાવીને તેના પર વીંટો વીંટાળવા. સાથે-સાથે અમળાવીને આંટી લેવી. આવી રીતે પાંચ-સાત વખત અમળાવીને સાડા ત્રણ આંટી લેવી. ત્યાર બાદ ધીમે રહીને તેમાંથી લાકડી કાઢી લેવી.આ આંટીને ઘીમાં તળવી. એક બાજુ થાય એટલે ઉથલાવીને બીજી બાજુ તળી લેવી. તૈયાર થાય એટલે ઠંડી થવા દેવી. ત્યા સુધીમાં ખાંડની ચાસણી બનાવી લેવી. આ ચાસણીમાં તણેલી આંટી નાખવી. ચાસણી પી જાય એટલે તેની પર કાજુ-બદામ કતરી નાખીને સર્વ કરો.

ખોવાબાટી

સામગ્રીઃ

•૫૦૦ ગ્રામ મેંદો

•૫૦૦ ગ્રામ માવો

•૩૭૫ ગ્રામ મિસરીનો રવો

•૫૦૦ ગ્રામ ખાંડ

•૩ ગ્રામ ઈલાયચી

•૬૦ ગ્રામ ઘી

રીતઃ

માવાને થોડા ઘીમાં શેકી લો. પછી મિસરીનો રવો અને ઈલાયચી તેમાં બરાબર મિક્સ કરી લો. ત્યાર બદા તેના પૂરણ જેવા ગોળા બનાવી લો. પછી મેંદામાં ઘીનું મોણ નાખીને કણક બાંધો. પૂરણના નંગથી બેવડા લૂઆ કરો. પછી પૂરી વણવી, પૂરણનીં નંગ ઢંકાય એટલી મોટી, એક પૂરી હાથમાં લઈ તેમાં નંગ મૂકી, ઉપર બીજી પૂરી મૂકી, બંનેની કિનારો મેળવી, લટની જેમ ગૂંથી લેવી. પછી ગરમ તેલમાં તેને તળી લેવી. ત્યાર બાદ તેને ઠંડી થવા દો. ત્યાં સુધીમાં ખાંડની ત્રણતારી ચાસણી બનાવી લેવી. તેમાં તણેલી બાટી નાખવી. તૈયાર છે ખોવાબાટી.

સિંધી હલવો

સામગ્રીઃ

•૧ લિટર દૂધ

•૭૫૦ ગ્રામ ખાંડ

•૧૨૫ ગ્રામ બદામ-પિસ્તા

•૧ ગ્રામ જાયફળ

•૧ ગ્રામ જાવંત્રી

•૧ ગ્રામ ઈલાયચી

•૧૦ મિ.ગ્રા. કેસર

•૧ વાટકો ઘી

રીતઃ

સૌપ્રથમ દૂધને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. ઘટ્ટ થઈ ગયા બાદ તેમાં ખાંડ નાખીને ફરીથી બરાબર હલાવો. બદામ-પીસ્તાની છાલ કાઢીને અધકચરા વાટીને તેમાં નાખો. ત્યાર બાદ તેમાં જાયફળ, જાવંત્રી, કેસર અને ઈલાયચીનો ભૂકો નાખો. બરાબર હલાવતા રહો. ધી છૂટું પડે ત્યારે તેને થાળીમાં પાથરો. બદામ-પિસ્તાની કતરીથી સજાવો. ઠંડુ પડે એટલે તેના પીસ કરો.

ગળ્યા સાટા

સામગ્રીઃ

•૪ કપ મેંદો

•૪૦૦ ગ્રામ ઘી

•૮૦૦ ગ્રામ ખાંડ

•૮ નંગ ઈલાયચી

રીતઃ

સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં એક વાટકી મેંદાને બરાબર શેકો. બદામી રંગનો થાય એટલે ગેસ બંધ કરી દો. બાકીના મેંદાને તેમાં નાખીને લોટ બાંધી લો. જરૂર પડે તો પાણી ઉમેરો. સહેજ ઢીલો લોટ બાંધી લો. તેમાંથી નાના લૂઆ લઈને ગોળ પૂરી વળી લો. તેની ઉપર સહેજ આંકા પાડો. પછી કડાઈમાં ઘી ગરમ કરો. આ ઘીમાં જે પૂરી બનાવી છે તે સહેજ બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. ત્યાર બાદ ઠંડી થવા દો. હવે એક વાસણમાં ખાંડની ચાસણી બનાવા મૂકો. જેટલો લોટ હોય તેના પોણા ભાગની ખાંડ લેવી. ખાંડની ચાસણી એકદમ ઘટ્ટ કરવી. પછી તેમાં ઠરેલા સાટા બોળીને એક બાજુ રાખવા. તેની પર ઈલાયચીનો પાવડર અને ગુલાબની પાંખડીઓ નાખીને પીરસવા.

થોર

સામગ્રીઃ

•૧ કિ.ગ્રા. દહીં

•૧૦૦ ગ્રામ રવો

•૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ

•૫૦૦ ગ્રામ ગોળ

•તેલ જરૂર મુજબ

•પાણી જરૂર મુજબ

રીતઃ

દહીંને કપડામાં બાંધીને ચાર કલાક સુધી પાણી નીતરવા દો. પાણી નીતરી રહે એટલે તેમાં રવો તથા ઘઉંનો લોટ ભેળવીને કણક બાંધો. ત્યાર બાદ ખાંડમાં પાણી નાખીને બેતારી ચાસણી બનાવો. પછી દહીંથી બાંધેલા લોટની નાની-નાની પૂરી વણી તેલમાં તળી લો. બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. પૂરી ઠંડી પડે એટલે તેને ચાસણીમાં નાખો. અડધો કલાક બાદ સર્વ કરો.

કલાકંદ

સામગ્રીઃ

•૨ લિટર દૂધ

•૨૦૦ ગ્રામ ખાંડ

•૧ ટી સ્પૂન કોર્નફલોર

•૧ ટેબલ સ્પૂન ઘી

•૮ નંગ ઈલાયચી

•૧૦ તાંતણા કેસર

•ફુલાવેલી ફટકડીનો ભૂકો જરૂર મુજબ

•ચાંદીનો વરખ જરૂર મુજબ

રીતઃ

એક મોટી તપેલીમા ઘી લગાડી દૂધ ઉકળવા મૂકવું. એક ઉભરો આવે એટલે તેમાં ચપટીક ફુલાવેલી ફટકડીનો ભૂકો ચારે બાજુ ભભરાવવો. થોડીવાર પછી ફરી એક ચપટી ભૂકો ભભરાવવો. ત્યાર બાદ થોડા દૂધમાં કોર્નફલોર મિકસ કરવો. આ મિશ્રણ દૂધમાં નાખો. દૂધ અડધુ થાય એટલે તાપ ધીમો કરી ખાંડ, એલચી અને કેસર મિશ્રિત દૂધ અંદર નાખવું. બરાબર ઘટ્ટ થાય એટલે થાળીમાં ઘી લગાડી, કલાકંદ ઠારી દેવો, ઉપર ચાંદીના વરખથી સજાવવું. ઠરે એટલે કટકા કરવા. ઉપર બદામ-પિસ્તાથી પણ સજાવટ કરવી.

દૂધીનો હલવો

સામગ્રીઃ

•૫૦૦ ગ્રામ દૂધી

•૨ ટી સ્પૂન ઘી

•૩૦૦ ગ્રામ ખાંડ

•૩૦૦ ગ્રામ માવો

•૧/૨ લિટર દૂધ

•૨ ટેબલ સ્પૂન બદામની કતરી

•૨ ટી સ્પૂન પિસ્તાની કતરી

•૫ નંગ ઈલાયચી

રીતઃ

સૌ પ્રથમ દૂધીને છોલી, છીણી નાખવી. હવે એક વાસણમાં ઘી ગરમ કરી, તેમાં થોડા દાણા એલચીના નાખી, છીણ વઘારવું. થોડીવાર હલાવી તેમાં દૂધ નાખવું. તાપ ધીમો રાખવો. દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાખવી. ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે તેમાં એક ચમચો ઘી નાખવું. બરાબર ઘટ્ટ અને ઠરે એવું થાય એટલે ઉતારી, માવાને છીણી નાખવો. માવો બરાબર મિકસ કરી ફરી થોડીવાર તાપ પર મૂકવું. તેમાં બદામ પિસ્તાની કાતરી નાખવી. માવો બરાબર મિકસ થઈ જાય એટલે થાળીમાં ઘી લગાડી હલવો ઠારી દેવો. સાધારણ ઠંડો પડે એટલે ચાંદીનો વરખ લગાડવો. બીજે દિવસે બરાબર ઠરે એટલે કટકા કરવા.

માલપૂડા

સામગ્રીઃ

•૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ

•૩૦૦ ગ્રામ દળેલી ખાંડ

•ઘી જરૂર પ્રમાણે

•ખસખસ પ્રમાણસર

રીતઃ

ઘઉંના લોટમાં દળેલી ખાંડ નાંખી, પાતળું ખીરૂં બાંધવું. પાંચથી છ કલાક રાખી મૂકવું. પછી હાથથી ફીણી હલકું કરવું જેથી જાળી સારી પડે. એક છીછરી કડાઈમાં ઘી મૂકી, ગરમ થાય એટલે મોટા ચમચાથી એકસરખી ધાર પાડી, માલપૂડા પાથરવા. એક બાજુ બદામી થાય એટલે બે તવેથાથી ઉથલાવવા. બીજી બાજુ થઈ જાય એટલે ઉતારી, થાળીમાં થોડી ખસખસ પાથરી, છૂટા ગોઠવવા. ઉપર પણ થોડી ખસખસ પાથરવી, જેથી ચોંટી ન જાય.

ઈન્સ્ટન્ટ રસમલાઈ

સામગ્રીઃ

•૨ લિટર દૂધ

•૨૫૦ ગ્રામ ખાંડ

•૧ મોટું પેકેટ બ્રેડ

•૨ ટેબલ સ્પૂન દૂધનો પાઉડર

•૧ ટેબલ સ્પૂન એલચીનો ભૂકો

•૧ ટેબલ સ્પૂન જાયફળનો ભૂકો

•૧ કપ ખાંડ

•૧/૨ ટેબલ સ્પૂન કાજુ

•૧/૨ ટેબલ સ્પૂન અખરોટ

•૧/૨ ટેબલ સ્પૂન ચારોળી

રીતઃ

એક પેણીમાં ઘી લગાડી, તેમાં ઘી નાખી, ગરમ થવા મૂકવું. મિલ્ક પાઉડરને થોડા ઠંડા દૂધમાં મેળવી અંદર ઉમેરવો. તાપ ધીમો રાખવો. દૂધ જાડુ થવા આવે એટલે તેમાં ખાંડ અને એલચી-જાયફળનો ભૂકો ઉમેરવો. પાતળી રબડી થાય એટલે ઉતારીને ફ્રિઝમાં ઠંડુ કરવા મૂકવું. હવે બ્રેડની આજુબાજુની કિનારીઓ કાપી નાખી તેના ગોળ કટકા કરવા. એક વાસણમાં ખાંડ નાખી, તે ડૂબે તેટલું પાણી નાખી ઉકાળવું. ખાંડ ઓગળી જાય અને ખુબ જ પાતળી ચાસણી તૈયાર થાય એટલે ઉતારી લેવી. ચાસણી સાધારણ ઠંડી પડે એટલે બ્રેડના ટુકડા એક એક કરી તેમા બોળીને ઘી લગાડેલી થાળીમાં મૂકવા. જયારે બ્રેડના કટકા થોડા સુકાઈ જાય ત્યારે એક બાઉલમાં બે કટકા મૂકી, તેના પર ઠંડી રબડી નાખી, ઉપર કાજુ-અખરોટના નાના નાના કટકાથી સજાવટ કરવી.

પૂરણપોળી

સામગ્રીઃ

•૫૦૦ ગ્રામ ચણાની દાળ

•૫૦૦ ગ્રામ ખાંડ

•૨૫ ગ્રામ કોપરાનું ખમણ

•૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ

•૫ નંગ ઈલાયચી

•૧ કિલો ગ્રામ ઘઉંનો લોટ

•તેલ જરૂર પ્રમાણે

•ઘી જરૂર પ્રમાણે

રીતઃ

સૌપ્રથમ ચણાની દાળને કૂકરમાં બાફવી. બરાબર બફાઈ જાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવી. એક કડાઈમાં એક ચમચો જેટલું ઘી ગરમ કરવું. તેમાં ક્રશ કરેલી દાળ અને ખાંડ ઉમેરી બરાબર હલાવતાં રહેવું. ખાંડનું પાણી બળી જાય એટલે અને એકદમ ઘટ્ટ બની જાય એટલે ઉતારી લેવું. તવેથો ઉભો મૂકીને જોવો. જો અઘ્‌ધર રહે તો જાણવું કે પૂરણ થઈ ગયું છે. પછી તેમાં કોપરાનું ખમણ અને એલચીનો ભૂકો નાખી, થાળીમાં કાઢી લેવું. ઠંડુ પડે એટલે પ્રમાણસર ગોળા બનાવવા. હવે ઘઉંના લોટમાં તેલનું મોણ દઈને તેની રોટલી જેવી કણક બાંધવી. એક કલાક કણકને ઢાંકીને રહેવા દેવી. ત્યાર બાદ તેમાંથી લૂઆ પાડી, તેની લાંબી , પાતળી રોટલી ચોખાનાં લોટનું અટામણ લઈ વણવી. પછી તેના ઉપર પૂરણનો ગોળો મૂકી, બાકીની રોટલી ઢાંકી દેવી. પછી હળવા હાથે વણી તવા પર શેકવી. શેકાય જાય એટલે ઉપર ઘી લગાવી પીરસો.

વર્મીસેલી દૂધપાક

સામગ્રીઃ

•૨૦૦ ગ્રામ વર્મીસેલી સેવ

•૩ લિટર દૂધ

•૨૦૦ ગ્રામ ખાંડ

•૫૦ ગ્રામ માવો

•૧/૨ ટેબલ સ્પૂન પિસ્તા

•૧/૨ ટેબલ સ્પૂન ચારોળી

•૧/૨ ટેબલ સ્પૂન બદામ

•૧/૨ ટેબલ સ્પૂન પિસ્તા

•૧/૨ ટેબલ સ્પૂન જાયફળ

•૫ નંગ ઈલાયચી

•ઘી જરૂર પ્રમાણે

રીતઃ

સૌપ્રથમ સેવને છુટી કરી ઘીમાં સાંતળવી. બદામી રંગની થઈ જાય એટલે ઉતારી લેવી. હવે એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. દૂધ ઉકળે એટલે તેમાં વર્મીસેલી નાખવી. સેવ બફાય જાય એટલે તેમાં ખાંડ ઉમેરવી. ત્યાર બાદ તેમાં માવો છીણીને નાખવો. હવે ઈલાયચીનો ભૂકો અને જાયફળનો ભૂકો તેમાં ઉમેરી બરાબર મિકસ કરી, દૂધપાક ઉતારી લેવો. ઉપરથી છોલેલી બદામની કાતરી, પિસ્તાની કાતરી અને ચારોળીથી સજાવવું.

ગુજીયા

સામગ્રીઃ

•૧ કિલો માવો

•૫૦૦ ગ્રામ ખાંડ

•૫૦૦ ગ્રામ મેંદો

•૨૦૦ ગ્રામ બદામનો ભૂકો

•૬ ટેબલ સ્પૂન તેલ

•૩ ટેબલ સ્પૂન કિસમિસ

•પાણી જરૂર પ્રમાણે

રીતઃ

સૌપ્રથમ મેંદાના લોટમાં તેલનું મોણ દઈને સારી રીતે મિકસ કરો. હવે જરૂર પૂરતું પાણી લઈ નરમ કણક બાંધો. આ કણકને એક ભીના કપડા વડે ઢાંકીને એકાદ કલાક બાજુ પર મૂકી રાખો. હવે એક કઢાઈમાં તેલ મૂકી તેમાં માવાને બદામી રંગનો શેકો.

ત્યાર બાદ તેમાં બદામનો ભૂકો, ખાંડ અને કિસમિસ ઉમેરી સારી રીતે મિકસ કરો. ફરી પાંચેક મિનિટ આ મિશ્રણને શેકો. ત્યારબાદ ઠરવા દો. હવે તૈયાર કરેલા કણકમાંથી નાની અને થોડી જાડી પૂરીઓ વણો.

તૈયાર કરેલું મિશ્રણ પૂરીની વરચે મૂકી, કવર કરી, કિનારીને મનપસંદ આકાર આપી વાળો. તૈયાર કરેલા ગુજીયા ગરમ તેલમાં બદામી રંગના તળી લો. તૈયાર છે મીઠી-મધુરા ગુજીયા.

ગ્રીન ઢોકળા

સામગ્રીઃ

•૨૫૦ ગ્રામ લીલા ચણાના દાણા

•૧ વાટકી ચોખોનો લોટ

•૧ ચમચી ખાવાનો સોડા

•૧ ચમચી વાટેલી વરિયાળી

•૧ ચમચી આદુ-લસણનું પેસ્ટ

•૧ ચમચી દહીં

•૨ થી ૩ લીલા મરચા

•૫ થી છ લીમડાના પાન

•૧ ટેબલ સ્પૂન રાઈ

•૧ ચમચી તેલ

•મીઠું સ્વાદાનુસાર

•મરચું સ્વાદ મુજબ

•કોથમીર

રીતઃ

પહેલા લીલા ચણાને મિક્સરમાં વાટી લો. હવે ચોખાનો લોટ અને ચણાનુ પેસ્ટ દહીમાં સારી રીતે મિક્સ કરીને ૪૫ કલાક રહેવા દો, જેથી તેમા આથો આવી જાય. જ્યારે સારી રીતે આથો આવી જાય ત્યારે તેમા ખાવાનો સોડા, વરિયાળી, આદુ-લસણનું પેસ્ટ, મીઠુ અને મરચું નાખીને સારી રીતે મિક્સ કરો.હવે એક વાસણમાં તેલ લગાવીને આ પેસ્ટને નાખો અને લગભગ અડધો કલાક સુધી વરાળ પર બાફી લો. વચ્ચે ચપ્પુ નાખીને જોઈ લો, ચપ્પુ ને મિશ્રણ ન ચોંટે તો તેને તાપ પરથી ઉતારીને મનપસંદ આકારમાં કાપી લ ઓ. એક કઢાઈમાં તેલ તપાવી તેમા રાઈ અને લીમડો તતડાવો. આ વઘારને ઢોકળા પર નાખીને મિક્સ કરો. હવે લીલા ધાણાથી સજાવીને સોસ કે ચટણી સાથે સર્વ કરો.

ઘઉંના ફાડાનો ઉપમા

સામગ્રીઃ

•૧/૨ કપ ઘઉં ના ફાડા

•૨ ટી સ્પૂન તેલ

•૧/૪ ટી સ્પૂન રાઈ

•૨ ટી સ્પૂન ઝીણું સમારેલું લીલું મરચું

•૧/૨ કપ ઝીણી સમારેલી ડુંગળી

•૧/૨ ટી સ્પૂન ઝીણું સમારેલું આદુ

•૧/૪ કપ લીલા વટાણા

•૧/૪ કપ સમારેલું ગાજર

•મીઠું સ્વાદાનુસાર

•લીલા ધાણા સમારેલા

રીતઃ

ઘઉં ના ફાડા ને સાફ કરી ચોખા પાણી વડે ધોઈ લો ૨ કપ ગરમ પાણી માં ઘઉં ના ફાડા ને ૩ ૪ થી મિનીટ સુધી થવા દો, હવે તેમાંથી પાણી નીતારી લો અને એક બાજુ એ રાખી દો. એક પ્રેશરકુકર માં તેલ મૂકી તેમાં રાઈ ના દાણા નાખો. રાઈ ના દાણા જયારે થઈ જાય એટલે તેમાં લીલા મરચા નાખી ધીમી આંચ કરી દો. હવે તેમાં ડુંગળી આદુ નાખી સરખી રીતે મિક્સ કરી તેને ૧ થી ૨ મિનીટ પકાવો. હવે લીલા વટાણા અને ગાજર ઉમેરો સારી રીતે મિક્સ કરીને ૧ થી ૨મિનીટ ધીમી આંચ પર પાકવા દો. તેમાં અધકચરા બાફેલા ઘઉં ના ફાળા ઉમેરો, મીઠું અને ૧ભ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરો તેમજ કુકરને ઢાંકી તેની ૨સિટી વાગવા દો. હવે કુકર ની વરાળ નિકળી જાય એટલે ઢાંકણ ને દુર કરો. ગરમ ગરમ આ ડીશને લીલા ધાણાથી ગાર્નીશ કરી સર્વ કરો. આ ઉપમાને તમે ડુંગળી વગર પણ બનાવી શકો છો.

મિક્સ દાળ હાંડવો

•૨ કપ ચોખા

•૩/૪ કપ ચણાની દાળ

•૧ કપ તુવેર, મગ અને અડદની દાળ

•૨ કપ છીણેલી કોબી, ગાજર અને દૂધી

•૬ થી ૭ નંગ લીલા મરચાં

•૧ ચમચો આદું-લસણની પેસ્ટ

•૧ ચમચો તલ

•૨ ચમચી રાઈ

•૨ ચમચી જીરૂં

•૮ થી ૧૦ લીમડાના પાન

•તેલ વઘાર માટે

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

ચોખા અને દાળોને અલગ અલગ પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરીને ઘાટું ખીરૂં બનાવી લો. હવે તેમાં મીઠું ઉમેરીને ૬ થી ૭ કલાક ઢાંકી રાખીને આથો આવવા દો. બનાવતી વખતે તેમાં છીણેલી કોબી, ગાજર અને દૂધી ઉમેરો, લીલા મરચા ઝીણા સમારીને ઉમેરો. અને જરૂર પડે તો સ્વાદ મુજબ લીંબુનો રસ ઉમેરો. હવે વગાર માટે એક વાસણમાં તેલ ગરમ થવા દો, તેમાં રાઈ,જીરૂ, હિંગ, લીમડાના પાન, તલ અને ૧ લીલું મરચું સમારેલુ, આદુ - લસણની પેસ્ટનો વઘાર કરો. હાંડવિયામાં ખીરૂ પાથરીને તેની ઉપર આ વઘાર રેડી દો. (અથવા આ મિશ્રણને ખીરામાં ભેળવીને પછી ખીરૂ હાંડવિયામાં ઢાળી લો) અને ગેસ પર મૂકી ચડવા દો. લગભગ ૪૦ થી ૪૫ મિનિટ સુધી ચડવા દો.

મૂળાના પરોઠા

સામગ્રીઃ

•૫ નંગ મૂળા છીણેલા

•૨ ટેબલ સ્પૂન ચણાનો લોટ

•૪ થી ૫ લીલા મરચાં

•૧ કટકો આદુનો ટુકડો

•૨ મોટી ડુંગળી (સમારેલી)

•૧/૨ ઝૂડી કોથમીર

•૩૦૦ ગ્રામ ઘઉંનો લોટ

•૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો

•૧/૨ ટી સ્પૂન આમચૂર પાઉડર

•મીઠું સ્વાદાનુસાર

•મરચું

•હળદર

•તેલ

•હીંગ

રીતઃ

મૂળાને છીણી લો તેના પત્તા ઝીણા સમારી લો. લીલી ડુંગળી સમારેલી, મૂળો અને તેના પત્તા મિક્સ કરો. તેમાં કોથમીર, મીઠું, મરચું પાવડર, આદુ-મરચાની પેસ્ટ મિક્સ કરો. તેમાં થોડું તેલ ઉમેરો અને આખુ મિશ્રણ તૈયાર કરો. હવે તેમાં ઘઉંનો અને ચણાનો લોટ ઉમેરો અને વ્યવસ્થિત કણક બાંધો. આ કણકને ૨૦ એક મિનીટ રહેવા દો, બાદમાં તેના લૂવા પાડી લો. તેને ગોળ કે ત્રિકોણ વણી ઘીમાં શેકો. ફુદીનાની ચટણી કે માખણ સાથે સર્વ કરો.

કોબી પાલકના મુઠીયા

સામગ્રીઃ

•૧ કપ સમારેલી કોબી

•૧ કપ સમારેલી પાલક

•૧ કપ ઘઉંનો જાડો લોટ

•૧ ટેબલ સ્પૂન ઢોકળાનો લોટ

•૧ કપ ખાટું દહીં

•૪ થી ૫ લીલા મરચા

•૧/૨ ઈંચ આદુનો ટુકડો લસણ (નાખવું હોય તો)

•૧ ચપટી ખાવાનો સોડા (નાખવો હોય તો)

•૧ ટી સ્પૂન લાલ મરચા પાવડર

•૧ ટી સ્પૂન હળદર

•૧ ટી સ્પૂન ધાણાજીરૂ

•૧ ટી સ્પૂન ખાંડ

•૧ ટેબલ સ્પૂન તલ

•૧ ટી સ્પૂન રાઈ

•૧ ટેબલ સ્પૂન જીરૂ

•૧/૨ ટેબલ સ્પૂન તેલ

•મીઠું સ્વાદાનુસાર

•હિંગ

રીતઃ

ઘઉંના લોટમાં પાલક કોબીજ અને ઢોકળાનો લોટ ભેળવી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરૂ, મીઠું અને દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરીને સાવ ઢીલો લોટ બાંધી લો. હવે તેને લાંબા રોલ બનાવી કૂકરમાં વરાળથી બાફી લો. ત્યાર પછી તેને નાના ટુકડામાં કાપી લઈ એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરૂ અને તલનો વઘાર કરી લીમડાના પાન નાખી બધા જ મુઠીયાને વઘારી લો. બધો મસાલો ભળી જાય એટલે ગેસ પરથી ઉતારી ગરમ ગરમ પીરસો. આ મુઠીયા ઠંડા પણ સરસ લાગે છે. નાસ્તામાં ચા કે અથાણાં સાથે અલગ અલગ સ્વાદ અજમાવી શકાય છે.

સેવ ઉસળ

સામગ્રીઃ

•૨ કપ વટાણા (સૂકા લીલા વટાણાં)

•૨ બટાકા બાફેલા

•૧૫ ગ્રામ આમલી

•૪ ટેબલ સ્પૂન ગોળ આમલીનો જાડો રસો

•૧/૨ ટેબલ સ્પૂન આદું-મરચાની પેસ્ટ

•૧/૨ ટી સ્પૂન હળદર

•૧ ટી સ્પૂન લાલ મરચું

•૧ ટી સ્પૂન ધાણાજીરૂં

•૧/૨ ટી સ્પૂન રાઈ

•૧/૨ ટી સ્પૂન જીરૂં

•૧ ચપટી હિંગ

•૩ નંગ લવિંગ

•૧ નાનો ટુકડો તજ

•મીઠું સ્વાદાનુસાર

સર્વ કરતી વખતે-

•૧ કપ બેસનની સેવ

•૨ ડુંગળી ઝીણી સમારેલી

•૨ ટેબલ સ્પૂન લસણની ચટણી

•૨ ટેબલ સ્પૂન લીલી ચટણી

•૨ ટેબલ સ્પૂન મીઠી ચટણી

રીતઃ

વટાણાને ૭ થી ૮ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યાર પછી કૂકરમાં ૫ થી ૬ વ્હીસલ વાગે ત્યાં સુધી બફાવા દો. (થોડા ફેંદાઈ જાય ત્યાં સુધી) હવે એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરૂ નાખી સહેજ તતડે એટલે તેમાં હીંગ અને તજ લવિંગનો વઘાર કરો. હવે તેમાં બાફેલા વટાણાને જે પાણીમાં બાફ્યા હોય તે પાણી સહિત તેમાં નાખો. બાફેલા બટાકાને પણ છૂંદીને તેમાં ઉમેરો. હવે એક પછી એક બધો જ મસાલો અને ગોળ આમલીનો રસો ઉમેરી લો થોડી વાર હલાવો અને ત્યારબાદ ૧ ગ્લાસ પાણી ઉમેરી બધું જ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.હવે એક સર્વિંગ બાઉલમાં કાઢીને તેની ઉપર ઝીણી સમારેલી લીલી કોથમીર છાંટીને રાખો.પીરસતી વખતે પ્લેટ કે પહોળા બાઉલમાં નાખી તેને ત્રણે ચટણીઓ (લસણની, લીલી અને ગળી ચટણી) અને સેવ તથા ઝીણી સમારેલી ડુંગળી વડે સજાવીને આપો. આમ તો બ્રેડ કે પાંઉ સાથે પણ મજાથી ખાઈ શકાય છે. ખાવામાં ખૂબ જ ચટપટી આ વાનગી દરેક ઉંમરનાને ભાવે તેવી છે. સાથે સાથે વટાણા અને બટાકાને લીધે પ્રોટીન અને કાર્બોહાઈડરેટ્‌સથી ભરપૂર છે.

બાજરીના લોટના સકરપારા

સામગ્રીઃ

•૧ કપ બાજરીનો લોટ

•૧/૨ કપ ઘઉં અથવા જુવારનો લોટ

•૨ થી ૩ ચમચી દહીં

•૧/૪ ચમચી સફેદ તલ

•૧ ચમચી લાલ મરચું પાવડર

•૧/૪ ચમચી હળદર પાવડર

•૨ થી ૩ ચમચી તેલ મોણ માટે

•૧/૨ કપ મેથી ની ભાજી

•૧ચપટી અજમો

•મીઠું સ્વાદાનુસાર

•તેલ તળવા માટે

રીતઃ

સૌપ્રથમ મેથીની ભાજી ને સારી રીતે સાફ કરી સ્વચ્છ પાણીથી ધોઈ ઝીણી સમારો. એક થાળીમાં બન્ને લોટ ચાળી લો. બન્ને લોટ બરાબર મિક્સ કરો. પછી તેમાં બધા મસાલા ,અજમો, દહીં, મેથીની ભાજી નાખો . તેલનું મોણ નાખો. હવે સારી રીતે બધુ મિક્સ કરી જરૂર પૂરતું પાણી લઈ પરોઠાના જેવો લોટ બાંધો. મોટો લુઓ લઈ લોટ લઈ મોટો રોટલો વણો. અને ચાકુથી અથવા કટરથી ચોરસ કાપી લો. અથવા મનગમતા શેપમાં કાપી લો . હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને સકરપારા તળી લો.

પાવ ભાજી પરાઠા

સામગ્રીઃ

•૧ નંગ નાની ડુંગળી ઝીણી સમારેલી

•૨ થી ૩ કળી લસણની ક્રશ કરેલી

•૧ નંગ નાનું ટમેટું ઝીણું સમારેલું

•૧ ટેબલ સ્પૂન બાફેલું ફ્લાવર

•૧ નાનું બટકું બાફેલું

•૧ ટેબલ સ્પૂન બાફેલું ગાજર

•૧ ટેબલ સ્પૂન બાફેલી કોબીજ

•૧ ટી સ્પૂન ઝીણું સમારેલું કેપ્સીકમ

•૧ ટેબલ સ્પૂન બાફીને ક્રશ કરેલા વટાણા

•૧ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર

•૧/૪ ટી સ્પૂન હળદર

•૧ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર

•૧ ટેબલ સ્પૂન પાંવભાજી મસાલો

•૨ ટી સ્પૂન તેલ

•૧ કપ ઘઉંનો લોટ

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી અને લસણ સાંતળી લો. બન્ને સંતળાઈ જાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બરોબર ખદખદવા દો.ત્યાર બાદ તેમાં એક બાફેલું બટાકું, ગાજર, ફ્લાવર, કોબીજ, વટાણા અને કેપ્સિકમ ઉમેરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ, લાલ મરચું, હળદર અને પાવ ભાજી મસાલો ઉમેરો. મસાલો થોડોક આગળ પડતો રાખવો અને પાણી ન નાખવું લચકા પડતું રાખવું. હવે તેમાં ૧ ટેબ.સ્પૂન તેલ ઉમેરી ઠંડુ પડે એટલે તેમાં ઘઉંનો લોટ ઉમેરી પરોઠા જેવો લોટ બાંધવો. લોટ બંધાઈ જાય એટલે પરોઠા વણી તવી પર બટર કે તેલ મૂકી શેકી લેવા. તૈયાર પરોઠા ને ઉપર થી બટર મૂકી ગરમ ગરમ જ દહીં અને કાંદા, ટામેટાના સલાડ સાથે સર્વ કરો.

ઉપમા

સામગ્રીઃ

•૧ કપ રવો

•૧ ટેબલ સ્પૂન ગાજર સમારેલા

•૧ ટેબલ સ્પૂન ડુંગળી સમારેલી

•૧ ટેબલ સ્પૂન કેપ્સિકમ સમારેલા

•૧ ટેબલ સ્પૂન લીલા વટાણા

•૧ ટેબલ સ્પૂન તળેલા સીંગદાણા

•૧ ટેબલ સ્પૂન તળેલા કાજૂના ટુકડા

•૧૫ થી ૨૦ સૂકી દ્રાક્ષ

•૧ ટી સ્પૂન ખાંડ

•૧ ટી સ્પૂન લીંબુનો રસ

•મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે-

•૧ ટી સ્પૂન અડદની દાળ

•૧ ટી સ્પૂન રાઈ

•૨ નંગ લીલા મરચા સમારેલા

•૭ થી ૮ મીઠા લીમડાના પાન

•૧ ટેબલ સ્પૂન તેલ

•હિંગ

રીતઃ

સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકીને તેમાં સીંગદાણા અને કાજુના ટુકડાને તળી લો. એને એક બાજુ રાખીને હવે તેલમાં રાઈ, અડદની દાળ, લીમડાના પાન, હિંગ અને લીલા મરચા સમારેલા નો વઘાર કરો. પછી તેમાં ડુંગળીને બે મિનિટ માટે સાંતળો, ત્યારબાદ ગાજર, કેપ્સિકમ અને લીલા વટાણાને એક પછી એક ઉમેરતા જઈને દરેકને બે બે મિનિટ સુધી સાંતળતા રહો. હવે તેમાં રવો ઉમેરો અને તેને ગુલાબી થય ત્યાં સુધી શેકો. સતત હલાવતા રહો. ગુલાબી થઈ જાય એટલે તેમાં ૨ કપ ગરમ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. પછી તેમાં લીંબુનો રસ, ખાંડ અને મીઠું ઉમેરો. પાણી શોષાઈ જાય એટલે ગેસ બંધ કરીને તેમાં સૂકી દ્રાક્ષ, સીંગદાણા અને કાજુ નાખીને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. પીરસતી વખતે સજાવટ માટે ઉપરથી દાડમના દાણા અને લીલી કોથમીર નાખી શકાય.

ભાખરી લાડુ

સામગ્રીઃ

•૨ નંગ ભાખરી

•૨ ટેબલ સ્પૂન ગોળ

•૧ ટેબલ સ્પૂન ઘી

•૫ નંગ ઈલાયચીના દાણા

રીતઃ

સૌપ્રથમ શેકેલી ભાખરીને હાથથી ચૂરો કરી દો. હવે તેમાં ગોળ અને ઘી ભેળવીને બરાબર મિક્સ કરો. સાથે ઈલાયચીના દાણાને અધકચરાં વાટીને તેમાં ઉમેરો. આ મિશ્રણમાંથી ગોળ લાડું વાળી લો. તૈયાર છે ભાખરીના લાડુ.

ભાખરી પિઝા

સામગ્રીઃ

•૫ મોટા સ્પૂન ઘઉંનો લોટ

•૧ કપ સોસ

•૨ ક્યૂબ ચીઝ

•૧ નંગ ટામેટુ

•૧ નંગ ડુંગળી

•૧ કપ ગ્રીન ચટની

•૧ નંગ કેપ્સિકમ

•૧ ટેબલ સ્પૂન લાલ મરચું

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

સૌપ્રથમ ઘઉંના લોટમાં સ્વાદ અનુસાર મીઠું અને મરચું ભેળવી કઠણ કણક તૈયાર કરો. આ કણકના લુવા પાડી લો. તેમાંથી એક મોટો અને જાડો રોટલો તૈયાર કરો. હવે આ રોટલો ઓવનમાં શેકો ઓવન ન હોય તો તમે નોનસ્ટીક પર વાસણ ઢાંકી રોટલો ભાખરી જેવો કડક શેકી શકો છો. હવે આ રોટલા પર ગ્રીન ચટણી એને સોસ લગાવો. તેની ઉપર ડુંગળી, ટામેટા અને કેપ્સિકમના ઝીણા ટુકડા ઉમેરો. હવે ચિઝ છીણીને પાથરો. આ રોટલાને ફરી એક વખત ગેસ પર ઢાંકીને મુકો, જ્યા સુધી ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી તેને ગરમ થવા દો. આ ગરમ ગરમ ભાખરી પીઝા તમારા બાળકને સર્વ કરો. જો તમારા ઘરે વધેલી ભાખરી પડી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો.

રવા ઢોકળા

સામગ્રીઃ

•૧ કપ રવો

•૧/૨ કપ ખાટું દહીં

•૩/૪ કપ પાણી

•૧ ટેબલ સ્પૂન તેલ મોણ માટે

•૧/૪ ટી સ્પૂન હળદર

•૧ ટી સ્પૂન આદુ-મરચાની પેસ્ટ

•૩/૪ ટી સ્પૂન ફ્રૂટ સૉલ્ટ (ઈનો)

•મીઠું સ્વાદાનુસાર વઘાર માટે-

•૧ ટેબલ સ્પૂન તેલ

•૧/૨ટી સ્પૂન રાઈ

•૧/૨ ટી સ્પૂન તલ

•૨ થી ૩ લીલા મરચા ઝીણા સમારેલા

•૧ ચપટી હીંગ

•૫ થી ૭ પાન મીઠો લીમડો

રીતઃ

સૌપ્રથમ રવાને તેલથી બરાબર મોઈ લો. હવે તેમાં દહીં, પાણી, હળદર, મીઠું, આદુ-મરચાની પેસ્ટ નાખીને ૨૦ મિનિટ ઢાંકી રાખો. ઢોકળિયામાં પાણી મૂકીને ૮ થી ૧૦ ઈંચની થાળીમાં તેલ લગાવી તેમાં ગરમ કરવા મૂકો. તૈયાર કરેલા મિશ્રણમાં ફ્રૂટ સૉલ્ટ ઉમેરી હલાવીને થાળીમાં રેડી લો. ૧૫ થી ૨૦ મિનિટ મિડિયમ ગેસ પર ચડવા દો. ચડી જાય એટલે કાપા પાડી લો. હવે વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તલ, મરચા, લીમડો, હિંગ નાખો અને ઢોકળા પર આ તૈયાર થયેલો વઘાર રેડી લો.

ઈન્સ્ટન્ટ પૂરણપોળી

સામગ્રીઃ

•૨૫૦ ગ્રામ ગળી બુંદી

•૧૦૦ ગ્રામ માવો

•૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ

•૧ ટેબલ સ્પૂન ખાંડ

•૧ ટી સ્પૂન બદામનો ભૂકો

•૧ ટી સ્પૂન પિસ્તાનો ભૂકો

•૧/૨ ટી સ્પૂન ઈલાયચીનો ભૂકો

•ઘી

•તેલ

•દૂધ

•કેસર

•ઈલાયચી દાણા

રીતઃ

સૌપ્રતમ ગળી બુંદીનો ઝીણો ભૂકો કરવો. એક વાસણમાં થોડું ઘી ગરમ કરવું. તેમાં ઈલાયચીના દાણા નાંખી, છૂટો કરેલો માવો અને ખાંડ નાંખી, બરાબર એકરસ થાય એ રીતે મિક્ષ કરવુ. ત્યાર બાદ તેમાં બુંદીનો ભૂકો, બદામ-પિસ્તાંનો ભૂકો, ઈલાયચીનો ભૂકો અને કેસરને સાધારણ ગરમ કરી, દૂધમાં ઓગાળી નાંખવું. બરાબર ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી લેવું. હવે ઘઉંના લોટમાં થોડું તેલનું મોણ નાંખી, કણક બાંધી, એક કલાક રહેવા દેવી. પછી બરાબર મસળી તેમાંથી રોટલી વણી, પૂરણ મૂકી, ગોળ વાળી પૂરણ પોળી વણી લેવી. તવા ઉપર બંને બાજુ શેકી ઉતારી લેવી. ઘી લગાડી ગરમા-ગરમ સર્વ કરવી.

રવા ઈડલી

સામગ્રીઃ

•૨૫૦ ગ્રામ રવો

•૧૦૦ ગ્રામ દહીં

•૨ નંગ લીલા મરચાં

•૧ નાનો ટુકડો આદું

•મીઠું સ્વાદાનુસાર

•લાલ મરચું પાવડર

•ખાંડ

•તેલ

•રાઈ

•હિંગ

ગાર્ન્િાશીંગ માટે-

૨ ટેબલ સ્પૂન નાળિયેરનું છીણ

૧ ટી સ્પૂન શકેલા તલ

૧/૨ ઝૂડી કોથમીર

રીતઃ

સૌપ્રથમ રવામાં દહીં અને મીઠું નાખીને ખીરૂં તૈયાર કરો. ત્યાર બાદ તેને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને મૂકી દો. હવે તેમાં થોડી ખાંડ, આદું-મરચાંની પેસ્ટ અને ખાવાનો સોડા નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ ઈડલીના સ્ટેન્ડમાં તેલ લગાવીને તૈયાર કરેલું ખીરૂં ભરીને ઈડલીને બાફવા માટે મૂકી દો. તૈયાર છે ઈન્સ્ટન્ટ ઈડલી. હવે આ ઈડલીનો તમે ઈચ્છો તો વગાર પણ કરી શકો છો. તેલ ગરમ કરીને રાઈ-તલનો વગાર કરો. તેના પર નારિયેળનું છીણ અને કોથમીર નાખીને ગરમા-ગરમ ચટણી સાથે સર્વ કરો.

બટાટાવડા

સામગ્રીઃ

•૨ કપ બટાટાનો માવો

•૧ ટેબલ સ્પૂન તેલ

•૨ ટી સ્પૂન આદું-મરચાંની પેસ્ટ

•૧/૪ ટી સ્પૂન હળદર

•૧ ટેબલ સ્પૂન કોથમીર

•૨ ટી સ્પૂન લીંબુનો રસ

•૨ ટી સ્પૂન ખાંડ

•મીઠું સ્વાદાનુસાર

•તેલ તળવા માટે

રીતઃ

સૌપ્રથમ એક ચમચી જેટલા તેલને એક પેનમાં ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં આદું-મરચાંની પેસ્ટ સાંતળો. લગભગ અડધી મિનિટ બાદ તેમાં બટાટા નાખીને બરાબર મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં હળદર, કોથમીર, લીંબુનો રસ, ખાંડ અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરીને ત્રણથી ચાર મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાંથી બારથી પંદર એકસરખા ભાગ કરીને, તેના ગોળા બનાવી લો. હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં ખીરૂં તૈયાર કરી લો. તેલ ગરમ થઈ ગયા બાદ તૈયાર કરેલા ગોળાને ખીરામાં ડુબાડીને તેલમાં લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. તૈયાર થયેલા બટાટાવડાને ગરમા-ગરમ ચટણી સાથે સર્વ કરો.

આલુ ટિક્કી

સામગ્રીઃ

•૩ મોટા બાફેલા બટાકા

•૧/૪ ચમચી કાળા મરીનો પાવડર

•૨/૩ કપ બાફેલા લીલા વટાણા

•૧/૨ ચમચી મસળેલું આદુ

•૧/૪ ચમચી ગરમ મસાલો

•૧ ચમચી જીરૂં પાવડર

•મીઠું સ્વાદાનુસાર

•લાલ મરચું સ્વાદાનુસાર

•તેલ તળવા માટે

રીતઃ

સૌપ્રથમ બાફેલા લીલા વટાણાને મેશ કરી લો. તેમાં ઉપર બતાવેલ તેલ સિવાયની બધી સામગ્રી ઉમેરો અને માવો તૈયાર કરો. આ રીતે તૈયાર થયેલા માવાના દસ સરખા ભાગ કરીને એકબાજુ રાખો. હવે બાફેલા બટાકાને છોલીને તેનો માવો તૈયાર કરો અને તેમાં મીઠું અને મરી ઉમેરીને, બરાબર એકરસ ન થઈ જાય ત્યાં સુધી મસળો. આ માવાના પણ દસ સરખા ભાગ કરો. ત્યાર બાદ હાથ ધોઈને બંને હાથે સ્હેજ તેલ લગાડો. બટાકાના માવાના એક સરખા ગોળા વાળો. હવે એક-એક બટાકાના ગોળાને લઈને તેને હાથથી દાબીને સ્હેજ પૂરીની જેમ સપાટ બનાવો. તૈયાર કરેલા લીલા વટાણાના માવાને તેમાં ભરીને ચારેબાજુથી એવી રીતે વાળો કે જેથી અંદરનો માવો બહાર ન આવે. હવે તેને ધીમે-ધીમે દાબીને સપાટ કરો. આ પ્રમાણે દરેક ગોળાને માવો ભરીને તૈયાર કરી લો. હવે એક નોનસ્ટીક પેનમાં એક ચમચી તેલ ધીમા તાપે મૂકો. તૈયાર થયેલા ગોળાને બેથી ત્રણના માપમાં વારાફરતી મૂકીને શેકતા જાઓ. ટિક્કીનો કલર રતાશ પડતો થાય ત્યાં સુધી બંને બાજુ ધીમા તાપે શેકો. વચ્ચે-વચ્ચે જરૂર પડે તો તેલ ઉમેરો. આ રીતે તૈયાર થયેલ આલુ ટિક્કીને દહીં સાથે પીરસો.

દહીંવડા

સામગ્રીઃ

વડા માટે-

•૨ કપ અડદની દાળ

•૧ કપ મગની દાળ

•૧ ચપટી હિંગ

•૧ ટી સ્પૂન અધકચરૂં વાટેલું જીરૂ

•૧ કપ દહીં

•૧/૨ ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ

•મીઠું સ્વાદાનુસાર

•તેલ તળવા માટે દહીં માટે-

•૧ કિલો દહીં

•૨૦૦ ગ્રામ ખાંડ

•૧/૨ કપ ખજૂર આમલીની મીઠી ચટણી

•૨ ટેબલ સ્પૂન દાડમના દાણા

•૧ ટેબલ સ્પૂન જીરૂ, સંચળ, મરીનો મિક્સ પાવડર

•૧ ટેબલ સ્પૂન લાલ મરચું

રીતઃ

સૌપ્રથમ બન્ને દાળને ધોઈને અલગ-અલગ પલાળો. છથી સાત કલાક પલાળ્યા પછી તેને મિક્સરમાં વાટી લો. ઘટ્ટ ખીરૂં બનાવો. હવે આ ખીરામાં એક ચમચો દહીં નાખીને એકથી દોઢ કલાક રહેવા દો. હવે તૈયાર થયેલા ખીરામાં હિંગ, લીલા મરચાંની પેસ્ટ, મીઠું અને અધકચરૂ વાટેલું જીરૂ ઉમેરીને સારી રીતે ભેળવી લો. હવે ગરમ તેલમાં તળી તેના વડા ઉતારો. બાજુમાં એક વાસણમાં પાણી ભરેલું રાખો. વડા તળાઈ જાય એટલે તેને પાણીમાં નાખતા જાઓ. ત્રીસથી ચાલીસ સેકન્ડ પાણીમાં ડૂબાડી રાખ્યા પછી એક પછી એક તેને દબાવીને પાણી નિતારી લો. અને બાઉલમાં મૂકો. બીજા એક વાસણમાં દહીં અને ખાંડ ભેળવી લો. અને તેને ઠંડું કરવા ત્રીસ મિનિટ સુધી ફ્રીજમાં મૂકો. પીરસતી વખતે એક પ્લેટમાં વડા પાથરો અને વડા ઢંકાઈ જાય તે રીતે તેના ઉપર દહીં રેડીને ફેલાવી લો. થોડી ખજૂર-આમલીની ચટણી પણ નાખો. હવે તેની ઉપર જીરૂ, સંચળ, મરીનો પાઉડર અને લાલ મરચાનો પાઉડર છાંટો. અને છેલ્લે દાડમના દાણા નાખીને પીરસો.

ખમણ

સામગ્રીઃ

•૧/૨ વાટકી ચણાની દાળ

•૧ વાટકી ચણાનો લોટ

•૨૦ ગ્રામ લીલાં મરચાં

•૫ થી ૬ કળી લસણ

•૧ આદુનો ટુકડો નાનો

•૧ ચમચી ખાંડ

•૧ ચપટી હળદર

•૧ ચમચી દહીં

•૧/૨ કપ તેલ

•૧ ચમચી રાઈ

•૧/૪ ચમચી સોડાબાઈકાર્બ

•૧/૨ ચમચી લીંબૂના ફૂલ

રીતઃ

સૌપ્રથમ ચણાની દાળને પાણીમાં બે કલાક સુધી પલાળી રાખો. પછી વાટી લો. વાટેલી દાળમાં એક વાડકી ચણાનો લોટ ભેળવી, થોડું પાતળુ મિશ્રણ તૈયાર કરો. હવે દસ નંગ મરચાં અને આદું-લસણની પેસ્ટ બનાવી મિશ્રણમાં ભેળવી હલાવી લો. ખાંડ, મીઠું, હળદર, એક ચમચી તેલ અને દહીંને પણ આ મિશ્રણમાં ભેળવી લો. હવે આ મિશ્રણને ચારથી પાંચ કલાક સુધી ઢાંકીને રહેવા દો. તમે ઈચ્છો તો તરત પણ બનાવી શકો છો. બનાવતી સમયે તેમાં સોડા અને લીંબૂના ફૂલ નાખી સારી રીતે હલાવો. હવે એક તપેલીમાં બે-ત્રણ ગ્લાસ પાણી નાખી તેને ગેસ પર મૂકી દો. તેમાં એક ચારણી મૂકી દો. હવે એક થાળીમાં તેલ લગાવી, આ મિશ્રણને રેડી આ થાળી ચારણી પર મૂકી દો. તેને ઉપરથી ઢાંકી દો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી થાળી કાઢી લો. થોડું ઠંડુ થયા પછી તેને ત્રિકોણાકારમાં કાપી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં બાકીના મરચા સમારીને નાંખો. એક ચમચી રાઈ અને અડધો કપ પાણી નાખી આ વધારને ખમણ પર નાખી હલાવી લો. સમારેલી કોથમીર નાખી લીલાં ધાણાની ચટણી સાથે પરોસો.

મેંદુવડા

સામગ્રીઃ

•૨ કપ અડદ દાળ

•૧ ટી સ્પૂન જીરૂં

•૧ ટી સ્પૂન અધ્ધ્ક્ચરા મરી

•૧ ઝીણી સમારેલ ડુંગળી

•૧/૨ ઝીણું સમારેલ મરચું

•૧ ટેબલ સ્પૂન આદું

•મીઠું સ્વાદાનુસાર

•તેલ તળવા માટે

રીતઃ

સૌપ્રથમ અડદની દાળને ચારથી પાંચ કલાક પલાળી નરમ પીસી લો. પીસતી વખતે જરૂર પડે તો થોડું પાણી લેવું. જો ખીરૂં પાતળું થઈ જાય તો સોજી કે અડદનો લોટ કે ચોખાનો લોટ લઈ શકાય. હવે તેમાં મરી, મરચા, આદું, ડુંગળી અને મીઠું મિક્ષ કરો. ત્યાર બાદ તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં વડા મૂકી તળી લો. નારિયેળની ચટણી, ડુંગળી-ટમેટાની ચટણી અને સંભાર સાથે સર્વ કરો.

કચોરી

સામગ્રીઃ

•પડ માટે-

•૨ કપ મેંદો

•મીઠું સ્વાદાનુસાર

•તેલ જરૂર મુજબ

•પૂરણ માટે-

•૧/૩ કપ અડદની દાળ

•૧ ચપટી હળદર

•૧/૨ ટી સ્પૂન જીરૂં

•૧ ટી સ્પૂન ધાણા પાવડર

•૧ ટી સ્પૂન વરિયાળી પાવડર

•૧/૪ ટી સ્પૂન ગરમ મસાલો

•૧/૪ લાલ મરચું પાવડર

•૨ નંગ લીલા મરચાં સમારેલા

•૧ ઈંચ આદુંનો ટુકડો

•૨ ટેબલ સ્પૂન કોથમીર સમારેલી

•મીઠું સ્વાદાનુસાર

•તેલ તળવા માટે

રીતઃ

સૌપ્રથમ દાળને સાફ કરીને બે કલાક માટે પલાળી રાખો. ત્યાં સુધીમાં મેંદામાં તેલ અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરીને પાણી લઈને પરોઠા જેવી કણક બાંધી લો. તૈયાર કરેલી કણકને વીસ મિનિટથી અડધો કલાક માટે ઢાંકીને મૂકી રાખો. હવે પલાળેલી દાળમાંથી પાણી નીતારીને અધકચરી વાટી લો.

ત્યાર બાદ એક કડાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, હિંગ, ધાણા પાવડર, વરિયાળી પાવડર, લીલું મરચું અને આદું નાખીને મસાલાને થોડો શેકી લો. ત્યાર બાદ તેમાં અધકચરી દાળ નાખીને શેકો.

જ્યારે દાળ લાઈટ બ્રાઉન રંગની થાય અને તેમાંથી સુગંધ આવવા લાગે, ત્યારે તેમાં કોથમીર અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્ષ કરીને બે મિનિટ સુધી સાંતળો. બસ સ્ટફિંગ તૈયાર છે. હવે તૈયાર કરેલ કણકમાંથી નાના લુઆ બનાવી લો.

તેમાંથી નાની પૂરી વળી લો. ત્યાર બાદ તેમાં એક ચમચી દાળ ભરીને ચારે બાજુથી બંધ કરીને ગોળ બોલ બનાવી લો. ત્યાર બાદ ધીમા હાથે ફરીથી તેમાંથી નાની પૂરી વળી લો. પૂરી ફાટવી ના જોઈએ.

કચોરી તૈયાર કરો એ દરમિયાન કચોરી તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલી કચોરીને લાઈટ બ્રાઉન રંગની તળી લો. તૈયાર કરેલી ગરમા-ગરમ કચોરીને મીઠી તીખી ચટણી સાથે સર્વ કરો.

સમોસા

સામગ્રીઃ

સ્ટફીંગ માટે-

•૪ બાફેલાં બટાકાં

•૧૦૦ ગ્રામ બાફેલાં લીલા વટાણાં

•૧૦૦ ગ્રામ સમારેલી ડુંગળી

•૨ ટી સ્પૂન આદું-મરચાની પેસ્ટ

•૨ ટીસ્પૂન વરિયાળી

•૧ કપ સમારેલી કોથમીર

•૩ નંગ તજ-લવિંગ-મરી

•૧ ટી સ્પૂન મરચું

•૧ ટી સ્પૂન ગરમ મસાલો

•૧ ટી સ્પૂન આમચૂર પાવડર

•૧ ટી સ્પૂન હિંગ

•૧/૨ ટી સ્પૂન હળદર

•મીઠું સ્વાદાનુસાર

•તેલ જરૂર પ્રમાણે પડ માટે-

•૨૫૦ ગ્રામ મેંદો

•૨ ટેબલસ્પૂન તેલ

•મીઠું સ્વાદાનુસાર

•તેલ તળવા માટે

રીતઃ

સૌપ્રથમ મેંદામાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર પૂરતું મોણ નાખી કઠણ લોટ બાંધીને દસ મિનિટ રહેવા દો. આ દરમિયાન સ્ટફિંગ માટે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં હિંગ, તજ, લવિંગ, મરી, આખા ધાણા, સમારેલી ડુંગળી અને બાફેલાં લીલા વટાણાં સાંતળવા. ત્યાર બાદ મરચું, હળદર, ગરમ મસાલો, આમચૂર અને મીઠું ઉમેરીને બરાબર હલાવવું. હવે તેમાં બાફેલાં બારીક સમારેલાં બટાકા ઉમેરીને કોથમીર નાખી બરાબર ભેળવીને ઠંડુ થવા દો. મેંદાના લોટમાંથી લૂઓ લઈને તેની મોટી રોટલી વણો. તેને વચ્ચેથી કાપી સ્ટફિંગ ભરી સમોસાનો આકાર આપો. આ રીતે બધા સમોસા તૈયાર કરીને ત્યાર બાદ ગરમ તેલમાં બદામી રંગના તળવા. ચા કે કોથમીરની ચટણી સાથે તેનો સ્વાદ માણો.

વડાપાંવ

સામગ્રીઃ

મસાલા માટે-

•૬ થી ૮ મિડિયમ સાઈઝના બાફેલા બટાટા

•૪ થી ૫ કળી લસણ

•૧ નાનો ટુકડો આદું

•૨ ચમચી તેલ

•૧/૨ કપ કોથમીર સમારેલી

•૧/૨ ચમચી રાઈ

•મીઠું સ્વાદાનુસાર ખીરા માટે-

•૨ કપ ચણાનો લોટ

•૧ ચમચી હળદર

•મીઠું સ્વાદાનુસાર અન્ય સામગ્રી-

•પાઉભાજીના પાઉં જરૂર પ્રમાણે

•લસણની ચટણી

•કોથમીરની લીલી ચટણી

•તળવા માટે તેલ

રીતઃ

આદું, મરચા અને લસણની પેસ્ટ બનાવો. બાફેલા બટાટાનો છુંદો કરો. આ બટાટામાં આદું, મરચાં અને લસણની પેસ્ટ, સ્વાદાનુસાર મીઠું અને સમારેલી કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાં તેલ, રાઈ, હળદર અને લીમડાનો વઘાર કરી તેનાં ગોળા બનાવો. હવે ચણાનાં લોટમાં મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી તેમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરો. તે વધારે જાડું અથવા તો વધારે ઢીલું પણ ન થાય તેનું ધ્યાન રાખવું. એક કઢાઈમાં વડા તળવા તેલ ગરમ કરો. ચણાનાં લોટની પેસ્ટમાં બટાટા વડાનાં ગોળા ડૂબાડી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળો. વડાપાઉં પીરસતા પહેલા પાઉને વચ્ચેથી કાપો. બે ભાગ અલગ ન થાય તેનું ધ્યાન રાખી વચ્ચે લસણની ચટણી અથવા કોથમીરની ચટણી લગાડી તેની ઉપર આ તળેલા વડા મૂકીને ગરમા-ગરમ સર્વ કરો.

રજવાડી તલ-માવા બાટી

સામગ્રીઃ

•૪૦૦ ગ્રામ તલ

•૫૦૦ ગ્રામ માવો

•૫૦૦ ગ્રામ ગોળ

•૧/૨ કપ ડરાયફ્રૂટ ભૂકો (કાજુ, બદામ, અખરોટ)

•૨ ચમચી ઈલાયચીનો પાઉડર

•કાજુ-બદામ ડેકોરેશન માટે

રીતઃ

સૌપ્રથમ તલને શેકી લો. હવે અડધો કપ તલ કાઢીને બાકીના બધા તલને મિક્ષ્ચરમાં ક્રશ કરી દો. એક કડાઈમાં માવો ગરમ કરવા મૂકો. માવો હલકા બ્રાઉન કલરનો થાય પછી ગેસ પરથી ઉતારી લો. માવામાંથી જે ઘી છૂટયું હોય તેને કડાઈમાં રહેવા દો. માવામાંથી જે ઘી છૂટયું હોય તેમાં ગોળ નાખીને ગેસ પર મૂકો. ગોળ ઓગળી જાય એટલે તેમાં ક્રશ કરેલા તલ, માવો, કાજુ, બદામ, અખરોટનો ભૂકો, ઈલાયચી પાઉડર નાખીને મિક્સ કરી દો. હવે થોડું મિશ્રણ ઠંડું થવા દો. તે પછી મિશ્રણમાંથી થોડો ભાગ લઈ દબાવીને બાટી બનાવો. તેને શેકેલા આખા તલમાં રગદોળીને તેના પર બદામથી ર્ગિાનશ કરો. તલ માવા બાટી તૈયાર છે.

માવા કટલેટ્‌સ

સામગ્રીઃ

•૨૦૦ ગ્રામ માવો

•૧૫૦ ગ્રામ દળેલી ખાંડ

•૧/૨ નાની વાટકી મિક્સ સૂકો મેવો

•૫ થી ૬ બ્રેડસ્લાઈસ

•૧૫૦ ગ્રામ પનીર

•તેલ તળવા માટે

રીતઃ

સૌ પહેલાં માવો શેકો. ઠંડો પડે પછી તેમાં સૂકોે મેવો, ખાંડ ભેળવી કટલેટનું મિશ્રણ તૈયાર કરો. બ્રેડની કિનારી કાપી એના પર પાણી છાંટી ભીની કરો દો. એમાં પનીર છીણીને નાખી દો. હવે બરાબર મિશ્રણ કરી એને એકસરખા ભાગમાં વહેંચી દરેક ભાગને ઉઠાવી થોડું થપથપાવીને પ્રસરાવો. તેમાં માવો ભેળવી હાથેથી દબાવી ગોળા કરી ગુલાબી રંગે તળો. બસ થઈ ગઈ કટલેટ્‌સ તૈયાર.

કોકોનેટ માવા બરફી

સામગ્રીઃ

•૧ કિલો માવો

•૩૦૦ ગ્રામ કોપરાનુ છીણ

•૬૦૦ ગ્રામ ખાંડ

•૧૦૦ ગ્રામ ખાવાનો રંગ

•ઝીણા સમારેલા સૂકામેવા

રીતઃ

એક જાડા તળિયાવાળી કડાહીમાં માવો સેકો. માવો સારી રીતે સેકાય જાય તો પછી ગેસ બંધ કરો. હવે બીજા વાસણમાં ચાસણી બનાવો. કડક ચાસણી બન્યા પછી તેમા માવો, કોપરાનું છીણ અને ઝીણા સમારેલા મેવા નાખીને સારી રીતે ભેળવો. હવે કે મિશ્રણના બે ભાગ કરો. એકમાં કલર ભેળવો અને બીજા ભાગને એવો જ રહેવા દો. ઘી લાગેલી ટ્રેમાં પહેલા સાદુ મિશ્રણ ફેલાવો અને ઉપરથી કલરવાળુ મિશ્રણ ફેલાવો. ઠંડુ થયા પછી મનપસંદ આકારમાં કાપી લો.

માવા કેક

સામગ્રીઃ

•૨ વાટકી મેંદો

•૧ વાટકી છીણેલો માવો

•૧ કપ યીસ્ટ

•૧ ૧/૪ વાટકી ખાંડ

•૨ ચમચી બેકિંગ પાઉડર

•૨ ચમચા કિશમિશ

•૨ ચમચા તેલ

•૨ ચમચા દહીં

રીતઃ

મેંદો અને બેકિંગ પાઉડર ચાળી લો. યીસ્ટ ખાંડ અને ૩/૪ વાટકી માવાને બરાબર ફીણો. કિશમિશ નાખી ઓવનમાં ૪૦-૪૫ મિનિટ બેક કરો. ચડી જાય એટલે વધેલો માવો ભભરાવી અને ૪-૫ મિનિટ સુધી ફરી બેક કરો. આ કેક ગરમ કે ઠંડી પીરસી શકાય છે.

માવા-અનાનસ હલવો

સામગ્રીઃ

•૩૦૦ ગ્રામ માવો

•૫૦૦ ગ્રામ ખંડ

•૧ કિલો અનાનસ

•૧૫ નંગ એલચીનો ભૂકો

રીતઃ

સૌ પ્રથમ માવાને ચાળવો.પછી અનાનસ ની છાલ કાઢી છીણવું.ત્યારપછી તેમાં ખાંડ નાખી ગેસ ઉપર હળવા તાપે મિશ્રણ ઘટ્ટ થવા દેવું.ત્યારબાદ તેમાં છીણેલો માવો નાખી મિશ્રણ ઘટ્ટ થવા આવે ત્યારે એલચી નો ભૂકો નાખી નીચે ઉતારી લેવું.ત્યારબાદ થાળીમાં ઘી લગાડી તૈયાર કરેલ ઘટ્ટ મિશ્રણ પાથરવું.પછી મનગમતા આકાર માં કાપી લેવા.

માવા પરોઠા

સામગ્રીઃ

•૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ

•૫૦ ગ્રામ ચણાનો લોટ

•૧૫૦ ગ્રામ માવો

•૫૦ ગ્રામ સમારેલી કોથમીર

•૧ ચમચી મીઠું

•૧ ચમચી વાટેલું લાલ મરચું,

•૨ લીલા મરચાં ઝીણાં સમારેલાં

•૧ ચમચો ઘી મોણ

•તેલ તળવા માટે

રીતઃ

કડાઈમાં માવો, કોથમીર, લીલાં મરચાં, થોડું મીઠું અને લાલ મરચું નાખી શેકી લો. પછી તેને ઠંડુ પડવા દો. ઘઉંના લોટમાં ચણાનો લોટ, વધેલું મીઠું અને મોણ માટે ઘી નાખી કૂણો લોટ બાંધો. હવે એના નાના નાના લૂઆ કરી એમાં માવાથી બનેલું મિશ્રણ ભરીને વણી લો. એ પછી ધીમા તાપે ગુલાબી રંગના તળી લો. રસાવાળા શાક સાથે ગરમાગરમ પીરસો.

માવા કેસર રોલ્સ

સામગ્રીઃ

•૨ કપ છીણેલો માવો

•૧ કપ બુરૂ સાકર

•૧ ચમચી એલચી પાઉડર

•૪ થી ૫ કેસરનાં તાંતણા

•૨ થી ૩ ટીપાં કેસર કલર

•૨ ખાવાના ચાંદીનો વરખ

•૨ થી ૩ ચાંદીનાં વરખવાળા પીસ્તા

રીતઃ

માવા અને બુરૂ સાકરને ભેગાં કરીને એક જાડા તળિયાવાળી કઢાઈમાં ધીમી આંચે જ્યાં સુધી સાકર ઓગળી જાય અને તેનું પાણી ઊંડી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. લગભગ ૧૦ થી ૧૨ મિનિટ લાગશે. ત્યાર બાદ તેનાં બે ભાગ કરો.

તેનાં એક ભાગમાં એલચી પાઉડર ભેળવી તેને ઠંડુ પડવા દો. બીજા ભાગમાં કેસર અને કેસરનો રંગ ભેળવો અને તેને પણ ઠંડો પડવા દો. પહેલા પ્રથમ ભાગને લઈને પ્લાસ્ટિકના બે શીટની વચ્ચે મૂકી તેને ૪” થી ૬” જેટલો રોટલો વણો.

તેવી જ રીતે કેસરવાળા ભાગને પણ વણી લો. ત્યારબાદ માવાના રોટલા પર કેસરનો રોટલો એવી રીતે ગોઠવો કે તુટે નહીં.બન્ને રોટલાના વચ્ચેથી પ્લાસ્ટિક શીટ ધીરેથી કાઢો જેથી તુટે નહીં પ્લાસ્ટિકના શીટનો ટાઈટ રોલ બનાવો અને ૧૦ મિનિટ સુધી મૂકો જેથી તે કઠણ બની જશે.

ત્યાર બાદ તેમાંથી બાકી રહેલું પ્લાસ્ટિક શીટ ધીરે રહીને ખેંચી કાઢો. તેને ચાંદીના વરખમાં વીટાળી લો અને તેના ૧૬ ભાગ કરો. તેના દરેક ભાગને સ્લાઈઝ કરેલા સિલ્વર પીસ્તાથી શણગારો. તૈયાર છે ટેસ્ટી માવા કેસર રોલ્સ.

માવા ભરેલા લાડુ

સામગ્રીઃ

•૧ વાટકી ચણાની દાળ

•૧ ૧/૨ વાટકી માવો

•૧ વાટકી દળેલી ખાંડ

•૪ લીલી એલચી (વાટેલી)

•૧ ચપટી જાયફળ પાઉડર

•૧ ચપટી તજનો પાઉડર

રીતઃ

ચણાની દાળ બાફી લો. એ પછી તેને મિક્સરમાં ક્રશ કરી દો. એક કડાઈમાં ક્રશ કરેલી ચણાની દાળ અને અડધી વાટકી દળેલી ખાંડ નાખી ધીમા તાપે હલાવો. મિશ્રણ તળિયે ચોટતું બંધ થાય ત્યાં સુધી શેકો.

પછી નીચે ઉતારી તેમાં એલચી તજ અને જાયફળનો ભૂકો નાખો. ઠંડુ થઈ જાય એટલે આ મિશ્રણના નાના-નાના ગોળા વાળો. માવો પણ સહેજ શેકી ઠંડો પડવા દો. એમાં ખાંડ નાખી બરાબર હલાવો.

એના પણ પૂરણના ગોળા જેટલા, પણ થોડા ચપટા ગોળા વાળો. હવે માવાનો એક ગોળો લઈ તેને પહોળો કરી તેમાં પુરણનો ગોળો ભરી દો અને ફરી ગોળો તૈયાર કરી આ રીતે બધા ગોળા તૈયાર કરો. તૈયાર છે તમારા માવાના ભરેલા ટેસ્ટી ટેસ્ટી લાડુ.

માવા બોલ્સ પુલાવ

સામગ્રીઃ

•૧૨૫ ગ્રામ માવો

•૨૫ ગ્રામ મેંદો

•૨૫ ગ્રામ રવો

•૧ ચમચી જાયફળનો ભૂકો

•૧/૨ ટી સ્પૂન એલચી દાણા

•ચપટી સોડા

•તળવા માટે ઘી

•મીઠુ પ્રમાણસર

•મરીનો ભૂકો પ્રમાણસર

રીતઃ

પહેલાં ભાતને ઓસવી દેવા. હવે, કોફતા માટે ઊંપરની બધી ચીજો ભેગી કરી, થોડું પાણી રેડી નરમ કણેક બનાવવી. આ કણેકમાંથી નાના નાના બોલ્સ બનાવવા. આ બોલ્સ ઘી માં ગુલાબી રંગના તળવા. (ગુલાબજાંબુ જેવા)અને તેને ઓસાવેલા ભાતમાં નાખવા. તૈયાર છે તમારો માવા બોલ્સ પુલાવ.

ઠંડા માવા રોલ

સામગ્રીઃ

•૧ વાટકી માવો

•૧/૨ વાટકી શેકેલી મગફળી

•૨ ચમચા તલ

•૧૦ થી ૧૨ ખારાં બિસ્કિટનો ભૂકો

•૨ ચમચા તાજું ક્રીમ

•૧ ચમચી મીઠું

•૧/૨ ચમચી મરી

•૨ લીલા મરચાં ઝીણા સમારેલા

•૧ ૧/૨ ચમચી ચાટ મસાલો

રીતઃ

માવો શેકીને ઠંડો પડવા દો. મગફળીને આખી આખી ખાંડી લો. તેલ કે ઘી નાખ્યા વગર તલ શેકો. બિસ્કિટના ભૂકો કરો. હવે એક વાસણમાં બધી સામગ્રીનું બરાબર મિશ્રણ કરો. તમારી ઈચ્છા મુજબ રોલને આકાર આપો. એપછી સિલ્વર ફોઈલ પેપરમાં લપેટી ફ્રિજમાં ઠંડા થવા મૂકો. ખાતી વખતે ચટણી અને સોસ સાથે પીરસો.

માવા મિલ્કશેક

સામગ્રીઃ

•૧ લિટર દુધ

•૨૦૦ ગ્રામ માવો

•૧ ચમચી વેનીલા પાવડર

•ખાંડ પ્રમાણસર

•મીક્ષ ડરાયફ્રૂટરૂ

•ચેરી અને વેનીલા આઈસ્ક્રિમ- ડેકોરેશન માટે

રીતઃ

સૌ પ્રથમ દુઘને ખાંડ નાખીને ઉકાળો. હવે તેમાં પાણીમાં ઓગાળેલો વેનીલા પાવડર નાખો(પાણીમાં ઓગાળવાથી ગટ્‌ઠા નહિ પડે). પછી તેમાં ખમણેલો માવો તેમજ મીક્ષ ડરાયફ્રૂટ નાખો અને ઘીમે-ઘીમે હલાવો. એકદમ ઘટ્ટ થાય ત્યાં સુઘી ઉકાળો. પછી ફ્રીજમાં સ્ટોર કરો અને ડેકોરેશન કરી સર્વ કરો.

ચોકલેટી માવા નારિયળ

સામગ્રીઃ

•૨૫૦ ગ્રામ માવો

•૧૫૦ ગ્રામ ખાંડ

•૧૦ ગ્રામ ચોકલેટ પાવડર

•૧૦ ગ્રામ ચારોળી

•૧૦ ગ્રામ બદામ

•ચોકલેટના નાના ટુકડા

રીતઃ

સૌ પહેલા માવો થોડો સેકી લો. ઠંડો થયા પછી દળેલી ખાંડ, ચોકલેટ પાવડર મિક્સ કરો. હથેળી પર થોડુ મિશ્રણ લઈને નાના નાના નારિયળનો આકાર આપો. વચ્ચે એક-એક બદામ અને ચોકલેટનો ટુકદો મુકી દો. ચારોળીથી નરિયળને સજાવો.

માવાના ઘુઘરા

સામગ્રીઃ

•૫૦૦ ગ્રામ મેંદો

•૫૦ ગ્રામ દૂધ

•૪૦૦ ગ્રામ માવો

•૧૦૦ ગ્રામ રવો

•૪૦૦ ગ્રામ દળેલી ખાંડ

•૧૦૦ ગ્રામ કાજુ ટુકડી

•૫૦ ગ્રામ કિસમિસ

•૧૦૦ ગ્રામ નારિયળનું છીણ

•૨ ટેબલ સ્પૂન ઈલાયચી પાવડર

•ઘી જરૂર પ્રમાણે

રીતઃ

એક વાસણમાં મેદો ચાળી તેમા ઓગાળેલુ ઘીનું મોણ નાખી તેને સારી રીતે મિક્સ કરો. લોટમાં થોડુ દૂધ નાખી અને જરૂરી પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. આ લોટને ભીના કપડાંથી ઢાંકી દેવો. અડધો કલાક માટે રાખી મુકો. પૂરણ બનાવવા માટે સૌપ્રથમ એક ભારે તળિયાવાળી કડાઈમાં માવાને ગેસ પર આછો ગુલાબી થાય ત્યાં સુધી શેકવો. ત્યારબાદ એક વાસણમાં કાઢી લેવો. તે જ કડાઈમાં ઘી નાંખી રવાને ગુલાબી થાય ત્યાં સુધી શેકવો. અને શેકાઈ ગયા બાદ, એક પ્લેટમાં કાઢી લેવો. દળેલી ખાંડ, કાજુના ઝીણા ટુકડા અને ઈલાયચી પાવડર તૈયાર રાખો. હવે માવામાં રવો, ખાંડ એલચી પાઉડર અને સૂકા મેવાને એકસાથે ભેગા કરી પૂરણ તૈયાર કરો. હવે બાંધીને ઢાંકેલા લોટને મસળીને મુલાયમ બનાવો, આ લોટના ૫૦૬૦ લૂઆ થશે. લૂઆ બનાવીને કપડાથી ઢાંકી મુકવા. હવે વેલણથી સહેજ મોટી પુરી વણીને તેને ઘુઘરાના બીબામાં મુકી પૂરણ ભરવુ અને બીબુ બંધ કરીને વધારાનો લોટ કાઢી લેવો. આ રીતે દરેક ઘૂઘરા બનાવી લેવા. ઘુઘર ખુલી જતા હોય તો બીબુ બંધ કરતા પહેલા બીબાના કિનારે સહેજ દૂધ લગાવી બંધ કરો. આ રીતે બધા ઘુઘરા બનાવી સાડી નીચે ઢાંકી મુકો. બધા ઘુઘરા બની જાય કે ગરમ ઘી માં તળી લો. આ ગરમા ગરમ પણ ખાઈ શકો છો. ઠંડા થયા પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો.

અંગુર રબડી

સામગ્રીઃ

•૨ લીટર દૂધ

•૧ ચમચી વિનેગર

•૧/૨ કપ ખાંડ

•૩ ચમચી મિલ્ક પાવડર

•૪ ચમચી ખાંડ રબડી માટે

•૩ ચમચી સમારેલા બદામ-પિસ્તા

•૧/૪ ચમચી ઈલાયચી પાવડર

•૧૦ તાંતણા કેસરના દૂધમાં પલાળેલા

•૨ ગ્લાસ પાણી

રીતઃ

સૌપ્રથમ એક લીટર દૂધને ઉકાળવા મૂક્વુ. ઉકળે એટલે એમાં એક ચમચી વિનેગર નાખીને દૂધને ફાડી લેવુ. આ ફાટેલા દૂધને મલમલના કપડામાં બાધીને એમાથી બધુ પાણી નીતારી લેવુ. હવે આ મસ્કામાં એક ચમચી ખાંડ નાખીને બરાબર હાથથી મસળવુ.

એક્દમ સ્મૂધ થાય એતલે એના નાના ગોળા વાળવા. એક તપેલીમાં બે ગ્લાસ પાણી લેવું. તેમા દોઢ કપ ખાંડ નાખીને ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે એમાં આ ગોળા નાખવા. ઢાંકણ ઢાંકીને દસ મિનિટ ઉકળવા દેવું. દસ મિનિટ પછી ગેસ બંધ કરીને ઠંડુ પડે પછી ઢાંકણ ખોલ્વુ. બીજી તપેલીમાં એક લિટર દુધને ઉકાળવુ. દૂધને અડધુ થાય ત્યાં સુધી ઉકાળવુ. હવે એમાં ચાર ચમચી ખાંડ, મિલ્ક પાવડર, નાખીને ધટ્ટ થવા દેવું તેમા કેસરવાળુ દૂધ, બદામ-પિસ્તા, ઈલાયચી નાખીને ગેસ બંધ કરવો. હવે એમાં મસ્કાના બનાવેલા ગોળાનુ પાણી નિતારીને બનાવેલી રબડીમાં નાખવા. ફ્રીજમા ઠંડા કરીને બદામ-પિસ્તાથી ગાર્ન્િાશ કરી સર્વ કરવી.

શાહી ટુકડા

સામગ્રીઃ

•૮ નંગ બ્રેડ સ્લાઈઝ

•૧ મોટો ચમચો કાજુના ટુકડા

•૧ મોટો ચમચો પિસ્તાની કતરણ

•૧ ચમચી ચારોળી

•૧ નંગ નાશપતિ

•૧ નંગ સફરજન

•૨ નંગ ઈલાયચી કેળાં

•૨ મોટા ચમચા રૂહ અફઝા

•૧ ચપટી ઈલાયચી પાવડર

•૪ મોટા ચમચા સ્ટ્રોબરી જામ

•૩ મોટા ચમચા તાજુંક્રિમ

•તેલ તળવા માટે

•ખાંડનું સીરપ સ્વાદાનુસાર

રીતઃ

સૌપ્રથમ એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. બ્રેડની સ્લાઈઝ્‌સને ગોળાકાર કાપો અને ગરમ તેલમાં નાખી સોનેરી થાય ત્યાં સુધી તળો. તેલમાંથી કાઢી અબઝોર્બેટ પેપર પર મૂકો. હવે કેસરવાળી ખાંડની ચાસણીને ધીમી આંચે ગરમ કરી, બ્રેડની સ્લાઈઝ તેમાં એક મિનિટ માટે બોળી રાખો. ચાસણીમાંથી કાડીને તરત જ સર્વિંગ પ્લેટ પર મૂકો. વધેલી ચાસણીંઆં કાજુ અને પિસ્તા નાખી બે-ત્રણ મિનિટ સુધી ચડવા દો. નાસપતી અને સફરજનના નાના-નાના ટુકડા કરી પેનમાં લઈ થોડા ચઢવો. ઈલાયચી કેળાંને છોલીને ગોળ-ગોળ સ્લાઈઝ કરો અને કડાઈમાં લઈ બરાબર મિક્સ કરો. હવે તેમાં રૂહ અફઝા નાખી એક મિનિટ સુધી ચડવા દો. નાની ઈલાયચી પાવડર નાખી મિક્સ કરો. બ્રેડની બધી સ્લાઈઝ પર જામ લગાવો અને તેના પર ફળોનું મિશ્રણ લગાવો. હવે તેને ક્રિમ અને પિસ્તાથી સજાવી પીરસો.

કૉર્ન સીખ કબાબ

સામગ્રીઃ

•૧ કપ બાફેલા બટેટા

•૧/૪ કપ મકાઈના ક્રશ કરેલા દાણા

•૨ ચમચા બારીક સમારેલા લીલા કાંદા

•૧ ચમચી બારીક સમારેલાં લીલાં મરચાં

•૧ ચમચો કૉર્નફ્લોર

•૧/૨ ચમચી ગરમ મસાલો

•૨ ચમચી ઘી

•૨ ચમચા માખણ

•૨ ચમચા લાલ મરચું પાવડર

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

સૌપ્રથમ બે ચમચા માખણમાં લાલ મરચાનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી અલગ રાખો. એક બાઉલમાં બાફેલા બટેટા લઈ એને છૂંદી લો. એમાં મકાઈના ક્રશ કરેલા દાણા, કાંદા, લીલાં મરચાં, કૉર્નફ્લોર, મીઠું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો. હવે એક નૉનસ્ટિક પૅનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તૈયાર કરેલું બટેટા-મકાઈનું મિશ્રણ નાખી ૨-૩ મિનિટ સુધી સાંતળો. ગૅસ પરથી ઉતારી ઠંડું થવા દો. હવે આ મિશ્રણના ચાર સરખા ભાગ કરો. દરેક ભાગને હાથેથી દબાવી કબાબ જેવો લાંબો શેપ આપો. મેટલના લાંબા સળિયા પર પણ કબાબ બનાવી શકાય. ચારે કબાબને શેપ આપ્યા બાદ એના પર માખણ અને મરચાના પાઉડરનું તૈયાર કરેલું મિશ્રણ લગાવો. એક તવો ગરમ કરો. કબાબને બધી સાઈડથી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. કોથમીરની લીલી ચટણી સાથે ગરમ-ગરમ સર્વ કરો.જો ઈલેક્ટ્રિક બાર્બેક્યુ હોય તો કબાબને એમાં શેકી શકાય. તવા સગડી પર કોલસામાં બનાવેલા કબાબ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વરસાદની મોસમમાં મકાઈના ભુટ્ટા અને ભજિયાં કરતાં કંઈક વિશેષ જોઈતું હોય ત્યારે આ કબાબ શ્રેષ્ઠ ઑપ્શન બનશે.

મોઘલાઈ વેજીટેબલ કોરમા

સામગ્રીઃ

•૧ મધ્યમ કદનો બટાકું

•૧ કપ ફ્લાવર

•૧ કપ ફ્રેચ બીન્સ

•૧ કપ કેપ્સીકમ

•૧૦૦ એમએલ દહીં

•૧/૨ કપ કાજું

•૧ તમાલપત્ર

•૧/૨ ઈંચનો તજનો ટુકડો

•૨ લીલી ઈલાયચી

•૪ લવીંગ

•૧/૨ ટી સ્પૂન શાહજીરૂં

•૩ લીલાં મરચાં સમારેલા

•૧/૨ ટી સ્પૂન આદુંની પેસ્ટ

•૨ ટી સ્પૂન ઘી

•૧/૨ ટી સ્પૂન હળદર

•૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાઉડર

•૧ ટી સ્પૂન ધાણા પાઉડર

•૧ ટી સ્પૂન રોઝ વોટર

•૧/૪ ટી સ્પૂન કેવડા વોટર

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

બધા જ શાકભાજીને ધોઈને મધ્યમ આકારના કટ કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. બધા જ શાકભાજી તેમાં નાંખીને ફ્રાય કરી લો. કાજુંને નવશેકા પાણીમાં વીસ મિનિટ સુધી રાખો. ત્યાર બાદ તેની પેસ્ટ બનાવી લો. એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં તમાલપત્ર, ઈંચનો તજનો ટુકડો, લીલી ઈલાયચી, લવીંગ અને શાહજીરૂં નાંખો. જીરૂં તતડવા માંડે એટલે તેમાં લીલા મરચાં અને આદુંની પેસ્ટ નાંખી બરાબર હલાવો. એકાદ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં કાજુની પેસ્ટ અને પાણી નાંખો. પાંચેક મિનિટ ધીમા તાપે ચઢવા દો. ત્યાર બાદ પાણી ઉકળવા લાગે એટલે એમાં ફ્રાય કરેલા શાકભાજી અને મીઠું ઉમેરો. શાકને ધીમા તાપે લગભગ દસ મિનિટ સુધી ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. ત્યાર બાદ શાક ચઢી જાય એટલે તેમાં રોઝ વોટર અને કેવડા વોટર નાંખીને ગરમ-ગરમ સર્વ કરો.

મોઘલાઈ કોફતા કરી

સામગ્રીઃ

કોફ્તા માટે-

•૧/૨ કપ બાફેલા બટાકા

•૧ ચમચી સમારેલી કોથમીર

•૧ ચમચી સમારેલી મેથી

•૧ ચમચી સમારેલી પાલક

•૧ ચમચી લીંબુ નો રસ

•૧ ચમચી લીલા મરચા

•૧/૨ ચમચી મકાઈનો લોટ

•૨ ચમચી દૂધ

•મીઠું સ્વાદાનુસાર

મસાલા માટે-

•૧/૨ ચમચી ખસખસ

•૧ ચમચી કાજુ

•૨ નંગ લીલા મરચા

•૧ ચમચી પાણી ગ્રેવી માટે-

•૨ ચમચી ડુંગળીની પેસ્ટ

•૧/૨ ચમચી આદું-મરચાની પેસ્ટ

•૧/૨ ચમચી દહીં

•૧/૨ કપ દૂધ

•૧/૨ ચમચી મકાઈનો લોટ

•૧ ચપટી હળદર

•૨ ચમચી તેલ

•૨ ચમચી કોથમીર

રીતઃ

સૌપ્રથમ કોફતા માટેની બધી જ સામગ્રીને એક બાઉલમાં મિક્ષ કરી તેનું ખીરૂં બનાવી લો. ત્યાર બાદ તેના આઠ ભાગ કરીને માઈક્રોવેવમાં ૩૦ મિનીટ માટે ચઢવી લો. કરી બનવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી, ડુંગળી અને આદું-મરચાની પેસ્ટ નાખી સાંતળો. ત્યારબાદ તેમાં દહીં, દૂધ, મકાઈનો લોટ, હળદર અને મીઠું નાખી એક મિનિટ ચઢવો. હવે કોફતાને કરીમાં મિક્ષ કરી એક મિનીટ ચઢવો. કોફતા નરમ થઈ જાય એટલે તેને કોથમીરથી સજાવી ગરમ-ગરમ સર્વ કરો.

મોઘલાઈ પનીર

સામગ્રીઃ

પાવડર માટે-

•૧ ટેબલ સ્પૂન તરબૂચના બી

•૩ ટેબલ સ્પૂન કાજુ

•૧ ટેબલ સ્પૂન ખસખસ

અન્ય સામગ્રી-

•૨ કપ પનીર ક્યૂબ

•૧/૪ કપ ફ્રેશ ક્રીમ

•૨ ટેબલ સ્પૂન દૂધ

•૨ ટેબલ સ્પૂન બટર

•૧ ટી સ્પૂન પેપર પાવડર

•૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો

•૧/૨ ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

સૌપ્રથમ પાવડર બનાવવા માટેની બધી જ સામગ્રી ભેગી કરીને તેને મિક્ષરમાં પીસીને પાવડર બનાવી લો. ત્યાર બાદ આ પાવડરને પનીર સિવાયની સામગ્રી સાથે એક બાઉલમાં લઈને બરાબર મિક્ષ કરીને મેરિનેટ કરવા માટેની જાડી પેસ્ટ તૈયાર કરો. હવે તેમાં પનીર નાખીને એકથી બે કલાક માટે મેરિનેટ કરવા માટે મૂકો. હવે મેરિનેટ થયેલા પનીરને એક તારમાં બરાબર ભરાવી દો. ત્યાર બાદ તેને પ્રી-હિટેડ ઓવનમાં ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને લગભગ પંદર મિનિટ માટે ચઢવા દો. પનીર બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને ચઢવા દો. હવે તેને ઓવનમાંથી કાઢીને ગરમા-ગરમ સર્વ કરો.

મોઘલાઈ પરાઠા

સામગ્રીઃ

•૩૦૦ ગ્રામ મેંદો

•૨ નંગ ઈંડા

•૧ ટી સ્પૂન બેકિંગ પાવડર

•મીઠું સ્વાદાનુસાર

•તેલ જરૂર મુજબ

રીતઃ

સૌપ્રથમ એક મોટા બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર અને મીઠું બરાબર મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને કણક બાંધી દો. આ કણકને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ તેમાંથી આઠેક જેટલા લુઆ કરો. અટામણની મદદથી આ લુઆમાંથી રોટલી વળી લો. ત્યાર બાદ આ રોટીમાંથી સેમી સર્કલ તૈયાર કરો. હવે તેમાં થોડું તેલ લગાવો, થોડું અટામણ છાંટો અને ફરીથી તેને પરાઠાના આકારમાં વાળી લો. હવે ફરીથી તેને વળી લો. એક ચોરસ જેવી રોટી તૈયાર કરો. આ પરાઠાની સપાટી પર ઈંડાનો પ્લપ બ્રેશ વડે લગાવો. ત્યાર બાદ તેમાં અટામણ લગાવી લો. હવે બધી જ કિનારીને વચ્ચેની તરફ લાવીને વાળી લો. હવે એક નોન સ્ટિક પેન ગરમ કરો. ત્યાર બાદ તૈયાર થયેલા પરાઠાને તેલની મદદથી લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર છે મોઘલાઈ પરાઠા, જેને તમે તમારી મનપસંદ સબ્જી સાથે સર્વ કરી શકો છો.

મોઘલાઈ વેજિટેબલ બિરયાની

સામગ્રીઃ

ભાત માટે-

•૨ કપ લાંબા બાસમતી ચોખા

•૨ ટેબલ સ્પૂન મીઠું

•૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ

શાકભાજી-

•૧/૨ કપ ફ્રેશ બીન્સ સમારેલા

•૧/૨ કપ લીલા વટાણાં

•૧ કપ ગાજર સમારેલું

•૧ કપ ફ્લાવર સમારેલું મસાલા માટે-

•૧ ટેબલ સ્પૂન કાજુ

•૧/૨ ટેબલ સ્પૂન ખસખસ

•૧ ટેબલ સ્પૂન લીલું નારિયેળ છીણેલું

•૧/૩ કપ તેલ

•૨ નંગ નાની ડુંગળી સમારેલી

•૧ નંગ તમાલપત્ર

•૧ નાનો ટુકડો તજનો

•૨ નંગ લવિંગ

•૨ નંગ ઈલાયચી

•૧ ટી સ્પૂન આદુંની પેસ્ટ

•૧ ટી સ્પૂન લસણની પેસ્ટ

•૨ નંગ ટામેટાં સમારેલાં

•૧/૨ કપ ફુલ ફેટ દહીં

•૧ ટી સ્પૂન ગરમ મસાલો

•૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર

•૧/૪ ટી સ્પૂન જીરૂં પાવડર લેયર માટે-

•૧/૨ કપ કોથમીર સમારેલી

•૧/૨ કપ ફૂદિનો સમારેલો

•૧/૨ ટી સ્પૂન કેસર

•૧/૨ કપ દૂધ

•૨ ટેબલ સ્પૂન ઘી ટોપિંગ માટે-

•૨ મધ્યમ કદની ડુંગળી સમારેલી

•૮ નંગ કાજુ

•તેલ ડિપ ફ્રાઈંગ માટે

રીતઃ

સૌપ્રથમ આપણે બિરયાની માટેના ભાત તૈયાર કરી લઈશુ. તેના માટે આઠ કપ જેટલું પાણી એક મોટા સોસ પેનમાં ગરમ કરવા માટે મૂકો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં ચોખા, મીઠું અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરી લો. ધીમા તાપે બિરયાનીને ઢાંકીને ચઢવા દો. ચોખાના દાણાને દબાવીને જોઈ લેવુ. જો ચઢી ગયો હોય તો ગેસ બંધ કરી દો. વધારાનું પાણી નીતારી લેવું. ધ્યાન રાખવું કે, ચોખા આખા રહે તૂટી ન જાય. ત્યાર બાદ ભાતને એક મોટી ડિશમાં છૂટા કરી લેવા. હવને બધા જ શાકભાજીને બરાબર સાફ કરીને યોગ્ય માપના સમારી લેવા. એક મોટા પેનમાં પાણી ગરમ કરવા માટે મૂકવુ. પાણી ઉકળવા લાગે એટલે તેમાં બીન્સ, વટાણા અને ગાજરને નાખીને બફાવા દેવા. લગભગ બેથી ત્રણ મિનિટ બાદ તેમાં ફ્લાવર ઉમેરવુ. ત્યાર બાદ ફરીથી ત્રણથી ચાર મિનિટ સુધી બધા જ શાકભાજીને બફાવા દેવા. હવે ગેસ બંધ ખરી દેવો. બધા જ શાકભાજી અધકચરા બફાય ગયા છે. આ બધાં જ શાકભાજીને ચારણીમાં નીતારીને એકબાજુ પર મૂકી દો. હવે બિરયાનીનો મસાલો કરવાનો છે. કાજુની સ્મૂધ પેસ્ટ બનાવી લો. એક મોટી કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી નાખીને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં તમાલપત્ર, લવિંગ અને ઈલાયચી નાખીને ધીમા તાપે એકાદ મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં આદું-લસણની પેસ્ટ નાખીને અડધી મિનિટ સુધી સાંતળો. હવે તેમાં નારિયેળનું ખમણ, ખસખસ, કાજુની પેસ્ટ નાખીને અડધીથી એકાદ મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં ટામેટાંની પ્યોરી નાખીને બરાબર મિક્ષ કરીને ચારથી પાંચ મિનિટ સુધી ચઢવા દો. હવે ગેસ બંધ કરીને મસાલાને ગેસ પરથી ઉતારી લો. ત્યાર બાદ તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી દો. ફરીથી આ મસાલાને ગેસ પર ગરમ થવા માટે મૂકો. તેમાં ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને જીરૂં પાવડર ઉમેરીને એકાદ મિનિટ માટે સાંતળો. હવે તેમાં શાકભાજી અને મીઠું ઉમેરીને ફરીથી બધા જ મસાલા એકરસ થાય ત્યાં સુધી સાંતળો. દસેક મિનિટ સુધી ચઢવા દો. ત્યાર બાદ તેમાં અડધો કપ પાણી ઉમેરીને ત્રણથી પાંચ મિનિટ સુધી ચઢવા દો. બસ મસાલો તૈયાર છે હવે બિરયાનીના લેયર કરો. એક મોટી બેકિંગ ડિશ લો. આ ડિશમાં થોડુંક તેલ લગાવી લો. હવે સૌપ્રથમ જે ભાત રાંધ્યા છે તેમાંથી અડધા ભાત લઈને તેનું લેયર કરો. તેના પર કોથમીરનું લેયર કરો. ત્યાર બાદ ફૂદિનાનું લેયર કરો. હવે બધાં જ શાકભાજી અને ગ્રેવીનું લેયર કરો. હવે તેના પર બાકીના ભાતનું લેયર કરો. ત્યાર બાદ દૂધમાં ઓગાળેલા કેસરનું લેયર કરો. ત્યાર બાદ બાકીની કોથમીર અને ફૂદિનાનું લેયર કરો. છેલ્લે ટોપ પર ઘી રેડો. બેકિંગ ડિશને ફોઈલથી કવર કરી લો. ૩૫૦ડિગ્રી ફેરનહિટ પર ૧૫ મિનિટ માટે બેક કરી લો. ત્યાર બાદ ઓવન બંધ કરી દો. બિરયાનીને ઓવનમાં જ ૧૦ મિનિટ માટે રહેવા દો. બિરયાની બેક થઈ રહી હોય ત્યારે ટોપિંગની તૈયારી કરી લો. ડુંગળીને એકદમ પાતળી સ્લાઈસ કરી લો. હવે તેલ ગરમ કરો. ડુંગળીની સ્લાઈસને ડિપ ફ્રાઈડ કરી લો. ત્યાર બાદ કાજુને ગોલ્ડન બ્રાઉન રંગના થાય એ રીતે ફ્રાય કરી લો. હવે બેકિંગ ડિશમાંથી બિરયાની અનમોલ્ડ કરી લો. તેના પર ફ્રાઈડ ડુંગળી અને ફ્રાઈડ કાજુથી ટોપિંગ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

મોઘલાઈ દાળ

સામગ્રીઃ

•૩/૪ કપ તુવેર દાળ

•૧/૪ કપ ચણા દાળ

•૧ કપ ટામેટાં સમારેલા

•૨ કપ દૂધી સમારેલી

•૧/૪ ટી સ્પૂન હળદર

•૨ ટેબલ સ્પૂન તેલ

•૧ ટી સ્પૂન જીરૂં

•૧/૨ ટી સ્પૂન લસણ સમારેલું

•૧ ટી સ્પૂન લીલાં મરચાં સમારેલા

•૧ ટી સ્પૂન આદું સમારેલું

•૩/૪ કપ ડુંગળીની સ્લાઈસ

•૨ ટેબલ સ્પૂન કોથમીર

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

સૌપ્રથમ બધી જ દાળને ધોઈને અડધો કલાક માટે પલાણીને મૂકો. ત્યાર બાદ તેને નીતારીને એક કૂકરમાં ટામેટાં, દૂધી, હળદર, મીઠું અને ત્રણ કપ પાણી સાથે બાફી લો. લગભગ ત્રણથી ચાર સીટી વગાડો. કૂકરને ઠંડુ પડવા દો. હવે એક પેનમાં તેલને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં લસણ, લીલા મરચાં, આદું અને ડુંગળી નાખીને બરાબર સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. હવે તેમાં બાફેલી દાળ, થોડું મીઠું અને લગભગ અડધો કપ જેટલું પાણી નાખીને ઉકળવા દો. દાળ બરાબર ઉકળી જાય એટલે તેને કોથમીર વડે ગાર્ન્િાશ કરીને સર્વ કરો.

અંગુરી શેક

સામગ્રીઃ

•૧૦ ગ્લાસ લીલી દ્રાક્ષનો રસ

•૧/૨ લીટર દૂધ

•૨ ચમચી ખાંડ

•૨ કપ બરફનો ભૂકો

•ગુલાબના પાન

•ફુદીનાના પાન

રીતઃ

સૌપ્રથમ દૂધને ગરમ કરીને ઠંડુ કરી લો. મિક્સરમાં દૂધ, દ્રાક્ષનો રસ, ખાંડ અને બરફ મિક્સ કરીને ફેટી લો. ગ્લાસમાં પહેલા બરફનો ભુકો નાંખો અને પછી શેક ભરો તેને ગુલાબની અને ફુદીનાની પાંદડીઓથી શણગારીને સર્વ કરો.

પનીર-કાજુ ટિક્કી

સામગ્રીઃ

•૨૦ થી ૨૫ કાજુનો અધકચરો ભુક્કો

•૧૧/૨ કપ છીણેલું પનીર

•૧/૨ કપ બાફેલા બટેટા

•૨ ચમચા કૉર્નફ્લોર

•૧/૨ ચમચી જીરૂં

•૧/૪ ચમચી મરી પાઉડર

•૧/૨ ચમચી લાલ મરચું

•૨ ચમચી ધાણાનો પાઉડર

•૨ ચમચા બારીક સમારેલી કોથમીર

•૧/૨ ચમચી ગરમ મસાલો

•તેલ તળવા માટે

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

સૌપ્રથમ એક બાઉલમાં બટેટા અને પનીર લઈ મસળો. ત્યાર બાદ એમાં જીરૂં, મરી, લાલ મરચું, ધાણાનો પાઉડર, ગરમ મસાલો, કોથમીર, કૉર્નફ્લોર અને મીઠું ઉમેરી મિક્સ કરો. અને હાથેથી મસળી ટિક્કી બને એવું સૉફ્ટ મિશ્રણ બનાવો. હવે આ મિશ્રણમાંથી નાની-નાની ગોળ અને ચપટી ટિક્કીઓ બનાવો. હવે આ ટિક્કીઓને કાજુના ભુક્કામાં રગદોળી હલકા હાથે દબાવો, જેથી કાજુ બરાબર ચોંટી જાય. એક કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલી ટિક્કીઓને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. સર્વિંગ પ્લેટમાં કાઢી આમલીની મીઠી ચટણી સાથે પીરસો.

કાજુ કોરમા

સામગ્રીઃ

•પેસ્ટ માટે-

•૪ નંગ ઈલાયચી

•૧ ટુકડો તજ

•૪ નંગ લવિંગ

•અન્ય સામગ્રી

•૨૦૦ ગ્રામ મોળો માવો છીણેલો

•૧૫૦ ગ્રામ કાજુ

•૨ ચમચા ઘી

•૨૫૦ ગ્રામ પનીરના ટુકડા

•૧ ચમચો કિસમિસ

•૨ નંગ તમાલપત્ર

•મીઠું સ્વાદાનુસાર

•૧/૪ ચમચી હળદર

•૧/૪ ચમચી ગરમ મસાલો

•૧ ચમચી લાલ મરચું

•૧ ચમચો સૂકા નારિયેળનું છીણ

•૨ નંગ ડુંગળી ઝીણી સમારેલી

•૩ નંગ ટમેટાં ઝીણાં સમારેલાં

•૨ ચમચી બારીક સમારેલું લસણ

•૨ ચમચી બારીક સમારેલું આદું

•કોથમીર

રીતઃ

સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો. ત્યાર બાદ એમાં કાજુ અને પનીરના ટુકડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. બહાર કાઢી અલગ રાખો. એલચીના દાણા, તજ અને લવિંગમાં થોડું પાણી ઉમેરી એની પેસ્ટ બનાવી લો. હવે એક પૅનમાં ઘી ગરમ કરી કાંદાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ ટમેટાં, લસણ અને આદું ઉમેરી સાંતળો. ટમેટાં ચડી જાય એટલે એમાં એલચીની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી બે મિનિટ સાંતળો. હવે મીઠું, તમાલપત્ર, લાલ મરચું, હળદર, ગરમ મસાલો ઉમેરી સાંતળો. કાજુ, કિસમિસ, પનીરના ટુકડા, માવાનું છીણ અને અડધો કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો અને ઢાંકીને બેથી ત્રણ મિનિટ ચડવા દો. સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર ભભરાવો અને રોટલી અથવા પરાંઠા સાથે સર્વ કરો.

કાજુ ઉત્તપા

સામગ્રીઃ

•૨ કપ ચોખા પલાળેલા

•૧ કપ અડદની દાળ

•૨ નંગ સમારેલી ડુંગળી

•૨ નંગ સમારેલાં ટામેટાં

•૨ નંગ સમારેલાં લીલાં મરચાં

•૧ આદુંનો ટુકડો

•૧ ટી સ્પૂન સમારેલી કોથમીર

•૧૫ થી ૧૬ નંગ કાજુ

•મીઠું સ્વાદાનુસાર

•તેલ શેકવા માટે

રીતઃ

સૌપ્રથમ ચોખા અને અડદની દાળને જુદી-જુદી ક્રશ્ડ કરી એક બાઉલમાં મિક્સ કરી દો. હવે તેમાં સમારેલી કોથમીર અને મીઠું નાખી આથો આવે ત્યાં સુધી રહેવા દો.

ત્યારપછી બાકીની સામગ્રીને સમારી મિક્સ કરી એક સાઈડ રાખી દો. હવે નોનસ્ટિક તવાને ગરમ કરી તેમાં સહેજ તેલ મૂકી ઉત્તપાનું ખીરૂં પાથરી તેના ઉપર મિક્સ કરેલાં વેજિટેબલ્સ અને કાજુ નાખી સહેજ તેલ મૂકી બંને બાજુ શેકી લો. ઉત્તપા શેકાઈ જાય એટલે તેને ટામેટાં સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.

ચૉકલેટ-કાજુ લાડુ

સામગ્રીઃ

•૨૦૦ ગ્રામ છીણેલી ચૉકલેટ

•૨૦૦ ગ્રામ કાજુનો પાઉડર

•૪ ચમચા ખાંડ

•૧૧/૨ ચમચો નવશેકું દૂધ

•૧/૪ કપ ઘી

•૫ ચમચી ઈલાયચીનો પાઉડર

•૮ થી ૧૦ પિસ્તાની કાતરી

•થોડા તાંતણા કેસર

રીતઃ

સૌપ્રથમ એક નૉન સ્ટિક પૅનમાં એક કપ પાણી અને સાકર લઈ ગરમ કરો. હલાવતા રહો અને એક તારની ચાસણી બનાવો. એક બૉલમાં દૂધ લઈ એમાં કેસર ઉમેરી અલગ રાખો. હવે ચાસણીમાં કાજુનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. ગૅસ પરથી ઉતારી બરાબર હલાવો. હવે કેસરવાળું દૂધ ઉમેરી ફરી ગૅસ પર મૂકો. ઘી અને એલચીનો પાઉડર ઉમેરી હલાવો. ઘી છૂટે ત્યાં સુધી ગરમ કરી ગૅસ પરથી ઉતારી લો. હવે ૨૦ મિનિટ સુધી રહેવા દો અને ઠંડું કરો. હવે હથેળીમાં થોડું ઘી લગાવી કાજુના મિશ્રણમાંથી નાના-નાના ગોળ લાડુ બનાવો. ત્યાર બાદ એને છીણેલી ચૉકલેટમાં રગદોળો. પિસ્તાની કાતરીઓથી સજાવી પીરસો.

દુધીના કોફતા વિથ કાજુ કરી

સામગ્રીઃ

•૫૦૦ ગ્રામ દૂધી

•૧૦૦ ગ્રામ પનીર

•૨ ચમચા કાજૂના ટુકડા

•૧ ચમચો કાજૂની પૅસ્ટ

•૧ ચમચો કીસમીસ

•૧ ચમચી ડૂંગળીનું છીણ

•૪ કળી વાટેલું લસણ

•૨ ચમચી વાટેલું આદું

•૪૦૦ ગ્રામ ટમેટા

•૧૦૦ ગ્રામ ચણાનો લોટ

•૧૦૦ ગ્રામ ક્રીમ

•૪ નંગ લીલા મરચાં

•૧ ચમચી ગરમ મસાલો

•૧૦ ગ્રામ મગજતરીના બી

•મીઠું સ્વાદાનુસાર

•મરચું પાવડર

•તેલ

•ધાણાજીરૂં

•હળદર

રીતઃ

સૌપ્રથમ ચણાના લોટમાં મીઠું, હળદર, મરચં અને પાણી નાખીને ખીરૂ બનાવો. પનીર મસળીને તેમાં મીઠું, લીલા મરચાના ટુકડા અને કીસમીસ નાખી પુરણ બનાવો. દૂધીની છાલ ઉતારીને છીણી લો, તેને નીચોવીને પાણી કાઢીને બાજુ પર રાખો. આ પાણી ગ્રેવી બનાવતી વખતે તેમાં ઉમેરી દેવું. હવે આ છીણમાં મીઠું, ડૂંગળીનું છીણ,મરચાની પૅસ્ટ, નાખીને મીક્સ કરી લો. દૂધીના પુરણમાંથી નાના ગોળા બનાવી તેની વચ્ચે પનીરનું પુરણ મૂકીને તેને લંબગોળ આકારમાં વાળી લો. હવે આ બધા કોફતાને ચણાના લોટના ખીરામાં બોળીને ગરમ તેલમાં તળી લો. મગજતરી, ડૂંગળી, લસણ અને આદુ મરચાની પૅસ્ટ બનાવો. એક વાસણમાં ઘી અથવા તેલ મૂકીને આ પૅસ્ટ સાંતળી લો, તેમાં કાજૂના નાના ટૂકડા કરીને નાંખો અને છેલ્લે ગરમ મસાલો નાંખી હલાવો. હવે આ ગ્રેવીમાં છીણેલા ટમેટા, કાજૂની પૅસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણાજીરૂ ઉમેરો. ગ્રેવી બરાબર ઘટ્ટ થઈ જાય પછી તેને નીચે ઉતારી લો. એક સર્વિંગ બાઉલમાં કોફતા મૂકી, તેના પર તૈયાર થયેલી ગ્રેવી પાથરો, ઉપરથી ફ્રેશ ક્રીમ, કાજૂના થોડા ટૂકડા અને કોથમીર નાખીને સર્વ કરો.

કાજુ મઠરી

સામગ્રીઃ

•૨૫૦ ગ્રામ મેંદો

•૧૦૦ ગ્રામ કાજુ

•૫૦ ગ્રામ ચણાનો લોટ

•૧ નાની ચમચી અજમો

•૧/૨ ચમચી કકરા વાટેલા મરી

•મીઠું સ્વાદાનુસાર

•૧ મોટી ચમચી ઘી

•હૂંફાળું દૂધ

•-ઘી તળવા માટે

રીતઃ

સૌપ્રથમ કાજુને ઘી વગર સેકીને વાટી લો. મેંદામાં કાજુ, ચણાનો લોટ, મસાલો અને મોણ નાખીને દૂધથી કઠણ લોટ બાંધી લો. ભીનાં કપડાંથી ઢાંકીને અડધો કલાક મૂકી રાખો. નાની-નાની મઠરી વણી લો અને કાંટા વડે ઉપર ૪૬ કાણાં પાડી લો. ઘી ગરમ કરી મઠરીઓને સોનેરી તળી લો. સ્વાદિષ્ટ કાજુ મઠરી તૈયાર છે.

કાજુ કતરી

સામગ્રીઃ

•૨૫૦ ગ્રામ કાજુ

•૧૫૦ ગ્રામ ખાંડ

•૩ ટીપાં ગુલાબનું એસેન્સ

•વરખ

રીતઃ

સૌપ્રથમ કાજુને વાટી લો. એ પછી તેને બરાબર ચાળી લો. બીજી બાજુ ખાંડમાં ડૂબે એટલું પાણી લો. કાજુકતરી ચાસણી કરીને અથવા માઈક્રોવેવનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. ચાસણી કરીને કાજુકતરી બનાવવી હોય તો ૧૧/૨ તારની ચાસણી કરવી. માઈક્રોવેવનો ઉપયોગ કરીને બનાવવા માટે ખાંડના પાણીને માઈક્રોવેવમાં મહત્તમ તાપમાન પર દસ મિનિટ માટે મૂકો. એ પછી તેને બહાર કાઢો. હવે તેમાં કાજુનો ભૂકો અને એસેન્સ ઉમેરો. આ રીતે તૈયાર થયેલા મિશ્રણને બે પ્લાસ્ટીક વચ્ચે વણીને કાજુકતરી તૈયાર કરો. છેલ્લે તેની પર વરખ લગાવીને કાપા પાડો.

કાજુ કોયા

સામગ્રીઃ

•૨૦૦ ગ્રામ કાજુ

•૧૦૦ ગ્રામ પનીર

•૨૫ ગ્રામ ખસખસ

•૧ કપ દહીં

•૧ ડુંગળી

•૨ ટેબલ સ્પૂન ઘી

•૩ ટેબલ સ્પૂન મલાઈ

•૧/૨ ટી સ્પૂન ખાંડ

•મીઠું સ્વાદાનુસાર

•હળદર

વાટવાનો મસાલો-

•૨ લીલાં મરચાં

•૭ કળી લસણ

•૧ કટકો આદું

•૨ સૂકા મરચાં

•૧ ડુંગળી

•૧/૨ ઝૂડી લીલા ધાણા

•૧/૨ ટીસ્પૂન ધાણાનો પાઉડર

•૩ લવિંગ

•૨ કટકા તજ

રીતઃ

સૌપ્રથમ વાટવાના મસાલાની બધી જ સામગ્રી મિક્ષ કરીને વાટીને મસાલો બનાવી લો. ૧૦૦ ગ્રામ કાજુ અને ખસખસને થોડા પાણીમાં અડધો કલાક પલાળી રાખવાં. પછી મિક્સરમાં વાટી પેસ્ટ બનાવવી. ૧૦૦ ગ્રામ કાજુના કટકા કરવા. એક વાસણમાં ઘી ગરમ કરી, ડુંગળી સાંતળવી. સાધારણ શેકાય એટલે વાટેલો મસાલો તળવો. ઘી દેખાય એટલે તેમાં દહીં, કાજુની પેસ્ટ, મીઠું, ખાંડ, હળદર અને પાણી નાંખવું. ઉકળે એટલે વાટેલા આદું-મરચાં, કાજુના કટકા, અને પનીરને બરાબર છૂટું કરી નાખવું. બેથી ત્રણ મિનિટ માટે ચઢવા દીધા બાદ ગેસ બંધ કરી, કોથમીરથી ગાર્ન્િાશ કરીને સર્વ કરવુ.

શેકેલા કાજુ

સામગ્રીઃ

•૧ કપ કાજુ

•૨ ચમચા વેજીટેબલ ઘી

•૧ ચમચો મરીનો ભૂકો

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

સૌપ્રથમ એક બાઉલમાં કાજુને ૩ મિનિટ માટે લો પાવર લેવલ પર માઈક્રો કરો. માઈક્રો થયાં પછી કાજુમાં વેજીટેબલ ઘી અને મીઠું ઉમેરી ફરી ૪ મિનિટ માટે માઈક્રો કરો. કાજુ શેકાય ગયા પછી તેનાં પર મરીનો ભૂકે ભભરાવી દો. બરાબર હલાવી, ઠંડા પડે પછી ખાવાનાં ઉપયોગમાં લેવા.

કાજુ ખુમ્બ મખાના

સામગ્રીઃ

•૧ કપ પલાળેલા કાજુ

•૫૦૦ ગ્રામ બટન મશરૂમ

•૨ કપ મખાના

•-તેલ સાંતળવા માટે

•૧૧/૨ દહીં

•૧ ચમચો ધાણા પાઉડર

•૧૧/૨ ચમચી મરચું

•૧ ચમચી હળદર

•૨ ચમચા ઘી

•૩ નંગ સમારેલી ડુંગળી

•૨ ચમચી લસણની પેસ્ટ

•૨ ચમચી આદુંની પેસ્ટ

•૨ ચમચી મરીનો પાઉડર

•૧૧/૨ કપ ટામેટાંની પ્યોરી

•૧ ચમચી ગરમ મસાલો

•૧ ચમચો મધ

•૧ ચમચો લીંબુનો રસ

•૨ ચમચા સમારેલી કોથમીર

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

સૌપ્રથમ મશરૂમને સાફ કરી, અધકચરા બાફી અને નિતારીને રહેવા દો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં મખાનાને અડધી મિનિટ માટે સાંતળો. નિતારીને પાણી ભરેલા બાઉલમાં પલાળો. એક બાઉલમાં દહીં કાઢી તેમાં ધાણા પાઉડર, મરચું અને હળદર નાખી હલાવો. કડાઈમાં ઘી ગરમ કરી જીરૂં નાખી તે આછા બદામી રંગનું થાય એટલે સમારેલી ડુંગળીને બદામી રંગની સાંતળો. આદું અને લસણની પેસ્ટ ભેળવી સાંતળો. મરીનો પાઉડર ભેળવો. પલાળેલા મશરૂમ ઉમેરી તેને પાંચ મિનિટ હલાવો. દહીંનું મિશ્રણ નાખી તેલ છુટું પડે ત્યાં સુધી ખદખદવા દો. ટામેટાંની પ્યોરી અને મીઠું નાખી ફરી તેલ છુટું પડવા દો. અઢી કપ પાણી રેડી અને આંચ ધીમી કરી કાજુ અને મખાના ઉમેરી ઢાંકીને આઠ-દસ મિનિટ ખદખદવા દો. ગરમ મસાલો ભેળવો. મધ અને લીંબુનો રસ મિકસ કરી સમારેલી કોથમીરથી સજાવો.

પપૈયાની પાલીતાણા ભેળ

સામગ્રીઃ

•૨૫૦ ગ્રામ ચણાની દાળ

•૧૫૦ ગ્રામ પૌંઆ

•૫૦ ગ્રામ મસાલા સિંગ

•૩ ટેબલ સ્પૂન લીલી ચટણી

•૧ નંગ મોટું કાચું પપૈયું છીણેલું

•૧ કપ દાડમના દાણા

•મીઠું સ્વાદાનુસાર

•લાલ મરચું પાવડર

•કોથમીર

•લીંબુનો રસ

રીતઃ

બધી જ સામગ્રીને એક મોટા બાઉલમાં બરાબર મિક્ષ કરી લો. તેમાં લીંબુનો રસ નાખીને ફરીથી બરાબર હલાવી લો. તૈયારીમાં જ સર્વ કરો.

પપૈયા કૂલર

સામગ્રીઃ

•૧ નંગ પપૈયુ સમારેલું

•૧૦ નંગ બરફના ટુકડા

•૨૦૦ મીલી દૂધ

•૨ ટેબલ સ્પૂન મધ

•૨ ટી સ્પૂન ખઆંડ

•૩ થી ૪ નંગ ચેરી

રીતઃ

સૌપ્રથમ પપૈયાને બ્લેન્ડરથી બ્લેન્ડ કરીને જ્યૂસ બનાવી લો. ત્યાર બાદ તેમાં દૂધ, ખાંડ, મધ અને આઈસ ક્યૂબ નાખીને ફરીથી બ્લેન્ડર ફેરવી લો. હવે તેને ચેરીની સ્લાઈસથી ગાર્ન્િાશ કરીને સર્વ કરો.

પપૈયા પરાઠા

સામગ્રીઃ

•૧૨૫ ગ્રામ પપૈયાની છીણ

•૧ ટી સ્પૂન આદું છીણેલું

•૨ નંગ લીલા મરચાં સમારેલા

•૨ કપ ઘઉંનો લોટ

•૧ ટી સ્પૂન જીરૂં પાવડર

•૨ ટી સ્પૂન આમચૂર

•૪ ટી સ્પૂન બટર

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

બટર સિવાયની બધી જ સામગ્રી એક બાઉલમાં બરાબર મિક્ષ કરો. તેમાં જરૂર પ્રમાણેનું પાણી લઈને કણક બાંધો. ત્યાર બાદ તેને ઢાંકીને પંદર મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ લોટમાંથી આઠ સરખા ભાગ કરી લો. દરેક લુઆને લઈને રોટલી વણી લો. હવે એક નોન સ્ટિક પેનને ગરમ કરી લો. ત્યાર બાદ દરેક પરાઠાને બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી લો. ગરમા-ગરમ ચટણી સાથે સર્વ કરો.

પપૈયા ચાટ

સામગ્રીઃ

•૨૫૦ ગ્રામ પપૈયા

•૨ નંગ કેળા

•૫૦ ગ્રામ લીલી દ્રાક્ષ

•૧ વાટકી દાડમના દાણા

•૧ નંગ મોટું સફરજન

•૫૦ ગ્રામ દાડમ

•૪ સ્લાઈસ પાઈનેપલ

•૨ નંગ જામફળ

•૨ ચમચા ચાટ મસાલો

•૧ ચમચો ખાંડ

•૨ નંગ સંતરા

•૨ ચમચા લીંબુનો રસ

રીતઃ

સૌ પ્રથમ કેળા છોલીને તેની સ્લાઈસ કરી લો. સફરજન છોલીને તેના પીસ કરી લો. પાઈનેપલ અને પપૈયાના પીસ કરી લો. દ્રાક્ષ ધોઈને અર્ધા પીસ કરો. નાની દ્રાક્ષ આખી જ રહેવા દો. જામફળના પીસ કરી લો. સંતરા છોલી નાંખો. દ્રાક્ષ-સંતરા સીવાયના બધાં ફ્રૂટસ પર લીંબુનો રસ નાખો. સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ નાંખો. તેમાં પ્રમાણસર મીઠું અને ચાટ મસાલો નાંખીને ફ્રીઝમાં મૂકો. સર્વ કરતી વખતે પડીયામાં ફુટ્‌સ ચાટ આપો અને ટુથ પીક્સ ભરાવો.

કાચા પપૈયાની બરફી

સામગ્રીઃ

•૧ કિલો છીણેલુ કાચુ પપૈયુ

•૧૦૦ગ્રામ ચોખ્ખુ ઘી

•૨૦૦ગ્રામ માવો

•૨૦૦ગ્રામ ખાંડ

•૧૦૦ ગ્રામ કોપરાનું છીણ

•૧૦નાની ઈલાયચી

રીતઃ

સૌ પ્રથમ કડાઈમાં માવો ગુલાબી થાય ત્યાં સુધી સેકો. ત્યાર બાદ તેને એક વાસણમાં કાઢી લો. હવે તે જ કઢાઈમાં ઘી ગરમ કરી છીણેલુ પપૈયુ નાખીને શેકો. હવે તેમાં શેકેલો માવો અને ખાંડ મિક્સ કરીને ત્યાં સુધી હલાવતા રહો જ્યા સુધી કઢાઈ ઘી ન છોડે. આ મિશ્રણમાં ઈલાયચી અને પચાસ ગ્રામ કોપરાનું છીણ નાખીને સારી રીતે મિક્સ કરો. પચ્ચીસ ગ્રામ કોપરાનુ છીણ થાળીમાં ફેલાવી, કઢાઈની સામગ્રી થાળીમાં પાથરી દો. અને બાકીનુ કોપરાનુ છીણ ઉપરથી ભભરાવી દો. ઠંડુ થાય ત્યારે મનપસંદ આકારમાં કાપીને પીરસો.

ફ્રૂટી ફિરની

સામગ્રીઃ

•૧ લીટર દૂધ

•૨૦૦ ગ્રામ ખાંડ

•૨ કપ દૂધ

•૨ નંગ કેળાં

•૧/૨ નંગ પપૈયુ

•૨ નંગ ચીકુ

•૨ ટી સ્પૂન ઘી

•૧ ટેબલ સ્પૂન મકાઈનો લોટ

•૧ કપ નારિયેળની છીણ

•૨ કપ મિક્ષ ફ્રૂટ ઝીણા સમારેલા

•૧/૨ કપ ડરાય ફ્રૂટ ઝીણા સમારેલા

•૧/૨ કપ દાડમ

•૧/૨ કપ ચેરી

•૨ ડરોપ ફૂડ કલર

રીતઃ

સૌપ્રથમ એક લીટર દૂધ અને ખાંડને ડીપ પેનમાં બરાબર મિક્ષ કરીને ગરમ કરવા માટે મૂકો. હવે બીજા પેનમાં ઘી અને મકાઈના લોટને ગરમ કરવા માટે મૂકો. લગભગ એકાદ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં એક કપ પાણી ઉમેરીને સતત હલાવતા રહો. સ્મૂથ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને દૂધ અને ખાંડના મિશ્રણમાં નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ મિક્ષર બાઉલમાં કેળાં, પપૈયા, ચીકુ અને એક કપ દૂધને નાખીને ક્રશ કરીને સ્મૂથ પેસ્ટ તૈયાર કરો. આ મિશ્રણને પણ ઉકળતા દૂધમાં નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ ફરી તેને દસ મિનિટ માટે ઉકાળીને ગેસ બંધ કરી દો. ત્યાર બાદ દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડું થવા દો. હવે તેમાંથી ત્રણ સરખા ભાગ કરો. તેમાંથી એક ભાગમાં બે ટીપાં ખાવાનો લાલ રંગ નાખો. ત્યારબાદ બીજા મિશ્રણમાં બે ટીપાં લીલો રંગ નાખીને બરાબર મિક્ષ કરો. છેલ્લા ભાગમાં પીળો રંગ નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે ઝીણા સમારેલા ફળોને એક બાઉલમાં સર્વ કરો. તેના પર એક-એક ચમચી બધા જ રંગની ફીરની નાખો. છેલ્લે ડરાય ફ્રૂટ અને દાડમના દાળાથી ગાર્ન્િાશ કરો. તેના પર એક ફ્રેશ ચેરી મૂકો. કૂલ ફિરની સર્વ કરો.

પપૈયા સૅલડ

સામગ્રીઃ

•૨ કપ કાચું પપૈયુ ખમણેલું

•૧ ટમેટું લાંબું અને પાતળું કાપેલું

•૧ બારીક સમારેલું લીલું મરચું

•૪ થી ૫ લસણની કળી બારીક સમારેલી

•૧/૨ કપ શેકેલા શીંગદાણા

•૧ ચમચી ખાંડ

•૧ ચમચી લીંબુનો રસ

રીતઃ

સૌપ્રથમ એક બાઉલમાં પપૈયાનું ખમણ અને ટમેટાંની કતરીઓ લઈ મિક્સ કરો. એમાં લીંબુનો રસ, લસણ, લીલું મરચું અને સાકર ઉમેરી હળેવે હાથે મિક્સ કરો. ત્યાર બાદ શેકેલા શીંગદાણા ઉમેરી હલકું હલાવો. અને સર્વિંગ બાઉલમાં કાઢી તરત સર્વ કરો.

મેલન-પપૈયા ટેંગો

સામગ્રીઃ

•૧૧/૪ કપ પૈપયું છોલીને સમારેલું

•૩/૪ કપ ટેટી છોલીને સમારેલી

•૧/૪ કપ બરફનો ભૂકો

•૧/૨ ટી સ્પૂન લીંબુનો રસ

રીતઃ

સૌપ્રથમ પપૈયા, ટેટી, લીંબુનો રસ, બરફનો ભૂકો અને પા કપ પાણીને બરાબર મિક્ષ કરીને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરીને સ્મૂથ જ્યુસ બનાવી લો. બે ગ્લાસમાં સરખા ભાગે જ્યૂસ નીકાળો. છેલ્લે તેમાં બરફનો ભૂકો નાખીને સર્વ કરો.

ટુટીફૂટી

સામગ્રીઃ

•૧ નંગ કાચું પપૈયું

•૧/૨ કપ ખાંડ

•પાણી જરૂર મુજબ

•ફૂડ કલર

રીતઃ

સૌપ્રથમ કાચા પપૈયાના નાના ટુકડા કરી ઉકળતા પાણીમાં નાંખી પાંચ મિનિટ ઉકળવા દો. ઉભરો આવે પછી ચાળણીમાં નાંખી નીતારી લો. હવે ખાંડ ડુબે એટલું પાણી નાંખી કડક ચાસણી તૈયાર કરો. તેમાં ફૂડ કલર અને પપૈયાના બાફેલા ટુકડા નાંખી એક-બે ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો. પછી આઠથી દસ કલાક ચાસણીમાં જ રહેવા દો. બીજે દિવસે તડકે રાખી ભરતી વખતે તેલ અથવા ગ્લીસરીનના ચાર-પાંચ ટીપા નાંખો. અને બરણીમાં ભરી લો.

કોલ્ડી પપૈયા આઈસ્ક્રીમ

સામગ્રીઃ

•૧ લીટર દૂધ

•૨૦૦ ગ્રામ પાકું પપૈયુ

•૧૫૦ ગ્રામ ખાંડ

•૫૦ ગ્રામ કાજૂ

•૫૦ ગ્રામ બદામ

•૧/૨ ચમચી ઈલાયચીનો ભૂકો

રીતઃ

સૌપ્રથમ દૂધને સારી રીતે ગરમ કરીને ઘટ્ટ બનાવો. તેને ઉતારીને તેમાં કાજૂ-બદામ અને ઈલાયચી પાવડર નાખી દો. ખાંડ ભેળવીને ફરી થોડુ ગરમ કરીને ઉતારી લો. હવે તેમાં પપૈયાના પલ્પને નાખીને સારી રીતે મિક્સ કરીને પોટમાં નાખો અને ફ્રિજમાં સેટ થવા માટે મૂકી દો.

બ્રેડ ચાટ

સામગ્રીઃ

•૭ થી ૮ બ્રેડ સ્લાઈસ

•૧ કાપેલી કાકડી

•૨ કાપેલા ગાજર

•૧ કાપેલી ડુંગળી

•૧ કાપેલું ટામેટું

•૧/૨ ચમચી મરીનો પાવડર

•૧/૨ ચમચી લીંબુનો રસ

•મીઠું સ્વાદાનુસાર -સેવ

•તેલ

•કોથમીર

રીતઃ

બ્રેડને નાના-નાના ટૂકડામાં તોડી લો. તેને એક પેનમાં તેલ નાખીને સેલો ફ્રાય કરી લો. બ્રેડ સહિત કાકડી, ગાજર, ટામેટા, મીઠું, મરીનો પાવડર, લીબુનો રસને એકસાથે બાઉલમાં મિક્સ કરો અને એક પ્લેટમાં કાઢો. સર્વ કરતા પહેલા તેની ઉપર સેવ, લીલી કોથમીર અને ડુંગળી નાંખી ગાર્ન્િાશ કરો. તમારી ઈન્સ્ટન્ટ બ્રેડ ચાટ તૈયાર છે. સાંજના સમયે નાસ્તામાં તમે આ ડિશનો સ્વાદ માણી શકો.

મસાલા રોટી

સામગ્રીઃ

•૩ નંગ રોટલી

•૧ નંગ ટામેટું

•૧ નંગ ડુંગળી

•૧/૨ કપ કાકડીના ટુકડા

•૧/૨ કપ કોથમીર

•૧ કપ નાયલોન સેવ

•લાલ મરચું પાવડર

•મીઠું સ્વાદાનુસાર

•ચાટ મસાલો સ્વાદાનુસાર

રીતઃ

સૌપ્રથમ રોટલીને ક્રિસ્પી બનાવવા માટે તેને ઓવનમાં ૨ મિનિટ માટે મૂકવી. ત્યાર બાદ આ રોટલીને પ્લેટમાં લઈને તેના પર ટામેટાં, ડુંગળી અને કાકડી પાથરવા. ત્યાર બાદ તેના પર લાલ મરચું પાવડર, બ્લેક મીઠું અને ચાટ મસાલો થોડોક છાંટવો. હવે તેની પર નાયલોન સેવ નાખો. છેલ્લે કોથમીર વડે ગાર્ન્િાશ કરીને તૈયાર થયેલી મસાલા રોટી બાળકોને પીરસો.

સ્ટ્રોબેરી ફ્રેન્ચ ટોસ્ટ

સામગ્રીઃ

•૧/૨ કપ ચીઝ

•૧ કપ બૂરૂ ખાંડ

•૧ ટેબલસ્પૂન વેનિલા એસેન્સ

•૧/૨ ટેબલસ્પૂન તજ

•૪ સ્લાઈસ બ્રેડ

•૩ કપ સ્ટ્રોબેરી, સ્લાઈસ કરેલા

•૩ ઈંડા, ફીણેલા

•૨ ટેબલસ્પૂન દૂધ

•૪ ટેબલસ્પૂન માખણ

રીતઃ

ચીઝ, બૂરૂ ખાંડ, વેનિલા એસેન્સ અને તજને મિક્સ કરીને બરાબર ફીણી લો. હવે આ મિશ્રણને બે બ્રેડની સ્લાઈસ પર લગાડો અને બ્રેડ સ્લાઈસ પર સ્ટ્રોબેરીની સ્લાઈસ પાથરો. બાકીની બે બ્રેડ સ્લાઈસને સ્ટ્રોબેરી સ્લાઈસની ઉપર મૂકો અને હળવે હાથે દબાવો જેથી સ્ટ્રોબેરી સ્લાઈસ બ્રેડ સાથે બરાબર બેસી જાય. આ દરમિયાન અવનને ૪૦૦ ફેરનહીટ પર ગરમ કરીને રાખો. હવે ઈંડા અને દૂધને સાથે ફીણી લો અને બાજુ પર મૂકી દો. સેન્ડવિચને એક પછી એક દૂધ અને ઈંડાના મિશ્રણમાં મૂકો. બ્રેડને બન્ને બાજુ ફેરવો જેથી આ મિશ્રણ બન્ને બાજુ લાગી શકે. એક ફ્રાઈંગ પેનમાં ૧ ટેબલસ્પૂન માખણ લો અને ગરમ કરો. તેમાં એક સેન્ડવિચને ગરમ કરો. લાઈટ બ્રાઉન રંગની થાય ત્યા સુધી જ શેકો. હવે સેન્ડવિચને બેકિંગ શીટ પર મૂકો જેથી તે ગરમ રહે. સર્વ કરતી વેળાએ સેન્ડવિચ ટોસ્ટ પર સ્ટ્રોબેરી અને બૂરૂ ખાંડથી ગાર્ન્િાશ કરો. તમારા સ્ટ્રોબેરી ફ્રેન્ચ ટોસ્ટ તૈયાર છે.

નાચોસ વીથ ચીઝ સોસ

સામગ્રીઃ

•૧ કપ ચીઝ

•૨ ટેબલ સ્પૂન દૂધ

•૨ કપ નાચોસ

•૧/૨ ટી સ્પૂન ઓરેગાનો

•૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ

•૧ ટેબલ સ્પૂન વિનેગર

•પાણી જરૂર મુજબ

રીતઃ

સૌપ્રથમ ચીઝ સોસ બનાવવા માટે ચીઝમાં દૂધ અને જરૂર મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેને એક પેનમાં ગરમ કરવા મૂકો. ચીઝ બરાબર ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો. હવે એક પ્લેટમાં નાચોસ ગોઠવો. તેના પર ગરમા-ગરમ ચીઝ સોસ નાખો. હવે તેના પર ઓરેગાનો, ચિલી ફ્લેક્સ અને મીર્ચ વિનેગર નાખીને તરત જ સર્વ કરો.

રવા ભજીયા

સામગ્રીઃ

•૧ કપ શેકેલો રવો

•૧ કપ ચોખાનો લોટ

•૧/૪ કપ ચણાનો લોટ

•૧ નંગ લીલું મરચું

•૧ નંગ મોટી ડુંગળી

•૧ કપ કોથમીર

•તેલ જરૂર મુજબ

•મીઠું સ્વાદાનુસાર

•પાણી જરૂર મુજબ

•હીંગ

રીતઃ

સૌપ્રથમ રવો, ચોખાનો લોટ, ચણાનો લોટ, મીઠું, હિંગ, લીલા મરચાં અને ડુંગળીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો. હવે તેમાં રવાવાળું મિશ્રણ ઉમેરો. બધી જ સામગ્રી બરાબર મિક્ષ થાય તે રીતે હલાવો. હવે ગેસ બંધ કરીને તેમાં પાણી નાખીને ખીરૂં તૈયાર કરો. લગભગ ૧૦ મિનિટ માટે ઢાંકીને મૂકી દો. ત્યાર બાદ ફરીથી મિશ્રણને હલાવી લો. ફરીથી એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં નાના ભજીયા ઉતારો. આ સ્નેકસને ચા અથવા મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

ગ્રીલ ચીઝ સેન્ડવીચ

સામગ્રીઃ

•૮ નંગ બ્રેડની સ્લાઈસ

•૧ કપ ચીઝ

•૮ થી ૧૦ ટેબલ સ્પૂન ટોમેટો સોસ

રીતઃ

બ્રેડની સ્લાઈસ કરી તેની કિનારી દૂર કરવી. ત્યાર બાદ તેમાં ખમણેલ ચીઝ સ્પ્રેડ કરવું અને ટોમેટો સોસ લગાવો. ટોસ્ટરમાં અથવા ઓવનમાં સેન્ડવીચ બે મિનિટ માટે ગ્રીલ કરવી.

સમોસા સ્પેગેટી

સામગ્રીઃ

•૨ વાડકી મેંદો

•૧ ચમચી ઘી

•૧ ક્યૂબ ચીજ

•ઉકાળેલા અને તૈયાર નુડલ્સ

•મીઠું સ્વાદાનુસાર

•તળવા માટે તેલ

રીતઃ

મેંદા અને મીઠાને ભેળવીને ચાળી લો. મોણનુ ઘી નાખીને તેનો પાણી વડે લોટ બાંધી લો.લૂઆ બનાવી ભીના કપડાથી ઢાંકી દો. દરેક લોઈને વણીને પાતળી અને મોટી રોટલી બનાવો. ચાકૂથી વચ્ચે કાપીને બે ભાગ કરો. વાળીને ત્રિકોણ બનાવો.સ્પૈગેટી કે નૂડલ્સ ભરો. થોડા મેંદાની પેસ્ટ બનાવો અને તેનાથી કિનારો બંધ કરી દો. તેલ ગરમ કરો અને ગરમા-ગરમ સમોસા તળીને સોસની સાથે સર્વ કરો.

વોલનટ પેસ્ટો પાસ્તા

સામગ્રીઃ

•૧૦ થી ૧૨ નંગ અખરોટ

•૧ કપતુલસીનાં પાન

•૨૦૦ ગ્રામ પાસ્તા (બાફેલા)

•૨ થી ૩ કળી લસણ

•૩ ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ

•૫૦ ગ્રામ ચીઝ

•૨ ટેબલ સ્પૂન ક્રીમ

•મીઠું સ્વાદાનુસાર

•મરી પાઉડર સ્વાદાનુસાર

રીતઃ

તુલસીનાં પાનને મિક્સરમાં ક્રશ્ડ કરી લો. ત્યારબાદ તેમાં લસણ, અખરોટ, ઓલિવ ઓઈલ, ચીઝ નાખી સરખી રીતે મિક્સ કરી લો. હવે એક નોનસ્ટિક પેનને ગરમ કરી તેમાં આ બધી જ સામગ્રી અને પાસ્તા પા કપ પાણી નાખી મિક્સ કરી લો. આ મિશ્રણમાં ૧ ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ નાખી મિક્સ કરો. ત્યારપછી તેમાં ક્રીમ, મીઠું અને મરી પાઉડર નાખી સરખી રીતે મિક્સ કરી લો. પાસ્તાને ર્સ્િાંવગ બાઉલમાં કાઢી ગરમ ગરમ સર્વ કરો.

થાઈ રીંગ્સ

સામગ્રીઃ

•૨ ચમચી સીંગદાણા(શેકીને ભૂકો કરેલા)

•૨ ચમચી મેંદો

•૨ ચમચી કાર્નફ્લોર

•૧/૨ ચમચી સ્ટાર ફૂલ

•૧/૨ ચમચી અજીનો મોટો

•મીઠું સ્વાદાનુસાર

•ચપટી ઓરેંજ રંગ

•કાળા મરી

•કોબીજ

•ગાજર

•શિમલા મરચુ

•ડુંગળી

•લસણ

•આદુ

•લીલા મરચા

રીતઃ

બધી શાકભાજીઓને ૩ થી ૪ ચમચી ઝીણી સમારી લો અને બાકીની સામગ્રીની સાથે તેમને મેંદા અને કોર્નફ્લોર સાથે ગૂંથો. લોટમાં સેકેલી મગફળીન દાણા પણ નાખો, ચાહો તો બદામ અને કાજૂ પણ નાખી શકો છો. આ લોટના બોલ શેપ તૈયાર કરો. ઉપર નટ્‌સ લગાવીને આને ડીપ ફ્રાય કરો.

ટોમેટો સૂપ

સામગ્રીઃ

•૧ ટેબલ સ્પૂન માખણ

•૫૦૦ ગ્રામ ટામેટા

•૧ ડુંગળી

•૧ ગાજર

•૧ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર

•મીઠું સ્વાદાનુસાર

•ખાંડ જરૂર પ્રમાણે

•ક્રીમ અથવા મલાઈ

•ટોસ્ટના ટુકડા

•મરીનો ભુકો

રીતઃ

સૌપ્રથમ એક વાસણમાં માખણ ગરમ કરો તેમાં જીણી સમારેલી ડુંગળી સાંતળો. આછી ગુલાબી રંગની થાય એટલે તેમાં મીઠું ઉમેરો. ગાજર અને ટામેટા બાફી લો. બફાઈ જાય એટલે તેને મીક્સરમાં ક્રશ કરી લો. તેને સૂપના સંચામાં ગાળી લો બાદમાં તેને ગરમ કરો. તેમાં સાંતળેલી ડુંગળી કોર્ન ફ્લોર ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ ઉમેરો. લો તૈયાર છે ગરમ ગરમ ટોમેટો સૂપ સર્વ કરતા પહેલાં તેના પર ક્રિમ અને ટોસ્ટ ઉમેરો.

મૂળાના ભજીયા

સામગ્રીઃ

•૨ નંગ મૂળા (પાન સાથે)

•૧ ચમચી કસૂરી મેથી

•૧/૨ કપ ચણાનો લોટ

•૧ ચમચી હિંગ

•૧ ચપટી સોડા

•૧ ચમચી લાલ મરચું

•૨ બારીક સમારેલાં લીલાં મરચાં

•મીઠું સ્વાદાનુસાર

•તેલ તળવા માટે

રીતઃ

સૌપ્રથમ મૂળાને પાતળા અને લાંબા સમારો. મૂળાનાં પાનને પણ બારીક સમારો. હવે એક બાઉલમાં સમારેલા મૂળા લઈ એમાં કસૂરી મેથી, ચણાનો લોટ, હિંગ, સોડા, લાલ મરચું, લીલાં મરચાં અને મીઠું નાખી મસળો. જરૂર પ્રમાણે પાણી નાખી ફરી મસળો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. એમાં તૈયાર કરેલા ખીરામાંથી ભજિયાં પાડી તળો. ફુદીનાની ચટણી સાથે પીરસો.

આલું કેપ્સિકમ સબ્જી

સામગ્રીઃ

•૨ નંગ મધ્યમ કદાના બટાટા બાફીને સમારેલા

•૩ મધ્યમ કદના કેપ્સિકમ સમારેલા

•૨ મધ્યમ કદની ડુંગળી સમારેલી

•૧ મધ્યમ કદનું ટામેટું સમારેલું

•૨ ટેબલ સ્પૂન કાજુ

•૧/૨ ટી સ્પૂન આદુંની પેસ્ટ

•૩ થી ૪ કળી લસણ

•૧ ટી સ્પૂન સૂકા ધાણા

•૧/૪ ટી સ્પૂન જીરૂં

•૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો

•૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર

•૧/૨ ટી સ્પૂન હળદર

•૨૧/૨ ટેબલ સ્પૂન તેલ

•૧ ટી સ્પૂન ખાંડ

•૧/૪ કપ પાણી

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

સૌપ્રથમ ટામેટાં, કાજુ, લસણ, આદું, ધાણા અને જીરૂં મિક્ષ કરીને મિક્ષરમાં પીસીને પેસ્ટ બનાવી લો. તેમાં પા કપ પાણી ઉમેરીને પ્યોરી બનાવી લેવી. ત્યાર બાદ એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલા કેપ્સિકમ અને મીઠું નાખીને મધ્યમ તાપે ત્રણથી ચાર મિનિટ સુધી ફ્રાય કરી લો. ત્યાર બાદ આ કેપ્સિકમને એક ડિશમાં કાઢી લો. હવે બાકીનું તેલ ફરી એ જ કડાઈમાં તેલ ગરમ કરો. હવે તેમાં ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, હળદર અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી પ્યોરી, ખાંડ અને મીઠું નાખીને ધીમા તાપે ચઢવા દો. પાંચથી છ મિનિટ સુધી સાંતળ્યા બાદ તેમાં બાફેલા બટાટા અને સાંતળેલા કેપ્સિકમ નાખીને બરાબર મિક્ષ કરી લો. શાકમાં પા કપ પાણી ઉમેરીને ધીમા તાપે ચઢવા દો. ત્રણથી ચાર મિનિટ બાદ ગ્રેવી ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. ત્યાર બાદ સબ્જીને સર્વિંગ બાઉલમાં કાઢીને કોથમીરથી ગાર્ન્િાશ કરીને સર્વ કરો.

પાલક કઢી

સામગ્રીઃ

•૨૫૦ ગ્રામ પાલક

•૧૦૦ ગ્રામ ચણાનો લોટ

•૧૦૦ ગ્રામ દહીં

•૧ મોટી ચમચી તેલ

•૨ ચપટી હીંગ

•૧/૪ નાની ચમચી જીરૂં

•૪ થી ૫ કળી સમારેલુ લસણ

•૨ નંગ લાલ મરચાં

•૧/૪ નાની ચમચી લાલ મરચું

•મીઠું સ્વાદાનુસાર

•કોથમીર

રીતઃ

સૌપ્રથમ પાલકની કઢી બનાવવા માટે પાલકને સાફ કરીને સારી રીતે ધોઈ લો. પછી પાલકને ઝીણી સમારી લો. હવે દહીને સારી રીતે ફેંટી લો. તેમા ચણાનો લોટ નાખીને મિક્સ કરો. હવે આ પેસ્ટમાં પાણી નાખી પાતળું ખીરૂ બનાવી લો. મધ્યમ તાપ પર કઢાઈ મુકી તેમાં તેલ નાખીને ગરમ કરો. તેમા હીંગ અને જીરૂ તતડાવો, પછી લસણ અને આખાં મરચાં નાખી દો. ત્યારબાદ હળદર નાખો. હવે તેમાં સમારેલી પાલક અને થોડુ પાણી નાખીને ઢાંકી દો. તેને ધીમા તાપ પર ૧૦ મિનિટ બફાવા દો. હવે આ પાલકમાં બેસનનું મિશ્રણ નાખીને ફૂલ તાપ પર તેને ઉકાળો. તેને સતત હલાવતા રહો. ૧૦ મિનિટ પછી તેમ મીઠુ અને લાલ મરચુ નાખો હવે ગેસ ધીમો કરીને ૧૦ મિનિટ સુધી ઉકાળો. ઉપરથી કોથમીર નાખો. સ્વાદિષ્ટ પાલક કઢી તૈયાર છે. ભાત અને રોટલી સાથે ગરમા ગરમ સર્વ કરો.

ફુલાવર પરાઠા

સામગ્રીઃ

લોટ માટે-

•ઘઉંનો લોટ

•મીઠું સ્વાદાનુસાર

•તેલ જરૂર મુજબ

સ્ટફિંગ માટે-

•૨ નંગ લીલા મરચાં

•૧ ચમચી લાલ મરચું

•૨ મોટા ચમચા ઘી

•૨ નંગ નાના ફુલાવર

•૧ ચમચી તેલ

•૧ ચપટી હીંગ

•૧ ચમચી જીરૂં

•મીઠું સ્વાદાનુસાર

•ધાણાજીરૂં

•કોથમીર

રીતઃ

સૌપ્રથમ પરાઠા માટેનો લોટ તૈયાર કરી લો. ઘઉંના લોટમાં મીઠું અને મોણ નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે પાણી નાખીને કણક તૈયાર કરી લો. લોટને ઢાંકીને થોડીવાર માટે મૂકી રાખો. હવે ફ્લવારને ઝીણું સમારી લો. તેમાં એક ચમચી જેટલું મીઠું નાખીને ૧૫ મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ ફુલાવરને હાથેથી બરાબર નીચોવી લો. એક કડાઈમાં એક ચમચી જેટલી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં હિંગ નાખો. અડધી મિનિટ સાંતળ્યા બાદ તેમાં ફ્લાવર ઉમેરો. ફ્લાવરને એકાદ મિનિટ માટે સાંતળ્યા બાદ તેમાં બધા જ મસાલા નાખીને બરાબર હલાવી લો. એકાદ મિનિટ સાંતળો. ફ્લાવાર અધકચરૂં ચઢી જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તૈયાર કરેલી કણકમાંથી નાનો લુઓ લો. તેમાંથી જાડી પૂરી તૈયાર કરો. હવે આ પૂરીમાં તૈયાર કરેલું સ્ટફિંગ એક ચમચી જેટલું ભરો. ત્યાર બાદ પૂરીને સીલી કરી લો. તૈયાર થયેલા ગોળાને હાથની મદદથી જ પોચા હાથે દબાવો. તૈયાર બાદ અટામણમાં રગદોળીને હલકાં હાથે પરાઠું તૈયાર કરી લો. આ દરમિયાન એક નોન સ્ટિક તવી ગરમ કરો. તવી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલું પરાઠું બંને બાજુથી લાઈટ ગોલ્ડન રંગનું થાય ત્યાં સુધી ચઢવા દો. ત્યાર બાદ પરાઠાને ગરમા-ગરમ ચટણી અને કર્ડ સાથે સર્વ કરો.

કકુંબર-કર્ડ રાઈસ

સામગ્રીઃ

•૧૧/૨ કપ ભાત

•૩ કપ વલોવેલું દહીં

•૩ નંગ કાકડી

•૧ નંગ ગાજર

•૧/૪ કપ વટાણા

•૧ ચમચો તેલ

•૧ ચમચી રાઈ

•૧ ચપટી હિંગ

•૮ થી ૧૦ લીમડાનાં પાન

•૨ નાના ટુકડા વાટેલું આદું

•૩ નંગ લીલાં મરચાં સમારેલાં

•મીઠું સ્વાદ મુજબ

રીતઃ

કાકડી અને ગાજરને એક ઊંડા બાઉલમાં છીણો. તેમાં તૈયાર ભાત ઉમેરી ચમચાથી સહેજ દબાવીને મિકસ કરો. વટાણાને ઊંકળતા પાણીમાં બે-ત્રણ મિનિટ માટે પલાળો પછી નિતારીને એક તરફ રહેવા દો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો. રાઈ તડતડે એટલે તેમાં હિંગ, લીમડો, આદું અને લીલાં મરચાં ભેળવી અડધી મિનિટ માટે સાંતળો. આને ભાતના બાઉલમાં નાખી મિકસ કરો. લીલાં વટાણા અને મીઠું ભેળવો. છેલ્લે દહીં ભેળવો. આને લગભગ પાંચ-દસ મિનિટ રાખી ચિલ્ડ સર્વ કરો.

શાહી કેરીની બરફી

સામગ્રીઃ

•૧ કિલો પાકી કેરી

•૨૦૦ ગ્રામ માવો

•૪૦૦ ગ્રામ ખાંડ

•૧ ચમચી ઘી

•-ઈલાયચી પાવડર

•૨ થી ૩ ચાંદીની વરખ

રીતઃ

કેરીને છોલીને તેમાંથી ગોટલી કાઢીને મિક્સરમાં રસ બનાવી લો. હવે અ રસને કડાઈમાં નાખીને ધીમા તાપ પર ઘટ્ટ કરી લો. માવાને જુદો શેકી લો. તેને બાજુ પર મુકી દો. હવે એક તપેલીમાં ચાસણી બનાવી લો. આ ચાસણીમાં સેકેલો માવો અને ઘટ્ટ થયેલો કેરીનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો. તેમા ઈલાયચી પાવડર નાખીને ફરીથી ઘટ્ટ થવા દો. ઘટ્ટ થયા પછી એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણ પાથરી દો. ઉપર વરક અને કિશમિશ થી સજાવો. ઠંડુ થાય એટલે મનપસંદ આકારમાં કાપી લો.

બનાના અને એપલ સ્મૂધી

સામગ્રીઃ

•૧ પાકેલુ કેળુ

•૧ નાનુ સફરજન

•૧૧/૨ ગ્લાસ દૂધ

•૧ નાની ચમચી મઘ

•૧/૨ ચમચી તજનો પાવડર

•લીંબૂ

રીતઃ

કેળા અને સફરજન સમારી લો. હવે તેના પર લીંબૂનો રસ નાખો. બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં ફેરવી લો. ગ્લાસમાં નાખીને તજનો પાવડર નાખીને સર્વ કરો.

ચોકલેટ લસ્સી

સામગ્રીઃ

•૨ કપ તાજુ દહી

•૫૦ ગ્રામ છીણેલી ચોકલેટ

•૧/૨ કપ ખાંડ

•૧/૨ કપ આઈસ ક્યૂબ્સ

•૧ ટેબલ સ્પૂન

•ડરિકિંગ ચોકલેટ પાવડર

રીતઃ

સૌ પ્રથમ બ્લેંડરમાં દહીં, ચોકલેટ અને ખાંડ મિક્સ કરીને બ્લેંડ કરી લો. પછી તેમા આઈસ ક્યૂબ્સ નાખીને ફરીથી બ્લેંડ કરો. સ્વાદિષ્ટ ચોકલેટ લસ્સી તૈયાર છે. આને કાંચના ગ્લાસમાં ભરો. ઉપરથી ડરિકિંગ ચોકલેટ પાવડર ભભરાવીને ઠંડી લસ્સી પીવો અને પીવડાવો.

દ્રાક્ષની ઠંડાઈ

સામગ્રીઃ

•૫૦૦ ગ્રામ દ્રાક્ષ

•૧ કપ દૂધ

•૫૦ ગ્રામ ખસખસના દાણા

•૧૦ થી ૧૨ નંગ બદામ

•૧૦ ગ્રામ વરિયાળી

•૫ ગ્રામ કાળા મરી

•૧ ચમચી ઈલાયચીના દાણા

•૪ ચમચી ખાંડ-દેશી ગુલાબની પાંદડીઓ

રીતઃ

ખસખસના દાણા, વરિયાળી, કાળા મરી, ઈલાયચીના દાણા, ગુલાબની પાંદડીઓ વગેરેને પાણીમાં ૩ થી ૪ કલાક માટે પલાળી દો, બદામને અલગથી પલાળો. પલળી જાય એટલે બદામની છાલ ઉતારીને બધી સામગ્રી મિક્સ કરીને પીસી લો. દૂધ અને ખાંડને ભેળવીને મુકી રાખો. પીસેલી પેસ્ટને નેટ કે કોઈ પાતળા કપડા પર મુકી દો. પાણી, દૂધ અને ખાંડની મદદ વડે બે થી ત્રણ વખત ગળી લો. દ્રાક્ષનો રસ કાઢીને ગળેલી ઠંડાઈમાં ભેળવી દો. તેને ફ્રીઝમાં મુકીને ઠંડી કરો અથવા આઈસ ક્યુબ નાંખીને સર્વ કરો.

ચિલ્ડ સ્ટ્રોબેરી સૂપ

સામગ્રીઃ

•૨ કપ પાકી સ્ટ્રોબેરી

•૫૦ ગ્રામ ખાંડ

•૧ ટેબલ સ્પૂન કોર્નફ્લોર

•૨ ટેબલ સ્પૂન લીંબૂનો રસ

•ફેટેલું ક્રીમ

રીતઃ

સ્ટ્રોબેરીમાં ૩ કપ પાણી નાખી ઉકાળો. હવે તેને ગેસ પરથી ઉતારી ઠંડુ કરો. ઠંડુ થતા મિક્સરમાં ક્રશ કરીને ગાળી લો. તેમાં ખાંડ, લીંબૂનો રસ અને થોડું પાણી નાખીને બરાબર મિક્સ કરી લો. કોર્નફલોર નાખી એક ઉભરો આવવા દો. હવે તેને તાપ પરથી ઉતારો. ઠંડુ થતા ફ્રિજરમાં મૂકીને એકદમ ચિલ્ડ કરી લો. સૂપ બાઉલ્સમાં ઠંડા ઠંડા સૂપને ભરો. ફેટેલી ક્રીમથી સજાવો. તૈયાર છે ચિલ્ડ સ્ટ્રોબેરી સૂપ. આ ઠંડુ સૂપ ગરમી માટે ઉત્તમ છે.

કોલ્ડ મેંગો ખીર

સામગ્રીઃ

•૧ લીટર દૂધ

•૫૦૦ ગ્રામ કેરી

•૨૦૦ ગ્રામ ખાંડ

•૧ ચમચી કસ્ટર્ડ પાવડર

•કતરેલા સુકા માવા

•ઈલાયચી પાવડર

•કેસર

રીતઃ

દૂધની અંદર કેસર નાંખીને ઉકળવા દો. કેરીને છોલીને તેના નાના નાના ટુકડા કરી લો. જ્યારે દૂધ સારી રીતે ઉકળીને ગાઢુ થઈ જાય ત્યારે તેની અંદર કસ્ટર્ડ પાવડર ઠંડા દૂધની અંદર ઓગાળીને ભેળવી દો અને ખાંડ નાંખી દો. એક બે ઉભરા આવી જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી દો અને ઠંડુ થવા માટે મુકી દો. જ્યારે દૂધ ઠંડુ થઈ જાય ત્યારે કેરીના ટુકડા નાંખીને ફ્રીઝની અંદર ઠંડુ થવા માટે મુકી દો. દૂધ ચીલ્ડ થઈ જાય એટલે તેની અંદર સૂકા મેવાની કતરણ, કેસર અને ઈલાયચી નાંખીને સર્વ કરો.

સત્તુ સુપર શેક

સામગ્રીઃ

•૨૫૦ મીલીગ્રામ દૂધ

•૨ ટેબલ સ્પૂન સત્તુ

•ખાંડ સ્વાદાનુસાર

•આઈસ ક્યુબ્સ

•બદામ-પિસ્તાની કતરણ

રીતઃ

સત્તુ, દૂધ, ખાંડ અને બરફ નાખીને મિક્સરમાં સારી રીતે મિક્સ કરી લો. લાંબા ગ્લાસમાં નાખીને કતરેલા મેવાથી સજાવો. કુલ કુલ સત્તુ સુપર શેક પીવો અને પીવડાવો.

કેરીનુ પાન

સામગ્રીઃ

•૩ થી ૪ કેરીના પાપડ

•૫૦ ગ્રામ કોપરાંનુ છીણ

•૫૦ ગ્રામ દળેલી ખાંડ

•૧ ચમચી ઈલાયચી પાવડર

•૮ થી ૧૦ લવિંગ

•૩ થી ૪ ચાંદીની વરખ

•બદામ

•પિસ્તા

•કાજુ

•કિશમિશ

રીતઃ

કોપરાનુ છીણ, ખાંડ અને બધા જ મેવાની કતરણને મિક્સ કરીને તૈયાર કરી લો. પાપડના ૪ ભાગ કરો. પાનના મસાલાની જેમ પાપડના ટુકડા પર મેવાનુ મિશ્રણ મુકો. તેને પાનના બીડા જેવો આકાર આપીને તેને ઉપર લવિંગથી પેક કરી દો. ઉપરથી ચાંદીની વરક લગાવીને સર્વ કરો.

સોયા મેંગો શેક

સામગ્રીઃ

•૧૫૦ ગ્રામ સોયા મિલ્ક

•૫ ગ્રામ સ્કિમ્ડ મિલ્ક પાવડર

•થોડી ચમચી કેસર

•૨ થી ૩ લચ્છા કેરી

•૧/૨ ચમચી ખસખસ

•ઈલાયચી પાવડર

•ખાંડ સ્વાદાનુસાર

રીતઃ

સૌ પ્રથમ સોયા મિલ્કમાં બરફ, સ્કિમ્ડ મિલ્ક પાવડર, કેરી, કેસર, ખસખસ, ઈલાયચી મિક્સ કરીને મિક્સરમાં સારી રીતે ફેંટી લો. હવે ચાયણીથી ચાળી લો અને કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર તૈયાર કોલ્ડ સોયા મેંગો શેક સર્વ કરો.

શાહી પનીર

સામગ્રીઃ

•૫૦૦ ગ્રામ પનીર

•૫ મિડિયમ કદના ટામેટાં

•૨ લીલા મરચાં

•૧ નાનો ટૂકડો આદું

•૨ ચમચા ઘી કે તેલ

•૧/૨ ચમચી જીરૂં

•૧/૪ ચમચી હળદર

•૧ નાની ચમચી ધાણાજીરૂં

•૧/૪ ચમચી લાલ મરચું

•૨૫ થી ૩૦ નંગ કાજુ

•૧૦૦ ગ્રામ મલાઈ કે ક્રીમ

•૧/૪ ચમચી ગરમ મસાલો

•મીઠું સ્વાદાનુસાર

•કોથમીર

રીતઃ

સૌપ્રથમ પનીરને એકસરખા ચોરસ ટૂકડાંમાં કાપી લો. કઢાઈમાં ૧ ચમચી તેલ નાંખી સામાન્ય બ્રાઉન થાય ત્યાંસુધી પનીર તળો અને કાઢી લો. કાજુની અડધો કલાક પાણીમાં પલાળી રાખો અને પછી બારીક પીસી વાસણમાં કાઢી લો. ટામેટા, આદું અને લીલા મરચાને મિક્સીથી પીસી પેસ્ટ બનાવો. પેસ્ટને કાઢીને ગ્લાસમાં રાખો. મલાઈને પણ મિક્સીમાં ગ્રાઈન્ડ કરો. હવે કઢાઈમાં ઘી કે માખણ નાંખી ગરમ કરો. ગરમ ઘીમાં જીરૂં નાંખો. જીરૂં બ્રાઉન રંગનું થાય ત્યારે હળદળ, ધાણાજીરૂં નાંખી થોડી સેકન્ડોમાં જ તેમાં ટામેટાની પેસ્ટ નાંખો. હલાવતા રહો. આ પેસ્ટ સંતળાઈ જાય એટલે કાજુની પેસ્ટ અને મલાઈ નાંખી મસાલાને ચમચાથી ત્યાંસુધી હલાવો જ્યાંસુધી આ ગ્રેવીની ઉપર તેલ તરતું ન દેખાવા લાગે. આ ગ્રેવીને જરૂરિયાત પ્રમાણે ઈચ્છો તેટલી પતલી રાખી શકો છો અને તેના માટે તેમાં પાણી નાંખો. હવે તેમાં મીઠું અને મરચું પણ ઉમેરો.ગ્રેવી બરાબર ઉકળી જાય એટલે તેમાં પનીરના ટૂકડાં નાંખો અને ઢાંકીને ધીમી આંચે આ શાકને ચઢવા દો જેથી પનીરની અંદર બધો મસાલો ચઢી જાય. શાહી પનીર સબ્જી તૈયાર છે. ગેસની આંચ બંધ કરી દો. થોડી કોથમીર બચાવી બાકીની કોથમીર અને ગરમ મસાલો પણ ઉમેરી દો.

ચીલી પનીર

સામગ્રીઃ

•૩૫૦ ગ્રામ પનીર

•૧/૨ કપ કોર્ન ફ્લોર

•૧ ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ

•૨ કપ સમારેલી ડુંગળી

•૨ ટેબલસ્પૂન સ્લાઈસ કરેલા લીલાં મરચાં

•૧ ટેબલસ્પૂન સોયા સોસ

•૨ ટેબલસ્પૂન વિનેગર

•૧/૪ ટીસ્પૂન આજીનોમોટો

•મીઠું સ્વાદાનુસાર

•તેલ તળવા માટે

•થોડું પાણી

રીતઃ

પનીરના ટુકડા કરી લો. એક બાઉલમાં એક ટીસ્પૂન મીઠું, કોર્ન ફ્લોર, આદુ-લસણની પેસ્ટ અને પાણી મિક્સ કરીને રાખો. એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં પનીરના ટુકડાને મિશ્રણમાં બોળીને તળો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. બે ટેબલસ્પૂન તેલને ગરમ કરો અને તેમાં ૩૦ સેકન્ડ સુધી સમારેલી ડુંગળી સાંતળો. તેમાં લીલાં મરચાં, મીઠું, સોયા સોસ, વિનેગર, આજીનોમોટો અને તળેલા પનીરના ટુકડા ઉમેરો. બરાબર મિક્સ કરો. તેને લીલી ડુંગળી અને લીલા ધાણા સાથે ગાર્ન્િાશ કરી શકો છો.

મસાલા દહીં પનીર

સામગ્રીઃ

•૨૦૦ ગ્રામ તાજું પનીર

•૧ નાનો ટુકડો આદું

•૨ થી ૩ નંગ લીલાં મરચાં

•૩ થી ૪ કળી લસણ

•૧ નંગ ડુંગળી

•૨ થી ૩ નંગ તમાલપત્ર

•૧ નાનો ટુકડો તજ

•૨ થી ૩ નંગ એલચી

•૧ ચમચી ધાણા પાઉડર

•૧ ચમચી મરચું

•૧ ચમચો ક્રીમ

•૨૦૦ ગ્રામ દહીં

•મરી પાવડર

•મીઠું સ્વાદાનુસાર

•કોઠમીર

રીતઃ

સૌપ્રથમ પનીરની લાંબી ચીરીઓ કરો. લીલાં મરચાં, આદું અને ડુંગળીને ક્રશ કરી પેસ્ટ બનાવો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં પહેલા તમાલપત્ર, તજ, એલચી નાખીને અડધી મિનિટ માટે સાંતળો. હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. તેમાં બે ચમચા પાણી ઉમેરો. હવે તેમાં વલોવેલું દહીં, મરચું, કોથમીર, મીઠું અને એક કપ પાણી રેડીને હલાવો. ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો. ત્યારબાદ તેમાં પનીરની ચીરીઓ નાખો. કોથમીર, ક્રીમ અને મરીનો પાઉડર નાખી રોટી સાથે સ્વાદ માણો.

કડાઈ કોર્ન પનીર

સામગ્રીઃ

•૨૫૦ ગ્રામ પનીર

•૧૦ થી ૧૫ નંગ બેબી કોર્ન

•૨ નંગ ડુંગળી

•૩ નંગ કેપ્સિકમ

•૩ નંગ ટામેટા

•૨ ચમચા તેલ

•૧ ચપટી આજીનો મોટો

•૧/૨ ચમચી હળદર

•૨ ચમચી મરચું

•૨ ચમચી જીરાંનો પાઉડર

•૧ ચમચી કસૂરી મેથી

•૧ ચમચો સમારેલી કોથમીર

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

સૌપ્રથમ પનીરના પ્રમાણસર ચોરસ ટુકડા કરો. ત્યાર બાદ બેબી કોર્નની પાતળી સ્લાઈસ કરો. ડુંગળીને પણ બારીક સમારી લો. ટામેટા અને કેપ્સિકમનો ગર કાઢીને તેના ચોરસ ટુકડા સમારો. હવે તેલ ગરમ કરી તેજ આંચ પર ડુંગળી સાંતળો. તે પછી તેમાં આજીનો મોટો, બેબી કોર્ન, કેપ્સિકમ, ટામેટા, હળદર, જીરાંનો પાઉડર, કસૂરી મેથી અને મીઠું ઉમેરી બધા શાક નરમ થાય ત્યાં સુધી રહેવા દો. છેલ્લે પનીરના ક્યૂબ્સ નાખી થોડી વાર રાખો. કોથમીરથી સજાવીને સર્વ કરો.

કાજુ પનીર

સામગ્રીઃ

•૨૦૦ ગ્રામ ફ્રેશ પનીર

•૧૫૦ ગ્રામ કાજુની પેસ્ટ

•૨ નંગ કેપ્સિકમ

•૨ નંગ ડુંગળી

•૧૦ ગ્રામ લાલ મરચું પાવડર

•૨ મોટા ચમચા તેલ

•૫ ગ્રામ આદુંની પેસ્ટ

•૫ ગ્રામ લસણની પેસ્ટ

•જીરૂં

•ગરમ મસાલો

•મીઠું

•મરી પાવડર

રીતઃ

સૌપ્રથમ પનીરના ટૂકડાં કરી લો. કઢાઈમાં તેલ નાંખો. તેલ ગરમ થતાં તેમાં જીરૂં નાંખી વઘાર કરો. ઝીણી કાપેલી ડુંગળી નાંખી સામાન્ય ભૂરો રંગ પકડાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં આદું-લસણની પેસ્ટ પણ નાંખો. ત્યાર પછી ઝીણા કાપેલા કેપ્સિકમ નાંખો. એકાદ મિનિટ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં કાજુની પેસ્ટ સહિતના બાકીના બધા મસાલા નાંખો. હવે આ મિશ્રણ તેલ છોડવા લાગે એટલે તેમાં પનીરના ટૂકડાં નાંખી એકાદ-બે મિનિટ સુધી ગેસની આંચ ચાલુ રાખી રાંધો. હવે ગેસની આંચ બંધ કરી ગરમા-ગરમ સર્વ કરો.

મલાઈ પનીર

સામગ્રીઃ

•૨૫૦ ગ્રામ પનીર

•૩ નંગ ડુંગળી

•૨ ચમચી કાપેલું આદુ

•૧ ચપટી હળદર

•૧ ચમચી કાળા મરીનો પાડવર

•૨ ચમચી કસુરી મેથી

•૩ કપ મલાઈ

•૧ નંગ લીલું કેપ્સિકમ

•૧ નંગ લાલ કેપ્સિકમ

•૨ ચમચા તેલ

•મીઠું સ્વાદાનુસાર

•કોથમીર

રીતઃ

સૌથી પહેલા પનીરને બરાબર એકસરખા ટૂકડાંમાં કાપી લો. ત્યારબાદ ડુંગળી, આદુ અને લીલી કોથમીર પણ કાપી લો. કેપ્સિકમને પણ પનીરની જેમ જ કાપી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરી ડુંગળીને ત્યાંસુધી તળો જ્યાંસુધી તે સામાન્ય સોનેરી રંગની ન થઈ જાય.હવે તેમાં કાપેલું આદુ, કસુરી મેથી, કાળા મરીનો પાવડર અને મીઠું ઉમેરો. હવે તેમાં કેપ્સિકમ નાંખી થોડીવાર સુધી ચઢવા દો. પછી તેમાં હળદર અને પનીર નાંખી સારી રીતે મિક્સ કરો. ઉપરથી ફ્રેશ મલાઈ નાંખી સારી રીતે ગરમ થવા દો. બધી સામગ્રી બરાબર મિક્સ થઈ જાય એટલે ઉપરથી કોથમીરથી ગાર્ન્િાશ કરી ગરમાગરમ સર્વ કરો.

મસાલા પનીર વીથ બટર

સામગ્રીઃ

•૨૫૦ ગ્રામ પનીર

•૨૦૦ ગ્રામ તાજુ ક્રિમ

•૨૦૦ ગ્રામ ટમેટાની પ્યૂરી

•૨૩ ટેબલસ્પૂન માખણ

•૨ ટેબલસ્પૂન સૂકી મેથીના પત્તા

•૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર

•૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો

•૨૩ લીલા મરચા

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

એક પેનમાં માખણને ગરમ કરો. તેમાં લીલા મરચાં, ટમેટાની પ્યૂરી, કસૂરી મેથી (સૂકી મેથીના પત્તા), લાલ મરચાંનો પાવડર ઉમેરો અને ૪૫ મિનીટ સુધી સાંતળો.હવે તેમાં ક્રિમ અને ગરમ મસાલો ઉમેરો અને વધુ ૨૩ મિનીટ સુધી પાકવા દો. હવે તેમાં પનીરના ટુકડા ઉમેરીને વધુ એક મિનીટ સુધી પાકવા દો. તૈયાર છે પનીર મખ્ખનવાલા. કોથમીરથી ગાર્ન્િાશ કરીને સર્વ કરો.

પનીર-મેથી ભુર્જી

સામગ્રીઃ

•૧ ઝૂડી સમારેલી મેથી

•૧૦૦ ગ્રામ પનીર

•૨ ચમચા તેલ

•૧/૪ ચમચી હિંગ

•૩ થી ૪ સૂકાં લાલ મરચાં

•૧ ચમચી જીરૂં

•૧ ચમચી બારીક સમારેલું આદું

•૧ ચમચી બારીક સમારેલું લસણ

•૨ થી ૩ લીલાં મરચાં સમારેલાં

•૨ નંગ ડુંગળી બારીક સમારેલી

•૧/૨ ચમચી લાલ મરચું પાઉડર

•૧/૪ ચમચી હળદર

•૧ ચમચી કસૂરી મેથી

•૧/૪ કપ દૂધ

•૧ શેકેલા પાપડનો ભુક્કો

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

પનીરને હાથેથી મસળી ભુક્કો કરી લો અને અલગ રાખો. એક હાંડી અથવા નૉન સ્ટિક પૅનમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ એમાં હિંગ અને સૂકાં લાલ મરચાં ઉમેરી સાંતળો. ત્યાર બાદ જીરૂં, આદુંની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. ત્યાર બાદ લીલાં મરચાં અને કાંદા ઉમેરી કાંદા ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. સમારેલી મેથી ઉમેરી ધીમા તાપે બે મિનિટ સાંતળો.હવે લાલ મરચાંનો પાઉડર, હળદર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ પનીરનો ભુક્કો અને કસૂરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરો. સર્વિંગ બૉલમાં કાઢી ઉપરથી પાપડનો ભુક્કો ભભરાવો અને રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.

મેથી મલાઈ પનીર

સામગ્રીઃ

•૨૦૦ ગ્રામ પનીર ક્યૂબ્સ

•૧ નંગ લીલું મરચું

•૧ નંગ ડુંગળી

•૧ ચમચી આદું-લસણની પેસ્ટ

•૧ નંગ ટામેટું

•૧૦૦ ગ્રામ મેથી ભાજી

•૧ ચમચી ધાણાજીરૂ

•૧/૨ ચમચી લાલ મરચું પાવડર

•૧ ચપટી હળદર પાવડર

•૧ ચમચી ગરમ મસાલો

•૨ ચમચી દૂધ

•૧ કપ તાજી ક્રીમ

•૧ ચમચી કાળા મરી

•૧ ચમચી ઘી

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો. તેમા પનીરના ક્યૂબ્સ નાખીને ૨ મિનિટ સુધી ફ્રાઈ કરો. પનીરને નિતારી એક તરફ મુકી દો. હવે એ જ કઢાઈમાં થોડુ વધુ તેલ નાખીને તેમા સમારેલા મરચાં અને ડુંગળી નાખીને ફ્રાય કરો. ત્યારબાદ આદું-લસણની પેસ્ટ નાખો અને ૫ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં સમારેલી મેથી નાખી દો. હવે તેમા બધા મસાલા જેમ કે લાલ મરચુ, ધાણાજીરૂ, હળદર, ગરમ મસાલો નાખીને ૨ મિનિટ સુધી હલાવતા રહો. હવે આ ફ્રાય મસાલામાં દૂધ અને ક્રીમ નાખો અને થોડીવાર માટે થવા દો. હવે ગ્રેવીમાં કાળા મરીનો પાવડર અને તળેલા પનીરના ટુકડા નાખો તેમજ ૨ મિનિટ સુધી ચઢવા દો પછી ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ શાકને કોથમીરથી ગાર્ન્િાશ કરીને સર્વ કરો.

પાલક પનીર

સામગ્રીઃ

•૫૦૦ ગ્રામ પાલક

•૧/૨ ચમચી ખાંડ

•૨૦૦ ગ્રામ પનીર

•૨ ટેબલ સ્પૂન તેલ

•૧ ચપટી હીંગ

•૧/૨ ચમચી જીરૂં

•૨ ચમચી કસૂરી મેથી

•૨ થી ૩ નંગ ટામેટાં

•૩ થી ૪ નંગ લીલા મરચાં

•૧ ઈંચનો આદુંનો ટુકડો

•૨ નાની ચમચી ચણાનો લોટ

•૨ ટેબલ સ્પૂન મલાઈ

•૧/૪ નાની ગરમ મસાલો

•૨ ચમચી લીંબૂનો રસ

•મીઠું સ્વાદાનુસાર

રીતઃ

સૌપ્રથમ પાલકની દંડીઓ તોડી હટાવી દો. પાનને સારી રીતે ધોઈને એક વાસણમાં નાખો. ૧/૪ કપ પાણી અને ખાંડ નાખી દો. ઢાંકીને ઉકાળીને એક બાજુ મુકો. ૫૬ મિનિટમાં પાલક ઉકળી જતા ગેસ બંધ કરો. પનીરને ચોરસ ટુકડાને તળીને બાજુ પર મુકી દો. ટામેટાને ધોઈને કાપી લો. લીલા મરચાંની દાંડિયો કાઢીને તેને સમારી લો, આદુંને છોલીને બારીક ટુકડા કરો. આ બધાને મિક્સરમાં વાટી લો. કઢાઈમાં તેલ ગરમ કરી તેમા હિંગ અને જીરૂ નાખો, જીરૂ સેકાયા પછી કસૂરી મેથી નાખો અને બેસન નાખીને થોડુ શેકી લો. હવે આ મસાલામાં ટામેટા, અદરક, મરચાનું પેસ્ટ નાખીને સેકો, હવે ક્રીમ કે મલાઈ નાખો અને મસાલો જ્યા સુધી તેલ ન છોડે ત્યાં સુધી સેકો. ઉકાળેલી પાલકને ઠંડી કરીને મિક્સરમાં પેસ્ટ બનાવી લો. પાલકના પેસ્ટને મસાલામાં નાખી દો. રસા માટે તમને જોઈએ એટલુ પાણી અને મીઠુ નાખો. ઉકાળો આવે પછી તેમાં પનીરના ટુકડા નાખી દો. ૨ મિનિટ ઉકાળ્યા પછી ગેસ બંધ કરી દો. પાલક પનીરનુ શાક તૈયાર છે. ઉપરથી ગરમ મસાલો અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરીને થોડીવારમાં સર્વ કરો.

વેજિટેબલ કટલેસ

સામગ્રીઃ

•૧૦૦ ગ્રામ લીલા વટાણા

•૧૦૦ ગ્રામ ગાજર

•૩૦૦ ગ્રામ બટાટા

•૧૦૦ ગ્રામ ફણસી

•૧૦૦ ગ્રામ ફૂલગોબી

•૧ નંગ મોટા કદની ડુંગળી

•૧ ચમચી જીરૂ

•બ્રેડનો ભૂકો

•કોથમીર

•ફૂદીનો

•ટામેટાં

•આદું

•મરચાં

•તેલ

•લીંબુ

•મીઠું

રીતઃ

સૌપ્રથમ બટાકાને બાફી, છાલ કાઢી માવો બનાવો. બધા શાકને બાફીને માવો કરો. હવે બધું ભેગું કરી તેમાં બ્રેડનો ભૂકો નાખો. બધું હલાવી પૂરણ કરો. તેના નાના ગોળા કરીને કટલેસનો આકાર આપો અને પછી તેને બંને બાજુ તેલ વડે તવા પર શેકી લો. બે કટલેસ વચ્ચે ડુંગળી અને ટામેટાની સ્લાઈસ મૂકી ઉપયોગ કરો. વેફર, સલાડ અને ચટણી સાથે પણ તે સ્વાદિષ્ટ લાગે છે. ગરમ-ગરમ પીરસો.

બ્રાઉની બ્રેડ કટલેસ

સામગ્રીઃ

•૪ સ્લાઈસ બ્રાઉન બ્રેડ

•૧ નંગ બાફેલા બટાકા

•૨ નંગ છીણેલા ગાજર

•૨ કપ વટાણા

•૨ કપ અમેરિકન મકાઈ

•મીઠું સ્વાદાનુસાર

•ચાટ મસાલો

રીતઃ

સૌપ્રથમ બાફેલા બટાકામાં ગાજરનું છીણ, વટાણા, અમેરિકન મકાઈ અને બધો મસાલો મિકસ કરો. તેમાં જરૂર લાગે તો લીંબુનો રસ પણ ઈચ્છો તો ભેળવી શકો છો. ત્યાર બાદ બ્રાઉન બ્રેડને થોડી વાર પલાળો. પછી હાથથી દબાવી પાણી નિતારી લો. તે પછી તેમાં મસાલો ભરી ચપટી ગોળ કટલેટ વાળો. આ કટલેટ્‌સને નોનસ્ટિક પર થોડું તેલ મૂકી આછી બદામી રંગની સાંતળી લો. ગરમા-ગરમ કટલેસને ચટણી સાથે સર્વ કરો.

ચાઈનીઝ કટલેસ

સામગ્રીઃ

•બ્રેડના નાના ટુકડા

•ભાત

•કોબી

•ફણસી

•વટાણા

•મીઠું

•મરચું

•લીંબુનો રસ

•તેલ

•કોથમીર

રીતઃ

ઉપરની બધી જ સામગ્રી મીક્ષ કરી બરાબર મિશ્રણ તૈયાર કરો. તેને કટલેસ જેવો શેપ આપવો. અને પછી તેને ધીમા એક નોન સ્ટિક પેનને ગરમ કરો. તેના પર તેલ લગાવો. તૈયાર કરેલી કટલેસને શેલો ફ્રાય કરી લો. બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરો. ગરમા-ગરમ ચટણી અને સોસ સાથે સર્વ કરો.

લેબેનીઝ કટલેસ

સામગ્રીઃ

•૨ કપ કાબુલી ચણા

•૩ થી ૪ નંગ લીલાં મરચાં બારીક સમારેલાં

•૧ કપ કોથમીર

•૧/૪ ટી સ્પૂન સોડા

•૧ ટી સ્પૂન જીરૂં વાટેલું

•૧ ટી સ્પૂન ગરમ મસાલો

•૨ ટેબલ સ્પૂન ચોખાનો લોટ

•૧/૨ કપ બ્રેડનો ભૂક્કો

•મીઠું સ્વાદાનુસાર

•લીંબુ રસ સ્વાદનુસાર

•તેલ તળવા માટે

રીતઃ

સૌપ્રથમ ચણાને પ-૬ કલાક પાણીમાં પલાળી પછી એમાંથી પાણી નિતારવું. ચણામાં લીલા મરચાં ભેળવીને થોડું કરકરૂં પીસો. એમાં બાકી બધી સામગ્રી ભેળવો. આ મિશ્રણ નરમ લાગે તો એમાં થોડા પૌંઆ મિકસ કરો. આ મિશ્રણના ચપટા ગોળ કટલેટ બનાવીને એને ગરમ તેલમાં હલકા લાલ થવા સુધી ધીમા ગેસે તળી લો. તેને હમસ અને યોગર્ટ તાહિની ડીપ સાથે પીરસો.