હું સમજુ છું એ જ મારો વાંક Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું સમજુ છું એ જ મારો વાંક

હું સમજુ છું

એ જ મારો વાંક?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તમે કાપીને કાં ફેંકી દીધા? એ તો તમે જાણો,

મેં લંબાવ્યા હતા હાથ, તમોને ભેટવા માટે.

-'કાયમ' હઝારી

દરેક માણસ પોતાને સમજુ સમજે છે. માણસ કેવો હોય છે? સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે માણસ કાં તો સમજુ હોય છે અથવા તો અણસમજુ હોય છે. આ વાત સાચી છે? ના. કોઈ માણસ સંપૂર્ણ સમજુ નથી હોતો અને તદ્દન અણસમજુ પણ નથી હોતો. દરેક પાસે પોતાની એક સમજ હોય છે. આ સમજ કાં તો સાચી હોય છે, કાં તો ખોટી હોય છે. આપણે બધાને આપણી સમજથી માપતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિની સમજ આપણી સમજ સાથે મેચ ન થાય એટલે આપણે તેને અણસમજુ જાહેર કરી દેતા હોઈએ છીએ. સમજનું કે અણસમજનું કોઈ માપ નથી. કેટલી સમજ હોય તો માણસ સમજુ કહેવાય? કેટલી સમજ ન હોય તો માણસ અણસમજુ કહેવાય?સમજનું કોઈ માપ નથી. સમજનું કોઈ મીટર નથી. સમજનું કોઈ ત્રાજવું નથી. સમજ દરેક માણસ પોતાની રીતે મૂલવે છે. કોઈ એક વ્યક્તિ કોઈને સમજુ લાગે. બનવાજોગ છે કે એ જ વ્યક્તિ બીજા કોઈને અણસમજુ લાગે. દરેક પોતાના મીટર મુજબ જ માપતાં હોય છે! એટલે જ માપ જુદું જુદું નીકળે છે!

સમજુ હોવું એટલે શું? જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય, જ્યારે કોઈ વર્તન કરવાનું હોય અથવા તો જ્યારે કોઈ વાત કરવાની હોય ત્યારે વાજબી અને ગળે ઊતરે એ રીતે વર્તવું. દરેક વ્યક્તિની એક ક્ષમતા હોય છે, દરેકની અમુક લાઇક્સ અને ડિસલાઇક્સ હોય છે. દરેકની એક માનસિકતા હોય છે, એ મુજબ માણસ વર્તતો હોય છે. માણસ ઘણી વખત એવી દ્વિધામાં હોય છે કે પોતાનું વિચારવું કે પછી બધાનું વિચારવું? સંબંધમાં માણસ એક હદથી વધુ સ્વાર્થી થઈ શકતો નથી. એ બધાનું વિચારે છે. કોઈ માણસને એકલા સુખી થવું હોતું નથી. દરેક માણસે કોઈને સુખી કરવા હોય છે. માણસ પત્ની અને સંતાનોને સુખી કરવા ઘણું કરતો હોય છે. પત્ની પતિને રાજી રાખવા મથતી હોય છે. ભાઈ-બહેનને દુઃખી કરવાં પણ કોઈને ગમતાં નથી. મિત્રો માટે પણ માણસ ઘણું બધું કરતો હોય છે. બધા માટે કરતો હોય એને માણસ સમજુ કહે છે. આવા સમજુ માણસને જ ક્યારેક એવું થતું હોય છે કે, મારે જ બધાનું કરવાનું? હું સમજુ છું એ જ મારો વાંક?

એક યુવાનની વાત છે. ઘરમાં કંઈ પણ હોય તો બધા એને જ કામ સોંપે. કંઈ લઈ આવવાનું હોય કે ફોન રિચાર્જ કરવાનો હોય તો એને જ કહેવામાં આવે. બધા એને કામ સોંપીને છૂટી જાય. કામ ન કરે તો પાછું એને સંભળાવે પણ ખરા કે આજકાલ તું અમારી વાતને ગંભીરતાથી લેતો નથી! એક દિવસ આ યુવાને તેના પિતાને કહ્યું કે, હું બધાનું કામ કરું છું, બધા પાછળ ખેંચાવ છું, બધા જલસા કરે છે, મને ઓર્ડર કરી દે છે અને મારાથી કંઈ ન થાય તો દોષ મને દે છે. તમે પણ એ જ કહો છો કે તું સમજુ છે એટલે બધા તને કહે છે. હું સમજુ છું એ જ મારો વાંક છે? પિતાએ કહ્યું કે, ના એ તારો વાંક નથી. એ તારી સમજ છે. તારી આવડત છે. તારી હોશિયારી છે. ડોબો હોત તો તને કોઈ કંઈ ન કહેત! એક વખત તેં સારી રીતે કામ કર્યું એટલે તને બીજી વખત સોંપ્યું. તારી એ ફિતરત છે કે તને જે સોંપ્યું એ તું કરવાનો જ છે. સમજણની પણ કિંમત તો ચૂકવવી જ પડતી હોય છે! તમને એવું જ કામ સોંપવામાં આવે છે જેવી તમારી સમજણ હોય. સમજ એ એક લાયકાત છે.

કોઈ પણ ઘર હોય, સંસ્થા હોય, આર્ગેનાઇઝેશન હોય કે કંપની હોય, તમે માર્ક કરજો અમુક લોકો જ ખરા દિલથી અને પૂરી નિષ્ઠાથી કામ કરતા હશે. આ લોકો ઉપર જ કામનો વધુ બોજ હશે. એક કંપની હતી. તેણે એક નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો હતો. બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ મળી. આ પ્રોજેક્ટ કોને સોંપવો તેના પર વિચાર થયો. એક વ્યક્તિની પસંદગી કરવામાં આવી. એક ડિરેક્ટરે કહ્યું કે, એના ઉપર ઓલરેડી કામનો વધુ બોજ છે. એ વખતે મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે, એટલે જ આ વ્યક્તિ આ પ્રોજેક્ટને લાયક છે. નવરાં તો ઘણા છે. એ લાયક નથી. લાયક હોત તો એ નવરાં જ ન હોત! એક સરસ મજાની કહેવત છે. તમારે કોઈ મહત્ત્વનું કામ સોંપવું હોય તો અત્યંત બિઝી માણસને સોંપજો. નવરા માણસ પાસે બિલકુલ ફુરસદ હોતી નથી. બિઝી માણસ ગમે તેમ મેનેજ કરીને ટાઇમ કાઢશે, પણ નવરાં માણસને ક્યાંયથી સમય નહીં મળે! નામ એનાં જ હોય છે જે કામ કરે છે.

ટ્વેન્ટી પર્સન્ટની એક થિયરી છે. આ થિયરી કહે છે કે કોઈ પણ સ્થળે માત્ર ૨૦ ટકા લોકો જ સંપૂર્ણપણે એક્ટિવ હોય છે. તેના કારણે જ સફળતા મળતી હોય છે. તમે તમારી ઓફિસમાં ચેક કરી જોજો. આ વાત સાચી લાગશે. ઘરમાં પણ અમુક લોકો જ બધાની ચિંતા કરતાં હોય છે. કોઈ પણ કટોકટી વખતે કે જવાબદારીવાળા કામ વખતે એને જ યાદ કરવામાં આવતા હોય છે. અમુક લોકોનું નામ પડે ત્યાં જ એવું કહેવાતું હોય છે કે એને તો રહેવા જ દેજો. એ આખા કામ પર પાણી ફેરવી દેશે! એ ભલે નવરો બેસે. એને કામ સોંપશું તો લાખના બાર હજાર કરશે!

આપણે એ નક્કી કરવાનું હોય છે કે આપણે ૨૦ ટકામાં રહેવું છે કે પછી ૮૦ ટકામાં? ૨૦ ટકામાં રહેવું હશે તો ભોગવવું તો પડશે જ. એક ઝાડમાં પાંદડાં હજારો હોય છે, પણ ફળ થોડાંક જ હોય છે. લોકો પાંદડાં પાડતાં નથી, ફળ જ પાડે છે. ફળ જ ખાવામાં કામ આવે છે. પાંદડાં કાં તો સુકાઈ જાય છે અને કાં તો બાળી નાખવામાં આવે છે. થાય તો ઠીક છે એવી મેન્ટાલિટીવાળા બહુ આગળ વધી શકતા નથી. ન કેમ થાય એવું વિચારવાવાળા જ કંઈક કરી શકતા હોય છે!

સમજ હોય એને જ સહન કરવું પડતું હોય છે. સમજ હોય એને જ સાંભળવું પડતું હોય છે. સમજ ન હોય એને કોઈ સંભળાવતું પણ નથી. એને કંઈ કહેવાનો કોઈ મતલબ નથી એમ કહી માણસ એની બાદબાકી કરે છે. બે ભાઈઓ વચ્ચે એક બાબતે ઝઘડો થયો. માએ કહ્યું, તું જતું કરી દે. તું તો સમજુ છેને? એ કંઈ સમજતો નથી! હા, સમજુ હોય એણે જ જતું કરવું પડતું હોય છે. જતું કરવામાં ઝિંદાદિલી જોઈએ. માણસ જ જતું કરી શકે છે. મડદાં નહીં.

તમારી હાજરીનું મહત્ત્વ છે? તમારી હયાતીનું વજૂદ છે? કોઈ કામ માટે તમારી રાહ જોવાય છે? તો માનજો કે તમે સમજુ છો. જેની જરૂર હોય છે એ જ હોય છે, બાકી બધા વગર ચાલી જતું હોય છે. ઘણા માણસો એવા હોય છે જેને કોઈ ફેર પડતો નથી. સમજુ હોય એને જ ફેર પડતો હોય છે. સમજણ એક શક્તિ છે. શક્તિ અને સામર્થ્ય સામે જ સવાલો થાય છે. અણસમજુ ઉપર તો માણસે પહેલેથી ચોકડી મૂકી દીધી હોય છે. સમજુ હોય છે એ જ સમજતાં હોય છે. જવાબ મળે એમ હોય એને જ આપણે સવાલ પૂછતા હોઈએ છીએ, બાકી તો કોઈ સવાલ પૂછવા જેટલો પણ સમય બગાડતાં નથી!

છેલ્લો સીન :

સમજ હોય તો સારી વાત છે. અણસમજ હોય તોપણ ચાલશે. ગેરસમજ ન થાય એટલું ધ્યાન રાખજો! –કેયુ

(લેખક ‘દિવ્ય ભાસ્કર’માં મેગેઝિન એડિટર છે)