પ્લીઝ, તું કંઇક આપણી વાત કરને! Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

પ્લીઝ, તું કંઇક આપણી વાત કરને!

પ્લીઝ, તું કંઇક

આપણી વાત કરને!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હવે ક્યાં લાભ ને શુભ કે ક્યાં કંકુના થાપા,

દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ.

-મનોજ ખંડેરિયા

બાત નિકલેગી તો બહોત દૂર તલક જાયેગી... કોઈ વાત શરૂ થાય એટલે એ ઊડવા લાગે છે. વાત ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. આવું થાય ત્યારે ઘણી વખત જે વાત ખરેખર કરવાની હોય છે એ રહી જાય છે. વાત કરવી એ એક કળા છે. ક્યારે કઈ વાત કરવી અને ક્યારે કઈ વાત ટાળવી એ એક આવડત છે. કેટલી બધી વાત આપણાં મનમાં જ રહી જતી હોય છે? આજે હું એને મળીશ ત્યારે આ વાત કરીશ, એવું ઘણી વખત આપણે નક્કી કર્યું હોય છે. વાત કેવી રીતે શરૂ કરવી એની પૂર્વભૂમિકા પણ આપણે મનમાં બાંધી રાખી હોય છે. મળીએ ત્યારે ઘણી વખત આપણે આવી એટલે કે કરવા જેવી વાત મુલતવી રાખીએ છીએ. એનો મૂડ એવો હતોને કે મને એ વાત છેડવાનું યોગ્ય ન લાગ્યું એવું આપણે કહીએ છીએ.

દરેકને કંઈક કહેવું હોય છે. દરેકને કંઈક સાંભળવું હોય છે. દરેક વાતનો એક સમય હોય છે. દરેક વાતની એક નજાકત હોય છે. દરેક વાતનો એક મૂડ હોય છે. તમે આ સમય, આ મૂડ, આ નજાકત પકડી શકો છો? ઘણી વખત તો આપણને ખબર હોય છે કે આ માણસ આ વાત કરવા આવ્યો છે. આપણે એ વાત ટાળવી હોય છે. આપણે તેને એ વાત શરૂ કરવાનો મોકો જ નથી આપતા. વાતથી બચવાનો આ કોઈ ઇલાજ નથી. કોઈ વાતથી ભાગી શકાતું નથી. કદાચ થોડો સમય ટાળી શકાય. છેલ્લે તો એ વાત ફરીને સામે આવતી જ હોય છે. વાતને ફેસ કરવી જોઈએ. તેનો સ્વસ્થતાથી સામનો કરવો જોઈએ.

આપણે કોઈને મળીએ ત્યારે શું વાત કરતા હોઈએ છીએ? વાત ક્યારેક કામની હોય છે, ક્યારેક નકામી હોય છે, ક્યારેક ગોસિપ હોય છે, ક્યારેક ચર્ચા હોય છે, ક્યારેક વિવાદ હોય છે, ક્યારેક શાસ્ત્રાર્થ હોય છે અને ક્યારેક સત્સંગ હોય છે. સત્સંગ માત્ર સંત સાથે થાય એવું જરૂરી નથી. સંબંધમાં સત્ત્વ હોય તો દરેક વાત સત્સંગની કક્ષાએ પહોંચતી હોય છે. સત્સંગ માટે સ્વસંગ જરૂરી હોય છે. ઘણી વખત કોઈને મળવાનું થાય ત્યારે એવું સાંભળવા મળે છે કે રહેવા દેને યાર, એને મળવામાં કોઈ સાર નથી. એની વાતમાં કોઈ દમ હોતો નથી. એ એકની એક વાત કહ્યા રાખે છે. એની એ વાતો સાંભળીને કંટાળો આવે છે. ઘણાને મળતી વખતે તો આપણે એવી બેટ પણ મારતા હોઈએ છીએ કે બોલ, તને કહી દઉં, એ કઈ કઈ વાત કરશે? તમારા સંવાદને 'પ્રેડિક્ટેબલ' ન બનવા દો, જો એવું થશે તો લોકો તમને ટાળવાનું શરૂ કરી દેશે.

વાત કરતી વખતે આપણે એવું વિચારીએ છીએ કે આપણે કોને મળીએ છીએ? શા માટે મળીએ છીએ? હા, આપણો સ્વાર્થ હોય ત્યારે આપણે બધી જ તૈયારી કરીને જઈએ છીએ. જોકે, બધી જ વાત, બધો જ સંવાદ માત્ર સ્વાર્થ માટે નથી હોતો. કેટલીક વાત સ્નેહ માટે અને સંબંધ માટે હોય છે. એક પ્રેમી અને પ્રેમિકા હતાં. બંને નિયમિત રીતે મળતાં. પ્રેમી જ્યારે પણ મળે ત્યારે તેની ઓફિસની વાતો કરવા માંડતો. પોતાના ફ્રેન્ડ્સની વાતો ચાલુ કરી દેતો. કંઈ ન હોય તો ફિલ્મની ચર્ચા કરવા માંડતો. ક્યારેક ક્રિકેટની વાતો માંડતો તો ક્યારેક કોણે શું કરવું તેની વાતો શરૂ કરી દેતો. એક વખત તેની પ્રેમિકાએ કહ્યું, તું આપણી વાત કરને! થોડીક મારી વાત કર, થોડીક તારી વાત કર. કોઈની જ વાતો કરવાનો મતલબ શું? પ્રેમ આપણો છે, સંબંધ આપણો છે, આપણા મિલનનો સમય પણ આપણો છે તો પછી વાતો બીજાની શા માટે? મારે નથી સાંભળવી બીજા કોઈની વાત. મને કોઈનાથી મતલબ નથી. જે છે એ તારાથી છે. જે છે એ મારાથી છે. જે છે એ આપણાથી છે. પ્લીઝ, તું કંઈક આપણી વાત કર!

ઘણી વખત આપણે એટલે જ એવું કહી દેતા હોઈએ છીએ કે જો તું એ જ વાત શરૂ કરવાનો હોય તો આપણે નથી મળવું. દરેક વાતનો એક અંત હોય છે. એક લિમિટ હોય છે. એ વાત ત્યાં પૂરી થઈ જવી જોઈએ. ચોળીને ચીકણું કરવાનો કોઈ મતલબ હોતો નથી. આપણી વ્યક્તિની વાત ચોક્કસપણે સાંભળવી જોઈએ, પણ જ્યારે વધુ પડતું લાગે ત્યારે તેને અટકાવવી પણ જોઈએ. બસ બહુ થયું, હવે એ વાત છોડ. નક્કામી વાત કરીને તારું મગજ ન બગાડ.

તમારી વ્યક્તિ જ્યારે તમારી પાસે આવે ત્યારે તમને એની ખબર પડી જાય છે કે એને કંઈક કહેવું છે? જો આવું થતું હોય તો તમે માનજો કે તમારામાં કંઈક ખૂબી છે. તારે કંઈ કહેવું છે? આવ, બેસ, શું વાત છે? ખુલ્લા દિલે અને કોઈ પણ જાતના ડર કે સંકોચ વગર મને વાત કહે. તમને ખબર છે દરેક સંતાનને પોતાનાં માતા-પિતા સાથે અમુક સમયે બહુ જ અંગત વાત કરવી હોય છે. પોતાની સમસ્યાનો ઉકેલ જોઈતો હોય છે. મૂંઝવણનો માર્ગ જોઈતો હોય છે. બહુ ઓછાં સંતાનો મા-બાપને જે વાત કહેવી હોય છે એ કહી શકતાં હોય છે. જ્યારે માણસ પોતાનાને કોઈ વાત કરી શકતી નથી ત્યારે એ પારકા પાસે જાય છે. એમાં જ એ ઘણી વખત છેતરાય છે. આપણી વ્યક્તિ જ્યારે આપણને એના દિલની વાત ન કરે ત્યારે મોટાભાગે એમાં વાંક એનો નહીં પણ આપણો હોય છે. આપણે બધા સાથે તો હોઈએ છીએ પણ પાસે નથી હોતા!

કેટલાં દંપતીઓ સાથે બેસીને પોતાની વાતો કરતાં હોય છે? દાંપત્ય વાતોથી સર્જાતું હોય છે, વ્યવહારોથી નહીં. એનિવર્સરીનું આપણે સેલિબ્રેશન કરીએ છીએ, પણ સેલિબ્રેશનમાં સંવાદ હોતો નથી. જ્યાં સંવાદ ન હોય ત્યાં ફક્ત વાદ રહી જાય છે. ક્યારેક પતિવાદ હોય છે અને ક્યારેક પત્નીવાદ. વાત જ્યારે વાદ બની જાય પછી એ વિવાદ જ થઈ જાય છે. વિવાદ વિખવાદ સુધી પહોંચે છે. વિખવાદ ઘણી વખત વિદાય સુધી પહોંચી જાય છે. એક-એક હોવું અલગ વાત છે અને એક-મેક હોવું જુદી વાત છે. 'ટચ' કરી શકાય એટલાયે 'અટેચ' નથી હોતા અને વાતો અટેચમેન્ટની કરતાં હોઈએ છીએ! એનિવર્સરી વખતે કેટલા લોકો પોતાની વ્યક્તિને એવું પૂછતા હોય છે કે તું મારાથી ખુશ છે? મને મેળવ્યાનો તને સંતોષ છે? તારી વ્યક્તિ તરીકે હું સફળ થયો છું કે સફળ થઈ છું? હું તને સમજી શકું છું? આવ, આપણે વાત કરીએ આપણી જિંદગીની, આપણા સાથની, આપણી સફરની.

ટોળાં ભેગાં કરવાનો કોઈ મતલબ હોતો નથી. કેક કપાય ત્યારે દિલ જરાયે જોડાય છે? કેટલાંક પ્રસંગો એવા હોય છે જ્યારે વિખરાઈ ગયેલા ટુકડાઓને એકઠા કરીને એક કરવાના હોય છે અને એકબીજાને બનાવવાના હોય છે કે જો બધું જ એક છે, અખંડ છે, આપણા પ્રેમના જેવું જ, આપણી જિંદગી જેવું જ અને આપણા સહવાસ જેવું જ. એક એનિવર્સરી વખતે પત્નીએ કહ્યું કે આ દિવસે મારે માત્ર તારી અને તારી સાથે જ રહેવું છે. નો પાર્ટી, નો સેલિબ્રેશન. તારી સાથે વાતો કરી આપણાથી થયેલી ભૂલોને દફનાવી દેવી છે. આપણા બંનેથી બગડેલા આપણી જિંદગીના સમય માટે થોડુંક રડવું છે અને ભારે થઈ થયેલી જિંદગીને હળવી કરવા માટે થોડુંક હસવું છે. ચલ, પ્રેમના પેપરનું થોડુંક એસેસમેન્ટ કરીએ. આપણે નાપાસ નથી થવું. ટકાવારીને થોડીક વધારી દઈએ. તારો હાથ મારા હાથમાં લઈને બેસી રહેવું છે અને તારા સાથને વાગોળવો છે. વાતમાં તાકાત છે. વાતમાં પ્રેમ છે. વાતમાં વજૂદ છે. વાતમાં વાત્સલ્ય છે. વાતને ફંટાવવા ન દો. વાતનું વતેસર ન થવા દો. પકડવા જેવી વાત પકડી રાખો અને છોડવા જેવી વાતને છોડી દો. એક-મેકનાં મન સુધી જવું અને ત્યાં રહેવું અઘરું નથી, બસ આપણી તૈયારી હોવી જોઈએ!

છેલ્લો સીન :

માત્ર દિલથી નીકળેલો શબ્દ જ દિલ સુધી પહોંચે છે. વાત જ્યારે પ્રેમ, લાગણી, દોસ્તી અને દિલદારીની હોય ત્યારે દિમાગને કષ્ટ ન આપો! –કેયુ

(લેખક ‘દિવ્ય ભાસ્કર’માં મેગેઝિન એડિટર છે)

kkantu@gmail.com