ચાલ, આ વાતને હવે અહીં જ ખતમ કર! Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલ, આ વાતને હવે અહીં જ ખતમ કર!

ચાલ, આ વાતને હવે

અહીં જ ખતમ કર!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હમારા યે તજુર્બા હૈ કિ ખુશ હોના મુહબ્બત મેં,

કભી મુશ્કિલ નહીં હોતા, કભી આસાં નહીં હોતા.

-ફિરાક ગોરખપુરી

જે ગાંઠ છૂટી શકે તેમ હોય તો એને તોડવી નહીં એવું એક મહાન માણસે કહ્યું છે. એક ઘા અને બે કટકા કરી દેવાનું બહુ સહેલું હોય છે. અખંડ રાખવું જ અઘરું હોય છે. ઝઘડા થવા બહુ જ સ્વાભાવિક છે. ગમે એવો સમજુ માણસ પણ ક્યારેક ઉશ્કેરાય જતો હોય છે. રિએક્શન એ એક્શનનો પ્રત્યુત્તર છે. આપણે કેવી રીતે રિએક્ટ કરીએ છીએ તેના ઉપરથી આપણી સમજદારીનું માપ નીકળે છે. માણસની માનસિકતા દરેક વખતે પોઝિટિવ હોતી નથી. મૂડ, સ્થિતિ અને સંજોગ ઘણી વખત આપણને આપણાં કાબૂમાં જ રહેવા દેતાં નથી. ઘણી વખતે આપણે સાચા હોઈએ છીએ પણ આપણી રીત સાચી હોતી નથી. ગાડી બરાબર ચાલે એ જરૂરી છે પણ તેનાથીયે વધારે જરૂરી એ હોય છે કે ગાડી રાઈટ ટ્રેકમાં ચાલે. ભૂલ ન કરવી એમાં ડહાપણ છે. ભૂલ થઈ જાય પછી કેવી રીતે વર્તવું એમાં ડહાપણની પરીક્ષા છે.

દુનિયામાં તમે ક્યારેય કોઈ એવો માણસ જોયો છે જેને કોઈ દિવસ કોઈની સાથે ઝઘડો ન થયો હોય? માણસનું વર્તન ક્યારેય એકસરખું રહી જ ન શકે. કોઈ માણસ સતત પ્રેમ પણ ન કરી શકે. ગુસ્સો કંટ્રોલમાં રહેવો જોઈએ. ગુસ્સાના ગેરફાયદા બધાને ખબર છે. ક્યારેક ગુસ્સાનાં કારણો પણ હોય છે. સમજાવી સમજાવીને થાકી જઈએ છતાં ન સમજે ત્યારે ગમે એવી ધીરજવાળો માણસ પણ છંછેડાઈ જાય છે. તને કેટલી વાર કહેવું? તને કોઈ વાતની ગંભીરતા છે કે નહીં? તારે બધું તારી રીતે જ કરવું છે? કોઈ વાત તારા ભેજામાં ઊતરતી જ નથી? ઈનફ ઈઝ ઈનફ એવું લાગે ત્યારે માણસનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. અમુક વખતે આપણી વ્યક્તિના ભલા માટે ગુસ્સે થવું પણ પડતું હોય છે.

દરેક માણસની ગુસ્સાની પોતાની આગવી સ્ટાઈલ હોય છે. કેટલાંક લોકો અવાજ ઊંચો કરી દે છે. કેટલાંક તો વળી માનવાચક શબ્દોથી બોલાવવા માંડે છે. ઘણાં મા-બાપ એવાં હોય છે જે નારાજ થાય ત્યારે પોતાનાં સંતાનોના નામ પાછળ ભાઈ કે બહેન લગાડીને વાત કરે છે. તું ને બદલે તમે કહેવા માંડે છે. તમને તો કંઈ ફેર જ પડતો નથીને? ના કહું છું તો પણ તમારે ધાર્યું કરવું જ છે. તમારી ઇચ્છા થાય એમ કરો. તમને તો એવું જ લાગશે કે અમે બક-બક કરીએ છીએ અને તમને રોક-ટોક કરતાં રહીએ છીએ. ઘણા વળી ડોળા કાઢીને ગુસ્સો વ્યક્ત કરે છે. કંઈ વાત કરીએ કે તરત જ આંખો પહોળી કરીને સામું જોવા માંડે છે. આપણે સમજી જવાનું કે, બાપા ગુસ્સે થયા છે. અમુક લોકો વળી મોઢું ચડાવીને બોલવાનું જ બંધ કરી દે છે. કેટલાંક લોકો તો વોર્નિંગ પણ આપે છે કે હવે તું બંધ થા, મને ગુસ્સો આવે છે. સીધો હાથ જ ઉપાડીને ધડાધડ કરી નાખનારાની પણ કમી નથી.

તમને ગુસ્સો આવે છે ત્યારે તમે શું કરો છો? એના કરતાં પણ એ સમજવું જરૂરી હોય છે કે તમે જે કરો છો એ વાજબી છે? ઉપાય સુઝાડવાવાળા વળી એવી વાતો કરે છે કે ગુસ્સો આવે ત્યારે એકથી દસ ગણવા અને જ્યાં સુધી ગુસ્સો ખતમ ન થઈ જાય ત્યાં સુધી તેને રિપીટ કરતાં રહેવું. અલબત્ત, ગુસ્સો આવે ત્યારે એકડા-બગડા ભુલાઈ જતાં હોય છે. એટલી સમજ હોય તો ગુસ્સો આવે જ નહીંને! વાત એ નથી કે ગુસ્સો આવે જ નહીં, એ તો આવવાનો છે. આપણને ખબર જ નથી પડતી કે ગુસ્સો આવી ગયો. ગુસ્સાની આગાહી થઈ શકતી નથી. ગુસ્સાનો અંદાજ ત્યારે જ આવે છે જ્યારે એણે તબાહી મચાવી દીધી હોય છે. ગુસ્સાનાં પરિણામો ભયંકર હોય છે. ઘણી વખત તો જ્યારે સમજાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. એક કહેવત છે, 'અબ પસ્તાયે હોત ક્યા, જબ ચિડિયા ચૂગ ગઈ ખેત!'

આપણે ખોટી રીતે ગુસ્સે થયા હતા એ વાતનો અહેસાસ થવો એ પણ કંઈ નાનીસૂની વાત નથી. મારે આવી રીતે વર્તન કરવું જોઈતું ન હતું. મારી ભૂલ થઈ ગઈ. આઈ એમ સોરી. બહુ ઓછા લોકો આવું કહી શકતા હોય છે. તમે આવું કરો છો? કરતાં હોવ તો સારી વાત છે. જોકે એમાં પણ સાવધાની રાખવાની જરૂર હોય છે. એક પતિ-પત્ની હતાં. બધાં કપલની જેમ તેને પણ ઝઘડા થતા. પતિ ગુસ્સે થઈ જતો. એક વખત ઝઘડો ચાલતો હતો ત્યારે પત્નીએ કહ્યું, તું ખોટો ઝઘડો કરે છે. મને એ પણ ખબર છે કે પછી તું મને સોરી કહેશે. દરેક વખતે તું આવું જ કરે છે. તારા ઝઘડા કરતાં પણ વધારે હું તારા સોરીથી તંગ આવી ગઈ છું. સોરી કહી દીધું એટલે તું છૂટી ગયો? દરેક વખતે ઝઘડો થાય, તું સોરી કહે અને હું જતું કરી દઉં. તને ક્યારેય એમ નથી થતું કે એક દિવસ મારી પણ લિમિટ આવી જશે?

ઘણાં લોકો સમજુ હોય છે. પોતાની વ્યક્તિ ગુસ્સે થાય ત્યારે એ કહે છે કે, જસ્ટ રિલેક્સ. અત્યારે આ વાત જવા દે. તું ગુસ્સામાં છે. ગુસ્સામાં માણસ સરખી રીતે વાત કરી શકતો નથી. આપણે શાંતિથી વાત કરીશું. ઘણા લોકો એવું પણ વિચારીને ટાળી દેતાં હોય છે કે આને હમણાં વતાવવા જેવો નથી. એનું મગજ ઠેકાણે નથી. એકનું મગજ ઠેકાણે ન હોય ત્યાં સુધી વાંધો નથી આવતો પણ બંનેનું મગજ ઠેકાણે ન હોય ત્યારે? ઝઘડો ક્યારેક એટલો બધો વધી જતો હોય છે કે વાંક કોનો હતો એ વાત ગૌણ બની જાય છે! બંનેને એકબીજાના જ વાંક દેખાય છે. તેં આમ કહ્યું એટલે મેં આમ કર્યું. તેં ન કર્યું હોત તો હું પણ ન કરત. શરૂઆત તેં કરી હતી. તો તું પણ ક્યાં શાંતિથી વાત કરતો હતો? આવું જ થતું રહે છે.

એક કપલ હતું. બંનેએ લવમેરેજ કર્યા હતા. ક્યારેક ઝઘડા થઈ જતા. એક દિવસ વાત વણસી ગઈ. બંનેએ બોલવાનું બંધ કર્યું. પત્નીએ આખરે કહ્યું કે ચલ જવા દે. થવાનું હતું એ થઈ ગયું. એ વાત યાદ કર કે આપણે કેટલા બધા પ્રયત્નો પછી ભેગાં થઈ શક્યાં છીએ. એકબીજાનું મોઢું જોવા તડપતાં હતાં. આપણે એકબીજાને કહેતાં હતાં કે આપણે ક્યારેય નહીં ઝઘડીએ. આપણે એકબીજાથી નારાજ થવા ભેગાં થયાં છીએ કે પ્રેમ કરવા? ચલ છોડ, ભૂલી જા.

તમે ગુસ્સે થાવ ત્યારે માત્ર એટલું જ વિચારો કે તમે જેના પર ગુસ્સે થયા છો એને પ્રેમ કરો છો? એ તમને પ્રેમ કરે છે? તો વાતને પૂરી કરી નાખો. તારો વાંક હતો કે મારો વાંક ન હતો એ પુરવાર કરવાનો પણ પ્રયાસ ન કરો, કારણ કે સમય અને મૂડ બંનેનો બગડતો હોય છે. એક વખત ઝઘડો થયો એના બીજા દિવસે પત્નીએ પતિને કહ્યું કે, થેંક યુ. કાલે હું ગુસ્સે થઈ હતી પણ તેં સંભાળી લીધું. વાંક મારો હતો તો પણ તેં જતું કર્યું, પરિસ્થિતિ સાચવી લીધી. તું મારા કરતાં વધુ સમજુ છે. પતિએ કહ્યું, વાત સમજુ હોવાની કે ન હોવાની નથી. વાત પ્રેમ હોવાની છે! માર્ક કરજો, આપણે સૌથી વધુ એના પર જ ગુસ્સે થતાં હોઈએ છીએ જેને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ! પ્રેમ કરવાની એ પણ એક રીત છે કે અમુક વાત જ્યારે પૂરી કરવાની હોય ત્યારે એને પૂરી કરી દઈએ. સમય સાચવી લેતા આવડતું હોય એ ક્યારેય અફસોસ થાય એટલું મોડું થવા દેતા હોતા નથી.

છેલ્લો સીન :

કોઈ પણ વ્યક્તિના દિલ અને દિમાગને જાણવા માટે તેણે જીવનમાં શું મેળવ્યું છે તે નહીં પણ તે શું મેળવવા પ્રયત્ન કરી રહ્યો છે, તેને સમજવાનો પ્રયત્ન કરજો. –અજ્ઞાત

(લેખક ‘દિવ્ય ભાસ્કર’માં મેગેઝિન એડિટર છે.)