તને તો માત્ર સારા વિચારો જ આવે છે! Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જાદુ - ભાગ 6

    જાદુ ભાગ ૬આજે કોઈને પણ જગાડવાની જરૂર ના પડી . બધા બાળકો જલ્દ...

  • રેડ સુરત - 7

      શુભ દેસાઇ, નામ જ સુરત માટે પૂરતું હતું. જાતે અનાવિલ બ્રાહ્...

  • નિતુ - પ્રકરણ 82

    નિતુ : ૮૨(વાસ્તવ) નિતુ તેની સામે બેસતા બોલી, "અમને હતું જ કે...

  • શંખનાદ - 19

    રોડ પર ટ્રાફિક બહુ હતો ..ફિરદોશે શકીલ ને રોડ ની બીજી બાજુ ઉત...

  • મારા અનુભવો - ભાગ 27

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 27શિર્ષક:- તાંત્રિક સામે.લેખક:-...

શ્રેણી
શેયર કરો

તને તો માત્ર સારા વિચારો જ આવે છે!

તને તો માત્ર સારા

વિચારો જ આવે છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ઝમાના આજ નહીં ડગમગા કે ચલને કા,

સંભલ ભી જા કે અભી વક્ત હૈ સંભલને કા,

યે ઠીક હૈ કિ સિતારોં પે ઘૂમ આયે હમ,

મગર કિસે હૈ સલીકા ઝમીં પે ચલને કા?

-જાંનિસાર અખ્તર

વિચારો લગામ વગરના ઘોડા જેવા હોય છે. એક પછી બીજો અને બીજા પછી ત્રીજો વિચાર આવતો જ રહે છે. વિચારને વિરામ આપતાં બધાને ફાવતું નથી. આપણે તો વિચારોનું મૂલ્યાંકન પણ કરતાં નથી. વિચારોને બસ આવવા દઈએ છીએ. માણસ પાસે બે વિકલ્પ હોય છે. એક તો વિચાર મુજબ દોરવાતા રહીએ અને બીજો વિચારને આપણે દોરવતાં રહીએ. મોટાભાગે માણસ વિચારો મુજબ દોરવાતો રહે છે. વિચારો જ્યાં લઈ જાય ત્યાં પહોંચી જાય છે. બહુ ઓછા લોકો વિચારોને કાબૂમાં રાખી શકે છે. વિચારોને કંટ્રોલ કરતાં આવડવું જોઈએ, નહીંતર વિચારો આપણા ઉપર કંટ્રોલ કરી લે છે. જિંદગીને વહેવા દેવી જોઈએ એ સાચું પણ જિંદગી જે તરફ વહી રહી છે એ દિશા તો બરોબર છેને એ ચેક કરતાં રહેવું પડે છે.

વિચારોની બાઉન્ડ્રી નક્કી ન કરીએ તો વિચારો આપણને દોડાવતાં જ રહે છે. તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે કોઈ એક બાબત માટે કેટલો વિચાર કરવો જોઈએ? કોઈ એક કામ પાંચ મિનિટમાં પતી જાય એમ હોય તો એના માટે દસ મિનિટ વિચારો કરવા ન જોઈએ. એક સફળ કંપનીના સીઈઓને પૂછવામાં આવ્યું કે તમારી સફળતાનું કારણ શું? તેણે કહ્યું કે હું અમુક નિર્ણયો કરવા માટે અમુક ચોક્કસ સમય ફાળવું છે. એક નિર્ણય માટે અડધા કલાકથી વધારે વિચાર નહીં કરવાનો. આ સમય દરમિયાન પ્લસ અને માઇનસ બધા જ વિચાર કરી લેવાના અને પછી નિર્ણય લઈ લેવાનો. એક વખત નિર્ણય કરી લીધા પછી એના અમલ પાછળ લાગી પડવાનું.

કોઈ માણસ એમ કહે કે આ કામ માટે હું વર્ષોથી વિચાર કરું છું તો માનજો કે હજુ વર્ષો સુધી એ વિચાર જ કરતો રહેવાનો છે. વિચાર કરીને નિર્ણય લઈ લો અને પછી લીધેલા નિર્ણય ઉપર શંકા પણ ન કરો. તમારા વિચારોને પછી આ નિર્ણય સાર્થક કરવા પાછળ જ લગાવી દો. જિંદગીમાં વિચારોનું ચોક્કસ મહત્ત્વ છે પણ યાદ રાખો કે માત્ર વિચાર કરવાથી જ કંઈ થઈ જવાનું નથી. બીજી એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે તમારા વિચારો તમારે જ સાર્થક કરવા પડશે. બીજું કોઈ નહીં કરે.

એક યુવાન હતો. તેનું બ્રેઇન ક્રિએટિવ હતું. આ યુવાનને અદભુત આઇડિયાઝ આવતા હતા. એ પોતાના આઇડિયાઝ કંપનીમાં શેર કરતો. તેના બીજા સાથી કર્મચારીઓ આ આઇડિયાઝ ઝડપી લેતા. એક યુવાને તેના આઈડિયા મુજબ ખૂબ મહેનત કરીને સફળતા મેળવી. કંપનીએ તેને એવાર્ડ આપ્યો. પેલા યુવાને કહ્યું કે એ આઈડિયા તો મારો હતો. એ સમયે કંપનીના બોસે કહ્યું કે હા, આઇડિયા તારો હતો પણ તેં કર્યું શું? માત્ર સારા આઈડિયા આવે એ પૂરતું નથી. તેના પર કામ પણ થવું જોઈએ. તું વાતો સારી કરે છે. કામ કંઈ કરતો નથી. આઈડિયાને સફળ બનાવવા માટે વધુ મહેનત કરવી પડતી હોય છે. આપણે ત્યાં ઘણાં લોકો એવા હોય જેની વાતો સાંભળીને લાગે કે યાર આ માણસ તો જિનિયસ છે, પણ એ લોકો કંઈ કરતાં હોતા નથી. બુદ્ધિ જેટલી જરૂરી છે એટલી જ જરૂરી ધગશ અને મહેનત છે.

એક ફિલોસોફર લેક્ચર આપતા હતા. તેના વિચારો અલૌકિક હતા. એ વાત કરે ત્યારે ચારે તરફ પોઝિટિવિટી છવાઈ જતી. તેમની વાતો સાંભળનારાને થતું કે બસ આ વ્યક્તિ કરે છે એવું કરીએ તો જિંદગી સુંદરબની જાય. પ્રવચન પૂરું થયું પછી એક માણસ ફિલોસોફર પાસે આવ્યો. તેણે કહ્યું કે, તમારી બધી જ વાતો સાચી અને સારી હોય છે. જીવનમાં ઉતારવા જેવી પણ લાગે છે. પ્રોબ્લેમ એ છે કે ખરી જિંદગીમાં આવું થઈ શકતું નથી. ફિલોસોફરે કહ્યું કે તમારી વાત બહુ જ સાચી છે. હું તમને કોઈ વિચાર આપું ત્યારે તમને એ ઉમદા લાગે છે. તમે એને ગ્રહણ કરો છો પણ તેને પોષતા નથી. વિચારને પાકવા દેવો પડે છે. કુંભારના કામને માર્ક કરજો. એ માટીનો લોંદો લઈ ચાકડે મૂકશે. ઘડો બનાવશે. કાચા ઘડાને પકાવવા માટે નીંભાડામાં નાખશે. એ ઘડો પછી કામ લાગશે. આપણે તો વિચાર તરત જ સાર્થક થઈ જાય એવું ઇચ્છીએ છીએ! વિચારો એમ સાર્થક નથી થતાં. વિચારોને પણ પકવવા પડે છે. સારા વિચારને વળગી રહેવું પડે છે. આપણે વિચારને છટકી જવા દઈએ છીએ. વિચારને પકડી રાખવામાં મહેનત કરવી પડે છે. આમ એટલે આમ જ કરીશ એવું નક્કી કરવું પડે છે. સાધના બેસીને થાય છે પણ સાધનાને સિદ્ધ કરવા બેસી રહેવું પડે છે. આપણામાં એટલી ધીરજ જ ક્યાં હોય છે?

આજકાલ ઈન્સ્ટંટનો જમાનો છે. બધાને બધું જ ઝડપથી જોઈએ છે. મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ થાય એટલી આસાનીથી કોઈ સફળતા મળતી નથી. એક ઇચ્છા સેવો. આ ઇચ્છાને બળવત્તર બનાવો. ઇચ્છાને સિદ્ધિમાં ફેરવવા મહેનત કરો. આજે જે લોકો આગળ છે એ ત્યાં એમ જ નથી પહોંચ્યા, તેની પાછળ તેમની મહેનત હોય છે. નસીબ તો બધા પાસે હોય છે પણ નસીબને વાસ્તવિકતામાં પલટાવવા માટે પ્રયત્ન કરવા પડે છે. વિચારોને દરરોજ મહેનતનું પાણી પીવડાવતાં રહેવું પડે છે. તો જ વિચારો ખીલે છે.

પોઝિટિવ વિચારો કરવાવાળા તો ઢગલાબંધ લોકો છે. આપણે બધાં જ સારું વિચારીએ છીએ. જિંદગી અને સંબંધોમાં પણ પોઝિટિવ વિચારોને અમલમાં મૂકવા પડે છે. માત્ર લાગણી હોય એ પૂરતું નથી. એક પતિ-પત્ની હતાં. પતિ સારો માણસ હતો. પત્નીનું ધ્યાન રાખવું જોઈએ. પત્નીને પ્રેમ કરવો જોઈએ એવું પણ એ વિચારતો હતો. દરરોજ એ પત્નીને એવું કહેતો કે આઈ લવ યુ. એક વખત જ્યારે પતિએ પત્નીને આઈ લવ યુ કહ્યું ત્યારે પત્નીએ પૂછયું કે તું મને કહે છે પણ મને એ ફીલ કેમ નથી થતું કે તું મને પ્રેમ કરે છે? ખાલી તું બોલી દે એનાથી તું માની લે છે કે તું મને પ્રેમ કરે છે. એ પ્રેમ દેખાતો કેમ નથી? તારી વાત સારી છે પણ તારી વાતની અસર વર્તનમાં કેમ દેખાતી નથી. તારી પાસે શબ્દો છે, એ શબ્દો સુંદર પણ છે, પરંતુ એ શબ્દો સાર્થક થતાં નથી. ઘણાં લોકો ક્યારેય હું તને પ્રેમ કરું છું એમ બોલતાં હોતા નથી પણ એ પ્રેમ કરતાં હોય છે. પ્રેમ કરતાં હોવ અને ન બોલો તો ચાલે પણ બોલતા હોવ અને પ્રેમ ન કરો તો એ ન ચાલે.

જિંદગીમાં નેગેટિવિટી ન હોય એ સારી વાત છે પણ માત્ર પોઝિટિવિટી પણ પૂરતી નથી. પોઝિટિવિટી વ્યક્ત થવી જોઈએ. સારા વિચારો આવે એ પૂરતું નથી, સારા વિચારોને અમલમાં મૂકો. સારા વિચાર મુજબ જીવો. તમારે તમારા વિચારોની અસર પેદા કરવી હોય તો તમારા વિચારો મુજબ વર્તન કરો. સારું વાહન હોય એ પૂરતું નથી. સારું વાહન ચલાવવું પડે છે. આપણા ગેરેજમાં વાહનોનો ભંડાર હોય પણ એકેય વાહનને બહાર જ ન કાઢીએ તો? આપણી પાસે વિચાર તો અઢળક હોય છે પણ આપણે તેને વાપરતાં નથી. દસ વાહનો હોય એનો કોઈ અર્થ નથી, એક જ વાહન હોય પણ તમે જો તેનો ઉપયોગ કરો તો જ મંઝિલે પહોંચી શકો. તમારા વિચારને વેગ આપો. તમારી પાસે પણ સુંદર વિચારો તો છે જ, એ વિચારો મુજબ જે કરવું પડે એ કરવા માંડો. સારા વિચારોને જો અમલમાં ન મૂકીએ તો એ રાતના આવતાં સપનાં જેવા જ રહે છે. ઊઠીએ ત્યારે આપણે હતા ત્યાં જ હોઈએ છીએ!

છેલ્લો સીન :

બસ, એ દાખલો જ મને ન આવડયો,

કે તારી બાદબાકી પછી શું વધે મારામાં!

-વોટ્સ-એપથી મળેલો એક મેસેજ.

(લેખક ‘દિવ્ય ભાસ્કર’માં મેગેઝિન એડિટર છે)