Kasumbino Rang - Swarachit Geeto Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

Kasumbino Rang - Swarachit Geeto


કસુંબીનો રંગ

(ચૂંટેલા સ્વરચિત ગીતો)

ઝવેરચંદ મેઘાણી



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

સ્વરચિત ગીતો

•અમે ખતેરથી, વાડીઓથી

•આગે કદમ! આગે કદમ! આગે કદમ!

•આભમાં ઉગેલ ચાંદલો (શિવાજીનું હાલરડું)

•આવજો આવજો, વા’લી બા!

•આષાઢી સાંજના અંબર ગાજે

•ઓતરાદા વાયરા, ઉઠો ઉઠો

•કોઈ દી સાંભરે નૈ (માની યાદ)

•ગરજ હોય તો આવ ગોતવા

•ગાજે ગગને મેહુલિયા રે

•ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ

•ઘણ રે બોલે ને એરણ સાંભળે

•છેલ્લો કટોરો ઝેરનો આ : પી, જજો, બાપુ!

•૧૩. તારે આવડી લાલપ ક્યાંથી રે

•તારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયાં(ઝંડાવંદન)

•તુજ સુખની મ્હેફિલમાં તું સહુને નોતરજે (એકલો)

•દરિયાના બેટમાં રે’તી (હું દરિયાની માછલી)

•દરિયો ડોલે રે માઝમ રાતનો

•દીવડો ઝાંખો બળે

•ધરતીને પટે પગલે પગલે (કવિ, તને કેમ ગમે?

•ધીરા વાજો રે મીઠા વાજો

•ર૧. નાના થૈન, નાના થૈન, નાના થૈને રે

•બાઈ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે

•ભેટ્યે ઝૂલે છે તલવાર

•મારે ઘેર આવજે, બેની!

•મોર બની થનગનાટ કરે

•રક્ત ટપકતી સો સો ઝોળી (કોઈનો લાડકવાયો)

•લાગ્યો કસુંબીનો રંગ

•લીલા છે મોર, કાળી વાદળી રે

•વીરા મારા! પંચ રે સિંધુને સમશાન

•સાવજ ગરજે! (ચારણ કન્યા)

•સૂના સમદરની પાળે

•સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે

•હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ

•હળવાં હળવાં લોચન ખોલો

•હાં રે દોસ્ત! હાલો દાદાજીના દેશમાં

જીવન ઝાંખી

સ્વરચિત ગીતો

કાળ-સૈન્ય આવ્યાં

અમે ખેતરથી, વાડીઓથી

જંગલને ઝાડીઓથી

સાગરથી, ગિરિવરથી,

સુણી સાદ આવ્યાં.

અમે કંટકનો પુનિત તાજ

પહેરી શિર પરે આજ,

પીડિત દલિતોનું રાજ

રચવાને આવ્યાં.

અમે જુગજુગ કેરાં કંગાલ

ભાંગી નરકોનાં દ્વાર

દેતાં ડગ એક તાલ

ધરણી પર આવ્યાં.

અમે નૂતન શક્તિન ભાન

નૂતન શ્રદ્ધાનું ગાન

ગાતાં ખુલ્લી જબાન

નવલા સૂર લાવ્યાં.

દેખ દેખ, ઓ રે અંધ!

કાળ-સૈન્ય આવ્યાં.

૧૯૩૪

આગે કદમ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

યારો! ફનાના પંથ પર આગે કદમ!

આગે કદમ : પાછા જવા રસ્તો નથી;

રોકાઓ ના - ધક્કા પડે છે પીઠથી;

રોતાં નહિ - ગાતાં ગુલાબી તોરથીઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

બેસી જનારા! કોણ દેશે બેસવા!

આ હર ઘડી સળગી રહ્યાં યુદ્ધો નવાં;

આશા ત્યજો આરામ-સેજે લેટવાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આગે કદમઃ દરિયાવની છાતી પરે.

નિર્જળ રણે, ગાઢાં અરણ્યે, ડુંગરે;

પંથે ભલે ઘન ઘૂઘવે કે લૂ ઝરેઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

રહેશે અધૂરી વાટ, ભાતાં ખૂટશે;

પડશે ગળામાં શોષ, શક્તિ તૂટશે;

રસ્તે, છતાં, ડૂકી જવાથી શું થશે?

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આવે ન આવે સાથીઓ સાથે છતાં,

ધિક્કાર, બદનામી, બૂરાઈ વેઠતાં,

વૈરીજનોનાં વૈરનેયે ભેટતાંઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

ક્યાં ઉભશો! નીચે તપે છે પથ્થરોઃ

બાહેર શીતળ, ભીતરે લાવા ભર્યો;

અંગાર ઉપર ફૂલડાં શીદ પાથરો!

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આ તો બધા છેલ્લા પછાડા પાપના;

હોશે ખતમ - જો, ભાઈ, ઝાઝી વાર ના!

પૂરી થશે તારીય જીવનયાતનાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

જવાલામુખીના શૃંગ ઉપર જીવવા

તેં આદરી પ્યારી સફર, ઓ નૌજવાં!

માતા તણે મુક્તિ-કદંબે ઝૂલવાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

યારો! ફનાના પંથ પર આગે કદમ!

૧૯૩૧. ‘લાવા’ શબ્દ અંગ્રેજી છે : જ્વાળામુખીમાંથી ઝરતો

અગ્નિરસ

આગે કદમ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

યારો! ફનાના પંથ પર આગે કદમ!

આગે કદમ : પાછા જવા રસ્તો નથી;

રોકાઓ ના - ધક્કા પડે છે પીઠથી;

રોતાં નહિ - ગાતાં ગુલાબી તોરથીઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

બેસી જનારા! કોણ દેશે બેસવા!

આ હર ઘડી સળગી રહ્યાં યુદ્ધો નવાં;

આશા ત્યજો આરામ-સેજે લેટવાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આગે કદમઃ દરિયાવની છાતી પરે.

નિર્જળ રણે, ગાઢાં અરણ્યે, ડુંગરે;

પંથે ભલે ઘન ઘૂઘવે કે લૂ ઝરેઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

રહેશે અધૂરી વાટ, ભાતાં ખૂટશે;

પડશે ગળામાં શોષ, શક્તિ તૂટશે;

રસ્તે, છતાં, ડૂકી જવાથી શું થશે?

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આવે ન આવે સાથીઓ સાથે છતાં,

ધિક્કાર, બદનામી, બૂરાઈ વેઠતાં,

વૈરીજનોનાં વૈરનેયે ભેટતાંઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

ક્યાં ઉભશો! નીચે તપે છે પથ્થરોઃ

બાહેર શીતળ, ભીતરે લાવા ભર્યો;

અંગાર ઉપર ફૂલડાં શીદ પાથરો!

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આ તો બધા છેલ્લા પછાડા પાપના;

હોશે ખતમ - જો, ભાઈ, ઝાઝી વાર ના!

પૂરી થશે તારીય જીવનયાતનાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

જવાલામુખીના શૃંગ ઉપર જીવવા

તેં આદરી પ્યારી સફર, ઓ નૌજવાં!

માતા તણે મુક્તિ-કદંબે ઝૂલવાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

યારો! ફનાના પંથ પર આગે કદમ!

૧૯૩૧. ‘લાવા’ શબ્દ અંગ્રેજી છે : જ્વાળામુખીમાંથી ઝરતો અગ્નિરસ

શિવાજીનું હાલરડું

(કાચબા-કાચબીના ભજન પરથી ઘડેલો ઢાળ)

આભમાં ઉગેલ ચાંદલો ને

જીજાબાઈને આવ્યાં બાળ

બાળુડાને માત હીંચોળે

ધણણણ ડુંગરા બોલે!

શિવાજીને નીંદરુ ના’વે

માતા જીજાબાઈ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે

રામ-લખમણની વાત

માતાજીને મુખે જે દિ’થી

ઉડી એની ઉંઘ તે દિ’થી. - શિવાજીને

પોઢજો રે, મારાં બાળ!

પોઢી લેજો પેટ ભરીને આજ

કાલે કાળાં જુદ્ધ ખેલાશે

સૂવા ટાણું ક્યાંય નૈ રે’શે. - શિવાજીને.

ધાવજો રે, મારાં પેટ!

ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ

રે’શે નહિ, રણઘેલુડા!

ખાવા મૂઠી ધાનની વેળા. - શિવાજીને

પે’રી ઓઢી લેજો પાતળાં રે!

પીળાં લાલ પીરોજી ચીર

કાયા તારી લોહીમાં ના’શે

ઢાંકણ તે દિ’ ઢાલનું થાશે. - શિવાજીને.

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી

ફેરવી લેજો આજ!

તે’દિ તારે હાથ રે’વાની

રાતી બંબોળ ભવાની. - શિવાજીને.

લાલ કંકુ કેરા ચાંદલા ને

ભાલે તાણજો કેસર-આડ્ય

તે’દિ તો સિંદોરિયા થાપા

છાતી માથે ઝીલવા, બાપા. - શિવાજીને.

આજ માતા ચોડે ચૂમીયું રે, બાળા!

ઝીલજો બેવડ ગાલ

તે દિ’ તારાં મોઢડાં માથે

ધૂંવાધાર તોપ મંડાશે. - શિવાજીને.

આજ માતાજીની ગોદમાં રે

તુંને હૂંફ આવે આઠ પો’ર

તે દિ’ કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે. - શિવાજીને.

આજ માતા દેતી પાથરી રે

કૂણાં ફૂલડાં કેરી સેજ

તે દિ’ તારી વીર-પથારી

પાથરશે વીશ-ભુજાળી. - શિવાજીને.

આજ માતાજીને ખોળલે રે

તારાં માથડાં ઝોલે જાય

તે દિ’ તારે શિર ઓશીકાં

મેલાશે તીર-બંધૂકાં.-શિવાજીને.

સૂઈ લેજે, મારા કેસરી રે!

તારી હિંદવાણું જોવે વાટ

જાગી વે’લો આવ, બાળુડા!

માને હાથ ભેટ બંધાવા.

જાગી વે’લો આવજે, વીરા!

ટીલું માના લોહીનું લેવા.

શિવાજીને નીંદરું ના’વે

માતા જીજાબાઈ ઝુલાવે.

૧૯ર૮. ભાવનગર મુકામે. સ્વ. મિત્ર અમૃતલાલ દાણી વગેરે સ્નેહીજનોની હૂંફમાં બાલ-કિશોરોને માટે ગીતો રચવાના ઉર્મિપ્રવાહમાં ભીંજાયેલો હતો ત્યારે, અમારા આંગણામાં ચૂનો કૂટતી રજૂરણો એક ગીત ગાતી હતી :

પરભાતે સૂરજ ઉગિયો રે

સીતા રામની જોવે વાટઃ

શેરડીએ સંતો આવે

ભિક્ષા તેને કોઈ નો લાવે.

એ પરથી ઢાળ સૂઝ્‌યો. આ ઢાળ ‘કાચબા-કાચબી’થી જુદો પડે છે. રચનામાં પણ એ ભજનની કડીથી એક મોટું ચરણ આમાં કમતી છે. દસમી કડીમાં ‘બંધૂકાં’ એ ‘બંધૂકો’નું ચારણી બહુવચન રૂપ છે.

આવજો, વા’લી બા

(મરતા બાળકનો સંદેશો)

આવજો આવજો, વા’લી બા!

એક વાર બોલઃ ભલે ભાઈ, તું જા!

પાછલી તે રાતને પહેલે પરોડિયે

ઝબકીને તું જયારે જાગે

રે મા! ઝબકીને તું જયારે જાગે,

ઓશીકે પાંગતે ફેરવતાં હાથ તુંને

પડખું ખાલી લાગે, હો મા!

માડી, મને પાડજે હળવા સાદ,

પડઘો થઈ હું દૈશ જવાબ - આવજો.

તારા હૈયા પરે ખેલવા ને ગેલવા

આવું બની હવાનો હિલોળો;

રે મા! આવું બની હવાનો હિલોળો

લાંબી લટોમાં રમું ઓળકોળાંબડે

ગૂંથશે તું જયારે અંબોડોહો

મા, તારો ઝાલ્યો હું નહિ રે ઝલાઉં

ચાર-પાંચ ચૂમી ભરી ચાલ્યો જાઉં - આવજો.

ચંદન તળાવડીનાં નીર મહીં ના’તી

જોઈ જૈશ હું તને જ્યારે;

મોજું બનીને તારે અંગેઅંગ મ્હાલીશ

તોય મને કોઈ નહિ ભાળેહો

મા, મારી છલ છલ છાની વાત

સાંભળીને કરજે ના કલ્પાંત - આવજો.

અષાઢી રાતની મેહુલિયા-ધારનું

ઝરમર વાજું વગાડું;

બાબુડા બેટડાને સંભારી જાગતી

માડી, તને મીઠડી ઉંઘાડુંહો

મા, હું તો વીજળીનો ઝબકારો

કે જાળીએથી ‘હાઉક’ કરી જઈશ હું અટારો - આવજો.

આકાશી ગોખમાં ટમટમ તારલો

થૈને બોલીશ : ‘બા, સૂઈ જા!’

ચાંદાનું કિરણ બની લપતો છે છપતો હું

ભરી જૈશ બે તને બકા -

હો મા, તું તો ફેરવીને ગાલે હાથ

નાખજે નવ ઉંચો નિઃશ્વાસ - આવજો.

ઝબલું ટોપી લઈને માશીબા આવશે,

પૂછશે, ક્યાં ગયો બચુડો?

કે’જે કે, બેન, બચુ આ રે બેઠો

મારી આંખ કેરી કીકીઓમાં રૂડો -

હો બેન, મારે ખોળલે ને હૈયા માંય,

બાળ મારો બેઠો છે સંતાઈ!

આવજો આવજો, વા’લી બા!

એક વાર બોલ : ‘ભલે ભાઈ, તું જા!’

૧૯૩૬. રવીન્દ્રનાથના કાવ્ય ‘વિદાય’ ઉપરથી ભજનના પદબંધમાં ઉતારેલું, શ્રોતાજનમાં અત્યંત પ્રિય થઈ પડેલું ગીત.

આષાઢી સાંજ

(‘અંધારી રાતના ડુંગર ડોલે’- એ કવિ ન્હાનાલાલના રાસ પરથી સૂચિત ઢાળ)

આષાઢી સાંજના અંબર ગાજે

અંબર ગાજે, મેઘાડંબર ગાજે! - આષાઢી.

માતેલા મોરલાના ટૌકા બોલે

ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે. - આષાઢી.

ગરવા ગોવાળિયાના પાવા વાગે

પાવા વાગે, સૂતી ગોપી જાગે. - આષાઢી.

વીરાની વાડીઓમાં અમૃત રેલે,

અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે. - આષાઢી.

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,

ચૂંદડ ભીંજે, ખોળે બેટો રીઝે. - આષાઢી.

આષાઢી સાંજના અંબર ગાજે

અંબર ગાજે મેઘાડંબર ગાજે!

ઔતરાદા વાયરા, ઉઠો!

(‘અંધારી રાતના ડુંગર ડોલે’- એ કવિ ન્હાનાલાલના રાસ પરથી સૂચિત ઢાળ)

ઓતરાદા વાયરા, ઉઠો ઉઠો હો તમે -

ઓતરાદા વાયરા, ઉઠો!

કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી

ઓતરાદા વાયરા, ઉઠો!

ધૂણન્તાં શિવ-જોગમાયાને ડાકલે

હાકલ દેતા, હો વીર, ઉઠો!

ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે

પૂરપાટ ઘોડલે છૂટો! - ઓતરાદા.

ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ

સડિયેલાં ચીર, ધૂળ, કૂંથો;

જોબનનાં નીર મહીં જામ્યાં શેવાળ-ફૂગઃ

ઝંઝાના વીર, તમે ઉઠો! - ઓતરાદા.

કોહેલાં પાંદ-ફૂલ ફેંકી નાખો રે, ભાઈ!

કરમાતી કળીઓને ચૂંટો;

થોડી ઘડી વાર ભલે બુઝાતા દીવડાઃ

ચોર-ધાડપાડ ભલે લૂંટો! - ઓતરાદા.

છો ને છુંદાય મારી કૂણેરી કૂંપળોઃ

સૂસવતી શીત લઈ છૂટો;

મૂર્છિત વનરાજિનાં ઢંઢોળો માથડાં,

ચીરો ચમકાટ એનો જૂઠો! - ઓતરાદા.

ઉઠો, કદરૂપ! પ્રેતસૃષ્ટિના રાજવી!

ફરી એક વાર ભાંગ ઘૂંટોઃ

ભૂરિયાં લટૂરિયાંની આંધીઓ ઉરાડતા

હુહુકાર-સ્વરે કાળ, ઉઠો! - ઓતરાદા.

કવિઓના લાડકડા મલયાનિલ મંદ મંદ!

રહેજે ચંદનની ગોદ સૂતો;

નથી નથી પર્વ પુષ્પધન્વાનું આજઃ ઘોર

વિપ્લવના ઢોલડા ધડૂકો! - ઓતરાદા.

૧૯૩૪. બેસતા વર્ષને દિવસે રચાયું. કાર્તિક-માગશરથી પવન પલટાઈને ઉત્તરદક્ષિણ વહે છે. વિશુદ્ધીકરણની પાનખર ઋતુ મંડાય છે. નવરચનાને કારણે જીવનવાયરા પણ એવા જ સૂસવતા ને સંહારક જોઈએ છે.

માની યાદ

કોઈ દી સાંભરે નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ.

કેવી હશે ને કેવી નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ.

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા

કાનમાં ગણગણ થાય;

હુતુતુતુની હડિયાપાટીમાં

માનો શબદ સંભળાય -

મા જાણે હીંચકોરતી વઈ ગઈ,

હાલાંના સૂર થોડા વેરતી ગઈ. - કોઈ દી.

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં

સાંભરી આવે બા -

પારિજાતકની મીઠી સુગંધ લઈ

વાડીએથી આવતો વા,

દેવને પૂજતી ફૂલ લૈ લૈ

મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ. - કોઈ દી.

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી

આભમાં મીટ માંડું.

માની આંખો જ જાણે જોઈ રહી છે મને

એમ મન થાય ગાંડું.

તગમગ તાકતી ખોળલે લૈ,

ગગનમાં એ જ દૃગ ચોડતી ગૈ.

કોઈ દી સાંભરે નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ.

કેવી હશે ને કેવી નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ.

૧૯૪૪. રવીન્દ્રનાથના કાવ્ય ‘મને પડા’ પરથી.

ગરજ કોને?

(ભજન)

ગરજ હોય તો આવ ગોતવા,

હું શીદ આવું હાથ, હરિ!

ખોજ મને જો હોય ખેવના

હું શીદ સ્હેલ ઝલાઉં, હરિ! - ગરજ.

ગેબ તણી સંતાકૂકડીમાં

દાવ તમારે શિર, હરિ!

કાળાન્તરથી દોડી રહ્યા છો

તોય ન ફાવ્યા કેમ, હરિ! - ગરજ.

સૂફીઓ ને સખી-ભક્તો ભૂલ્યા,

વલવલિયા સહુ વ્યર્થ, હરિ!

‘સનમ! સનમ!’ કહીને કો રઝળ્યા,

કોઈ ‘પિયુ! પિયુ!’ સાદ કરી. - ગરજ.

પોતાને પતિતો દુષ્ટો કહી

અપમાને નિજ જાત, હરિ!

એ માંહેનો મને ન માનીશ,

હું મસવડ રમનાર, હરિ! - ગરજ.

તલસાટો મુજ અંતર કેરા

દાખવું તો મને ધિક્‌. હરિ!

પતો ન મારો તને બતાવું

હું-તું છો નજદીક, હરિ! - ગરજ.

મારે કાજે તુજ તલસાટો

હવે અજાણ્યા નથી, હરિ!

હું રિસાયલને તું મનવે

વિધવિધ રીતે મથી, હરિ! - ગરજ.

પવન બની તું મારે દ્વારે

મધરાતે ઘૂમરાય, હરિ!

મેઘ બનીને મધરો મધરો

ગાણાં મારાં ગાય, હરિ! - ગરજ.

વૈશાખી બળબળતાં વનમાં

દીઠા ડાળેડાળ ભરી

લાલ હીંગોળી આંગળિયાળા

તારા હાથ હજાર, હરિ! - ગરજ.

માછલડું બનીને૧ તેં મુજને

ખોળ્યો પ્રલયની માંય, હરિ!

હું બન્યો કાદવ, તું બની ડુક્કર

રગદોળાયો, શરમ, હરિ! - ગરજ.

પથ્થર લક્કડ પશુ પંખી થૈ

નજર તમારી ચુકાવી, હરિ!

માનવ થઈ પડું હાથ હવે, તો

જગ કહેશે, ગયો ફાવી, હરિ! - ગરજ.

લખ ચોરાશીને ચકરાવે

ભમી ભમી ઢૂંઢણહાર, હરિ!

ડાહ્યો થૈ કાં દાવ પૂરો દે,

કાં તો હાર સ્વીકાર, હરિ! - ગરજ.

૧. ‘માછલડું બનીને...’ઃ પુરાણભાખ્યા દસ પ્રભુ-અવતારો, અને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ (થિયરી ઓફ એવોલ્યૂશન) અહીં સૂચિત છે.

આ પદ ભાવનગર સાહિત્યસભાના આશ્રયે તા. ર૧-૯-૪૦ સાંજના સમારંભ પાસે ગાયા પછી, તે સભાના પ્રમુખશ્રી નટવરલાલ સૂરતીએ ‘ચોરાશી વૈષ્ણવની વારતાઓ’માંથી પ્રભુની ને ગોવિંદસ્વામીની વાર્તા બતાવી. વાર્તા આમ છે કે શ્રીનાથજી પ્રભુ પોતાના ભક્ત ગોવિંદસ્વામી સાથે દડે રમતા હતા, દાવ શ્રીનાથજીને માથે હતો. એવામાં મંદિરમાં પ્રભુ-દર્શનની ટકોરી વાગી. શ્રીનાથજી ચમક્યાઃ પોતે હાજર થઈ જવું જોઈએ, એટલે મંદિર તરફ નાઠા! ‘પૂરો દાવ દીધા વગર જઈશ ક્યાં!’એમ કહીને પાછળ દોડેલા ગોવિંદસ્વામીએ પ્રભુની પીઠમાં દડો માર્યો. પૂજારીઓએ આવીને ગોવિંદસ્વામીને પીટ્યા. પછી ભોગ ધરવા ટાણે પ્રભુ થાળ જમ્યા નહિ, રુદન કરતા બેઠા. પૂજારીઓએ કારણ પૂછતાં કહ્યું કે ગોવિંદસ્વામીને તમે વગર વાંકે માર્યા છે, એ ભૂખ્યાદુખ્યા બેઠા છે; દોષ તો હતો મારો કે હું અધૂરે દાવે અંદર દોડ્યો આવ્યોઃ એને જમાડો તે પછી જ જમીશ. મેં જીવનમાં પહેલી જ વાર સાંભળેલો. આ પ્રસંગ અહીં બરાબર બંધ બેસે છે. હરિને મેં માનવનો પ્રેમી મિત્ર કલ્પ્યો છે. માનવને પોતાના પૂર્ણત્વમાં તદાકાર કરવા માટે કિરતાર સર્જનના પ્રારંભથી તલસતો મથી રહ્યો છે.

સોના-નાવડી

(ભજન)

ગાજે ગગને મેહુલિયા રે,

વાજે વરસાદ ઝડી,

નદી-પૂર ઘુઘવિયા રે,

કાંઠે બેઠી એકલડી

મારા નાના ખેતરને રે,

શેઢે હું તો એકલડી!

મેં તો ધાન વાઢી ઢગલા કરિયા,

ડૂંડાં ગાંસડી ગાંસડીએ ભરિયાં;

ત્યાં તો વાદળ ઘોર તૂટી પડિયાં.

ભીંજું ઓથ વિનાની રે,

અંગે અંગે ટાઢ ચડી;

મારા નાના ખેતરને રે,

શેઢે હું તો એકલડી.

સામે કાંઠે દેખાયે રે,

વા’લુ મારું ગામડિયું;

ગોવાલણ-શી વાદળીએ રે

વીંટ્યું જાણે ગોકળિયું.

મારી ચૌદિશે પાણીડાં નાચી રહ્યાં,

આખી સીમેથી લોક અલોપ થયાં,

દિનાનાથ રવિ પણ આથમિયા.

ગાંડી ગોરજ ટાણે રે

નદી અંકલાશ ચડી,

એને ઉજ્જડ આરે રે

ઉભી હું તો એકલડી;

મારા નાના ખેતરને રે

શેઢે હું તો એકલડી.

પેલી નૌકાનો નાવિક રે

આવે ગાતોઃ કોણ હશે?

મારા દિલડાનો માલિક રે

જૂનો જાણે બધું દીસે.

એની નાવ ફૂલ્યે શઢ સંચરતી,

એની પંખી-શી ડોલણહાર ગતિ,

નવ વાંકીચૂંકી એની દૃષ્ટિ થતી,

આવે મારગ કરતી રે

પ્રચંડ તરંગ વિષેઃ

હું તો દૂરેથી જોતી રેઃ

જૂનો જાણે બંધુ દીસેઃ

પેલી નૌકાનો નાવિક રે

આવો ગાતોઃ કોણ હશે?

કિયા દૂર વિદેશે રે

નાવિક, તારા ગામતરાં?

તારી નાવ થંભાવ્યે રે

આંહી પલ એક જરા!

તારી જ્યાં ખુશી ત્યાં તુ જજે સુખથી,

મારાં ધાન દઉં તુને વા’લપથી,

તુંને ફાવે ત્યાં વાપરજે, હો પથી!

મારી લાણી લેતો જા રે

મોઢું મલકાવી જરા,

મારી પાસ થાતો જા રે

આંહીં પલ એક જરા.

કિયા દૂર વિદેશે રે,

નાવિક, તારાં ગામતરાં!

લે લે ભારા ને ભારા રે!

- છલોછલ નાવડલી;

‘બાકી છે?’ - વા’લા મારા રે!

હતું તે સૌ દીધ ભરી,

મારી જૂની પછેડી ને દાતરડી,

મારાં ભાતની દોણી ને તાંસળડી,

તુંને આપી ચૂકી સર્વ વીણી વીણી.

રહ્યું લેશ ન બાકી રે,

રહ્યું નવ કંઈયે પડી;

રહી હું જ એકાકી રે,

આવું તારી નાવે ચડી;

લે લે ભારા ને ભારા રે!

- છલોછલ નાવડલી.

હું તો ચડવાને ચાલી રે,

નાવિક નીચું જોઈ રહે;

નવ તસુ પણ ખાલી રે,

નૌકા નહિ ભાર સહે.

મારી સંપત વહાલી રે,

શગોશગ માઈ રહે.

નાની નાવ ને નાવિક પંથે પળ્યાં,

ગગને દળ-વાદળ ઘેરી વળ્યાં;

આખી રાત આકાશેથી આંસુ ગળ્યાં.

સૂની સરિતાને તીરે રે,

રાખી મુંને એકલડી.

મારી સંપત લૈને રે,

ચાલી સોના-નાવડલી.

મારા નાના ખેતરને રે,

શેઢે હું તો એકલડી.

ગોરજ=ગોધૂલિ. અંકલાશ=આકાશ. લાણી=લણણી, લણેલ ધાન્ય. ભાતની દોંણી=ખેતરે કામ કરના માટે લઈ જવાનાં ભોજન ભાત)ની છાશની મટુકી. તાંસળડી=તાંસળી, કાંસાનો વાડકો. ૧૯૩૧. માનવીઃ ખેડૂતના નાનકડા ઉદ્યમ-ક્ષેત્રનું સર્વ ઉત્પન્ન આખરે તો, ઘોર આપત્તિમાં ઓરાયેલ માનવી પોતે ન વાપરી શકતાં, કર્મદેવતા રૂપી નાવિક હરએક જન્મે આવી આવીને પોતાની સુવર્ણ-નૌકામાં છલોછલ ભરી લઈ જાય છે, સંસારના શ્રેયાર્થે વાપરે છે, પણ ખુદ માનવીને એ પોતાના વાહનમાં ઉઠાવી લઈ કાળપ્રવાહમાંથી ઉદ્વરી આપતો નથી. માનવીને તો વિલુપ્ત જ બનવાનું છે.

રવીન્દ્રનાથના ‘સોનાર તરી’ પરથી ઉતારવાનું ‘કુમાર’ના સંપાદકે સોંપ્યું હતું. ભાઈ રવિશંકર રાવળે શ્રી ક્ષિતિમોહન સેન પાસેથી જાણેલું ગીતનું રહસ્ય આ હતું. ભાઈ રાવળની આ સમજને કારણે અનુવાદમાં મેં કલ્પેલું સ્ત્રીપાત્ર એમને મુનાસબ નહોતું લાગ્યું. વળી, બંગાળી ભાષામાં લિંગભેદ ન હોવાથી મૂળ કાવ્ય પણ કશો દિશાદોર સૂચવતું નહોતું. મેં તો આગ્રહ જ રાખ્યો છે કે આ પાત્ર બરાબર છે. આટલાં ઔદાર્ય, કારુણ્ય, ઉદ્યમ અને એકલતા નારીને જ શોભી શકે. આ ગીત રવિબાબુના કાવ્યનો શબ્દશઃ અનુવાદ નથી. બલકે, કેટલેક ઠેકાણે મૂળ અર્થ આબાદ ન રહે તેવા ફેરફારો પણ મારે હાથે થયેલા કેટલાકને લાગશે. એ સ્થિતિમાં એક મહાકવિના પ્રિય કાવ્ય ઉપર મારા અનુવાદની જવાબદારી ન નખાય તો પણ મને અફસોસ નથી.

મૂળ કાવ્ય રવિબાબુની કાવ્ય સંપત્તિનું એક ઐતિહાસિક રત્ન કહેવાય છે. ઐતિહાસિક એટલા માટે કે કવિવરે ‘સોનાર તરી’ પૂર્વેની પોતાની કાવ્યકૃતિઓ કાચી ગણી છે અને પોતાની કવિતા-સંપત્તિની સાચી ગણના ‘સોનાર તરી’ પછીથી જ થવી જોઈએ એમ મે માનતા હોવાનું મેં સાંભળ્યું છે. અહીં યોજેલ ‘શીખ દે સાસુજી રે’ના ઢાળમાં વચ્ચે ત્રણ-ત્રણ ચોસલાના ગાળા મૂકવાના પદ્ધતિનો પ્રારંભ મેં કરેલ છે.

તરુણોનું મનોરાજ્ય

(ઢાળ : ચારણી કુંડળિયાનો)

ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ;

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ;

આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે

વિશ્વભરના યુવાનોની આંખો અડે;

પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,

ગરુડ-શી પાંખ આતમ વિષે ઉઘડે.

કેસરિયા વાઘા કરી જોબર જુદ્ધ ચડે;

રોકણહારું કોણ છે? કોનાં નેન રડે?

કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહીં!

યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહીં!

કેસરી વીરના કોડ હરશો નહીં!

મત્ત યૌવન તણી ગોત કરશો નહીં!

રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય;

લાતો ખાધી, લથડિયાં - એ દિન ચાલ્યા જાય;

લાત ખાવા તણા દિન હવે ચાલિયા,

દર્પભર ડગ દઈ યુવકદળ હાલિયાં;

માગવી આજ મેલી અવરની દયા,

વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.

અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,

સતની સીમો લોપવા, જોબન માંડે જાગઃ

લોપવી સીમ, અણદીઠને દેખવું,

તાગવો અતલ દરિયાવ - તળિયે જવું,

ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવુંઃ

આજ યૌવન ચહે એહ વિધ જીવવું.

ઘણ રે બોલે ને -

(ઢાળ : ભજનનો)

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો...જીઃ

બંધુડો બોલે ને બેનડ સાંભળે હો...જી.

એ જી સાંભળે વેદનાની વાત -

વેણે રે વેણે હો સત-ફૂલડાં ઝરે હો...જી.

બહુ દિન ઘડી રે તલવાર,

ઘડી કાંઈ તોપું ને મનવાર;

પાંચ-સાત શૂરાના જયકાર

કાજ ખૂબ ખેલાણા સંહારઃ

હો એરણ બેની! - ઘણ રે બોલે ને.

પોકારે પૃથ્વીના કણ કણ કારમા હો...જી

પોકારે પાણીડાં પારાવારનાં હો...જી.

જળ-થળ પોકારે થરથરીઃ

કબરુંની જગ્યા રહી નવ જરીઃ

ભીંસોભીંસ ખાંભિયું ખૂબ ભરી,

હાય, તોય તોપું રહી નવ ચરીઃ

હો એરણ બેની! - ઘણ રે બોલે ને.

ભઠ્ઠિયું જલે રે બળતા પો’રની હો...જી.

ધમણ્યું ધમે રે ધખતા પો’રની હો...જી.

ખન ખન અંગારે ઓરાણા,

કસબી ને કારીગર ભરખાણા;

ક્રોડ નર જીવંતા બફાણા -

તોય પૂરા રોટા નવ શેકાણાઃ

હો એરણ બેની ! - ઘણ રે બોલે ને.

હથોડા પડે રે આજ જેના હાથના હો...જી.

તનડાં તૂટે રે આજ જેની કાયનાં હો...જી.

સોઈ નર હાંફીને આજ ઉભો,

ઘટડામાં ઘડે એક મનસૂબોઃ

બાળ મારાં માગે અન્ન કેરી દેગઃ

દેવે કોણ - દાતરડું કે તેગ?

હો એરણ બેની! - ઘણ રે બોલે ને.

આજુથી નવેલા ઘડતર માંડવાં હો...જીઃ

ખડગખાંડાને કણ કણ ખાંડવાં હો...જી.

ખાંડી ખાંડી ઘડો હળ કેરા સાજ!

ઝીણી રૂડી દાતરડીનાં રાજ,

આજ ખંડખંડમાં મંડાય,

એણી પેરે આપણ તેડાં થાયઃ

હો એરણ બેની! - ઘણ રે બોલે ને.

ઘડો હો બાળક કેરાં ઘોડિયા હો....જી

ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હો...જી

ભાઈ મારા! ગાળીને તોપગોળા,

ઘડો સૂઈ-મોચીના સંચ બો’ળા;

ઘડો રાંક રેંટુડાની આરો,

ઘડો દેવ-તંબૂરાના તારોઃ

હો એરણ બેની! ઘણ રે બોલે ને.

ભાંગો, હો ભાંગો, હો રથ રણજોધના હો...જીઃ

પાવળડાં ઘડો, હો છોરુંડાંનાં દૂધનાં હો...જી

ભાઈ મારા લુવારી! ભડ રે’જે,

આજ છેલ્લ્‌ વેળાના ઘાવ દેજે;

ઘાયે ઘાયે સંભાર્યે ઘટડામાં,

ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાંઃ

હો એરણ બેની! - ઘણ રે બોલે ને.

૧૯૩ર. ‘ફૂલછાબ’ માટે રચાયું હતું. ભજનના ઢાળમાં નિઃશસ્ત્રીકરણનો વિષય ઉતાર્યો છે. ‘જેસલ, કરી લે વિચાર’ નામે ભજનના જોશીલા આંતરાનો ઢાળ બેસાડ્યો છે.

છેલ્લો કટોરો

(ગોળમેજી પરિષદમાં જતી વેળા ગાંધીજીને)

છેલ્લો કટોરો ઝેરનો આઃ પી જજો, બાપુ!

સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ!

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારુઃ

ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારુંઃ

શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારુંઃ

આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ!

કાપે ભલે ગર્દન! રિપુ-મન માપવું, બાપુ!

સુર-અસુરના આ નવયુગી ઉદધિ-વલોણે,

શી છે ગતાગમ રત્નના કામી જનોને?

તું વિના, શંભુ! કોણ પીશે ઝેર દોણે!

હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ!

ઓ સૌમ્ય-રૌદ્ર! કરાલ-કોમલ! જાઓ રે, બાપુ!

કહેશે જગતઃ જોગી તણા શું જોગ ખૂટ્યા!

દરિયા ગયા શોષાઈ? શું ધન-નીર ખૂટ્યાં?

શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં?

દેખી અમારાં દુઃખ નવ અટકી જજો, બાપુ!

સહિયું ઘણું, સહીશું વધુઃ નવ થડકજો, બાપુ!

ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,

જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,

થોડાઘણા છંટકાવ ગોળીબારના -

એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ!

ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ!

શું થયું- ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો!

બોસા દઈશું - ભલે ખાલી હાથ આવો!

રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ!

દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ!

હમદર્દીના સંદેશડા દઈ આવજો, બાપુ!

જગ મારશે મે’ણાંઃ ન આવ્યો આત્મજ્ઞાની!

ના’વ્યો ગુમાની - પોલ પોતાની પિછાની!

જગપ્રેમી જોયો! દાઝ દુનિયાની ન જાણી!

આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ!

તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ!

જા, બાપ! માતા આખલાને નાથવાને,

જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,

જા સાત સાગર પાર સેતુ બાંધવાને -

ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ!

વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ!

ચાલ્યો જજે! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ!

છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ!

૧૯૩૧. ગાંધીજી ગોળમેજી પરિષદમાં જવા નીકળ્યા ત્યારે તેમને કહેલું સંબોધન. ‘સૌરાષ્ટ્ર’નો પહેલો ફરમો ગુરુવારે સાંજે ચડતો. એ ગુરુવાર હતો. ગીત છેલ્લા કલાકમાં જ રચાયું. ભાઈ અમૃતલાલ શેઠે ‘બંધુ’ ‘બંધુ’ શબ્દોને સ્થાને ‘બાપુ’ ‘બાપુ’ શબ્દો સૂચવ્યા. ગીત નએમને બહુ જ ગમ્યું. ગાંધીજી શનિવારે તો ઉપડવાના હતા. અમૃતલાલભાઈએ આર્ટ-કાર્ડ બોર્ડ પર એની જુદી જ પ્રતો કઢાવી તે જ સાંજે મુંબઈ રવાના કરી - સ્ટીમર પર ગાંધીજીને પહોંચતી કરવા માટે. બંદર પર આ વહેંચાયું ત્યારે રમૂજી ઈતિહાસ બની ગયો. કેટલાંક પારસી બહેનોને ઝેર, કટોરો વગેરેનાં રૂપકો પરથી લાગ્યું કે ગાંધીજીને માટે ઘસાતું કહેવાતું આ ક્રૂર કટાક્ષ-ગીત છે. એમનાં હૃદયો દુભાયાં તરત જ એક ગુજરાતી સ્નેહી બહેને કાવ્યનો સાચો ભાવ સ્પષ્ટ કર્યો ત્યારે પેલાં બહેનોનાં હૃદય આનંદિત બની ઉઠ્યાં.

‘‘કુડીબંધ તારો અને કાગળસો આવેલા તે (આગબોટમાં) વાંચવા માંડ્યા... મેઘાણીનો ‘છેલ્લો કટોરો’ (વાંચીને) બાપુ કહે, ‘મારી સ્થિતિનું આમાંવર્ણન થયું છે તે તદ્દન સાચું છે. ’ કાવ્ય વાંચતા તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના છેલ્લા પંદર દિવસનો સતત સાક્ષી રહ્યો હોય એમ પ્રતીત થાય છે... જાણે મેઘાણીજીએ ક્યાંક છુપાઈને - અંધારપછેડો ઓઢીને - જોયા કીધું હોય એમ લાગે છે.’’ (મહાદેવ દેસાઈ)

લાલપ ક્યાંથી?

(જુદા જુદા ઢાળોમાંથી નવો રચેલો ઢાળ)

તારે આવડી લાલપ ક્યાંથી રે

મારા લાડકવાયા લાલ!

તારે આવડી કૂંણપ ક્યાંથી રે

મારા લટકાળા હો લાલ!

તારી હાથ હથેળી

પગની રે પેની

ગુલ ફૂલ સરીખા ગાલ;

એને આવડાં રંગ્યાં શાથી રે

મારા બોલકણા હો બાળ! - તારે.

માડી! હું ને હરિ બે રમતા રે

એક મેઘ-ધનુષ મોજાર;

અમેુ લથબથ કુસ્તી કરતા રે

ઘન ગાજતું ધમધમકાર;

મારો પગ ગયો પલટી

પડ્યો ગગનથી

ઉતર્યો આંબા-ડાળ;

તું તો નીર-નીતરતી ના’તી રે

એક સરવરિયાની પાળ;

તું તો જળ-ઝીલણિયાં ગાતી રે

તારી ડોકે ફૂલની માળ;

મને જુગતે લીધો ઝીલી રે

મારાં અંગ હતાં ગારાળ;

તારા અંતરમાં ઝબકોળી રે

મને નવરાવ્યો તતકાળ;

તારા ઉરથી ઢળી ગઈ લાલી રે

મને રંગ્યો લાલમલાલ;

તું તો બની ગઈ કાળી કાળી રે

મને કરિયો લાલ ગુલાલ.

તારે આવડી લાલપ ક્યાંથી રે

મારા લાડકવાયા લાલ!

ઝંડાવંદન

તારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયાં;

પુત્રવિજોગી માતાઓનાં નયનઝરણ ઠલવાયાં -

ઝંડા-અજર અમર રે’જેઃ

વધ વધ આકાશે જાજે.

તારે મસ્તક નવ મંડાઈ ગરુડ તણી મગરૂરી;

તારે ભાલ નથી આલેખ્યાં સમશિર-ખંજર-છૂરીઝંડા!

દીન કબૂતર-શો

ઉરે તુજ રેંટીડો રમતો.

જગ આખા પર આણ ગજવતી ત્રિશૂલવતી જળરાણી.

મહારાજ્યોના મદ પ્રબોધતી નથી તુજ ગર્વનિશાની -

ઝંડા! ગભરુ સંતોષી

વસે તુજ હૈયામાં ડોશી.

નહિ કિનખાબ-મુખમ્મલ-મશરૂ કેરી તારી પતાકા;

નહિ જરિયાની હીરભરતના ભભકા તુજ પર ટાંક્યા -

ઝંડા! ભૂખરવો તોયે,

દિલો કોટિ તુજ પર મોહે!

પરભક્ષી ભૂતળ-નૌદળના નથી તુજ ધ્વફફડાટા;

વનરમતાં નિર્બલ મૃગલાં પર નથી નથી શેરહુંકાટા -

ઝંડા! ઉડજે લહેરાતોઃ

વ્હાલના વીંઝણલા વાતો.

સપ્ત સિંધુની અંજલિ વહેતો સમીરણ તુજને ભેટે;

ખંડખંડની આશિષછોળો ઉદધિતરંગો છાંટે -

ઝંડા! થાકેલા જગનો

દીસે છે તું આશાદીવડો.

નીલ ગગનથી હાથ ઝુલાવી વિશ્વનિમંત્રણ દેતોઃ

પીડિત જનની બાંધવતાના શુભ સંદેશા કહેતો -

ઝંડા- કરજે જગતેડાંઃ

પ્રજા સઘળીના અહીં મેળા

નીલ ગગનની નીલપ પીતી ઉન્નત તુજ આંખલડી;

અરુણ તણે કેસરિયે અંજન બીજી મીટ મદીલી -

ઝંડા! શશી-દેવે સીંચી,

ત્રિલોચન! ધવલ આંખ ત્રીજી.

એ ત્રણ આંખ ભરી તેં દીઠાં તુજ ગૌરવ-રખવાળાં;

શ્રીફળના ગોટા સમ ફૂટ્યાં ફટફટ શીશ સુંવાળાં -

ઝંડા! સાહિદ રહેજે, હો!

અમારા મૂંગા ભોગ તણો.

કુમળાં બાળ, કિશોર, બુઝર્ગો - સહુ તુજ કાજે ધાયાં,

નર-નારી નિર્ધન-ધનવંતો - એ સબ ભેદ ભુલાયા;

ઝંડા! સાહિદ રહેજે, હો!

રુધિરનાં બિન્દુ બિન્દુ તણો.

કો માતાના ખાલી ખોળે આજ બન્યો તું બેટો;

કપાળનાં કંકુડાં હારી તેને પણ બળ દેતો -

ઝંડા! સાહિદ રહેજે, હો!

હજારો છાનાં સ્વાર્પણનો.

તુજને ગોદ લઈ સૂનારાં મેં દીઠાં ટાબરિયાં;

તારાં ગીત તણી મસ્તીમાં ભૂખ-તરસ વીસરિયાં -

ઝંડા! કામણ શાં કરિયા!

ફિદા થઈ તુજ પાછળ ફરિયાં.

આજ સુધી અમ અવળી ભક્તિઃ જૂઠા ધ્વજ પર ધાયાં;

રક્તપિપાસુ રાજફુલોના નેજા કાજ કપાયાં -

ઝંડા! નિમકહલાલીનું

હતું એ કૂડ-બિરદ જૂનું.

પંથ પંથ ને દેવ દેવની પૂજી ધજા નિરાળી;

એ પૂજન પર શીશ કપાવ્યાંઃ હાય! કથા એ કાળી -

ઝંડા! વીત્યા યુગ એવા,

સકલ વંદનનો તું દેવા.

તું સાચું અમ કલ્પતરુવરઃ મુક્તિફળ તુજ ડાળે;

તારી શીત સુગંધ નથી કો માનસ-સરની પાળે -

ઝંડા! જુગ જુગ પાંગરજે;

સુગંધી ભૂતલ પર ભરજે!

રાષ્ટ્ર-દેવના ઘુમ્મટ ઉપર ગહેરે નાદ ફરુકે;

સબ ધર્મોના એ રક્ષકને સંતનૃપાલો ઝૂકે -

ઝંડા! આજ ન જે નમશે,

કાલ તુજ ધૂલિ શિર ધરશે!

આઠે પહોર હુંકારા કરતો જાગ્રત રહે, ઉમંગી!

સાવધ રહેજે, પહેરો દેજે, અમે ન રહીએ ઉંઘી -

ઝંડા-સ્વરાજના સંત્રી!

રહો તુજ ઝાલર રણઝણતી!

૧૯૩૧

એકલો

તુજ સુખની મ્હેફિલમાં તું સહુને નોતરજે,

પણ જમજે અશ્રુની થાળ એકલો;

હોંશીલા જગને હસવા તેડું કરજેઃ

સંઘરજે ઉરની વરાળ એકલો.

તુજ દ્વારે દ્વારે દીપકમાલ ચેતવજેઃ

ગોપવજે દિલ-અંધારા એકલો;

બીજાંને આંગણ અમૃત-ઝરણાં રેલવજેઃ

પી લેજે વિષ તારાં તું એકલો.

તુજ ગુલશનનાં ગુલ જે માગે તેને દેજે,

ને સહેજે સર્પોના દંશ એકલો;

કીર્તિની કલગી સહિયારે કર દેજેઃ

ભોગવજે બદનામી-અંશ એકલો.

દિલદિલની દુઃખ-વાતો દિલસોજીથી સુણજથેઃ

ચૂપ રહેજે કાપી જબાન એકલો;

કો થાકેલા પગની કાંકર ચૂમી લેજેઃ

કદમો ભરજે કંટક પર એકલો.

૧૯૩૪

હું દરિયાની માછલી

માછલી. - દરિયાના.

છીપલીની છાતીએથી કોણ હવે ઝીલશે

મોં ઉઘાડી મોતીડાં રૂપાળાં,

હું દરિયાની માછલી. - દરિયાના.

દરિયાના દેશથી વિછોડી

દુનિયાસું શીદ જોડી!

હું દરિયાની માછલી.

૧૯ર૮

દરિયો

(ઢાળ : ‘નાણું નાખ્યે દાદુભા નૈ મળે’)

દરિયો ડોરે રે માઝમ રાતનો,

ઝુલે જાણે પારણે મારો વીર રે! મધરાતે માતા

રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજાં ને છોળો મારતાં,

ખૂંદે જાણે ખોળલા મારો વીર રે! મધરાતે માતા

રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની,

પાથરે જાણે વીરાના ઓછાડ રે! મધરાતે માતા

રોતા વીરાની દોરી તાણતી.

ઝલકે ઝલકે રે જળમાછલી,

ઝલકે જાણે વીર મારાની આંખ રે! મધરાતે માતા

રોતા વીરાની દોરી તાણતી.

ઉઘડે ઉઘડે ને બિડાય તારલા,

ઉઘડે જાણે મા-જાયાનાં નેન રે! મધરાતે માતા

રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી,

ઝબકે જાણે સોણલે મારો વીર રે! મધરાતે માતા

રોતા વીરાની દોરી તાણતી.

દરિયા ગાજે રે માઝમ રાતનો,

માવડી જાણે વીરને હાલાં ગાય રે! મધરાતે માતા

રાતા વીરાની દોરી તાણતી.

દરિયો મલકે ને ડોલર ફીણ વળે,

મલકે જાણે વીર મારાનાં મુખ રે! મધરાતે માતા

રોતા વીરાની દોરી તાણતી.

૧૯ર૮

દીવડો ઝાંખો બળે

(રાગ : બિહાગ)

દીવડો ઝાંખો બળે -

રે મારો દીવડો ઝાંખો બળે.

આજે ઘેર અતિથિ આવેઃ

પલ પલ પડઘા પડે;

સકળ નગર સૂતું છે, સ્વામી!

તારાં સ્વાગત કોણ કરે. - દીવડો.

તારો રથ ગાજે છે ગગનેઃ

ધરતી ધબક્યા કરે;

હે પરદેશી! પોઢણ ક્યાં દેશું!

નયને નીર ઝરે. - દીવડો.

‘સાંજ પડ્યે આવું છું, સજની!’

એવું કહીને ગયો;

આજ યુગાંતર વીત્યે, વ્હાલા!

તારાં પગલાં પાછાં વળે. - દીવડો.

સાંજ ગઈ, રજની ગઈ ગુજરી;

હાય, પ્રભાત હવે;

ક્યાં રથ! ક્યાં અતિથિ! ક્યાં પૂજન!

નીંદમાં સ્વપ્ન સરે.

દીવડો ઝાંખો બળે -

રે મારો દીવડો ઝાંખો બળે.

૧૯૧૮. મારું પહેલવહેલું ગીત.

કવિ, તને કેમ ગમે?

ધરતીને પટે પગલે પગલે

મૂઠી ધાન વિના નાનાં બાળ મરે,

પ્રભુહીન આકાશેથી આગ ઝરેઃ

અહોરાત કરોડ કરોડ ગરીબના પ્રાણ ધનિકોને હાથ રમે -

ત્યારે હાય રે હાય, કવિ! તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે!

લથડી લથડી ડગલાં ભરતી,

લાખો નાર ગલીગલીએ ફરતી

સારી રાત ભૂખે મજૂરી કરતીઃ

‘મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દમે -

ત્યારે હાય રે હાય, કવિ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે!

મન! છોડ નિહાળવા તારલિયા,

કાળાં કેદખાનાં કેરા જો સળિયા -

એનાં ક્રંદન શું નથી સાંભળિયાં?

એની ભીતર મૌન એકાકી રિબાઈ રિબાઈ હજારોના પ્રાણ શમે -

ત્યારે હાય રે હાય, કવિ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે!

મહારોગ ને મૃત્યુના સાગરમાં

લાખો ચીસ-નિઃશ્વાસભર્યા જગમાં,

સિતમે સળગંત ધરા-તલમાંઃ

રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને -

ત્યારે હાય રે હાય, કવિ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે!

દિનરાત જેઓની નસેનસમાં

પડે ઘોષ ભયંકર યંત્ર તણા,

પીએ ઝેરી હવા જે દમેદમમાં,

એને શાયર શું! કવિતા શું! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે!

ત્યારે હાય રે હાય, કવિ! તુંને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે!

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે,

ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે,

પૂરી રોટી પ્રતિજનને જડશેઃ

કવિ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને, તારાં કૂજન આજ જલાવી દે, પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે! ૧૯ર૯. ‘કાલ જાગે’ વાંચીને શ્રી બચુભાઈ રાવતે મોકલેલા ‘બોમ્બ ક્રૉનિકલ’ના તાજા અંકમાં આવેલા શ્રી હરીન્દ્ર ચટ્ટોપાધ્યાયે રચેલા ‘બિહાઈન્ડ ધ માસ્ક’ નામક કાવ્ય પરથી.

ખલાસીના બાળનું હાલરડું

(‘‘ઓધવજી! મેં આવડું નો’તુ જાણ્યું’’ એ ઢાળ)

ધીરા વાજો

રે મીઠા વાજો

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

ધીરા ગાજો

રે ધીરા ગાજો

મેહુલિયા હો, ધીરા ધીરા ગાજો!

બાળુડાના બાપ નથી ઘરમાં

આથડતા એ દૂર દેશાવરમાં

લાડકવાયો લોચે છે નીંદરમાં

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

વીરા! તમે દેશેદેશે ભટકો

ગોતી એને દેજો મીઠો ઠપકો

લખ્યો નથી કાગળનો કટકો!

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

મેઘલ રાતે ફૂલ મારું ફરકે

બાપુ! બાપુ! બૂમ પાડી થડકે

વિજોગણ હુંય બળું ભડકે

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

સૂતી’તી ને સ્વામી દીઠા સ્વપને,

’વા’ણે ચડી આવું છું’ કે’તા મને,

ચાંદલિયા! વધામણી દૈશ તને,

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

મીઠી લે’રે મધદરિયે જાજો

વા’લાજીના સઢની દોરી સા’જો

આકળિયા નવ રે જરી થાજો

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

રાતલડીનાં તેજ રૂપાવરણાં

ફૂલ્યાં રે એવા સઢડા વા’લજી તણા

ભાળું હું કાગાનીંદરે નાવ ઘણાં

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

બેની મારી લેર્યો સમુદરની!

હળવે હાથે હીંચોળો નાવડલી

હીંચોળે જેવી બેટાની માવડલી

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

પાછલી રાતે આંખ મળેલ હશે

ધીરીધીરી સાંકળ રણઝણશે

બેમાં પે’લો સાદ કેને કરશે?

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

ધીરા વાજો

રે મીઠા વાજો

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

૧૯ર૯

નાના થૈને રે!

નાના થૈને, નાના થૈને, નાના થૈને રે

બાપુ! તમે નાના થૈને રે

મારા જેવા નાના થૈને રે

છાનામાના રમવા આવો! નાના થૈને રે.

નાના કેવી રીતે થાવું

આવો, બાપુ! રીત બતાવું

ઢીંકા, પાટુ, પીવું, ખાવું

પાડા થઈને રે. - નાના.

શેરી વચ્ચે નાચવા આવો

ઓળકોળાંબે હીંચવા આવો

બોથડ મોટી મૂછ બોડાવો

પૈસા દૈને રે. - નાના.

સૂરજ ભૈની નાનકી છોડી

કૂરડિયે કંકુડા ઘોળી

દા’ડી દા’ડી આવે દોડી

દરિયે થૈને રે. - નાના.

ડુંગર ઉપર જઈ બોલાવો

ઉષા બેની, આવો આવો!

એની પાસે ગાલ રંગાવો

ગોઠ્યણ થૈને રે. - નાના.

નાને માથે નાનકડી પાંથી

દૈશ ઓળી મીંડલા ગૂંથી

જોજો રાતે નાખતા ચૂંથી

ગાંડા થૈને રે. - નાના.

ઝભ્ભે ઝાઝાં રાખજો ખીસાં

માંહી પાંચીકા વીણશું લીસા

કાગળ, બાગળ, રૂપિયા પૈસા

ફેંકી દૈને રે. - નાના.

ખેંચી દોરી ખૂબ હીંચોળે

થાકેલી બા જાશે ઝોલે

ભાગી જાશું બેઉ ભાગોળે

સાંકળ દૈને રે. - નાના.

વેળુ વચ્ચે વીરડા ગાળી

વાંકે ઘૂંટણ પીશું પાણી

ગોવાળ આવે ગાડર જાણી

ડાંગર લૈને રે. - નાના.

લીંબોળીના લૂમખા લેવા

ઝૂલશું ઝાડે વાંદર જેવાં

પંખીડલાંના ખાશું મેવા

જંગલ જૈને રે. - નાના.

ખેતર કોતર ખીણ ઓળંગી

જોઈ વાદળીઓ રંગબેરંગી

ઘૂમશું ડુંગર જંગી જંગી

ઘેલા થૈને રે. - નાના.

નાની આંખે નાનકાં આંસુ

બાની સાથે રોજ રીસાશું

ખાંતે એના ધબ્બા ખાશું

ખોળે જૈને રે.

નાના થૈને, નાના થૈને, નાના થૈને રે!

૧૯૩ર

તકદીરને ત્રોફનારી

(‘બાઈ! મેં તો પકડી આંબલિયાની ડાળ રે જંગલ બીચ હું ખડી રે જી’-એ ભજન-ઢાળ)

બાઈ! એક ત્રાજવડાં ત્રોફણહારીઆવી રે,

ત્રોફાવો રૂડાં ત્રાજવાં હો જી;

છૂંદાવો આછાં છૂંદણાં હો જી.

બાઈ! એ તો નીલુડા નીલુડા રંગ લાવી રે,

ત્રોફાવો નીલાં ત્રાજવાં હો જી!

છૂંદાવો ઘાટાં છૂંદણાં હો જી!

નાની એવી કુરડી ને, માંહી ઘોળ્યા દરિયા;

બાઈ! એણે કમખામાં સોય તો સંતાડી રે,

પાલવ ઉંચા નો કર્યા હો જી. - બાઈ! એક.

આભને ઉરેથી એણે આઘી કરી ઓઢાણી,

બાઈ! એણે નવ લાખ ટીબકી બતાડી રે;

કીધું કે આ મેં ત્રોફિયાં હો જી. - બાઈ! એક.

રામને રુદેથી એણે કોરે કરી પાંભરી,

બાઈ! એણે કીરતિની વેલડિયું ઝંઝેડી રે

કીધું કે આ મેં ત્રોફિયાં હો જી. - બાઈ! એક.

ભર રે નીંદરમાં સૂતેલા ભરથરી,

બાઈ! એના લલાટેથી લટડી ખસેડી રે

કીધું કે આ મેં ત્રોફિયાં હો જી. - બાઈ! એક.

પીઠ તો ઉઘાડી એણે જોગી ગોપીચંદની૧,

બાઈ! એની જનેતાને આંસુડે ઝરડેલી રે

કીધું કે આ મેં ત્રોફિયાં હો જી. - બાઈ! એક.

મનડાં મોહાણાં મારાં, દલડાં લોભાણાં ને,

બાઈ! મેં તો કાયાને કીધલ ત્યાં ઉઘાડી રે,

લાડુડાર એણે મૂકિયા હો જી. - બાઈ! એક.

સુરતા૩ રહી નૈ મારી, સૂતી હું તો લે’રમાં;

બાઈ! એણે સોયુંની ઝપટ જે બોલાવી રે

ઘંટીના પડ જ્યું ટાંકિયાં હો જી. - બાઈ! એક.

ગાલે ટાંક્યાં ગલફૂલ, કાંડે ટાંકી કાંકણી૪;

બાઈ! મારી ભમ્મર વચાળે ટીલ તાણી રે

ત્રોફ્યાં ને ભેળાં ફૂંકિયાં હો જી. - બાઈ! એક.

કલેજા વચાળે એણે કોર્યો એક મોરલો,

બાઈ! મેં તો અધૂરો ત્રોફાવી દોટ મારી રે

કાળજડાં કોરાં રિયાં હો જી. - બાઈ! એક.

ડેરે ને તંબૂડે ગોતું, ગોતું વાસે ઝૂંપડે;

બાઈ! મારાં તકદીરની ત્રોફનારી રે

એટલામાં ચાલી ગઈ કિયાં હો જી. - બાઈ! એક.

૧. જોગી ગોપીચંદની પીઠ : રાજમહેલના ચોકમાં ગૌડ બંગાળના યુવાન રાજા ગોપીચંદ નાહતા હતા. રાણીઓ અને મર્દન કરતી હતી. તે વખતે ઉપરના ગોખમાં બેઠેલી માતા મેનાવતી રડતી હતી. તેનું ઉનું આંસું ગોપીચંદની પીઠ પર પડ્યું. ચમકીને ઉંચું જોયુંઃ એણે માતાને રડતી દીઠી, કારણ પૂછ્યું. માએ કહ્યું, આવી કંચનવરણી કાયાનો આખરે નાશ થશે એ વિચારે આંસુ આવ્યાં, માટે એ નાશમાંથી બચવા ભેખ લઈને અમરત્વ પ્રાપ્ત કર. ને તેમાંથી જ ગોપીચંદને જોગી બનાવવાના સંજોગો પેદા થયા હતા. અહીં ગોપીચંદની પીઠ માતાનાં આંસુએ ઝરડેલી, કાંટા પેઠે ઉઝરડેલી કહી છે.

ર. લાડુડા=ત્રાજવા પાડવા માટે રંગનાં ટપકાં ૩. સુરતા =નજર. ૪. કાંકણી=કંકણ.

૧૯૪૦. જેણે આકાશની છાતીનો બરાબર મધ્ય ઉરભાગ છૂંદણે ટાંક્યો, જેણે પુરાતન પુરુષ રામચંદ્રના તકદીરમાં કીર્તિની વેલડીઓ ત્રોફી, રાજયોગી ભર્તૃહરિના લલાટમાં જ્ઞાનવૈરાગ્યનો અમર યશ ટાંક્યો, ને બાલુડા ગોપીચંદની પઠમાં તેની જનેતાનાં આંસુ વડે જગદ્વંદ્ય ભેખ ત્રોફ્યો, એવી એક નિગૂઢ વિદ્યાત્રીના હાથમાં નીલા રંગની કુલડી છે તો નાની, પણ એમાં એણે દરિયાના દરિયા ઘોળ્યા છે. માનવીને ફકત પોતે ત્રોફેલાં ત્રાજવાંનાં સુંદર નમૂના જ બતાવ્યા, પણ ન બતાવી એની સોય (એની સંતાપીતલ શક્તિ) કે જે વડે એણે કોઈકનું કલેજું ને કોઈકનાં કપાળ ત્રોફ્યાં છે. ખોલી ખોલીને એ બતાવે છે પોતાના કરુણોજ્જવળ કારમાં ત્રોફણો; ને...હાય, એનાં ત્રોફણાંનું કીર્તિસૌંદર્ય કામી લેવાની અણસબૂરીમાં માનવીને નજરે નથી પડતી ‘કમખામાં સંતાડેલ સોય’ નામની કૃર્તિ-ત્રોફણ કસોટી. વિધાતા છૂંદનારીની પાસેથી માનવીને રૂપ જોઈએ છે. પ્રસિદ્ધિ ખપે છે પણ કલેજાના મર્મભાગ ઉપરનાં, સાચા સંવેદનનો રંગ પકડતાં, તકદીરનાં ત્રોફણો ખમી ખાવાની તૈયારી નથી.

તલવારનો વારસદાર

(ઢાળ : ‘શેના લીધા, મારા શ્યામ, અબોલડા શાને લીધા રે!’)

ભેટ્યે ઝૂલે છે તલવારઃ

વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે!

ભીંતે ઝૂલે છે તલવારઃ

બાપુજી કેરી ભીંતે ઝૂલે રે!

મારા બાપુને બહેન! બે બે કુંવરિયા,

બે વચ્ચે પાડ્યા છે ભાગ;

૧હાં રે બેની! બે વચ્ચે પાડ્યા છે ભાગ,

વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે!

મોટે માગી છે મો’લ મ્હેલાતો વાડીઓ,

નાને માગી છે તલવાર

હાં રે બેની! નાને માગી છે તલવાર

- વીરાજી.

મોટો મહાલે છે મો’લ મેડીની સાયબી,

નાનો ખેલે છે શિકાર - વીરાજી.

મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડીએ,

નાનેરો ઘોડે અસવાર - વીરાજી.

મોટો કાઢે છે રોજ કાવા કસુંબલા,

નાનેરો ઘૂમે ઘમસાણ - વીરાજી.

મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે,

નાનો ડુંગરડાની ધાર - વીરાજી.

મોટો મઢાવે વેઢ વીંટી ને હારલા,

નાનો સજાવે તલવાર - વીરાજી.

મોટાને સોહે હીર-ઝરિયાની આંગડી,

નાનાને ગેંડાની ઢાલ - વીરાજી.

મોટો સંતાય સુણી શત્રુના રીડિયા,

નાનેરો દ્યૈ છે પડકાર - વીરાજી.

મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં,

નાનેરો ઝીંકે છે ઘાવર - વીરાજી.

મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો,

નાનેરો સૂતો સંગ્રામ - વીરાજી.

મોટેરે, માડી! તારી કૂખો લજાવી,

નાને ઉજાળ્યા અવતાર - વીરાજી.

મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં,

નાનાની ખાંભી પૂજાય - વીરાજી.

ભેટ્યે ઝૂલે છે તલવારઃ

વીરાજી કેરી ભેટ્યે ઝુલે રે!

ભીંતે ઝૂલે છે તલવારઃ

બાપુજી કેરી ભીંતે ઝૂલે રે!

૧૯ર૮

વેણીનાં ફૂલ

(ઢાળ : ‘મારે ઘેર આવજો માવા, ઉનાં ઉનાં ઢેબરાં ખાવા’)

મારે ઘેર આવજે, બેની!

નાની તારી ગૂંથવા વેણી.

આપણા દેશમાં નીર ખૂટ્યાં ને

સળગે કાળ દુકાળ;

ફૂલ વિના મારી બેનડી! તારા

શોભતા નો’તા વાળ. - મારે.

બાગબગીચાના રોપ નથી, બેની,

ઉગતા મારે ઘેર;

મોગરા ડોલર જાઈ ચંબેલીની

મારે માથે નહી મ્હેર. - મારે.

રૂપ સુગંધી હું કાંઈ નો જાણું

ડુંગરાનો ગોવાળ;

આવળ બાવળ આકડા કેરી

કાંટ્યમાં આથડનાર. - મારે.

ડુંગરાની ઉંચી ટોચ ઉભેલાં

રાતડાં ગુલેનાર;

સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી

બેન સાટુ વીણનાર. - મારે.

પ્હાડ તણે પેટાળ ઉગેલાં

લાલ કરેણીનાં ઝાડ;

કેશૂડલાં કેરી વાંકડી કળીઓ

વીણીશ છેલ્લી ડાળ. - મારે.

ખેતર વચ્ચે ખોઈ વાળીને

ફૂલ ઝીણાં ખોળીશ;

વાગશે કાંટા દુઃખશે પાની

તોય જરીકે ન બ્હીશ. - મારે.

સાંજ વેળા મારી ગાવડી ઘોળી

આવીશ દોટાદોટ;

ગોંદરે ઉભીને વાટ જોતી બેની

માંડશે ઝૂંટાઝૂંટ. - મારે.

મોઢડાં નો મચકોડજે, બાપુ!

જોઈ જંગલનાં ફૂલ;

મોરલીવાળાને માથડે એ તો

ઓપતાં’તાં અણમૂલ. - મારે.

શિવ ભોળા, ભોળાં પારવતી એને

ભાવતાં દિવસરાત

તુંય ભોળી, મારી દેવડી! તુંને

શોભશે સુંદર ભાત. - મારે.

ભાઈ-ભાભી બેય ભેળાં બેસીને

ગૂંથશું તારે ચૂલ;

થોડી ઘડી પે’રી રાખજે વીરનાં

વીણેલ વેણી-ફૂલ!

મારે ઘેર આવજે બેની,

લાંબી તારી ગૂંથવા વેણી!

૧૯ર૮

નવી વર્ષા

મોર બની થનગાટ કરે

મન મોર બની થનગાટ કરે.

ઘરઘોર ઝરે ચહું ઓર, મારું મન મોર બની થનગાટ કરે.

બહુરંગ ઉમંગનાં પીંછ પસારીને

બાદલસું નિજ નેનન ધારીને

મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.

મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે

ગુમરી ગુમરી ગરજાટ ભરે.

નવે ધાન ભરી સારી સીમ ઝૂલે,

નદીયું નવજોબન ભાન ભૂલે,

નવ દીન કપોતની પાંખ ખૂલે.

મધરા મધરા મલકાઈને મેડક મેહસું નેહસું બાત કરે.

ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે.

મારા લોનમાં મદઘેન ભરે.

વન-છાંય તળે હરિયાળી પર

મારો આતમ લ્હેર-બિછાત કરે

સચરાચર શ્યામલ ભાત ધરે.

મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે,

ઓ રે! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે

ઉંભી મેઘ-મહોલ અટારી પરે!

અને ચાકચમૂર બે ઉર પરે

પચરંગીન બાદલ-પાલવડે

કરી આડશ કોણ ઉભેલ અરે!

ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,

ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે!

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,

પટકૂળ નવે પાણી-ઘાટ પરે!

એની સૂનમાં મીટ સમાઈ રહી,

એની ગાગર નીર તણાઈ રહી,

એને ઘેર જવા દરકાર નહીં.

મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે!

પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!

ઓલી કોણ હિંડોળ ચગાવત એક ફૂલ બકુલની ડાળ પરે,

ચકચૂર બની ફૂલ-ડાળ પરે!

વિખરેલ અંબોડાના વાળ ઝૂલે,

દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે,

શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.

એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે,

ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!

મોર બની થનગાટ કરે

આજે મોર બની થનગાટ કરે

મન મોર બની થનગાટ કરે.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજ,

નવ બાદલને ઉર આગ બૂઝે,

નદીપૂર જાણે વનરાજ ગુંજે.

હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ,

ઘનઘોર ઝરે ચહું ઓર, મારું મન મોર બની થનગાટ કરે.

મન મોર બની થનગાટ કરે.

ચહું ઓર = ચારે બાજુ. મધરા મધરા=ધીરે રવે. નેહસું=સ્નેહથી. બાત=વાત. ઘેઘૂર=ચકચૂર. ઓલી=પેલી. મોકળિયું=મોકળી, છૂટ્ટી (બહુવચન). ચાકમચૂર બે ઉર =મસ્ત બે સ્તનો. સૂન=શૂન્ય. નીંડોળ=ઠેલો. ગુંજે=ગરજે. દેવડીએ=દરવાજે.

૧૯૪૪. કવિવર રવીન્દ્રનાથનું અતિ પ્રિય મૂળ ‘નવવર્ષા’ મેં એમના જ શ્રીમુખેથી કલકત્તા ખાતેના એમના મકાને ઉજવાયેલ ‘વર્ષામંગલ’માં ઘણું કરીએ ૧૯ર૦માં સાંભળેલું. અને એમના જ કંઠે ગ્રામોફોન રેકર્ડમાં ઉતરેલ હોવાનું જાણ્યું છે. આ અને આવાં અનેક ઋતુકાવ્યો રવીન્દ્રનાથે ઋતુના ઉત્સવો ઉજવવા અને અભિનય સાથે બોલી સંભળાવવા માટે યોજ્યાં છે. અનુવાદનો વૃત્તબંધ ચારણી લઢણે મારો ઘડેલો છે. એક કડી રહી ગઈ છે.

કોઈનો લાડકવાયો

(ઢાળઃ મરાઠી સાખીનો)

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,

કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવેઃ

ઘાયલ મરતાં મરતાં રે

માતની આઝાદી ગાવે.

કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,

શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,

મુખથી ખમા ખમા કરતી

માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઉમટતા રણજોદ્ધા જોવાને,

શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાનેઃ

નિજ ગૌરવ કરે ગાને

જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,

છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલોઃ

અણપૂછ્યો અણપ્રીછેલો

કોઈનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના’વી,

એને સીંચણ તેલ-કચોળાં નવ કોઈ બહેની લાવીઃ

કોઈના લાડકવાયાની

ન કોઈએ ખબરે પુછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,

સનમુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતીઃ

કોઈના લાડકવાયાની

આંખડી અમૃત નીતરતી.

કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,

આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાંઃ

આતમ-દીપક ઓલાયા,

ઓષ્ઠનાં ગુલાબ કરમાયાં.

કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,

હળવે એના હૈયા ઉપર કર-જોડામણ કરજોઃ

પાસે ધૂપસળી ધરજો,

કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,

એને ઓષ્ઠ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરેઃ

સહુ માતા ને ભગિની રે!

ગોદ લેજો ધીરે ધીરે!

વાંકડિયાં એ જુલ્ફાંની મગરૂબ હશે કો માતા,

એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતાઃ

રે! તુમ ચુંબન ચોડાતાં

પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,

એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી,

ઉરની એકાન્તે રડતી

વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરતા,

એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતાઃ

વસમાં વળામણાં દેતા,

બાથ ભીડી બે પળ લેતા.

એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,

જોતી એની રુધિર-છલકતી ગજ ગજ પહોળી છાતી,

અધબીડ્યાં બારણિયાંથી

રડી કો હશે આંખ રાતી.

એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,

એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢેઃ

કોઈના લાડકવાયાને

ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,

એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી;

લખજોઃ ‘ખાક પડી આંહી

કોઈના લાડકવાયાની.’

૧૯૩૦. કારાવાસમાં. સાબરમતી જેલમાં અબ્બાસ સાહેબની વિદાયની સાંજરે સ્નેહ-સંમેલનમાં શ્રી દેવદાસ ગાંધીએ જૂન રોયલ રીડરમાંથી મેરી લા કોસ્ટે નામનાં કોઈ અજાણ બાઈનું રચેલું કાવ્ય ‘સમબડીઝ ડાર્લિંગ’ વાંચી સંભળાવેલું. તેણે પેદા કરેલા મંથનનું પરિણામ. અત્યારના આપણા સમયને અનૃરૂપ ભાવ આપેલો છે. મારી આંખોના ખીલ ઠોલાવેલાં તે દિવસે જ લગભગ આંધળા આંધળા લખેલું હતું. મારું ઘણું જ લાડકવાયું ગીત, મારા કંઠના મુકરર સૂરોમાંથી જ ઉદ્‌ભવેલું અને એ જ સૂરો વડે સતત સીંચાયેલું, તેને જ્યારે હું કાલીંગડા અને મરાઠી સાખીના મૂળ સૂરને બદલે ભૈરવીમાં ગવાયેલું સાંભળું છું, ત્યારે મારું પ્રિય સંતાન રિબાતું હોવાની વેદના મને થાય છે.

કસુંબીનો રંગ

લાગ્યો કસુંબીનો રંગ -

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા

પીધો કસુંબીનો રંગ;

ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ

પામ્યો કસુંબીનો રંગ. - રાજ.

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં

ઘોળ્યો કસુંબીનો રંગ;

ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ

ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ.

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં

ભભક્યો કસુંબીનો રંગ - રાજ.

સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં

મહેક્યો કસુંબીનો રંગ. - રાજ.

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર

ચાખ્યો કસુંબીનો રંગ. - રાજ.

વહાલી દિલદારાના પગની મેંદી પરથી

ચૂમ્યો કસુંબીનો રંગ. - રાજ.

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ

ગાયો કસુંબીનો રંગ;

મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે

પાયો કસુંબીનો રંગ. - રાજ.

પીડિતની આંસુડાધારે-હાહાકારે

રેલ્યો કસુંબીનો રંગ;

શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે

સળગ્યો કસુંબીનો રંગ. - રાજ.

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે

છલકાયો કસુંબીનો રંગ;

બિસ્મિલ બેટાઓની માતાને ભાલે

મલકાયો કસુંબીનો રંગ. - રાજ.

ઘોળી ઘોળી પ્યાલા ભરિયાઃ રંગીલાં હો!

પીજો કસુંબીનો રંગ;

દોરંગાં દેખીને ડરિયાંઃ ટેકીલાં હો!

લેજો કસુંબીનો રંગ! - રાજ.

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -

લાગ્યો કસુંબીનો રંગ.

‘યુગવંદના’નું પ્રારંભગીત : ૧૯૩૪. સોરઠમાં ને ગુજરાતમાં નવવધૂની કસુંબલ ચૂંદડી. શૌર્ય પ્રેમની કસુંબલ આંખ, બહારવટિયાનાં ‘લાલ કસુંબલ લૂગડાં’ અને ‘ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી પ્રેમશૌર્યઅંકિત’ એ કવિ નર્મદની ગીતપંક્તિ પ્રચલિત છે. સુગંધે મહેકતો, ન ભડકા જેવો કે ન આછો, પણ લાલપમાં કાળાશ ઘૂંટી કરેલો હોય તેવો આ કસુંબલ રંગ ઉત્તમ ગણાય છે. જીવનનો પણ એવો જ કસુંબલ રંગઃ હૃદયના સર્વ ભાવો જેમાં નિચાવાયા હોય તેવો રંગ જીવનકસુંબીનો. એવી સકલ ઉર્મિઓના રંગે રંગાયેલા કોઈ વિરલાને નિર્દેશી રચ્યું છે.

ઉભાં રો’, રંગ વાદળી!

(ઢાળ : ‘‘સોના ઈંઢોણી રૂપા બેડલું રે નાગર ઉભા રો’, રંગ રસિયા!’’)

લીલા છે મોર કાળી વાદળી રે

એક વાર ઉભાં રો’, રંગ વાદળી!

વરસ્યા વિણ શાને વહ્યાં જાવ રે

એક વાર ઉભાં રો’, રંગ વાદળી!

ઝૂરે બાપૈયાઃ ઝૂરે ઝાડવાં રે - એક વાર.

તરસ્યા નદીઓ તે કેરા તીર રે - એક વાર.

ઝાઝા દા’ડાના દીધા વાયદા રે - એક વાર.

બેઠાં આશાએ બાર માસ રે - એક વાર.

ઉંચા આકાશની અટારીએ રે - એક વાર.

ઉભાં શાને વિખેરી વેણ્ય રે - એક વાર.

ઓઢી છે ઈંદ્ર-ધનુ ઓઢણી રે - એક વાર.

મેલ્યા બે છેડલા ઢળંત રે - એક વાર.

આષાઢી બીજની આડ્યો કરી રે - એક વાર.

તારાની ટીલડી લલાટ રે - એક વાર.

કાંડે તે વીજ કેરી કાંકણી રે - એક વાર.

વાદળ-ગંગાનો ગળે હાર રે - એક વાર.

લાંબા તે કાળની વિજોગણી રે - એક વાર.

કાઢો છો કોને કાજ દોટ રે - એક વાર.

જળ રે દેવીની તમેદીકરી રે - એક વાર.

દાદા રૂડા તે રવિ ભાણ રે - એક વાર.

જનનીની પ્રીત ક્યમ વીસર્યા રે. - એક વાર.

દાદાના તાપ શે સે’વાય રે - એક વાર.

આવો આકાશની અધીશ્વરી રે - એક વાર.

પૃથ્વીના પંખીડાં પોકારે રે - એક વાર.

ટાંપી ટાંપીને મોર ટૌકિયા રે - એક વાર.

આવો, અમીની ભરેલ બેન રે - એક વાર.

ફૂલમાળ

(ઢાળ : ‘તોળી રાણી! તમે રે ચંપો ને અમે કેળ્ય’)

વીરા મારા! પંચ રે સિંધુને સમશાન,

રોપાણાં ત્રણ રૂખડાં૧ હો...જી.

વીરા- એની ડાળિયું અડી આસમાનઃ

મુગતિનાં ઝરે ફૂલડાં હો...જી.

વીરા! તારાં ફૂલ રે સરીખડાં શરીરઃ

ઈંધણ તોય ઓછાં પડ્યાંર હો...જી

વીરા મારા! સતલજ નદીને તીર,

પિંજર પૂરાં નો બળ્યાં હો...જી

વીરા! તારી ચિતામાં ધમધખતી વરાળ

નવ નવ ખંડે લાગિયું હો...જી;

વીરા! તારી નહિ રે જંપે પ્રાણઝાળઃ

ઠારેલી ભલે ટાઢિયું હો...જી.

વીરા! તારા પંથડા વિજન ને અઘોરઃ

ઓરાણો તું તો આગમાં હો...જી;

વીરા! તારા વસમ જિગરનાં જોરઃ

લાડકડા! ખમા ખમા હો...જી.

વીરા! તારે મુખલડે માતાજી કેરાં દૂધ,

ધાવેલાં હજી ફોરતાં હો...જી;

વીરા! એવી બાળુડી ઉંમરમાં ભભૂત,

જાણ્યું તેં, જોગી, ચોળતાં હો...જી.

વીરા! તારા ગગને ઉછળતા ઉલ્લાસ,

દુનિયાથીદૂરે દોડવા હો...જી;

વીરા! તારે અચળ હતા વિશ્વસ,

જનમીને ફરી આવવા હો...જી.

વીરા! તારે નો’તા રે દોખી૩ ને તો’તા દાવ૪

તરસ્યોયે નો’તો રક્તનો હો...જી.

વીરા! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ,

માભૂમિ કેરા ભક્તનો હો...જી.

વીરા! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળઃ

પે’રીને પળ્યો પોંખણે હો...જી;

વીરા! તારું વદન હસે ઉજમાળ

સ્વાધીનતાને તોરણે હો...જી.

૧. ત્રણ રૂખડાં=ત્રણ વૃક્ષોઃ ત્રણ જણાને ફાંસી આપી સતલજ નદીને કિનારે બાળેલા.

ર. ઈંધણ તોય ઓછાં પડ્યાં...પિંજર પૂરાં નો બળ્યાં = ઘાસલેટ છાંટીને બાળ્યા છતાં તેમનાં મૃતદેહનું પૂરું દહન ન થયું હોવાની ફરિયાદ હતી.

૩. દોખી= દુશ્મન

૪. દાવ=વિરોધી.

૧૯૩૧. સ્વ. ભગતસિંહને ફાંસી અપાઈ તેની વેદનાને વહેતું ભજન.

ચારણ કન્યા

સાવજ ગરજે!

વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિગરજે

કડ્ય પાતળિયો જોદ્ધો ગરજે

મોં ફાડી માતેલોગરજે

જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે!

ક્યાં ક્યાં ગરજે?

બાવળનાં જાળામાં ગરજે

ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે

ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે

ગિરિઓની ગોહરમાં ગરજે

ઉગમણો આથમણો ગરજે

ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે!

વાડામાં વાછડલાં કાંપે

કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે

ઝાડ તણાં પાંદડલાં કાંપે

પહાડોના પથ્થર પણ કાંપે

સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને જાગંતાં કાંપે

જડ ને ચેતન સૌએ કાંપે

આંખે ઝબૂકે!

કેવી એની આંખ ઝબૂકે!

વાદળમાંથી વીજ ઝબૂકે

જોટે ઉગી બીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે

હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે

વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે

સામે ઉભું મોત ઝબૂકે

જડબાં ફાડે!

ડુંગર જાણે ડાચાં ફાડે!

જોગી જાણે ગુફા ઉઘાડે!

જમરાજાનું દ્વાર ઉઘાડે!

પૃથ્વીનું પાતાળ ઉઘાડે!

બરછી સરખા દાંત બતાવે

લસ! લસ! કરતી જીભ ઝુલાવે.

બ્હાદર ઉઠે!

બડકંદાર બિરાદર ઉઠે

ફરસી લેતો ચારણ ઉઠે

ખડગ ખેંચતો આહીર ઉઠે

બરછી ભાલે કાઠી ઉઠે

ઘર ઘરમાંથી માટી ઉઠે

ગોબો હાથ રબારી ઉઠે

સોટો લઈ ઘરનારી ઉઠે

ગાય તણા રખવાળો ઉઠે

દૂધમલા ગોવાળો ઉઠે

મૂછે વળ દેનારા ઉઠે

ખોંખારો ખાનારા ઉઠે

માનું દૂધ પીનારા ઉઠે

જાણે આભ મિનારા ઉઠે!

ઉભો રે’જે!

ત્રાડ પડી કે ઉભો રે’જે!

ગીરના કુત્તા ઉભો રે’જે!

કાયર દુત્તા ઉભો રે’જે!

પેટભરા! તું ઉભો રે’જે!

ભૂખમરા! તું ઉભો રે’જે!

ચોર-લૂંટારા ઉભો રે’જે!

ગા-ગોઝારા ઉભો રે’જે!

ચારણ-કન્યા!

ચૌદ વરસની ચારણ-કન્યા

ચૂંદડિયાળી ચારણ-કન્યા

શ્વેતસુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા

લાલ હીંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડંતી ચારણ-કન્યા

પહાડ ઘુમંતી ચારણ-કન્યા

જોબનવંતી ચારણ-કન્યા

આગ-ઝરંતી ચારણ-કન્યા

નેસ-નિવાસી ચારણ-કન્યા

જગદશ્બા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા

ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા

પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો!

સિંહણ, તારો ભડવીર ભાગ્યો

રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો

હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો

મોટો વીર મુછાળો ભાગ્યો

નર થઈ તું નારીથી ભાગ્યો

નાનકડી છોડીથી ભાગ્યો!

૧૯ર૮. ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઈ નામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂકયો હતો.

‘‘તુળસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા, ત્યાં રીડ થઈ. સાવજ ડણક્યો. હાકોટા થાવા માંડ્યા. રોળકોળ વેળા થઈ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઈ કરી એક ચારણ બાઈની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધા દોડ્યા. વીસેક જણા હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારની યે ત્યાં પહોંચી ગઈ હતી. મરેલી વોડકી પર એ ચારણકન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઈ હોંકારા કરતો હતો. બાઈ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઈએ સાવજને આવાવ ન દીધી.... એ વખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું. આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.’’(દુલા કાગ)

સૂના સમદરની પાળે

(દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે. સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે એક જ જીવતો સાથી ઉભો છે. મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.)

સૂના સમદરની પાળે

રે આઘા સમદરની પાળે,

ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે

સૂના સમદરની પાળે

નો’તી એની પાસ કો માડી,

રે નો’તી એની પાસ કો બેનીઃ

વ્હાલાના ભાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં નો’તી રે

સૂના સમદરની પાળે

વેગે એનાં લોહી વ્હેતાં’તાં

રે વેગે એનાં લોહી વ્હેતાં’તાં,

બિડાતા હોઠના છેલ્લા બોલ ઝીલન્તો એક ત્યાં ઉભો રે

સાથી સમદરની પાળે

ઝૂકેલા એ વીરને કાને

રે એકીલા એ વીરને કાને,

ટૂંપાતી જીભનાં ત્રૂટ્યાં વેણ સુણાવે હાથ ઝાલીને રે

સૂના સમદરની પાળે

વીરા!મારો દેશડો દૂરે,

રે વીરા! મારું ગામડું દૂરે,

વાલીડાં દેશવાસીને સોંપજે મોંઘી તેગ આ મારી રે

સૂના સમદરની પાળે

એ ને એંધાણી કે’જે

રાજેસર ગામ ને રેવાતીરનો વાસી દૂર પોઢ્યો છે રે

સૂના સમદરની પાળે

લીલૂડા લીંબડા હેઠે

રે લીલૂડા લીંબડા હેઠે

ભેળા થૈ પૂછશે ભાંડું, રણઘેલૂડો કેમ રોકાણો રે

સૂના સમદરની પાળે

માંડીને વાતડી કે’જે

રે માંડીને વાતી કે’જે

ખેલાણા કોડથી કેવા કારમા રૂડા ખેલ ખાંડાના રે

સૂના સમદરની પાળે

કે’જે સામા પાલ ભીડન્તા

રે કે’જે સામા ઘાવ ઝીલન્તા

ઉભા’તા આપણા વંકા વીર રોકીને વાટ વેરીની રે

સૂના સમદરની પાળે

કે’જે એવાં જુદ્ધને જોતો

રે કે’જે એવા જુદ્ધને જોતો

ઉગીને આથમ્યો આભે ભાણ આખો દી ઘોડલે ઘૂમી રે

સૂના સમદરની પાળે

કે’જે ભાઈ!આરતી-ટાણે

રે કે’જે, ભાઈ! ઝાલરું-ટાણે

લાખેણા વીરની સો સો લોથ સૂતી સંચારવિસામે રે

સૂના સમદરની પાળે

કે’જે એવે શોભતે સાથે,

રે કે’જે એવે રૂડલે સાથે,

પોઢ્યા ત્યાં કૈંક બાળુડા ઉગતે જોબન મીટ માંડીને રે

સૂના સમદરની પાળે

કે’જે એવા ભાંડરુ ભેળો

રે કે’જે એવા મીંતરું ભેળો,

રાજેસર ગામ ને રેવાતીરનો વાસી પ્રેમસું પોઢ્યો રે

સૂના સમદરની પાળે

બીજું મારી માતને કે’જે

રે બીજું મારી માતને કે’જે,

રોજો મા, માવડી મોરી! ભાઈ મોટેરા પાળશે તુંને રે

સૂના સમદરની પાળે

માડી! હું તો રાન-પંખીડું

રે માડી! હું વેરાન-પંખીડુંઃ

પ્રીતિને પીંજરે મારો જંપિયો નો’તો જીવ તોફાની રે

સૂના સમદરની પાળે

માડી! મેં તો બાપને ખોળે

રે માડી! મેં તો બાપને ખોળે,

બેસીને સાંભળ્યા સો-સો રાત બાપુનાં ઘોર ધીંગાણા રે

સૂના સમદરની પાળે

બાપુ કેરે મોત-બિછાને

રે બાપુ કેરે મોત-બિછાને,

વ્હેંચાણા રાંક પિતાના વારસા જે દી ભાઈ વચાળે રે

સૂના સમદરની પાળે

ભાઈયું મારા સોનલાં માગે

રે ભાઈયું મારા રૂપલાં માગે,

માગી’તી એકલી મેં તો વાંકડી તાતી તેગ બાપુની રે

સૂના સમદરની પાળે

દા’ડી એને ટોડલે ટાંગી

રે દા’ડી એને ટોડલે ટાંગી,

સંધ્યાનાં તેજસું રૂડી ખેલતી જોતો બાળ હું ઘેલો રે

સૂના સમદરની પાળે

એવાં એવાં સુખ સંભારી

રે એવાં એવાં સુખ સંભારી,

રાજેસર ગામ ને રેવાતીરનો વાસી વ્હાલથી પોઢે રે

સૂના સમદરની પાળે

ત્રીજું મારી બે’નને કે’જે

રે ત્રીજું મારી બે’નને કે’જે.

બેની બા! માથડાં ઢાંકી ધ્રુસકે મારે કાજે મા રોજા રે

સૂના સમદરની પાળે

સામૈયાની શોભતી સાંજે

રે સામૈયાની શોભતી સાંજે,

બેનીબા! વીરવિહોણી વારને ભાળી નેન ના લ્હોજો રે

સૂના સમદરની પાળે

જેવંતા એ રણજોદ્ધાને

રે જેવંતા એ રણજોદ્ધાને,

ઉભાડી આપણે આંગણ, ઉજળાં મોંનાં મીઠડાં લેજો રે!

સૂના સમદરની પાળે

જોજે બેની! હામ નો ભાંગે

રે જોજે બેની! વેદના જાગે,

તુંયે રણબંકડા કેરી બેનઃ ફુલાતી રાખજે છાતી રે!

સૂના સમદરની પાળે

બેની! કોઈ સોબતી મારો

રે બેની! કોઈ સોબતી મારો,

માગે જો હાથ, વીરાની ભાઈબંધીને દોયલે દાવે રે

સૂના સમદરની પાળે

બેની મારી, ફાળ મા ખાજે!

રે બેની!ઝંખવૈશ મા લાજે!

માયાળુ! મન કોળે તો ભાઈને નામે જોડજે હૈયાં રે!

સૂના સમદરની પાળે

બેનીબા! આ તેગ બાપુની

રે બેનીબા! આ તેગ બાપુની,

ઝુલાવી ટોડલે જૂને રોજ પેટાવ્યે દીવડો ઘીનો રે

સૂના સમદરની પાળે

એવાં વા’લાં ધામ સંભારી

રે એવાં મીઠાં નામ સંભારી,

રાજેસર ગામ ને રેવાતીરનો વાસી એકલો પોઢે રે

સૂના સમદરની પાળે

બંધુ મારા! એક છે બીજી

રે બંધુ મારા! એક છે બીજી,

તોફાની આંખ બે કાળીઃ ઓળખી લેજે એ જ એંધાણે રે

સૂના સમદરની પાળે

બંધુ! એનું દિલ મસ્તાનું

રે બેલી! એનું દિલ મસ્તાનું,

મસ્તાના ફૂલ-હૈયાને હાય રે માંડ્યું આજ ચિરાવું રે

સૂના સમદરની પાળે

કે’જે એને રાત આ છેલ્લી

રે કે’જે એને વાત આ છેલ્લી,

કે’જે કે ચાંદલી આઠમ રાતના ઉડ્યાં પ્રેમ-પંખેરું રે

સૂના સમદરની પાળે

કે’જે મારું સોણલું છેલ્લું

રે કે’જે મારું સોણલું છેલ્લુંઃ

રેવાને કાંઠડે આપણ જોડલે ઉભાં દિન આથમતે રે

સૂના સમદરની પાળે

રેવા ઘેરાં ગીત ગાતી’તી

રે રેવા ઘેરાં ગીત ગાતી’તી,

ગાતાં’તાં આપણે ભેળાં ગાન મીઠેરાં ગુર્જરી માનાં રે

સૂના સમદરની પાળે

શીળી એવી સાંજને હૈયે

રે મીઠી એવી સાંજને હૈયે,

ડોલરિયા ડુંગરા દેતા ઘોર હોંકારા આપણે ગાને રે

સૂના સમદરની પાળે

પ્હાડેપ્હાડ આથડ્યાં ભેળાં

રે ખીણેખીણ ઉતર્યા ભેળાં,

કે તારી આંખડી પ્યાસી શુંય પીતી’તી મુખડે મારે રે!

સૂના સમદરની પાળે

કૂણી તારી આંગળી કેરા

રે કૂણી તારી આંગળી કેરા

ભીડીને આંકડા મારે હાથ, ચાલી તું દૂર વિશ્વાસે રે

સૂના સમદરની પાળે

એવાં એવાં સોણલાં જોતો

રે એવાં એવાં સોણલાં જોતો

રાજેસર ગામ ને રેવાતીરનો તારો પિયુજી પોઢે રે

સૂના સમદરની પાળે

લાગ્યો એનો કંઠ રૂંધાવા

રે લાગી એની જીભ ટૂંપાવા,

ઓલાતી આંખડી ઢાળી, શ્વાસ નિતારી, બોલતો થંભે રે

સૂના સમદરની પાળે

સાથી એની આગળ ઝૂકે

રે સાથી એનું શિર લ્યે ઉંચે;

બુઝાણો પ્રાણ-તિખારો, વીર કોડાળો જાય વિસામે રે

સૂના સમદરની પાળે

ચાલી આવે આભમાં ચંદા

રે ચાલી આવે આભમાં ચંદા,

ચંદાનાં નેણલાં નીચે કારમા કેવા કેર વેરાણા રે

સૂના સમદરની પાળે

ઠારોઠાર ખાંદણાં રાતાં

રે લારોલાર ઢૂંઢ ને માથાં;

કાળી એ કાળલીલાને ન્યાળતી ચંદા એકલી ઉભી રે

સૂના સમદરની પાળે

ઉભી ઉભી ન્યાળતી આઘે -

રે ઉભી ઉભી ન્યાળતી આઘે,

રોજેસર ગામ ને રેવાતીરનાં સૂતાં માનવી મોંઘાં રે

સૂના સમદરની પાળે

૧૯૩૦. કારાવાસમાં. જૂની રોયલ રીડરમાંથી મળેલા કેરોલીન શેરીડાન નોર્ટનના અંગ્રેજી કથાગીત ‘બીન્જન ઓફ ધ ર્‌હાઈન’ પરથી. જર્મનીના પ્રાણસમી ર્‌હાઈન નદીને બદલે ગુજરાતી હૃદયધારા રેવા - નર્મદા - ને બેસારેલ છે. પણ રાજેસર ગામ તો કેવળ કલ્પિત જ છે.

છેલ્લી સલામ

(ઢાળ : ‘ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગોપીચંદણ’ - એ ભજનનો)

સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે,

ઝાઝેરા જુહાર જગને દેજો હો...જી!

મળાયું ન તેને સહુને માફામાફ કે’જો, ને

રુદિયામાં રાખી અમને રે’જો હો...જી!

ટીપેટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,

પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી -

એવા પાપ-દાવાનલમાં જલે છે જનેતા મારી,

દિલડાનાં ડુંગર સળગ્યા - ઠરશે ન જી!

સો-સો રે સલામું.

કીધાં ખાખ ખાંડવવનને૧ પાંડું તણા પુત્રે તે દી

નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો...જીઃ

આદુનાં નિવાસી એ તો આ રે આર્યભોમ કેરાં,

પૂર્વજ મારાને પાપે ઓરાણાં હો...જી

- સો સો રે સલામું.

રઘુપતિર રામ મારા રુદાનો વિસામો - એણે

ઋષિઓને વચને ખાધેલ પોટ્યું હો...જી

પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે

એનું ઘોર પઅતક આજે ઉમટ્યું હો...જી!

- સો સો રે સલામું.

છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથ્વીના પેટમાં, ને

અસૂરો કહીને કાઢ્યા વનવાસ જીઃ

જીવતાં ને કાજે જુદી નરકું બંધાવિયું, ને

સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી.

- સો સો રે સલામું.

સમર્થોની સત્તા, સંતો, ધુતારાની ધૂતણબાજી,

કુડિયા ગુરુની કૈં કૈં કરામાત જીઃ

એની૩ તો વણાવી ધીંગી ધરમધજાઓ, એને

ભાડું કેરે રગતે રંગી ભલી ભાત જી.

- સો સો રે સલામું.

એવી એવી ઝડીઓ મારાં સહોદરો ઝીલતાં, ને

ધરમધજા કેરે ક્યારે સિંચાણાં હો...જીઃ

રુદામાં શમાવી સરવે રુદનપિયાલા, વા’લાં

હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો...જી.

- સો સો રે સલામું.

રથના સારથિડા - સુણજો, સાધુ ને ગુંસાઈ સરવે,

કડાકા કરે છે રથની ધરીઓ હો...જીઃ

જુઓ જુઓ જુગનો ભેરવ ઉભો વાટ ખાળી આજે,

ભીતર તો નિહાળો : હરિ ક્યાં પળિયો હો..જી.

- સો સો રે સલામું.

જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો, ને

ધરમ કેરા ધારણ-કાંટા માંડે હો...જીઃ

સતને ત્રાજવડે૪ મારાં કલેજાં ચડાવિયાં મેં,

શીશ તો નમાવ્યું શાસનદંડે હો...જી

- સો સો રે સલામું.

હરિ કેરાં તેડાં અમને - આવી છે વધામણી રે,

દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો...જી;

હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા’લા!

રખે કોઈ રોકે નયણાં રડીને હો...જી!

- સો સો રે સલામું.

૧. અૂજેન ખાંડવવન સળગાવીને સર્પોને નહિ, પણ ‘નાગ’ નામની અનાર્ય માનવજાતિને ભસ્મીભૂત કરી હતી - કેવળ એ આદિ-નિવાસીઓનો પ્રદેશ પચાવી પાડવા સારુ જ.

ર. બ્રાહ્મણે આવીને રામચંદ્ર પાસે પોકાર કર્યોકે શમ્બૂક નામના એક શુદ્રે તપશ્ચર્યા માંડી છે તે કારણે મારો પુત્ર મૃત્યુ પામે છે! તે પરથી રામચંદ્રે એ તપસ્વીનો શિરચ્છેદ કર્યો હતો.

૩. આ બધા જુલમો ધર્મને નામે થઈ રહેલ છે - એ ભાવાર્થ.

૪. મહાત્માજીના શબ્દોઃ ‘આઈ હેવ લેઈડ ડાઉન માય લાઈફ ઈન ધ સ્કેઈલ્સ ઓફ જસ્ટિસ’.

૧૯૩૩. બ્રિટિશ મહાસચિવના કોમી ચુકાદા સામે ગાંધીજીએ યરોડા જેલમાં અનશન વ્રત લીધું ત્યારે. આ ગાંધીજીને મોકલ્યું હતું તેના જવાબમાં એમનું એક પત્તું મળેલું કે ‘તમારી પ્રસાદી મળી. કવિતા સમજવાની મારી શક્તિ નહિ જેવી છે. પણ તમે મને ગોળમેજીમાં જતી વખતે જે પ્રસાદી (‘‘છેલ્લો કટોરો’’)મોકલેલી તે મને બહુ ગમેલી. તેની જોડે હું આને મૂકી શકતો નથી.’

છેલ્લી પ્રાર્થના

(ઢાળ : ‘ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગોપીચંદણ’ - એ ભજનનો)

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,

કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,

મરેલાંનાં રુધિરને જીવતાંનાં આંસુડાંઓઃ

સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ!

અમારા યજ્ઞનો છેલ્લો બલિઃ આમીન કે’જે!

ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે!

વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!

અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!

પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,

બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું -

અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!

દુવા માગી રહ્યું, જો, સૈન્ય અમ તત્પર ઉભેલું.

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,

ખબર છે આટલી કે માતની હાકલ પડી છે,

જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છેઃ

ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?

જુઓ આ, તાત! ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,

જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,

જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારાઃ

સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!

ભલે હો રાત કાળી - આપ દીવો લૈ ઉભા જો!

ભલે રણમાં પથારી - આપ છેલ્લાં નીર પાજો!

લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!

મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!

તૂટે છે આભઉંચા આપણા આશા-મિનારા,

હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા;

સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા,

મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.

૧૯૩૦. આયરિશ વીર સ્વ. મેક્સ્વીનીના એક ઉદ્‌ગાર પરથી સૂઝેલું. સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં મારા પર પાયા વગરના આરોપસર મુકદ્‌મો ચાલેલો, ત્યારે, બે વર્ષની સજા કરનાર મેજિસ્ટ્રેટ મિ. ઈસાણીની ધંધુકા ખાતેની અદાલતમાં એમની અનુજ્ઞાથી ગાયેલું તે.

‘સૌરાષ્ટ્ર’ના તા. ૩-પ-૧૯૩૦ના અંકમાં પ્રગટ થયેલો ધંધુકાની અદાલતનો અહેવાલઃ

શ્રી મેઘાણીએ પોતાનું નિવેદન વાંચ્યું...ત્યારબાદ તેમણે કોર્ટની પરવાનગી માગી કે ‘મારે એક પ્રાર્થના ગાવી છે, પરવાનગી હોય તો ગાઉં. કોર્ટે રજા આપી. શ્રી મેઘાણીની છાતીના બંધ આજે તૂટી ગયા હતા. આર્તસ્વરે એમણે પ્રાર્થના ગાઈઃ

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,

કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,

મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓઃ

સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુઓ!’

...જેમ જેમ પ્રાર્થના આગળ ચાલી, તેમતેમ એ માનવમેદની પૈકીની સેંકડો આંખો ભીની થવા માંડી. અને એ પ્રાર્થના માંડ અડધી ગવાઈ - ગવાઈ નહીં પણ શ્રી મેઘાણીનો આર્તનાદ અડધો સંભળાયો, ત્યાં તો સેંકડો ભાઈબહેનોની આંખો રૂમાલ, પહેરણની ચાળો અને સાળુના પાલવો નીચે છુપાઈ, અને પછી-

પ્રભુજી! પેખજો, આ છે અમારું યુદ્ધ છેલ્લું

બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું -

એ પંક્તિઓ આવી ત્યાં તો કોર્ટનો ઓરડો, ઓરડાનાં દ્વારોમાં ખડકાયેલાં ને ચોમેર ઓસરીમાં ઉભેલાં ભાઈ-બહેનોનાં ડૂસકાં પથ્થરને પણ ચીસો પડાવે તેવી રીતે હીબકવા લાગ્યાં ને પછી તો મોંછૂટ રુદનના સ્વરો ગાજવા માંડ્યા અને છેલ્લે

સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા,

મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.

એ પંક્તિઓ આવી (એ પછી) શ્રી મેઘાણી...પોતાના આસને બેઠા, ત્યારે તો ખરેખર એ માનવ-મેદની રોતી જ હતી. દસેક મિનિટ તો કોર્ટનું મકાન ડૂસકાં ને આર્તનાદોથી કંપતું રહ્યું.

ધંધૂકાની અદાલત એ પ્રસંગ

ધીમાં ધીમાં લોચન ખોલો

(‘ગરનારીના ઉતારા રે ભાઈ! વેલાના ઉતારા’-એ ભજન-ઢાળ)

હળવાં હળવાં લોચન ખોલો

ધીમાં ધીમાં લોચન ખોલો રે

સંહારના સ્વામી! થોડા ડોલજો હો જી.

ભમ્મરથી ભૂકમ્પોને ખેરજો હો જી.૧

દેવા! પાંપણને સૂપડલે

સ્વામી! પાંપણને સૂપડલે રે

સોજો ધરતીનાં કસ્તર ઝાટકી હો જી.

મીટુંમાં માંડો, માલિક! ત્રાજવાં હો જી.ર

ત્રણે ખંડોને લ્યો તોળી

ચૌદે બ્રહ્માંડોને તોળી રે

સાંધણ નવ રાખો એકે વાલનાં હો જી.

દૃગ રે ટાડી ને હેમાળે ભરીહો જી.૩

દીઠે દાવાનળ ચેતાવ્યા

ચોગમ હુતાશન ચેતાવ્યા રે

સળગ્યા સિંધુ ને સળગ્યાં સાયરાં હો જી.૪

ભીતર ભોરિંગો ફૂંફાડે

જાગ્યા વસંગી ફૂંફાડે રે

ભાગ્યા વાદીને ભાગ્યાગારુડી હો જી.

ભીડી પલાંઠી અવધૂ બેસિયા હો જી.

એનાં અણચલ છે યોગાસન

એનાં મૂંગાં મૂંગાં શાસન રે

શબદ વિણ, હાકમ! સત્તા હાલતી હો જી.

કેને નવ મેલ્યા કેને મેલશે હો જી.

સ્વામી સૌનાં લેખાં લેશે રે

વારાફરતી લેખાં લેશે રે

ખાતાં સૌ સૌનાં ખતવી રાખજો હો જી.

સંહારના સ્વામી! તારોવાંક શો હો જી.

તમને ઢંઢોળી જગાડ્યા

ધૂણી ધફોડી જગાડ્યા રે

જગવણહારાને જુગતે ઝાલજો હો જી.

સંહારના સ્વામી! તુંને વંદના હો જી.

તું છો શિવ અને છો સુંદર

તું છો સત્ય અને છો મંગળ રે

આખર તોએવા રૂપે રાજ્જો હો જી.

ઘેરાં ઘેરાં લોચન ખોલો

ગાઢાં પાંપણનાં પડ ખોલો રે

સંહારના સ્વામી! થોડા ડોલજો હો જી.

૧. ‘ભમ્મર’ : સંહાર-સ્વરૂપ વિરાટનો ભ્રૂભંગ થાય તો ભૂકમ્પો ચાલે. એની પાંપણ હલે તે જાણે વિરાટનું સૂપડું સોવાઈને સૃષ્ટિરૂપી અન્ન ઝટકાઈને મહીંથી પાપ-દુષ્ટતા રૂપી ફોતરી-કાંકરી ઝટકાઈ જુદી પડે.

ર. ‘મીટુંમાં માંડો...’ઃ એની નયન-મીટને વિરાટ તુલા કલ્પી છે. એમાં ચૌદ બ્રહ્માંડોનું વજન તોળાય છે. સાંધણ=બેઉ પલ્લાં વચ્ચે અણસમતોલતા.

૩. દૃગ રે ટાઢી...ઃ એની દૃષ્ટિ હિમાચલ-શી શીતળ છે છતાં એ દૃષ્ટિપાત થતાં તોદરિયામાં પણ આગ લાગે છે. એ તો આજના મહાયુદ્ધનું તાદૃશ સત્ય છે. ૪. ધણી=માલિક. ભોરિંગો ને વાસંગીઃ લોકક્ષય કરનાર હિંસાવૃત્તિઓ રૂપી ફણીધર સાપો ને વાસુકિઓ; એને વશ રાખવાનો દાવો કરનારા શાસકો ને રાજનીતિજ્ઞોરૂપી વાદીઓ ને ગારુડીઓ.

૧૯૪૦. દેવીપ્રસાદ રાયધૌધૂરીની. ‘મોડર્ન રિવ્યૂ’ના જુલાઈ ૧૯૪૦ના અંકમાં આવેલી, શિલ્પકૃતિ ‘શિવ, ધ ડિસ્ટ્રોયર’ (ધ્વંસેર દેવતા) પરથી.

દાદાજીના દેશમાં

હાં રે દોસ્ત! હાલો દાદાજીના દેશમાં,

પ્રેમસાગર પરભુજીના દેશમાં. - હાં રે.

મધુર મધુર પવન વાય,

નદીગીતો કૈં ગાય,

હસી હોડી વહી જાય,

મારા માલિક રાજાજીના દેશમાં. - હાં રે.

સાત દરિયા વીંધીને વ્હાણ હાલશે,

નાગ-કન્યાના મ્હેલ રૂડા આવશે,

એની આંખોમાં મોતી ઝરતાં હશે,

હાં રે દોસ્ત! હાલો મોતીડાંના દેશમાં. - હાં રે.

સાત વાદળ વીંધીને વ્હાણ લઈ જશું,

ત્રીશ કોટિ તારાની સાથ ખેલશું,

ચંદ્ર સૂરજ ખીસામાં ચાર મેલશું,

હાં રે દોસ્ત! હાલો ચાંદરડાંના દેશમાં. - હાં રે.

સમી સાંજે દાદાને દેશ પ્હોંચશું,

એના પાંખાળા ઘોડા ખેલાવશું,

પછી પરીઓને ખોળે પોઢી જશું,

હાં રે દોસ્ત! હાલો એ પરીઓના દેશમાં. - હાં રે.

ભલે હોય ઘણું તાણ

ભલે ઉઠે તોફાન

આજ બનશું બેભાન

થવા દાખલ દાદાજીના દેશમાં!

હાં રે દોસ્ત! હાલો દાદાજીના દેશમાં

પ્રેમસાગર પરભુજીના દેશમાં

૧૯રર.

સંપાદિત લોકગીતો

ઝવેરચંદ મેઘાણી સાહિત્યજીવન

૧૮૯૬ જન્મઃ ૨૮ ઓગસ્ટ, ચોટીલ (જિ. સુરેન્દ્રનગર.)

૧૯૧૨ અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યાં સુધીમં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીનાં સંસ્કારબીજ વવાયાં.

૧૯૧૭ કૌટુંબિક કારણે ઓચિંતા કલકત્તા જઈ ચડ્યા. શિક્ષકગીરી અને એમ.એ.નો અભ્યાસ રઝળ્યાં. ઍલ્યુમિનિયમના એક કારખાનામાં નોકરી સ્વીકારી. બંગાળી સાહિત્યનાં પરિચય-પરિશીલન આરંભાયાં. પહેલ વહેલું ગીત ‘દવડો ઝાંખો બળે’ રચાયું.

૧૯ર૧ વતનનો ‘દુર્નિવાર સાદ’ સાંભળીને કલકત્તા છોડીને કાઠિયાવાડ પાછા ફર્યા.

૧૯રર રાણપુરથી પ્રગટ થતા શ્રી અમૃતલાલ શેઠના નવા અઠવાડિક ‘સૌરાષ્ટ્ર’માં બે-ત્રણ લેખો મોકલ્યા કે તરત તંત્રી-મંડળમાં સ્થાન પામ્યા; પત્રકાર તરીકેની કામગીરીનો આરંભ. રવીન્દ્રનાથના ‘કથા ઓ કાહિની’નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણ અને ત્યાગના ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ ‘કુરબાનીની કથાઓ’ આપીને લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યુંઢ લોકસાહિત્યની પ્રથમ પ્રસાદીરૂપે ‘ડોશીમાની વાતો’ પુસ્તક બહાર પડ્યું.

૧૯ર૩ ‘સૌરાષ્ટ્રની રસધાર’નો પહેલો ભાગ બહાર પડ્યો ને લેખક તરીકે જાણીતા થયા. હવે પછ લોકસાહિત્યનું સંશોધન-સંપાદન જીવન-ઉપાસના બની. ૧૯ર૭ સુધીમાં ‘રસધાર’ના પાંચ ભાગ પૂરા થયા.

૧૯ર૮-ર૯ બાલ-કિશોર ને નારી-ભાવને ઝીલતાં, પોતે ‘પ્રિયતર’ ગણેલાં ગીતોના સંગ્રહો ‘વેણીનાં ફૂલ’ અને ‘કિલ્લોલ’ આપ્યા.

૧૯ર૯ લોકસહિત્યના સંશોધન બદલ પહેલો રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯ર૮) અર્પણ થયો. જ્ઞાનપ્રસારક મંડળીના આશ્રયે મુંબઈમાં લોકસાહિત્ય વિશે છ વ્યાખ્યાન આપ્યાં.

૧૯૩૦ સત્યાગ્રહ-સંગ્રામ નિમિત્તે રચેલાં શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ બહાર પડ્યો, તે સરકોર જપ્ત કર્યો. તેની હસ્તલિખિત કાનૂન-ભંગ આવૃત્તિની સેંકડો નકલો લોકોમાં પહોંચી વળી. રાજદ્રોહના આરોપસર બે વરસના કારાવાસની સાજ થઈ. અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ ગીત ગાયું ત્યારે મૅજિસ્ટ્રેટ સહિત સેંકડોની મેદનીની આંખો ભીની થઈ. સાબરમતી જેલમાં પ્રસિદ્ધ ગીત ‘કોઈનો લાડકવાયો’ રચાયું. બદલી પામતા કેદીઓ મારફત બીજી જેલોમાં અને છૂટનારાઓ મારફત બહાર પ્રજામાં એ જોતજોતામાં પ્રસર્યું અને લોકજીભે વસી ગયું. ગાંધી-અરવીન કરારને પરિણામે માર્ચ ૧૯૩૧માં જેલમાંથી છૂટ્યા.

૧૯૩૧ ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું ‘છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું, એ જોઈને ગાંધીજીએ કહ્યુંઃ “મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે.” હવે પછી ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયા.

૧૯૩૪ ‘જન્મભૂમિ’ દૈનિક મુંબઈથી શરૂ થયું તેના સંપાદક-મંડળમાં જોડાયા. રવીન્દ્રનાથ સામે મુંબઈમાં મિલન; સૌરાષ્ટ્રના લોકસાહિત્યની પ્રસાદી એમને કંઠેથી કવિવ્રે સાંભળી; શાંતિનિકેતન આવવા આમંત્રણ આપ્યું.

૧૯૩૬ ‘જન્મભૂમિ’ છોડીને સૌરાષ્ટ્રમાં ‘ફૂલછાબ’ અઠવાડિકના તંત્રીપદે આવ્યા. પત્રકારત્વમાં નવી ભાત પાડી.

૧૯૪૧ શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશેનાં એમનાં વ્યાખ્યાનોએ દેશ-વિદેશના વિદ્યાર્થીઓ-અધ્યાપકોને મુગ્ધ કર્યા.

૧૯૪ર સૂરતમાં સ્વ. કમળાશંકર પ્રાણશંકર વ્યાખ્યાનમાળામાં ‘લોકસાહિત્યઃ પગદંડીનો પંથ’ એ જાણીતું વ્યાખ્યાન આપ્યું. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ચારણો અને ચારણી સાહિત્ય વિશે વ્યાખ્યાનો આપ્યાં.

૧૯૪૩ મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી

વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્ય વિશેનાં પ્રસિદ્ધ વ્યાખ્યાનો આપ્યાં. વ્યાખ્યાનખંડ નાનો પડ્યો, બહાર બગીચામાં શ્રોતાઓની ભીડ થઈ, બેકાબૂ બની.

૧૯૪પ ‘ફૂલછાબ’ના તંત્રીપદેથી મુકત થઈ ર૩ વરસના પત્રકારજીવનમાંથી નિવૃત્તિ લીધી. રવીન્દ્રનાથનાં કાવ્યોની અનુકૃતિઓનો સંગ્રહ ‘રવીન્દ્ર-વીણા’ પ્રગટ થયો. ગુજરાતમાં પરિભ્રમણો આદર્યાં. રવિશંકર મહારાજના જીવન-અનુભવોનું પુસ્તક ‘માણસાઈના દીવા’ લખ્યું.

૧૯૪૬ ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ‘માણસાઈના દીવ’ને વરસની ઉત્તમ કૃતિ તરીકે ‘મહીડા પારિતોષિક’નું ગૌરવદાન મળ્યું.

૧૯૪૭ ભજન-સાહિત્યના સંશોધકનું પુસ્તક ‘સોરઠ સંતવાણી’ પૂરું કર્યું. ‘કાળચક્ર’ નવલકથા લખાતી હતી. માર્ચની ૯મીએ હૃદયરોગના હુમલાથી દેહ છોડ્યો.