Kasumbino Rang - Sampadit Lok Geeto books and stories free download online pdf in Gujarati

Kasumbino Rang - Sampadit Lok Geeto


કસુંબીનો રંગ

(સંપાદિત લોકગીતો)

ઝવેરચંદ મેઘાણી



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

સંપાદિત લોકગીતો

•અડવડ દડવડ નગારાં વાગે

•આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો

•આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

•આવી રૂડી અંજવાળી રાત

•ઉભી ઉભી ઉગમણે દરબાર

•એક વણજારી ઝીલણ ઝીલતી’તી

•કાન, તારી મોરલીએ જી રે, મારાં મન હેર્યાં

•કાંગ ખેતર ગ્યાં’તાં રે, ગોરી, કાંગ લ્યો!

•કુંજલડી રે સંદેશો અમારો

•કૂવા કાંઠે ઠીકરી (મોરબીની વાણિયાણ)

•ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું રે લોલ

•ચાંદો ઉગ્યો ચોકમાં

•છલકાતું આવે બેડલું

•જોડે રહેજો, રાજ

•જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે

•ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!

•તમે મારાં દેવનાં દીધેલ છો

•દાદા તે દીકરી વઢિયારે નો દેજો જો

•ના છડિયાં હથિયાર

•બાર બાર વરસે નવાણ ગળાવિયાં

•મને કેર કાંટો વાગ્યો

•માડી! બાર બાર વરસે આવિયો

•મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ

•મારી સગી રે નણંદના વીરા, રૂમાલ મારો દેતા જાજો

•મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં

•મેંદી તે વાવી માળવે

•મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ

•રાધાજીનાં ઉંચાં મંદિર નીચા મો’લ

•લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો!

•લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું

•વનમાં બોલે ઝીણા મોર

•વા વાયા ને વાદળ ઉમટ્યાં

•વેલ્યું છૂટિયું રે, વીરા, વાડીના વડ

•શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો!

•શેરી વળાવી સજ કરું, ઘરે આવો ને!

•સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી નૈ ભરું રે લોલ

•સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલ

•સોનલા વાટકડી ને રસપલા કાંગસડી

•સોના ઈંઢોણી રૂપા બેડલું રે

•સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા

•હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ!

•હું તો ઢોલે રમું ને હરિ સાંભરે રે

જીવન ઝાંખી

બંગલો

અડવડ દડવડ નગારાં વાગે,

હર હર ગોમતી ગાજે રે, બંગલા ફક્કડ બનાયા. - અડવડ.

વાણે ચડીને વીરે ઈંટું મંગાવી.

ઈંટુંના ઓરડા ચણાવો રે, બંગલા ફક્કડ બનાયા. - અડવડ.

વાણે ચડીને વીરે સોપારી મંગાવી,

સોપારીની પૂરણી પુરાવો રે, બંગલા ફક્કડ બનાયા. - અડવડ.

વાણે ચડીને વીરે કંકુ મંગાવ્યાં

કંકુની ગાર્યું કરાવો રે, બંગલા ફક્કડ બનાયા. - અડવડ.

વાણે ચડીને વીરે લવિંગ મંગાવ્યાં

લવિંગનાં જાળિયાં મેલાવો રે, બંગલા ફક્કડ બનાયા. - અડવડ.

વાણે ચડીને વીરે એળચી મંગાવી,

એળચીની બારિયું મેલાવો રે, બંગલા ફક્કડ બનાયા. - અડવડ.

સ્વપનાં

(સાસરિયાના કુટુંબ-સુખથી વંચિત એવી કોઈ અતિ દુખિયારીએ અથવા તો લગ્નજીવનના ઉમળકા અનુભવતી કુમારિકાએ સ્વપ્નસૃષ્ટિ (ડે ડ્રિમિંગ) સરજી દીસે છે. સસરાને ભવ્ય ડુંગર સ્વરૂપે દેખ્યો. એ ડુંગરામાંથી નીસરતી સ્નેહ-સરિતામાં સાસુજીને નાહતાં કલ્પ્યાં. કુટુંબને રસકસ વડે પોષનારા જેઠનેવલોણાની ઉપમા દીધી. અનેવડીલપદે બેઠેલાં જેઠાણીને એ રસકસમાંથીમોટો હિસ્સો માણતાં આલેખ્યાં. દિયર તો હંમેશાં ઝીણકો ને જરા તીખો, લવિંગની લાકડી જેવડો અને દેરાણી તો નાનું બાળ એટલે ઢીંગલેપોતિયે જ રમતીહોયઃ નણંદનો પતિ તો જોગી સરીખો દેશાટને ભટકતો હોય અને પિયરમાં રહેતીલાડકવાયી નણંદ તો સોનાની થાળીમાં જ જમે. પોતાના ગુરુજીને પારસ-પીપળાની પવિત્રતા અર્પી.ગુરુ-પત્નીને તુળસીનો ક્યારે પૂજતાં કલ્પ્યાં. અને સુખી જીવનની છેલ્લી ટોચ તો બીજી કઈ હોય! પતિને ગુલાબના ટોટા જેવા કલ્પે છે. અને એ ફૂલની ફોરમો પોતે પોતાની સૌભાગ્ય-ચૂંદડીમાંથી મહેકતી કલ્પે છે.)

આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,

ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે

આજ રે સ્વપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો,

દહીં-દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે

આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,

ઢીંગલા૧ ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે

આજ રે સ્વપનામાં મે ંતો જટાળો જોગી દીઠો જો,

સોનાની થાળીર રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મે ં તો પારસપીપળો દીઠો જો,

તુળસીનો ક્યારો રે સાહેલી મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો,

ફૂલડિયાંની ફોર્યું૩ રે, સાહેલી, મારા સ્વપનામાં રે

ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો,

ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે.

ઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો,

દહીં-દૂધના વાટકા૪ રે જેઠાણી મારાં જમતાં’તાં રે.

લવિંગ-લાકડી ઈ તો અમારો દેર જો,

ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.

જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો,

સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.પ

પારસ પીપળો ઈ તો અમારો ગોર જો,

તુળસીનો ક્યારો રેગોરાણી મારાં પૂજતાં’તાં રે.

ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો,

ફૂલડિયાંની ફોર્યું,૩ સાહેલી, મારી ચૂંદડીમાં રે.

૧ બીજો પાઠ : ‘ટાચકડા ચૂસણિયું...’ ર. બીજો પાઠ : ‘ઘીવડિયાની વાઢી...’

૩. બીજો પાઠ : ‘અત્તરની શીશી’ ૪. બીજો પાઠ : ‘માખણને વાટકડે’ પ. નણંદ-નણદોઈવાળા ચોથા સ્વપનાને આમ પણ ગવાય છ

આજ રે સ્વપનામાં મેં તો ગોખલામાં ગોરબાઈ દીઠાં જો,

વાડીનો વાંદરો રે સાહેલી મારા સ્વપનામાં રે.

નૈ જાવા દઉં ચાકરી રે

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

કે ઝીણા ઝરમર વરસે મેઘ

ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે!

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,

કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો

ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે! - આભમાં.

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે,

કે ભીંજાય મેડીની બેસતલ રાણી

ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે! - આભમાં.

તમને વા’લી દરબારી ચાકરી રે,

કે અમને વા’લો તમારો જીવ

ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે! - આભમાં.

રિસામણાં

(અજવાળી રાતે ગોરી રાસડા રમવા ગયાં. મોડું થયું. સ્વામીને એકલાં ન ગોઠ્યું. સીધેસીધા તો શી રીતે બોલાવાય? એટલે ચાકરીએ જવું છે એવું બહાનું કાઢીને તેડાવી. ગોરી જાણે છે કે જૂઠું બહાનું છે. હૈયે ખાતરી છે એટલે નથી જતી. ત્યાં તો સાચેસાચ સાયબોજી રિસાઈને ચાકરીએ ચાલ્યા. રાસડો વીંખાયો. દોડીને સ્વામીની ઘોડીની લગામ પકડી. ‘રજપૂતાણી છુંઃ જવાની ના નથી પાડતીઃ જાવ ભલેઃ પણ અબોલે નહિ.’ રજપૂત ન માન્યો. અબળાને બળ શું? રિસાયેલા કંથને રીઝવવાનો એક ઈલાજઃ પોતાના વસ્ત્રાભૂષણની પસંદગી એની કને કરાવવી. ‘ચૂંદડીનાં મૂલ કરો’ઃ ‘ના,ના.’ઃ ‘અરે પણ તમારા વિના બોલીશ કોની સાથે?’ મહેણાનું છેલ્લું તીર કાળજમાં મારીને રજપૂત ચાલ્યો ગયો.)

આવી રૂડી અંજવાળી રાત,

રાતે તે રમવા સાંચર્યા રે માણારાજ.

રમ્યાં રમ્યાં પો’ર બે પો’ર,

સાયબોજી તેડાં મોકલે રે માણારાજ.

ઘેરે આવો ઘરડાની નાર!

અમારે જાવું ચાકરી રે માણારાજ.

આવો રૂડો સૈયરુંનો સાથ

મેલીને, સાયબા, નહીં આવું રે માણારાજ.

સાયબાજીને ચડિયલ રીસ,

ઘોડે પલાણ નાખિયાં રે માણારાજ.

રોઝી ઘોડી પિત્તળિયાં પલાણ,

અલબેલો ચાલ્યા ચાકરી રે માણારાજ.

ધ્રોડી ઝાલી ઘોડલાની વાઘ,

અબોલે જાવા નૈ દઈએ રે માણારાજ.

મેલો મેલો ઘોડલાની વાઘ,

લશ્કર પૂગ્યું વાડીએ રે માણારાજ.

મારે, સાયબા, ચૂંદડીની હોંશ,

ચૂંદડી મોંઘા મૂલની રે માણારાજ.

રિયો રિયો આજુની રાત,

ચૂંદડી તમે મૂલવો રે માણારાજ.

મેલો મેલો ઘોડલાની વાઘ,

લશ્કર પૂગ્યું સીમડીએ રે માણારાજ.

ઘરે નથી નણદી કે સાસુ,

કોની રે સાથે બોલશું રે માણારાજ.

તમારે છે રે સૈયરુંનો સાથ,

એની રે સાથે બોલજો રે માણારાજ.

હોકો ફોડ્યો ડેલીને દરબાર

ચલમ ફોડી ચોકમાં રે માણારાજ.

વળી વળી હીરલાની ગાંઠ,

તૂટે પણ છૂટે નહિ રે માણારાજ.

પડી પડી દલડામાં ભ્રાંત,

અબોલા ઓ ભવ ભાંગશે રે માણારાજ.

વેરણ ચાકરી

(રાજ્યના ગરાસ ખાતા કોઈ ઠાકોરને, પોતાના કુટુંબમાંથી એક જણને દરબારી ચાકરી પર મોકલવાનો સાંકેતિક હુકમ આવે છે. દીવાને અજવાળેતો કાગળ ઉકલે પણ નહિ એવા કોઈ ગુપ્ત રસ વડે અક્ષરો લખેલા. અંતે પ્રભાતે કાગળ વાંચી શકાયો. વચેટ દીકરાને ઉપડવાની આજ્ઞા મળી. એની વિજોગ પામતી પત્ની અન્ય સહુને મોકલીને પણ પોતાના સ્વામીને રોકવાની કરુણ આજીજી કરે છે. સહુને ન જવાનાં કંઈક ને કંઈક કારણો છે. પણ એની એકની દયા કોઈ ખાતું નથી. ઉંડા ઉંડા કરુણ ઢાળે આ ગીત ગવાય છે)

ઉભી ઉભી ઉગમણે દરબાર,

રે કાગળિયા આવ્યા રાજના રે લોલ!

ઉઠો, દાસી, દીવડિયા અંજવાસો

રે કાગળિયા આવ્યા રાજના રે લોલ!

શેની કરું દીવડિયાની વાટ્યું

રે શેણે રેદીવો પરગટું રે લોલ!

અધમણ રૂની કરી છે વાટ્યું

રે સવા મણ તેને પરગટ્યો રે લોલ!

બાળ્યાં બાળ્યાં બાર ઘાણીનાં તેલ

રે તો યે ન કાગળ ઉકેલ્યો રે લોલ!

ઉગ્યો ઉગ્યો પૂનમ કેરો ચંદર

રે સવારે કાગળ ઉકેલ્યો રે લોલ!

કોરે મારે લખિયું છે સો સો સલામું

રે વચાળે વેરણ ચાકરી રે લોલ!

ચાકરીએ મારા સસરાજીને મેલો

રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ!

સસરા ઘેરે દરબારી છે, રાજ

રે દરબારી પૂરા નૈ પડે રે લોલ!

ચાકરીએ મારા જેઠીડાને મેલો

રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ!

જેઠે ઘેરે જેઠાણી ઝીણાબોલી

રે ઉઠીને ઝઘડો માંડશે રે લોલ!

ચાકરીએ મારા દેવરજીને મેલો

રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ!

દેર ઘેરેદેરાણી નાનું બાળ

રે મો’લુંમાં એકલ નૈ રહે રે લોલ!

આવશે રે કાંઈ શિયાળાના દા’ડા

રે ટાઢડિયું તમને લાગશે રે લોલ!

સાથે લેશું ડગલા ને કાંઈ ડોટી

રે ગોરાંદે ટાઢ્યું શું કરે રે લોલ!

આવશે રે કાંઈ ઉનાળાના દા’ડા

તડકલિયા તમને લાગશે રે લોલ!

સાથે લેશું છતરી ને કાંઈ છાયા

રે ગોરાંદે તડકા શું કરે રે લોલ!

આવશે રે કાંઈ ચોમાસાના દા’ડા

રે મેવલિયા તમને ભીંજવે રે લોલ!

સાથે લેશું મીણિયા ને કાંઈ માફા

રે ગોરાંદે મેવલા શું કરે રે લોલ!

લીલી ઘોડી પાતળિયો અસવાર

રે અલબેલો ચાલ્યા ચાકરી રે લોલ!

ઝાલી ઝાલી ઘોડલિયાની વાઘું

રે અલબેલા! ક્યારે આવશો રે લોલ!

ગણજો ગોરી પીપળિયાનાં પાન

રે એટલે તે દા’ડે આવશું રે લોલ!

ગોરી મોરી આવડલો શો હેડો

રે આંખોમાં આંસુ બહુ ઝરે રે લોલ!

ઝીલણિયાં

એક વણજારી ઝીલણ ઝીલતી’તી,

મેં તો પે’લે પગથિયે પગ દીધો,

મારી ખોવાણી નવરંગ નથ, માણારાજ

વણજારી ઝીલણ ઝીલતી’તી.

મારા સસરાનાં ઝીલણ ઝીલતી’તી

મારી ખોવાણી નવરંગ નથ, માણારાજ. - વણજારી.

મેં તો બીજે પગથિયે પગ દીધો,

મારો તૂટ્યો તે નવસરો હાર, માણારાજ. - વણજારી.

મારી સાસુનાં ઝીલણ ઝીલતી’તી,

મારું ખોવાણું મોતીડું લાખ, માણારાજ. - વણજારી.

મેં તો ત્રીજે પગથિયે પય દીધો,

મારી ખોવાણી હાથ કેરી વીંટી, માણારાજ. - વણજારી.

મારી નણદીના ઝીલણ ઝીલતી’તી,

મારી ખોવાણી કાંડા કેરી કાંકડી હો રાજ. - વણજારી.

મેં તો ચોથે પગથિયે પગ દીધો,

મારો મચકાણો કેડ કેરો લાંક, માણારાજ. - વણજારી.

મારા પરણ્યાનાં ઝીલણ ઝીલતી’તી,

મારે ઉગ્યો તે સોળરંગો સૂર, માણારાજ. - વણજારી.

ક્યાં રે વાગી!

કાન, તારી મોરલીએ જી રે, મારાં મન હેર્યાં,

સમી સાંજની જી રે, વજોગણ ક્યાં રે વાગી!

ગૂઢા રાગની જી રે, મોરલી ક્યાં રે વાગી!

મધરાતની જી રે, અભાગણી ક્યાં રે વાગી!

સરવા સાદની જી રે, મોરલી ક્યાં રે વાગી!

કાન, તારી મોરલીએ જી રે ગરબો ઘેલો કીધો - સમી સાંજની.

કાન, તારી મોરલીએ જી રે સૈયરું નો સાથ મેલ્યો. - સમી સાંજની

કાન, તારી મોરલીએ જી રે મા ને બાપ મેલ્યાં - સમી સાંજની.

કાન, તારી મોરલીએ જી રે રોતાં બાળ મેલ્યાં. - સમી સાંજની.

કાન, તારીમોરલીએ જી રે કોઠીએ કણ ખૂટ્યાં. - સમી સાંજની.

કાંગ લ્યો

(ખેતરમાં કાપણીનું આ રમત-ગીત છે. બાળકો એમાં વર્ણવેલી દરેક ક્રિયાની ચેષ્ટાઓ કરતાં કરતાં ગાય છે.)

કાંગ ખેતર ગ્યાં’તાં રે, ગોરી, કાંગ લ્યો!

ઉભાં ઉભાં કાંગ લ્યો

બેઠાં બેઠાં કાંગ લ્યો

કાંગ લેવા ગ્યાં’તાં રે , ગોરી કાંગ લ્યો!

ચાલતાં ચાલતાં કાંગ લ્યો

ધબડ ધોબા કાંગ લ્યો

કાંગ લેવા ગ્યાં’તાં રે , ગોરી કાંગ લ્યો!

ટોપલો ભરી કાંગ લ્યો

ખોબલો ભરી કાંગ લ્યો

કાંગ લેવા ગ્યાં’તાં રે , ગોરી કાંગ લ્યો!

સુપડી ભરી કાંગ લ્યો

ખોઈ ભરી કાંગ લ્યો

કાંગ લેવા ગ્યાં’તાં રે , ગોરી કાંગ લ્યો!

કુંજલડી રે

(‘મેઘદૂત’ માં ચિત્રકૂટના શિખર પર ઝૂલતા યક્ષે પોતાની પ્રિયાને આષાઢને પ્રથમ દિવસે એક વાદળાની સાથે સંદેશો કહાવ્યો હતો. તેમ ગુજરાતની કોઈ વિજોગણે પણ વિદેશ રહેતા સ્વામી પર પોતાની જ જાતની અર્થાત્‌ સ્ત્રીજનની વેદના સમજે તેવી કુંજલડીને સંદેશો લઈ જવા કહ્યું. લાંબી ડોક માંડતાં એ પંખીઓ જાણે કે બહુ જ લાંબે પંથે સાગરપાર પળતાં હોય એવું ભાસે છે. પરદેશે બેઠેલા પતિને બીજું કોણ પહોંચી શકે? પંખી કહે છે કે હું માનવી હોત તો મોઢોમોઢ બોલીને સંદેશો દેત, પણ મારે વાચા નથી. મારી પાંખ પર લખી આપો. અને સંદેશો તો બીજો શો હોય? પ્રીતમરૂપી સાગર વગર હું પંખણી જેવી સૂની છું. વહેલા વહેલા ઘેર આવજો ને થોડાં વસ્ત્રાભૂષણો લેતા આવજો.)

કુંજલડી રે સંદેશો અમારો

જઈ વા’લમને કે’જો જી રે!

માણસ હોય તો મુખોમુખ બોલે

લખો અમારી પાંખડલી રે - કુંજલડી રે.

સામા કાંઠાનાં અમે પંખીડાં

ઉડી ઉડી આ કાંઠે આવ્યાં જી રે. - કુંજલડી રે.

કુંજલડીને વા’લો મીઠો મેરામણ

મોરને વા’લું ચોમાું જી રે. - કુંજલડી રે.

રામ-લખમણને સીતાજી વા’લા

ગોપિયુંને વા’લો કાનુડો જી રે. - કુંજલડી રે.

પ્રીતિકાંઠાનાં અમે રે પંખીડા

પ્રીતમસાગર વિના સૂનાં જી રે. - કુંજલડી રે.

હાથ પરમાણે ચૂડલો રે લાવજો

ગુજરીમાં રતન જડાવજો જી રે. - કુંજલડી રે.

ડોક પરમાણે ઝરમર લાવજો

તુલસીએ મોતીડાં બંધાવજો જી રે. - કુંજલડી રે.

પગ પરમાણે કડલાં લાવજો

કાંબિયુંમાં ઘૂઘરાં બંધાવજોજી રે. - કુંજલડી રે.

મોરબીની વાણિયાણ

(એવોયે વખત હશે, જયારે વાણિયા જેવી પોચી જાત અને તેમાંયે એક અબળા, પોતાના ઉપર કુદૃષ્ટિ કરનાર રાજાને પણ કાળજે કારી ઘા પડે તવો માર્મિક જવાબ આપીને ભોંઠો પાડતી. જીવાજી ઠાકોરે રોજ રોજ લાચો દીધી. વાણિયાણીએ ખામોશ પકડી. પણ આખરે તો એણે રાજાની રાણીઓની, રાજ્યની અને મસ્તકની જ હરરાજી બોલાવી, ત્યારથી ઠાકોર ઘોડાં પાવા જવાનું ભૂલી ગયા.)

કૂવા કાંઠે ઠીકરી, કાંઈ ઘસી ઉજળી થાય,

મોરબીની વાણિયાણ મછુ પાણી જાય;

આગળ રે જીવોજી ઠાકોર,

વાંસે રે મોરબીનો રાજા,

ઘોડાં પાવાં જાય.

કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;

જાવા દ્યો, જીવાજી ઠાકોર,

જાવા દ્યો, મોરબીના રાજ,

નથી કરવા મૂલ;

મારા બેડલામાં તારા હાથીડા બે ડૂલ. - મોરબી.

કર્ય રે, વાણિયાણી, તારી ઈંઢોણીનાં મૂલ;

જાવા દ્યો, જીવાજી ઠાકોર,

જાવા દ્યો, મોરબીના રાજ,

નથી કરવા મૂલ;

મારી ઈંઢોણીમાં તારાં ઘોડલાં બે ડૂલ. - મોરબી.

કર્ય રે, વાણિયાણી, તારા વાટકાનાં મૂલ;

જાવા દ્યો, જીવાજી ઠાકોર,

જાવા દ્યો, મોરબીના રાજ,

નથી કરવા મૂલ;

મારા રે વાટકામાં તારું રાજ થાશે ડૂલ. - મોરબી.

કર્ય રે, વાણિયાણી તારી પાનિયુંનાં મૂલ

જાવા દ્યો, જીવાજી ઠાકોર,

જાવા દ્યો, મોરબીના રાજ,

નથી કરવા મૂલ;

મારી પાનિયુંમાં તારી રાણિયું બે ડૂલ - મોરબી.

કર્ય રે, વાણિયાણી, તારા અંબોડાનાં મૂલ.

જાવા દ્યો, જીવાજી ઠાકોર,

જાવા દ્યો, મોરબીના રાજ,

નથી કરવા મૂલ;

મારા અંબોડામાં તારું માથું થાશે ડૂલ. - મોરબી.

મોટાં ખોરડાં!

(ગામમાં જ પિયર હતું. દુખિયારી વહુએ માતાની પાસે જઈને સાસરિયાનાં દુઃખો સંભળાવ્યાં. જાસૂસ બનીને પાછળ આવેલી નણંદે આ વાત ઘેર જઈને કહી. સાસરિયામાં સહુને થયું કે વહુએ આપણાં મોટાં આબરૂદાર ઘરની નિંદા કરી! વરને સહુએ ઉશ્કેરી મૂક્યો. સોમલ ઘૂંટીને એણે સ્ત્રીને કહ્યું કે, કાં તું પી, કાં હું પીઉં! ‘મોટા ખોરડાં’ની આબરૂ ખાતર સ્ત્રીએ ઝેર પી લીધું.)

ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું રે લોલ,

દીકરી કે’જો સખદખની વાત જો,

કવળા સાસરિયામાં જીવવું રે લોલ.

સખના વારા તો, માતા, વહી ગયા રે લોલ.

દખનાં ઉગ્યાં છે ઝીણાં ઝાડ જો,

કવળા સાસરિયામાં જીવવું રે લોલ.

પછવાડે ઉભી નણદી સાંભળે રે લોલ,

વહુ કરે છે આપણા ઘરની વાત જો!

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

નણદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ.

વહુ કરે છે આપણા ઘરની વાત જો!

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ,

વહુ કરે છે આપણા ઘરની વાત જો!

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

સાસરે જઈ જેઠને સંભળાવિયું રે લોલ,

વહુ કરે છે આપણા ઘરની વાત જો!

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ,

વહુ કરે છે આપણા ઘરની વાત જો!

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

પરણ્યે જઈ તેજી ઘોડો છોડિયો રે લોલ,

જઈ ઉભાડ્યો ગાંધીડાને હાટ જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

અધશેરો અમલિયાં તોળાવિયાં રે લોલ,

પાશેરો તોળાવ્યો સુમલખાર જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

સોનલા વાટકડે અમલ ઘોળિયાં રે લોલ,

પીઓ ગોરી, નકર હું પી જાઉં જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ,

ઘરચોળાની ઠાંસી એણે સોડ્ય જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

આટકાટનાં લાકડાં મંગાવિયાં રે લોલ,

ખોખરી હાંડીમાં લીધી આગ જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

પે’લો વિસામો ઘરને ઉંબરે રે લોલ,

બીજો વિસામો ઝાંપા બા’ર જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

ત્રીજો વિસામો ગામને ગોંદરે કે લોલ,

ચોથો વિસામો સમશાન જો,

વહુએ વગોવ્યા મોટાં ખોરડાં રે લોલ.

સોનલા સરખી વહુની ચે’બળે રે લોલ.

રૂપલા સરખી વહુની રાખ જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

બાળી ઝાળીને જીવડો ઘેર આવ્યો રે લોલ,

હવે માડી મંદિરિયે મોકળાણ જો.

ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ.૧

૧ બીજો પાઠ : હવે મોડી દેજો દોટાદોટ જો,

સહુનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ.

ઘાયલ

(કોઈ પ્રેમિક ગોવાળ અરજણિયાને એની પરણેલી પ્રેમિકા ચેતવણી આપતી ને મોહ પામતી સંબોધી રહી છે.)

ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ! ચાંદો ઉગ્યો ચોકમાં,

એ લેરીડા! હરણ્યું૧ આથમી રે હાલર૩ શે’રમાં, અરજણિયા!

ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ! રે ઝાંપે તારી ઝૂંપડી,

એ લેરીડા! આવતાં જાતાંનો નેડોર લાગ્યો રે, અરજણિયા!

ભેસું તારી ભાલમાં, ઘાયલ! ભેસું તારી ભાલમાં,

એ લેરીડા! પાડરું પાંચાળમાં૩ ઝોલાં ખાય રે, અરજણિયા!

ગાયું તારી ગોંદરે, ઘાયલ! રે ગાયું તારી ગોંદરે,

એ લેરીડા! વાછરું વઢિયારમાં૩ ઝોલાં ખાય રે, અરજણિયા!

પાવો વગાડ્ય મા, ઘાયલ! રે પાવો વગાડ્ય મા,

એ લેરીડા! પાવો રે પરણેતર ઘરમાં સાંભળે રે, અરજણિયા!

ચીતું રે લગાડ્ય મા, ઘાયલ! ચીતું લગાડ્ય મા,

એ લેરીડા! ચીતું સાસુડી ઘરમાં સાંભળે રે, અરજણિયા!

બખિયાળું (તારું) કડીઉં, ઘાયલ! રે બખિયાળું, કડીઉં,

એ લેરીડા! તેદુનુ ંછાંડેલ અમારું ફળિયું રે, અરજણિયા!

ખંભે તારે ખેસડો ઘાયલ! રે ખંભે તારે ખેસડો,

એ લેરીડા! તેદુનો છાંડેલ અમારો નેસો૪ રે, અરજણિયા!

રૂપાળી મોઈશ મા, ઘાયલ! રે રૂપાળી મોઈશ મા,

એ લેરીડા! રૂપાળી બાવડાં બંધાવશે રે, અરજણિયા!

કુંવારીને મોઈશ મા, ઘાયલ! રે કુંવારીને મોઈશ મા,

એ લેરીડા! કુંવારી કોરટું દેખાડશે રે અરજણિયા!

ખોળામાં બાજરી ઘાયલ ! રે ખોળામાં બાજરી,

એ લેરીડા! લીલી લીંબડીએ લેવાય હાજરી રે, અરજણિયા!

ખોળામાં ખજૂર છે ઘાયલ! રે ખોળામાં ખજૂર છે,

એ લેરીડા! તારા જેવા માટે મજૂર છે રે, અરજણિયા!

પાવો વગાડ્ય મા, ઘાયલ! રે પાવો વગાડ્ય મા,

એ સેલુડા! પાવો સાંભળીને પ્રાણ વીંધાય રે, અરજણિયા!

તારે મારે ઠીક છે, ઘાયલ, રે તારે મારે ઠીક છે,

એ લેરીડા! ઠીકને ઠેકાણે વે’લો આવજે રે, અરજણિયા!

લીલો સાહટિયોપ, ઘાયલ! રે લીલો સાહટિયો,

એ લેરીડા! લીલે રે સાહટિયે મોજું માણશું, અરજણિયા!

૧. હરણી નક્ષત્ર. ર. નેડો : નેહડો, સ્નેહ ૩. હાલાર, પાંચાળ, વઢિયાર એ પ્રદેશોનાં નામ છે. ૪ નેસડો : નેસ, વનવાસીઓનું નાનું જંગમ ગામડું. પ સાહટિયો : ઉનાળુ જુવારના મોલ. મૂળ શબ્દો ‘છાસઠિયો’ઃ છાસઠ દિવસમાં પાકનારું ધાન્ય.

મારી સાહેલીનું બેડલું

(આ ગરબા લેનારીઓને પોતાનાં ગામની સમાજરચનાનું કેટલું તીવ્ર ભાન હતું તે આ ઉઘડતા રાસમાંથી જોવાય છે. પોતાનો એક ગરબો તૈયાર કરવા માટે એ ગામના બધા કારીગર ‘વીરા’ઓને બોલાવે છે. આ રીતે સુતાથી માંડી ગામના સમસ્ત કારીગર સમાજને હાથે તૈયાર થતાં એ માંડવી અને એ ગરબો પરસ્પર સંકળાયેલા આજા સમાજજીવનનાં સૂચક પ્રતીકો હતાં. અને આખરે એ ગરબે રમવા ગામની સ્ત્રીઓને સાદ કરે છે. તેમાંય વહુવારુઓ ને દીકરીઓ જેવા સ્પષ્ટ ભેદ પાડે છે. વહુઓથી ગરબો ગવડાવાય નહિ, એકલા સ્વર કાઢતાં મલાજો તૂટે; માટે એ તો ઝીલે; અને ગવરાવે દીકરીઓ.)

છલકાતું આવે બેડલું,૧

મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામના સુતારી રે વીરા તમને વીનવું,

મારી માડવડી ઘડી લાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામના લુહારી રે વીરા તમને વીનવું,

મારી માંડવડી મઢી લાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામના રંગારી રે વીરા તમને વીનવું,

મારી માંડવડી રંગી લાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામના કુંભારી રે વીરા તમને વીનવું,

મારે ગરબે કોડિયાં મેલાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામના પિંજારી રે વીરા તમને વીનવું,

મારા ગરબે દિવેટ મેલાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામના ઘાંચીડા રે વીરા તમને વીનવું,

મારેગરબે દિવેલ પુરાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામના મોતીઆરા રે વીરા તમને વીનવું,

મારોગરબો ભલેરો શણગાર રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામની દીકરિયું રે બેની તમને વીનવું,

મારો ગરબો ભલેરો ગવરાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

મારા ગામની વહુવારુ રે ભાભી તમને વીનવું,

મારોગરબો ભલેરો ઝીલાવો રે મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું.

૧. ગુજરાતની ઠકરાણીઓ આ પ્રમાણે ગાય છેઃ

ઝલકાતું આવે બેડલું

મલપાતી આવે નાર રે મારી લાલ રંગીલીનું બેડલું.

જોડે રહેજો, રાજ

(લગ્ન પછીની મધુરજનીનું સ્નેહગીત ગુજરાતમાં ગવાય છે.)

જોડે રહેજો, રાજ,

કિયા ભાઈની ગોરી રે કેવી વહુ

જોડે રહેજો, રાજ!

જોડે નહિ રહું, રાજ,

શિયાળાની ટાઢ પડે ને!

જોડે કેમ રહું, રાજ!

જોડે રહેજો, રાજ,

ફૂલની પછેડી સાથે રે, હો લાડવઈ

જોડે રહેજો, રાજ! - જોડે.

જોડે નહિ રહું, રાજ,

ઉનાળાના તાપ પડે ને

જોડે કેમ રહું, રાજ!

જોડે રહેજો, રાજ,

ફૂલના પંખા સાથે રે, હો લાડવઈ

જોડે રહેજો, રાજ! - જોડે.

જોડે નહીં રહું, રાજ,

ચોમાસાની ઝડીઓ પડે ને

જોડે કેમ રહું, રાજ!

જોડે રહેજો, રાજ,

મોતીના મોડિયા સાથે રે, હો લાડવઈ

જોડે રહેજો, રાજ! - જોડે.

જોબનિયાને રાખો

(ટીપણી ટીપતાં મજૂરોગાય છેઃ હે માનવીઓ! જોબનિયું સાચવીને રાખો, જીવતરના હુલ્લાસને વેડફો ના.)

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

જોબનિયાને માથાના અંબોડામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

જોબનિયાને પાઘડીના આંટામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

જોબનિયાને આંખ્યના ઉલાળામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

જોબનિયાને હૈયાના હિલોળામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

જોબનિયાને હાથની હથેળીમાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

જોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

જોબનિયાને પગ કેરી પાનીમાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે!

રાજાના કુંવર

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!

હાલો ને જોવા જાયેં રે

મોરલીવાગી રે, રાજાના કુંવર.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર

પીતળિયા પલાણ રે. - મોરલી.

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર

દસેય આંગળીએ વેઢ રે. - મોરલી.

માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,

કિનખાબી સુરવાળ રે. - મોરલી.

પગે રાઠોડ મોજડી રે, રાજાના કુંવર,

ચાલે ચટકતી ચાલ્ય રે. - મોરલી.

દેવનાં દીધેલાં

(માતા ગાય છે કે હે બેટા! તું તો દેવની દીધેલ દોલત છે. તું તો મારા ઘરનું સુગંધી ફૂલ છે. તું તો મારું સાચું નાણું છે. તારા માટે તો મેં શિવપાર્વતીને પ્રસન્ન કર્યા , અને હનુમાનજીને પણ તેલ ચડાવ્યાં. એવો તું તો મહામૂલો છે. માટે તું આ સંસારમાં દીર્ઘાયું ભોગવજે!)

તમે મારા દેવનાં દીધેલ છો,

તમો મારાં માગી લીધેલ છો,

આવ્યાં ત્યારે અમર થઈને રો’!

મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું ફૂલ;

મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ.

તમે મારું નગદ નાણું છો,

તમે મારું ફૂલ વસાણું છો,

આવ્યાં ત્યારે અમર થઈને રો’!

મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું હાર;

પારવતી પરસન થિયા ત્યારે આવ્યા હૈયાના હાર

- તમે મારું નગદ.

હડમાન જાઉં ઉતાવળી ને જઈ ચડાવું તેલ;

હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર

- તમે મારું નગદ.

તમે મારાં દેવનાં દીધેલ છો,

તમે મારાં માગી લીધેલ છો,

આવ્યાં ત્યારે અમર થઈને રો’!

*

ચીચણ૧ પાસે પાલડી ને ત્યાં તમારી ફઈ;

પાન સોપારી ખાઈ ગઈ, કંકોતરીમાંથી રહી. - તમે મારાં.

ભાવનગર૧ ને વરતેજ૧ વચ્ચે રે’ બાળુડાની ફઈ;

બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા-ટોપીમાંથી ગઈ.

- તમે મારાં

બાળડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રઈ! - તમે મારાં.

૧ ગમે તે નામ મૂકીને માતા થોડો વિનોદ કરી લે છે.

વઢિયારી સાસુ

(પિયરના પુરુષો દીકરીને તેડીને ચુપચાપ ન ચાલ્યા ગયા. પણ પુત્રી ઉપરના સિતમને સૂચવતું પેલું પાણીનું ભર્યું બેડું સાસુને આંગણે પછાડીને પોતાની બધી દાઝ કાઢ્યા પછી જ તેઓ સિધાવ્યા! આખા ગીતો મર્મવેધી કરુણ રસ નિર્દોષ વિનોદમાં સમાઈ ગયો.)

દાદા તે દીકરી વઢિયારે નો દેજો જો.

વઢિયારી સાસુડી, દાદા, દોયલી.

દિ’એ દળાવે મને રાતડીએ કંતાવે જો,

પાછલે ને પરોડિયે પાણીડાં મોકલે.

ઓશીકે ઈંઢોણી, વહુ, પાંગતે સીંચણિયું જો,

સામે ને ઓરડીએ, વહુ, તમારું બેડલું.

ઘડો બૂડે નૈ, મારું સીંચણિયું નવ પોગે જો,

ઉગીને આથમિયો કૂવાકાંઠડે.

ઉડતા પંખીડા! મારો સંદેશો લઈ જાજે જો.

દાદાને કે’જે દીકરી કૂવે પડે.

દાદાને૧ કે’જે, મારી માતાને નો કે’જે જો.

માતા છે માયાળુ, આંસુ ઝેરશે.

કૂવે નો પડજો, ધીડી! અફીણિયાં નો ખાજો જો,

અંજવાળી આઠમનાં આણાં આવશે.

કાકાના કાબરિયા મામાના મૂંઝડિયા જો,

વીરાના વાગડિયા વઢિયારે ઉતર્યા.

કાકે સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું જો,

વીરે ને ફોડાવ્યું વઢિયારને આંગણે.

૧. સરખાવો રાજસ્થાની ગીતઃ

માતા તો સુણતૈ વીરા, મત કહ્યે

ઝુરસે વરસાળેરી રાત, મેહાં ઝડ માંડિયો

બાપજી તો સૂણતાં વીરા ભલ કહ્યો,

માંડૈ રે કર હે પલાણ, મેહાં ઝડ માંડિયો.

(શ્રાવણી ત્રીજના મશહૂર તહેવાર પ ભાઈ સાસરવાસી બહેનને તેડવા આવે છે. સાસુ મોકલતી નથી. ચાલ્યા જતા ભાઈને બહેન કહે છે. માનેમારું દુઃખ કહીશ ના, નહિ તો એ ચોમાસાની રાત જેમ ઝૂરશે. પિતાને કહેજે, કે જેથી તે તુરત ઉંટ પર ચડીને આવશે)

(રાજસ્થાની લોકગી (પૂર્વાર્ધ : ગીત ૩૩))

ના છડિયાં હથિયારુ

ના છડિયાં હથિયાર અલાલા બેલી!

મરણેજો હકડી વાર, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં હથિયાર,

પેલો ધીંગાણો પીપરડીજો કિયો ઉતે,

કીને ન ખાધી માર, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.

હેબલ લટૂરજી મારું રે ચડિયું બેલી!

ઝલ્લી માછરડેજી ધાર, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર

જાટો રફલ હણેં છાતીએ ચડાયો નાર,

હેબટ લટૂર મુંજો ઘા, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.

ડાબે તે પડખે ભેરવ બોલે, જુવાનો!

ધીંગાણેમેં લોહેંજી ઘમસાણ, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.

(‘‘સોરઠી બહારવટિયા’’ના ‘જોધો માણેકઃ મૂળુ માણેક’ વૃતાંતમાંથી)

જળદેવતાને બલિદાન

બાર બાર વરસે નવાણ ગળાવિયાં,

નવાણે નીર નો આવ્યાં જી રે!

તેડાવો જાણતલ તેડાવો જોશી,

જોશીડા જોશ જોવરાવો જી રે!

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,

દીકરો ને વહુ પધરાવો જી રે!

ઘોડા ખેલવતા વીર રે અભેસંગ!

દાદાજી બોલાવે જી રે!

શુ રે કો’છો, મારા સમરથ દાદા?

શા કાજે બોલાવ્યાં જી રે!

જાણતલ જોશીડો એમ કરી બોલ્યોઃ

દીકરો નેવ હુ પધરાવો જી રે

એમાં તે શું મારા, સમરથદાદા!

પારકી જણીને પૂછી આવો જી રે!

બેટડો ધવરાવતાં હવુ રે વાઘેલી વહુ!

સાસુજી બોલાવે જી રે!

શું કો’છો મારો સમરથ સાસુ!

શા કાજે બોલાવ્યાં જી રે!

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,

દીકરો ને વહુ પધરાવો જી રે

એમાં તે શું મારા સમરથ સાસુ,

૧ જે કે’શો તે કરશું જી રે!

ઉઠો ને રે મારા નાના દેરીડા!

મૈયર હું મળી આવું જી રે!

આઘેરાક જોતાં જોશીડો મળિયો,

ક્યાં વાઘેલી વહુ ચાલ્યા જી રે!

ખરે બપોરે મરવાનાં કીધાં,

મૈયર હું મળી આવું જી રે!

મરવાનાં હોય તો ભલે રે મરજો,

એનાંવખાણ નો હોયે જી રે!

ભાઈ રે જોશીડા! વીર રે જોશીડા!

સંદેશો લઈ જાજે જી રે!

મારી માતાજીને એટલું કે’જે,

મોડિયો ને ચૂંદડી લાવે જી રે!

ઉઠો ને રે, મારા સમરથ જેઠાણી,

ઉનાં પાણી મેલો જી રે!

ઉઠો ને રે, મારા સમરથ દેરાણી,

માથાં અમારાં ગૂંથો જી રે!

ઉઠો ને રે મારા સમરથ દેરી,

વેલડિયું શણગારો જી રે!

ઉઠો ને રે મારા સમરથ નણદી,

છેડાછેડી બાંધો જી રે!

ઉઠો ને રે મારા સમરથ સસરા,

જાંગીનાં (ઢોલ) વગડાવો જી રે!

આવો આવો, મારા માનસંગ દીકરા!

છેલ્લાં ધાવણ ધાવો જી રે!

પૂતર જઈને પારણે પોઢાડ્યો,

નેણલે આંસુડાની ધારું જી રે!

ઝાંઝ પખાજ ને જંતર વાગે,

દીકરો નેવહુ પધરાવે જી રે!

પાછું વાળી જોજો, અભેસંગ દીકરા!

ઘોડલા કોણ ખેલવશે જી રે!

ઈ રે શું બોલ્યા, સમરથ બાપુ!

નાનો ભાઈ ખેલવશે જી રે!

પાછું વાળી જોજો, વહુ રેવાઘેલી વહુ!

પૂતર કોને ભળાવ્યા જી રે!

કોણ ધવરાવશે, કોણ રમાડશે,

કેમ કરી મોટાં થાશે જી રે!

દેરાણી ધવરાવશે, નણદી રમાડશે!

જેઠાણી ઉઝેરશે જી રે!

પે’લે પગથિયે થઈ પગ દીધો,

પાતાળે પાણી ઝબક્યાં જી રે!

બીજે પગથિયે જઈ પગ દીધો,

કાંડાં તે બૂડ પાણી આવ્યાં જી રે!

ત્રીજે પગથિયે જઈ પગ દીધો,

કડ્યકડ્ય સમાં નીર આવ્યાં જી રે!

ચોથે પગથિયે જઈ પગ દીધો,

છાતી સમાં નીર આવ્યાં જી રે!

પાંચમે પગથિયે જઈ પગ દીધો,

પરવશ પડિયા પ્રાણિયા જી રે!

એક હોંકારો દ્યો રે, અભેસંગ!

ગોઝારાં પાણી કોણ પીશે જી રે!

પીશે તે ચારણ પીશે તે ભાટ,

પીશે અભેસંગનો દાદો જી રે!

એક હોંકારો દ્યો રે, વાઘેલી વહુ!

ગોઝારાં પાણી કોણ પીશે જી રે!

પીશે તે વાણિયાં, પીશે તે બ્રાહ્મણ,

પીશે વાળુભાનાં લોકો જી રે!

તરી છે ચૂંદડી ને તર્યો છે મોડિયો,

તર્યા અભેસંગના મોળિયાં જી રે!

ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં,

ઓરડા અણોસરા લાગે જી રે!

વા’લાં હતાં તેને ખોળે બેસાર્યાં,

દવલાંને પાતાળ પૂર્યાં જી રે!

૧. બીજો પાઠ :

મેલો મૈયરિયે સંપતરાયજી રે!

ઈ રે સંપેતરામાં એટલે કે’જો

ચૂંદડી ને મોડિયો લાવે જી રે!

(જુદાં જુદાં અનેક ગામોનાં જળાશયો વિશે બોલાતી આ કથા છે. નવાણમાં પાણી નથી આવતું, જળદેવતા ભોગ માગે છે. ગામનો ઠાકોર પોતાનાં દીકરાવહુનું બલિદાન ચડાવે છે. વાત્સલ્યની વેદના, દાંપત્યની વહાલપ અને સમાજ-સુખ કાજે સ્વાર્પણ એ ત્રણેય ભાવથીવિભૂષિત બનીને જળસમાધિ લેનારાં આ વરવધૂએ લોકજીવનમાં અમર એક અશ્રુગંગા વહાવી દીધી છે. ઘણી પંક્તિઓ પાછળથી ઉમેરાઈ લાગે છે.)

કેર કાંટો

હાં કે રાજ!

વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તાં

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

વડોદરાના વૈદડા તેડાવો!

મારા કાંટડિયા કઢાવો!

મને પાટડિયા બંધાવો!

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

ધોરાજીના ઢોલિયા મંગાવો!

માંહી પાથરણાં પથરાવો!

આડા પડદલા બંધાવો!

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

ઘરમાંથી રાંધણિયાને કાઢો!

મારી ધુમાડે આંખ્યું દુખે!

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

ઓશરિયેથી ખારણિયાને કાઢો!

મારા ધબકે ખંભા દુખે

મને કેર કાટો વાગ્યો.

હાં કે રાજ!

આંગણિયેથી ગાવડલીને કાઢો!

એનાં વલોણાને સોતી!

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

સસરાજીને ચોવટ કરવા મેલો!

મને ઘૂંઘટડા કઢાવે !

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

નણંદડીને સાસરિયે વળાવો!

એનાં છોરુંડાને સોતી!

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

ફળિયામાંથી પાડોશણને કાઢો!

એના રેંટિયાને સોતી!

મને કેર કાંટો વાગ્યો.

(પ્રેમની મસ્તીએ ચડેલી નાદાન સ્ત્રી સ્વતંત્ર જીવનનો આંદન માણવા માટે સંયુક્ત કુટુંબની જંજાળોથી કેવી રીતે મુક્ત બનવા મનોરથ કરે છે, તેનું ટોળ-ચિત્ર કોઈ લોક-કવિએ આ ગીતમાં આબાદ ખૂબીથી ઉતાર્યું છે. કેરડાનો કાંટો ઘણો બારીક હોય છે.)

નો દીઠી

(બાર વરસે રજપૂત ઘરે આવે છે. મેડીમાં ઝોકાર દીવો બળે છે. પણ પાતળી પરમાર ક્યાં? પોતાની પત્ની ક્યાં? માતાએ બહુ બહુ બહાનાં બતાવ્યાં. રજપૂત ઠેર ઠે રશોધી વળ્યો, આખરે ભેદ પ્રગટ થયો. હત્યારી માએ જ એને તાજેતરમાં મારી નાખેલી. નેવાં ઉપર એ એ લોહીલોહાણ ચૂંદડી સુકાતી જોઈ. રડતા સ્વામીએ સ્ત્રીનો બચકો વીંખ્યો. પોતાની ગેરહાજરીમાં સ્ત્રીએ કદીયે નહોતા પહેર્યાં તે કોરાં વસ્ત્રાભૂષણ જોઈ જોઈને સ્વામી છાતીફાટ રડ્યો.!

માડી! બાર બાર વરસે આવિયો,

માડી! નો દીઠી પાતળી પરમાર્યૃ રે, જાડેજી મા!

મો’લુમાં દીવો શગ બળે રે.

દીકરા! હેઠો બેસીને હથિયાર છોડ્યા રે, કલૈયા કુંવર!

પાણી ભરીને હમણાં આવશે રે.

માડી! કૂવા ને વાવ્યું જોઈ વળ્યો રે,

માડી! નો દીઠી પાતળી પરમાર્ય રે જાડેજી મા!

મો’લુમાં દીવો શગ બળે રે.

દીકરા! હેઠો બેસીને હથિયાર છોડય રે, કલૈયા કુંવર!

દળણાં દળીને હમણાં આવશે રે.

માડી! ઘંટિયું ને રથડા જોઈ વળ્યો રે,

માડી! નો દીઠી પાતળી પરમાર્ય રે જાડેજી મા!

મો’લુમાં દીવો શગ બળે રે.

દીકરા! હેઠો બેસીને હથિયાર છોડ્ય રે, કલૈયા કુંવર!

ધાન ખાંડીને હમણાં આવશે રે.

માડી! ખારણિયા ખારણિયા જોઈ વળ્યો રે.

માડી! નો દીઠી પાતળી પરમાર્ય રે, જાડેજી મા!

મો’લુમાં દીવો શગ બળે રે.

દીકરા! હેઠો બેસીને હથિયાર છોડ્ય રે, કલૈયા કુંવર!

ધોણ્યું ધોઈને હમણાં આવશે રે!

માડી! નદિયું ને નેરાં જોઈ વળ્યો રે,

માડી! નો દીઠી પાતળી પરમાર્ય રે, જાડેજી મા!

મો’લુમાં દીવો શગ બળે રે.

એના બચકામાં કોરી બાંધણી, રે,

એની બાંધણી દેખીને બાવો થાઉં રે, ગોઝારણ મા!

મો’લુમાં દીવો શગ બળે રે.

બેના બચકામાં કોરી ટીલડી રે,

એની ટીલડી તાણીને તરસૂળ તાણું રે, ગોઝારણ મા!

મો’લુમાં દીવો શગ બળે રે.

૧. ‘નેવે તે નવરંગ ચૂંદડી રે’ એમ પણ કહેવાય છે. વહુને મારી નાખીને એની લોહીવાળી ચૂંદડી ધોઈ સાસુએ નેવાં પર તાજી સૂકવેલી.

કોઈ દેખાડો

(પ્રભુની બંસી સાંભળીને મિલન-આતુર રાધિકા ભાન ભૂલી દોડે છે, પણ પ્રભુ જડતા નથી. વેલ્ય જોડાવી પાછળ પડે છે, પ્રભુના નગરમાં જઈ મીઠાં ભોજન રાંધે છે : પરંતુ અતિથિદેવ ન જ આવ્યા ને રાધાને ગળે કોળિયો ન ઉતર્યો. આવી નિષ્ઠુરતા દેખીને રાધાને જીવન અસહ્ય જણાયું)

મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ,

મુખેથી મોરલી બજાવતા રે લોલ.

હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ.

ઓઢ્યાનાં અંબર વીસરી રે લોલ.

હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ.

ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ.

સાગ રે સીસમની મારી વેલડી રે લોલ,

નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.

મેં તો ધોળો ને ધમળો બે જોડિયા રે લોલ.

જઈને અમરાપરમાં છોડિયા રે લોલ.

અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ.

મેં તો જાણ્યું કે હરિ આંહીં વસે રે લોલ.

મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ,

ત્શ્રાંબાળું ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ.

હું તો જમવા બેઠી ને જીવણ સાંભળ્યા રે લોલ,

કંઠેથી કોળિયો ન ઉતર્યો રે લોલ.

મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ,

કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ.

હું તો ગોંદરે તે ગાવડી છોડતી રે લોલ,

ચારેય દૃશ્યે નજર ફેરતી રે લોલ.

એક છટેથી છેલવરને દેખિયા રે લોલ,

હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ.

મારી ઘેલી સાસુ ને ઘેલા સાસરા રે લોલ,

ગાયું વરાંહે દોયાં વાછરાં રે લોલ.

મને ધાનડિયાં નથી ભાવતાં રે લોલ.

મોતડિયાં નથી આવતાં રે લોલ.

મને હીંચકતા નવ તૂટ્યો હીંચકો રે લોલ,

નાનાંથી કાં ન પાયાં વખડાં રે લોલ.

મારી માતા તે મૂરખ માવડી રે લોલ,

ઉઝેરીને શીદ કરી આવડી રે લોલ.

અદલાબદલી

(કજોડાનાં દુઃખની પડખોપડખ જ સરખે સરખી જોડીનાં સુખી ચિત્રો ઉભાં છે. વેવિશાળ પછીના અને વિવાહ પહેલાનાં સમયમાં, અસલી લોકસમાજની અંદર પણ પતિ પોતાની થનારી પત્નીને વીંટી, રૂમાલ વગેર ેપ્રીતિની એંધાણી મોકલી શકતો અને કન્યા સાટામાં પોતાનું હૃદય દેતી. રૂમાલ અને હૃદય : વિનિમયની બે વસ્તુઓ : સ્નેહનું અર્થશાસ્ત્ર અજબ છે!)

મારી સગી રે નણંદના વીરા, રૂમાલ મારો દેતા જાજો.

મારી નાની નણંદના વીરા, રૂમાલ મારો દેતા જાજો.

દેતા જાજો રે, દિલ લેતા જાજો. - મારી.

વાણીડાના હાટનો લીલો રૂમાલ મારો દેતા જાજો.

દેતા જાજો રે, દિલ લેતા જાજો. - મારી.

ચોકસીના હાટનો પીળો રૂમાલ મારો દેતા જાજો.

દેતા જાજો રે, દિલ લેતા જાજો. - મારી.

અબોલા ભવ રહ્યા

મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં,

મેં તો આભનાં કર્યાં રે કમાડ

સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો અગરચંદણનો ચૂલો કર્યો,

મેં તો ટોપરડે ભર્યો રે ઓબાળ

સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો,

તમે જમો, નાની નણદીના વીર

સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો દાતણ દીધાં ને ઝારી વીસરી,

દાતણ કરો, નાની નણદીના વીર

સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો નાવણ દીધાં ને કૂંડી વીસરી,

નાવણ કરો, નાની નણદીના વીર

સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો ભોજન દીધાં ને થાળી વીસરી,

ભોજન કરો, નાની નણદીના વીર

સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો મુખવાસ આલ્યાં ને એલચી વીસરી,

મુખવાસ કરો, નાની નણદીના વીર

સાયબા, અબોલા ભવ રિયા!

મેં તો પોઢણ દીધાં ને ઢોલિયા વીસરી,

પોઢણ કરો, નાની નણદીના વીર

સાયબા, અબોલા ભવ રિયા!

(સ્વામીના અબોલડા ભંગાવવા માટે સ્નેહાળ સ્ત્રીએ ઘણાં ઘણાં વલખાં માર્યા. કેમેય કરીને બોલે! એમ સમજીને યુક્તિપૂર્વક અધૂરી ચીજો આપી. પણ ભવ બધાના અબોલા લેનાર હઠીલા ભરથારે કશી પણ ચીજ મંગાવવાને બહાને મોં ઉઘાડ્યું નહીં.)

માનેતી આંખ

(ભોજાઈને સુંદર બનાવવા દિયરના મનોરથ હશે. પણ પ્રેમાળ નારી પોતાના કંથની ગેરહાજરીમાં મેંદી પઠે હાથ રંગીને કોને દેખાડે? સતીના શણગાર તો પતિને ખાતર જ હોય. પતિ સાંભર્યો. વિધવિધ બહાનાં આપી તેડાવ્યો. પણ ભાઈબહેનનાં લગ્નની કે માતાના મોતની એ યુદ્ધઘેલડા પરદેશીને બહુ તાણ નથી. છેલ્લા ખબર ફક્ત માનેતીની આંખો જ દુઃખવાના પહોંચે છે. એટલે પછી તો એનું હૈયું હાથ રહેતું નથી. એ પાછો આવે છે.)

મેંદી તે વાવી માળવે,

એનો રંગ ગિયો ગુજરાત

મેંદી રંગ લાગ્યો રે.

નાનો દેરીડો લાડકો ને

કાંઈ લાવ્યો મેંદીનો છોડ. - મેંદી રંગ લાગ્યો રે.

વાટી ઘૂંટીને ભર્યા વાટકા,

ભાભી, રંગો તમારા હાથ. - મેંદી રંગ લાગ્યો રે.

હાથ રંગીને, દેરી, શું રે કરું,

એનો જોનારો પરદેશ. - મેંદી રંગ લાગ્યો રે.

લાખ ટકા આલું રોકડા,

કોઈ જાવ જો દરિયાપાર. - મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલું કે’જો

તારી બેની પરણે, ઘરે આવ્ય. - મેંદી રંગ લાગ્યો રે.

બેની પરણે તો ભલે પરણ,

એની ઝાઝા દી રોકજો જાન. - મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલેં કે’જો

તારો વીરો પરણે ઘરે આવ્ય. - મેંદી રંગ લાગ્યો રે.

વીરો પરણે તો ભલે પરણે,

એની જાડેરી જોડજો જાન. - મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલું કે’જો,

તારી માડી મરે ઘરે આવ્ય. - મેંદી રંગ લાગ્યો રે.

માડી મરે તો ભલે મરે,

એને બાળજો બોરડી હેઠ. - મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલું કે’જો,

તારી માનેતીની ઉઠી આંખ. - મેંદી રંગ લાગ્યો રે.

હાલો સિપાઈઓ, હાલો હાઈબંધીઓ

હવે હલકે બાંધો હથિયાર. - મેંદી રંગ લાગ્યો રે.

સૈયર મેંદી લેશું રે!

(ઘરકામથી ત્રાસેલી વહુના અંતરની ગુપ્ત અવળચંડાઈના આ ચિત્રમાં સાસુએ જે કહ્યું હોય તેથી ઉલટું જ સમજવાની આવડત બતાવી છે. મેંદી લેવાની ક્રિયાનું પ્રારંભિક ચિત્ર મસ્તીભર્યું છે.)

મેંદી લેશું, મેંદી લેશં, મેંદી મોટાં ઝાડ,

એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર

સૈયર! મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ્ય,

મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ્ય,

સૈયર! મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે પાણીંડા ભરી મેલ્ય,

મેં ભોળીએ એમ માન્યું કે બેડલાં ફોડી મેલ્ય,

સૈયર! મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ્ય,

મેં ભોળીએ એમ માન્યું કે ચૂલા ખોદી મેલ્ય.

સૈયર! મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે કોડ૧માં દીધો મેલ્ય,

મેં ભોળીએ એમ માન્યું કે સોડમાં દીવો મેલ્ય.

સૈયર! મેંદી લેશું રે.

૧ કોડ : કોઢ, બળદને બાંધવાનું ઘાસથી ભરેલું સ્થાન.

નિમંત્રણ

(ગરબા ગાવાના સ્થળનું વર્ણન : ગાવા આવનારીઓનું સૌંદર્ય : એક પછી એક સાહેલીનાં મધુર શબ્દચિત્રો)

રાધાજીનાં ઉંચા મંદિર નીચા મો’લ,

ઝરૂખડે દીવા બળે રે લોલ.

રાધા ગોરી! ગરબે રમવા આવો!

સાહેલી સહુ ટોળેવળે રે લોલ.

ત્યાં છે મારા રૂપસંગ૧ ભાઈની ગોરી

હાથડીએ હીરા જડ્યા રે લોલ.

ત્યાં છે મારા માનસંગ ભાઈની ગોરી

પગડીએ પદમ જડ્યાં રે લોલ.

ત્યાં છે મારા ધીરસંગ૧ ભાઈની ગોરી

મુખડલે અમી ઝરે રે લોલ.

રાધાજીનાં ઉંચા મંદિર નીચા મો’લ

ઝરૂખડે દીવા બળે રે લોલ.

રાધા ગોરી! ગરબે રમવા આવો!

સાહેલી સહુ ટોળે વળે રે લોલ.

૧. જુદાં જુદાં નામ લઈને ફરી ફરી આ ત્રણેય કડીઓ ગવાય છે.

સંતાકૂકડી

(પતિ-પત્ની અરસપરસ આમોદ કરતાં કરતાં કલ્પનાની અંદર સંતાકૂકડીની રમત રમે છે. સ્વામીપોતાની પ્રિયતમાને હરકોઈ સ્થળે, ચાહે તે વેશમાં પણ પકડી પકડીને મીઠી ખીજ ઉપજાવવા મથે છે.)

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો!

ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો!

રામ! તમારે બોલડીએ હું નદીએ નાળું થઈશ જો!

તમે થશો જો નદીએ નાળું હું ધોબીડો થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો૧!

તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટૂલોર થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો!

તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું રણની રોઝડી થઈશ જો!

તમે થશો જો રણની રોઝડી, હું સૂડલિયો થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું જળ-માછલડી થઈશ જો!

તમે થાશો જો જળ-માછલડી, હું માછીડો૩ થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું આકાશ-વીજળી થઈશ જો!

તમે થાશો જો આકાશ-વીજળી, હું મેહુલિયો થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું બળીને ઢગલો થઈશ જો!

તમે થશો જો બળીને ઢગલો, હું ભભૂતિયો થઈશ જો!

૧. બીજો પાઠ : પરઘેર ઘંટી થઈશ જો!

ર. બીજો પાઠ : હું ટંકારો થઈશ જો!

૩. બીજો પાઠ : ‘માછીડો’ કરતાં ‘જળ-મોજું’ વધુ દીપે છે.

દીકરાની ઝંખના

(પુત્રહીન માતાથી હવે તો મહેણાં સહેવાતાં નથી. રાંદલ માની પાસે એ કેવો દીકરો માગી રહી છે! ઘરની લીલી લીલી ગાર ઉપર પોતાની નાની નાની પગલીઓ પાડનારો, રોટલા ઘડતી વખતે નાનકડી ચાનકી માગનારો, દળતીવખતે ઘંટીના થાળામાં લોટની જે શગ ચડતી હોય તે પાડી નાખનારો, ખોળો ખૂંદી ખૂંદીને ધોયેલો સાડલો બગાડનારો ને છાશ કરતી વખતે માખણ માગનારો; આ પ્રત્યેક કામ કરતી વખતે એને એનો દીકરો સાંભરે છે. નાના મસ્તીખોર ને લાડકવાયા બાળકનું આ સર્વસ્પર્શી ચિત્ર છે. લગન અથવા સીમંત પ્રસંગે ઘરમાં રન્નાદે માતાની સ્થાપના કરી ગવાય છે.)

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;

પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!

વાઝિયાં-મે’ણાં,માતા, દોહ્યલાં.

દળણાં દળીને ઉભી રહી;

પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!

વાઝિયાં-મે’ણાં, માતા, દોહ્યલાં.

મહીંડા વલોવી ઉભી રહી;

માખણનો માગનાર દ્યોને, રન્નાદે!

વાઝિયાં-મે’ણાં, માતા, દોહ્યલાં.

પાણી ભરીને ઉભી રહી;

છેડાનો ઝાલનાર દ્યોને, રન્નાદે!

વાંઝિયા-મે’ણાં, માતા, દોહ્યાલાં.

રોટલા ઘડીને ઉભી રહી;

ચાનકીનો માગનાર દ્યોને, રન્નાદે!

વાંઝિયા-મે’ણાં, માતા, દોહ્યલાં.

ધોયો ધફોયો મારો સાડલોઃ

ખોળાનો ખુંદરનાર દ્યોને, રન્નાદે.

વાંઝિયા-મે’ણાં, માતા, દોહ્યલાં.

એ પ્રમાણે પુત્રકામના ફળ્યાની કલ્પનારૂપે આખું ગીત ફરી આમ ગાય છે કેલીપ્યું

ને ગૂંપ્યું મારું આંગણું;

પગલીનો પાડનાર દીધો રન્નાદે!

અનિરુદ્ધ કુંવર મારો લાડકો.

વગેરે વગેરે.

ક્યાંક આમ પણ ગવાય છેઃ

ઘરને પછવાડે રૂડું ઘોડિયું,

પારણાનો પોઢનાર દીધો, રન્નાદે

વાંઝિયા-મે’ણા માએ ભાંગિયાં

ક્યારે આવે!

(નીચેનાં ત્રણેય ગીતોમાં વર્ષાઋતુ ગવાયેલી છે. મોર, કોયલ અને મોરલીના નાદ ઉઠે છે. મેઘાડમ્બરમાંથી વીજળી ઝબૂકે છે. સૂસવતા વાયરા કોઈ ભરસાગરે તોફાન મચાવીને વેપારીઓનાં વહાણોને ડોલાવી રહેલ છે. વિદેશ ગયેલા પતિની ચિન્તાભેર વાટ જોવાય છે. દેશ-પરદેશથી નવલી વસ્તુઓ વેચાવા આવે છે. પણ છોગાળા છેલ વિના - રસિક સ્વામી વિના - એનાં મૂલ કોણ મૂલવી જાણે? વિરહ-ઉદ્દીપન બરાબર જામેલ છે. હાલારની અંદર જામનગર અને મોરબી જેવાં માતબર રાજ્યો હાથી માટે વિખ્યાત હતાં. ઘોઘાનાં ઘોડાં વખણાતાં. વાળાક પ્રદેશમાં કાઠફઓ વસતા હોવાથી ત્યાંથી ત્યાંની વેલડીઓ(કાઠિયાણીના રથો) મશહૂર હતી. ચિત્તળમાં ચૂંદડીઓની રંગાટ જોશભેર ચાલતો. આ રીતે લોકગીતો ભૂગોળ પણ શીખવી જાય છે.)

વનમાં બોલે ઝીણા મોર

કોયલ રાણી કિલોળ કરે રે લોલ.

ઝીણા ઝરમર વરસે મેઘ

વાદળડી વાયે વળે રે લોલ. - વનમાં.

બેની મારો૧ ઉતારાનો કરનારો

જાદવરો ક્યારે આવે રે લોલ!

આવશે સાતમ ને સોમવારે

આઠમની અધરાતે રે લોલ!

બેની મારો દાતણનોર કરનારો

જાદવરો ક્યારે આવે રે લોલ!

આવશે સાતમને સોમવારે

આઠમની અધરાતે રે લોલ. - વનમાં.

૧. તારો ર. નાવણ, ભોજન, પોઢણ ઈત્યાદિ.

ડોલરિયો દરિયાપાર

વા વાયા ને વાદળ ઉમટ્યાં,

મધદરિયે ડૂલેરાં વા’ણ, મોરલી વાગે છે.

એક હાલાર શે’રના હાથીડા,

કંઈ આવ્યા અમારે દેશ, મોરલી વાગે છે.

છેલ છોગાળો હોય તો મૂલવે,

ડોલરિયો દરિયાપાર, મોરલી વાગે છે.

એક ઘોઘા તે શે’રના ઘોડલાં,

કાંઈ આવ્યાં અમારે દેશ, મોરલી વાગે છે.

- છેલ છોગાળો.

એક વાળાક શે’રનીવેલડી,

કાંઈ આવી અમારે દેશ, મોરલી વાગે છે.

- છેલ છોગાળો.

એક દખણ શે’રના ડોળિયા,

કાંઈ આવ્યા અમારે દેશ, મોરલી વાગે છે.

- છેલ છોગાળો.

એક ચીતળ શે’રની ચૂંદડી,

કાંઈ આવી અમારે દેશ, મોરલી વાગે છે.

- છેલ છોગાળો.

એક મુંબઈ શે’રના મોતીડાં

કાંઈ આવ્યાં અમારે દેશ, મોરલી વાગે છે.

- છેલ છોગાળો.

એક સૂરત શે’રની બંગડી,

કાંઈ આવી અમારે દેશ, મોરલી વાગે છે.

- છેલ છોગાળો.

ઓળખ્યો

વેલ્યું છૂટિયું રે, વીરા, વાડીના વડ

ધોળીડા બાંધ્યા રે વડને વાંકીએ.

ચાર પાંચ સૈયરું રે, વીરા, પાણીડાની હાર્ય,

વચલી પાણિયારે વીરને ઓળખ્યો.

ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંની અણસાર

બાપની બોલાશે વીરને ઓળખ્યો.

વીરા, ચાલો રે દખણી બેનીને ઘેર,

ઉતારા દેશું ઉંચા ઓરડા.

વેલ્યું છોડજો રે, વીરા! લીલા લીંબડા હેઠ,

ધોળીડા બાંધજો રે વચલે ઓરડે.

નીરીશ નીરીશ રે, વીફરા, લીલી નાગરવેલ્ય,

ઉપર નીરીશ રાતી શેરડી.

રાંધીશ રાંધીશ રે, વીરા, કમોદુંના કૂર,

પાશેર રાંધીશ કાજુ ખીચડી.

પાપડ શેકીશ રે, વીરા, પૂનમ કેરો ચંદ,

ઉપર આદુ ને ગરમર આથણાં.

જમશે જમશે રે મારો માડીજાયોવીર,

ભેળી બેસશે રે એક જ બેનડી.

ઉંચી મેડી રે, વીરા, ઉમગણે દરબાર,

તિયાં રે ઢળાવું તારા ઢોલિયા.

પોઢશે પોઢશે રે મારો માડીજાયો વીર,

પાસે બેસે રે એક જ બેનડી.

કરજે કરજે રે, બેની, સખદખની વાત,

ઘેરે જાશું તો માતા પૂછશે.

ખાવી ખાવી રે, વીરા, ખોરુડી જાર,

સૂવું રે માડીના જાયા સાથરે.

બાર બાર વરસે રે, વીરા, માથડિયાં ઓળ્યાં,

પેર વરસે રે તેલ નાખિયાં,

મેલો મેલો રે, બેની, તમારલા દેશ,

મેલો રે, બેની, તમારાં સાસરાં.

વીરા વીરા રે, બેની, માસ છ માસ,

આખર જાવું રે બેનને સાસરે.

ભરવાં ભરવાં રે, વીરા, ભાદરુંનાં પાણી,

ભાદરની રેલે બેની તણાઈ ગયાં.

આ ને કાંઠે રે, વીરા રહ રહી રુએ,

ઓલ્યે કાંઠે રુએ એવી માવડી.

(બાર-બાર વરસ થયાં સાસરે વળાવેલી અને વચમાં એકેય વાર ઘેર ન આવેલી બહેનને એનો ભાઈ તેડવા જાય છે. નાનપણનાં સ્મરણો ભૂલેલી એ બહેન ભાઈને કેમ કરીને ઓળખી લે છે? પોતાની માતાની આંખો જેવી એની આંખો દેખીને, અને પિતાના અવાજ જેવો એનો અવાજ સાંભળીને. (માતાના જેવી આંખોવાળો ને પિતાના જેવા સ્વરવાળો પુરુષ પંકાય છે) ભાઈને પોતાનાં દુઃખો સંભળાવતી બહેન ભાઈના નિમંત્રણને નકારે છે. એ સમજે છે કે ભાઈઓ તો ભાભીને વશ હોય, બધું દુઃખ ઠલવીને બહેન ડૂબી મરે છે.)

માતા અને સાસુ

શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયાો!

માતાજી રમવા દ્યો રે રંગ ડોલરિયો!

રમી ભમી ઘેર આવિયાં રંગ ડોલરિયો!

માતાજી ભોજન દ્યો રે રંગ ડોલરિયો!

માતાએ પીરસી લાપસી રંગ ડોલરિયો!

મહીં પળી એક આલ્યાં ઘી રે રંગ ડોલરિયો!

માતાએ ગૂંથ્યાં માથડાં રંગ ડોલરિયાો!

ઓશીકે નાગરવેલ્ય રે રંગ ડોલરિયો!

શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો!

સાસુજી રમવા દ્યો રે રંગ ડોલરિયો!

રમી ભમી ઘેર આવિયાં રંગ ડોલરિયો!

સાસુજી જમવા દ્યો રે રંગ ડોલરિયો!

બાઈજીએ પીરસ્યું બાજરિયું રંગ ડોલરિયો!

મહીં ટીપું આલ્યાં તેલ રે રંગ ડોલરિયો!

બળ્યું બાઈજી, તારું બાજરિયું રંગ ડોલરિયો!

તારા તેલમાં ટાંડી મેલ્ય રે રંગ ડોલરિયો!

સાસુએ ઢાળી ખાટલી રંગ ડોલરિયો!

ઓશીકે કાળો નાગ રે રંગ ડોલરિયો!

ઘરે આવોને!

શેરી વળાવી સજ કરું, ઘરે આવો ને!

આંગણીએ વેરું ફૂલ, મારે ઘેર આવો ને!

ઉતારા આપીશ ઓરડા, ઘરે આવો ને!

મેડીના મો’લ જ દૈશ, મારે ઘરે આવો ને. - શેરી વળાવી.

દાતણ આપીશ દાડમી, ઘરે આવોને!

કણેરીની કાંબ જ દૈશ, મારે ઘરે આવો ને! - શેરી વળાવી.

નાવણ આપીશ કૂંડિયું, ઘરે આવો ને!

ઝીલણિયાં તળાવ દૈશ, મારે ઘરે આવો ને! - શેરી વળાવી.

ભોજન આપીશ લાપશી, ઘરે આવો ને!

સાકરિયો કંસાર દૈશ, મારે ઘરે આવોને! - શેરી વળાવી.

મુખવાસ આપીશ એલચી, ઘરે આવોને !

પાન બીડલાં દૈશ પચાસ, મારે ઘરે આવો ને! - શેરી વળાવી.

પોઢણ આપીશ ઢોલિયા, ઘરે આવોને!

હીંડોળા ખાટ જ દૈશ, મારે ઘરે આવોને! - શેરી વળાવી.

ઘણી ઘણી હામો

સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી નૈ ભરું રે લોલ,

સાયબા, મુને રૂપલા બેડાની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ.૧

સાયબા, મારે સાસરો ભલા પણ વેગળા રે લોલ,

સાયબા, મુને ઘૂંઘટ કાઢ્યાની ઘણી હામ રે.

સાયબા, મારી સાસુ ભલાં પણ વેગળાં રે લોલ,

સાયબા, મુને પગે પડ્યાની ઘણી હામ રે. - સાયબા મુને.

સાયબા, મારે જેઠ ભલા પણ વદેગળા રે લોલ,

સાયબા, મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે. - સાયબા મુને.

સાયબા, મારી જેઠાણી ભલાં પણ વેગળાં રે લોલ,

સાયબા, મુને વાદ વદ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને.

સાયબા, મારો દેર ભલા પણ વેગળા રે લોલ,

સાયબા, મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને.

સાયબા, મારી દેરાણી ભલાં પણ વેગળાં રે લોલ,

સાયબા, મુને જોડે રે’વાની ઘણી હામ રે. - સાયબા, મુને.

૧ બીજો પાઠ :

સાયબા, તમે મુંબઈ બંદર મોલ માણજો રે લોલ.

(ગ્રામ્ય કુલવધૂઓને નવા નવા કુટુંબજીવનની અંદર લાજ કાઢવામાં રસ પડતો. ઘૂમટો ખેંચવામાં તેઓ આંગળીઓનું અને પોશાકનું કલાવિધાન વાપરતાં. ઝીણું બોલવામાં માત્ર મર્યાદાનો ખ્યાલ નહોતો. માધુર્ય પણ ઝરતું. અવિભક્ત કુટુંબના કોઈ કોઈ સુખી સમયમાં દેરાણી-જેઠાણી વચ્ચેનો વાદ પણ દેર-ભોજાઈ વચ્ચેના હાસ્ય વિનોદ જેવો મીઠો બની જતો. કૌટુમ્બિક જીવનમાં આ જૂનાં પ્રેમપોષક તત્ત્વો હતાં. સાથોસાથ ‘મુંબઈના મો’લની વિનાશક મોહિની મંડાઈ ગયાનો સમય પણ આંહી સૂચવાયો દીસે છે.)’

વીડી વાઢનારાં

(સમાન હકદાર અને સ્વતંત્ર એવાં શ્રમજીવી ધણી-ધણિયાણીની વાત છે. ધણીએ પોતાનો ભારો ન ચડાવ્યો અને સ્વાર્થી બનીને ચાલ્યો ગયો. એટલે પત્ની પોતાને ભારો ચડાવનાર વટેમાર્ગુ વીરાને પોતાની કમાઈમાંથી જમાડીને વેર વાળે છે.)

સાવ રે. સોનાનું મારું દાતરડું રે લોલ (ર)

હીરનો બંધિયો૧ હાથ, મુંજા વાલમજી લોલ!

પરણ્યે વાઢ્યા રે પાંચ પૂળકાર લોલ (ર)

મેં રે વાઢ્યા છે દસ વીસ, મુંજા વાલમજી લોલ. - હવે.

પરણ્યાનો ભારો મેં ચડાવિયો રે લોલ (ર)

હું રે ઉભી વનવાટ, મુંજા વાલમજી લોલ. - હવે.

વાટે નીકળ્યો વાટમારગુ રે લોલ (ર)

ભાઈ મુને ભારડી૩ ચડાવ, મુંજા વાલમજી લોલ. - હવે.

પરણ્યાને આવી પાલી જારડી રે લોલ (ર)

મારે આવેલ માણું ઘઉં, મુંજા વાલમજી લોલ. - હવે.

પરણ્યે ભર્યું છે એનું પેટડું રે લોલ (ર)

મેં રે જમાડ્યો મારો વીર, મુંજા વાલમજી લોલ

હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.

૧. બંધિયો : રસી ર. પુળકા : પૂળા ૩ ભારડી : ભારો.

બાળુડો જોગી

(ગોડ બંગાળનો તરુણ રાજા ગોપીચંદ મહારાજા ભર્તૃહરિનો ભાણેજ થાય. ભોગવિલાસમાં ગરક થયેલા એ પુત્રને માતા મેનાવતીએ એક સુંદર સમસ્યા વડે ભેખ લેવરાવ્યો. બરાબર સ્નાનો સમય થયો જોયો. એની ઉઘાડી કાયા ઉપર મૂંગું આંસુ ટપકાવ્યું. આવી કંચનવરણી અને મહેકતી કાયાનો પણ એક દિવસ લય થશે એ એના પિતાનું મૃત્યુ યાદ કરાવીને પલકમાં સમજાવ્યું. બાળુડો જોગી પોતાના જોગની કસોટી કરવા બહેનીબાને દેશ પહોંચ્યો. બહેનનાં ચોધાર રુદન જેને ન ચળાવી શકે તે જ ત્યાગ સાચો.)

સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,

ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી.

હાથપગ ચોળે એના ઘરની અસતરી,

વાંસાના મોર ચોળે માડી રે ભરથરી.

મોર ચોળતાં એનું હૈડું ભરાણું જો,

નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી.

નહિ રે વાદળડી ને નહિ રે વીજળડી,

ઓચિંતા નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી.

આવી કાયા રે તારા બાપની હતી જો,

એ રે કાયાનાં મરતૂક થિયાં રે ભરથરી.

કો’ તો, માતાજી, અમે દુવારકાં જાયેં જો,

દુવારકાંની છાપું લઈ આવું રે ભરથરી.

કો’તો, માતાજી, અમે હિંગળાજ જાયેં જો,

હિંગળાજના ઠુમરા લઈ આવું રે ભરથરી.

કો’તો માતાજી, અમે કાશીએ જાયેં જો,

કાશીની કાવડ્યું લઈ આવું રે ભરથરી.

કો’તો, માતાજી, અમે જોગીડા થાયેં જો,

કો’તો લઈએ ભગવો ભેખ રે ભરથરી.

બાર વરસ, બેટા, રાજવટું કરો જો,

તેરમે વરસે લેજો ભેખ રે ભરથરી.

બાર વરસ, માતા, કેણીએ ન જોયાં જો,

આજ લેશું રે ભગવો ભેખ રે ભરથરી.

દેશ જોજે ને, દીકરા, પરદેશ જાજે જો,

એક મ જાજે બેનીબાને દેશ રે ભરથરી.

આંબાની ડો ને સરોવરની પાળે જો,

ઉતરી છે જોગીની જમાત રે ભરથરી.

નણંદની દીકરી ને સોનલબાઈ નામ જો,

સોનલબાઈ પાણીડાં હાર્ય રે ભરથરી.

કો’તો, મામી, તમારો વીરોજી દેખાડું જો,

કો’તો દેખાડું બાળો જોગી રે ભરથરી.

સાચું બોલો તો, સોનલભાઈ, સોનલે મઢાવું જો,

જૂઠું બોલો તો જીભડી વાઢું રે ભરથરી.

હાલો દેરાણી ને હાલો જેઠાણી જો.

જોગીડાની જમાત જોવા જાયેં રે ભરથરી.

થાળ ભરીને શગ મોતીડે લીધો જો.

વીરને વધાવવાને જાય રે ભરથરી.

બેની જોવે ને બેની રસ રસ રોવે જો,

મારો વીરોજી જોગી હુવો રે ભરથરી.

કો’તો, વીરાજી મારા, પાલખી મંગાવું જો,

પાલખી ન જોયેં, બેનીબા, રાજ નવ જોયેં જો,

કરમે લખ્યો છે ભગવો ભેખ રે ભરથરી.

ઉભા રો’, રંગ રસિયા!

સોના ઈંઢોણી રૂપા બેડલું રે

નાગર, ઉભા રો’ રંગ રસિયા!

પાણીડાં ગઈ’તી તળાવ રે,

નાગર, ઉભા રો’ રંગ રસિયા!

કાંઠે તે કાન ઘોડાં ખેલવે રે - નાગર.

કાન મુને ઘડુલો ,ડાવ્ય રે - નાગર.

તારો ઘડો તે, ગોરી, તો ચડે રે - નાગર.

તું જો મારા ઘરડાની નાર રે - નાગર.

ફટ રે ગોઝારા ફટ પાપિયા રે - નાગર.

તું છો મારો માડીજાયો વીર રે - નાગર.

અરડી મરડીને ઘડો મેં ચડ્યો રે - નાગર.

તૂટી મારા કમખાની કસ રે - નાગર.

ભાઈ રે દરજીડા, વીરા, વીનવું રે - નાગર.

ટાંકય મારા કમખાની કસ રે - નાગર.

કરો તે ટાંક્ય ઘમર ઘૂઘરી રે - નાગર.

હૈયે તે લખ્ય ઝીણા મોર રે - નાગર.

જાતાં વાગે તે ઘરમ ઘૂઘરી રે - નાગર.

વળતાં ઝીંગોરે નીલા મોર રે - નાગર.

રંગમાં, રોળ્યાં, વાલમિયા

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,

લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.

પગ પરમાણે રે કડલાં સોઈં, વાલમિયા

કાંબિયુંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા

કેડ પરમાણે રે ઘાઘરો સોઈં, વાલમિયા,

ઓઢણીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં વાલમિયા.

હાથ પરમાણે રે ચૂડલા સોંઈ, વાલમિયા,

ગૂજરીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

ડોક પરમાણે રે ઝરમર સોઈં, વાલમિયા,

તુળસીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં વાલમિયા.

કાન પરમાણે રે ઠોયિાં સોઈં, વાલમિયા

વેળિયાંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં વાલમિયા.

નાક પરમાણે રે નથડી સોઈં, વાલમિયા,

ટીલડીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

કાસમ, તારી વીજળી!

(‘વીજળી’ નામની આગબોટ એની અગિયારમી મુસાફરીમાં કચ્છ અંજારથી મુંબઈ જતાં રસ્તામાં મહુવાની નજીક ડૂબી ગઈ. તેનું આ કરુણ બયાન છે. રાવણહથ્થાવાા નાથબાવાઓ તો આ ગીત ગાઈને શ્રોતાજનોને રડાવે છે. ‘વીજળી’ જેવી સમર્થ આગબોટની મુસાફરી, એના માલિકનો ગર્વભર્યો ઉછરંગ, શેઠ-શાહુકારોને સહેલગાહ કરવાના મનોરથો, અને તેર-તેર તો મુંબઈ પરણવા જતા કેસરિયા વરરાજાઓ : ત્યારપછી એ મધદરિયાનાં વાવાઝોડાંઃ બેસુમાર પાણી : ડૂબવા સમયની ડોલાડોલ : ખારવાઓની દોડાદોડ : દેવદેવીઓને માનતા કરતાં મુસાફરોના કેસરિયા વરરાજા સુધ્ધાં તમામ પ્રવાસીઓની જળસમાધિ : મુંબઈને કિનારે પેલી પીઠીભરી કન્યાઓનાં બેદક કલ્પાંતઃ અને બાર-બાર મહિના સુધી એ ડૂબેલા માડીજાયાઓને માટે બહેનોનું હૈયાફાટ આક્રંદઃ એ તમામ ચિત્રો સચાોટ છે.)

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ!

શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ!

ભુજ અંજારની જાનું રે જૂતી

જાય છે મુંબઈ શે’ર - કાસમ, તારી.

દેશપરદેશી માનવી આવ્યાં,

જાય છે મુંબઈ શે’ર - કાસમ, તારી.

દસ બજે તો ટિકટું લીધી

જાય છે મુંબઈ શે’ર - કાસમ, તારી.

તેર તેર જાનું સામટી જૂતી

બેઠા કેસરિયા વર. - કાસમ, તારી.

ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા

છોકરાંનો નૈ પાર - કાસમ તારી.

અગિયાર બજે આગબોટ હાંકી

જાય છે મુંબઈ શે’ર - કાસમ તારી.

બાર બજે તો બરોબર ચડિયાં

જાય છે મુંબઈ શે’ર - કાસમ તારી.

ઓતર દખણના વાયરા વાયા

વાયરે ડોલ્યાં વા’ણ - કાસમ તારી.

મોટા સાહેબની આગબોટું મળિયું

વીજને પાછી વાળ્ય. - કાસમ તારી.

જહાજ તું તારું પાછું વાળ્યે,

રોગ તડાકો થાય. - કાસમ તારી.

પાછી વાળું, મારી ભોમકા લાજે!

અલ્લા માથે એમાન. - કાસમ તારી.

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા.

વીજને પાછળ વાળ્ય. - કાસમ તારી.

મધદરિયામાં મામલા મચે

વીજળી વેરણ થાય. - કાસમ તારી.

ચહમાં૧ માંડીને માલમી જોવે

પાણીનો ના’વે પાર. - કાસમ તારી.

કાચને કુંપે કાગદ લખેર

મોકલે મુબઈ શે’ર - કાસમ, તારી.

હિન્દુ મુસલમીન માનતા માને

પાંચમે ભાગે રાજ. - કાસમ તારી.

પાંચ લેતાં તું પાંચસે લેજે

સારું જમાડું શે’ર - કાસમ તારી.

ફટ ભૂંડી તું વીજળી! મારાં

તેરસો માણસ જાય - કાસમ તારી.

વીજળી કે’ મારો વાંક નૈ, વીરા

લખિયલ છઠ્ઠીના લેખ - કાસમ તારી.

તેરસો માણસ સામટાં બૂડ્યાં

બૂડ્યાં કેસરિયા વર. - કાસમ તારી.

ચૂડીએ કોઠે દીવા જલે ને

જુએ જાનનું કેરી વાટ. - કાસમ તારી.

મુંબઈ શે’રમાં માંવા નાખેલ

ખોબલે વે’ચાય ખાંડ. - કાસમ તારી.

ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે

જુએ જાનુંની વાટ - કાસમ તારી.

સોળસેં કન્યા ડુંગરે ચડી

જુએ જાનુંની વાટ - કાસમ તારી.

દેશદેશેથી તાર વછૂટ્યા

વીજળી બૂડી જાય. - કાસમ તારી.

વાણિયા વાંચે ને ભાટિયા વાંચે

ઘર ઘર રોણાં થાય. - કાસમ તારી.

પીઠી ભરી તો લાકડી રુએ

માંડવે ઉઠી આગળ. - કાસમ તારી.

સગું રુએ એનું સાગવી રુએ

બેની રુએ બાર માસ. - કાસમ તારી.

મોટા સાહેબે૩ આગબોટું હાંકી

પાણીનો ના’વે પાર. - કાસમ તારી.

મોટા સાહેબે તાગ જ લીધા

પાણીનો ના’વે પાર - કાસમ તારી.

સાબ મઢ્યમ બે દરિયો ડોળે

પાણીનો ના’વે તાગ. - કાસમ તારી.

૧. ચશ્માં ર. પૂવે આગબોટો ડૂબવાની થતી ત્યારે કાચના સીસામાં એ ખબરવાળા કાગળો બીડીને સીસા સમુદ્રમાં તરતા મૂકવામાં આવતા. ૩. પોરબંદરના એડમિનિસ્ટ્રેટર લેલી સાહેબ ‘વીજળી’ની શોધે નીકળ્યા હતા. ‘વીજળી’ની એ ખેપમાં ફકીર મહંમદ નામે પહેલો દેશી કપ્તાન હતો. દેશી તરીકે પોતાની નામોશી ન થાય તે સારું થઈને જ એણે વીજળી નાછી ન વાળી.

સાંભર્યા

હું તો ઢોલે રમું ને હરિ સાંભરે રે,

મારાં મનડાં ઉદાસી થાય રે,

ઢોલે રમું ને હરિ સાંભરે રે.

હું તો દાતણ કરું ને હરિ સાંભરે રે,

મારાં દાતણિયાં પડી પડી જાય રે. - ઢોલે.

હું તો નાવણ કરું ને હરિ સાંભરે રે,

મારી કૂંડિયું ઢળી ઢળી જાય રે. - ઢોલે.

હું તો ભોજન કરું ને હરિ સાંભરે રે,

મારા કોળિયા ઢળી ઢળી જાય રે. - ઢોલે.

હું તો મુખવાસ કરું છે હરિ સાંભરે રે,

મારી એળચિયું ઢળી ઢળી જાય રે. - ઢોલે.

હું તો પોઢણ કરું ને હરિ સાંભરે રે,

મારી સેજડી ઢળી ઢળી જાય રે. - ઢોલે.

ઝવેરચંદ મેઘાણી સાહિત્યજીવન

૧૮૯૬ જન્મઃ ૨૮ ઓગસ્ટ, ચોટીલા (જિ. સુરેન્દ્રનગર.)

૧૯૧૨ અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યાં સુધીમં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીનાં સંસ્કારબીજ વવાયાં.

૧૯૧૭ કૌટુંબિક કારણે ઓચિંતા કલકત્તા જઈ ચડ્યા. શિક્ષકગીરી અને એમ.એ.નો અભ્યાસ રઝળ્યાં. ઍલ્યુમિનિયમના એક કારખાનામાં નોકરી સ્વીકારી. બંગાળી સાહિત્યનાં પરિચય-પરિશીલન આરંભાયાં. પહેલ વહેલું ગીત ‘દવડો ઝાંખો બળે’ રચાયું.

૧૯ર૧ વતનનો ‘દુર્નિવાર સાદ’ સાંભળીને કલકત્તા છોડીને કાઠિયાવાડ પાછા ફર્યા.

૧૯રર રાણપુરથી પ્રગટ થતા શ્રી અમૃતલાલ શેઠના નવા અઠવાડિક ‘સૌરાષ્ટ્ર’માં બે-ત્રણ લેખો મોકલ્યા કે તરત તંત્રી-મંડળમાં સ્થાન પામ્યા; પત્રકાર તરીકેની કામગીરીનો આરંભ. રવીન્દ્રનાથના ‘કથા ઓ કાહિની’નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણ અને ત્યાગના ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ ‘કુરબાનીની કથાઓ’ આપીને લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યુંઢ લોકસાહિત્યની પ્રથમ પ્રસાદીરૂપે ‘ડોશીમાની વાતો’ પુસ્તક બહાર પડ્યું.

૧૯ર૩ ‘સૌરાષ્ટ્રની રસધાર’નો પહેલો ભાગ બહાર પડ્યો ને લેખક તરીકે જાણીતા થયા. હવે પછ લોકસાહિત્યનું સંશોધન-સંપાદન જીવન-ઉપાસના બની. ૧૯ર૭ સુધીમાં ‘રસધાર’ના પાંચ ભાગ પૂરા થયા.

૧૯ર૮-ર૯ બાલ-કિશોર ને નારી-ભાવને ઝીલતાં, પોતે ‘પ્રિયતર’ ગણેલાં ગીતોના સંગ્રહો ‘વેણીનાં ફૂલ’ અને ‘કિલ્લોલ’ આપ્યા.

૧૯ર૯ લોકસહિત્યના સંશોધન બદલ પહેલો રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯ર૮) અર્પણ થયો. જ્ઞાનપ્રસારક મંડળીના આશ્રયે મુંબઈમાં લોકસાહિત્ય વિશે છ વ્યાખ્યાન આપ્યાં.

૧૯૩૦ સત્યાગ્રહ-સંગ્રામ નિમિત્તે રચેલાં શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ બહાર પડ્યો, તે સરકોર જપ્ત કર્યો. તેની હસ્તલિખિત કાનૂન-ભંગ આવૃત્તિની સેંકડો નકલો લોકોમાં પહોંચી વળી. રાજદ્રોહના આરોપસર બે વરસના કારાવાસની સાજ થઈ. અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ ગીત ગાયું ત્યારે મૅજિસ્ટ્રેટ સહિત સેંકડોની મેદનીની આંખો ભીની થઈ. સાબરમતી જેલમાં પ્રસિદ્ધ ગીત ‘કોઈનો લાડકવાયો’ રચાયું. બદલી પામતા કેદીઓ મારફત બીજી જેલોમાં અને છૂટનારાઓ મારફત બહાર પ્રજામાં એ જોતજોતામાં પ્રસર્યું અને લોકજીભે વસી ગયું. ગાંધી-અરવીન કરારને પરિણામે માર્ચ ૧૯૩૧માં જેલમાંથી છૂટ્યા.

૧૯૩૧ ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું ‘છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું, એ જોઈને ગાંધીજીએ કહ્યુંઃ “મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે.” હવે પછી ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયા.

૧૯૩૪ ‘જન્મભૂમિ’ દૈનિક મુંબઈથી શરૂ થયું તેના સંપાદક-મંડળમાં જોડાયા. રવીન્દ્રનાથ સામે મુંબઈમાં મિલન; સૌરાષ્ટ્રના લોકસાહિત્યની પ્રસાદી એમને કંઠેથી કવિવ્રે સાંભળી; શાંતિનિકેતન આવવા આમંત્રણ આપ્યું.

૧૯૩૬ ‘જન્મભૂમિ’ છોડીને સૌરાષ્ટ્રમાં ‘ફૂલછાબ’ અઠવાડિકના તંત્રીપદે આવ્યા. પત્રકારત્વમાં નવી ભાત પાડી.

૧૯૪૧ શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશેનાં એમનાં વ્યાખ્યાનોએ દેશ-વિદેશના વિદ્યાર્થીઓ-અધ્યાપકોને મુગ્ધ કર્યા.

૧૯૪ર સૂરતમાં સ્વ. કમળાશંકર પ્રાણશંકર વ્યાખ્યાનમાળામાં ‘લોકસાહિત્યઃ પગદંડીનો પંથ’ એ જાણીતું વ્યાખ્યાન આપ્યું. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ચારણો અને ચારણી સાહિત્ય વિશે વ્યાખ્યાનો આપ્યાં.

૧૯૪૩ મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી

વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્ય વિશેનાં પ્રસિદ્ધ વ્યાખ્યાનો આપ્યાં. વ્યાખ્યાનખંડ નાનો પડ્યો, બહાર બગીચામાં શ્રોતાઓની ભીડ થઈ, બેકાબૂ બની.

૧૯૪પ ‘ફૂલછાબ’ના તંત્રીપદેથી મુકત થઈ ર૩ વરસના પત્રકારજીવનમાંથી નિવૃત્તિ લીધી. રવીન્દ્રનાથનાં કાવ્યોની અનુકૃતિઓનો સંગ્રહ ‘રવીન્દ્ર-વીણા’ પ્રગટ થયો. ગુજરાતમાં પરિભ્રમણો આદર્યાં. રવિશંકર મહારાજના જીવન-અનુભવોનું પુસ્તક ‘માણસાઈના દીવા’ લખ્યું.

૧૯૪૬ ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ‘માણસાઈના દીવ’ને વરસની ઉત્તમ કૃતિ તરીકે ‘મહીડા પારિતોષિક’નું ગૌરવદાન મળ્યું.

૧૯૪૭ ભજન-સાહિત્યના સંશોધકનું પુસ્તક ‘સોરઠ સંતવાણી’ પૂરું કર્યું. ‘કાળચક્ર’ નવલકથા લખાતી હતી. માર્ચની ૯મીએ હૃદયરોગના હુમલાથી દેહ છોડ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો