ગુજરાતી વાર્તા-સ્વમાન Parul Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુજરાતી વાર્તા-સ્વમાન

૨) સ્વમાન

જેમતરાયે” આશકા”ના વરંડામાં પ્રવેશ કર્યો અને એ સાથેજ ઘરનું વાતાવરણ જાણે કે બદલાઈ ગયું. એમના ખોંખારાના અવાજ સાથે સૌ કોઈ એકાદો ધબકારો ચૂકી ગયા. સ્નેહાએ રસોડાની બારીમાંથી એકનજર જોઈ લીધું.. કઈ કેટલાય પ્રશ્નોની ઝડી આંખોમાથી વરસી પડી. પાણીનો ગ્લાસ હાથમાં આપતા લેતા તો જાણે કેટલાય સંવાદોની બંને વચ્ચે આપલે થઈ ગઈ. કોળિયાનો આટલો ભાર સ્નેહાએ પહેલા ક્યારેય નહોતો અનુભવ્યો. લુશ લુશ જમવાનું પતાવી, રસોડાનો ઓટો કરી, બેડરૂમમાં દાખલ થતાં વ્હેંતજ અનુપમ ઉપર તે વરસી પડી. “ આ તો કેમ ચાલે? ક્લીનીક શરૂ કરવામાં પ્રોબ્લેમ શો છે?? આ તો હદ થઈ ગઈ. ઘરના મોભેદાર તરીકે માન તો રાખીએ છીએ પછી શું છે? એમની આમન્યા જાળવીએ છીએ, એમનો પડ્યો બોલ ઝીલીએ છીએ. મને પણ મારું ગમતું કરવાનો પૂરો મોકો આપવો જોઇયે કે નઇ? હું મારા ભણતરને અનુકૂળ કાર્ય કરવા માંગુ છું અને મને એ માટે માન અને ગર્વ છે. અને હું એ કરીને જ રહીશ.....તમે પણ સમજી લેજો.“ અનુપમે સ્નેહાને સમજાવતા કહ્યું:” જો સ્નેહા, આ ઘડીભરનું તોફાન છે. થોડા દિવસ રાહ જો, બાપુજીને આપણે સમજાવી લઈશું. એમનો ઊભરો એમને ઠાલવી લેવા દે.શાંત પડે એટલે હું જ એમને સમજાવીશ. પણ તું પણ હવે થોડી ટાઢી પડ.” અનુપમનો હાથ ખભા પરથી હટાવી સ્નેહા તાડુકી: “અરે, દુનિયા આજે ક્યાની ક્યાં પહોંચી ગઈ છે.આપણે જ આપણી જિંદગીને આગળ વધારવા પ્રયત્નશીલ થવું પડશે.આ ભણતર ક્યારે કામમાં આવશે?” સ્નેહાના આક્રમણ આગળ અનુપમ પાસે કોઈ દલીલ ન હતી. સવારેજ બાપુજીએ ફરમાન બહાર પાડી દીધું હતું કે : સ્નેહાએ જો ક્લીનીક કરવું હશે તો આપણો સંબંધ અહી સુધીનો જ .....

નાનકડા ટુંડાવ ગામની ખોબા જેવડી વસ્તીમાં પણ એક સામાજિક પ્રતિષ્ઠા ધરાવતાં જેમતરાય ગામના મુખી તરીકેની શાખ ધરાવતાં હોવાથી પોતાના મોભા પરત્વે કઇંક વધુ પડતા સજાગ હતાં. એજ જુનવાણી રીતિરિવાજ અને વિચારસરણીને કેન્દ્રમાં રાખીને પોતાનો વ્યવહાર ચલાવતા. ગામનું કોઈ એમની આગળ ચૂં કે ચા કરતું નઇ. અને એટલે જ એમનું અભિમાન વધુ ને વધુ પોષાતુ ગયું હતું. પુત્રવધૂ ના આ પ્રકારના વિચારો એમને બળવો કરવા જેવા લાગતાં હતાં. “

“બાપુજી, આ ઘરમાં પુત્રવધૂ તરીકે આવી એને મારું સૌભાગ્ય ગણું છુ.અનુપમ જેવા જીવનસાથી મળવા એને હું મારું ખરેખર અહોભાગ્ય સમજું છુ. પણ બાપુજી, અમે બંને એક અલગ અલગ વ્યક્તિ છીએ. જેમ એમને એમની મનપસંદ જિંદગી જીવવાનો હક્ક છે એમ હું પણ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે મારી ઓળખાણ ઊભી કરવા માંગુ છુ. હું ભલે સ્ત્રી છુ તો શું થયુ? મને પણ મારી પોતાની જિંદગી જીવવાનો અધિકાર છે. અને જિંદગી એટલે શું છે? જિંદગી એટલે પોતાની જાત સાથે જીવવું.દરેક સ્થિતીમાં, સંજોગોમાં સૂઝબૂઝ સાથે આગળ વધવાનું નામ છે જિંદગી. વિવિધ પરીસ્થિતીમાં પોતાની સાથે હિમ્મતપૂર્વક જીવવાનું નામ છે જિંદગી.બધાને એવી રીતે જીવવું હોય છે, પણ બહુ ઓછા એવા નસીબદાર હોય છે કે એમને પોતાની ઇચ્છા પ્રમાણે જીવવા મળે છે. અને બાપુજી હું સમાજમાંની જ એક વ્યક્તિ છુ. સમાજનું અભિન્ન અંગ છુ હું. અને એટલે જ સમાજ પ્રત્યેની મારી ફરજ ને સ્વીકારું છુ. આપણો સમાજ લોકો થી બને છે અને લોકોમાં સ્ત્રીઓ પણ આવી જાય છે.અને સ્ત્રીઓનો દરજ્જો ઊંચો લાવવો એ દરેકની જવાબદારી છે. એક સ્ત્રી તરીકે હું મારી વિશેષ જવાબદારી સમજું છુ. બાપુજી આખા ગામમાં પોસ્ટરો તો લગાવ્યાં છે “બેટી પઢાઓ”....પણ આપણે અમલમાં પણ મૂકવા પડશેને!!!

જવાબદાર માવતર સમજે છે કે દીકરીને ભણાવવી જોઈશે. અને તો જ દીકરીનું સ્થાન સમાજમાં ઊંચું આવશે. એક ભણેલી દીકરી આત્મનિર્ભર થશે, પોતે પોતાના પગ પર ઊભી રહેતી થશે ત્યારે કોઈ બાપને દીકરી બોજ લાગશે નઇ. આવી દીકરીઓ પર તો પિતાને ગર્વ થશે. બાપુજી, મારા પિતાજીએ મને ખૂબ તકલીફો વેઠીને ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવી છે.આજે હું જે કઈ છું તે એમના લીધે જ છું. તમે પણ મારા પિતા સમાન છો. શું તમે તમારી આ દીકરીને સન્માનપૂર્વક જીવવાની એક તક નઇ આપો?”

એ રાતે ‘આશકા” નો દરેક સભ્ય અગમ્ય ઉકળાટ સાથે પડખાં ઘસી રહ્યો.

પાસેના શહેરની મોટી ફર્ટીલાઇઝર કંપનીમાં માર્કેટીંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં અનુપમની ઓળખાણ સ્નેહા સાથે અનાયાસે જ થઈ ગઈ હતી. એ વરસાદી મુલાકાત અનુપમને આજે પણ યાદ કરવી ગમે છે. “હલો સર, હું સ્નેહા, મેડિકલ સ્ટુડન્ટ છુ. તમારા ડિપાર્ટમેન્ટના જનરલ ચેકપ માટે જીજીબા હોસ્પિટલમાથી અમે આખી ટીમ લઈને આવ્યા છીએ. આ મારા કલીગ મિત્રો છે. સૌથી પહેલા તો તમારો આભાર કે તમે અમને અમારા ઇન્ટર્નશીપના ભાગરૂપ આ કેમ્પેઈન માટે મંજૂરી આપી.” હાથમાં બૂકે આપતી સ્નેહાને એ અનિમેષ નયને જોઈ જ રહ્યો હતો. સુંદરતા અને બુધ્ધિમત્તાની સાક્ષાત મૂર્તિ એની સમક્ષ સ્મિત વેરી રહી હતી અને એ એના મોહપાશમાં બંધાઈ ચૂક્યો હતો.અંદર બહાર બંને તરફ મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો. જવાબમાં એ એટલું જ બોલી શક્યો હતો: “મોસ્ટ વેલકમ યંગ લેડી, ઇટ્સ માય પ્લેઝર.”અને એ ભીની સાંજ વિસ્તરીને છેક સ્નેહાના ડૉક્ટર થયાની પાર્ટી સુધી લંબાઈ ચૂકી હતી.એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડેલાં અનુપમ અને સ્નેહા હમણાં બે મહિના પહેલા જ લગ્નગ્રંથીથી જોડાઈ ગયાં.

અને આજે અચાનક ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું.

સવારે વરંડામાં ઝીણીમોટી અવરજવરથી જેમતરાયે ઉત્સુક્તાથી જોયું તો સ્નેહા કેટલાક લોકોથી ઘેરાયેલી હતી અને એક પછી એક સૌને નાનીમોટી પડીકીઓ આપતી હતી. “જુઓ કાકી, આ માથાના દુખાવાની ગોળી છે. કશુક ખાધા પછી જ લેજો. અને ભીખી બા આ તમારાં આંખના ટીપાં. સવારસાંઝ બે વાર આંખમાં બેબે ટેપાં આંજજો. અરે ઑ ટપૂડા, તને વાગ્યું’તુ તે લે આવ આ મલમપટ્ટી કરી દઉં.” જેમતરાયનો ગુસ્સો આસમાને પહોંચ્યો અને વરસ્યો તો પત્ની ઉપરજને.... “ કુંજી, તમે હમણાં ને હમણાં જ નાથુ કડિયાને બોલાવી મંગાવો...હાં...હાં...હાં ...હવે કોઇજ સવાલ નહી.” કુંજબાળાબેને હંમેશની જેમ ગભરાતે પગલે ઘરની અંદર પ્રયાણ કરી વિરોધ દર્શાવ્યો અને ધમપછાડા કરતાં જેમતરાય લાકડી પછાડતા ઝાંપાની બહાર નીકળી ગયા.ઘડીકવારમાં તો સાથે નાથુ કડિયાને પકડી પણ લાવ્યા. આખો દિવસ જેમતરાયના બબડાટને ખમતો નાથુ એટલું જ બોલ્યો: “બાપા, અમે તો ઘર બાંધનારા, આ દીવાલો ચણાવવાનું કામ અમારે હાથે શું લેવા....” પણ પોતાના ધૂંધવાટમા જેમતરાયને કશું સંભળાયું નઇ.

સાંજે અનુપમ અને સ્નેહા કામેથી પાછા ફર્યા તો ઘર પાસે જોતાંજ રહી ગયાં. ઘરને બે ભાગમાં વહેંચી નાખતી દીવાલ ઊભી થઈ ચૂકી હતી. હદયમાં અદમ્ય ભાર સાથે હજુ તો ગૃહપ્રવેશ કર્યોજ હતો કે કુંજીબેનની ચીસ સંભળાઇ. વરંડામાં હીંચકે ઝૂલતા જેમતરાય કશું સમજે તે પહેલાં તો સ્નેહા “ફર્સ્ટ એડ કીટ” સાથે દોડીને કુંજીબેનની પાસે પહોંચી ગઈ હતી. ચકકરને કારણે પડી ગયેલા કુંજીબેનને કપાળમાં પલંગનો ખૂણો વાગ્યો હતો. સ્નેહાએ પ્રાથમિક સારવાર કરી તેમને ગ્લુકોઝનું પાણી પાયું.અર્ધચેતન અવસ્થામાંથી બહાર આવતાં કુંજીબેનને થોડો સમય લાગ્યો. બંને હાથની મુઠ્ઠી વાળી ને વરંડામાં આંટા મારતાં જેમતરાય બેબાકળા થઈ આંટા મારતા હતા. “બાપુજી, ચિંતા ના કરશો... સ્નેહા છેને....એણે બરાબર મલમપટ્ટી કરી દીધી છે....અને યોગ્ય દવા પણ પીવડાવી દીધી છે.” ...અનુપમના શબ્દોથી જેમતરાયને શાતા વળી. ઘડીકવારમાં તો કુંજીબેન સ્વસ્થ થઈ ગયાં હતા....જેમતરાય ના જીવમાં જીવ આવ્યો. ભીની આંખે સ્નેહાને પાણીનો ગ્લાસ પાછો આપી, દિવાનખંડમાં જતા જતા બોલ્યા...” અરે ...નાથુભાઈ....આવતીકાલે સ્નેહાભાભીનો રૂમ ધોળીને સરસ તૈયાર કરી નાખો....ત્યાં સ્નેહાનું ક્લીનીક બનશે....!!!!!!

***********************************પારૂલ મેહતા,૧૩-૯-૨૦૧૬*******************