જલપરી Parul Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જલપરી

જળપરી....

નીલા રંગના પાણીને રોહન તાંકી રહ્યો. પોતાના લાલ ટીશર્ટના કોલરને એણે સરખો કર્યો. જરાક નીચું નમીને કાચ સરીખા પાણીમાં એનું પ્રતિબિંબ જોઈ લીધું. ભૂરા જીન્સની ક્રીસ સરખી કરી. અસ્વસ્થતા સાથે ઘડિયાળમાં નજર કરી. ધબકારા અને ટીકટીક એકમેકમાં ભળી ચૂક્યાં હતાં. નજરને પ્રશ્નચિન્હ બનાવી સ્વિમીંગપુલને સામે છેડેના બાંકડે એણે મોકલી દીધી. બાંકડા પર અનેક પ્રશ્નચિન્હો લગોલગ આવીને ભીડ કરી રહ્યાં હતાં. શાંત ભૂરું જળ ચૂપચાપ સાક્ષી બનીને સ્થિર થઈ ગયું હતું. રોહને ફરી એકવાર પોતાને પાણીમાં જોઈ લેવા ચહેરો નમાવ્યો. નીલવર્ણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એણે હથેળીને પાણીમાં ડૂબાડી, વિસ્તારીને એક છોળ ઊરાડી. પાણીમાના ચહેરામાં હલચલ મચી ગઈ. એને થયું કે એની આંગળીઓ માછલી બની ગઈ છે. એને ગામનું તળાવ યાદ આવ્યું. એક ડૂબકી લગાવી એ ડીપમા પહોંચી ગયો. આખેયાખું ગામ એને વળગી પડ્યું. વડલો, મંદિર,ચબૂતરો, શાળા, પીપળો, ખેતર, સાઇકલ. એનું આખું શરીર પાણીમાં પણ પરસેવે રેબઝેબ થઈ ગયું. એ નદીકિનારો ખોળવા ઉતાવળો થઈ ગયો. નદીના પગથિયાં ચઢતાં ચઢતાં એની બેબાકળી નજર બાંકડા પર સરિતાને ખોળતી રહી. એ હવાતિયા મારતો પાણીની સતહ પર આવી લાગ્યો. એ હવે સ્વિમીંગપુલના સામે છેડે હતો. ભીના શરીરે લપસતી હથેળી સાથે એની અધીરી નજર બાંકડાને વીંટળાઈ વળેલાં પ્રશ્નોની ભીડને તાંકી રહી. રોહને બૂમ પાડી “સરિતા ”.... સામેના છેડે પાણીમાં જોરદાર ધૂબાકો સંભળાયો..... એ મનોમન બબડ્યો.... “જળપરી.. ” અને પાછો ફરી બાંકડા પર બેસી ગયો.... રોજની જેમ.

રોહન બોયઝ હોસ્ટેલમાં રહેતો હતો. પંચગીની યુનિવર્સીટીમાં આ એનું પહેલા વરસમાં છેલ્લું વરસ હતું. છેલ્લું એટલા માટે કે આ વખતે યુનિવર્સીટી તરફથી એને કહી દેવામાં આવ્યું હતું કે સતત બે વર્ષ નાપાસ થયા પછી હવે એને અંતિમ ચાન્સ આપવામાં આવશે. “હાઈ ડૂડ.... ” આવતા જતા સહાધ્યાયીઓને “હાઈફાઈ” આપતો સીટી વગાડતો જ્યારે એ હોસ્ટેલમાં પ્રવેશ્યો ત્યારે સવારના નવ થઈ ગયા હતા. બસ એક શાવર અને સીધા કૉલેજમાં. એ ગણતરી સાથે જેવો એણે રિસેપ્શન એરિયામાં પ્રવેશ કર્યો જ હતો કે “કેમ છે બેટા”..... એક ભારેખમ્મ અવાજે એના પગ થંભાવી દીધા. ઘડીભર તો એને થયું કે એ હજુ સ્વિમીંગપુલમાં ડીપમાં જ તરી રહ્યો છે. ઇન ફેક્ટ જાણે કે ગોળ ચકરાવો લેતો ઘૂમી રહ્યો છે અને નીચેની સપાટીએથી સતત કોઈ એના પગ ખેંચી રહ્યું છે. કાચના દરવાજા વચ્ચેથી એણે ચહેરો ઓળખવાનો પ્રયત્ન કર્યો. ક્યાક જોયો છે આ ચહેરો. આઇબ્રોઝ ઉછાળી, ફાટેલી આંખોના પલકારા પટપટાવી એણે નજરને સ્થિર કરવાનો બનતો પ્રયત્ન કર્યો. પછી ભીના વાળને કોરાં કરતાં કરતાં નજર નીચી કરી. બે એક સેકન્ડ અવળી દિશામાં જોઈ , દાંત કચકચાવી, તંગ જડબા વડે આવનાર તરફ પથરીલી નજર કરી. આટલું કરવામાં એને અત્યંત શ્રમ પડ્યો હોય એમ કપાળ પરનો પરસેવો લૂછતાં લૂછતાં રિસેપ્શન પરથી ચાવી લીધી અને રુમ નંબર ૧૦૨ તરફ બિલકુલ બેફિકરાઈથી ચાલવા લાગ્યો. “હે ડૂડ.... . વ્હાય લેટ ટુડે!!!!”.... સામેથી પ્રશ્ન ફેંકાયો. “મળીએ કેન્ટીનમાં.... ” જેવો અછડતો જવાબ વાળી પાછળ આવનારને વાગવાની જરા પણ પરવા રાખ્યા વિના એણે દરવાજો ધકકેલ્યો જે તરત વળતો અથડાયો. પ્રિયકાંતભાઈએ સભાનતાથી હેન્ડલ પકડી લીધું. એમને માટે આ કઈ નવું હોય એમ ના લાગ્યું. રોહને ભીના કપડાવાળી પ્લાસ્ટિકની થેલીનો સોફામાં ઘા કર્યો અને સીધો બાથરૂમમાં ઘૂસી ગયો. “તમારે જે કહેવુ હોય તે કહી દો,પહેલું લેકચર શરૂ થવામાં છે અને આજે હું મોડો છું. ” “ સાહેબ બહુ રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરતાં હોય જાણે!!!!” . પ્રિયકાંતભાઈએ ઠંડા કલેજે વળતો ઘા કર્યો. એક સરરર શાવર અને રોહન બાથરૂમની બહાર. શર્ટના બટન વાસતાં વાસતાં, મોબાઇલ મોમાં પકડી, રિસ્ટ્વોચ કાંડા પર ચડાવતો ચડાવતો, “રૂમની ચાવી નીચે સબમીટ કરી દેજો” કહેતો સડસડાટ બહાર નીકળી ગયો. “આ લાડુ તારી મમ્મી એ મોક... લ્યાઆ આ આ..... ”મોમાં શબ્દો અને ગળામાં ડૂમો બંને વચ્ચે પ્રિયકાંતભાઇ વહેંચાઈ ગયાં. ડ્રાઈવરે ગાડી સ્ટાર્ટ કરી એ સાથે જ વિચારોએ ઘેરો ઘાલ્યો. જાણે કે કોઈ ફિલ્મના ફ્લેશબેકની જેમ દ્રશ્યો એકપછી એક છૂટાંછવાયાં નજર સામે તરવરવા લાગ્યાં.... . . બારમાં ધોરણમાં ભણતો રોહન, નતમસ્તકે ડ્રોઈંગરુમમાં ઊભેલો, રેખાના ખોળામાં માથું ઢાળીને રાત આખી જાગતો પડેલો રોહન.... . . એમના ગુસ્સાની લપેટમાં સંકોચાઈને સહેમી ગયેલો અને પછી એક દિવસ બેગબિસ્તરા સાથે ઘર છોડીને સીધો પંચગીની .... . . રેખા દિવસો સુધી રડી શકી નોતી. હેબતાઈ ગયી હતી. કોસતી હતી જાતને રાતદિવસ.... ક્યાં શું ભૂલ થઈ ગયી હતી?? સમજાતું જ નહોતું. ના પૈસાની તકલીફ હતી કે નોતી કોઈ બીજીત્રીજી મુસીબત !!!એક ખુશહાલ પરિવાર હોવા છતાં આમ કેમ બન્યું??પોતે બિલકુલ ધ્યાન ના રાખ્યું રોહનનું એમ માની જાતને જ એક ગુનેગારના રૂપમાં ખડી કરતી રહી.... પ્રિયકાન્તભાઇએ ચશ્માં ઉતારી હાથરૂમાલ વડે ગ્લાસીઝ સાફ કર્યાં. બારી બહાર પણ ઝાપટું પડ્યું હતું. ડ્રાઈવરે વાઇપર ચાલુ કર્યું અને બધુ જ સાફ દેખાવા લાગ્યું હતું. પોતે હમેશા બીઝનેસમાં વ્યસ્ત રહેતા અને રેખા એની જોબમાં. પરિવારના અન્ય સભ્યોને જાણે કોઈ લવાદેવા જ નહોતી. ભર્યાભાદર્યા ઘરમાં પણ રોહન જાણે કે એકલો હતો. અને પરિણામસ્વરૂપ ગુસ્સો,ધમાલ, તોડફોડ, ઝઘડો અને મારામારીએ મોકળાશ જોઈને પગપેસારો કરી દીધો. ઉપર ઉપરથી તો બધુ જ સુષ્ઠુ સુષ્ઠુ લાગતું હતું. પણ ક્યાક કોઈક ભૂલ થઈ ગઈ હતી.... . . પોર્ચમાં ઊભેલી રેખાને એ જોઈ રહ્યા. એમને એ આજે વધુ સુકાએલી અને નબળી લાગી. પ્રિયકાંતભાઈએ શર્ટની સ્લીવ્ઝ્સ ઉપર ચડાવી. જાણે કે કોઈ આક્રમણનો સામનો ના કરવાનો હોય!!!રેખાની આંખો અઢળક પ્રશ્નો લઈને તૈયાર ઊભી હતી. “લે આ ચીકી” એમ કહી એમણે વાતને બીજી દિશાએ વાળવાનો પ્રયત્ન કર્યો અને સોફા પર શરીરને લંબાવ્યું. ડ્રાઈવરને સૂચનાઓ, રસોડાના ખખડાટો,કામવાળીઓની અવરજવર, ઈસ્ત્રીવાળો, કુરિયર .... આ બધાની વચ્ચે અધ્ધર લટકતો પ્રશ્નમંચ, એ અને રેખા.... . . જમવાનું તંદ્રામાજ પતાવી એમણે ફરી પાછું લંબાવ્યું અને એમ કરતાં વળી એક બીજી સાંજ પડી.

“ રોહન સબરવાલ”.... . “ પ્રેઝંટ સર.... ” એક ઝટકા સાથે ઊભા થઈ હાજરી પૂરાવતા રોહનને સૌ કોઈ ફાટી આંખે જોઈ રહ્યા હતા. વર્ગશિક્ષકે ચશ્મા કાઢી, બેવાર લૂછી પાછા ચઢાવ્યા અને નાકની ડાંડી પર ટેકવી , ગરદન સહેજ ઝૂકાવી, ચશ્માં અને ભ્રમર વચ્ચેથી સાનંદાશ્ચર્ય રોહન ને તાકીને જોયા કર્યું. વર્ગમાં ગોકીરો મચી ગયો હતો. સૌ કોઈ ગુસપુસ કરવામાં પડ્યા હતા ત્યારે રોહને એકનજર સરિતા તરફ જોઈ લીધું. સરિતાએ હોઠ મલકાવીને આંખોના ઇશારાથી એને ચૂપ રહેવાનો અણસાર આપી દીધો હતો. અને રોહન જાણે કહ્યાગરા બાળકની જેમ અનુસરી રહ્યો હતો. આજે એફ. વ્હાય. બી. કોમ. ના વર્ગમાં કઈક અલગ જ વાતાવરણ હતું. ભણનાર તેમજ ભણાવનાર બંને જાણે અદભૂત આશ્ચર્યમાં ગરકાવ હતા. ત્રણ પીરીયડ પછીનો બ્રેક પડ્યો અને સર રવાના થતાની સાથેજ બધા મિત્રો રોહનને ઘેરી વળ્યા. “અરે યાર આજે સૂરજ પશ્ચિમમાં ઊગ્યો લાગે છે. ” કોઈ બોલ્યું. તો કોઈએ વળી તાળીઓ દઈ દઈને, ઠહાકાં લઈ લઈને નજરો નચાવતા કહ્યું. . . “અરે ચાંદની હો પાસમાં, તો સૂરજ શું વિસાતમાં ?/!!!”……. બસ એ પછીના દિવસોથી રોહને એક નવીન આરોહણ આદર્યું હતું. યુનિટ ટેસ્ટમાં ફુલ માર્ક્સ લાવી એણે સૌને ચોંકાવી દીધા. રમતગમતમાં તો એ અવ્વલ હતો જ પહેલેથી. કૉલેજના વાર્ષિકોત્સવમાં એણે “ જબ કોઈ બાત બીગડ જાએ, જબ કોઈ મુશકિલ પડજાએ તુમ દેના સાથ મેરા ઑ હમનવાઝ.... ” ગાયું ત્યારે તો તાળીઓના ગડગડાટ સાથે સેંટર હૉલ ગુંજી ઊઠ્યો. વિંગમાં ઊભીને એને એક તક તાંકી રહેલી સરિતાને સ્ટેજ પર પ્રેમાદરપૂર્વક આમંત્રી અને અગાઉ નક્કી કર્યા મુજબ ઉપરથી ગુલાબની પાંખડીઓની વર્ષા થઈ...... રોહનને લાગ્યું કે એ જાણે કે સાતમા આસમાને છે. . . અચાનક એને લાગ્યું કે એક ધુબાકો થયો અને પાણીની છપાક્છોળો વચ્ચેથી કોઈ આકૃતિ જાણે કે એને બે હાથ લંબાવીને બોલાવી રહી હતી........ ભરપૂર નશામાં ભીંજાતો એ બોલી પડ્યો.. ”જળપરી”...... હોલના એક ખૂણે છૂપાઈને બેઠેલાં પ્રિયકાંતભાઈ અને રેખાબેને પણ પરસ્પરની હથેળીઓનો સંપૂટ રચી દીધો. રેખાબેન બોલી પડ્યા” અરે આતો આપણા શુકલા માસ્તરની સુરુ.... નાની હતી ત્યારે આપણે ત્યાં બહુ રમવા આવતી. યાદ છે, રોહન એને ઊંચકીને ઘર આખામાં ફરતો..... !!!! આંખમાં ઝળઝળિયાના પડદા વચ્ચેથી બન્ને જણ સરિતાને પ્યારથી અને અહોભાવથી એક્ટક નિહાળી રહ્યાં. એમના સૌના જીવનની ખૂટતી કડી આજે એમને મળી ગઈ હતી.

***