પ્રેમ - ઝરણાં
ધ સોલ્સ મેટ ઈન હેવન
PART 2
By
RaviKumar sitapara
M. +91 7567892860
-: પ્રસ્તાવના :-
નમસ્કાર ફ્રેન્ડ્સ. ‘ પ્રેમ ઝરણાં ’ નાં બીજાં ભાગમાં આપનું સ્વાગત છે. આગળનાં ભાગમાં જણાવ્યું તેમ આ એક નાની એવી પ્રેમકહાની છે. જેની થીમ જ્હોન કીટ્સ રચિત અંગ્રેજી કાવ્ય ISABELLA or The Pot of Basil પરથી લેવામાં આવી છે. વાર્તાનાં તમામ પાત્રો કાલ્પનિક છે. વાસ્તવિકતા સાથે તેનો કોઈ સંબંધ નથી. અહીં પ્રેમ અને ઝરણાં – બે નવયુવાન પ્રેમીઓનાં પ્રેમની દાસ્તાન વર્ણવેલ છે. મૂડીવાદનો પ્રભાવ, અમીરી ગરીબીનાં ભેદભાવ અને તેની પ્રેમી યુગલ પર થતી ગાઢ અસર અને તેનાં પરિણામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રેમ અને તેમા ઊભા થતાં અવરોધો, મલિન ઈરાદાઓને અહીં વ્યક્ત કરાયા છે. સાથે સુપરનેચરલ એલિમેન્ટ્સનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. પણ તેનાંથી કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો આશય નથી. આશા છે કે આપ ને આ સ્ટોરી પસંદ પડશે. વાંચ્યા પછી રીવ્યૂ આપવા વિનંતી.
પ્રેમ – ઝરણાં PART 2
ગતાંકથી ચાલું...
સાંજે છ વાગ્યા પછી તે નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયો. તેણે એક ગુલાબી રંગની સાડી પહેરેલી ત્રીસેક વર્ષની સ્ત્રીને જોઈ. તેની પાસે જઈને પૂછ્યું, ‘‘ હલ્લો મેડમ.’’
‘‘ આર યુ પ્રેમ શર્મા ? ’’ દિવ્યાએ પ્રેમને જોતા પૂછ્યું.
‘‘ યસ, હલો, ગુડ ઈવનિંગ મેમ. ’’ પ્રેમે હસીને કહ્યું. તે થોડો મૂંઝવણમાં હતો કે એવું તે વળી મારુ શું કામ પડ્યું હશે મેડમને કે મને અહીં બોલાવ્યો હશે ?
‘‘ ડોન્ટ વરી, હું તમારાં અને ઝરણાં વિશે જાણું છું અને એ માટે જ મળવા આવી છું. ’’ દિવ્યાએ સ્પષ્ટ કર્યું. પ્રેમની મૂંઝવણ થોડી દૂર થઈ પણ બીજી મૂંઝવણ એ આવી કે હવે શું થશે. પણ દિવ્યાએ તેની ચિંતા દૂર કરી તે ઝરણાં વિશે શું વિચારે છે તે કહેવા કહ્યું.
હકીકતમાં આ મુલાકાત તો પ્રેમ ઝરણાં માટે લાયક છે કે નહી તે જાણવા માટે હતી. દિવ્યાએ પ્રેમનાં ભૂતકાળ વિશે બધું જાણ્યું. આર્થિક પરિસ્થિતિ વિશે પણ જાણ્યું. સમગ્ર વાતચીતનાં અંતે એકંદરે પ્રેમ તેને ઝરણાં માટે સ્યુટેબલ લાગ્યો. તેણે ઝરણાંને પણ બોલાવી. હવે દિવ્યાને પણ પૂરો ભરોસો બેઠો હતો. આથી બંનેને વાતચીત માટે એકલાં છોડી દીધા. પ્રેમે નિખાલસતાથી પોતાની બધી વાત ઝરણાં આગળ રજૂ કરી દીધી. ઝરણાંને તેની નિખાલસતા ખૂબ સ્પર્શી ગઈ.
ત્યાર બાદ બંને વચ્ચે ઘણી મુલાકાતો થવા લાગી. જો કે બંને પોતાની મર્યાદા, સંસ્કારોને જાણતાં હતાં. ફોન પર પણ વાતચીત થવા લાગી. એક દિવસ પાર્કમાં બંને મળ્યા. પ્રેમે હિંમત કરીને ઝરણાંને ત્રણ જાદુઈ શબ્દો કહ્યા. ‘‘ આઈ લવ યું.’’ પ્રત્યુત્તરમાં ઝરણાં શરમાઈ ગઈ. બંને માટે આંખોની ભાષા વધુ મહત્ત્વની હતી. શબ્દોની જરૂર ન હતી. પ્રેમને જવાબ મળી ગયો. એક દિવસ ઝરણાંએ બંનેનાં ફોટાવાળું લોકેટ ભેટ ધર્યું. પ્રેમે પણ પોતાની તરફથી એક સુંદર વીંટી ભેટ આપી. પ્રેમ ઝરણાંને જલ્દીથી પરણવાં માંગતો હતો પણ તેનાં બોસ એટલે પ્રમોદને કેમ વાત કરવી તે અવઢવમાં હતો. કદાચ આ સંબંધ તેઓ ન સ્વીકારે તો ? કદાચ તેને નોકરીમાંથી જ કાઢી દેવામાં આવે તો ? કદાચ ઝરણાંને બીજે પરણાવી દેશે તો ? આવા અસંખ્ય ‘કદાચ’ તેનાં મનને ઘેરી વળતાં. પોતાનાં મનની વ્યથા તે ઝરણાંને કરી દેતો. ઝરણાં પણ અવઢવમાં હતી પણ તેણે તેની ભાભીની મદદ લેવાનું વિચાર્યું હતું. ઘણી વાર પરિણામની અનિશ્ચિાતતાનાં વાદળો ઘેરાઈ જતાં. બંને એકબીજાને ખોવા માંગતા ન હતાં.
****
એક સાંજે વિલાસ જ્યારે ઘરે ઑફિસેથી વહેલો આવી ગયો ત્યારે ઝરણાંનાં ફોનમાં એક રિંગ વાગી. વિલાસ ફોન ઉપાડે તે પહેલાં મિસ્ડકોલ થઈ ગયો. વિલાસે જોયું તો કોલ પ્રેમનો હતો. થોડી વાર તો વિલાસ ગુસ્સે ભરાયો. પછી વિચારવા લાગ્યો કે આ પ્રેમ કોણ હશે ? અંતે તેનો નંબર ચેક કરતાં મગજમાં ચમકારો થયો.
‘‘ પ્રેમ.. પ્રેમકુમાર શર્મા ? તારી આ હિંમત. ’’ ગુસ્સાથી લાલપીળાં થતાં વિલાસે કહ્યું.
વિલાસ તરત જ ત્યાંથી નીકળી સીધો ઑફિસે ગયો. ત્યાં જોયું કે પ્રેમ તો નીકળી ગયો હતો. તે પ્રમોદની ઑફિસમાં સીધો પહોંચી ગયો.
‘‘ વિલાસ, શું થયું ? આમ અચાનક ઓફિસમાં ? બધું બરાબર તો છે ને ? ’’ ગુસ્સાથી રાતાચોળ થયેલાં વિલાસને જોઈ અચરજથી પ્રમોદે પૂછ્યું. ‘‘ કંઈ બરાબર નથી, ભાઈ. પેલો સીધો સાદો લાગતો પ્રેમ… તેની એ હિંમત ?’’
‘‘ પ્રેમ ? શું થયું ? ’’ પ્રમોદે ગંભીર થઈ પૂછ્યું.
‘‘ પ્રેમ .. જે સીધો સાદો લાગે તેને આવો ન હતો ધાર્યો. તે અને ઝરણાં એકબીજાને પ્રેમ કરે છે. તેની આ હેસિયત ? ’’ દૌલતનાં ગુમાનમાં વિલાસનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠ્યો.
‘‘ શું ? પ્રેમ અને ઝરણાં ? જો એ ખબર સાચી હોય તો આ સંબંધ ક્યારેય થવો ના જોઈએ. ક્યાં એ ને ક્યાં આપણે ? ’’
પ્રતિષ્ઠા, ઈજ્જત અને ધન દૌલતનું સ્ટેટસ જાળવવા બંને ભાઈઓ ગમે તે હદે જઈ શકતાં હતાં. બંનેએ લાંબો સમય આ વિશે ચર્ચા કરી.
****
‘‘ પ્રેમ, બીઝી છો ? ’’ ઝરણાંએ પૂછ્યું.
‘‘ હા, કામ હતું ? ’’ ફોન પર ઑફિસવર્ક કરતાં પ્રેમે કહ્યું.
‘‘ તને ખબર છે બે દિવસ પછી શું છે ? ’’
‘‘ યસ. ઑફકૉર્સ, યોર બર્થડે. ’’
‘‘ યસ, અને મારા બર્થડે નિમિત્તે એક પાર્ટીનું આયોજન કરેલ છે અને મારા તરફથી તને ખાસ ઈન્વિટેશન છે. તારે આવવાનું છે. ’’ ઝરણાંએ આગ્રહ કરીને કહ્યું.
‘‘ પણ ...’’
‘‘ પણ… બણ કંઈ નહી. આવવાનું છે એન્ડ ધેટ્સ ફાઈનલ.’’
અને ઝરણાંએ ફોન કટ કરી દીધો.
પ્રેમ વિચારવા લાગ્યો કે ઝરણાંને શું ભેટ આપવી ? પોતાની જિંદગીમાં તે કંઈક ખાસ હતી. વિચારોનાં વમળમાં તે ખોવાયો હતો ત્યાં અચાનક..
ઠક.. ઠક…
બારણે ટકોરાં પડ્યાં. વિચારોની તંદ્રામાંથી તે બહાર આવ્યો.
પ્રેમે જોયું તો પ્રમોદ અને વિલાસ ઊભા હતા. બંનેનાં મોઢાં પર હાસ્ય હતું. પણ અંદર કંઈક અલગ જ ચાલતું હતું. શું ચાલતું હતું એ તો એ જ જાણતાં હતાં.
‘‘ ઓહ ! સર, તમે ? તમે શા માટે તકલીફ લીધી આવવાની ? મને કહી દેત. ’’
‘‘ આટલી બધી ફોર્માલિટીની જરૂર નથી, મિ. પ્રેમ. બી રિલેક્સ. એક્ચ્યુલી કંપની તમારા કામથી ઈમ્પ્રેસ્ડ છે. આથી કંપની તરફથી તમને એક મહિના માટે કંપનીનાં કામ માટે મુંબઈ મોકલવાની છે. અને તમારે કાલે જ નીકળવાનું છે. ’’ પ્રમોદે કહ્યું.
‘’ કાલે ? પણ ? ’’ પ્રેમ ગૂંચવાયો.
‘‘ લુક, કંપનીની પ્રતિષ્ઠાનો સવાલ છે. એક ડીલ છે જે તમે જ હેન્ડલ કરી શકશો. બીજાંને મોકલી પણ શકાય પણ તમારાં ઉપર અમને ખાસ ભરોસો છે. ’’
પ્રમોદે પ્રેમની પ્રામાણિકતા અને નિષ્ઠાને જ હથિયાર બનાવ્યું. તેઓ કોઈ કાળે પ્રેમને ઝરણાંની પાર્ટીમાં સામેલ થવા દેવાં માંગતા ન હતાં.
પ્રેમ મૂંઝવણમાં મૂકાયો. કોઈને ના પાડી શકાય તેમ ન હતી. કંપનીની પ્રતિષ્ઠા પણ તેનાં માટે મહત્ત્વની હતી. ભારે મનોયુદ્ધને અંતે તેણે કહ્યું, ‘‘ સ્યોર સર. આઈ વીલ ગો. ડૉન્ટ વરી.’’
‘‘ યે હુઈ ના બાત.’’ પ્રમોદે હસતાં હસતાં વિલાસ સામે જોયું. બંનેની લુચ્ચાઈભરી નજર પ્રેમની વિવશતાને જોઈ હરખ પામતી હતી.
પ્રેમે બીજાં દિવસે સાંજે મોઢાં પર થોડાં નિરાશાંનાં ભાવ સાથે મુંબઈ જવા કારમાં બેઠો. ડ્રાઈવરે કાર હંકારી. મનોમન ઝરણાંને બર્થડે વિશ કર્યાં. તેને આપેલ વચન ન પાળી શકવાનો અફસોસ પણ હતો. પણ તેનાં વશમાં કંઈ ના હતું. ચોમાસાનો સમય અને આકાશમાં ઘેરાયેલાં વાદળોને કારણે ધરતી પર અંધારુ થવા લાગ્યું. કાર સુરતથી બહાર દૂર નીકળી ચૂકી હતી. પ્રેમ પણ ઘણો દૂર હતો ઝરણાંનાં સાંનિધ્યથી.
***
ઝરણાંનો જન્મદિવસ આવ્યો. રાતનાં બાર વાગ્યા. ઝરણાં આતુરતાથી પ્રેમનાં મુખેથી બર્થડે વિશ સાંભળવાની રાહ જોવા લાગી. પણ પ્રેમનો ફોન ના આવ્યો. ઝરણાંએ ફોન જોડ્યો પણ નોટ રિચેબલ આવતો હતો. ઝરણાંનાં મનમાં આશંકાઓ પેદા થવા લાગી. પણ કદાચ થાકી ગયો હશે એટલે સૂઈ ગયો હશે એમ માનીને સૂઈ ગઈ.
સવારથી શહેરનાં પોતાનાં પાર્ટી પ્લોટમાં ઝરણાનાં બર્થડે સેલીબ્રેશન માટેની તૈયારીઓ થવા લાગી. સાંજે બધી તૈયારીઓ થઈ ગઈ હતી. ઘણાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યાં. ઝરણાંએ સુંદર લાલ ડ્રેસમાં સજ્જ થઈ પાર્ટીની શોભામાં વધારો કરતી હતી. બધાની નજર ઝરણાં પર હતી પણ ઝરણાંની નજર તો એકમાત્ર પ્રેમને જ શોધતી હતી. આટલાં માણસોમાં તેની નજર સતત પ્રેમને જોવા મથતી રહી પણ વ્યર્થ. પ્રેમ પાર્ટીમાં ના આવ્યો. શા માટે એ ના આવ્યો, ક્યાં ગયો હશે એવા વિચારોએ મનને ચકડોળે ચડાવ્યું. દિવ્યાએ ઝરણાંને કેક કાપવા સમજાવી. ભાભીની સમજાવટથી ઝરણાંએ કેક કાપી. ભેટસોગાદો અને જન્મદિવસનાં વધામણાં થયા. પાર્ટી પૂરી થઈ.
ઝરણાં પોતાનાં બેડરૂમમાં સૂવા ગઈ. પણ એક જ વિચાર તેને ઘેરી વળ્યો, શા માટે તેણે એક ફોન કોલ પણ ના કર્યો, શા માટે તે આવ્યો નહી હોય ? આવા વિચારોમાં જ ઝરણાં નિંદ્રામાં પોઢી ગઈ.
****
‘‘ ઝરણાં… ઝરણાં… ઝરણાં…. ’’ દર્દથી કણસતો અવાજ ઝરણાંને બોલાવતો હતો. કોઈ કાલ્પનિક અવાજ. કોઈ અધૂરી ખ્વાહિશ હતી એ અવાજમાં…
ઝરણાં એકદમથી ઊઠી ગઈ. પોતાને કોઈ બોલાવતું હતું એવો એને ભાસ થયો. પણ કોણ હશે ? કોનો અવાજ હશે એ ?
ઝરણાંને લાગ્યું કે કોઈ ભ્રમ હશે. તે ફરીથી સૂઈ ગઈ. માંડ આંખ લાગી હશે ત્યાં ફરીથી એ જ અવાજ--
‘‘ ઝરણાં… ઝરણાં...’’
કોઈ અંધારી રાતે આછાં ધુમાડામાં અસ્પષ્ટ આકૃતિ દેખાતી હતી. જાણે પોતાને બોલાવતી હતી. અવાજમાં દર્દ અને પીડાં હતી.
ઝરણાં સફાળી ઉઠી ગઈ. પરસેવે રેબઝેબ થઈ ગઈ. શા માટે અચાનક આવો અવાજ આવે છે ? કોણ બોલાવતું હશે ? વિચારોમાં અને ગભરામણમાં સવાર ક્યારે પડી ગઈ એની ખબર જ ના રહી.
બીજાં દિવસે રોજનાં કામ દરમિયાન એ જ વિચારો. પ્રેમે કેમ કોઈ સંપર્ક કેમ ન કર્યો ? તેને કંઈ થયું હશે ? બીજાં દિવસે પણ રાત્રે ફરીથી એ જ સ્વપ્ન, એ જ ધુમાડો, એ જ કાળી રાત, એ જ દર્દથી કણસતો અને પોતાને પોકારતો અવાજ… પણ આ વખતે તેણે આ અસ્પષ્ટ આકૃતિમાં બીજું પણ કંઈક જોયું.
ભીની માટીમાં ખરડાયેલાં વાળ, ગંદા કપડા, આસપાસ ઘનઘોર જંગલ, લોહીથી લથબથ ચહેરો પોતાને બોલાવતો હતો. ઝરણાં આવા બિહામણાં ચહેરાંને ઓળખી ગઈ.
‘‘ ઝરણાં, મને ઓળખ્યો ? હું પ્રેમ. તારો પ્રેમ. ડરીશ નહી. હું તારા અંતરમાં સદાને માટે રહીશ પણ હવે હું આ ફાની દુનિયાને અલવિદા કરી ચૂક્યો છું. હવે આ મારુ નવું ઘર છે. હું જંગલમાં માટીની નીચે દફન છું. પાસમાં શાંત નદી વહે છે. થોડે દૂર મંદિરનો ઘંટનાદ સંભળાય છે. પશું પક્ષીઓનાં કલરવ પણ સંભળાય છે. પણ મારી આત્માને શાંતિ મળતી નથી. એક જ વિનંતી છે કે તું અહીં આવ અને મારાં માથા પર પ્રેમનાં આંસુ વહેવડાવ. મારી આત્માની તૃષા ખાતર. તું આવીશ ને ઝરણાં ? ’’
પ્રેમનો અવાજ સાંભળી સ્વપ્નમાંથી ઝરણાં ઊઠી ગઈ. શું આ સ્વપ્ન જ હતું કે હકીકત ? ઝરણાં હજી અસમંજસમાં હતી. તેણે સ્વપ્નમાં બતાવેલી જગ્યાએ જવાનું નક્કી કર્યું. બીજાં દિવસે તેનાં ભાઈઓ શહેરની બહાર ગયા હતા. દિવ્યાને કામથી બહારગામ જવાનું કહી તે એ વિસ્તારમાં પહોંચી ગઈ. એ જગ્યાને શોધવી અઘરી હતી પણ ઝરણાં હિંમત હારી નહી. બે કલાક શોધખોળ પછી તેણે એક જગ્યાએ માટીને જમીન ખોદેલી હોય એવી રીતે જોઈ. ધ્રુજતા હાથે અંધારી રાતે પોતાની સાથે લાવેલ પાવડાથી જમીન ખોદી. અચાનક નીચે કંઈક હોવાની શંકા ગઈ. ખોદીને જોયું તો એક મૃત શરીર. મોઢા પરની માટી ખસેડી જોયું તો તે એકદમથી ડરી ગઈ. તે પ્રેમનું જ મોઢું હતું. પરસેવા અને આંસુમિશ્રિત ચહેરે પ્રેમનું માથું પોતાનાં ખોળામાં લીધું અને ચોધાર આંસુએ રડી પડી.
“ ઝરણાં… ’’
ઝરણાંએ ઝબકીને જોયું તો પ્રેમની આાત્મા તેની સામે ઊભી હતી.
‘‘ પ્રેમ, આ.. આ... બધું અચાનક ? ’’ રડતાં રડતાં ઝરણાંએ પૂછ્યું.
‘‘ ઝરણાં, તારા ભાઈઓને આપણો સંબંધ મંજૂર ન હતો. તેઓએ મુંબઈ એક કામ માટે મને મોકલ્યો. રસ્તામાં અમુક લોકોએ મને આંતર્યો અને મારું અપહરણ કરી હાઈવે પરથી જંગલ તરફનાં રસ્તે લઈ ગયા. આંખે પટ્ટી હતી અને મોઢે ડૂચો ભરાવેલ હતો. સૂમસામ રસ્તા પર એક બાજું ગાડી ઊભી રાખી મને ઉતારી આંખની પટ્ટી ખોલી. ચારે બાજું જંગલ, વૃક્ષો હતાં. તેઓએ મારી ઉપર હથિયારોથી જીવલેણ હુમલો કર્યો. પછી તેઓએ ફોન કર્યો.
‘‘ બોસ, પ્રેમ અમારા કબજામાં છે. કહો તો મારી નાખીએ. ’’ પેલાએ થોડી વાર રાહ જોવાનું કહ્યું. થોડી વારમાં લાંબા ઓવરકોટમાં તેનાં બે બોસ આવ્યા. તેઓ નજીક આવ્યા ત્યારે મેં તેનો ચહેરો જોયો. તેઓ પ્રમોદભાઈ અને વિલાસભાઈ હતા. તેઓની આંખોમાં ક્રોધ જોવા મળતો હતો. વિલાસભાઈએ ક્રોધાવેશમાં કહ્યું, ‘‘ તારી આ હિંમત ? બે કોડીનો થઈ અમારી બહેનને પ્રેમ કરવાં લાગ્યો ? તારી હેસિયત શું છે ? ’’ કહી ઘણો માર માર્યો અને અંતે પ્રમોદભાઈએ રિવોલ્વરમાંથી મારી ઉપર ધડાધડ ત્રણ ગોળીઓ છોડી દીધી. તેઓએ મને અહીં જમીનમાં ખાડો કરી દફનાવી દીધો. તારા ભાઈઓ પ્રત્યે કોઈ ફરિયાદ નથી. તેનાં પ્રત્યે કોઈ ખરાબ ભાવના નથી. તું આવી એ જ મારા માટે પૂરતું છે. મારી આત્માને શાંતિ મળશે. ’’
આટલું કહી પ્રેમનો આત્મા વિલીન થઈ ગયો. ઝરણાં હવે બધી હકીકતથી વાકેફ હતી. તે રડી પડી. વરસાદ પણ પડી રહ્યો હતો. વરસાદનાં મીઠાં જળમાં આંસુનાં ખારાં જળ મિશ્રિત થઈ ગયા. ઝરણાંની નજર પ્રેમનાં લોકેટ પર ગઈ. તેણે એ લોકેટ એક પ્રેમની નિશાની તરીકે લઈ લીધું. થોડી કલાકો અંધારી રાતમાં ભર વરસાદમાં ઘનઘોર જંગલમાં પોતાનાં પ્રેમીનાં મૃતદેહની સાથે એક ગભરુ લાગતી યુવતીએ વિતાવી. વહેલી સવારે ઝરણાંએ ભીની આંખે પ્રેમને અંતિમ વિદાય આપી.
પ્રેમીની છેલ્લી નિશાની સાથે ઝરણાં ઘરે પરત ફરી. આંસુ ચહેરાં પર સૂકાઈ ગયાં હતાં. ઝરણાં સૂનમુન હાલતમાં જ રહેતી. કોઈ વસ્તુમાં તેનું ધ્યાન ન રહેતું. ન હસતી હતી, ના બોલતી હતી. પોતાનાં બેડરૂમમાં એક લોકેટ સાથે જ રહેતી. તેનામાં અચાનક આવેલાં આવા બદલાવનું કારણ દિવ્યા પણ જાણી ના શકતી હતી. તેણે ડૉક્ટરોને બતાવ્યું, પણ કોઈ રિઝલ્ટ મળતું ન હતું. તેણે પ્રમોદને અને વિલાસને પણ જણાવ્યું. તેઓ પણ આ બદલાવને જોતા હતાં.
ઘણાં દિવસો વીતી ગયા પણ ઝરણાંની સ્થિતિમાં સુધાર ન થયો. એક દિવસ વિલાસે ઝરણાં પાસે રહેલું લોકેટ જોઈ લીધું. નવાઈ સાથે એ લોકેટ હાથમાં લીધું. લોકેટ ખોલીને જોયું તો તેમાં બંનેના ફોટાં જોયાં. વિલાસ એક મિનિટ માટે તો ગભરાઈ ગયો. તે કશું સમજવાની સ્થિતિમાં ન હતો. તેણે લોકેટ લઈ સીધું ભાઈ પ્રમોદને બતાવ્યું. તે કલ્પના કરી શકતાં ન હતા કે પોતાનાં કરતૂતોની જાણ ઝરણાંને કોણે કરી ? તેને ખરેખર ખબર હતી કે નહી કે આવું લોકેટ તેની પાસે હતું ? ક્યાંક પ્રેમ જીવતો તો નહીં હોય ને ? આ બધા સવાલોનાં જવાબ મેળવવા તેઓ ફરીથી એ જ જગ્યા પર પહોંચ્યા.
અચાનક ભયંકર પવન ચાલુ થઈ ગયો. તોફાની વાવાઝોડાનું સ્વરૂપ ધારણ થયું. બંનેએ જમીન ખોદવાનું શરૂ કર્યું. તેઓ ચેક કરવા માંગતા હતા કે લોકેટ ઝરણાં અહીથી લઈ ગઈ હતી કે નહી ? ઝરણાંને ખબર હતી તો તેણે કેમ કોઈ રિએક્ટ ન કર્યું ? ખોદતાં ખોદતાં તેઓ અટક્યાં. પ્રેમની ડેડબોડીને જોઈ. પણ ગળામાં લોકેટ ના જોયું. તેને ખાતરી થઈ ગઈ. અચાનક ફૂંકાતા પવનનાં જોરમાં નવો અવાજ ઉમેરાયો. કોનો હતો એ અવાજ ? બંનેએ પાછળ જોયું તો પાછળનાં વૃક્ષનો એક ભાગ કડડભૂસ કરતાં તેઓની ઉપર તૂટી પડ્યો. બંને તેની નીચે દટાઈ ગયા. કરેલા કુકર્મોની સજા મળી ગઈ. બંનેની મરણચીસોથી જંગલ ગૂંજી ઉઠ્યું. બંને તત્કાળ કમોતે મર્યાં. કદાચ કુદરતનો એ ઈન્સાફ હતો.
****
( એક મહિના પછી )
દિવ્યા વિધવા બની ચૂકી હતી. પોલીસ શોધખોળમાં પતિની વરવી વાસ્તવિકતા સામે આવી ગઈ હતી. દિયરનો બિહામણો ચહેરો પણ સામે હતો. હવે તે ચિંતિત હતી માત્ર ઝરણાં માટે. તેનાં જીવનનો એકમાત્ર આધાર, એકમાત્ર સખી. પણ ઝરણાંની તબિયત વધું ને વધુ બગડતી હતી. લોકેટ જ તેનાં જીવનનો એક આધાર હતો એ પણ ન રહ્યો. સતત લથડતી તબિયતને કારણે દિવ્યા તેનાં બેડરૂમમાં જ રહેવા લાગી. એક દિવસ અચાનક ઝરણાંને સ્વપ્નમાં સફેદ વસ્ત્રોમાં પ્રેમ દેખાયો. તે બંને હાથ ફેલાવી પોતાની પાસે બોલાવી રહ્યો હતો. દુનિયામાં તમામ બંધનો તોડી સદાને માટે એક થવા એક આત્મા બીજી આત્માને બોલાવતી હતી. ઝરણાંનાં શ્વાસ લંબાવા લાગ્યાં. દિવ્યાએ ડૉક્ટરને ફોન કર્યા પણ બધું નિરર્થક. તે તેની પાસે જવા અધીર હતી. મુખમાંથી ‘પ્રેમ…’ નો ઉદ્ગાર નીકળી પડ્યો. અંતરનાં ઊંડાણમાંથી આવેલાં આ શબ્દ પછી ઝરણાં કંઈ ના બોલી શકી. બસ, આખરી નજર પોતાની ભાભી, દોસ્ત અને બહેનથી પણ વિશેષ દિવ્યા પર નાખી. થોડું હસી અને પછી આંખો મીંચી દીધી. ઝરણાંએ અંતિમ શ્વાસ લીધાં. તે અનંતની દુનિયાએ ઉપડી ચૂકી હતી જ્યાં તેનો પ્રેમ હતો.
દુનિયાનાં ઊંચ નીચનાં ભેદભાવો, અમીરી ગરીબીની માયાજાળ, છળ, કપટે જેને સદેહે ક્યારેક એક ન થવા દીધા એનાં માટે મૃત્યું પછી સ્વર્ગનાં દેવદૂતે જાણે દરવાજાં ખોલી દીધા. પ્રેમ તો અમર છે. જીવતે જીવ એક ન થનારા પ્રેમાત્માઓ મૃત્યું પછી એક થયા. બંનેનું મિલન સ્વર્ગમાં થયું.
*** પ્રેમ - ઝરણાં - ધ સોલ્સ મેટ ઈન હેવન.
બંને હાથમાં હાથ પરોવી નીકળી પડ્યા એક નવી સફરે, નવા સ્વરૂપે, નવાં નામથી, નવા રૂપરંગ સાથે, નવો જન્મ લઈ પોતાની જનમોજનમ સાથ નિભાવવાની જૂની કસમ પૂરી કરવા...