સમજદારી Kinjal khunt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમજદારી

સમજદારી

(1)

જેમ વર્ષમાં એકવાર આવતાં મહેમાનોની મહેમાનગતિ કંઈક વધારે જ ઉમળકાથી થાય અને દર થોડા દિવસે ડોકાતા મહેમાનને ‘પાછાં’ આવ્યા જાણીને પરાણે જ સાચવવામાં આવે તે રીતે આપણે પોતાના ઘરનાં જ લોકોની સાથે પણ એ જ રીતે આપણી જાણ બહાર વર્તવા લાગીએ છીએ.

હું આજે એક વર્ષ પછી હોસ્ટેલમાં રહીને ઘરે આવી, ત્યારે ટ્રેનના ડબ્બામાં બેઠાં તો એમ જ લાગતું હતું કે , ‘ઘરના તો ભૂલી પણ ગયા હશે મને...! શી ખબર ઘરની સાથે હદયમાં પણ જગ્યા હશે કે નહીં...’ હવે, તમે કહેશો કે , અમે બાળકોને હોસ્ટેલમાં મૂકીએ તે એમના સારા માટે જ, થોડા કંઈ વધિયેલ છે તે ભૂલી જઈએ? પણ હું તો ઘરમાં વધિયલ જ હતી. કેટ-કેટલાં ધમપછાડા કરેલાં મેં, સ્વભાવ ન હોવા છતાં હાથ-પગ જોડેલાં, અઠવાડિયા સુધી અન્નત્યાગ કરી ઈમોશનલ બ્લેકમેઈલ પણ કરેલાં ને રોઈ-રોઈને આંખો તો મારી દીવાના કોડિયા જેવી થઈ ગઈ તી’ , ત્યાર પછીયે બાવડું ઝાલીને પરાણે હોસ્ટેલમાં ધકેલી આવ્યાં ‘તા ,એટલે મને તો એમ જ હોય ને કે હવે તો ઘરમાં જગ્યા પણ હશે કે કેમ?

પણ આ વિચારધારા ત્યાં જ તૂટી ગઈ જ્યારે મે સ્ટેશન પર અડધા પરિવારને મને લેવા આવેલા જોયા, આંખો ઉપર ભરોસો મૂકવો જ દોહ્યલો થઈ પડ્યો. ને રોવાનું કે ન લાગણીમા તણાવાનું તો મેં હોસ્ટેલથી નીકળી ત્યારે જ નક્કી કરેલું , પણ એમ કઈં સરળ નહોતું લાગણીને રોકવું , છતાય હું મક્કમ જ રહી જાણે હવે તો મને ઘર યાદ જ નથી આવતું ને હોસ્ટેલ મને જીવથી ય વધારે વહાલી થઈ પડી છે...!

ઘરે પહોચતા જ બા ની રાડ પડી... ”આવી ગઈ મારી દિકરી..! આવ, આવ..! તારું તો મોઢું જોવા ય તરસી ગઈ તી, નૈ કઈ ટપાલ કે કાગળ .. હેં..!” હું વિચારમાં પડી ગઈ “કોણ હું ?” આ જ બા ની રાડોરાડ ખૂટતી નો’તી જ્યારે હું ઘરે હતી ત્યારે , “એ કેવી અવળચંડી પાકી છે કોણ જાણે? એ છોકરીયું નો આવો સવભાવ નહીં હારો” ને બીજું તો કેટ-કેટલું , જો કે હું ક્યાં કઈં સાંભળતી જ ‘તી...

બા ને મળી પગે લાગી હું મારા રૂમમાં ગઈ.... ઓહ માય ગોડ...! રૂમ જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ. એવો ને એવો જ... જેવો હું છોડી ને ગઈ હતી... મારી બધી વસ્તુ સંભાળીને, સાચવીને રાખેલી... મને બારણાંમાથી જ અચંબાથી અંદર તાકી રહેલી જોઈને મારી મમ્મી કહે કે, “ કોઈ ને ય વાપરવા ન દીધો તારો રૂમ, ભાઈ એ જીદ કરી, પણ પછી તું આવે ત્યારે શું? એટલે જોયું... ? કોઈને ય વાપરવા ના દીધો તારો રૂમ ...”

હું વિચારમાં પડી ગઈ , અહિ હતી ત્યારે માં હંમેશા કહેતી હતી કે આ રૂમ તો ભાઈ નો જ ...હું તો માત્ર થોડો સમય માટે જ છુ પણ....

ખેર , મારૂ માથું ભમતું હતું. હું રૂમમાં ગઈ , સામાન મૂકી , નાહીં-ધોઈને તૈયાર થઈ નીચે આવી ત્યારે મમ્મીએ રસોઈ તૈયાર કરી લીધી હતી. રિંગણા બટેટાંનું ભરેલું શાક...મને જોઈને રસોડામાંથી જ માં એ કહ્યું , “તને બવ ભાવે ને , શું ખબર ન્યા હોસ્ટેલમાં તો કે’વું ય મળતું હોય?” “આવી જ ચિંતા હતી તો મોકલી જ શું કામ?” શબ્દો હોઠ સુધી આવી ગયા પણ મમ્મીનું લાગણી નીતર્યું મોઢું જોઈને પાછા જતાં રહ્યા. હવે તો માથું વધારે ભમતું હતું, શું છે આ બધું? આવો દેખાડો ? જરૂર નહોતી એટલે હોસ્ટેલમાં મોકલી, જાણે નોતી ગમતી તે કાઢી મૂકી ને હવે જાણે મારા વગર જીવી નથી શકતા.

“કેમ તું કઈ બોલતી નથી, આવી છો ત્યારનો તારો અવાજ જ નથી સાંભળ્યો.” માં ના અવાજે મને વિચારોના વમળમાથી બહાર ખેંચી. પણ હું કેમ કહું કે હું તો જાણે મારા જ ઘરમાં પરાયા જેવું અનુભવતી હતી. ખોટું નહોતું કે હું ખૂબ તોફાની હતી, પણ જાણી જોઈને કોઈને હેરાન નહોતી કરતી. હશે ક્યારેક ધમપછાડા, ક્યારેક પડોશીના છોકરાઓ જોડે ગાળાગાળી ને મારામારી , પણ એ તો મારા નાના ભાઈ ને એ લોકોથી બચાવવા, હા ક્યારેક હોય મારા ભાઈ નો વાંક પણ હું તો ભલી થઈ ને એનો જ પક્ષ ખેંચતી ને તોયે માર તો મને જ પડતો, બોલો, બા કહેતા કે ૧૩ વર્ષની છોકરી તો ઠરેલી હોવી જોઈએ. તે હશે વળી, હું જરા ગરમ હતી.. તો શું કોઈ જુદું હોય જ ના શકે? ને એવા શેરીના છોકરા મારવામાં તે શું ગુનો થઈ ગયો કોણ જાણે? પોતાનો કાનો તો ગોપીઓ ભેગી રમે તો મંદિરે પૂજાય ને અમે ગોપા ભેગા રખડીએ તો હોસ્ટેલે પુરાય આ તે ક્યાંય ન્યાય છે. આવી દલીલો ને બોલાચાલી થતી ઘરમાં પણ હું તો કઈ સમજુ તો ને ! તે બધા માટે હું બગડેલી હતી, જાણે કેમ, કેરી હોવ ને મારામાં ચાંદુ પડી ગયું હોય..!

પણ આ હોસ્ટેલના એક વર્ષમાં તો જાણે મારી વર્ષોની ઉમર વધી ગઈ હોય, ને હું સંસાર, સમાજ અને જિંદગીને સમજવા લાગી હોય તેવું અનુભવાઈ રહ્યું હતું. તે કેમ એ મને સમજાતું નહોતું. હું માત્ર પંદર દિવસ માટે ઘરે આવી હતી, પછી પાછી એ જ હોસ્ટેલ, એ જ નિસ્તેજ, નિશ્ચેતન દીવાલો, રોબોટિંગ ટાઈમટેબલ... ૬ વાગે ઉઠવાનું , ૬:૪૫ ના નાસ્તો , ૭:૧૫ ના પ્રાર્થના ને ...માત્ર મારા ધબકારા જ વધતાં હતાં આ યાદ કરીને ... કેવી મારી અલ્લડ જિંદગી વેરાન થઈ ગઈ ને શિસ્તના પાંજરે પુરાઈ ગઈ...

જો કે હોસ્ટેલમાં પણ ધીમે-ધીમે બધાં સાથે આત્મીયતા સર્જાવા લાગી હતી. એ પણ અલગ અનુભવ હતો જ્યારે હું રડતી રહેતી ને બધા મને મનાવતા, એ અજાણ્યા લોકો મારે માટે ભૂખ્યા રહેતાં ને ચોરીને પણ બહારથી મને ભાવતી વસ્તુઓ લાવી આપતાં, પણ જે રીતે હું ગઈ તી એ મારાથી સહન નહોતું થતું ને એટલે એ ઘર નહોતું બની શકતું. મારાં તોફાનો, મન ફાવે તેમ ભમવાનું, બોલ- બોલ- બોલ કરવાનું અને સાચું કહું તો જીવવાનું જ બંધ થઈ ગયું હતું. હું મારાં બા, મમ્મી, પપ્પા ને બીજા વડીલો ઇચ્છતાં હતાં તેવી ધીર-ગંભીર બની ગઈ હતી. તેઓ આથી ખુશ હતાં પણ ભૂલી ગયા હતાં કે ધીર-ગંભીર લોકો ખુશ થઈ શકતા નથી. મને તો સમજાતું જ નથી કે હસી ન શકતાં, ન ખુશ થઈ શકતાં, મડદા જેવાં શાંત લોકોને બધાં સમજદાર કેમ કહેતાં હશે? આમાં વળી શી સમજદારી?

મારી અંદર તો દરિયા જેવુ તોફાન મચ્યું હતું પણ બહારથી જોઈને બધાંને લાગ્યું કે જે હેતુથી હોસ્ટેલમાં મૂકી હતી તે સિધ્ધ થયો છે ખરો...! આ નિર્ણય લેવામાં તેમણે કઈં થાપ ખાધી નથી. દિકરી શું જાણે પોતાનું સારું-નરસું ..પણ આપણે તો જાણીએને, ભઈ, કઠણ કાળજે આપણે નિરનય લેવા જોવે એમનેમ થોડો કાઈ સવભાવ બદલે..સારું હતું કે તેઓ મારાં મનમાં ચાલતાં વિચારો સાંભળી શકતાં ન હતાં, નહીં તો આ વખતે મારો ‘સવભાવ’ સુધારવા જરૂર સાઇબીરિયાની જેલમાં મોકલત.

પણ હવે હું જ્યારે ઘરે હતી ત્યારે એ બધુ યાદ આવતું હતું. ને જાણ્યે અજાણ્યે મારાથી હોસ્ટેલ ગયા પહેલાની ને પછીની પરિસ્થિતિની સરખામણી થઈ જતી હતી. ચૂપ શબ્દ જ જેનાથી અછૂત હતો તે હું ચૂપચાપ જમીને વગર કહ્યે વાસણ ધોવા બેસી ગઈ. મમ્મી કહે કે, “તું થોડાં દિવસ આવી છે ને શું કામ કરવા લાગી, હું કરી નાખીશ.” અને મારાથી ધારદાર નજરે તેની સામે જોવાઈ ગયું. મને પણ ન સમજાયું કે આ નજરથી મેં શું કહી દીધું પણ મમ્મી મારી નજર જોઈ હબકી ગઈ. આ જ શબ્દો મારી માં એ પહેલાં કહ્યાં હોત તો હું ધડામ દઈને ઊભી થઈ ગઈ હોત. પણ અત્યારે...અત્યારે મારાંથી સહન ન થયું કે, ‘થોડાં દિવસ આવી છો એટલે શું વળી?’ હું પણ મહેમાન બની ગઈ મારાં જ ઘરમાં ? આવું શું અજાણ્યા જેવુ વર્તન કરવાનું મારી જોડે ?

હું નીચું જોઈ વાસણ સાફ કરવા લાગી ને મમ્મી મારી સામે જોઈ શાંત ને મીઠડું સ્મિત આપી ઘસેલાં વાસણો સાફ કરવા લાગી. મેં એનું સ્મિત જોઈને જાણ્યું કે આખું ઘર ભલે આંધળું હોય પણ મારાં રૂમની દિવાલો પછી ખાલી મારી માં જ મારાં અંતરને સાંભળી શકે છે, મારાં ચહેરાને વાંચી શકે છે.

“તને અમે દુશ્મન લાગીએ છીયે ને કિટ્ટી?” મારૂ નામ તો કવિતા હતું, પણ હું સાવ નાની હતી ચારેક વર્ષની ત્યારે વાતે-વાતે રિસાઇને મમ્મીથી કિટ્ટા થતાં શીખી ગઈ હતી એટલે પછી તો માં મને ‘કિટ્ટી’ જ બોલાવવાં લાગી ‘તી. પ્રેમથી તો એ મને ‘કિટ્ટી’, ‘કિટ્ટુ’ એવું જ કહેતી ને ખારમાં કવિતા...

માં ની વાત પર હું કાઈ જ બોલી નહીં. શું બોલું? કેટલું બોલું? ને ક્યાંથી શરૂઆત કરું? મારી અંદર તો જાણે લાવારસ ખદબદતો હતો.

“તું આમ ચૂપ રહીને અમને ગુનેગાર જેવો અનુભવ ન કરાવીશ કિટ્ટી...ત્યાં બીજી પણ કેટલી છોકરીઓ છે તારી સાથે, તારી જેવડી જ ... શું લાગે છે તને? અમે તારું સારું નથી ઇચ્છતાં? તું આ ઉમરે નહીં સમજી શકે પણ જતું નહીં કરી શકનારા જિંદગી માણી શકવાની શક્તિ ગુમાવી બેસે છે, કિટ્ટી. ને હું ઈચ્છું તું ગમે તેવી પરિસ્થિતી વચ્ચે પણ જિંદગી જીવતા ને માણતા શીખે. ને બેટા આ બધુ તો તપીને જ શીખી શકાય.”

“હું હસતી બંધ થઈ જાવ શું એને જ તપ્યા કહેવાય? શું એને જ કહેવાઈ જિંદગી માણી? સમજદારી?”

“એ જ તો કહું છું ગમે તે સ્થિતિ વચ્ચે, બધુ સમજ્યા પછી પણ જે હસી શકે તેને જ કહેવાય જિંદગી માણી...બેટા, આપણને ગમતી વ્યક્તિ જતી કરવી સરળ નથી હોતી, આપણને ગમતું ન કરી શકાય ત્યારે પણ હસતાં રહેવું સરળ નથી, લોકો ન ગમે તેવું વર્તે છતાં તેમને ગમાડવાં સરળ નથી, ન ગમતી વ્યક્તિ સાથે પણ સારું વર્તન કરવું સરળ નથી…ને જે આ સરળ નથી તે કરી શકે તેને કહેવાય સમજદારી ને જિંદગી માણી...આ કાઈ રાતોરાત ન શીખી શકાય, પણ અનુભવે ને ઠોકરે શિખાય ને ધીમે-ધીમે ઘડાય, પણ જો ઘડાવાની તૈયારી હોય તો...!”

“મને નથી સમજાતી તારી વાતો હું બસ એટલું જાણું કે તું મને દૂર કરી રહી છે તારાથી, ને હું વધિયલ બની ગઈ છું આ ઘરમાં...” ને ન રોવાનીને ન લાગણીમાં તણાવાના નીમ સાથે આવી હોવા છતાં મારી આંખો ઉભરાવા લાગી.

મારી માં એ સાબુવાળા ને ગંદા પાણીવાળા હાથે મને પોતાની છાતીએ વળગાડી દીધી.

”કિટ્ટી, તને સમજાશે આ બધું સમય આવશે ત્યારે, બસ, મારા શબ્દો યાદ રાખજે, સમય તો સમયનું કામ કરે જ છે, ને તું જ યાદ કરને, તને યાદ આવે છે કે, મારી ગાંડી દીકરીએ પહેલાં ક્યારેય મારી વાત ને આટલી શાંતિથી સાંભળી હોય? તું જે દિ હસતાં શીખીશ, ન ગમતાં લોકો ને ન ગમતી પરિસ્થિતી વચ્ચે પણ, ત્યાર પછી મારે તને કઈ શીખવવાનું નહીં રહે.”

“પણ આ બધું મારે જ કેમ સમજવાનું?”

“કારણ કે તું જ સૌથી ડાહી ને સમજદાર છો બસ તને એની જાણ નથી..”

હું હીબકાં ભરવા લાગી મારાથી રડવું કેમે'ય રોકાતું નહોતું. હું મારી માં ને જોઈને આટલું ક્યારેય નહોતું રડી.

“મમ્મી મારે નથી જાવું?”

“મારા માટે જા, જે દિવસે તું ત્યાંથી હસતાં ને ખીલ-ખીલાતા પાછી ઘરે આવીશ તે પછીથી તને ત્યાં નહિ મોકલું બસ...”

હું કઈ ન સમજી, જ્યાં ગમતું જ નથી ત્યાંથી હસતાં હસતાં કેવી રીતે પાછી આવું? પણ મને અંદરખાને તો ખબર જ હતી કે મારે હોસ્ટેલે જવું જ પડશે.

પણ માત્ર પંદર દિવસ થયા ને ત્યાંથી મારે પાછું આવવું પડ્યું...શા માટે? શું થયું હતું એવું ક મારે પાછું આવવું પડ્યું??.....