મોબાઇલની મગજમારી
આમ તો બરાબર યાદ નથી પણ થયા હશે દસ-પંદર વર્ષ આ વાતને, ત્યારે મોબાઇલ હજી આવ્યા જ હતાં, એટલે મોબાઇલના મામલે અફવાઓનું બજારે ય ગરમાગરમ હતું. મોબાઇલ વાપરવાથી યાદદાસ્ત ઓછી થઈ જાય, બ્રેઇન ટ્યુમર થઈ જાય, સ્ક્રીન સામે જોઈ જોઈ ને અંધાપો આવી જાય ને છેલ્લે કઈ ન મળે તો છોકરા બગડી જાય એ બહાનું તો હોય જ...!
તે સમયે ચારે બાજુ લાલ ડબલાઓનું ને ખણખણતા સિક્કાઓનું વર્ચસ્વ હતું. પણ છતાંય એ હથેળી જેવડું ગેઝેટ આવ્યું જ, ને એણે જે જગ્યા બનાવી બધાં વચ્ચે...આહાહા...!! પણ પહેલાં તો આ ભયાનક ગેઝેટ વાપરવું કે નહિ એ જ દરેક ઘરમાં યક્ષ પ્રશ્ન ગણાતો.
તો આ ઘર-ઘરની રામાયણ વચ્ચે આખરે અમારા ઘરમાં ય મોબાઇલ આવ્યો, એ ય તે ટચસ્ક્રીનવાળો સેમસંગ, એમ તો આવે એમાં નીચે ત્રણ બટન, પણ શેના એ ખબર નહોતી. કેટલાય દિવસોની રકઝક ને સમજાવટ પછી એ ઘરે આવ્યો ‘તો.
આમ તો ટેક્નોલોજીના મામલે ઘર અમારું સૌથી આગળ ગણાતું, સાવ શરૂઆતમાં ટેલિફોન આવ્યા ત્યારે રાજકોટના ગણ્યા-ગાંઠયા ટેલિફોન ધરાવતાં ઘરોમાં અમારો સમાવેશ થતો. એટલે વર્ષોથી અમે એ ડબલા વાપરતા આવેલાં. એ પહેલાં કુટુંબ આખામાં માત્ર મારા પપ્પા પાસે જ પેજર હતું. [કોણે પૂછ્યું પેજર એટલે શું?] પેજર, જેમાં મેસેજ આવે એ વાંચીને નજીકના પી.સી.ઓ.માથી સંપર્ક સાધવાનો રહેતો. ને એ લક્ઝરી આઈટમ ગણાતો. વટ પડતો એનાથી પપ્પાનો. વેક્યૂમ ક્લીનર ને આર.ઓ. પ્લાન્ટ જે આજે ઘરે ઘરે જોવા મળે છે તેના તો સેલ્સમેને ય અમારે ત્યાં ડેમો દેવા અમદાવાદથી આવેલાં.
પણ સાલો આ મોબાઇલ...! કોણ જાણે મારાં પપ્પાને એ વહેમ દ્રઢ રીતે, સજ્જડ રીતે બેસી ગયેલો કે મોબાઇલ લઈ દેવાથી છોકરાં બગડે ને છોકરીઓ ભાગી જાય. [એટલે આજનાં હિસાબે જોવા જઈએ તો વાતે ય સાચી પાછી, ગમે એમ તો ય વડીલ ને...!!]
બધાયે કહ્યું કે તો પાછી તમે વાપરો... પણ હુમાયુંના જમાનાથી જે ભારેખમ ડબલાના મોટા રિસીવર ઊચકીને વાત કરતાં હોય એને મોબાઇલ ફાવે તો ને..? ડબલામાં સ્ક્રીન ન આવે ને મોબાઇલમાં સ્ક્રીન આવે પણ એમાં વાંચતા કઈ આવડે નહિ. એટલે અક્ષર જ્ઞાન હતું, પણ કોઈએ કોઈ દિવસ કહ્યું જ નહોતું કે ગેલેરી, એપ્સ, સેટીંગ, ને ફાઇલ મેનેજર... આવાં બધાં શબ્દોનાં વળી શું અર્થ હોય? ને પાછાં અક્ષરેય એટલા ઝીણા કે બેતાળા આવી જાય.
ડબલામાં તો રિસીવર ઊચકવાનું, નંબર દબાવવાનાં, પેલાં ફેરવાય એવા આવતાં પછી દબાવાય એવા આવેલાં, ને બસ ફોન લાગી જાય. પણ આ મોબાઇલે તો ઘો ઘાલી ‘તી. તે બધાયે સમજાવ્યું પપ્પાને, ને તેમના એક દોસ્તારે તો છેલ્લે પોતાનો જ નવો નક્કોર મોબાઇલ વાપરવા જ આપી દીધો. [એ એન્ટિક પીસ હજી પણ મારાં ઘરમાં સચવાયેલો છે.]
પપ્પા પોતાના ગ્રુપમાં સૌથી નોલેજેબલ માણસ ગણાય, ને એ હતાં ય વળી...! આખાં રાજકોટના કારખાનામાં જે ટેકનીકલ કામ ના થાય એ પપ્પા પાસે આવે. હવે જેણે કેટલાય ના તો કારખાનાં ચાલુ કરાવ્યા હોય ને ગામ આખાની બંધ પડેલી ભઠ્ઠીઓ ચાલુ કરાવી હોય એનાથી એમ કેમનું પૂછાય કે આ મોબાઇલ ચાલુ કેમ કરાય? કાઈક તો પપ્પા લેવાની એટલે ના પાડતાં હતાં પણ અંકલને એમ કે શરમાય છે, તે પરાણે દીધો. પપ્પાને એમ કે એમનું મન રાખવાં રાખશુ બે દિવસ ને પછી પાછો, આવાં સાધન તે કાઈ રખાતા હશે.
અને આમ આખરે એ ઘરમાં આવ્યો. તે આવ્યો એટલે ઘરના તમામ સભ્યોએ તેને વારા-ફરતી આગળ પાછળ ફેરવી ફેરવીને જોયો, કેમ કે ચાલુ કરતાં અમને એકેયને નો’તું આવડતું. જો તમને યાદ હોય તો આ મોબાઇલ ક્રાંતિ હમણાં દસેક વર્ષથી જ આવેલી છે, બાકી હમણાં સુધી ચારેબાજુ લાલ રંગના ડબલાઓનું વર્ચસ્વ હતું ને પીળા રંગની પીસીઓ કેબીનની ભરમાર..!
જો એરિયાના એકાદ લાલ ડબલાએ કોઈ કલાકથી ચોંટ્યુ હોય તો સમજવાનું કે ભાઇનું કે બેનનું સેટિંગ છે, પણ એ જુવાનિયા પાછાં આપણાં એરિયાના નો હોય. [હવે, જેનામાં એટલી પણ અક્કલ ન હોય કે પોતાના જ એરિયાના ડબલાએ કલાક ન ચોંટી રહેવાય એ મારી જેમ વાંઢા રખડતાં હોય...!]
એટલે જ્યારે મોબાઇલ આવ્યો ત્યારે પહેલા તો અમને એ વાતે શાંતિ થઈ કે, ‘હવે, બધાંયના નંબર યાદ રાખવાં નહીં પડે, એ તો મોબાઇલમાંથી જોઈ જોઈને ડબલામાથી થઈ જાય ને ફોન, ઈઝી થઈ ગ્યું નહીં હવે તો બધુંય.’
ભ’ઇ, તમને નહિ સમજાય જીવનનો સર્વપ્રથમ મોબાઇલ જોઈને અમને કેવું થતું હતું. એટલે તમે તો કહેવાંના કે ડોબા...! પણ અમારાં જેવુ અડધા રાજકોટને થતું હતું. [બાકીનાં અડધા એ હજી મોબાઇલ જોયા નહોતા.] અરે ત્યારે તો મોંઢે નંબરો યાદ રાખવાની હરિફાઇઓ થતી. પણ અમારાં આખા ખાનદાનને મોબાઈલના નામથી ય એલર્જી, ને મારાં બાપાએ તો અમને ગામનાં ફોનથીય આઘાં રાખ્યાં ‘તા.
આ ફોન આવ્યો એના બે દિવસ પછી અમે તે લઈને કામથી અમદાવાદ ગયેલાં. ને પપ્પાનાં એક ફ્રેન્ડની ઘરે ઉતર્યા. તે અંકલ અમદાવાદનાં નામી ઉધ્યોગપતિ ને પાછાં વકીલ, ને આમેય અમદાવાદી ટેકનૉલોજીમાં સૌથી આગળ ગણાતાં. એમણે કહ્યું કે, ‘હવે રોકાઈ જવને, કેટલાં આગ્રહ પછી માંડ આયાં છોં, બે દિવસ તો ઓછામાં ઓછા રોકું જ ભ’ઈ’, એમ તો અમે અઠવાડિયું રોકાવાં તૈયાર હતાં. પણ ઘરે મમ્મીને કીધું નહોતું. એ પાછી સતી સાવિત્રી, આખી રાત મટકું ય માર્યા વગર પપ્પાની રાહ જુએ ને જો કીધા વગર છે...ક સવારે આવ્યા હોય તો અચાનક જ કાળકા સ્વરૂપ ધારણ કરે, એ રૌદ્ર સ્વરૂપથી આખું ઘર ફફડે, એટલે કહી દેવું સારું કે રોકાવાના છીએ.
સમસ્યા જાણીને સાવ નજીવી વાત હોય (તે હતી ય ખરી પાછી) એમ અંકલ કહે કે, ‘કરી નાખો ઘરે ફોન એટલે વાત પૂરી થાય, નહીં તો બૈરું પાછું રમમાણ બોલાવે ભ’ઈ, એ તો બધાના ઘરે એમ જ હોય, એ તો એવું લાગે બાકી ઘરે તો બધાં એનાં બૈરાંથી બીએ જ ભ’ઈ.’ પણ અમે તો મોબાઇલ જોઈને બીતા હતાં. હાથમાં રાખ્યો તો સીન જમાવવાં, અમને શું ખબર વાપરવો ય પડશે. હવે તો એ ડબલું હોય તો ય આપે નહીં ને...!
હાથમાં મોબાઇલ હતો તે ય ટચસ્ક્રીન, પણ આવડતો તો કોને? એટલે ધીમેથી પપ્પાએ મને સરકાવ્યો. આમ તો ઘરમાં મને પ્રેમથી બધાં સાયન્ટીસ્ટ કહે, પણ આવું સાધન આપણે ય કોઈ દિવસ વાપર્યુ નહોતું, એટલે મેં મારી બહેનને સરકાવ્યો. એણે અંકલ સામે જોઈને હસતાં-હસતાં થોડીવાર સ્ક્રિનમાં કઈક કરવાનાં નાટક કર્યા ને પછી એકદમ સહજતાથી મારા નાના ભાઈને પકડાવીને કહે, ‘લે કહી દે ઘરે બે દિવસ રોકવાના છીએ.’ અમે બધાં અચંબાથી એની સામે જોઈ રહ્યાં. આવું કરવાનું? એનાં ડાયલોગથી તો એમ જ લાગે ને કે એને આવડતો હશે વાપરતા.
હવે મારાં ભાઇનો વારો... એણે જરાક બુધ્ધિ વાપરી અને કહે કે, બેટરી જ ડાઉન છે એટલે નહિ થાય. ખરેખર તો આ તેણે મોબાઇલ ધરાવતાં મહાપુરુષો પાસેથી સાંભળેલો ડાયલોગ હતો. નવાં મોબાઇલ નીકળેલા ત્યારે કોઈ પાસે એક ફોન કરવા માંગો તો જામસાહેબ એવી રીતે સામે જુએ કે જાણે એનો બંગલો ને હાથી-ઘોડા માંગી લીધા હોય, ને પછી આવો ડાયલોગ મારે. તે મારાં ભાઈએ પણ મોકો જોઈને ચિપકાવ્યો. હાશ...! કોઇકે તો બુધ્ધિ વાપરી અમને એમ કે છૂટ્યા, હવે કદાચ આપે એમનું ડબલું વાપરવા, પણ એમણે તો પોતાનો ધર્યો. કહે કે આ લો આમાંથી કરી દો. અરરર...! કરી ને આણે, હવે ક્યાં જાવું અમારે..?
હવે તો અમારાં બધાના ગળા સુકાઈ ગયાં હતાં. તે અમારાં મોંઢા જોઈને એ અંદર ચા-પાણી-નાસ્તાનું કહેવાં ગયાં. અમે બહાર બગીચામાં બેઠાં હતાં. અંકલ અંદર ગયાં એટલે અમે જરાક છૂટથી ચર્ચા આદરી કે હવે કરવું શું? એમણે આપેલો ફોન તો બટનવાળો હતો, પણ અમને એકેય વાપરતા નહોતા આવડતા.
સૌથી મોટી સમસ્યા એ હતી કે, ડબલામાં રિસીવર ઊંચકો એટલે ફોન ચાલુ થાય ને પછી નંબર દબાવવાનાં, આંયાં અમે ગમે તેટલો ઊંચક્યો, બે વાર તો ઊંચકીને પછાડ્યો ય ખરો, તો પણ કાને માંડતા કઈ સાંભળતું નહોતું. એ ભાઈ અંદર હતાં, એ જોઈને મેં તો છેક નીચે ઘાસમાં ફોન મૂકીને રિસીવર ઊંચકતા હોય એવી સ્ટાઈલમાં ઉંચકી જોયો તો ય ઠેરના ઠેર, ટીવી બંધ પડે ને બે ધબ્બે ચાલુ થાય એમ આને ય દીધાં બે, તો ય ના ચાલું થયો.
અમને ખબર નહીં કે આમાં પહેલાં બટન દબાવવાનાં ને પછી લીલુડા રંગનું રિસીવર દોરેલું બટન દબાવવાનું એટલે ફોન લાગે. ને મારા પપ્પા ને તો આજે ય નથી સમજાતું કે કાને માંડેલાં ફોનનો બીજો છેડો મોંઢા આગળ ન હોય તો સંભળાતું કેમ હશે? એટલે એ આજે ય ફોન પહેલાં કાને માંડે ને બોલવું હોય ત્યારે મોંઢા આગળ ધરે. આવું જુવાનિયાવ પણ કરતાં હોય પણ એ તો કોઈ સાંભળી ન જાય એવી વાતો કરવી હોય ત્યારે, ને મારાં પપ્પાનો તો ધીમો અવાજે ય ત્રણ ઘરે સંભળાતો હોય, એ તો સારું હતું કે પપ્પાને આમ વાત કરતાં જોઈને કોઈએ કોઈ દિવસ શંકા નહોતી કરી કે.......!!
હા, તો રામાયણ હતી મોબાઈલમાથી કોલ કેમ કરવો એની, ત્યાં જ અંકલ આવતાં દેખાયાં. એટલે ફટાફટ અમે આંખનાં ઇશારે સર્વસંમતિથી એ ઠરાવ પસાર કરી દીધો કે, ઘરે જઈને મેથીપાક ને વેલણ ખાઈ લેવા.
એટલે અંકલને અમે કહી દીધું કે, ‘કરી દીધો ફોન.’
તે પાછાં કહે, ‘એ નંબરે ય સેવ કરી દેજો. કામ લાગે ને.’
ફટ દઈને મારાં પપ્પાએ વીઝીટીંગ કાર્ડ કાઢીને ધરી દીધાં. કારણ કે અમને જ ખબર હતી કે સેવ કે ગાંઠિયા કશું થાય એમ નથી, એટલે આ કાર્ડ જ કામ આવશે.
‘અરે..! ના ના. નંબર તો આવી ગયાં ને પછી શું?’ એમણે ડહાપણ વાપર્યુ.
સામે મારાં પપ્પાએ ય એ જ ડહાપણથી કહ્યું, ‘અરે, ના ના. આમાં એડ્રેસે ય આવી જાય ને. રાખો, રાખો. આ જ કામ આવશે.’
આમ તે દિવસે તો માંડ અમે મોબાઇલની મગજમારીમાંથી છુટ્યાં. ને આ બનાવ પછી મોબાઇલ વાપરવાની છૂટ પણ મળી ગઈ.
હવે, આ દસ-પંદર વર્ષ પહેલાંની ઘટના અત્યારે કેમ યાદ આવી? કારણ કે અત્યારે ઘરમાં બધાં પાસે પર્સનલ મોબાઇલ છે. સોની, આસુઝ, સેમસંગ, લેનોવો... અને હવે હું પણ મારો પાંચમો નવો ફોન ખરીદવા જઈ રહી છું. કદાચ રેડ મી, કદાચ મોટોરોલા, શું છે ને અધધધ... કિંમત, ગણી ના શકાય એટલા ફિચર્સ, ફિંગર સ્કેનર ની સજજ ને તો ય એ મને ઓછું પડે છે, બોલો.
છે ને...! આને કહેવાય ટેક્નોલોજીની હરણફાળ.