ગુનેગાર RITA SUNIL MANKAD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુનેગાર

ગુનેગાર

  • રીટા સુનીલ માંકડ
  • ...ગાઢ અંધકારમાં પોતાનો હાથ પણ જોઈ નહોતો શકાતો. ચારે બાજુ નીરવ શાંતિ પથરાયેલી હતી. ક્યારેક પહેરેદારોના વજનદાર બુટનો કર્કશ અવાજ શાંતિ ચીરી જતો હતો. કોત્દીના ભેજવાળા વાતાવરણની વાસથી કાસમનો શ્વાસ રૂંધાતો હતો. બે ટાઈમ જમવાનું આપવા આવતી વ્યક્તિનું મોઢું પણ જોવા નહોતો પામ્યો. એકાદ વખત કોર્ટમાં રૂ કરવા લઇ જવામાં આવ્યો હતો ત્યારે પણ જડબેસલાક વ્યવસ્થા વચ્ચે ચહેરો ઢાંકીને લઇ જવામાં આવ્યો હતો. કાસમ ફાંસીની સજા પામેલો કેદી હતો.

    આવા ભેંકાર વાતાવરણમાં પણ મન એ ગલીઓમાં પહોચી જતું હતું જ્યાં અમ્મીનો પાલવ પકડીને રમતું બાળપણ હતું. બાળપણની નિર્દોષતા હતી, સયુંકત કુટુંબ હતું, સાત ભાઈબહેનોમાં તે નાનો હતો. દાદી અને અમ્મીનો લાડકો હતો. આખો દિવસ ગામની ગલીઓમાં ફરવું, મસ્તી-તોફાનો કરવાં, ક્યારેક પોતાની બકરીઓ લઇ દૂર વગડામાં જવી તેને બહુ જ ગમતું. અમ્મીએ ગામની એકમાત્ર શાળામાં મોકલવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ એવા બંધનમાં તેને રસ જ નહોતો. ત્યાંથી ભાગી તળાવની પાળીએ જઈ બેસી જતો. છેવટે અમ્મીએ પણ ભણાવવાનો આગ્રહ પડતો મુક્યો.

    અચાનક બરોનો દરવાજો ખુલ્યો... કટાઈ ગયેલા મિજાગરાના અવાજથી તેની તંદ્રા તૂટી ગઈ. તેના જમવાનો વખત થઇ ગયો હતો. એક હાથ અંદર આવ્યો.. સાથે આવેલાં અજવાળાંના લીસોટાથી કાસમની આંખો અંજાઈ ગઈ. થાળી સાથે રોજ પીરસાતી ગાળો વને કટુ વચનોથી કાસમ ટેવાઈ ગયો હતો. પોતે આતંકવાદી જીવતો પકડાયેલો ગુનેગાર હતો. દાંતેથી તોડવી મુશ્કેલ રોટલી તથા શાકના નામે પાણી હતું. ઈચ્છા ન હોવા છતાં જેમ તેમ બે કોળિયા મોઢામાં નાંખ્યા.. ને પાછું મન એ જ ગામમાં પહોંચી ગયું... અમ્મીના હાથથી ઘડાતા બાજરાના રોટલાની મીઠી સુવાસમાં મન ભટકવા લાગ્યું. બાળપણ મોજ મસ્તીમાં પસાર થઇ રહ્યું હતું. ના કોઈ રોકટોક, ના કોઈ બંધન.. પ્રકૃતિના સાનિધ્યમાં સમય અસર કરવો અને મા ના મમતા ભર્યા હાથનો સરસ આખા દિવસની રખડપટ્ટીનો થાક ઉતારી ક્યારે નીદ્રાદેવીના શરણે થઇ જતો તે ખબર જ ન રહેતી. પરંતુ મનગમતા સમયને થોડો બ્રેક લાગી જતો જયારે તેના અબ્બા, કાકા અને ભાઈઓ ખેપ કરી ઘરે આવતા... ત્યારે ઘરનો માહોલ જ બદલાઈ જતો. સ્ત્રી વર્ગ કામકાજમાં આમતેમ દોડાદોડી કરતો. ઘરમાં અવનવાં પકવાનો રાંધતા અને દાદી પોતાના દીકરાઓ, પૌત્રાઓથી વીંટળાઈને તેમની વાતો સાંભળ્યા કરતી. અમ્મીના ચહેરાના ભાવો સ્થિર રહેતા. ન તેમાં અબ્બા અને ભાઈઓના આવ્યાનો આનંદ હોતો ન શોક... તે પોતાનું કામ યંત્રવત કરતી. કાસમને પણ અબ્બનો કડક ચહેરો તથા આંખોના લાલ ખુનનો ડર લાગતો. તે શક્ય ત્યાં સુધી ઘરની બહાર જ રહેવાનું પસંદ કરતો.

    એક બપોરે બધા જમી પરવાર્યા પછી આંગણામાં દાદીમાની આસપાસ બધા બેસી હસી મજાક કરતા હતા ત્યારે અબ્બાએ કાસમના માથા પર તેમનો ભરી પંજો મૂકી અમ્મીને કહ્યું, ‘હવે કાસમ પણ મોટો થઇ ગયો છે, તે પણ અમારી સાથે કામ પર આવશે. ત્યારે અમ્મીના ચહેરા પર ભયનું લખલખું પસાર થયેલું તેને જોયું હતું. અબ્બા શું કામ કરતા તેની તેને ખાસ સમજ નહોતી પરંતુ આવતા ત્યારે ઘણો સામાન તેમની સાથે રહેતો જે ઘરના માળિયા ઉપર મૂકાતો અને તેને અડવાની સખત મનાઈ રહેતી. આમ છતાં જયારે બધા ફરી કામે જવા નીકળી જતા ત્યારે પાછો તે ઘરનો રાજા બની જતો. આમ ને આમ તે મોટો થતો ગયો. મૂછનો દોરો ફૂટવા લાગ્યો. હવે તે પોતાને ઘરનો જવાબદાર પુરુષ સમજવા લાગ્યો હતો. અમ્મીના દરેક બહારના કામમાં તે મદદ કરતો. એક દિવસ અમ્મીએ ગામમાં નવા આવેલા માસ્તરના ઘરે બકરીની લીંડીમાંથી તૈયાર કરેલું ખાતર પહોંચાડવા કહ્યું... અને તે તેની જિંદગીનો સુવર્ણ દિવસ બની ગયો. .. મુસ્કાન.. નામ યાદ કરતાં જ તાજું ખીલેલું ગુલાબ નજર સમક્ષ તરી આવે... નિર્દોષ, તાજગીભર્યો ચહેરો... પોતે ખાતર આપવા આવ્યો છે એ જાણી તે કેટલી ખુશ થઇ હતી. ..અને તેની સાથે મળીને જ તેને ગુલાબના દરેક કુંડામાં ખાતર નંખાવ્યું હતું. કેલા રસથી દરેક ગુલાબ વિષે વાતો કરતી હતી. એટલા સમયમાં જ તે તેની સાથે હળીમળી ગઈ હતી... જાણે વર્ષોની ઓળખાણ હોય.. પછી તો અવારનવાર તે માસ્તર સાહેબના ઘરે પહોંચી જતો. ક્યારેક મુસ્કાનને પણ પોતાના ઘરે લઇ આવતો.. ને..એ..ય.. નદી કિનારે રમતાપપ બધું જ નજર સમક્ષ તરવરે છે.

    અચાનક પ્રકાશનો તેજ લીસોટો કોટડીમાં ફેલાયો. કાસમે બંને હાથ આંખ આડે મૂકી દીધા. સંત્રી તેને લેવા આવ્યો હતો. આજે તેને ન્યાયાધીશ સમક્ષ રજુ કરવાનો દિવસ હતો. તેનો ચહેરો કાળા કપડાંથી ઢાંકી દેવામાં આવ્યો. બે બંદુકધારી સિપાઈઓ તેને બહાર લઇ ગયા. તે આંતકવાદી જાહેર થઇ ગયો છે. તેને કબુલાત કરવાની છે કે આ શહેરમાં થયેલા બોમ્બ ધડાકા તેને અને તેના સાથીદારોએ કર્યા છે. એ બધા જ પ્રશ્નોના જવાબો દેવાના છે જેના વિષે તે જાણતો પણ નથી. તેને ખબર હતી તો માત્ર એટલી જ કે એક દિવસ અબ્બા સાથે કમને જવું પડ્યું. અમ્મીને છોડીને તેને જવાનું જરા ય નહોતું ગમ્યું. મુસ્કાનનો સાથ છોડીને તો જરા પણ નહીં. મુસ્કાને તેને લાલ ગુલાબનો છોડ આપ્યો હતો. તેને તેણે માવજતથી કુંડામાં રોપ્યું હતું. રોજ એને પાણી પાતો. જયારે તેમાં પહેલી કળી ખીલી ત્યારે તેના આનંદની કોઈ સીમા નહોતી. તે દોડીને મુસ્કાનને ઘરે લઇ આવ્યો હતો... અને કળી બતાવી હતી. ..કેટલો ખુશ હતો એ.. પરંતુ કળીને ફૂલ થતાં તે જોઈ ન શક્યો. અબ્બા તેને લેવા આવ્યા હતા. તેને કમને જવું પડ્યું હતું. અબ્બા કોઈ મીલીટરી કેમ્પમાં તેને લઇ આવ્યા હોય તેવું તેને લાગ્યું હતું. ચારેબાજુ ટેન્ટ હતા. ટેન્ટમાં તેની ઉમરના છોકરાઓને તેણે જોયા. તો એકબાજુ બંદુકધારી માણસો કેટલાક છોકરાઓને તાલીમ આપતા, કોઈને કુસ્તી કરતા જોયા. પૂરો કેમ્પ પ્રવૃતિથી ધમધમી રહ્યો હતો. અબ્બા તેને એક ટેન્ટમાં લઇ ગયા. જ્યાં અબ્બાની ઉમરની વ્યક્તિ સામે બેઠેલા છોકરાઓને ધર્મની વાતો કરી રહ્યા હતા. ધર્મ પ્રત્યેની ફરજો સમજાવી રહ્યા હતા. અબ્બાએ પુત્રને તેમણે સોંપી દીધો હતો.

    ... બસ પછી તો કાસમની દુનિયા જ બદલાઈ ગઈ હતી. ક્યારેક મુસ્કાન... લાલ ગુલાબ... અને અમ્મીની યાદોથી મન ભરાઈ જતું હતું. પરંતુ તે હવે મોટો છે, અબ્બા, કાકા અને ભાઈઓ જેમ કામ કરી શકે છે.. ના વિચારોથી પાછો સ્વસ્થ થઇ જતો. તેને આપવામાં આવેલી તાલીમમાં તે ખરો ઉતર્યો હતો. અને તેથી જ આ શહેરમાં કરવામાં આવેલી તબાહીમાં સામેલ કરવામાં આવ્યો હતો.

    તેને ન્યાયાધિધ સમક્ષ રજુ કરવામાં આવ્યો ત્યારે એ જ પ્રશ્નોની વણઝાર તેની સામે આવી પણ તે મૌન જ રહ્યો. તેને શીખવવામાં આવ્યું હતું કે જાન ભલે જતી પરંતુ મૌન જ રહેવાનું. તેના બધા સાથીદારો સામ સામા ગોળીબારમાં મૃત્યુ પામ્યા હતા. માત્ર તે એકલો જ જીવતો પકડાઈ ગયો હતો. તેના બચાવમાં સરકારી વકીલ રોકાયો હતો જે તેના વતી દલીલો કરવાનો હતો. તેના મૌનનો કોઈ જ ફાયદો ન થયો. તેની ફાંસીની સજા કાયમ રહી હતી. બધા પુરાવા તેની વિરુદ્ધ હતા.

    કાળકોટડીની ભેજવાળી દીવાલોમાંથી આવતી વાસ તેના શ્વાસમાં ભરાઈ ગઈ હતી. હવે... બસ નિશ્ચિત સમયની રાહ જોવાની હતી. તેનો અંતરાત્મા પોકારી રહ્યો હતો.. 'તે કેટલી ય નિર્દોષ વ્યક્તિઓને મોતની નીંદમાં સુવાડી છે, કેટલાય લોકોને વાંકગુના વિના સજા આપી છે. ચારેબાજુ બોમ્બ ધડાકા કરી અંધાધુંધી ફેલાવી છે. શું આ મજહબ છે ? જેમાં માનવતા ન હોય એ મજહબ નથી જ..'. માથા પછાડી પછાડીને તે પોકારી રહ્યો.. 'હા.. હું ફાંસીને લાયક જ છું..' તેની આંખોમાં ધસી આવેલા આંસુઓમાં તેને અમ્મીનો ધૂંધળો ચહેરો દેખાતો હતો. અબ્બા સામે પરવશ, લાચાર અમ્મી પોતાના લાડકા દીકરાને બાપ સાથે મોકલવા જરા પણ રાજી નહોતી. હવે તેને સમજી રહ્યું હતું કે શા માટે અમ્મી નહોતી ઇચ્છતી.. તે વિચારી રહ્યો... 'હવે ક્યારે એ ગામને જોઈ શકીશ.. શું ફરી મુસ્કાનને મળવાની, આંગણામાં ઉગેલા ગુલાબના છોડમાં ખીલતી કળીને જોઈ શકવાની ઈચ્છાનું ખૂન પણ મેં જાતે જ નથી કર્યું ? કઈ દિશામાં ફંટાઈ ગયો હતો હું ? ...હે પરવરદિગાર.. હું માનવી જ મટી ગયો !' કાસમનું હૃદય વલોવાતું હતું. વલોપાતમાંથી જન્મતી હતી એક જ અંતિમ ઈચ્છા... ચીર:નિદ્રામાં પોઢી જતાં પહેલાં... બસ.. એકજ વખત અમ્મીના ખોલને નાના બાળકની જેમ ખૂંદવું હતું.. મુસ્કાનના હસતા ચહેરાને મન ભરીને નીરખવો હતો.. ખીલતા ગુલાબને જોવું હતું... કાશ.. આતંકવાદના કાળા ઓછાયાથી દૂર રહ્યો હોત..! હવે જલ્દી ફાંસી મળે અને જલ્દી છુટકારો થાય... મોતની પેલે પાર અમ્મીનો ચહેરો.. મુસ્કાનનો ખીલખીલાટ તેને સાદ દઈ રહ્યો હતો...

    -----------------------------