વેણુ RITA SUNIL MANKAD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેણુ

વેણુ..

 • રીટા માંકડ
 • ‘...એ કલમૂઇ... અભાગણ... ક્યાં ગઈ ? કેટલું કામ બાકી છે... સવાર સવારમાં ક્યાં મૂઈ છો.. ? વેણુ માટે આ રોજનું છે. સવાર પડે ને ઘાંચીના બળદની જેમ કામમાં જોતરાઈ જવાનું.. નાના ભાઈ-બહેન જો છાના ન રહે તો પણ જાણે એણે ગુનો કર્યો હોય તેમ મા તેને ધમકાવ્યા કરતી. ક્યારેક તો તેને થતું શું ખરેખર આ તેની સગી મા છે ? શું પોતે નાનકા અને સવિતા જેમ જ તેની દીકરી છે ? મા એ બંને ને તો કેટલા લાડ લડાવે છે.. સવિતાને પણ કેટલા પ્રેમથી માથા-ચોટલા કરી કાજળ આંજી દે છે ને ઓવારણાં લે છે. બધું જોતાં હોવા છતાં કંઇ બોલી શકાતું નાથી. કહી પણ શું શકે પોતે.. આ બધો જ વાંક તેના વાન નો છે. પોતાનો રંગ શ્યામ છે તેથી જ માને તે ગમતી નથી. માને છાનેખુણે બીક છે કે આનો હાથ કોણ ઝાલશે ? કેવી કાળી મૂઈ છે ? પોતે કંઇ જન્મથી તો આવી નહોતી. તેણે માના મોઢે જ સાંભળ્યું હતુ. તે પણ મા-બાપ, ભાઈ-બહેનની જેમ ઉજળેવાન હતી, પણ કેવો તાવ આવ્યો ને એમાં પાછી ખેંચ ઉપડી.. પોતે તો બચી ગઈ પણ ઉજળો વાન જતો રહ્યો અને કાળો વાન રહી ગયો.

  ઘરનું કામ આટોપી નદીએ કપડાં ધોવા જવાનું કાયમ તેને ગમતું કામ હતું. દૂર નદીનો આ કિનારો વેણુનો પોતીકો હતો. જ્યાં તે નદીના પાણીની જેમ ખળખળ વહી શકતી હતી. અહીં તેની સખી કેસર પણ આવતી ને અલક મલકનીવાતો સંભળાવતા રાધામા પણ આવતા. બધા કપડાં ધોતાં જાય અને અલક મલકની વાતો કરતા જાય. એમાંય વચ્ચે વચ્ચે વેણુ પોતાનું કામ મૂકી રાધામાનું કામ પણ કરી દેતી. કેસરને વેણુ સાથે બહુ ફાવતું કારણકે તેનો વાન ઘઉવર્ણો હતો, પણ વેણુ કરતાં તો તે રૂપાળી જ લગતી. આ સરખામણીથી કેસર પોરસાતી હતી. નદીની આસપાસ ચરતા ઘેટાં-બકરાં આસપાસની પ્રકૃતિને ઓર સુંદરતા બક્ષતા હતા. તેમાંય જયારે વડના છાંયડે બેસીને ગોવિંદ વાંસળીના સૂર રેલાવતો ત્યારે જાણે ગોકુળિયું ગામ ઉતરી આવતું. એના સૂરમાં વાતાવરણ જાણે થંભી જઈ સૂરમય બની જતું. અંધ ગોવિંદ પણ વેણુના આ સમયનો જ એક હિસ્સો હતો. ગોવિંદે પણ ઓરીમાં જ પોતાની આંખોની રોશની ગુમાવી હતી. વેણુને એનું પણ કામ કરી આપવું પડતું. ક્યારેક એની બકરી આડી-અવળી થઇ ગઈ હોય તો તે શોધી લઇ આવી પડતી.

  આમ તો ગોવિંદની વાંસળીનફ સૂરની સાથે તેના ચોપાં પણ તેની આસપાસ જ રહેતા. વેણુના નદીએ આવવા-જવાના સમયની પણ ગોવિંદને ખબર રહેતી. તે ક્યારેક કહેતો, ‘વેણુ, તું આજે મોદી આવી છો. રાધામા તો ક્યારેય કામ પતાવીને ગયા અને કેસર તો હજુ આવી જ નથી..’ વેણુ હસીને કહેતી.. ‘અલ્યા, આંખો તો છે નહિ ને આટલી બધી ખબર ક્યાંથી પડે છે ?’ ગોવિંદ કહેતો.. ‘મારી પાસે મનની આંખો છે.. ને હું એનાથી બધું જોઈ શકું છે..’

  વેણુ નવાઈથી ગોવિંદને જોઈ રહેતી. એકવાર આવી વાતો વાતોમાં જ વેણુથી અચાનક પૂછાઈ ગયું.. ‘ ગોવિંદ.. તારા મનની આંખોથી બતાવ.. હું કેવી લાગું છું ?’ ગોવિંદ સહસા બોલ્યો.. ‘અરે.. તું તો સુંદર છે, વેણુ.. જેનું મન આટલું સુંદર છે તે સુંદર જ હોય ને.. !’

  ‘તું સુંદર છે..’ વાક્ય વેણુની ચારેબાજુ ઘુમરાયા કરતું.. બાકીના શબ્દો તેના કાને અથડાવા છતાં તેને સંભળાતા નહોતા. તેનું મન આજે કંઇક અલગ જ અનુભૂતિ કરી રહ્યું હતું. હૈયું તો હાથમાં જ નહોતું રહેતું. તે દોડતી ઘરભણી ચાલી ગઈ. પાછળ ગોવિંદ વેણુ.. વેણુ.. બુમો પાડતો રહ્યો.

  વેણુએ ડેલી ઉઘાડી. દોડતીકને અરીસાની સામે જઈ ઊભી રહી. તેને પોતાને નીરખ્યા કર્યું. આજે હૈયામાં કંઇક ઊગી રહ્યું હતું. ટેરવાંઓએ સુંવાળપનો સ્પર્શ કર્યો હતો. આજે વેણુએ આંખોમાં કાજળ આંજ્યું. વચ્ચે પાંથી પાડી બે ચોટલી ગુંથી. પાવડર અને ચાંદલો પણ કાર્ય. બસ.. અનિમેષ નજરે નીરખ્યા કર્યું. તું સુંદર છે એ શબ્દો એના પોતાના માટે હતા. ઓઢણી હાથમાં લઇ તેને ફેરફુદરડી ફરવાનું મન થતું હતું. આખું આકાશ તેની મુઠ્ઠીમાં હતું. હવે ન તો તેને માના મહેણાંની ચિંતા હતી, ન કેસરની સરખામણીની. એની દુનિયા જ બદલાઈ ગઈ હતી. ગમવાનો અર્થ આજે તેને સમજી ગયો હતો.

  સમયના મણકામાં પરોવાનું બંધ થઇ ગયું હતું. વેણુ અને ગોવિંદની વાતોમાં તે અસ્ખલિત વહેતો હતો. બંને કોઈ નવી દુનિયામાં વિચરી રહ્યા હતા.

  આજે તો ભારે થઇ.. ભાઈ કેમેય કરી શાંત નહોતો રહેતો અને માએ પણ તેને કપડાં ધોવા જવાની ના પાડી દીધી હતી. વેણુના હૈયે ધ્રાસકો પડ્યો. જેમ તેમ કરી ભાઈને છાનો કરી, માને મનાવી, વેણુ નમતી બપોરે નદી કિનારે આવી તો ત્યાં કોઈ ચહલપહલ નહોતી. તેણે દૂરથી જોયું તો ગોવિંદ હાથમાં વાંસળી લઇ જાણે નદીના પાણીને અપલક નેત્રે તાકી સ્થિર બેસી રહ્યો હતો. વેણુ ચુપકીથી આવી ગોવિંદની બાજુમાં બેસી ગઈ. છતાં ન તો ગોવિંદે તેની બાજુ મોઢું ફેરવ્યું કે ન કોઈ પ્રતિભાવ આપ્યો.

  ગોવિંદ નારાજ થઇ ગયો. મને મોડું થયું પણ..ગોવિંદ થોડી વારે ગંભીર સ્વરે બોલ્યો.. ‘વેણુ.. તું નથી હોતી તો અહીં કોઈ જ નથી હોતું..તારા હોવાથી જ બધું સુંદર છે. મારે તને આજે એક ખુશખબર આપવા હતા ને આજે તે મોડું કર્યું.’ વેણુએ પ્રેમથી ગોવિંદનો હાથ પોતાના હાથમાં લઇ પંપાળતા સમ્જવ્યુંપ્પ ‘તને ખબર છે ? માની રાજા વગર મારાથી ન નીકળાય. તું મારી લાચારી નથી સમજતો. હવે આવું મોડું નહિ કરું બસ.. માનીજા અને જલ્દીથી ખુશખબર સંભળાવ..’

  ગોવિંદ ખુશ થઇને બોલ્યો.. ‘વેણુ.. વેણુ.. હું જોઈધાકીશ. તને ખબર છે કાલે બાપુ શહેરથી આવ્યા હતા. એમના શેઠે કહ્યું કે ગોવિંદની આંખોનું ઓપરેશન અમે કરાવશું. એટલે કાલે હું અને મા બાપુ ભેગા શહેર જઈશું. જો ઓપેરશન શક્ય હશે તો ત્યાં કરાવીને જ આવશું.’ વેણુનું હૃદય એક થડકારો ચૂકી ગયું..

  ‘ઓપરેશન..’ વેણુએ ગભરાતાં ગભરાતાં પૂછ્યું, ‘એમાં કંઇ થાય તો નહીં ને ?’ ગોવિંદ હસવા લાગ્યો અને બોલ્યો, ‘અરે.. ગાંડી, બહુ બહુ તો ઓપેરશન ફાઈલ જાય બીજું શું ?’ વેણુ કહે, ‘એટલે ?’ તને દેખાય નહીં એમ જ ને ?’ ગોવિંદે હસતાં હસતાં કહ્યું.. ‘આમે ય ક્યાં દેખાય છે ? પણ વેણુ, મારી ઈચ્છા તો એવી છે કે મારી આંખોની રોશની આવે ને હું આંખો ખોલું તારે મારી આંખો સામે તારો જ સુંદર ચહેરો હોય..’

  વેણુ શરમાઈ ગઈ. કેટલીય સુચના આપ્યા બાદ વેણુ અને ગોવિંદ છુટા પડ્યા હતા... આવનારી સુખડ ક્ષણોની અપેક્ષાએ..

  ગોવિંદ પંદર દિવસ પછી આવવાનો હતો. આ પંદર દિવસો વેણુ કરી રીતે કાઢશે ? તે શાંત થઇ ગઈ હતી. કેસર સાથે પણ ખપપૂરતી વાત કરતી હતી. તેનું મન ક્યાંય લાગતું નહોતી. કેસર વેણુ અને ગોવિંદના સંબંધ જાણતી હતી. તેથી જ એક દિવસ તેણે વેણુંને કહ્યું, ‘વેણુ, તને ખબર છે ? જયારે ગોવિન્દને આંખોની રોશની આવી જશે તે તને જોશે તો શું તે તને સ્વીકારશે ? આ શબ્દો સાંભળી વેણુના હૃદયમાં ઊડી ગયેલા પંખીની પાંખોનો ફફડાટ છવાઈ ગયો. આ તો પોતે વિચાર્યું જ નહોતું. તેની આંખે અંધારું છવાઈ ગયું. પોતે કેવી નાસમજ છે કે ગોવિંદ તો અંધ હતો, તેથી જ તેની સાથે આટલું હળીમળી ગયો હતો. બાકી બધા જેમ તે પણ તેને ધિક્કારશે જ.. ફરી વેણુની જિંદગી નીરસ બની ગઈ.

  એક બપોરે અચાનક કેસરે આવીને સમાચાર આપ્યા કે ગોવિંદ આવી ગયો છે..તને બોલાવે છે. વેણુ થડકી ગઈ.. ‘..પણ એનેતો આવવાની દસ દિવસની વાર હતીને ? તે દેખી શકે છે ?’ કેસર કહે, ‘ના.. તેનું ઓપેરશન પાછું ઠેલાઈ ગયું છે. મોટા દાકતર આવશે પછી જ થશે. એ તને બોલાવે છે..’ આ સાંભળી વેનુંનું હૈયું હાથમાં નહોતું રહેતું પણ પગ આજ સાથ નહોતા દેતા. રહી રહીને એક જ વાત યાદ આવતી હતી, ગોવિંદ દેખતો થશે પછી શું ? તે ચુપકીથી ગોવિંદની સામે જઈ ઊભી રહી. ગોવિંદ હાથ ઊંચો કરી તેનો હાથ પકડવા પોતાનો હાથ આમતેમ હલાવવા લાગ્યો. વેણુ તેના હાથ પકડી તેની બાજુમાં બેસી ગઈ. ગોવિંદ તેનો હાથ પંપાળતો બોલ્યો, ‘શ વાત છે વેણુ, હું આવ્યો તેની તને ખુશી નથી થઇ ?’ વેણુ ગંભીર સવારે બોલી, ‘ના .. એવું નથી ગોવિંદ.. આ તો અમસ્તા જ..’ ગોવિંદ કહે, ‘.ના... ના.. વેણુ, કોઈ વાત જરૂર છે.. નહીતર તું આટલી ગંભીર ન હો..’

  વેણુ અચકાતાં અચકાતાં બોલી..’ગોવિંદ, તું જયારે દેખતો થઈશ ત્યારે તું મને નહીં જોઈ શકે.. તું મને સહન નહીં કરી શકે..’ વેણુથી લગભગ ચીસ પાડીને બોલાતું હોય તેવું લાગ્યું..

  ગોવિંદ બોલ્યો..’ શ માટે.. વેણુ હું તને નહીં જોઈ શકું ?’ ‘.. કારણકે હું કલમૂઇ છું.. હું સુંદર નથી..’ આટલું બોલતાં તો વેણુ ધ્રુસકે ધ્રુસકે રડી અડી.

  ગોવિંદ તેની પીઠ પર હાથ પસવારતો રહ્યો.. થોડી વાર શાંત રહી તેને વેણુંને શાંત પડતાં કહ્યું.. ‘વેણુ, હું તને ગમું છું ?’ વેણુ એ ડોકું હલાવ્યું. ‘શા માટે ? હું તો દેખી પણ નથી શકતો તો પછી હું તને શા માટે ગમું છું ?’

  ‘..કારણ કે તારું મન ખુબ સુંદર છે ગોવિંદ..’

  ગોવિંદ વેણુના ચહેરા પર હાથ ફેરવતાં બોલ્યો, ‘વેણુ, તને ખબર છે.. તારું મન તો કાચથી પણ સ્વચ્છ છે અને જેનું મન આટલું સુંદર છે એનું તન પણ સુંદર જ છે. મારા મનની આંખોથી જો વેણુ, તને મારો જવાબ મળી જશે. મેં તને મનથી ચાહી છે. તું જેવી પણ છે મારા માટે સુંદર છો અને રહીશ. ગાંડી, આપણા પ્રેમને દ્રષ્ટિના સીમાડા ન બાંધીશ..’

  વેણુ મર્યાદાના સીમાડા તોડી ગોવિન્દને ભેટી પડી. તેની છાતીમાં માથું રાખી અને ભીંજવતી રહી.. અને.. ફરી ગોકુળિયું ગામ પાદરે ઊતરી આવ્યું.. રાધા-શ્યામના પ્રેમગીતના સૂર હવામાં વહી રહ્યા..

  -----------------------