Satyansh books and stories free download online pdf in Gujarati

સત્યાંશ

સત્યાંશ

ચિરાગ વિઠલાણી


chiragvithalani79@gmail.com



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

સત્યાંશ

‘હલ્લો... સ્પંદન...’

‘હા... બોલ વદનપ’

‘દોસ્ત, તારૂં એક કામ છે.’

‘બોલ, શું કામ છે?’

‘સ્પંદન પહેલાં તારે પ્રોમીસ આપવું પડશે કે તું મારા આ કામ માટે ના નહિ કહે.’

‘તું કેમ આજે આટલો ફોર્મલ થઈને વાત કરે છે! તારી તબિયત તો ઠીક છે ને વદન?’

‘મારે તને એક વાત કહેવાની છે, પણ ફોન પર નહિ. એના માટે આજે સાંજે રૂબરૂ મળીશું.’

‘ઓ.કે., તને જેમ યોગ્ય લાગે તેમ. તો સાંજે મળીએ.’ સ્પંદને કોલ કટ કરતાં કહ્યું.

‘સાંજે કોને મળવા જવાનું છે સ્પંદન?’ પ્રણાલીએ સ્પંદનના હાથમાં ટીફીન આપતાં પૂછ્‌યું.

‘કોઈને નહિ. વદનનો ફોન હતો, તેને કંઈક કામ છે... આજે સાંજે આવતાં થોડું મોડું થશે મારે.’

*****

‘વદન તું જે કહે છે એ શક્ય નથી.’ વદનની વાત સાંભળીને સ્પંદનને જોરદાર આંચકો લાગ્યો.

‘પ્લીઝ યાર, બધું શક્ય છે. એમાં ખોટું શું છે? ડો. દેસાઈ સાથે તો તારે સારી ઓળખાણ છે.’

‘સવાલ સાચા-ખોટાંનો નથી, મને આ યોગ્ય નથી લાગતું. પ્રણાલી અને નિયતિને ખબર પડે તો...!’

‘ખબર પડે તો ને... જો ખબર જ ન પડે તો?’ વદને સ્પંદનના ખભા પર હાથ મૂકતાં કહ્યું.

‘મતલબ...!’

‘મતલબ કે આ વાત ફક્ત તારી અને મારી વચ્ચે જ રહેશે.’ વદને વિશ્વાસ અપાવતાં કહ્યું.

‘પણ...!’ સ્પંદનને વાત ગળે ઉતરતી ન’તી.

‘પ્લીઝ સ્પંદન, માની જા. નાનપણથી અત્યાર સુધી તારી પાસે જયારે પણ કંઈ જરૂર હોય ત્યારે હકથી માંગ્યું છે, પણ આજે...’ વદન હાથ જોડીને ઊંભો રહ્યો.

‘વદન આ તું શું કરે છે? પ્લીઝ વરસોની દોસ્તીને આવી રીતે હાથ જોડીને મજાક ન બનાવ. આઈ એમ રેડી ફોર ધેટ.’ સ્પંદને બનાવટી સ્મિત દેખાડતાં કહ્યું.

***નવ મહિના બાદ***

‘સોરી સ્પંદન, હવે દવાથી નહિ પણ દુઆથી જ ચમત્કાર થઈ શકે એમ છે. બાકી તમારા માટે કુદરતી રીતે સંતાન થવાની કોઈ શક્યતા નથી.’ ડો. દેસાઈએ રીપોર્ટ જોતાં કહ્યું.

‘કંઈક તો ઉપાય હશે ને?’ સ્પંદને લાચાર થઈને પૂછ્‌યું.

‘ઉપાય તો છે, પણ એ માટે તમારે આધુનિક મેડિકલ સાયન્સનો સહારો લેવો પડે એમ છે.’ ડો. દેસાઈએ આશ્વાસન આપતાં કહ્યું.

ઘરે પહોંચતા સુધી સ્પંદનના કાનમાં ડોક્ટરની એક જ વાત ગુંજતી રહી કે ‘તમારા માટે કુદરતી રીતે સંતાન થવાની કોઈ શક્યતા નથી’.

ડોરબેલ વગાડતાં જ બારણું ખૂલી ગયું.

‘હું ક્યારની તારી રાહ જોતી હતી. રીપોર્ટ આવી ગયાં? ડોક્ટરને મળીને આવ્યો? શું કહ્યું! કોઈ પ્રોબ્લેમ તો નથી ને?’

‘પ્રણાલી, અંદર બેસીને વાત કરૂં છું.’ સ્પંદને દરવાજો બંધ કરતાં કહ્યું.

‘ઓ.કે., હવે બોલ. તું આટલી વાર ન લગાડીશ. મારો જીવ જાય છે.’ પ્રણાલી માટે હવે ધીરજ ધરવી શક્ય ન’તી.

‘રીલેક્ષ...! ભગવાન પર ભરોસો છે ને તને! બધું સારૂં થઈ જશે.’ સ્પંદને પ્રણાલીને સોફા પર બેસાડતાં કહ્યું.

‘એનો મતલબ કે કંઈક તો ગરબડ છે.’ પ્રણાલીએ મોં વડે નખ કાપતાં કહ્યું.

‘તારા રીપોર્ટ એકદમ નોર્મલ છે.’ સ્પંદને સ્વસ્થ હોવાનો દેખાડો કરતાં પ્રણાલીને આશ્વાસન આપ્યું.

‘તો પ્રોબ્લેમ શું છે?’

‘પ્રોબ્લેમ હું છું... હું પિતા બનવા માટે સક્ષમ નથી. આઈ એમ સોરી પ્રણાલી.’

‘સ્પંદન, પ્લીઝ આવું ના બોલ. આપણે બીજા ડોક્ટરનો અભિપ્રાય લઈશું. બી પોઝીટીવ...’ પ્રણાલીએ આંસુ છૂપાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં સ્પંદનને હિંમત આપી.

‘પ્રણાલી વાસ્તવિકતાનો જેટલો વહેલો સ્વીકાર કરવામાં આવે એટલું દુઃખ ઓછું થાય. ડોક્ટર બદલવાથી હકિકત બદલાવાની નથી અને આપણે જેને કન્સલ્ટ કર્યા છે તે ડો. દેસાઈ અમદાવાદના સૌથી સારા ગાયનેકોલોજીસ્ટમાંથી એક છે, એ તું પણ જાણે છે.’

‘તારી વાત સાચી છે સ્પંદન. આપણા એમની સાથે રીલેશન પણ ખૂબ સારા છે, તેમ છતાં આનો કંઈક તો ઈલાજ હશે ને?’

‘છે... કેમ કે હું અસમર્થ છું, તું નહિ.’ સ્પંદને પ્રણાલીનાં હાથ પર હાથ મૂકતાં કહ્યું.

‘તારો કહેવાનો મતલબ શું છે?’

‘વિકી ડોનર મૂવી યાદ છે ને?’ સ્પંદને એકદમ ધીમા અવાજે પૂછ્‌યું.

‘હા મને યાદ છે, પણ હું કંઈ સમજી નહિ!’

‘સ્પર્મ ડોનેશન. આ ઈલાજ છે.’ આ વખતે સ્પંદનનો અવાજ ધીમો પણ હતો અને અસ્પષ્ટ પણ.

‘વ્હોટ રબીશ...!’ પ્રણાલી સ્પંદનનો હાથ છોડાવી ઊંભી થઈ ગઈ.

‘જો સ્પંદન આ જ ઈલાજ હોય તો તું પણ સાંભળી લે તારા સિવાય બીજી કોઈપણ રીતે સંતાન થાય એ મને મંજૂર નથી.’ આટલું બોલી પ્રણાલી ગુસ્સામાં રસોડા તરફ જતી રહી.

સ્પર્મ ડોનેશનવાળો ઈલાજ પ્રણાલીને મંજૂર ન’તો અને બીજા ડોક્ટરના અભિપ્રાયવાળું સૂચન સ્પંદનને માન્ય ન’તું. છેવટે પ્રણાલીએ હારી-થાકીને સમસ્યાનું સમાધાન ભગવાન અને સમય પર છોડી દિધું.

***એક મહિના બાદ***

‘સ્પંદન ગઈ કાલે સવારે નિયતિ સાથે વાત થઈ.’ પ્રણાલી કોફીના બે મગ લઈને હિંચકા પાસે આવી.

‘શું વાત થઈ?’ સ્પંદન હિંચકો ધીમો કરતા ચમકી ગયો.

‘તે પ્રેગ્નેન્ટ છે. પાંચ મહિના જેવું થયું છે. આઈ એમ સરપ્રાઈઝ કે તને આ વાતની ખબર નથી.’ પ્રણાલીએ કોફીનો એક મગ સ્પંદનના હાથમાં આપતાં કહ્યું.

‘મને વદને ન્યુઝ આપ્યાં હતાં, પણ હું તને કહેવાનું ભૂલી ગયો.’ સ્પંદને કોફીનો ઘૂંટ ઉતારતાં કહ્યું.

‘એમની પરિસ્થિતિ પણ આપણી જેવી જ હતી ને? એમને બાળક થેન્ક્સ ટુ સ્પર્મ ડોનેશન. તને આ વાતની પણ ખબર નથી? વદને તને આ વાત ન કરી હોય એવું બને તો નહિ! તું આજકાલ મારાથી ઘણું બધું છુપાવા લાગ્યો છો.’ પ્રણાલીએ આંખ મીંચકારતા કહ્યું.

‘સીરીયસલી, આઈ ડોન્ટ નો. વદને એનો પ્રોબ્લેમ મને કહ્યો હતો. મેં એને ડો. દેસાઈને મળવાનું કહ્યું હતું. પણ પછી શું થયું એના વિશે પૂછવું મને યોગ્ય ન લાગ્યું. પણ જે હોય તે એન્ડ રિઝલ્ટ સારૂં મળ્યું એ મહત્વનું છે.’

‘સ્પંદન મને લાગે છે કે નિયતિ અને વદનનો નિર્ણય એકદમ યોગ્ય છે. આપણે પણ આ ઓપ્શન વિશે વિચારવું જોઈએ એવું તને નથી લાગતું.’

‘ના, બિલકુલ નહિ.’ સ્પંદનને જરા પણ વિલંબ કર્યા વગર વાત કાપતાં કહ્યું.

‘કેમ?’

‘આઈ ડોન્ટ નો.’ સ્પંદને હિંચકા પરથી ઊંતરીને ખાલી મગ ડાઈનિંગ ટેબલ પર મૂક્યો.

‘નિયતિ અને વદનને આપણે મળીએ તો વધારે માહિતી મળશે, પછી તું નક્કી કરજે.’ પ્રણાલીએ વાત પર ફરી આવતાં કહ્યું.

‘જે રસ્તા પર જવું જ નથી એની માહિતી મેળવીને શું કરવાનું?’ સ્પંદન ફરી હિંચકા પર બેસી ગયો.

‘પણ સ્પંદન આ વાત માટે સૌથી પહેલાં તો તે જ મને સમજાવી હતી અને હવે તું કેમ બદલાઈ ગયો!’

‘કારણ કે ત્યારે મને વિશ્વાસ હતો કે તું મારી એ વાત ક્યારેય માનીશ નહિ, એટલે જ મેં તને કહ્યું હતું.’ સ્પંદનની નજર પ્રણાલીની આંખોમાં સ્થિર થઈ ગઈ.

‘તારો વિશ્વાસ સાચો જ હતો, હું તૈયાર હતી જ નહિ. પણ નિયતિ અને વદનની વાત જાણ્‌યા પછી મને થયું કે મારો આગ્રહ ખોટો છે. વાસ્તવિકતાને સ્વીકારીને વિચારવું જોઈએ. એમાં ખોટું શું છે?’

‘સવાલ સાચા ખોટાનો નથી, પણ હવે હું કંઈક અલગ વિચારૂ છું.’ સ્પંદને હિંચકા પર બેઠા બેઠા આળશ મરડતાં કહ્યું.

‘અલગ શું?’ પ્રણાલીને આજે સ્પંદનનું વર્તન સમજાતું ન’તું.

‘નિયતિ તું તો જાણે જ છે કે અનાથાશ્રમમાં રહેતાં બાળકોને માતા-પિતા નથી હોતાં, જયારે આપણી જેવાં ઘણાં કપલ એવા છે કે જેમને સંતાન નથી હોતાં....!’

‘હા, તો શું!’

‘એમને માતા-પિતા મળી જાય અને આપણને સંતાન, જો આપણે એક બાળક દત્તક લઈએ તો?’ સ્પંદન પ્રણાલીનો જવાબ જાણવા માટે આટલું બોલીને અટકી ગયો.

અનાથાશ્રમમાં જવું એ પ્રણાલી માટે બિલકુલ નવું ન’તુ. કારણ કે લગ્ન પછી એ પણ સ્પંદનની સાથે વારંવાર અનાથાશ્રમની મૂલાકાત લેતી, પણ સ્પંદનની દત્તક લેવાની વાત તેના માટે બિલકુલ અપેક્ષિત ન’તી.

‘સ્પંદન વાસ્તવિક જીવનમાં બીજાનાં સંતાનને અપનાવીને પોતાનું બનાવવું એ તું માને છે એટલું સહેલું નથી.’

‘પ્રણાલી ફક્ત જન્મ આપવાથી જ માં બની શકાય એવું કોણે કહ્યું. માતા યશોદાએ ભગવાન કૃષ્ણને જન્મ ન’તો આપ્યો તો પણ એ કાન્હાની માં તરીકે જ ઓળખાય છે.’

‘આવું બધું વાંચવા કે સંભાળવામાં જ સારૂં લાગે. લોકો તો મને જ જવાબદાર માનશે નિઃસંતાન હોવા માટે. મારે વગર વાંકે સજા શું કામ ભોગવવાની? અને પવિત્રાની વાત ભૂલી ગયો?’ પ્રણાલીએ ચાલતો હિંચકો અટકાવતાં કહ્યું.

‘પવિત્રાની વાત હું બિલકુલ ભૂલ્યો નથી અને બીજું મને મારામાં ખામી હોવાનું કહેવામાં જરા પણ શરમ કે સંકોચ નથી.’ સ્પંદને હિંચકા પરથી ઉતરીને રૂમમાં દાખલ થતાં કહ્યું.

‘પણ લોકોના મોઢે તો તાળા મારવા નથી જવાતું ને? આવું ક્રાંતિકારી બનવા કરતાં વદનભાઈનો નિર્ણય શું ખોટો છે! તે ખરેખર બેસ્ટ સોલ્યુશન છે. પ્લીઝ માની જા.’ પ્રણાલી બે હાથ જોડીને ઉભી રહી.

‘વદનનો નિર્ણય વદનને મુબારક. બાળક દત્તક લેવું એ જ બેસ્ટ સોલ્યુશન છે. માનવાની તારે જરૂર છે મારે નહિ.’ સ્પંદન પણ બે હાથ જોડીને ઉભો રહી ગયો.

***ચાર મહિના બાદ***

‘સ્પંદન, આપણે ટેસ્ટ કરાવ્યા હતાં એ રીપોર્ટ ક્યાં છે?’ રસોડામાંથી પ્રણાલીનો અવાજ આવ્યો.

‘આટલાં દિવસો પછી હવે રીપોર્ટનું શું કામ છે? સાચાં છે કે ખોટાં એ ચેક કરવું છે?’ સ્પંદને ન્યુઝ પેપરના ન્યુઝમાંથી બહાર નીકળીને જવાબ આપ્યો.

‘મારે ચેક કરવું હોય તો પણ શક્ય નથી. એ માટે મેડીકલની ભાષા વાંચતા આવડવી જોઈએ. આ તો મેં તને વાત કરી હતી ને કે મારા મુંબઈવાળા મામાને, ત્યાંના ફેમસ ગાયનેકોલોજિસ્ટ ડો. દેશમુખ સાથે ઘર જેવા સંબંધ છે, તો મામાનો ઘણીવાર ફોન આવે છે કે તમે બંને રૂબરૂ ન આવો તો કંઈ નહિ પણ સેકન્ડ ઓપિનિયન માટે રીપોર્ટ તો મોકલાવો. મેં ઘણીવાર વાતને ટાળી પણ મામાનો બહુ આગ્રહ છે અને આમ પણ એ બહું જ લાગણીશીલ છે. તો એકવાર રીપોર્ટ મોકલી આપીએ એટલે વાત પૂરી થાય.’ રસોડામાંથી આવતો અવાજ ધીમે ધીમે રૂમમાંથી આવવા લાગ્યો.

‘તારી બધી વાત સાચી પણ એ રીપોર્ટ તો મેં પણ ધણા સમયથી જોયા નથી. ખબર નહિ ક્યાં મૂકી દિધાં છે!’ સ્પંદને ન્યુઝ પેપર સોફા પર મૂકતાં કહ્યું.

‘તારા કબાટમાં જ હોય ને બીજે જાય ક્યાં?’ પ્રણાલીએ સ્પંદનના હાથમાં ટુવાલ આપ્યો.

‘કબાટમાં જ મૂક્યા હતાં, બટ આઈ ડોન્ટ નો. તને મળે તો તું જોઈ લે. મારે ઓફિસે જવાનું મોડું થાય છે.’ સ્પંદને બાથરૂમનું બારણું બંધ કરી નળ ચાલુ કર્યો.

સ્પંદન જેવો નાહીને બહાર નીકળ્યો ત્યાં જ તેનો મોબાઈલ રણક્યો.

‘શું થયું સ્પંદન! કોનો ફોન હતો?’

‘વદનનો... ગુડ ન્યુઝ છે, બાબો આવ્યો... સાંજે હોસ્પિટલે જઈશું મળવા માટે.’

*****

‘સ્પંદન, ક્યાં સુધી સાચી વાત મારાથી છૂપાવીને રાખીશ?’ હોસ્પિટલેથી આવીને ઘરમાં પગ મૂકતાની સાથે જ પ્રણાલીએ અણધાર્યો હુમલો કર્યો.

‘કઈ વાત પ્રણાલી!’ સ્પંદને ફ્ર્‌રીજમાંથી પાણીની બોટલ કાઢતાં આશ્ચર્ય સાથે પૂછ્‌યું.

‘તું એક દત્તક પુત્ર છો એ વાત.’ પ્રણાલીએ ગુસ્સા પર કાબૂ રાખતાં કહ્યું.

‘કોણે કહ્યું તને?’ સ્પંદન ઓચિંતાના વિસ્ફોટથી ડઘાઈ ગયો.

‘કોઈના કહેવાથી જ સાચી વાતની જાણ થાય એ જરૂરી નથી. આ તો બપોરે રીપોર્ટ શોધવા માટે મેં તારો કબાટ ફંફોળ્યો તો ચોરખાનામાંથી રીપોર્ટ તો મળ્યાં, જે મેં કાલે જ સ્કેન કરીને મામાને મેઈલ કરી દીધાં, પણ સાથે એક ફાઈલ પણ મળી જેમાં તારા દત્તક અંગેના ડોક્યુમેન્ટસ હતાં. હું તને સાંજે જ પૂછવાની હતી પણ વદનભાઈને ત્યાં જવાનું હતું એટલે હું ચૂપ રહી.’

‘ગુડ, તને હવે ખબર પડી જ ગઈ છે તો મારે છૂપાવાની જરૂર નથી. હા હું દત્તક પુત્ર છું. હું સમજણો થયા પછી મમ્મી-પપ્પાએ જ મને આ વાત જણાવી હતી. એ ન’તા ઈચ્છતા કે કોઈ બહારની વ્યક્તિ દ્વારા મને આ વાતની જાણ થાય. ત્યારબાદ મેં જ મમ્મી-પપ્પા પાસે વચન માંગ્યું હતું કે આજ પછી ક્યારેય પણ આ વાતનો ઉલ્લેખ થવો જોઈએ નહિ. કાયદાની દ્રષ્ટિએ હું દત્તક છું પણ એ વાતને હું માનતો નથી. હું મારા મમ્મી-પપ્પાનો સગો પુત્ર જ છું, દત્તક પુત્ર નહિ અને હું આશા રાખું કે તું પણ આ વાત યાદ રાખીશ. આનાથી વધારે કંઈ જાણવું છે?’ સ્પંદને પાણી પીધા વગર જ બોટલ ફરી ફ્રીજમાં મૂકી દિધી.

પ્રણાલીએ પણ સ્પંદનની લાગણીને માન આપતાં વાત પર પૂર્ણવિરામ મૂકવાનું ઉચીત્ત માન્યું.

*****

વદનના ઘરેથી રાત્રે છઠ્‌ઠીના ફંક્શનમાંથી આવતાની સાથે જ સ્પંદને ટીવી ચાલુ કર્યું.

‘સ્પંદન, તું પિતા બનવા માટે સક્ષમ નથી એ વાત ખરેખર સાચી છે?’ છઠ્‌ઠીમાંથી આવ્યા બાદ પ્રણાલીના મગજમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું.

‘પ્રણાલી આ મજાક છે કે શંકા?’ સ્પંદને ટીવીની ચેનલ બદલાવતાં કહ્યું.

‘મજાક તો તું કરી રહ્યો છો. જો તું પિતા બનવા સક્ષમ નથી તો પછી વદનભાઈ અને નિયતિના ઘરે બાળકનો જન્મ થયો કઈ રીતે?’ પ્રણાલીએ સ્પંદનના હાથમાંથી રિમોટ લઈને ટીવી બંધ કરી દીધું.

‘શું બકવાસ કરે છે તું? ઈનફ ઈઝ ઈનફ.’ સ્પંદને પ્રણાલીના હાથમાંથી રિમોટ ઝુંટવીને ફરી ટીવી ચાલુ કર્યું.

‘અવાજ ઊંંચો કરવાથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. મારે તને કહેવાનું હોય કે ઈનફ ઈઝ ઈનફ. નિયતિ માં બની શકી બીકોઝ ઓફ યુ. સ્પર્મ ડોનર બીજું કોઈ નહિ તું જ છો સ્પંદન.’ પ્રણાલીનો અવાજ ઊંંચો થઈ ગયો.

‘કોણે કહ્યું તને આવું બધું.’ સ્પંદને પ્રણાલીની સામે નજર મેળવવાનું ટાળ્યું.

‘દરેક વખતે કોણે કહ્યું એ મહત્વનું નથી હોતું, મહત્વનું હોય છે સાચું શું છે.’ પ્રણાલીએ સ્પંદનની બાજુમાં બેસતાં કહ્યું.

‘તું શું કહેવા માંગે છે એ મને નથી સમજાતું.’ સ્પંદનની નજર ટીવી સામે જ હતી.

‘સમજાતું નથી કે પછી સમજવું નથી?’ પ્રણાલીએ એક વાર ફરી ટીવી બંધ કરી દીધું.

‘તારે જે સમજવું હોય તે સમજ.’ સ્પંદન ઊંભો થઈને પ્રણાલીથી દૂર બેસી ગયો.

‘એ બંનેનું જીવન તો તે ખુશીથી ભરી દીધું, પણ મેં શું ગુન્હો કર્યો છે કે....?’ પ્રણાલીની આંખો ભીની થઈ ગઈ.

‘પ્રણાલી એવું નથી. તને કંઈક સમજફેર થઈ લાગે છે.’ સ્પંદને પાણી આપતાં કહ્યું.

‘સ્પંદન, હજી તું કેટલું ખોટું બોલીશ. નાવ આઈ નો ધ ટ્રુથ. સો પ્લીઝ...’ પ્રણાલીએ પાણીનો ગ્લાસ લઈને જમીન પર ફેક્યો.

‘ઓ.કે., હું કબૂલ કરૂં છું કે મેં તારાથી સ્પર્મ ડોનેશનવાળી વાત છૂપાવી. પણ છૂપાવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ ન’તો.’ સ્પંદને પ્રણાલી સામે નજર મેળવીને બોલવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયો. એટલે જમીન પર પડેલાં ગ્લાસના ટુકડાને ભેગાં કરવા લાગ્યો.

‘હું એ વાતથી દુઃખી નથી કે તું કોઈના જીવનમાં ખુશીનું કારણ બન્યો, પરંતુ દુઃખ તો એ વાતનું છે કે કદાચ તે પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે આપણું સંતાન હોસ્પિટલેથી ઘરે નહિ આવે, આવશે તો ફક્ત અનાથાશ્રમમાંથી જ.’ પ્રણાલીના અવાજમાં લાચારી પણ હતી અને ગુસ્સો પણ.

‘પ્રણાલી...! હવે તું ખોટી દિશામાં વિચારી રહી છો.’

‘ખોટી દિશામાં જવાની શરૂઆત કોણે કરી? રીપોર્ટ ખોટા હતાં કે તે મને ખોટું કહ્યું કે પછી...!’

‘પછી શું?’

‘તું જ ખોટો છો.’

‘પ્રણાલી પ્લીઝ મને બોલવાનો તો મોકો આપ.’

‘મને તારા પર હવે બિલકુલ ભરોસો નથી. હારેલો જુગારી બમણું રમે. હું નથી ઈચ્છતી કે તારે વધારે ખોટું બોલવું પડે અને આમ પણ સ્પંદન અનાથાશ્રમમાંથી બાળક દત્તક લેવા માટે નિઃસંતાન હોવું જરૂરી નથી. હું સમજું છું કે તને અનાથ બાળકો માટે સોફ્ટ કોર્નર હોય એ સ્વભાવિક છે, પણ એનો મતલબ એવો કે તારે આવા બધાં નાટક કરવા પડે!’ પ્રણાલી માટે અટકવું મુશ્કેલ હતું.

‘મેં કોઈ નાટક કર્યું નથી, હું તને કેમ સમજાવું...?’ સ્પંદને પ્રણાલીને અધવચ્ચેથી અટકાવતાં કહ્યું.

‘થેંક યુ વેરી મચ. મારે આનાથી વધારે સમજવું પણ નથી. લોકો તો સંતતિનિયમનનો વિચાર સંતાન પછી કરે છે, જ્યારે તે તો સંતાન પહેલાં જ...?’

‘બસ પ્રણાલી. ડોન્ટ ક્રોસ ધ લિમિટ. આ તારી શંકા છે અને શંકાનો કોઈ ઈલાજ નથી હોતો. શંકા આપણને બરબાદ કરી નાખે એ પહેલાં પ્લીઝ સ્ટોપ રાઈટ નાવ...’ સ્પંદને બે હાથ જોડતાં કહ્યું.

‘તો પછી આપણે કેમ હજી સુધી સંતાનથી વંચિત છિએ?’ પ્રણાલીનો અવાજ તરડાઈ ગયો.

‘પ્રણાલી ધણી વાર અસત્ય એટલું દુઃખ નથી આપતું જેટલું સત્ય આપે છે.’ સ્પંદને પ્રણાલીના ખભા પર હાથ મૂકતાં કહ્યું.

‘સત્ય હોય તો સામે આવે ને! દરેક ખોટું બોલનાર આવું જ બોલતાં હોય છે. તે જે પણ કંઈ કર્યું એ યોગ્ય નથી કર્યું. મેં કદી સપનામાં પણ ન’તું વિચાર્યું કે તું મારી સાથે આવું કરીશ.’ પ્રણાલીએ સ્પંદનનો હાથ ખસેડતા કહ્યું.

‘પ્રણાલી એવું નથી!’

‘મારે તારી કોઈ વાત સાંભળવી નથી.’ સ્પંદન કંઈ આગળ બોલે એ પહેલા જ પ્રણાલીએ તેને બોલતો અટકાવીને ચાલવા લાગી.

‘પ્રણાલી તારે આખી વાત સાંભળવી જ પડશે.’ સ્પંદને પ્રણાલીનો હાથ મજબૂત રીતે પકડીને બેડરૂમમાં જતાં અટકાવી.

‘કેવી રીતે સાંભળું અને માનું તારી વાત? ડો. દેસાઈ અને ડો. દેશમુખ બંનેનું કહેવું એવું છે કે તું પિતા બનવા સક્ષમ નથી. એ બંને તો ખોટાં ન જ હોય ને! આપણી સંતાન માટેની ઈચ્છા, રાહ જોયા બાદ આપણાં ટેસ્ટ, ડોક્ટરનું નિદાન, નિયતિનું ઈનડાયરેક્ટલી તારાં લીધે માં બનવું, આ બધી વાત એક જ વાત તરફ ઈશારો કરે છે કે તું જ ખોટો છો. તારાં રચેલાં ચક્રવ્યુહમાં હવે તું જ ફસાઈ ગયો છો. હવે હું એક પણ શબ્દ સાંભળવા નથી માંગતી.’ પ્રણાલી ઝાટકાભેર હાથ છોડાવીને અંદર બેડરૂમમાં જતી રહી.

વિવશ સ્પંદનની આંખો છૂપાયેલાં આંસુને વધારે સમય રોકી ન શકી. ત્યાં જ એકાએક જોરદાર પવન ફૂંકાયો અને રૂમમાં બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. ખુલ્લી બારી જોરથી અથડાઈને બંધ થઈ ગઈ, બારીના કાચમાં તિરાડ પડી ગઈ.

‘સ્પંદન થેંક યુ સો મચ. દોસ્ત તું સ્પર્મ ડોનેશન માટે રાજી થયો ન હોત તો હું પણ બીજા કોઈને મારા સંતાનનો બાયોલોજીકલ ફાધર બનાવવા તૈયાર ન’તો. પણ થેંક ગોડ કે તું આનાકાની બાદ એ માટે તૈયાર થઈ ગયો. અમને સંતાનસુખ આપવા બદલ હું કાયમ તારો ઋણી રહીશ.’ વદનના આ શબ્દો સતત પ્રણાલીના કાનમાં ગૂંજી રહ્યા હતાં. છઠ્‌ઠીનું ફંક્શન પુરૂં થયા બાદ સ્પંદનને ઘરે જવા માટે બોલાવવા ગઈ ત્યારે અનાયાસે પ્રણાલીના કાનમાં આ શબ્દો કેદ થઈ ગયાં હતાં.

*****

બીજા દિવસે સવારે પ્રણાલીનો મૂડ થોડો સારો દેખાતાં, સ્પંદને રાતની અધૂરી વાત આગળ ધપાવતાં કહ્યું, ‘પ્રણાલી મેં તને પહેલાં પણ કહ્યું હતું કે હું પવિત્રાની વાત બિલકુલ ભૂલ્યો નથી, એટલે જ મેં તારાથી સત્ય છૂપાવ્યું. તમે બંને ટ્‌વિન્સ તો છો, પણ તમારા બંનેનો સ્વભાવ પણ એકસરખો જ છે. બે વરસ પહેલાં જે પણ કંઈ બન્યું એ વાતથી તો મને ડર લાગે છે. તારી હાલત પણ પવિત્રા જેવી થાય તો...! એ વિચારમાત્રથી હું કંપી ઉઠું છું. જન્મજાત ખામીને લીધે પવિત્રા માં બનવા માટે અસમર્થ, દોષ્િાત હોવાની લાગણી, સંતાનને લઈને કુટુંબની તથા સમાજની સ્ત્રી પ્રત્યે અપેક્ષા અને આક્ષેપો, ડીપ્રેશન, આત્મહત્યાનો પ્રયાસ, સાયકો થેરાપી એક એક વાત યાદ છે મને. હું તને પવિત્રાની જેમ જોવા નથી માંગતો.’

‘તું કહેવા શું માંગે છે?’ પ્રણાલીએ ખુલ્લાં વાળ બાંધતા સ્પંદન સામે શંકાની દ્રષ્ટિએ જોયું.

‘એ જ કે જે હું તને ક્યારેય કહેવા ન’તો માંગતો. તને જે ખબર છે એ ફક્ત સત્યાંશ છે. પૂર્ણ સત્યથી તો તું હજી અજાણ જ છો, પણ હવે કહેવાનો સમય આવી ગયો છે. કેમ કે બાકી તારી શંકા આપણને અલગ કરીને છોડશે. એટલે હવે હું જે કહેવા જઈ રહ્યો છું એના પર તારે વિશ્વાસ કરવો જ પડશે.’ સ્પંદને પૂરી દ્રઢતાથી સત્યને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો.

‘વિશ્વાસ કરવો કે શંકા એ તારી વાત પર આધાર રાખે છે. પહેલાં બોલ વાત શું છે?’ સ્પંદન પ્રણાલીનો વિશ્વાસ બિલકુલ ગુમાવી ચૂક્યો હતો.

‘પ્રણાલી, હું પિતા બનવા માટે બિલકુલ સક્ષમ છું. પણ જન્મજાત ખામીને કારણે પવિત્રાની જેમ તું પણ માં બનવા માટે સક્ષમ નથી. અને બીજું ડો. દેસાઈએ તો મને સાચું જ કહ્યું હતું પણ મેં તને ખોટું જણાવ્યું. મેં એમને પણ કહ્યું હતું કે એ ક્યારેય તને આ સાચી હકિકત ન જણાવે. જયારે ડો. દેશમુખે પણ તારા મામાને તો સાચું જ કહ્યું હતું, પણ મેં મામાને તને ખોટું જણાવવા માટે સમજાવી દીધાં હતાં. મારી વાત પર વિશ્વાસ આવે છે કે હજી પણ શંકા છે?’

‘મને કંઈ સમજાતું નથી.’ પ્રણાલીને નબળાઈ જેવું લાગતાં સોફા પર બેસી ગઈ.

‘તને હજી પણ મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો હું હમણાં જ તારી ડો. દેસાઈ અને મુંબઈ મામા સાથે મોબાઈલ પર વાત કરાવવા તૈયાર છું. તને જ્યાં સુધી વિશ્વાસ ન આવે ત્યાં સુધી હું સાબિતી આપીશ. મારાં ખોટા બોલવા પાછળ મારો એક જ અંગત સ્વાર્થ હતો અને એ તું છો પ્રણાલી. મારામાં તારી આ શંકા અને ઉપેક્ષાને સહન કરવાની શક્તિ નથી.’ સ્પંદનના ગળે ડૂમો ભરાઈ ગયો.

‘હું શું રિએક્શન આપું?’ પ્રણાલી કપાળ પર બે હાથ રાખી, નીચે જમીન તરફ જોતાં ધીમેથી રડમસ અવાજે બોલી.

‘પ્રણાલી ઘણી વખત જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર એ જ સમસ્યાનું સમાધાન હોય છે. મેં તારાથી સાચી વાત છૂપાવી કારણકે મને ડર હતો કે જો તારાથી સત્ય હકીકતનો સ્વીકાર નહિ થાય તો... આ ‘તો...’ જ મને ડરાવતો હતો. પણ વાત છૂપાવાથી પણ એ જ થવા જઈ રહ્યું હતું જેનો મને ડર હતો.’ સ્પંદને આંસુ છૂપાવાનો પ્રયત્ન કર્યો પણ તેની આંખોએ સાથ ન આપ્યો.

‘મારા નસીબને દોષ આપું કે ખુદને સજા આપું કે પછી ભગવાનનો આભાર માનું?’ પ્રણાલીએ સ્પંદનની બાજુમાં બેસી તેનો હાથ પકડતાં કહ્યું.

‘પ્રણાલી હું ખોટો નથી. ટ્રસ્ટ મી.’ સ્પંદન પાસે શબ્દો ખૂટી ગયાં.

‘સ્પંદન તારો ડર બિલકુલ સાચો હતો. જો મને ખબર પડી હોત કે હું માં બની શકું એમ નથી તો મારી માનસીક હાલત પણ પવિત્રા જેવી જ થઈ હોત. અમારા બંનેનો સ્વભાવ સરખો જ છે. પણ આટલી બધી ઘટના બાદ હવે હું એટલી તો માનસીક સજ્જ થઈ ગઈ છું કે ખુદને સંભાળી શકું. તને કહેવા માટે મારી પાસે સોરી પણ નથી અને થેન્ક યુ પણ નથી. કારણ કે આ બંને શબ્દો બહુ ટૂંકા છે તારી માફી માંગવા કે પછી આભાર માનવા માટે. પણ તારા જેવો જીવનસાથી મારી જિંદગીમાં આશિર્વાદરૂપે આપવા બદલ ભગવાનનો હું ચોક્કસથી આભાર માનીશ.’ પ્રણાલીએ બે હાથ જોડતાં કહ્યું.

‘નો સોરી, નો થેન્ક યુ.... આપણો સંબંધ એટલો પણ નબળો નથી પડયો કે શબ્દોની ફોર્માલીટી કરવી પડે. તું તારી જગ્યાએ સાચી જ છો, મેં પણ તારાથી ઘણી વાત છૂપાવી, કદાચ તારી જગ્યાએ હું હોત તો મારૂં રીએક્શન આનાથી પણ વધારે તીવ્ર હોત. જે થયું તે થઈ ગયું.... એ બધું યાદ રાખવાની કે યાદ કરવાની કોઈ જરૂર નથી. માતૃત્વ એ સ્ત્રીને ભગવાને આપેલું વરદાન જરૂર છે, પણ નિઃસંતાન હોવું એ ભગવાને આપેલો શ્રાપ બિલકુલ નથી. સો ટેક ઈટ ઈઝી. તો આપણે કાલથી જ માતા-પિતા બનવાની તૈયારી શરૂ કરીએ?’ સ્પંદને પ્રણાલીના જોડેલા હાથને ચુંબન કરતાં છેલ્લું વાક્ય ધીમેથી કાનમાં કહ્યું.

‘કેવી તૈયારી...!’

‘કાલે જ આપણે અનાથાશ્રમ જઈએ, બાળક દત્તક લેવા માટે. આઈ હોપ યુ એગ્રી વીથ મી!’ સ્પંદનના મોં પર સ્મિત રમવા લાગ્યું.

‘નો, નોટ એટ ઓલ. હું તારી વાત સાથે બિલકુલ સહમત્ત નથી.’ પ્રણાલીના ચહેરાના હાવભાવ બિલકુલ બદલાઈ ગયાં.

‘કેમ...! તો તારો શું અભિપ્રાય છે?...... જે હોય તે, આઈ એમ વીથ યુ.’ પ્રણાલી કંઈ જવાબ આપે એ પહેલા જ સ્પંદને નિરાશ થઈને ખુદને જવાબ આપી દીધો.

‘કાલે નહિ આજે જ જવાનું છે.’ પ્રણાલી ઊંભી થઈને ખડખડાટ હસવા લાગી.

‘ઓહ! તે તો ગભરાવી દિધો મને. તો પછી આજે શું કામ? અત્યારે જ ચાલો...’ સ્પંદને પ્રણાલીને પોતાના તરફ ખેચતા આંખ મીંચકારી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED