પાનખરને પ્રતિક્ષા વસંતની Chirag Vithalani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાનખરને પ્રતિક્ષા વસંતની

‘પાનખરને પ્રતિક્ષા વસંતની’

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે. સાંજનો સમય. સૂરજને વિદાય આપતો ચંદ્ર તેની સેના સાથે ધીરે-ધીરે અજવાળાને ઓગાળી રહ્યો હતો. વાહનોની હેડ-લાઈટ અંધકારનો સામનો કરવા સજ્જ થવા લાગી હતી. જુદી-જુદી બ્રાન્ડની ગાડીઓ એકબીજા સાથે હરીફાઈ કરતી, આગળ જઈ રહી હતી. એવામાં એક યુવકની પૂરઝડપે જતી ગાડી ડીવાઈડર સાથે ધડામ્ કરતી અથડાઈ. આજનાં આટલાં ઝડપી યુગમાં કોને સમય હોય છે આવા રોડ અકસ્માત માટે! અને એમાં આ તો પાછો એક્સપ્રેસ હાઈવે. અમુક લોકોએ ચાલુ વાહને નજર નાંખીને વાતો કરી કે કોઈનો અકસ્માત થયો લાગે છે, પણ કોઈ ઉભા ન રહ્યાં. દરેકમાં અપવાદ સંસારનો નિયમ છે, તેની સાબિતીરૂપે એક ગાડી ઉભી રહી અને તેમાંથી એક યુવાન મદદ માટે બહાર પણ આવ્યો. તેણે તાત્કાલિક મોબાઈલ કરી એમ્બ્યુલન્સ બોલાવી.

----------

થોડા સમય બાદ અકસ્માતમાં ઘવાયેલા યુવકને હોંશ આવી ગયો. આંખો ખુલતા જ તેને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક હતું. રૂમમાં આજુબાજુ નજર દોડાવતાં તેને એક સાવ અપરિચિત ચહેરો દેખાયો અને સાથે જ તેનો અવાજ પણ સાંભળવા મળ્યો.

‘મૌલિક, હવે કેવું લાગે છે?’

નામ સાંભળતા જ મૌલિક ચોંકી ગયો.

‘તમને હું નથી ઓળખતો, પણ તમને મારૂં નામ...?’

‘ડોન્ટ થીંક મચ, હું કંઈ સુપરપાવર નથી. તારા ડ્રાઈવીંગ લાયસન્સમાંથી તારૂં નામ અને સુરતનું તારા ઘરનું એડ્રેસ જાણવા મળ્યું.’

‘ઓહ! તમારૂં નામ? તમે જ મને અહિ લાવ્યા?’

‘હું નહિ તારી ઝડપ તને અહિ વડોદરામાં લઈ આવી. બાય ધ વે મારૂં નામ સ્પર્શ છે.’

‘હું તમારો આભારી છું.’

‘આભારવિધિ પછી, અત્યારે આરામ કર. ડોક્ટરે બહુ બોલાવની ના કહી છે. ગુડ નાઈટ...’

‘ઓ.કે....ગુડ નાઈટ...’

બે દિવસ બાદ, એકાદ અઠવાડિયું આરામ કરવાની સુચના સાથે, મૌલિકને હોસ્પીટલમાંથી રજા મળી ગઈ. મૌલિકની ઘણી આનાકાની છતાં સ્પર્શ તેને પોતાના ઘરે લઈ ગયો. મૌલિકે મકાનમાં ચારેતરફ નજર નાંખી. એક રૂમ હતો, તેની સાથે જ ઓપન કિચન હતું. જરૂરી બધું જ ફર્નીચર અને વસ્તુઓ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતાં.

‘કેમ, ઘરે કોઈ નથી?’ મૌલિકે પલંગ પર આરામ કરતાં કહ્યું.

‘ના’

‘બહાર ગયા છે?’

‘ના, મારૂં ઘર મારા પુરતું જ સીમિત છે.’

‘હું સમજ્યો નહિ.’

‘હું અનાથાશ્રમમાં મોટો થયો છું.’

‘ઓહ! આઈ એમ સોરી.’

‘ઈટ્સ ઓકે. એમાં તારો શું વાંક છે.’

સ્પર્શ કોફી બનાવા કિચનમાં ગયો ત્યાં જ મૌલિકનો મોબાઈલ રણક્યો.

‘હું એક વીક પછી આવીશ.’

‘ઘરેથી ફોન હતો ને...! બહુ ટૂંકમાં વાત કરી.’ સ્પર્શે કોફીનો મગ મૌલિકના હાથમાં આપતાં પૂછ્યું.

‘સારૂં કર્યું તમે કોફી લઈ આવ્યા.’ મૌલિકે વાત બદલતાં કહ્યું.

‘કોફી ઓકે છે ને?’

‘ઓકે નહિ, ફર્સ્ટ ક્લાસ છે. તમે રસોઈ પણ જાતે જ બનાવો છો?’

‘હા, બોલ તારે શું ખાવું છે?’

‘તમને જે યોગ્ય લાગે તે, મારી કોઈ પસંદગી નથી.’ મૌલિકે ઉદાસ થઈને કહ્યું.

બોલતાં બોલતાં ઓચિંતાનું મૌલિકનું ધ્યાન તેની સામે ટેબલ પર પડેલા પુસ્તક પર ગયું. તે ઊભો થઈને ટેબલ પાસે ગયો.

‘અરે વાહ! આ તો મારા ફેવરીટ રાઈટરની નવલકથા છે.’ મૌલિકે બૂક હાથમાં લેતાં કહ્યું.

‘કોણ... એહસાસ?’

‘હા...’

‘તારા પ્રિય લેખક છે એમ?’ સ્પર્શે તેમની બીજી ઘણી બૂક દેખાડતાં કહ્યું.

‘હા, છેલ્લાં પાંચેક વરસમાં તો મારી જેમ એ ઘણાનાં ફેવરીટ રાઈટર હશે.’

‘સારૂં લખે છે નહિ?’

‘સારૂં નહિ, ખૂબ જ સરસ કહો. જે પણ લખે છે તે દિલથી લખે છે. પણ એના નામથી વિશેષ એમની કોઈ અંગત માહિતી જાણવા મળતી નથી.’

‘આમ પણ તેનું શું કામ છે? લેખકની ઓળખાણ એમનાં શબ્દો હોય છે. એમને લો-પ્રોફાઈલ રહેવું ગમતું હશે! એ મારા પણ પ્રિય લેખક છે.’

----------

આવી જ રીતે એક અઠવાડિયું પુરૂં પણ થઇ ગયું. હવે મૌલિક એકદમ સ્વસ્થ લાગતો હતો. સ્પર્શે ઘણી વખત મૌલિકની ઉદાસીનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો પણ દરેક વખતે તેણે જવાબ આપવાનું ટાળી દીધું. તેમ છતાં એક અઠવાડિયાના અંતે બંને અપરિચિતમાંથી મિત્રો બની ગયાં, છુટાં પડતાં આંખો ભીની થઈ જાય એવા મિત્રો.

‘ચાલો તો હું જવાની રજા લઈશ.’

‘ઈચ્છા તો નથી થતી તને જવા દેવાની, પણ...’

‘આ એક અઠવાડિયું તમે મારા માટે જે પણ કંઈ કર્યું તેનો આભાર માનીને હું ભાર ઉતારવા નથી માંગતો. આ ઋણ સમય આવે હું જરૂરથી ચૂકવીશ.’

‘આભાર તો મારે તારો માનવો જોઈએ કે મને મિત્રનાં રૂપમાં નાનો ભાઈ મળ્યો.’ બંને એકબીજાને ગળે મળીને છુટાં પડ્યાં.

----------

સમય પસાર થવા લાગ્યો. બંને મિત્રોનો સંપર્ક છુટાં પડ્યા બાદ પણ મોબાઈલ, ચેટ, મેસેજ, ફેસબૂક, વ્હોટસ એપ દ્વારા ચાલુ રહ્યો. એવામાં એક દિવસ મૌલિકે સ્પર્શને અગાઉથી જાણ કર્યા વગર વડોદરા આવીને સરપ્રાઈઝ આપી.

‘ભાઈ, આ મીઠાઈનું પેકેટ ખાસ તમારા માટે.’

‘કઈ ખુશીમાં...? છોકરી, નોકરી, સગાઈ કે...’

‘વન મિનીટ ભાઈ, એવું કઈ પણ નથી. આ તો મેં હમણાં કેટની એક્ઝામ આપી હતી તેનું રીઝલ્ટ આવી ગયું એટલે.’

‘વાહ, વાહ... કોન્ગ્રેચ્યુલેશન. અમદાવાદ આઈ.આઈ.એમ.?’

‘સ્ટોપ, સ્ટોપ ભાઈ...! આ મીઠાઈ સફળતા માટેની નથી, પણ ક્વોલીફાય ન થયો એ માટેની છે.’

‘કેમ આવું બોલે છે? નિષ્ફળતાનો ગુસ્સો છે કે અકસ્માતની મગજ પર અસર?’ સ્પર્શને મૌલિકનું વર્તન સમજાયું નહિ.

‘અકસ્માતની અસર તો સારી જ હતી, અને આ નિષ્ફળતાનો ગુસ્સો નથી, આનંદ છે. હું ખુશ છુ.’

‘હજી મને સમજાતું નથી તારૂં આ નિષ્ફળતાનાં આનંદ અને ખુશી પાછળનું ગૂઢ રહસ્ય?’

‘મારે તમને ઘણું બધું કહેવાનું છે, પણ એ પહેલા પેટપૂજા કરવી પડશે.’

આરામથી જમ્યા બાદ મૌલિકે વાતની શરૂઆત કરી,

‘ભાઈ, જે સાંજે મારૂં એકસીડન્ટ થયું તે સમયે હું ખરેખર બેધ્યાન જ હતો. મને જીવન પ્રત્યેથી મોહ ઉડી ગયો હતો. હું વિચારતો હતો કે આનાં કરતાં તો મરી જવું સારૂં અને એ જ સમયે ગાડી ડીવાઈડર સાથે અથડાઈ ગઈ. પણ તમારે ત્યાં અઠવાડિયું રહ્યા પછી જાણે કે મારો જીવન પ્રત્યેનો અભિગમ જ બદલાઈ ગયો. હું માનું છું કે આત્મહત્યા એ ભાગેડુ વૃતિ છે અને એ સમય જીવનની ખૂબ જ નબળી ક્ષણ હોય છે. જો એ ક્ષણ પસાર થઈ ગઈ તો જીવન છે બાકી મૃત્યુ તૈયાર જ હોય છે. તમારી નિઃસ્વાર્થ સેવા, બદલાયેલું વાતાવરણ, તમારી સાથેની મિત્રતા આ બધાં પરિબળોએ મને એક નવી તાજગી અને શક્તિ આપી વિષમ પરિસ્થિતિ સામે ટકી રહેવાની.’ મૌલિક એકદમ ગંભીરતાથી પણ પૂરેપૂરી સ્વસ્થતાથી આગળ વધી રહ્યો હતો.

‘ભાઈ મારા ઘરમાં હું સૌથી નાનો છું. મારાથી મોટો ભાઈ અને સૌથી મોટી બહેન છે. બંને IIT અને IIM ડીગ્રીધારકો છે. પપ્પાએ પણ વરસો પહેલા એન્જીનીયરીંગ કરેલું છે. એમની ઈચ્છા IIT માંથી એન્જીનીયર બનવાની હતી પણ પ્રતિકૂળ સંજોગોને લીધે ઈચ્છા પૂરી ન થઈ. પણ તેમનાં અધૂરાં સપનાને પૂરા કર્યા મારા ભાઈ-બહેને. મારે પણ એ જ રસ્તા પર ચાલવાનું છે એવું નાનપણથી જ નક્કી કરવામાં આવ્યું હતું. પણ મેં એ પરંપરા તોડી IIT માં એડમિશન ન લઈને. JEE ની એકઝામમાં ક્વોલીફાય ન થયો, એટલે સ્ટેટની એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન લેવું પડ્યું. ચાર વરસ બાદ એન્જીનીયર તો બની ગયો પણ ત્યારબાદ મને એક વરસ માટે કેટની તૈયારી કરવાનું કહેવામાં આવ્યું. ફરી ઈતિહાસનું પુનરાવર્તન થયું... આઈ મીન, વેરી લો સ્કોર ઈન કેટ. તેમ છતાં ફરી એક વરસ બગાડીને કોઈપણ હિસાબે સારો સ્કોર લાવવા માટે દબાણ કરવામાં આવ્યું, અમદાવાદ ક્લાસ પણ કર્યા, પણ રીઝલ્ટમાં કોઈ સુધારો ન થયો. એટલે હવે ઘરે બધાએ મારી પાસેથી IIM ની આશા છોડી દીધી છે અને મને ગમે તે કરવાની છૂટ આપવામાં આવી છે. આ તેઓની મરજી નથી પણ મજબૂરી છે.’

‘મૌલિક તે આવું કેમ કર્યું? તને આટલું સરસ ભણવા માટે પ્રોત્સાહન અને વાતાવરણ આપ્યું છતાં આવું બેજવાબદારીભર્યું વર્તન કેમ?’ સ્પર્શે મૌલિકે વાત પૂરી કરતાં પૂછ્યું.

‘તમારી વાત સો ટકા સાચી છે ભાઈ. પણ IIT કે IIM એ મારૂં ડ્રીમ હતું જ નહિ.’

‘તો તારે શું ભણવું હતું?’

‘મારે ફાઈન આર્ટસમાં જવું હતું. પેઈન્ટીંગ એ મારૂં પેશન હતું, છે અને કાયમ રહેશે. દસમા ધોરણ પછી મેં જયારે આ વાત જાહેર કરી ત્યારે અમારા ધરમાં ભૂંકપ આવી ગયો. સાયન્સ રાખવું પડ્યું. બારમા ધોરણ પછી JEE માં ઓછો સ્કોર આવ્યો ત્યારે ફરી વાત કરી તો ત્યારે ઘરમાં સુનામી ફરી વળી. એન્જીનીયરીંગમાં એડમિશન લેવું જ પડ્યું. અમદાવાદ કે વડોદરા એડમિશન ન મળ્યું પણ વલ્લભ વિદ્યાનગર એડમિશન મળી ગયું. ત્યાં હું એકલો રૂમ રાખીને રહેતો હતો, એ પાછળનું કારણ હતું કે હું સારી રીતે વાંચી શકું એટલે રીઝલ્ટ સારું આવે. આ તકનો લાભ ઊઠાવીને મેં મારાં રૂમને પેઈન્ટીંગ સ્ટુડીયોમાં ફેરવી નાખ્યો. હું સમય બચાવીને મારૂં ગમતું કામ કરતો. ત્યાં રહીને મેં ઘણાં બધાં પેઈન્ટીંગ કર્યા. અમદાવાદ, વડોદરા અને મુંબઈમાં યોજાયેલ એગ્ઝીબીશનમાં ભાગ પણ લીધો. મારાં વર્કના વખાણની સાથે, ઘણાં પેઈન્ટીંગ ભગવાનની કૃપાથી સારી કિંમતે વેચાયા પણ ખરા. આમ એ જીંદગી મારાં માટે સ્વર્ગ સમાન હતી. પરંતુ એન્જીનીયર બન્યા બાદ ફરી કેટનું ભૂત ધૂણ્યું એટલે મારી બધી પ્રવૃતિઓ બંધ થઈ ગઈ. એકવાર લો સ્કોર આવ્યો એટલે અમદાવાદ મોકલ્યો સારા કોચીંગ માટે. ફરી મને સ્વર્ગ મળી ગયું. મારો રૂમ ફરી બની ગયો મારો સ્ટુડીયો. પરંતુ આ વખતે પરિસ્થતિ થોડી અલગ હતી પહેલા કરતાં...’

છેલ્લું વાક્ય બોલતાં મૌલિકનો અવાજ થોડો બદલાયો. એના બદલાયેલા હાવભાવની સ્પર્શે નોંધ લેતાં કહ્યું,

‘કેમ અટકી ગયો? શું અલગ હતું? વાતાવરણ કે પરિસ્થતિ...?’ સ્પર્શે આંખ મીંચકારતા પૂછ્યું.

‘શું કહું તમને?’

‘એનું નામ બીજું શું...!’

‘તમને કેવી રીતે ખબર પડી?’ મૌલિકે આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘તને કેટલાં વરસ થયાં?’ સ્પર્શે પ્રશ્નનો જવાબ પ્રશ્નથી આપ્યો.

‘ચોવીસ...! કેમ?’

‘તારી કરતાં પાંચ દિવાળી વધારે જોઈ છે... તારો ચહેરો વાંચીને પાગલ. હવે નામ બોલ આમ શરમાયા વગર.’

‘મોહિની નામ છે.’

‘પછી આગળ શું? હું જેટલું પૂછું એટલું જ તારે બોલવાનું છે!’

‘ઓ.કે. હું તમને વિગતવાર કહું છુ. અમદાવાદમાં મેં જ્યાં રૂમ ભાડે રાખ્યો હતો, તેની બાજુમાં જ મોહિની ડાન્સ ક્લાસ ચલાવતી હતી. પહેલાં દિવસે મેં જયારે ગેલેરીની બારી ખોલી ત્યાં જ મારી આંખો સ્થિર થઇ ગઈ, નજર ચોંટી ગઈ ભગવાનનાં બેનમૂન સર્જન એવી એક બેહદ ખૂબસૂરત યુવતી પર. એ જેટલી સુંદર હતી એટલો જ સુંદર અને ગરિમાપૂર્ણ એનો ડાન્સ હતો. મેં તરત જ એનાં ડાન્સ ક્લાસમાં જવાનો નિર્ણય કરી લીધો. બીજા દિવસથી નિર્ણયનો અમલ પણ શરૂ થઈ ગયો. દરરોજ સાંજે બે કલાક. આ બે કલાક માટે હું દિવસના બાવીસ કલાક પસાર કરતો હતો. એ દરરોજ સવારે નવ વાગે આવતી અને પછી સાંજે જ ઘરે જતી. હું દરરોજ અલગ-અલગ બહાનાં દેખાડીને તેની નજીક રહેવાનો પ્રયત્ન કરતો. અને હા, એહસાસ એમનાં પણ આપણી બંનેની જેમ પ્રિય લેખક છે. એમની પણ બહુ ઈચ્છા છે એહસાસને મળવાની.

ગમતાં દિવસો ઝડપથી પસાર થતા હોય છે. દિવસો ક્યારે મહિનામાં બદલાઈ ગયાં તેની ખબર જ ન પડી. અમે ખાસ ફ્રેન્ડ બની ગયાં. દરેક દિવસે, દરેક ક્ષણે મારી મોહિની પ્રત્યેની લાગણી તીવ્ર બનતી ગઈ. મારી લાગણીથી અજાણ મોહિની સમક્ષ મેં પ્રેમનો પ્રસ્તાવ મુકવાનું નક્કી કર્યું, પણ એવો મોકો મળ્યો જ નહિ કે પછી સાચું કહું તો મારી હિંમત જ ન થઈ. અકસ્માત થયો તેનાં એકાદ અઠવાડિયા પહેલાની વાત હશે. એ રાત્રે મેં મોહિનીને મેસેજ કર્યો.

“મોહિની મને નથી ખબર કે તારો મારાં વિશે શું વિચાર છે? પરંતુ મારાં જીવનમાં હવે તારૂં સ્થાન ફક્ત ફ્રેન્ડ તરીકેનું જ નથી રહ્યું, તેનાથી ઘણું આગળ, સમથીંગ સ્પેશિઅલ, તેને શું નામ આપવું તે સમજાતું નથી. કદાચ આને જ પ્રેમ કહેવાતો હશે! આઈ ડોન્ટ નો... પણ એટલી ખબર છે કે તારા વગર હું અધૂરો છું...તને કહેવા માટે કેટલું બધું હતું પણ નથી લખી શકાતું કે નથી બોલી શકાતું. પ્લીઝ મને સમજવાનો પ્રયત્ન કરજે.”

તે રાત મારાં જીવનની સૌથી લાંબી રાત લાગી મને. મોહિનીનો શું પ્રતિભાવ હશે એ વાતે અને વિચારે મને જાગરણ કરાવ્યું આખી રાતનું. દરરોજ કરતાં મોહિની થોડી વહેલી આવી. બરોબર મારી સામે આવીને ઊભી રહી, બંનેની આંખો એક થઈ, હોઠ ચૂપ હતાં, મારાં હ્રદયના ધબકારા વધવા લાગ્યાં. સમય જાણે કે થંભી ગયો. પરંતુ તરત જ બીજી ક્ષણે એક થપ્પડથી મોહિનીએ મને તેનો જવાબ આપી દીઘો. હજી હું કંઈ વિચારૂં એ પહેલાં જ એના શબ્દોએ મને વીંધી નાખ્યો,

‘મૌલિક, તે આવું વિચાર્યું જ કેવી રીતે...! તારૂં સ્થાન એક ખાસ ફ્રેન્ડનું જ છે, પરંતુ તેનાથી આગળ ક્યારેય સંભવ નથી. હોપ યુ અન્ડરસ્ટેન્ડ...’ જતાં જતાં એ મને જીવલેણ આધાત આપતી ગઈ, ડાન્સ ક્લાસમાં ન આવવાનું અને હવે પછી ક્યારેય ન મળવાનું ફરમાન આપીને.

ફક્ત એક જ દિવસમાં મારી દુનિયા સાવ બદલાઈ ગઈ. હું એકલો થઈ ગયો. મોહિનીની સદંતર ઉપેક્ષાથી હું સાવ ભાંગી પડ્યો. કેટની એક્ઝામ પણ સારી ન ગઈ. મારાં ઘરનાં લોકોની અપેક્ષા પણ આ વખતે ઘણી વધારે હતી. આ બધી અપેક્ષા અને ઉપેક્ષાનો બોજ મારા માટે અસહ્ય બની ગયો. આ બધા વિચારોની સાથે જ હું અમદાવાદથી સુરત નીકળ્યો હતો ઘરે જવા માટે. ત્યારે મારી માનસિક હાલત બહુ જ ખરાબ હતી. પેઈન્ટીંગ, મોહિની, IIM, જીવન, મૃત્યુ, આત્મહત્યા આ બધી ગડમથલ મગજમાં ચાલી રહી હતી અને હું ગાડી પરનો કાબૂ ગુમાવી બેઠો. પછી શું થયું તેની તો તમને ખબર છે.’ મૌલિક આટલું બોલીને પાણી પીવા ઊભો થયો.

‘મૌલિક આજ પછી જીવનમાં ક્યારેય મરવાનો વિચાર નહિ કરતો. જીવન જીવવા માટે છે. જન્મ-મરણનો નિર્ણય ભગવાને કરવાનો છે. મુશ્કેલીઓ તો આવે, જિંદગી છે, ચડાવ-ઉતાર તો રહેવાનાં. ભગવાન પર શ્રદ્ધા અને ખુદમાં વિશ્વાસ હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકાય. તું ખરાબ મનોદશામાંથી બહાર આવી ગયો એ સૌથી સારી વાત છે.’

‘એનો શ્રેય તમને જાય છે.’

‘હું તો માત્ર નિમિત્ત બન્યો... હવે તારૂં ફ્યુચર પ્લાનિંગ શું છે?’

‘હવે નોકરી કરવાનો વિચાર છે. પણ મારૂ ધ્યેય અને મંઝીલ તો પેઈન્ટીંગની દુનિયા જ રહેશે. થોડું ધણું નામ થયું છે, એ સ્થાનને આર્ટની દુનિયામાં મજબૂત બનાવા માંગુ છું. એ માટે પૈસાની જરૂર પડશે એટલે નોકરી...’

‘અને મોહિની વિશે?’

‘વેઈટ એન્ડ વોચ, હમણાં તો સમય પર અને ભગવાન પર છોડી દીધું છે.’

બંને મિત્રોની વાતોમાં સમયનું બંધન હતું નહિ. ઈંગ્લીશ કેલેન્ડર પ્રમાણે તારીખ બદલાઈ ગઈ હતી, પરંતુ ગુજરાતી પંચાગ પ્રમાણે તિથી બદલાઈ જાય ત્યાં સુધી બંને જાગવાના મૂડમાં હતાં.

‘સ્પર્શભાઈ, તમે બહુ સ્વાર્થી છો, લુચ્ચાઈ પણ ખરી તમારા સ્વભાવમાં. તમે મને મિત્ર ગણો છો, પરંતુ તેવું લાગતું નથી.’

‘કેમ ઓચિંતાનો આટલો બધો અવિશ્વાસ?’

‘તમે મારા જીવનને તો ખુલ્લી કિતાબ બનાવી દીધું, પણ તમે તમારી જીવનની કિતાબ અકબંધ રાખી છે. મેં આજ સુધી ક્યારેય તમારા અંગત જીવન વિશે પ્રશ્ન કર્યો નથી. એનો મતલબ એવો જ ને કે તમે મને સામેથી ક્યારેય વાત કરશો નહિ! આ યોગ્ય ન કહેવાય ભાઈ...’

‘એવું કઈ છે જ નહિ. શું કહું તને...’

‘તો આજ સુધી તમે લગ્ન કેમ નથી કર્યા?’ મૌલિકે ગંભીર થઈને વેધક પ્રશ્ન પૂછ્યો. સ્પર્શ પણ ઓચિંતાના હુમલાથી થોડો વિચલિત થઇ ગયો.

‘બસ એમ જ. પહેલેથી જ એકલો છું અને સ્વતંત્ર જ રહેવાની ઈચ્છા છે.’

‘આને વાતને ટાળવું કહેવાય... તમને જો એવું લાગતું હોય કે તમારી અંગત જિંદગીમાં મને દાખલ થવાનો હક નથી તો પછી ચાલશે. હું નહિ પૂછું તમને.’ મૌલિકે દુઃખી થતાં કહ્યું.

‘ખોટું લાગી ગયું તને. એવું નથી, તને બધો અધિકાર છે. હું પણ તારી જેમ હ્રદયનો ભાર હળવો કરવા માંગુ છું. પણ મારો સ્વભાવ જ એવો છે, એટલે પ્રોબ્લેમ થાય છે. તે મારી સમક્ષ દિલ ખોલીને વાત કરી એટલે નહિ પણ મારી ઇચ્છા છે એટલે હું મારા જીવનને તારી આગળ ખુલ્લી કિતાબ બનાવા માંગુ છું.’

‘થેન્ક યુ ભાઈ, મને લાયક ગણવા બદલ. હવે તમારે બધું જ કહેવું પડશે.’

‘આજે તો તને બધું જ દિલ ખોલીને કહીશ... મારા માતા-પિતા કોણ છે એની તો મને ખબર નથી કારણકે હું નાનો મોટો જ અનાથાશ્રમમાં થયો. હું અનાથ છું એ મારી વાસ્તવિકતા છે અને મેં એ સ્વીકારી પણ લીધું છે, પણ લોકોની નજર ધણીવાર બદલાતી નથી. હું અને લજજા કોલેજમાં સાથે ભણતાં હતાં, એક જ ક્લાસમાં. અમે ક્લાસમેટમાંથી ફ્રેન્ડ થયાં યુથ ફેસ્ટીવલ દરમિયાન. નાટકમાં અમે બંને મુખ્ય પાત્ર હતાં. લગભગ એકાદ મહિનો અમે પ્રેકટીસમાં સાથે સમય વિતાવ્યો. નાટકમાં અમારો ફર્સ્ટ નંબર આવ્યો. લજ્જાનો ડાન્સ કેટેગરીમાં પણ ફર્સ્ટ નંબર આવ્યો. અમે બંને ભણવામાં પણ હોશિયાર હતાં. પહેલો અને બીજો રેન્ક અમારા બેમાંથી જ આવતો.

યુથ ફેસ્ટીવલથી શરૂ થયેલી મિત્રતા ધીમે ધીમે ગાઢ બનવા લાગી. B.A. ના ત્રણ અને M.A. ના બે એમ કુલ પાંચ વર્ષ અમે સાથે અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન ક્યારે અમે બંને લાગણીનાં બંધનમાં બંધાઈ ગયા તેની ખબર જ ન પડી, બંને એકમેકની જરૂરિયાત બની ગયાં. નથી લજ્જાએ લાગણીનો એકરાર કર્યો કે નથી મેં ક્યારેય તેની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો. ભણવાનું પુરૂં થયું ત્યારે ભાન થયું કે હવે તો છુટાં પડવાનો સમય આવી ગયો. કોલેજ પૂરી થયા બાદ જ્યારે મળવાનું બંધ થયું ત્યારે અનુભવ થયો કે અમે હવે અલગ થઈ ગયા છીએ. બાકી સાથે હતા ત્યારે તો એવું લાગતું હતું કે જાણે ક્યારે છૂટાં પડીશું જ નહિ.

મોબાઈલ કે ઈન્ટરનેટનો એટલો બધો વ્યાપ હતો નહિ કે સતત દૂર હોઈએ તો પણ સંપર્કમાં રહી શકાય. પ્રેમાલા-પ્રેમલીવાળું ચક્કર તો હતું નહિ કે મળવા દોડી જઈએ. પ્રેમની અનુભૂતિ પણ ત્યારે થઈ જયારે સાથ છૂટી ગયો કે પછી સાથ છૂટ્યો એટલે અનુભૂતિ થઈ ખબર નહિ...!

એકવાર હિંમત કરીને પાંચ વરસમાં પહેલી વાર તેની ઘરે ગયો મળવા, પણ ઘર બંધ હતું, મારા નસીબની જેમ. થોડા દિવસ પછી ફરી નવી હિંમત ભેગી કરીને ફોન કર્યો, પણ એમના પપ્પાએ ફોન ઉપાડ્યો એટલે મેં ફોન કાપી નાખ્યો. કારણકે લજ્જાના પપ્પા બહુ જ કડક હતાં એકદમ ગુસ્સાવાળા. થોડાં જૂનવાણી વિચારનાં અને રૂઢીચુસ્ત પણ ખરાં. લજ્જા અને એનાં પપ્પા વચ્ચે કાયમ ખટરાગ રહેતો.

ગમે તે રીતે લજ્જાને મળવાનું નક્કી કરી ફરી એનાં ઘરે ગયો પણ અંદર જવાની હિંમત ન ચાલી. આખરે એક દિવસ મરણીયો થઈને એનાં ઘરે પહોંચી ગયો ભગવાનનું નામ લઈને. લજ્જાએ જ બારણું ખોલ્યું. મને જોઈને એ તો ગભરાઈ ગઈ. એણે મને રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હું તો સીધો ઘરમાં ઘૂસી ગયો. એનાં પપ્પા હાજર હતાં. બંને યોદ્ધા આમને-સામને થઈ ગયાં. મેં એમને આદરથી પગે લાગીને પ્રણામ કર્યા. એ તો ડઘાઈ ગયાં કે આ કોણ આવી ચડ્યું? મેં પણ ખુદને વિશ્વાસ ન આવે એવી રીતે સીધો પ્રહાર કર્યો,

‘અંકલ, મારૂં નામ સ્પર્શ છે, હું અને લજ્જા સાથે જ ભણતાં હતાં. હું લજ્જા સાથે લગ્ન કરવા માંગુ છું. લજ્જાને હું ખૂબ જ ખુશ રાખીશ. તમને ક્યારેય ફરિયાદનો મોકો નહિ આપું. તમે લજ્જાને પૂછી લો, એવું લાગે તો મારી પૂરતી તપાસ કરાવીને પછી નિર્ણય લેજો. પણ તમારે તમારો નિર્ણય મને જ જણાવવો પડશે, મારે માતા-પિતા નથી... મારે બધું જાતે જ કરવાનું છે.

તમે બીજા કોઈને પૂછો એ પહેલા હું જ જણાવી દઉં કે, હું પહેલાં અનાથાશ્રમમાં રહેતો હતો પરંતુ છેલ્લા બે વરસથી હવે સ્વતંત્ર રહું છું, ભાડે મકાન રાખ્યું છે. કોલેજમાં આવ્યો ત્યારથી ટ્યુશન કરાવું છું, હવે હું ક્લાસીસ ખોલવાનું વિચારૂં છું.’ કાયમ ઓછું બોલતો હું એકીશ્વાસે આટલું બધું બોલી ગયો. પરિણામ શું આવશે, લજ્જા શું વિચારશે તેના વિશે કઈ પણ વિચાર્યા વગર જ. પણ લજજાના પપ્પાએ હું બોલ્યો એટલીવારમાં વિચારી લીધું. જેનાં પ્રતિભાવરૂપે ઉપરાઉપરી બે તમાચા મારા ગાલને ભેટમાં મળ્યાં..

‘બેશરમ, નાલાયક તારી હિંમત કેવી રીતે થઈ આમ મારા ઘરે આવીને મારી સામે આવું બોલવાની. નથી મા-બાપના ઠેકાણા, નથી ધરમ કે જ્ઞાતિની ખબર, નથી મકાન કે કોઈ બીજી મિલકત ને આવી ગયો લજ્જાનો હાથ માંગવા.’ આટલું બોલીને એણે મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. લજ્જા તો આવા અણધાર્યા બનાવથી ફસડાઈને પડી ગઈ. ઘરમાં સન્નાટો છવાઈ ગયો.’

મૌલિકની આંખ સામે પણ વાત સંભાળતા સન્નાટો છવાઈ ગયો. સ્પર્શે વાત આગળ ધપાવતાં કહ્યું.

‘મેં પણ પરિસ્થિતિનો તાગ મેળવતાં લજ્જાના ઘરેથી જવાનું ઉચિત સમજ્યું. થોડાં દિવસ મેં ધીરજ રાખી. મને વિશ્વાસ હતો કે લજ્જા એના પપ્પાને જરૂરથી માનવી લેશે. મને પણ ઉતાવળિયું પગલું ભરવાનો અફસોસ થયો. કદાચ છેલ્લાં પાંચ વરસમાં પહેલીવાર આટલો બધો સમય લજ્જાથી દૂર રહ્યો એટલે હું નાસીપાસ થઈ ગયો હતો. મને બીક લાગવા માંડી હતી કે લજ્જાને ગુમાવી ન બેસુ. પણ મારો ડર સાચો સાબિત થયો. થોડા મહિના પછી લજ્જાના ઘરે ગયો ત્યારે એના પપ્પાએ લજ્જાના લગ્નનાં સમાચાર આપ્યા અને કાયમ માટે લજ્જાની જીદંગીથી દૂર જવાની ધમકીવાળી વિનંતી પણ કરી.

મારા જીવનનો સૌથી ખરાબ સમયગાળો હતો એ. મારી જાતને મેં સાવ નિઃસહાય અને લાચાર અનુભવી બિલકુલ તારી જેમ. પણ ભગવાનની દયાથી પહેલેથી થોડો લખવા-વાંચવાનો શોખ હતો એટલે પરિસ્થિતિ સામે ટકી ગયો. સમય બળવાન હોય છે, તેની સામે ઝૂક્યો ખરો પણ તૂટ્યો નહિ. પછી જયારે ખબર પડી કે લજ્જાના પપ્પા મકાન વેંચીને બીજે ક્યાંક જતા રહ્યા એટલે મારી બાકી રહેલી આશા પર પાણી ફરી વળ્યું. છતાં આજે પણ ચમત્કારની આશા છે કે ક્યારેક લજ્જા મળશે, કદાચ એનાં લગ્ન ન થયા હોય, આ જૂઠાણાને પ્રેરકબળ બનાવીને જીવું છું.’ સ્પર્શે બનાવટી સ્મિત સાથે વાતને વિરામ આપ્યો.

‘ભાઈ, આવું કેમ થતું હશે કે જેને પ્રેમ કરો એ મળે નહિ!’

‘એવું નથી મૌલિક, નસીબમાં હશે તો લજ્જા પણ મળશે અને મોહિની પણ. પાનખરને હંમેશા પ્રતિક્ષા હોય છે વસંતની. પણ નિયતિના ખેલ એનાં સમય પ્રમાણે જ ભજવાતા હોય છે. ભાગ્યથી વધારે અને સમયથી પહેલાં ક્યારેય કોઈને મળતું નથી.’

ડૂબતા સૂરજે શરૂ થયેલી વાતો ઉગતા સૂરજે પૂરી થઈ. થોડો આરામ કર્યા બાદ મૌલિક તેનાં ઘરે જવા ઉપડ્યો, સ્પર્શે મૌલિકને મોહિની સાથે દોસ્તીનો સંબંધ ન ગુમાવાની સલાહ સાથે વિદાય કર્યો.

----------

મૌલિકને અમદાવાદમાં એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. ઘણાં પ્રયત્નો બાદ તે ફરી મોહિનીનો વિશ્વાસ જીતવામાં સફળ થયો. ફરી પહેલાં જેવા મિત્રો બની ગયાં. મૌલિકના કલા પ્રત્યેના લગાવ, ધગશ અને મહેનતને કારણે ધીમે-ધીમે તેની ગણના એક સારા આર્ટીસ્ટ તરીકે થવા લાગી.

એક દિવસ સવારમાં મૌલિકે સ્પર્શને ફોન કર્યો,

‘ભાઈ, આ રવિવારે અમદાવાદમાં એહસાસની નવી બૂકનું વિમોચન છે... તમે આવશોને?’

‘કેમ?’

‘કેમ શું...! આપણને રૂબરૂ મળવાનો મોકો મળશે. તમને પણ ઈચ્છા તો છે એમને રૂબરૂ મળવાની.’

‘હા, પણ એ ક્યારેય એના બૂક વિમોચનમાં હાજર નથી રહેતાં તો પછી આ વખતે આવશે?’

‘સો ટકા આવશે... તમે કાલે સાંજે અહી આવો છો, રાઈટ...’ આટલું બોલીને મૌલિકે મોબાઈલ કટ કરી નાખ્યો.

મૌલિકની વાત ન માનવાનો તો સ્પર્શ માટે કોઈ પ્રશ્ન જ ન હતો. સ્પર્શ શનિવારે સાંજે જ અમદાવાદ આવી ગયો મૌલિક અને એહસાસને મળવા માટે.

‘ભાઈ તમે બેસો હું તમારા માટે કંઈક ગરમા-ગરમ નાસ્તો લઈને આવું. મોહિની પણ હમણાં આવશે, તેના ક્લાસનો સમય પૂરો થાય એટલે...’

‘ઓ.કે., ભૂખ તો લાગી છે.’

મૌલીકના ગયા પછી થોડીવારમાં જ મોહિની આવી. પણ સ્પર્શ મૌલીકના કેનવાસ પરનાં સર્જનને નિહાળવામાં મશગૂલ હતો તેથી તેનું ધ્યાન ન ગયું.

‘મૌલિક...’ એક મીઠો રણકાર સ્પર્શનાં કાને અથડાયો.

સ્પર્શે પાછળ ફરીને અવાજની દિશામાં જોયું ત્યાં જ અમદાવાદમાં ભાગ્યે જતી લાઈટ જતી રહી. એટલીવારમાં મૌલિક આવી ગયો. મીણબત્તીનાં આછાં ઉજાસમાં ત્રણેયનાં ચહેરા ધૂંધળા દેખાવા લાગ્યાં.

‘મોહિની, મીટ માય બ્રધર.’

મોહિની અને સ્પર્શની નજર એક થઈ. ત્યા જ લાઈટ આવી ગઈ. ચહેરા સ્પષ્ટ થયાં. એકબીજાને જોતાં જ બંનેના હોશકોશ ઊડી ગયાં. છતાં બંને એકબીજાને ‘હાય-હલ્લો’ કહીને ચૂપ થઈ ગયાં. પણ મૌલીક્થી વધારે સમય ચૂપ ન બેસાયું.

‘ભાઈ એકબીજાથી અપરિચિત હોવાનું મને જણાવવાની જરૂર નથી. પ્લીઝ તમે બંને તમારૂં નાટક બંધ કરો. લજજા તું પણ...!’ મૌલિકે છેલ્લે લજ્જા નામ ભારપૂર્વક બોલતાં મોહિનીની સામે જોયું. આટલામાં લજ્જા અને સ્પર્શ સમજી ગયાં કે મૌલિકને બધી વાતની ખબર પડી ગઈ છે.

‘લજ્જા તારા ઘરેથી ગયા પછી એવું તો શું થયું કે તું આજ સુધી મને મળી જ નહિ? મારી લાગણી એકતરફી હતી? માનું છું કે મેં પ્રેમની કબૂલાત ખોટી જગ્યાએ અને બહુ મોડેથી કરી... પણ એની આવડી મોટી સજા મને...!’ ઘણાં વરસોથી મનમાં છૂપાયેલા શબ્દો સ્પર્શનાં હોઠ પર આવી ગયાં.

‘એવું નથી સ્પર્શ, મારી મજબૂરી હતી. મને કોલેજમાં જવાની પરવાનગી એક શરતે જ આપવામાં આવી હતી કે હું કોઈ છોકરા સાથે મિત્રતા નહિ રાખું અને લવનું ચક્કર કે લવ મેરેજ તો સપનામાં પણ નહિ. તારા ઘરેથી ગયા પછી અમારા ઘરનું વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું. મેં તારી સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી તો પપ્પાને લાગ્યું કે મેં એમની શરતનો ઉલ્લંઘન કર્યો... પરિસ્થિતિ ખૂબ જ વણસી ગઈ... મરવા-મારવા સુધી વાત પહોંચી ગઈ. કાયમ મારા નિર્ણયોમાં પપ્પા સામે વિરોધ કરતી હું હારી ગઈ, મારા ઘર માટે. છતાં મેં પપ્પાની એક વાત માની કે સ્પર્શ સાથે લગ્ન નહિ કરૂં, પણ સાથે સાથે એ વાત પર અડગ અને મક્કમ રહી કે સ્પર્શ નહિ તો બીજું કોઈ નહિ. પપ્પાએ વી.આર.એસ. લઈ લીધું, બધાં અમદાવાદ આવી ગયા... નવું સીટી, નવી ઓળખાણ, નવું નામ મોહિની... પપ્પાએ મને સમાચાર આપતાં મેણું માર્યું કે તું જે સ્પર્શ જોડે પરણવા માંગતી હતી એ તો બીજી કોઈને પરણી ગયો.’

‘લજ્જા મને આખી વાત સમજાઈ ગઈ. તારા પપ્પાએ મને તારા અને તને મારા લગ્નની વાત કરીને એકબીજાનાં મનમાં નફરત ઉત્પન્ન કરવાની નિષ્ફળ કોશિષ કરી..’

‘હિન્દી મૂવીનાં પિતાજી જેવું કર્યું તમારા પિતાશ્રીએ...’ મૌલિકે વાતાવરણને હળવું બનાવવાની કોશિષ કરતાં કહ્યું અને સાથે એક ચેતવણી પણ આપી,

‘હજી એક ભૂકંપ માટે તૈયાર થઈ જાવ... આપણે હવે આપણાં પ્રિય લેખક એહસાસ સરને મળવા જવાનું છે. એક મિનિટ મને એમનો મોબાઈલ નંબર મળ્યો છે. લેટ્સ ચેક ઈટ.’

મૌલિકે નંબર ડાયલ કર્યો પણ રીંગ સ્પર્શનાં મોબાઈલમાં વાગી.

‘મૌલિક તે ભૂલથી મારો નંબર ડાયલ કર્યો લાગે છે!’

‘ના, ના... મેં એમનો જ નંબર ડાયલ કર્યો છે.’

‘તો મારા મોબાઈલમાં રીંગ કેમ વાગે છે?’

‘કારણ કે તમે જ તો એહસાસ છો.’

‘જોક ઓફ ધ ડે...” સ્પર્શે રીંગ કટ કરતાં કહ્યું.

‘એટલે જ તો મેં ભૂકંપની ચેતવણી આપી હતી.’ મૌલિકે કહ્યું.

‘મતલબ કે એહસાસ એ બીજું કોઈ નહિ આપણો સ્પર્શ જ છે એવું તારૂં કહેવું છે!’ લજ્જાએ અચરજ સાથે પૂછ્યું.

‘ભાઈ અમારાથી પણ છૂપાવવાનું...! હવે તો હદ થાય છે.’

‘હા હું જ એહસાસ છું.’ સ્પર્શે શરણાગતિ સ્વીકારતાં કહ્યું.

‘તો ઓળખ છૂપાવાનું કારણ?’ મૌલિકે આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘કારણ કે મારા નામ સાથે મારો ભૂતકાળ જોડાયેલો હતો. વાચકોમાં ફક્ત હું મારા શબ્દોથી જ ઓળખાવા માંગતો હતો. મારા અંગત જીવનને હું દૂર રાખવા માંગતો હતો. મારે જીવનની નવી શરૂઆત કરવી હતી. સ્પર્શ તો હારી ગયો હતો, તેનાથી સફળ થવું શક્ય ન હતું.’

‘એહસાસે શક્ય કરી બતાવ્યું, ખરૂં ને...’ મૌલિકે કહ્યું.

‘મેં મારા પબ્લીકેશન હાઉસ સાથે મારી સાચી ઓળખાણ ગુપ્ત રાખવાનો કરાર કર્યો હતો, તો પછી તને કેવી રીતે ખબર પડી? બીજું મોહિની એ જ લજ્જા છે એ રહસ્યની જાણ પણ તને કેવી રીતે થઈ એ તે હજી રહસ્ય જ રાખ્યું છે!’

‘થયું એવું કે મારા જીજાજીએ થોડા દિવસ પહેલાં ફેસબૂક પર એક ફોટો શેર કર્યો હતો, નીચે લખ્યું હતું: ફર્સ્ટ રેન્ક ઓફ અવર કોલેજ-યુથ ફેસ્ટીવલ. ઓલ્ડ ડેઈઝ મેમરી. એ ફોટો જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. ભાઈ તમારો અને મોહિનીનો, આઈ મીન તમારો અને લજ્જાનો ફોટો હતો તેમાં. તમે કહેલી યુથ ફેસ્ટીવલ અને પ્રથમ ઈનામની વાત યાદ આવી ગઈ મને. આખી વાત હું સમજી ગયો. અને ત્યારે જ મેં મારા મેઈલ બોક્ષમાં ભાઈ તમારો મેઈલ જોયો. જે તમે તમારા બૂક પબ્લીશરને બદલે ભૂલથી મને સેન્ડ કર્યો હતો. જેમાં તમે તમારી રવિવારે પ્રસિદ્ધ થનારી બૂક માટે અને વિશેષ આભાર અત્યાર સુધી ઓળખાણ ગોપનીય રાખવા માટેનો માન્યો હતો. એટલે એહસાસનો કોયડો તમારા મેઈલે ઊકેલી નાખ્યો. મને લાગે છે કે આવતીકાલે તમારા વાચકો સમક્ષ તમારી અસલી ઓળખાણ, તમારો ચહેરો પ્રગટ થવો જોઈએ. બરોબરને ભાઈ!...’

‘સો ટકા સાચું. ખરેખર, આંસુને છૂપાવીને સ્મિત લહેરાવતાં તો તારી પાસે શીખવા જેવું છે. તે કેટલી સહજતાથી અને સચ્ચાઈથી મારો અને લજ્જાનો મેળાપ કરાવ્યો, એ જાણતાં હોવા છતાં કે સ્પર્શને લજ્જા મળશે તો મૌલિકે મોહિની ગુમાવી પડશે.’

‘સાચી વાત છે સ્પર્શની... શું કહેવું તને...! આઈ એમ સ્પીચલેસ...’ લજ્જ્ની આંખો આટલું બોલતાં ભીની થઇ ગઈ.

‘અમે કાયમ તારા ઋણી રહીશું.’ સ્પર્શે મૌલિકના ખભા પર હાથ મૂકતાં કહ્યું.

‘ઋણ તો મારે તમારૂં ચૂકવાનું બાકી હતું. તમે જ તો મને નવું જીવન આપ્યું છે. આવું બોલીને તમે મને પારકો બનાવી દીધો. ભગવાને તમારા બંનેનો મેળાપ કરાવા માટે જ તો મને નિમિત્ત બનાવ્યો હશે. મેં તો એ જ કર્યું જે મારે કરવું જોઈએ. ખોટું નહિ બોલું, મોહિનીને ગુમાવવાનું દુખ થાય છે પણ તેનાથી વધારે ખુશી તમને એક કરવાની છે.’

છેવટે મહામુસીબતે રોકેલાં આંસુ મૌલિકની આંખમાંથી ધસી આવ્યાં. અત્યાર સુધી સ્વસ્થ દેખાતો મૌલિક ભાંગી પડ્યો. સ્પર્શે લજ્જાને મૌલિક પાસે જવાનો ઈશારો કર્યો. મૌલિક તેને વળગીને ચોધાર આંસુએ રડી પડ્યો. લજ્જા પણ તેનાં અશ્રુ છૂપાવી શકી નહિ. સ્પર્શે ભીની આંખોએ બંનેને આલિંગન આપતાં કહ્યું,

‘કાશ! લજ્જા અને મોહિની બંને અલગ હોત...! પણ સ્પર્શ અને લજ્જા ત્યારે જ એક થશે જયારે મૌલિકને એની મોહિની મળશે.’

‘હું સમજ્યો નહિ ભાઈ!’ મૌલિકે સ્વસ્થ થતાં પૂછ્યું.

‘જ્યાં સુધી તું લગ્ન કરીશ નહિ ત્યાં સુધી અમે પણ લગ્ન કરીશું નહિ.’ લજ્જાએ સ્પષ્ટતા કરી.

‘ભાઈ એ શક્ય નથી.’

‘અમારા લગ્નનો આધાર હવે તારા પર છે. પહેલા તારા લગ્ન પછી જ અમારા.’ સ્પર્શે બનાવટી ગુસ્સો કરતાં કહ્યું.

‘તો એક શરત છે મારી... છોકરી તમારે પસંદ કરવાની... તમે બંને મારા કરતાં પણ વધારે મને ઓળખો છો. બોલો છે મંજુર?’

‘મંજુર...’ સ્પર્શ અને લજ્જા બંનેએ એક સાથે મંજુરીની મહોર લગાવી.

**************************************************************************