કૃષ્ણ રાધા અને Marriage Anniversary Naishadh Purani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃષ્ણ રાધા અને Marriage Anniversary

કૃષ્ણ રાધા અને Marriage Anniversary

જીવનમાંથી રાધાઓ છૂટી પડી જાય ને એ પછી ઉનાળાના તડકા સિવાય કશું જ નથી રહેતું

બે એક દિવસ પહેલા કોઈ કૃષ્ણ રાધાના પેલા જાણીતા પોઝને સુપરગ્લોસી પેપરમાં મઢેલુ કેલેન્ડર આપી ગયું, ત્યારથી રાધાકૃષ્ણનું યુગલ સ્વરૂપ વિચારો પર છવાયેલું છે. ક્યારેક થાય કે કૃષ્ણને લોકો કેટલાય રૂપકોથી, કારણોથી, સ્વરૂપોથી ઓળખે અને રાધાને ફક્ત કૃષ્ણથી ? આ બેમાં કોનો પ્રેમ વધારે હશે? કૃષ્ણ પાસે મોરપીંછ, કૃષ્ણ પાસે વાંસળી અને સૂર, કૃષ્ણ પાસે ગાયો અને માખણ, કૃષ્ણ પાસે વાતો મનાવવાનું કન્વીન્સિંગ લોજિક અને કામણગારું સ્મિત અને રાધા પાસે ? રાધાની ઓઢણી, ઝાંઝર, ઝૂમકો, નથણી, ટીકો, પાલવ, કંકણ કે કાજળ કશું જ કૃષ્ણના મોરપીંછ કે પિતાંબરની બરોબર નહીં હોય કે તેનો કોઈ ઉલ્લેખ જ નથી ક્યાંય? રાધા સાથે કૃષ્ણ ઊભા રહે તો પણ પગની આંટી વાળીને, વાંસળીના સૂર છેડતા, એવી સુંદર રીતે કે તેમના ખભે માથુ ઢાળેલી ખોવાઈ ગયેલી રાધા તરફ ધ્યાન જ ન જાય. ફૂટેજ ખાવાની કોશિશ કૃષ્ણ કરતા હશે ? કૃષ્ણની મહાપ્રભાવક હસ્તી સામે રાધાને ક્યારેય ઈન્ફ્રીઆરિટી કોમ્પ્લેક્સ નહીં થયો હોય? કંસને મારવાના કારણને આગળ ધરી કમલનયન મથુરા મૂકી જતા રહ્યા - સૌ જાણેછે. પણ એવુંયે બન્યું હોય ને કે આ દો જિસ્મ એક જાન વચ્ચે આગલી રાતે જોરદાર ઝઘડો થયો હોય અને કૃષ્ણએ જતા રહેવાનું પસંદ કર્યું હોય. નહીંતર મામાનું વધ કરીને ગોકુળ આજીવન પાછા ન આવવાનું કારણ? ખબર નથી.ઠંડી ધીરે રહીને તડકા માટે જગ્યા કરી રહી છે અને થોડા દિવસમાં એ જગ્યા તાપ બની જશે. તડકા અને તાપ વચ્ચે ઘણો ફરક છે. તડકો ગરમાવો આપે છે અને તાપ ગરમી આપે છે. તડકો એટલે કદમ્બના ઝાડ નીચે રાધાએ સાંભળેલી કૃષ્ણની વાંસળી અને તાપ એટલે એ જ કદમ્બના ઝાડ નીચે રાધાએ જોયેલી કૃષ્ણના પાછા ફરવાની રાહ. તાપ એટલે કવિશ્રી મુકેશ જોષીની આ કવિતાની આ પંક્તિઓ. “કંઇક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, એટલે તો જિંદગી પર શંખ ફૂંક્યો.વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.” કયો ધર્મ લઈને નીકળ્યો તો આ માણસ કે પ્રીતના કર્મ તરફ પાછો જ ના વળી શક્યો ? જીવનમાંથી રાધાઓ છૂટી પડી જાય ને એ પછી ઉનાળાના તડકા સિવાય કશું જ નથી રહેતું કદાચ અને આ વિચારની લગોલગ જ એક બીજો વિચાર આવી જાય છે કે શું ક્રુષ્ણ અને રાધાએ એમના જમાનામાં ક્યારેય પી.ડી.એ કર્યું હશે ? શુ તેમને પી.ડી.એ વિશે ખબર હશે ? શું તમને પીડીએ એટલે શું એ ખબર છે? પીડીએ એટલે પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન. એટલેકે મનપસંદ વ્યક્તિ માટે ઊભરાતી લાગણીઓનું જાહેર પ્રદર્શન. સારી ભાષામાં કહો તો અભિવ્યક્તિ. ગમતા માણસ સાથે વ્હાલનો જાહેરમાં વ્યવહાર કરનારા ઘણાં લોકો આપણી આસપાસ મળી આવશે.કોઇક પોતાના પ્રિય પાર્ટનર સાથે હાથમાં હાથ નાંખીને ચાલતા જોવા મળશે તો કોઇક વળી એકબીજા સાથે કોણી વીંટાળી જોડાયેલા દેખાશે. શહેરોના વિકાસનો અને આધુનિકતાનો જેને પરિચય હશે તેને એ પણ ખબર હશે કે હવે ગમતી વ્યક્તિને જાહેરમાં પપ્પીનો વ્યવહાર પેજથ્રી પર્સનાલિટી સિવાયના પર્સનમાં પણ વધી રહ્યો છે. પ્રેમની અભિવ્યક્તિ હવે કદાચ શરમજનક બાબત નથી રહી. નહીંતર એય એક સમય હતો જ્યારે મનપસંદ માણસ સાથે બે ઘડી નિરાંતે એકલા બેસવાની મોકળાશેય જમાનો આપતો નહોતો. મારા એક ખાસ મિત્ર અને તેની પત્નીને હંમેશા એક જ થાળીમાં જમવાની ટેવ. વાસણોની અને વ્યક્તિઓની વિપુલતા વચ્ચે પણ તેઓ એક થાળીમાંથી કોળિયો ભરી જ લે. પણ પ્રેમનો ડિસ્પ્લે કહો તો ડિસ્પ્લે અને અભિવ્યક્તિ કહો તો અભિવ્યક્તિ તમારી તો આ રવિવારે બસ આટલી જ ઈચ્છા છે ને કે આ કડકડતી ઠંડીમાં એ અચાનક તમને ચાલ આવીએ છીએ કહીને બાઇક ઉપર ક્યાંક આંટો મારવા લઈ જાય અને એકાદ સૂમસામ રસ્તે પાછળ બેઠેલા તમે તેમના લેધર જેકેટના સાઇડ પોકેટમાં ધીમે રહીને હાથ સરકાવી દો અને ગરમ થયેલા હાથ પછી તેની પીઠ પર માથુ ટેકવી ઠંડી હવાની લહેરખીએ આંખ બંધ કરી દો. એય સાનમાં બાઇક થોડી ધીમી ચલાવે અને સાવ અચાનક લાંબા રસ્તે બાઇક મારી મૂકે.કઈ કઈ યુક્તિઓ વ્હાલને વધારી શકે? એકબીજા માટે ગરમાગરમ ચા કે કોફી બનાવવાથી? ટુવાલ માટે એ હાથ લંબાવે ત્યારે બાથરૂમના દરવાજાની આ બાજુનો કે પેલી બાજુનો હાથ અણધારી રીતે ખેંચી લેવાથી. ટિફિનમાં નાનકડી પ્રેમચિઠ્ઠી મૂકવાથી કે ટિફિન ઝાપટી ગયા પછી તેને ફોન કરી તેની રસોઈના ભરપૂર વખાણ કરવાથી, ઘરે જતી વખતે તેના માટે બેત્રણ ગુલાબનો નાનકડો બૂકે કે કેડબરી સિલ્ક લઈ જવાથી, તેની સાડીમાં ‘આ સાડીમાં તું ખૂબ સુંદર લાગે છે’ તેવી નાનકડી ચિઠ્ઠી તેને ખબર ના પડે તેમ મૂકી દેવાથી, તેને ઓફિસમાંથી એક પ્રેમપત્ર લખીને પોસ્ટ કરવાથી, મમ્મી-પપ્પાની હાજરીમાં તેના ગાલ પર ફ્રેક્શન ઓફ સેકન્ડ્ઝમાં બચી ભરી લેવાથી, તેના માથા પર તેલ નાંખી આપવાથી કે દુખતી પીઠ પર માલિશ કરતા કરતા ગલીપચી કરવાથી કે અડધી રાત્રેઆખો ચંદ્ર બતાવી પ્રેમનો એકરાર કરવાથી. યુક્તિઓ તો ઘણી હતી, જેણે તમારી મેરેજ એનિવર્સરી પર વહાલમાં વધારો કર્યો હોત. પણ તમને ખુદને ખબર નથી તમે આ યુક્તિઓને જાણતા હોવા છતાં કેમ ના વાપરી શક્યા? કારણકે કદાચતમને ખબર છે કે પ્રેમને યુક્તિની નહીં, મુક્તિની વધારે જરૂર પડતીહોય છે.

બને ને કે ક્રુષ્ણ પણ એટલે જ કદાચ રાધાને ફરી ક્યારેય મળ્યા ન હોય !