Transit Of Life Naishadh Purani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Transit Of Life

બહુ દિવસે આવો શનિવાર આવ્યો !

ઠંડા પવનની લહેરખીઓ સાથે કેટલાક જૂના જ પણ નવી રીતે આવેલા અને તરોતાજા કરી મૂકે એવા વિચારો એ મનને ઘણું બહેલાવ્યું છે

આમ તો હું અક્સર BRTSમાં સફર કરું છું પરતું આજની સફર, સાવ અચાનક દરિયા કિનારે અમસ્તા જ લટાર મારવા નીકળ્યા હોઈએ અને પગની નીચે ફૂંક મારીને રણકાવી શકાય એવો શંખ મળી આવે એવી રીતે જીવનના આ તબક્કે છેક તળિયેથી અડકી.પિક અવર્સમાં પણ બારી પાસે મળેલી સીટ પર બેસતાની સાથેજ શહેર સાવ જુદી રીતે જ જાણે મને મળવા તૈયાર હતું.કેટલા બધા દિવસે બારી બહાર જોયું ? નાનો હતો ત્યારે આવાજ વેકેશનના સમયમાં મમ્મી મામાને ત્યાં લઇ આવતી સવારની ૬ વાગ્યાની બસમાં બેસાડીને. બેસતાની વારમાં સુઈ જવાનું અને આંખ ખુલે ત્યારે અમદાવાદ આવી ગયું હોય અને બસ પછી બસની બારીની બ્હારથી શહેર જોયા કરવાનું. આજે એવીજ રીતે અમદાવાદ જોયું. હજાર વાંધા વચકા કાઢો પણ આ શહેર ગમીએ જાય એ રીતે બદલાયેલું તો જરૂર છે.મંદી હશે, બજારોમાં તો દેખાતી નથી કમસેકમ અજવાળાની રોનક તો આંજી નાખે એવી છે જ. કારની થોડી નીચી સીટથી શહેરની આરપાર જોતા રહેવાનું છેલ્લા લગભગ ચારેક વર્ષોથી સતત થયું છે અને આજે બસની ઊંચાઈથી રસ્તાઓ જોયા તો જિંદગી અને સમય નવી ઊંચાઈઓ થોડીક સરળ રીતે સમજાઈ શકી. કારની driving seat પરથી આ ટ્રાફિક માત્ર દાંત ફાડીને હસતા રાક્ષસના મોઢા જેવો જ લાગ્યો છે પણ આજે એ બારી પરથી મને ટ્રાફિકમાં જ જીવન કાઢી નાખતા ચહેરા દેખાયા. જીવનની આપાધાપીમાં જીવવા મથતા ચહેરા. BRTSની બારીની બહાર જોતા મારા જેવા જ ચહેરાઓને જોતા ચહેરાં. BRTS ઔર ગમવા લાગી મને.આ શહેરના વિકટ થઇ પડેલા પ્રશ્ન જેવા ટ્રાફિકનો એક હલ આ વ્યવસ્થા ચોક્કસથી છે એવું મને લાગે છે કમસેકમ મારા જેવા એનો યોગ્ય ઉપયોગ કરીને પેલા અઘરા દાખલાને સરળ કરવામાં મદદ જરૂર કરી શકે.સાવ ખાલી ખાલી રોલો પાડવા અને અંદર ખાને life & styleમાં ઘર કરતી જતી દેખાદેખી માટે રોજ લઈને નીકળી પડતી અનેક કારો જ્યારે રસ્તા પર માત્ર એક જ માણસને લઇ જઇને ટી ટી ટી ટી કરતી,પ્રદુષણમાં ઉમેરો કરતી, સાવ વાહિયાત રીતે આગળ પાછળ દોડતી માણસને અડફેટે લઇને કોઈ પણ જાતની અરેરાટી વગર નીકળતી રહે છે તે આ BRTSની બસ પકડીને અટકાવી શકાય. આ મહા પ્રશ્નને સુલઝાવવામાં વ્યક્તિગત રીતે કૈક કરી શક્યાનો સંતોષ પણ કદાચ મળે. પ્રમાણમાં સરસ ઝડપથી ચાલે છે અને એની લાઇન દોરી પ્રમાણે ચાલે છે કોઈ અળવીતરો જ્યાં સુધી એની સામે નાં આવે ત્યાં સુધી કોઈને બોચીએથી ઝાલતી નથી.મને મઝા પડી રહી હતી અને બસની એક ક્ષણ તો મને અભિભૂત કરી ગઈ.

બસમાં ભીડ થોડી વધી રહી હતી.હવે આવનારા મુસાફરોની ઊભા રહેવું પડે એવું હતું.એક માજી ચઢયા. હું હજી એમને મારી જગ્યા આપવાનું વિચારતો હતો ત્યાજ એક યુવાને મારાથી પહેલા એ કામ કરી દીધું.પણ ના આ એ ક્ષણ નતી જે અભીભૂત કરનારી હતી.,આગળ એક વડીલ કાકા ઉભા હતા.પ્રમાણમાં સ્વસ્થ દેખાતા અને એવા કઈ ઉમરલાયક પણ નતા. થોડીવાર સુધી એમને ઉભા રહેલા જોઈ એમની જગ્યા પાસે આવેલી સીટ પરથી એક ઘણી જુવાન યુવતી ઉભી થઈ ગઈ અને તેમને આગ્રહપૂર્વક જગ્યા આપી તેમની જગ્યાએ ઊભી રહી ગઈ.ના એનું station નજીક નતુ.,એને ઉભેલી જોઈ તેની જ બાજુમાં બેઠેલો છોકરો ઉભો થઇ ગયો અને એણે એ છોકરીને જગ્યા આપી દીધી. સામાજિકતા,નાગરિકતા અને સન્માનનું એક આખેઆખું વર્તુળ રચાઈ ગયું. મારા શ્વાસ થોડા ફૂલી ગયા, મેં મને જ સંભળાય એ રીતે તાળીઓ પાડી લીધી. કારના કાચ માંથી આરપાર નીકળતા લોકોમાં ઘણી વાર મને માણસો નથી દેખાયા (કદાચ મારામાં પણ માણસ ઓઝલ થતો જતો હશે જ.) ધૂન્ધ્વાયેલું દોડતા એ દરેક જણ ઉપર મોટે ભાગે ગુસ્સ્સો જ આવ્યો છે મને.પણ આજે આ બારીએથી થોડી વધારે માણસાઈ મને દેખાઈ રહી હતી. આ સાંજ આ શહેર આજે મને નવી અને અદભૂત રીતે મળી રહ્યા હતા.

Public transportનો ઉપયોગ એ આ શહેર, દેશ અને સમયની તાતી જરૂરીયાત છે.વહેલો મોડો અપનાવવો જ પડશે.શહેર બેફામ રીતે વિકસી રહ્યું છે.સમય, ઊર્જા, પૈસા, પેટ્રોલ અને જીવનની બચત કરવી હોય તો હવે આ વિકલ્પ તરફ સંપૂર્ણ હકારાત્મકતાથી જોવું જ પડશે. પેઢીઓને આપણી આવી આવડતો વિષે પણ જણાવવા જેવો સમય આવીને ઊભો છે.બધા જ દંભ, આડંબરને તડકે મૂકી હું હવે BRTSનો જ ઉપયોગ કરવાનું વધારવાનો છું.જીવનના આ તબકકે ઘણું બધું ઘૂન્ચાવાયેલું ઉકેલવાની જરૂર છે.આ ટ્રાફિકવાળી ગાંઠ ખોલવાનો આ ઉપાય સરળ સસ્તો અને હાથવગો મને લાગી રહ્યો છે.હું લગભગ મન બનાવી ચૂક્યો છું. બસની બારી માંથી આવતો પવન આજે અદભૂત રીતે તાજગીનો અહેસાસ આપી રહ્યો છે.જીવન આવીજ કોક ક્ષણે ધીમે રહીને સહેજ સરખું બદલાય છે અને પછી દરેક ચહેરા ભર તડકામાં ખીલી ઉઠતા પીળા પીળા ગરમાળાના ફૂલ જેવા સોનેરી અજવાળાથી ભરપૂર દેખાય છે.ઘરે આવીને થોડું વધારરે હસી જવાય છે, એકાદ ભાખરી વધારે ખાવાઈ જાય છે, ચમચી કેરીનો રસ મનગમતાના મો માં મૂકી દેવાય છે.એક સાવ નાના નિર્ણયથી આજે શનિવારની સાંજ – રાત થોડી વધારે પ્યારી લાગી રહી છે આજે,એવું લાગે છે જાણે બહુ દિવસે આવો શનિવાર આવ્યો !

નફામાં “નીલ બટ્ટે સન્નાટા” અને અત્યારે ચાલતું “બાજીરાવ મસ્તાની” તો ખરું જ

..... અને વિચારું છું કે કઈ ક્ષણોએ આ કલાકારો, દિગ્દર્શકો કોઈકનું જીવન બદલી નાખે એવું કામ કરી લેવાનું મન બનાવી નાખતા હશે ! ... હવાની કઈ લહેર પર સવાર થઇ, કયા બારણે કે કઈ બારીએ બેસી એમને કયું દ્રશ્ય જોયું હશે ?!