“ડ્રીમવર્લ્ડ” : ૧ Dream World દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“ડ્રીમવર્લ્ડ” : ૧

“ડ્રીમવર્લ્ડ” : ૧

પ્રસ્તાવના

“ડ્રીમવર્લ્ડ” સંપૂર્ણપણે એક વૈજ્ઞાનિક તથ્યને લગતી કહાની છે. વાર્તામાં બનતી નવી નવી ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો વિચારમંત્ર ચિત્રણ છે.

આ કહાનીમાં અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતાં મિત્રો દર્શાવામાં આવ્યાં છે, જેમાં અલગ વ્યક્તિત્વ સાથે જ સ્વભાવ પણ વિપરીત હોય છે. દરેક મિત્રો પોતપોતાની ખામીઓને ઓળખવા લાગે છે. આ ખામીઓને દૂર કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા “સપના” માં જઈ, આ ખામીઓને દૂર કરવા માટે પડકારો ઝીલે છે.

આ કહાનીમાં “સપના” આવવાનું વૈજ્ઞાનિક કારણ શું છે ? સપનું દરમિયાન આપણા મગજ અને શરીરમાં કયા ફેરફાર થવા લાગે છે? આ સપના દ્વારા જ આપણે શું શું કરી શકીએ છીએ ? એ આ “ડ્રીમવર્લ્ડ” ની કહાનીનાં માધ્યમ દ્વારા આપણાને જાણવા મળશે.

વાચક મિત્રો, “ડ્રીમવર્લ્ડ” ની કહાની જેમ જેમ તમે વાંચતા જશો તેમ તેમ તમને પણ અહેસાસ થશે કે આ “ડ્રીમવર્લ્ડ” ની કહાની તો અમારા જીવન માટે પણ ઉપયોગી બની રહેશે.

“ડ્રીમવર્લ્ડ” ની કહાની અનોખી સાબિત થવાની છે જેમાં સાહસ, નિર્ણય, આચકો અને જ્ઞાન એમ બધાનો જ અનુભવ મળી રહેશે, કારણકે ડ્રીમવર્લ્ડ: ૧, ડ્રીમવર્લ્ડ: ૨, ડ્રીમવર્લ્ડ: ૩ એમ ત્રણ ભાગોમાં આ કહાની ચાલવાની છે.

જેમાં ડ્રીમવર્લ્ડ : ૧ નું, પ્રકરણ: ૧ આજે આપણે વાંચીશું. વાચક મિત્રો, આ અનોખી કહાની વાંચવા માટે તૈયાર થઈ જાઓ. આશા છે, અમારા વાચક મિત્રોને, આ રહસ્યમય કહાની પસંદ આવશે.

ખૂબ આભાર,

“પ્રજ્ઞેશ ઠુંમર” – “પ્રવિણા માહ્યાવંશી”

“ડ્રીમવર્લ્ડ” : ૧

પ્રકરણ:૧

આમ તો વર્ષાની જ મૌસમ ચાલી રહી હતી. પરંતુ આજે કેટલા દિવસ પછી આકાશમાં, સૂર્ય સવારથી જ દર્શન આપી રહ્યો હતો. બપોરના લગભગ બાર વાગ્યાં હશે, અચાનક આકાશમાં, ઘનઘોર વાદળોમાં એવી કાળાશ છવાઈ ગઈ કે થોડી વાર પહેલા જ દેખાતો સૂર્ય ક્યાંક અંધકારમાં છુપાઈને સંતાકુકડી રમતા, રમતા જ ખોવાઈ ગયો.

વાદળો હવે પોતાની રમત રમવા લાગ્યાં અને એકસાથે જ મોટા અવાજમાં ગડગડવાનું કામ કરવા લાગ્યાં, વીજળીને પણ આ રમતમાં શામિલ થવું હતું, એ પણ જોરદારની એકઝાટકે પડીને ક્યાંક ગાયબ થઈ જતી. હવે આ રમતમાં વરસાદની વણઝારને પણ શામિલ થવું હતું, પણ આ વર્ષા એવી વરસવા લાગી, એકસાથે જાણે, હવાને પણ માત આપી રહી હોય, અને હવા સાથે જાણે ધરતી પર પાણીના પૂરની ધારા વહાવી નાંખવા માંગતી હોય.

વરસાદે જોર પકડ્યું હતું, તેથી રસ્તા પર, વાહનોની અને લોકોની અવરજવર ખૂબ જ કમી હતી. એવાં જ જોરદાર વર્ષામાં, એક નવજુવાન છોકરો, હવાની લહેરકીમાં એવાં ગતિએ દોડી રહ્યો હતો, જાણે પાણીનું પૂર એના પાછળ પડ્યું હોય, લાલ રંગનું ટી-શર્ટ, પલળીને ચપોચપ શરીર પર ચીપકી ગયું હતું, એના પર ખુલ્લા બટન વાળો ટુંકી બાયનો કાળા કલરનો શર્ટ પહેરેલો હતો, જે તેજ પવનનાં કારણે અને તેજ દોડનાં કારણે હવામાં ઉડી રહ્યો હતો. ડાબા હાથમાં કાળા પટ્ટાની કાંડા ઘડિયાળ, અને જમણા હાથમાં લાલ કલરનો ધાગો વીંટાળેલો હતો, જે આધ્યાત્મિક સાથે સ્ટાઈલિશ પણ લાગી રહ્યો હતો. દેખાવે સામાન્ય લાગતો લગભગ ૨૪ વર્ષનાં છોકરામાં ગજબનું આકર્ષણ પેદા કરતું વ્યક્તિત્વ દેખાતું હતું,

આખરે તેજ ગતિથી દોડ લગાવીને તે એક બિલ્ડીંગને ત્યાં ઊભો રહી જાય છે. ત્યાં જ ઊભો રહી તે હાંફતા હાંફતા બિલ્ડીંગની ઊંચાઈને નિહાળે છે, તે જોતા જ તે ફરી તેજ રફતારમાં બિલ્ડીંગનાં દાદરા ચડે છે, તેનામાં ગજબનું જોશ આજે હતું, વધતા જતા ધબકારાનો અવાજ તેને બરોબર સંભળાતો હતો, આત્મવિશ્વાસથી ભરપૂર તે આજે વિચારી રહ્યો હતો કે, “આજે નહિ, તો ક્યારેય નહિ, પરિણામ કયું પણ આવે, પરંતુ મને આજે જ કરવું છે, હમણાં જ કરવું છે.!!

એમ વિચારમાં જ તે બિલ્ડીંગનાં ટેરેસનાં દરવાજાને, ધડામ દઇને ખોલી નાંખે છે. અને એક પણ વિચાર કરવા વગર તે બિલ્ડીંગનાં પાળી પર જઈ ઊભો રહી જાય છે. તેને જોતા જ એવું લાગે કે, આ છોકરો આજે આટલા ઉંચાઈઓથી કૂદવાનો છે.

તે છોકરો પાળી પર ઊભો રહી, આકાશ તરફ નજર માંડે છે, ત્યાં જ વરસાદ પણ હવે ધીમે ધીમે વરસવા લાગ્યો હતો. આ ધીમા વરસાદમાં પણ, તે ઘણો રોમાંચ અનુભવી રહ્યો હતો. પાળી પર ઉભા રહેતા, તેના શરીરમાં ઠંડી હવા પસરી રહી હતી.

તે આકાશને નિહાળવા માટે ફરી ઉપર તરફ, એક વાર નજર માંડે છે, ઉપર ચહેરો તાકતાની સાથે જ તેના આંખમાં વર્ષાની બુંદો ટપકવા લાગે છે, તે બુંદો પડતાની સાથે જ પોતાની આંખો બંધ કરી દે છે, પરતું તેના ચહેરા પર પડતા વર્ષાનાં બુંદોથી તેનું શરીર રોમાંચક અનુભવી રહ્યું હતું. તે ફરી આંખો ખોલી સામેની ઉભેલી બિલ્ડીંગોને નિહાળે છે, તે પાળી પર ઊભો રહી એવી રીતે નિહાળે છે, જાણે આખા વિશ્વને, એક યોદ્ધા તરીકે વિજય પામ્યો હોય.

વરસાદ, જે ધીમો પડી રહ્યો હતો, તે હવે તેજ થવા માંડ્યો હતો, ફરી અચાનક, તેજ હવાની શીતળ લહેરકીઓ લહેરાવા લાગી હતી, અને સાથે જ વીજળીનાં ચમકારા, આકાશમાં જ્યાં ત્યાં પડવા લાગ્યાં હતાં. તેજ વરસાદનાં કારણે તેના માથા અને ચહેરા પરથી એકત્રિત થતું પાણી હવે, દાઢીનાં નીચેથી જઈને, એક સાથે વહી રહ્યું હતું.

તેજ હવાના કારણે હવે તેનો, પહેરેલો શર્ટ હવાની રફતારમાં ઘણો ફડફડી રહ્યો હતો, તે ઘણું આહલાદક મહેસૂસ કરી રહ્યો હતો, તે સાથે જ તેના ચહેરા પર એક મોટી સ્માઈલ આવી જાય છે, તે મનમાં જ વિચારતો કહી રહ્યો હતો, “ અર્પણ, તે છેલ્લા ચાર મહિનાથી જે પ્રેક્ટિસ કરી હતી, એવું લાગે છે કે આજે લગભગ તારો છેલ્લો દિવસ છે.”

આ કહેતાની સાથે જ અર્પણ પોતાનાં દિલ પર હાથ મુકતાં કહી રહ્યો હતો, “ થેંક યુ મિત્રો, ફક્ત તમારા જ કારણે, મેં આટલી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ”

એ બોલતાની સાથે જ તે નીચે જુએ છે, તે મહેસુસ કરી રહ્યો હતો કે તે જમીનથી, દસ માળની બિલ્ડીંગનાં પાળી પર ઊભો રહ્યો છે.

તે જ સમયે અર્પણનાં મિત્રો, પરિસ્થિતિને પામી ગયા હતાં કે, આજે અર્પણ શું કરવા માગતો હતો, તેથી બધા જ મિત્રો બિલ્ડીંગને ત્યાં દોડતાં આવી રહ્યાં હતાં. બધા જ મિત્રોનું ધ્યાન, બિલ્ડીંગનાં પાળી પર ઊભેલો અર્પણ પર જાય છે, તે સાથે જ બધાં મિત્રો એકસાથે મોટેથી ચિલ્લાવતાં, બરાડા પાડીને, અર્પણને નીચે ઉતરવાં માટેની આજીજી કરવા લાગ્યાં.

અર્પણ એક સેકંડનો પણ વિચાર કર્યા વગર, દસ માળનાં બિલ્ડીંગનાં પાળી પરથી છલાંગ લગાવે છે, છલાંગ લગાવતા જ તેની આંખોમાં અમુક પ્રકારનું તેજ આવી ગયું હતું, અને ચહેરો સ્મિતથી ઝળહળી રહ્યો હતો.

અર્પણની છલાંગ લગાવાની સાથે જ મિત્રોનાં પગ ધ્રૂજવાં લાગે છે, તેઓનાં મોઢામાંથી નીકળેલા શબ્દો ત્યાં જ સ્થિર થઈ જાય છે, શું બની રહ્યું છે અને આટલાં સેકેન્ડમાં કેવી રીતે મદદ કરવી, એની જરા પણ સમજણ મિત્રોને ના પડી રહી હતી.

નીચે ઊભેલા અર્પણનાં મિત્રોમાં રાહુલ, ચિંતન, મોહિત, હિતેષ, રોક, મિતેશ જોઈ રહ્યાં હતાં કે, અર્પણે પાંચમાં માળ સુધી તો એક ગુલાટ મારી લીધી હતી, એ જોઈ બધા જ મિત્રો જાણે, પત્થરનાં પૂતળાં થઈ ગયા હોય એવાં સ્તબ્ધ થઈને ઊભા હતાં, નીચે ઊભેલા બધા જ મિત્રોની સ્થિતિ, કાપો તો લોહી ના નીકળે એવી બની ગઈ હતી.

અર્પણ ગુરુત્વાકર્ષણ બળનાં નિયમ મુજબ નીચે આવે છે, ત્યાં તો હવામાં બીજી એક ગુલાંટ લગાવે છે, તેની આંખો બંધ થઈ જાય છે, અને ફરી ઉઘડે છે, અર્પણ છેલ્લા ચાર મહિનામાં જે થયેલું હતું એનું ફટાફટ એક પછી એક જાણે ફિલ્મના ચલચિત્રો જોતો હોય તેવી રીતે યાદ કરવા લાગે છે, દિમાગમાં યાદોની હલનચલન એટલી ફાસ્ટ થઈ રહી હતી કે જાણે આટલા સેકેંડમાં આંખુ વિશ્વ જોઈ લીધું હોય. અર્પણનાં ચહેરા પર કોઈ પણ વાતનો રંજ ના હતો, તેને ફરી આંખો બંધ કરી લીધી. તેના ચહેરા પર એક લાંબી સ્મિત ઝળહળી રહી હતી.

અર્પણને આવી રીતે પડતો જોતા, નીચે સ્તબ્ધ ઊભેલા મિત્રોમાંથી, એક મિત્ર, રાહુલનાં મોઢામાંથી શબ્દો સરી પડે છે,“ ઓહ્હ ગોડ !! અર્પણ, તું સાચ્ચે જ એવું કરશે? એવું મેં વિચાર્યું પણ ન હતું !!”

અર્પણનો મિત્ર ચિંતનથી નીચે, જમીન પર જોવાઈ જાય છે, જે આરસપહાણનાં પત્થરો પર વરસાદનું પાણી પડી રહ્યું હતું, તે વધારે ને વધારે ચકચકિત અને સ્વચ્છ દેખાઈ રહ્યાં હતાં, જે થોડી સેકેન્ડમાં લાલ રંગના લોહીથી ફરી ધોવાવા માગતાં હોય...!!

એવું તો શું થયું હશે ? ચાર મહિના પહેલા ?? કેમ અર્પણને દસ માળની બિલ્ડીંગ પરથી કૂદવું પડ્યું?? એવી કંઈ ઘટના અર્પણ સાથે બની ગઈ હશે, જે એટલી ઊંચાઈથી પણ કૂદકો લગાવતાં વેળે અર્પણનાં ચેહરા પર સ્મિત રેળાઈ રહ્યું હતું !!

---------

(ચાર મહિના પહેલા)

શિયાળાની ઋતુ ચાલી રહી હતી, લગભગ સાંજના સાડા પાંચ વાગ્યાં હતાં. પરંતુ રસ્તા પર એવો કોઈ ઠંડો પવન વહેતો ન હતો, લગભગ ઠંડી ગયા વર્ષ કરતાં આ વર્ષે ઘણી ઓછી પડી રહી હતી.

એમ પણ ગુજરાતમાંથી કર્કવૃત પસાર થતો હોય છે એટલે ઠંડી ઓછી રહેતી.

એમાં પણ આ તો સૂરત શહેર, વાતાવરણ એકદમ મસ્ત જ રહેતું. હવે શિયાળાની ઋતુનો દોર ખતમ થઈ રહ્યો હતો અને ઉનાળાના દિવસો આવવાનાં જ હતાં.

સાંજના સાડા પાંચ વાગ્યે અંધારું થવા લાગે છે, કારણકે ઠંડીમાં, દિવસ ટુંકો અને રાત લાંબી હોય છે. ગુલાબી ઠંડીના દિવસો ખતમ થઈ રહ્યાં હતાં અને ત્યારે જ દોસ્તો ભેગા મળવા માટે પોતાનો સમય કાઢીને, આ જતી ગુલાબી ઠંડીમાં મળી લેતા હતાં, અને એ પણ ભેગા મળવા માટે મિતેશનો ક્લાસ બેસ્ટ હતો, કારણકે ત્યાં વાઈ ફાઈ ફ્રી રહેતું હતું.

પરંતુ આજે મિતેશ ક્લાસ એટેન્ડ કરીને, પોતાનાં ઘરે આવી ગયો હતો, અને ત્યાં જ બીજા બધા ફ્રેન્ડોની રાહ જોતો પોતાનાં ઘરનાં બાલ્કનીમાં ઊભો હતો. મિતેશનું શરીર થોડું ભરાવદાર હતું, પણ રાસ ગરબામાં ઇનામ પહેલો મેળવતો, ચહેરો ગોળાકાર અને હેરકટ તે સ્પાઈસી કરાવતો. હાથમાં “કેપ્ટન અમેરિકા” નાં સિમ્બોલનું ટેટુ ચિતારાવેલું હતું, અને હમેશાં જયારે અંગ્રેજીનાં શબ્દો બોલવામાં આવે ત્યારે તે શબ્દો પાછળ ‘સ’ લગાવીને જ બોલતો.

મિતેશ રાહ જોતાં જ તે ફરી વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કરવાં લાગ્યો, “ હે ગાઈઝ, આઈ એમ ફ્રી, કમ, એટ મા હોમ..”

અડધો કલાકમાં, એક પછી એક મિત્રો, મિતેશના ઘરે આવવા લાગ્યાં.

દસ ખુરશીઓ પહેલાથી જ મિતેશના ઘરમાં ગોઠવાયેલી હતી, દસ ખુરશીમાંથી નવ ખુરશીઓ મિત્રોનાં આગમનથી ભરાઈ ગઈ, પરંતુ એક મિત્ર હજુ સુધી આવ્યો ન હતો.

(ક્રમશ: ..)