એક હતું ગામ Dhwanil parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતું ગામ

એક હતું ગામ (વાર્તા)

ધ્વનિલ પારેખ

એક ગામ હતું. ગામનું નામ? અરે, જવા દો... ગામ છે તો એનું કોઈ નામ પણ હશે. તમારે કઈ ખાસ કામ હોય તો ગામનું નામ કહું બાકી... હા, તો ગામ હતું અને સુખી હતું. ગામમાં શાંતિ હતી.ગામ હોય એટલે પાદર હોય અને પાદર હોય એટલે વડનું ઝાડ પણ હોવાનું!આ વડ નીચે ગામના નકામા થઇ ગયેલા માણસો ગામ આખાની પંચાત કરતા બેઠા હોય. હવે, આ ગામની એક વિશેષતા એ છે કે ગામમાં દાખલ થવાનો એક જ દરવાજો છે. એ એક જ રસ્તે એક જ દરવાજે ગામમાં પ્રવેશી શકાય. આમ તો ઘણા બધા રસ્તા હતા પણ ગામલોકોએ બધા રસ્તા બંધ કરી દીધા અને વડના ઝાડ પાસેથી દાખલ થવાનો એક જ રસ્તો ખુલ્લો રાખ્યો.ગામના મુખીનું એવું માનવું હતું કે એક જ રસ્તો રાખવાથી ગામમાં કોણ આવે છે ને જાય છે એની ખબર પડે અને ગામની શાંતિ જળવાઈ રહે. વાત તો મુખીની સાચી હતી.

ગામમાં એક મંદિર હતું, મહાદેવનું મંદિર.(એ તો હોવાનું જ ! મહાદેવનું મંદિર ન હોય તો ગામ કહેવાય કઈ રીતે?) સાંજે ભજન-કીર્તન થતા અને આઠ વાગ્યા સુધીમાં તો આખું ગામ જંપી જતું ને સૂર્યના પહેલા કિરણ સાથે ગામ સળવળી ઊઠતું. બસ, આમ જ ગામ ગામની રીતે જીવ્યે જતું હતું પણ ગામ આમ જ જીવ્યે જાય તો વાર્તા આગળ વધે કઈ રીતે એટલે....

એટલે એક દિવસ એક પરદેશી ગામના પાદરે આવીને ઊભો રહ્યો. પરદેશી હતો એટલે એને થાક તો લાગ્યો જ હોય એ સ્વાભાવિક છે ! એટલે બેઠો એ તો વડની છાંયા નીચે ઘડીક પોરો ખાવા માટે. ગામમાં દાખલ થવાનો એક જ રસ્તો હતો એટલે એ તો દાખલ થયો એ રસ્તે ગામમાં અને પૂછતા પૂછતા જઈ ચડ્યો મુખીના ઘરે. પરદેશીની બધી વાત સાંભળીને મુખીએ હુક્કો ગગડાવ્યો.મુખી સ્વભાવનો ભલો માણસ હતો. એને પરદેશી પર દયા આવી અને એણે પરદેશીને ઝૂપડું બાંધીને ગામમાં રહેવાની છૂટ આપી. હવે, ગામ નાનું એટલે આવી વાત કઈ છાની રહેવાની નહોતી! બધાએ મુખીને સમજાવવાની કોશિશ કરી કે આવી રીતે કોઈ અજાણ્યાને ગામમાં... પણ મુખીએ પાછો હુક્કો ગગડાવ્યો અને કહ્યું, ' મેં હું કે ટો છું કે એ બી માણસ જ છે ને !' આમ, માણસની દુહાઈ આપીને મુખીએ ગામ લોકોને મનાવી લીધા અને પરદેશી પોતાના કુટુંબ સાથે ગામના એક ખૂણામાં ઝૂપડું બાંધીને રહેવા લાગ્યો.

પરદેશીએ ગામમાં રહેવાનું શરૂ કર્યું પણ કઈ કામધંધો તો કરવો પડે ને! સાથે લઈને આવેલા રૂપિયા પૂરા થયા એટલે પરદેશીએ વડ નીચે ચાહની લારી શરૂ કરી. આવતા જતા બધા જ ચાહની સુગંધ લેતાં. તો કોક વળી એકાદ કપ ચાહ ઠપકારતું પણ ખરું! સાંજે તો પરદેશીની ઘરાકી જામી પડતી.વડની નીચે બેસવા આવે અને પરદેશીની ચાહ ન પીએ એવું બને ખરું? 'પરદેશીની ચાહ' પરદેશીએ નામ પણ એવું જ રાખ્યું હતું. પરદેશીએ પણ પોતાના સ્વભાવથી અને પોતાની ચાહથી ગામલોકોના દિલ જીતી લીધા હતા. પરદેશી અને એની ચાહ ગામ આખામાં ફેમસ થઇ ગયાં.પરદેશીની ચાહની લારી સારી ચાલવા લાગી.પાસે બે પૈસા જમા થવા લાગ્યા.

( માણસ પાસે બે પૈસા જમા થાય એટલે એને વિચાર આવે) પરદેશીને પણ વિચાર આવ્યો એટલે એ ગયો પાછો મુખી પાસે.મુખીએ પરદેશીનો વિચાર જાણ્યો અને હુક્કો ગગડાવી કહ્યું,'હારું ભૈ ટમને ઠીક લાગે એ કરો પણ ગામમાં હાંતિ રે'વી જોઈએ, હું હમજ્યા?' પરદેશીએ માથું ધૂણાવ્યું, મુખીનો આભાર માન્યો અને ચાલવા લાગ્યો.

વડ નીચે પાછી ગુસપુસ થવા લાગી કે આ પરદેશી ક્યાં ગયો? પરદેશીની ચાહની ટેવ પડી ગઈ હતી એમની દાઢ સળવળતી હતી. બે-ત્રણ દિવસથી પરદેશી દેખાતો નહોતો એટલે ગામ આખું એની વાતો કરતું હતું.એની ભલાઈના એના સ્વભાવના ગુણગાન ગાતાં હતાં. ચોથે દિવસે પરદેશી ખટારો લઈને ગામમાં આવ્યો. એની સાથે બીજા ત્રણેક કુટુંબો હતાં. પરદેશીના ઝૂપડાની બાજુમાં બીજા ત્રણ ઝૂપડા બંધાયા અને બીજા ત્રણ કુટુંબો રહેવા લાગ્યા. પછી તો કીડીનું કટક વધે એમ પરદેશીના ઝૂપડાની આસપાસ ઝૂપડા વધવા લાગ્યા અને ગામની વસ્તી પણ વધવા લાગી. ગામલોકોએ ગામની જે ભાગોળ નક્કી કરી હતી એ નાની પડવા લાગી. ગામની ભાગોળે રહેલાં મંદિર અને વડ ગામમાં આવી ગયાં( એટલે પરદેશીની ચાની લારી પણ ગામમાં આવી ગઈ.)ગામમાં દાખલ થવાનો રસ્તો નવેસરથી બનાવવો પડ્યો. ગામની વસ્તી અને વિસ્તાર બંને વધવા લાગ્યાં.

પરદેશીને પોતાના સગાવહાલા અને મિત્રોને પાસે જોઇને એક વિચાર આવ્યો.(પરદેશીને વિચાર આવે એટલે શું થાય એ તો હવે તમે જાણી જ ગયાં હશો!) એ તો ગયો પાછો મુખી પાસે.મુખીએ પરદેશીનો વિચાર જાણ્યો, હુક્કો ગગડાવ્યો અને આ વખતે કહ્યું,' જો ભાઈ ગામલોકોને પૂછવું પડહે. ગામલોકો જે નક્કી કરે એ હાચું.' પરદેશી માથું ધૂણાવીને ચાલવા લાગ્યો. સાંજે પરદેશીની ચાહની લારી બંધ થાય પછી વડ નીચે ચર્ચા ચાલી-

' એમ કઈ થોડી થાય ? ગામમાં એક મંદિર તો છે પછી હું છે?'
વાત તો હાચી છે પણ એનો ધરમ જુદો છે તેમાં...'
એનો ધરમ જુદો છે એમાં આપણે હું કરવાના?'
પણ અવે એ કંઈ પરદેશી નથી રિયો એ બી અવે ગામનો જ માણસ છે એટલે..'
ગામમાં એક મંદિર છે તે બઉ છે બીજા કોઈ ધરમસ્થાનનું કામ ની મલે.'
વડના બે-ચાર પાંદડા ખરી પડ્યા. મુખીએ હુક્કો ગગડાવ્યો અને શાંતિથી વાત કરી-'
જુઓ બધા ધરમ હરખા છે.કોઈ નાનું નથી કોઈ મોટું નથી. ભલેને એ એનું ધરમસ્થાન બાંધતો. આપણા માં'દેવ તો બેઠા જ છે ને, હે?'
આમ ધર્મની દુહાઈ આપીને મુખીએ ગામલોકોને સમજાવી લીધા. (ગામલોકો પાછા બહુ સમજુ એટલે સમજી પણ જાય!) મહાદેવના મંદિરની બરાબર સામે વડના ઝાડની બાજુમાં બીજું એક ધર્મસ્થાન ઊભું થયું. હવે ગામમાં રોજ જુદીજુદી પ્રાર્થના થવા લાગી.

ગામમાં પહેલી વાર કશું જુદું થતું હતું છતાં પણ ગામમાં પહેલા જેવી જ શાંતિ હતી. દશ વર્ષ થયા છતાં પરદેશીની ચાહ અને એનો સ્વભાવ હજી પણ એવા ને એવા જ હતાં. ગામમાં લોકો હજી પણ વડ નીચે બેસતા, પરદેશીની ચાહ પીતાં અને ગુસપુસ કરતા. ગામ હજી પણ ગામની જેમ શાંતિથી જીવ્યે જતું હતું.... પણ હવે જો આમ જ બધું શાંતિપૂર્વક ચાલ્યા કરે તો મારી વાર્તાનું શું? એટલે...

એક દિવસ સવારથી જ મહાદેવના મંદિરે ગામ લોકોનું ટોળું થવા માંડ્યું. સામે બીજા ધર્મસ્થાને પણ ટોળું થવા માંડ્યું. મંદિરમાંથી ઢોલ-નગારાના અવાજો આવવા લાગ્યા અને સામેથી પણ ભક્તિપૂર્વક્ના અવાજો આવવા લાગ્યા.બંને અવાજો એકબીજામાં ભળી જવા લાગ્યા અને કોઈ ત્રીજો જ અવાજ સંભળાવા લાગ્યો.થોડી વાર તો આવી અવાજની સેળભેળ થતી રહી પણ પછી એક ચોથો જ અવાજ જરા મોટેથી સંભળાયો,' એ બંધ કરો બધું તમારું..' પછી તો ' તમારું બંધ કરો...', 'તમારું બંધ કરો...' ના અવાજો ગામની હવાને પ્રદૂષિત કરતા રહ્યા. પ્રદૂષિત હવામાં પેલી ભક્તિ ક્યાં ઓગળી ગઈ એની ખબર ન પડી. સામસામે દેકારા થયા. વડે આવા દેકારા પહેલી વાર સાંભળ્યા હતા.એને ચીસ પાડવાનું મન થયું. પણ આ દેકારામાં પોતાની ચીસ કોઈ નહીં સાંભળે એવું લાગતા વડ મૂંગો રહ્યો.

બીજા દિવસે સવારે ગામ આખું વડ નીચે ભેગું થયું હતું. ' એ બંધ કરો બધું તમારું'નો બરાડો પાડનાર સાવ મૂંગો થઇ ગયો હતો. ગામમાં પહેલી વાર હા, પહેલી જ વાર આવી ઘટના બની હતી. વડની આંખમાં આંસુ હતા અને ગામલોકોની આંખમાં પહેલીવાર ખુન્નસ ચમકી રહ્યું હતું. પરદેશી અને એના સ્વજનો પણ વડ નીચે ઉભા હતા. ખુન્નસ જાણે ચપ્પુ બનીને પરદેશીની છાતીમાં ભોંકાવાનું હોય એમ બધાની નજર એના ઉપર હતી. ગામલોકો તો એ ઘડીએ જ પરદેશીનું ઢીમ ઢાળી દેવા તૈયાર હતા પણ મુખી...મુખી બહુ ભલો માણસ હતો એટલે એણે ફરી એકવાર માણસની દુહાઈ આપીને ગામલોકોને સમજાવ્યા....

મુખી આમ દરવખતે ગામલોકોને દુહાઈ આપીને સમજાવતો પણ આ વખતે...? આ વખતે મુખીની દુહાઈ કામ ન લાગી. એ રાતે ખેલાયું ગામમાં ધીંગાણું. ગામમાં ખેલાયેલું ધીંગાણું બીજે દિવસે સવારે ઊડતું ઊડતું પહોચ્યું બીજે ગામ અને ત્યાંથી ત્રીજે ગામ. આમ કોઈ ને કોઈ ગામમાં ધીંગાણું આજ સુધી ખેલાતું જ રહ્યું છે. ધીંગાણું છે કે બંધ થવાનું નામ જ નથી લેતું અને આ વાર્તા પણ એટલે...