મધ્યકાલીન ગુજરાતી કવિતા પર કબીરનો પ્રભાવ Dhwanil parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધ્યકાલીન ગુજરાતી કવિતા પર કબીરનો પ્રભાવ

મધ્યકાલીન ગુજરાતી કવિતા પર કબીરનો પ્રભાવ

ધ્વનિલ પારેખ

મધ્યકાલીન ભારતીય કવિતાક્ષેત્રે કબીરનું નામ મહત્ત્વનું છે. માત્ર મધ્યકાલીન કવિતા જ શું કામ ભારતીય કવિતાની વાત આવે તો પણ કબીરનું નામ આદરપૂર્વક લેવું પડે. કબીરના જન્મ બાબતે દંતકથાઓ પ્રચલિત છે. ઈ.સ. ૧૩૯૮માં કબીરનો જન્મ કાશીમાં થયો હતો ને ત્યારે સિકંદર લોદીનું શાસન હતું, આ વાત સ્વીકૃત થઇ છે. મુસ્લિમ વણકર નીરુ અને નીમાએ કબીરનો ઉછેર કર્યો હતો એ વાત પ્રચલિત છે.મુસ્લિમ કુટુંબમાં કબીરનો ઉછેર થયો હોવા છતાં કબીર રામભક્તિમાં તન્મય રહે છે ને રામાનંદને પરોક્ષ રીતે ગુરુ તરીકે સ્વીકારે છે. કબીરનાં અનેક પદોમાં પણ આ બાબતનો ઉલ્લેખ આવે છે.

કબીરની જેમ જ ભારતીય કવિતાક્ષેત્રે આદરપૂર્વક નરસિંહ મહેતાનું નામ પણ લેવું પડે. કબીર નરસિંહના પૂર્વજ છે. સમગ્ર મધ્યકાલીન ગુજરાતી કવિતાના સંદર્ભે અહીં વાત નથી કરવી પણ રવિ – ભાણ સંપ્રદાય પર કબીરનો કેવો પ્રભાવ રહ્યો છે એની અહીં વિગતે ચર્ચા કરવાનો ઉપક્રમ છે.

કબીર પરંપરા કબીરના શિષ્યોને કારણે ગુજરાતમાં વિકસી છે. રવિ – ભાણ સંપ્રદાય ઉપરાંત રામ કબીર સંપ્રદાય પણ ગુજરાતમાં લોકપ્રિય છે.ભાણસાહેબ ના શિષ્ય ખીમસાહેબે આ પરંપરા આ રીતે મૂકી આપી છે-

સતગુરુ કબીર હે કિરતાર, નાકા ધરમદાસ અવતાર,

તાકા બ્રહ્માનંદ ભરપૂર, તાકા નામ નિરભે નૂર

તાકા સુખાનંદ સરદાર, તાકા અભયાનંદ અપાર

તાકા સહજાનંદ સમ્રથ, તાકા સુરતારામ અકથ

તાકા જદુરામ જુગજીત, તાકા ષષ્ટમ પુરણ પ્રીત,

તાકા ભાણસાહેબ સોય, તાકા રવિરામ નિજ હોય(ગોહિલ,૨૨૧)

ખીમસાહેબ પછી પુરષોતમસાહેબે પણ આ પરંપરા આગળ વધારવાનું કામ કર્યું છે. કબીરનું જીવનચરિત્ર ‘ભક્તમાળ’ લખનાર મુકુન્દ કબીર સંદર્ભે જણાવે છે-

કબીરે એક પંથ ન કીધો, સુણો સહુ સંતો,

તેણે એક બ્રહ્મરસ પીધો, સુણો સહુ સંતો.

એક બ્રહ્મરસ પીવાની વાતનો પ્રભાવ રવિ – ભાણ સંપ્રદાયના કવિઓ ભાણસાહેબ, હંસદાસ, રવિ સાહેબ,ખીમસાહેબ, મોરારસાહેબ, રાજ અમરસંગ, ત્રિકમસાહેબ, ગંગારામ, નાનક્સાહેબ, લાલસાહેબ, ચરણદાસ, દાસ હોથી, દાસ જીવો, ભીમસાહેબ, દાસી જીવણ, નથુરામ,લક્ષ્મીસાહેબ,પીઠો ભગત, પુરુષોત્તમસાહેબ વગેરે અનેક કવિઓ પર જોવાં મળે છે.

મધ્યકાલીન ભારતીય કવિતામાં ગુરુનો મહિમા અનેક રીતે પ્રસ્તુત થયો છે.કબીર ગુરુનો મહિમા આ રીતે કરે છે-

યહ તન વિષ કી બેલરી, ગુરુ અમૃત કી ખાન,

સીસ દિયે જો ગુરુ મિલેં તૌ ભી સસ્તા જાન. (ગોહિલ,૧૭૧)

ગુરુ રામાનંદનો ઉલ્લેખ કબીરનાં અનેક પદોમાં આવે છે તેમ રવિ – ભાણ સંપ્રદાયના કવિઓ પણ ગુરુનો મહિમા કરવાનું ભૂલ્યા નથી. ભાણસાહેબ કહે છે-

સતગુરુ મળિયા સ્હેજમાં, જેણે સતનો શબદ સુનાયો,

ચોરાશીનો રાહ ચુકાવી, અખંડ ધામ ઓળખાયો. (ગોહિલ,૪૪૦)

ખીમસાહેબ કહે છે-

સુક્ષમ વેદ સે ન્યારા પ્યારા સોહી સતગુરુ હમારા.

સાચા સતગુરુ નેણે નિરખ્યા, સળંગ સુરત એકધારા,

ખીમસાહેબ કહે ભાણ પ્રતાપે, હરદમ બોલે પ્યારા. (ગોહિલ,૪૬૩)

આ સતગુરુ ભેદ સહુ ખોલીને અલખના દર્શન કરાવે છે, અજ્ઞાનનો પડદો દૂર કરીને બ્રહ્મ દર્શન કરાવે છે. કબીર કહે છે-

સત્ત પ્રેમ કા ભર ભર પ્યાલા, આપ પિવૈ મોહિ પ્યાવૈ.

પરદા દૂર કરૈ આંખિન કા, બ્રહ્મ દરસ દિખલાવૈ

જિસ દરસન મેં સબ લોક દરસૈ, અનહદ સબ્દ સુનાવૈ. (દ્વિવેદી,૧૯૫)

દાસી જીવણના ગુરુ ભીતર અજવાળું પ્રગટાવે છે-

અંજવાળું, હવે અંજવાળું,

ગુરુ આજ તમ આવ્યે રે મારે અંજવાળું.

સતગુરુ શબ્દ જયારે શ્રવણે સુણાવ્યો,

ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું

રવિ-ભાણ સંપ્રદાયમાં ગુરુ-શિષ્ય પરંપરા ઉજ્જવળ રહી છે ને મોટાભાગના કવિઓએ પૂર્વ કવિઓને પોતાના ગુરુ તરીકે સ્વીકારીને એમનો મહિમા કર્યો છે.

ભક્તિ રસ કે રામ રસનું આકંઠ પાન કરવાની વાત કબીરમાં અનેકવાર જોવા મળે છે રામરસ પ્યાલો કે અમીરસ પ્યાલો ગટકગટક પીવાની ઉત્કંઠા કબીરને રહી છે અને એટલે એ વાત કબીરનાં પદોમાં આ રીતે આવે છે-

પીલે પ્યાલા હો મતવાલા

પ્યાલા નામ અમીરસ કા

કહૈ કબીર સુનો સાધો

નખ સિખ પૂર રહા વિષ કા રે.(દ્વિવેદી,૨૦૭)

રામરસ પ્યાલા હૈ ભરપૂર

પીવો કોઈ ઘટક ઘટક ઘટક..ગોહિલ,૧૭૧)

આ પદમાં ઘટક, ખટક,ચટક,ઝટક, પટક, લટક, ભટક વગેરે પ્રાસ દ્વારા કબીરે જે નાદ ઊભો કર્યો છે એ પણ આસ્વાદ્ય છે રામરસને ગટકગટક પીવાની વાત કબીર કરે છે ને એ પ્યાલો રવિસાહેબ આ રીતે પીએ છે-

એવો પ્યાલો મેં પીધો રે, લીધો હરિ લગન કરી.

એવા પરિબ્રહ્મ ભાળ્યા રે, અદ્વૈત સભર ભરી.

સતગુરુએ શ્રવણરસ રેડિયો, ચોંટ્યો રૂદિયા માંઈ,

સંધે સંધે રસ સંચર્યો, ઉનમુન રહ્યો ઠેરાઈ

એવી સુરતા જેની સૂન થઇ રે, ઊતરે નહીં ફરી.ગોહિલ,૪૪૮)

ત્રિકમસાહેબ કહે છે-

પ્યાલો દૂજો કોણ પીયે

મારો સતગુરુએ પાયો રે અગાધ

સતની કૂંડી સંતો, શબ્દ લીલાગર

એક તુંહી, સતગુરુ ઘૂંટણ હાર.ગોહિલ,૪૬૯)

દાસી જીવણે પણ પ્રેમરસ પ્યાલો ભરપૂર પીધો છે.આ ભક્તિરસ સતગુરુ પીવડાવે ત્યારે જ એનો અનહદ આનંદ અનુભવાતો હોય છે. રામ સર્વ વ્યાપક છે. સૃષ્ટિના કણકણમાં રામ વ્યાપ્ત છે. કબીરે એની અભિવ્યક્તિ આ રીતે કરી છે-

સાહેબ હમમેં સાહેબ તુમમેં, જૈસે પ્રાના બીજ મેં,

મત કર બંદા ગુમાન દિલ મેં, ખોજ દેખ લે તન મેં. (દ્વિવેદી,૨૨૦)

નાનકસાહેબ આ રીતે અભિવ્યક્તિ કરે છે-

સકલ હંસ મેં રામ હમેરા, નામ સમોવડ કોઈ નથી

પિંડ બ્રહ્માંડ જુવો તપાસી રામ વીણા ઠાલું ઠામ નથી.ગોહિલ,૪૭૪)

ભક્તિરસ પામવા માટે શરીરની મર્યાદા ઓગાળવી પડે. કબીર સહિત અનેક કવિઓએ શરીર માટે અનેક રૂપકોનો ઉપયોગ કર્યો છે. કબીર તો દેહને ચાદર સાથે સરખાવે છે ને ઈંગલા, પિંગલા અને સુષુમ્ણાના તારથી વણાયેલી આ ચાદર પર ડાઘ ન પડે એની કાળજી પણ રાખવાનું કહે છે. શરીર એ ઈશ્વરે આપેલી અદભૂત ભેટ છે આ શરીરમાંથી અનેક પ્રકારના સૂક્ષ્મ ધ્વનિઓ પ્રગટ થાય છે.કબીર કહે છે-

ઓહમ –સોહં બાજાં બાજે, ત્રિકૂટી ધ્યાન સમાની,

ઈંગલા પિંગલા સુખમન નારી, શ્વેત ધજા ફહરાની (ગોહિલ,૪૧૫)

રવિસાહેબ શરીર માટે બંગલાનું રૂપક પ્રયોજે છે.પણ આ બંગલાની બનાવટ અને કબીરની ચાદરની બનાવટ એકસરખી લાગે છે. કબીર ચાદરના વણાટની વાત કરે છે તો રવિસાહેબ બંગલાના બાંધકામની વાત કરે છે, પણ બંને કવિઓની સામગ્રી તો એકસરખી જ લાગે છે. આમ થવાનું કારણ એક જ છે કે બંનેનો કારીગર એક જ ઈશ્વર છે. રવિસાહેબ કહે છે-

તન બંગલો કા કિયા કમઠાણા, સોઈ તો કારીગર ન્યારા હે.

ઓહમકાર કી ઈંટ લગવાઈજી, સોહમકાર કા ગારાજી,

ચૈતન ચૂનો માંહી માયા કા મસાલા, રંગ લગાયા રણુંકારા (ગોહિલ,૪૫૧)

બંને કવિઓમાં એક જ ચૈતન્ય વિલસતું હોય ત્યારે આવી અભિવ્યક્તિ શક્ય બને છે. ત્રિકમસાહેબ શરીરની સરખામણી કાગળની હોડી સાથે કરે છે. શરીરનો મહિમા મધ્યકાલીન કવિઓ એટલે જ કરે છે.

શરીરની જેમ માયાથી દૂર રહેવાની સલાહ પણ કબીર આપે છે. માયાના મોહપાશમાં સપડાયેલાને સતગુરુ જ મુક્તિ અપાવે છે. માયા કોઈને છોડતી નથી.કબીરને માયા મહાઠગ લાગે છે. કબીર કહે છે-

માયા મહા ઠગિનિ હમ જાની.

તિરગુન ફાંસી લિએ કર ડોલૈ, બોલૈ મધુરી બાની. (દ્વિવેદી,૨૩૭)

રવિસાહેબને માયા બહુ બળવાન લાગે છે.માયાએ પોતાની જાળ ફેલાવી હોય છે ને સહુ એમાં સપડાતા હોય છે પણ આખરે એમાંથી મુક્તિ તો ગુરુ જ અપાવે છે. રવિસાહેબ કહે છે-

દેખો માયા બહુ બળવંતી, પંડિત પ્રગટ કર જોડે.

સતગુરુકા બાળક આગે, માયા કામ કરે કોડે,

કહે રવિરામ સોઈ સંત શિરોમણી, માયાકા બંધન છોડે.ગોહિલ,૪૫૨)

ત્રિકમસાહેબ જરા જુદી ભાષામાં માયાથી દૂર રહેવાનું ચેતવે છે-

કુટુમ કબીલાની કૂડી છે માયા, એ છે ભવનો ભાર;

એમાં મન તું મોહી રિયો છે, રે ખાઇશ જમનો માર. (ગોહિલ,૪૭૦)

આત્માને ઓળખ્યા વિનાનું જ્ઞાન નકામું છે. જે આત્માને ઓળખતો નથી એ ભક્તિના નામે કેવળ દંભ કરે છે. એ ઈશ્વરની પ્રાપ્તિ માટે અહીં તહીં ભટકતો રહે છે.ભક્તિરસ પામી શકતો નથી.કબીરે આ વાત સરસ રીતે સમજાવી છે-

પાની બિચ મીન પિયાસી

મોહિ સુન સુન આવૈ હાંસી

આતમજ્ઞાન બિના જગ ઝૂઠા

કયા મથુરા કયા કાસી.દ્વિવેદી,૨૦૨)

નરસિંહ મહેતા અહીં યાદ આવે-

જ્યાં લગી આત્મતત્ત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી.

દાસહોથીની વાણી કંઇક આ રીતે વાત કરે છે-

આતમ ચિન્યા વિના ક્થણી કથે રે, કૂડાં બ્રહ્મગીનાન,

ભક્તિ તણો ભેદ ન લાધ્યો રે મેલે ઢુંસાની પરાણ(ગોહિલ,૪૭૯)

આત્મા ચીંધે નહી એ ભક્તિ કરવાથી કશું હાથમાં આવતું નથી. પરાણે ભક્તિ કરવાથી જ્ઞાન લાધતું નથી.

મધ્યકાલીન ગુજરાતી કવિતાના એક મહત્ત્વના રવિ-ભાણ સંપ્રદાય પર કબીરનો પ્રભાવ વિશેષ રહ્યો છે. આ કવિઓ કબીરપંથી કવિઓ તરીકે પણ પ્રચલિત છે. ગુરુનો મહિમા, એ ગુરુના પ્રતાપે બ્રહ્મરસની પ્રાપ્તિ, માયાના બંધનમાંથી મુક્તિ અને આત્મજ્ઞાનની ઓળખ કબીરના આ વિચારોનો સીધો પ્રભાવ રવિ-ભાણ સંપ્રદાયના કવિઓ પર જોવા મળે છે. કબીરનો પ્રભાવ ભલે રહ્યો હોય પણ આ કવિઓની નિજી અભિવ્યક્તિ પણ રહી છે.

સંદર્ભ(૧) ગોહિલ, નાથાલાલ. સતસાહેબની સરવાણી. ૨૦૦૦ ગાંધીનગર: ગુ.સા.અકાદમી

(૨) દ્વિવેદી, હજારીપ્રસાદ.કબીર ૨૦૦૨(નવમી આવૃત્તિ).નવી દિલ્હી: રાજકમલ