ઝબકાર - ૧ TEJAS PANCHASARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝબકાર - ૧

મારા વિષે

સરકારી નોકરી સાથે સાહિત્યિક વાંચન અને લેખન મારો શોખ રહ્યો છે. આપણી પોતીકી ભાષામાં કાંઇક લખવું એ આનંદ જ અનેરો હોય છે. આજના સમયમાં ઇંગ્લીશ ભાષાના વધતાં જતાં પ્રભાવને ધ્યાને લેતાં આપણી માતૃભાષાને જાગૃત રાખવાનો આ મારો નાનકડો પ્રયાસ છે. હું સ્વીકારૂ છું કે હું આ ક્ષેત્રમાં હજું નવો છું. મારી લેખનશૈલી એ કોઇ લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર જેવી નથી. મારી કૃતિઓને હુ મારો નાભીનો નાદ ગણીને આપની સમક્ષ રજુ કરેલ છે. છતાં તેમાં જો કોઇ ભુલ રહી ગયેલ જણાય તો દરગુજર કરશોજી.

આ પુસ્તક હું મારા માતા-પિતા અને મારા ગુરૂના ચરણોમાં સમર્પિત કરૂ છું. તેમજ મને સહકાર આપવા બદલ મારી અર્ધાંગિનીનો આભાર.

વહેવારોની વણઝાર વચ્ચે વહેંચાયેલો માણસ,

હાઇ-વે ના ડાયવર્ઝનની માફક ફંટાયેલો માણસ.

કોઇ-કોઇનું ના સાંભળે છતાં જીવવાનું !

બહુ ચાલ્યો પણ હવે થાક્યો આ માણસ.

કોઇ ના હાથ ઝાલે, કોઇ ના સાંભળે,

ભૂલ એટલી જ કે ગરીબ હતો એ માણસ.

સપનાઓ જોયાં મહેલોમાં જીવવાના,

ખાલીખમ ભુખ્યા પેટે સુતેલો એ માણસ.

બહારથી ખુબ સુંદર પણ અંદર મર્હુમ છે,

તાજમહેલ જેવો દેખાતો આભાસી આ માણસ.

આટલી વિપદાઓ વચ્ચે અડીખમ ઉભો છે,

બહારથી ખોટું સ્મિત રેલાવતો આ માણસ.

દુ:ખો દિલમાં દફન કરી જિંદગી વિતાવી ‘’તેજ’’,

માણસને ના મળ્યો કોઇ સાચો માણસ.

રસ્તામાં એક બાળકને અમે હસતો જોયો છે,

જાણે અવની ઉપર અમે ખુદાને જોયો છે.

શ્રીમંતોની શ્રીમંતાઇની વાત જ સાવ અલગ છે,

મખમલથી મઢેલો એનો જનાજો જોયો છે.

માણસ થઇને આવે તો ખબર પડે,

બાળકની જેમ રડતો અમે ભગવાન જોયો છે.

ધર્મના નામે આપણે હદ વટાવી દીધી છે,

બધાનાં દેવાલયોમાં અમે પંખીનો માળો જોયો છે.

ઠાલા આશ્વાસનોથી ખુબ ફુલાયા ‘’તેજ’’,

પ્રસંગો મુજબ બદલાતો માણસનો ચહેરો જોયો છે.

કરો પ્રેમ ‘ને સામે મળે પ્રેમ એ જરૂરી નથી,

જિંદગીની દરેક સવાર ખુશનુમા હોય એ જરૂરી નથી.

મઝધારની વાત ભુલી કિનારાનું ધ્યાન રાખજો,

દરેક નાવ મધદરીયે બૂડે એ જરૂરી નથી.

તેને બધી જ ખબર છે સારી નરસી બાબતની,

તારી દરેક દુઆ ખુદા કબુલ કરે એ જરૂરી નથી.

તેના વિચારોથી જ નિંદ્રા ઉડી મારા કાનની,

કૃષ્ણને જગાડવા રાધાની હાજરી હોય એ જરૂરી નથી.

ચાલ,થોડાં અસ્ત-વ્યસ્ત બની જીવી લઇ ‘’તેજ’’,

જીવનના દરેક પાસા વ્યવસ્થિત હોય એ જરૂરી નથી.

ચાલ, એકબીજાને મળતા રહીએ,

બધું ભુલી એકબીજાને ગમતાં રહીએ.

એકલાં શોધશું તો નહીં મળે મંઝીલ,

એકબીજાનો હાથ પકડી શોધતાં રહીએ.

નોટવાળાને બીક લાગે સિક્કાવાળાને શું ?

પલળવાનું કાંઇ નથી, ચાલ ભીંજાતા રહીએ.

જીવનનો ઉકેલ શું મરણ જ છે ‘’તેજ’’ ?

ચાલ, બધાની જેમ જીવતાં રહીએ.

ખુબ મજા આવશે જીવવાની એક વાર અજમાવી તો જો,

રંગીન ન બને જીવતર તો કે જે, પ્રેમ કરી તો જો.

ઓ જિંદગી, નિર્બળ સમજવાની ભુલ ના કર અમોને,

થઇ જાય આરપારની લડાઇ, અજમાવી તો જો.

કોણ કહે છે સંબંધો ગુંચવાયેલ જ રહે હંમેશને,

બની કોઇના પોતીકા એક વાર સમજાવી તો જો.

કદરદાન મળે કે ન મળે ફીકર શાને ‘’તેજ’’?

ઉપાડ કલમ અને એકાદ ગઝલ લખી તો જો.

મળે અવસર તો તારા નામ પર ગઝલ રચી દઉં,

કે પછી મારી કલમે આખું મેઘધનુષ રચી દઉં.

તારા આંગણે આવ્યાનો અવસર જ પુરતો છે,

મારી જાતને તારા દ્વારનું એક તોરણ રચી દઉં.

અમને યાદ છે એક-એક પ્રકરણ આપણાં પ્રણયનાં.

જો તું કહે તો આખે આખું પુસ્તક રચી દઉં.

દેવાલાયોનાં દ્વાર સુધી પહોંચાય તો થીક ‘’તેજ’’,

નહીં તો આપણી જાતનું જ એક દેવાલય રચી દઉં.

ઝરણું જાણી ઉલેચીએ ‘ને આખો સાગર નીકળે,

હસતાં ચહેરા પાછળ એક આખો માણસ નીકળે,

જીવતરનાં જખ્મોને બહું તપાસાય નહીં,

રખે ને કોઇક પોતાના અંગત જ નીકળે.

કોઇના ખયાલમાં જીવન શાને બદલવું ?

બને એવું કે ખયાલ એ ખોટો પણ નીકળે.

નરસિંહની જેમ હૂંડી લખી તો જુઓ ‘’તેજ’’,

થાય એવું કે સ્વિકારનાર કોઇ શામળિયો નીકળે.

શબ્દ ગઝલ છે, ભાષા ગઝલ છે,

કલમ ‘ને કાગળનાં લગ્ન ગઝલ છે.

જ્ઞાનીઓની વાતોમાં આડંબર વર્તાય છે,

શિશુની કાલી નિર્દોષ ભાષા, ગઝલ છે.

પ્રેમનાં નામે બહું ગરબડો કરી આપણે,

તેનાં ચહેરાનું આછેરૂ સ્મિત ગઝલ છે.

રોજ નવા શેર ‘ને અર્થો પણ જુદાં,

જિંદગી પણ જાણે આખી, ગઝલ છે.

લોથપોથ થઇને પડ્યો છું,

આખરે, હવે હું થાક્યો છું.

ટકટક સુણી હર કોઇની,

કચકચ સહી હર કોઇની.

ઘડિયાળનાં કાંટે પટકાયો છું,

આખરે, હવે હું થાક્યો છું.

મૃગજળ પાછળ ખુબ દોડીને,

અન્ય કાજે જાત છોડીને.

ટાવરના લોલક જેમ લટકાયો છું,

આખરે, હવે હું થાક્યો છું.

શહેરની વાંકલી ગલીઓમાં,

બદલાતાં માનવીય ચહેરાઓમાં.

સિમેન્ટ સાથે ચણાયો છું,

આખરે, હવે હું થાક્યો છું.

ફૂલોમાં આવા રંગો એ કોણ રેડતો હશે ?

વળી તેમાં સુગંધના અતર કોણ છાંટતો હશે ?

મોરલાનો અષાઢી ટહુકાર કોને ન ગમે ?

પણ એનાં રૂપાળા પીંછા કોણ ચીતરતો હશે ?

એક આડશ હટે ‘ને તુટે ઘરનું છાપરૂં,

આવડા આભને ટેકો પછી કોણ આપતું હશે ?

અડીખમ ઉભાં છે આજે વર્ષો પછી પણ,

આવા રૂપકડાં પર્વતો એ કોણ બનાવતો હશે ?

રાત પડે ‘ને કવિતાઓ વેરી દે તારલીયાઓની,

‘’તેજ’’ વિચારતાં જ રહી ગયાં, એ કવિ કેવો હશે ?

થશે કઇક સારૂ એ નક્કી, જમણી આંખ ફરકે છે,

ખુશીના સમાચાર મળવાના છે, જમણી આંખ ફરકે છે.

મોંઘવારીની આ વણઝારમાં છપ્પનભોગ મળે શેનાં ?

પણ મળશે ભરપેટ જમવાનું, જમણી આંખ ફરકે છે.

વિદેશગમનનાં યોગની એ કોઇ જોષીને ખબર પડે,

પહોંચીશું કોઇના દિલ સુધી, જમણી આંખ ફરકે છે.

મૃગજળ સમાં તેના પ્રેમ પાછળ હંમેશા દોડ્યો હું,

વિશ્વાસ છે કે મળશે મૃગજળ, જમણી આંખ ફરકે છે.

‘’તેજ’’ શોધતાં રહ્યાં ચહેરા પાછળના માણસને,

એ જ આશાએ કે મળશે કોઇ માણસ, જમણી આંખ ફરકે છે.

ગમે તેમ ‘ને બધાને ગમે તેમ જીવી જવાની મજા છે,

‘ને દુ:ખોના રાફડામાં પણ સુખ શોધી લેવાની મજા છે.

તમારી હરેક વાતમાં બધાની ‘’હા’’ જ હોવી જોઇએ ?

ક્યારેક કોઇ તરફથી ‘’ના’’ આવે તેની પણ મજા છે.

સ્વાર્થ પુરો થયે હાંસિયામાં ધકેલી દે છે મારા મિત્રો,

તેનાં કરતાં દુશ્મનોનાં ખંજરથી કતલ થવામાં મજા છે.

અમોએ ઘણાં જોયા શ્રીમંતાઇના નશામાં ચકચુર,

પણ કોઇના દુ:ખે ટપકે આંસુ એ ગરીબાઇમાં મજા છે.

હવે પછીનાં જનમની ચિંતામાં ન ડૂબો ‘’તેજ’’,

કુદરતની આ રંગીન દુનિયામાં રંગાઇ જવામાં મજા છે.

જિંદગી આખી એક ગુંચવતો કોયડો છે, રહેવા દે,

નથી ઉકેલવો એ મજાનો કોયડો, રહેવા દે.

ઉમ્રભર મોકળાશ ન મળી તેના નામ કાજે,

જ્યારે ફંસાયો જંજાળે ત્યારે તેને યાદ કરવાનું, રહેવા દે.

ગળા ફાડી રાગડા ફાળવાથી શું મળવાનું ?

નથી મળતાં વેદનાઓ સાંભળનારા, રહેવા દે.

નથી જરૂર કોઇ દવાની છેલ્લા શ્વાસ પર ‘’તેજ’’,

જ્યાં શ્વાસ દગો દે છે ત્યાં દવા નહીં દે ? રહેવા દે.

ક્યારેક રડીએ, ક્યારેક ભડકીએ,

છેલ્લે તો અમે હતાં એવા ‘ને એવા.

કથાઓ સાંભળી જ્યારે પાછા ફરીએ,

પછી તો વાતો બસ વૈરાગ્યની જ કરીએ ;

બે-ચાર દિવસો એવી તંદ્રામાં રહીએ,

છેલ્લે તો અમે હતાં એવા ‘ને એવા.

સવારે ઊઠીને જ્યારે છાપાઓ વાંચીએ,

ભ્રષ્ટાચારની વાતો પર ફરી ઘુરકીએ ;

થાકી-પાકી જ્યારે સાંજે ઘેર આવીએ,

છેલ્લે તો અમે હતાં એવા ‘ને એવા.

પ્રેમ તણી વાત પર થોડા મરકીએ,

યાદમાં તેની અમે આછેરૂ સ્મિત વેરીએ ;

સપનું તુટે અને જ્યારે પડખું ફેરવીએ,

છેલ્લે તો અમે હતાં એવા ‘ને એવા.

શાને બેઠો છે આમ નિરાશ ? ઉભો થા,

એરણ પર માર ઘણનાં ઘા, ઉભો થા.

લાગણીનાં પૂરમાં જોર જરાય ગુમાવીશ ના,

ચાલ, મહાભારતનો અર્જુન બની, ઉભો થા.

સંબંધો આ બધાં કાચનાં કટકા સમાન,

મોતી માની ફંસાયો તું, ઉભો થા.

મરજીવા ન હોય કોઇ દી કિનારે સુતાં,

માર છલાંગ ‘ને લાવ મોતી, ઉભો થા.

‘’તેજ’’ મર્યા મર્યા કરતાં મરી જ જા,

કાં પછી પ્રસૂન બની જીવી જા, ઉભો થા.