મારી ટૂંકી વાર્તાઓ TEJAS PANCHASARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ટૂંકી વાર્તાઓ

મારી ટૂંકી વાર્તાઓ

તેજસ પંચાસરા

કન્યાદાન

પ્રિયાંશી આજ તો જાણે પરી જ જોઇ લ્યો. આજનો દિવસ તેની જિંદગીનો યાદગાર દિવસ છે કારણ કે આજે તેનાં લગ્ન છે. લગ્નનો દિવસ છે તેથી તેનાં પિતા મધુકરભાઇ આજે ખુબ જ ખુશ છે. જો કે એ ખુશી બહારની જ હતી બાકી કોઇ દિકરીનાં લગ્ન વખતે તેનો બાપ ખુશ હોય ખરો ? સામાન્ય કારકુની કરી માંડ-માંડ દિકરીના લગ્ન કાજે પૈસાનો મેળ પડ્યો હતો.

લગ્નમાં આમંત્રીત મહેમાનો એકબીજા સાથે વાતો કરી રહ્યાં હતાં. ‘’ કન્યા પધરાવો સાવધાન’’ જેવા વાક્યો મહારાજ બોલ્યા અને પ્રિયાંશી લગ્ન મંડપમાં આવી. બીજી બાજુ મહેમાનો એક પછી એક જમવા લાગ્યાં. મધુકરભાઇની તબીયત જરા બરાબર ન હતી છતાં તેઓ ખુશ રહેવાં મથતાં હતાં. ધીમે – ધીમે સમય પસાર થતો ગયો અને વિદાયની વસમી વેળા જોત જોતામાં જ આવી ગઇ.

મધુકરભાઇ હવે હિંમત હારવા લાગ્યાં હોય તેવું જણાયું. પ્રિયાંશી પોતાનાં પિતાને મળવા આવી અને રડી પડી. મધુકરભાઇ કાંઇ બોલી જ ન શકયા. દિકરીનાં હાથમાં એક ચૂંબન કર્યુ અને વિદાય આપી. પ્રિયાંશીને થોડી વાર એવું લાગ્યું કે તેની મહેંદીનો રંગ કાંઇક વધારે જ ઘાટો થઇ ગયો. પણ તે કાંઇ સમજે કે વિચારે તેની પહેલાં મધુકરભાઇએ વિદાય આપી. જાન વિદાય થઇ અને ગામની બહાર પહોંચે તેટલી જ વારમાં મધુકરભાઇ લગ્ન મંડપમાં જ ઢળી પડ્યાં. પોતાની છેલ્લી ફરજ પુર્ણ કરી જાણે ચીરનિંદ્રામા પોઢી ગયાં.

છેલ્લો જામ

લંડન શહેરની એ બર્ફીલી રાત્રે થોમસ અને જેક બંન્ને મિત્રો નાની એવી શેરીમાંથી પસાર થઇ રહ્યાં હતાં. બંન્ને એક જ કંપનીમાં સાથે કામ કરતાં હતાં. મુળ લંડનના ન હતાં અને લંડનમાં ભાડાના મકાનમાં બંન્ને સાથે રહેતાં હતાં. કામ પરથી પાછા વળવામાં આજે થોડુ મોડું થઇ ગયું હતું. ચાલતાં ચાલતાં રસ્તા પર થોમસે એક દુકાન જોઇ જેના પર લખ્યું હતું ‘’ રોયલ બાર’’.

થોમસ શરાબનો ખુબ શોખીન એટલે તરત જ તેનું ધ્યાન ત્યાં ગયું. રાત્રિનો સમય અને એમાં પણ પાછે થોડો થોડો બરફ વર્ષી રહ્યો હતો એટલે થોમસથી રહેવાયું નહી. થોમસે શરાબ પીવાની ઇચ્છા વ્યક્ત કરી પણ જેકની સ્પષ્ટ ના હતી. આ બાબતે બંન્ને વચ્ચે થોડી બોલાચાલી પણ થઇ. અંતે જેક થોમસનું બાવડું પકડી ઘર તરફ ધસડી ગયો. થોમસ જેક સાથે કોઇ પણ પ્રકારની વાત કર્યા વિના સુઇ ગયો.

બીજા દિવસની સવાર થઇ ચુકી હતી. જેક થોમસને ઉઠાડે છે અને કહે છે ‘’ હું આપણા બંન્ને માટે કોફી બનાવું છું, તું તૈયાર થઇ જા’’. થોમસનો ગુસ્સો હજુ ઓસર્યો નથી. થોમસ છાપું વાંચવા બેસે છે અને છાપાની હેડલાઇન વાચી આંખો ફાટી રહી જાય છે. તરત જ જેક પાસે જાય છે અને ખુબ જ પ્રેમથી ભેટી પડે છે.

હેડલાઇનમાં લખ્યું હતું ‘’ રોયલ બારમાં ૧૫ વ્યક્તિઓએ પીધો છેલ્લો જામ : ઝેરી શરાબ પીવાથી મૃત્યું’’.

શોધ

પરચુરણ કામ કરી સુરેશભાઇ પોતાનું અને પોતાના પરિવારનું ગાડું ગબડાવતાં હતાં. થોડા પૈસા ભેગા થયા એટલે પોતાનું મકાન બનાવવાની ઇચ્છા થઇ. મહેનતથી કમાયેલ પૈસાથી માંડ એક નાનકડો પ્લોટ લેવાયો. ભવિષ્યમાં પૈસા આવશે એમ મકાન બનાવતાં જઇશું એવું વિચાર્યુ.

કોઇકે સુરેશભાઇને બેંકમાંથી લોન લઇ મકાન બનાવવાની સલાહ આપી. સુરેશભાઇ તો એક પછે એક બેંકોનાં ધક્કા ખાવાનું શરૂ કર્યુ. ત્યારે તેને ખબર પડી કે તેના નામ પર સરકારી ચોપડે કોઇ પણ મિલ્કત જ નથી. થાકી હારી એક દિવસ પોતાનો પ્લોટ જોવા ગયાં. ત્યાં તો કોઇકે મકાન બનાવી લીધેલ હતું. સુરેશભાઇને આશ્ચર્ય થયું અને પુછ્યું તો પ્રત્યુતર મળ્યો કે ‘’ આ પ્લોટ અમારો છે.’’ સુરેશભાઇ હતાશ થઇ ગયાં કારણ કે દલાલે તો આ જ પ્લોટ બતાવ્યો હતો. પોતાનાં પ્લોટ કોઇક હજમ કરી ગયું અને પાછું સરકારી ચોપડે પણ નામ નહી.

કામમાંથી જ્યારે સમય મળે ત્યારે કોઇને કોઇ સરકારી કચેરી અને બેંકોમાં દોડા દોડી કર્યે રાખે. સાઇકલ લઇ નીકળી પડે. સાઇકલનાં હેન્ડલમાં ભારાવેલ થેલીમાં પ્લોટનાં થોડા ઘણા કાગળીયા લઇ પોતાનો પ્લોટ શોધતાં શોધતાં અચાનક એક દિવસ ચક્કર આવ્યાં અને ઢળી પડ્યાં. આમ, મહા મુસીબતે મેળવેલ પૈસામાંથી ખરીદેલ પ્લોટ શોધવામાં જ પોતાની બાકી બચેલ જિંદગી વીતાવી દીધી.

મોડું થઇ ગયું

કારતક મહિનાની એ થંડી સાંજ, કૃતિકાએ રાખોડી રંગનો ઓવરકોટ પહેર્યો હતો. નોકરીની જ્ગ્યાએથી તેનું ઘર ખાસ્સું દુર હતું એટલે બસમાં અપડાઉન કરતી હતી. આજ તેના ચહેરા પરથી એવું લાગતું હતું કે તે કોઇની રાહ જોઇ રહી હતી.

છેલ્લા ઘણાં સમયથી પોતાની સાથે જ કામ કરતાં પ્રનિલ નામનાં એક છોકરા સાથે આંખ મળે ગઇ હતી. બંન્ને એકબીજાને ખુબ જ ચાહતાં હોવા છતાં કોઇએ પ્રેમનો એકરાર કરેલ ન હતો. કૃતિકાની ખાસ મિત્ર ઉર્વશી તેને સમજાવે છે કે જો તે પ્રનિલને સાચે જ પ્રેમ કરતી હોય તો હવે રાહ જોયા વિના એકરાર કરી લેવો જ યોગ્ય છે. પણ કૃતિકા થોડી ડરતી હતી. ઉર્વશીએ તેને એક આઇડીયા આપ્યો કે ‘’આઇ લવ યુ’’ લખેલ એક ચીઠ્ઠી પ્રનિલને આપી દે પછી જોયું જાશે.

કૃતિકા જેની રાહ જોઇ રહી હતી તે પ્રનિલ એક લાલ રંગના એક કવર સાથે આવી ગયો. કૃતિકા કહે છે કે મારે કાંઇક કહેવું છે સામેથી એ જ પ્રત્યુતર મળે છે કે મારે પણ તને કાંઇક કહેવું છે. ખુબ આગ્રહને કારણે પ્રનિલ જ પોતાની વાત હાથમાં રહેલ કવર આપીને કહે છે કે પંદર દિવસ પછી મારા લગ્ન છે તેનું આમંત્રણ આપું છું. કૃતિકા સ્તબ્ધ બની ગઇ. કૃતિકા બનાવટી સ્મિત આપે છે. તેને સાચે જ લાગ્યું કે બહું મોડું કરી દીધું. બંન્ને છુટા પડે છે.