સાથી હાથ બઢાના
અજય ઓઝા
ગ્રામ પંચાયતની કાર્યવાહી જેવી શરૂ થઈ કે તરત જ એક પછી એક ફરિયાદોનો ગોકીરો પણ આરંભાયો. લોકોની સમસ્યાઓ, ફરિયાદો અને તકલીફોના વાદળો જે ક્યારના ઘેરાયેલા હતા એ બધા વાદળો રજૂઆત માટે અધીરા બનેલા જણાય છે. માહોલ ભારે ગર્મીલો થતો જાય છે. સૌ પોતપોતાની રામકહાની કહેવા આતુર થયેલા છે.
લખમણ ખેડૂત કહે છે, ‘અત્યારે અમારા ખેતરોમાં ટીપુંય પાણી નથી, મોઢું ફાડીને પરાધીન થયેલા વાડી-ખેતરને આપણે જ મોઢું કેમ બતાવવું બોલો બાપલા ?’
વેપારી મોહન બોલે છે, ‘દિવસે દિવસે અનાજ કરિયાણું મોંઘું થાતું જાય છે. ગામમાં હવે વેપાર ટકાવવો અઘરો છે. શહેરથી બધું લાવવામાં સમય અને પૈસા વધુ વેડફાય જાય છે. મને તો થાય છે કે શહેરમાં જ એક નાની દુકાન કરીને ત્યાં જ વેપાર કરું ને બે પૈસા કમાઉં ! ગામવાળાઓને કંઈ જોઈતું કારવતું હોય તો પછી આવજો ન્યાં !’
લીલાબેન વળી સાડલાને છેડે બાંધેલી ગાંઠને છોડતા બોલ્યા, ‘મારા જેવા ગરીબ મજૂરોનું તો કોઈ હાંભળો બાપલા, ખેતરોમાં મજૂરી મળે એવું કાંઈ છે નઈં, મજૂર માણહ દાડી વિનાના કેટલા દિ’ પેટનો ખાડ પૂરશે ? વરહો વરહ આવું જ થાય હો, મજૂરી વગર તો માણહ ગામ ખાલી નો કરી દે તો મને ફટ કે’જો.’
એક યુવાન વિદ્યાર્થી કહે, ‘બધાની જેમ મારે પણ એક સમસ્યા છે. શહેર સુધી જતી એક માત્ર બસ હતી એ પણ બંધ થઈ ગઈ. હવે કાં તો અમારે અભ્યાસ છોડવો પડશે ને કાં તો ગામ.’
સરિતામાસી ને પણ પોતાની વાત કહેવાનો સમય આવ્યો, કહે, ‘કૂવામાં તળિયા સુધી પાણી નથી દેખાતું. તળાવ સુકાયેલા પડ્યા છે. આ હાલતમાં ખેડૂનું ઘર કેમ ચાલે ? વાડી ઝાડવા તો ઠીક પણ માણહને પણ પીવાનું પાણી લેવા માટે ચાર ગાવ છેટે જાવું પડે છે અમારે !’
લખમણ કહે, ‘રાતેય વળી આખાય ગામમાં અંધારું છવાય જાય છે. બેનું-દીકરિયું બા’ર્ય નિકળતાય અચકાય. એક તો મોળુ વરહ ને એમા અંધારુ. એટલે ઘરમાંય જે છે ઈ સલામત ક્યાં લગણ રે’શે ? કો’ ?’
મોહન કહે, ‘ઘરની વાત તો ઠીક, પણ અટાણે ગામની શેરીએ શેરીએ કોઈ ને કોઈ માંદુ દેખાય છે. તાવથી માંડીને કેટલીયે બીમારીના ખાટલા ઘેર ઘેર મંડાયા છે. માંદગીની ટોળકીએ ગામમાં ધામા નાખ્યા છે. આખુંય ગામ ગંદકીથી ખરડાયેલું છે, એવું લાગે કે જાણે ગામ કચરા નીચે દટાઈ ગયું છે ! રોજ દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. હવે માંદો માણહ પેલા પોતાની જાત ને હાચવે કે ગામને ?’
ગ્રામપંચાયતનો યુવા સરપંચ સોહન ચુપચાપ સૌની ફરિયાદો સાંભળી રહ્યો હતો. જ્યારે સૌની ફરિયાદો સમાપ્ત થઈ ત્યારે કેટલીક ક્ષણોના સન્નાટા પછી એ બોલ્યો, ‘તમારા સૌની રજૂઆતો બિલકુલ વ્યાજબી છે. પણ આ પરિસ્થિતિનો સામનો કર્યા વગર છૂટકો નથી, એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ આપણે જ કરવો પડશે ને ? મને એ જાણવામાં રસ પડે કે તમારામાંથી કોઈની પણ પાસે આ સમસ્યાઓનો કોઈ ઉપાય મળી શકે ?’
ફરી પંચાયતમાં શાંતિ છવાઈ ગઈ. સૌ એકબીજા તરફ જોતા રહ્યાં. સોહન બોલ્યો, ‘માત્ર ફરિયાદો કરવાથી શું વળશે ? ઉકેલ માટે પણ આપણે તૈયાર થવું જોઈએ કે નહિ ?
લખમણ બોલી પડ્યો, ‘અમે તો ગામડાનું માણહ.. તમે સરપંચ છો, તમે જ કંઈક કરો બાપલા. બસ, આ કપરા કાળથી બચાવો.’
સોહન કહે, ‘હા, મારી પાસે ઉપાય તો છે જ, પણ એમાં તમારે સૌએ મારી સાથે રહેવાનું છે, મદદ કરવાની છે. તમે બધા લોકો જો સાથ આપવા તૈયાર હો તો એક પછી એક બધી સમસ્યાઓને ચપટી વગાડતા દૂર કરી દઈએ, બોલો !’
‘હાં હાં, અમે બધા તો તૈયાર જ હોં, તમે બોલો, તમે ક્યો ઈ કામમાં તમારી પડખે.’ મોટાભાગના લોકો એક સાથે બોલી ઉઠ્યા, ને પંચાયતમાં ઉત્સાહનો આત્મા પ્રવેશ્યો !
સોહન બોલ્યો, ‘વાહ, તમારા બધાના સહકારથી સમજો કે અરધી લડાઈ તો આપણે જીતી જ ગયા. સૌથી પહેલા આપણે ગામની સફાઈ કરવી જોઈશે. કાલથી જ આપણે લોકો સૌ પોતપોતાની શેરીઓથી શરૂ કરીશું. જે લોકોના ઘેર ઢોર રાખતા હોય એ લોકો એ ઢોરના તબેલાની પણ સફાઈ કરવાની. પાલતૂ પશુ, ગાય-ભેંસની પણ સ્વચ્છતાનો ખ્યાલ રાખવો. શૌચાલય ન હોય એટલે કે જે લોકો બહાર ખુલ્લામાં જાજરૂ જતા હોય એવા બધા જ પરિવારો એ ઘરમાં જ સંડાસ બનાવવાનું રહેશે, જરૂર પડે તો પંચાયત મદદ કરશે. ગામ સ્વચ્છ બનશે તો સૌથી મૂળમા રહેલી માંદગીની સમસ્યા આપોઆપ જ દૂર થશે. ને પછી સ્વસ્થ માણસ બાકીની સમસ્યાઓ સાથે પૂરી તાકાત અને ઉત્સાહથી લડી શકશે, ખરું ને ?’
બીજે જ દિવસે લોકોએ સરપંચની વાતનો અમલ આરંભી દીધો. માણસોએ એટલો સહયોગ આપ્યો કે સરપંચને ધારણા જ નહોતી કે એના શબ્દો આવો ચમત્કાર કરશે. સોહનના આત્મવિશ્વાસમાં નવું જોમ ભરાયું. એ સ્વયં પણ ગામની સફાઈમાં લાગી ગયો. જોતજોતામાં તો આખુંય ગામ સ્વચ્છ થઈ ગયું. બાજુના ગામમાં સ્વસ્થ્યકેન્દ્રના ડૉક્ટરને વિનંતી કરી તો તેઓ પણ તૈયાર થયા ને રોજ સવારે બે કલાક ગામના દર્દીઓને સારવાર આપવા લાગી ગયા.
સોહને હવે લોકોને આગળનો ટાર્ગેટ પણ સોંપી દીધો, ‘ગામના તળાવને ઊંડું ઉતારવું અને મજબૂત કરવું. પાણીનો ઉપયોગ પૈસાની જેમ સમજી વિચારીને કરવાનો, અને બગાડ તો બિલકુલ નહિ.’
કૂવાના પાણીનો વધુ ને વધુ લોકો સુધી લાભ કેમ પહોચાડવો એ પણ સમજાવ્યું. પાણીનો દુરપયોગ સદંતર બંધ કરવાનું શીખવ્યું. ખેતરોમાં ટપક પદ્ધતિનો પ્રયોગ અને સરકારી સહાયતાની દિશામાં પણ આયોજન કરવામાં આવ્યું. દુકાળના સમયમાં એવા પાકો લેવા સમજાવ્યું કે જેને પાણીની ઓછામાં ઓછી જરૂર પડતી હોય. નહેરને પણ ગામના ખેતરો સુધી લાવવાનો એકશન પ્લાન વિચારાયો. લોકોને રસ્તો મળી ગયો. સૌના સાથથી તો સૌનો વિકાસ થઈને જ રહે..! એકતાના બળની સામે તો આકાશે પણ ઝુકવું જ પડતું હોય છે. ...ને આખરે એમ જ થયું, આકાશ માત્ર ઝુક્યું જ નહિ પણ મન મૂકીને અનરાધાર વરસ્યું પણ ખરું ... !
તળાવ ઊંડું કરવા માટે ગામના જ લોકો લાગ્યા હોવાથી મજૂરી અને દા’ડીની મુશ્કેલી ઓછી પણ થવાની સાથે તળાવ પણ ઊંડું થઈ શક્યું. રસ્તાઓ પર વૃક્ષારોપણ ને કારણે વરસાદે આવવું જ પડ્યું. લોકો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરતા શીખ્યા તો પાણીની તંગી પણ ઓછી થઈ. ખેતરોમાં ફરી હરિયાળી છવાઈ. ખેડૂત તો રાજી રાજી.
પરંતુ સોહનનું કામ હજી પૂરું નહોતું થયું. ગામમાં પસાર થતા ધોરી માર્ગોને રીપેર કરાવ્યા. શહેર જતી ને આવતી બસ ચાલુ કરાવી. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા સરળતાથી શહેર જઈ આવી શકે એવી વ્યવસ્થા તો થઈ; પણ સોહને તો ગામમાં જ કોલેજ ખોલવાનું સપનું જોયું હતું. જેથી ગામની જે દીકરીઓ અભ્યાસ માટે શહેર જતા અચકાય છે એ ગામમાં જ ભણી શકે. સરપંચે સૌને ગળે વાત ઉતારી. એક જમીનદારે ગામ નજીક પડી રહેતી પોતાની બીન ઊપજાઉ જમીન કોલેજ માટે આપવા તૈયાર થયા. પછી તો શું કહેવું પડે, સોહને કોલેજ માટેની કાર્યવાહી ઉપાડી લીધી.
સ્વચ્છતા પણ જળવાય અને લોકોને સીધો લાભ મળે એવા પણ કેટલાક કામો સોહને શોધી કાઢ્યા. જે લોકોના ઘરમાં શક્ય હોય ત્યાં ગોબરગૅસ પ્લાન્ટ માટે સમજાવ્યા અને સરકારી સબસીડી પણ અપાવી. પરિણામે પશુપાલનમાં થતી ગંદકીની સફાઈ રહેવા લાગી ને એનો ગૅસ રસોઈમાં વપરાવા લાગ્યો. ગલી ગલીમાં સોલાર પાવરથી કાર્યરત સ્ટ્રીટલાઈટ ગોઠવાઈ. ખેતરોમાં પણ સોલાર પ્લાન્ટ વડે વીજળી મળી શકે એમ હતું ત્યાં ત્યાં સોહને એ આયોજન કરાવ્યું ને એટલું નહિ એમા પંચાયત તરફથી પૂરો સહકાર આપ્યો. હવે ગામમાં સાચા અર્થમાં સફાઈનું ઉડીને આંખે વળગે એવુ ચકચકિત અજવાળું પથરાયું.
બીજે વર્ષે, જ્યારે પંચાયતની બેઠક મળી ત્યારે એકઠા થયેલા લોકોની આખોમાં ખુશીનો પાર નહોતો.
લખમણ ખેડૂત કહે, ‘સમય પલટાયો છે ભાઈ, હવે ખેતરોમાં પાણીની તંગી જ નથી. આપણને જોઈને જ જાણે હવે તો વાડી-ખેતરો મલકાઈ જાય છે હો બાપલા.’
મોહન કહે, ‘હવે હુંય શું કામ શહેર જવાનું નામ લઉં ? પાકા રસ્તા થયા એટલે જ્યારે જે માગો એ મળી જાય ને ગામમાં કામ અને મજૂરીમાં એવી તેજી છે ને કે આવું તો હું શહેરમાંય ન ભાળું હોં ! હવે તો મારા વેપારમાં પણ અચ્છે દિન આયે હૈ ભાઈ.’
લીલાબહેન બોલ્યા, ‘આ બધુંય આપણા સરપંચ સોહનભાઈની મહેનતનું ફળ છે. ગામના માણહોને ગામમાં જ મજૂરી મળી જાય એનાથી રૂડા દિ” ક્યા હોય હેં ? ઘણી ખમ્મા સોહનવીરા.’
કોલેજમા દાખલ થયેલી રાધા કહે, ‘શહેર સુધી ભણવા જવાનું અમારા માટે બહુ અઘરું હતુ. હવે ગામમાં જ કોલેજ બની એટલે અમારા અભ્યાસની ઈચ્છા પણ પૂરી.
સરિતાબેન કહે, ‘વાડી-ખેતરોમાં તો હવે સાવ મફતમાં લાઈટ મળે છે ને એય ચોવીસ કલાક હો ! સોહનભાઈ, તમે તો ખરેખર ગામના દિવસો બદલાવી દેખાડ્યા, તમે અમારા તો ભગવાન થયા હો ભાઈ !’
મોહન વેપારી કહે, ‘એકદમ સાચી વાત કરી, આખુંય ગામ જગારા મારતું એવું ચોખ્ખું ચણાક ને એકદમ સ્વચ્છ થયેલું છે કે એક માણસ પણ બીમાર જોવા નથી મળતો. પેલી નવી કોલેજની દીવાલ ઉપર મેં વાંચેલું કે સ્વસ્થ માણસથી બનતો સ્વસ્થ સમાજ જ એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.. હાચું હો.. બાકી. હવે ગામના વિકાસને કોઈ નહિ રોકી શકે સોહનભાઈ.’
તાળીઓના ગડગડાટને અભિવાદન કરી શાંત પાડતા સરપંચ સોહન કહે છે, ‘ભાઈ, આ ચમત્કાર મેં નથી કર્યો. આ તો તમારા સૌની મહેનતનું પરિણામ છે. જરા વિચારો કે જો તમે લોકોએ મને સાથ ન આપ્યો હોત ને આટલી મહેનત ન કરી હોત તો, આ સ્વચ્છતા શક્ય બનેત ? હું એકલો માણસ શુ કરી શક્યો હોત ? ગામ મારી પડખે ઉભું રહ્યું એ વાત જ આપણી અસલ તાકાત છે. માટે મને ભગવાન કહેવાને બદલે સૌના સહકારને જ ધન્યવાદ આપીએ એ જ બરાબર કહેવાય. કારણ કે આ સાથ અને સહયોગ જ આપણી ઉન્નતિ અને વિકાસનો રસ્તો છે.’
ફરીથી પંચાયતનું વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે.
-અજય ઓઝા (મો-૦૯૮૨૫૨૫૨૮૧૧)
૫૮, મીરાપાર્ક, ‘’આસ્થા’’, અખિલેશ સર્કલ, ઘોઘા રોડ, ભાવનગર-૩૬૪૦૦૧