હું ક્યાં એની પાસે ભણું છું Aratiba Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું ક્યાં એની પાસે ભણું છું

લઘુકથા 1

છેતરી ગઈ

આરતીબા ગોહિલ 'શ્રી'

ઉત્તરાયણના દિવસે દોર અને પતંગ એકબીજામાં એવા ગૂંથાઈ કે કોના છેડા ક્યાં અડે તે ખબર જ ના પડે ? આવી ગુંચવણમાં રસ્તો કરતો વિવેક પતંગને એકધારા ઠુમકા લગાવી થાક્યો હતો. આજુબાજુની અગાશી ને ઘરનાં છાપરા પર વહેલી સવારથી શરુ થયેલા ઘોંઘાટીયા અવાજો કાનને આકરા લાગતા હતા. સુરજ માથા પર ચડ્યો, પવનનો પ્રવાહ ઘટ્યો ને આખરે પતંગનો દોર ટૂંકો થયો.

બોટલમાંથી પાણીના બે ઘૂંટડા ભરી અગાશીની પાળી પર જરા-તરા બેસીને ઉડતા પતંગ પર નજર ફેરવી ત્યાં તો ચહેરાનો સાથ છોડી તેનું નાક લાંબુ થયું. ગોળની પાઈની મીઠી સુગંધથી નાક ભરાઈ ગયું અને મોં માંથી લાળ ટપકવા માંડી. એના પગ દાદર ઉતરી રસોડા તરફ વળ્યા.

રસોડાના પ્લેટફોર્મ પર નાનીમાં પલાઠી વાળી ગોઠવાઈ ગયા હતા. ગેસ પર મોટી કડાઈમાં મુકેલી ગોળની પાઈમાં બુદ-બુદા ઉઠતા કે બાજુમાં પડેલી થાળીમાંથી તલ, શીંગને મમરા એમા ઉમેરતા જતા. હથેળીને પાણી વાળી કરી, તેના લડવા વળતા જાયને બરણીમાં ગોઠવતા જાય. પણ નાનીમાની બાજુમાં ઉભેલી સુરૂ પર તેની નજર પડી તે ચમક્યો ! સુરૂ ... તેની નાની બહેન સુરભી. આખો દિવસ ઢીંગલીનાં સાજ શણગારમાં પડી હોય. એ નાનીમાની બાજુમાં ઠાવકી થઈ કેમ ઊભી હતી ? વળી, એણે જોયુ કે નાનીમા લડવા વળતા વળતા એના હાથમાંથી કોઈ ચીજ લઈ વચ્ચે દબાવતા જતા હતા.

પરંતુ મગજમાં પ્રવેશતી લડવાની મીઠી સુગંધે તેની વિચારવાની શક્તિ હણી લીધી. ઉતાવળે અંદર આવી બરણીમાં હાથ નાખી બે-ત્રણ લડવા લીધા. એક મોં માં મુક્યો. દાંત વચ્ચે લાડવો દબાવ્યો. મીઠો મધુકડો રસ છૂટી પડ્યો. ગળા નીચે ઉતારવા ગયો કે એના દાંતમાં કોઈ કઠણ ચીજ જેવું દબાયું, કોઈ પથ્થર જેવું આવ્યું... વધુ જોર કર્યું.પણ એના દાંતે જવાબ આપી દીધો. બહાર કાઢ્યું. ઓ તારી.... આ તો એક રૂપિયાનો સિક્કો... ! નાનીમાના ચશ્માના નંબર વધી ગયા કે સુરભીના આંખે નબળાઈ આવી ગઈ કે શું ... ? આ તે રૂપિયા નો લાડવો.... કે લાડવો ભરીને રૂપિયો ?

બીજો બે લડવા એક સામટા મોંમાં મૂકી ઝડપભેર ચાલવા લાગ્યો. હવે એનું ધ્યાન લડવાના સ્વાદ પર ઓછું, ને સિક્કા જેવું કંઈ મોંમાં આવે છે કે કેમ તેના ઉપર વધુ હતું. બીજી બરણીમાં રહેલા શીંગના લડવાને મોંમાં મૂકી આજ્માયેશ શરુ કરી. ત્રીજા-ચોથા લડવામાંથી એક કે બે રૂપિયાનો સિક્કો અચૂક નીકળતો.

આ તો એક પંથ દો કાજ.. ! લડવાનો મધુર રસ પેટમાં જતો ને મોં માં રૂપિયાનો સિક્કો રહી જતો. સાંજ સુધીમાં એણે અડધી બરણી ખાલી કરી નાખી. લડવાથી પેટ ભરાયું. સાથે સાથે રૂપિયાથી ખિસ્સું પણ છલકાયું.

દિવસના અંતે અગાશીના ખૂણે ઉભા રહી ખિસ્સું ફન્ફોસ્યુંને ગણતરી કરી ત્યાં નીચે આંગણામાં એની નજર પડી. સુરભી ? એ વળી શેમાં અટવાઈ છે ? એના ખોળામાં કંઈક ખખડતું હતું. તે એક-એક ચીજ જોઈ ચકાસીને નાનીમાના પાકીટમાં મુકતી જતી હતી. તેણે ધરીને જોયું... ઓ માડી રે ! સુરભી સિક્કા પર આંગળી ફેરવતી હથેળીમાં પાકીટ ઉછળતી, ઘરની અંદર ગાયબ થઈ ગઈ.

હવે યાદ આવ્યું. પોતે મોટા ભરાવદાર લાડવા શોધી અંદરથી વધુ સિક્કા મેળવવાની તકમાં હતો, ત્યારે સુરભી કંઈક નાના પણ ચોક્કસ આકારના લડવા શોધતી હતી. કોઈ જુએ તો એવું લાગે કે તે લડવા ગોઠવે છે.

વિવેકને સમજાયું, ઢીંગલીને શણગારતી રમાડતી ઢીંગલી જેવડી સુરભી, કેવી આબાદ રીતે એને છેતરી ગઈ...!!!

લઘુકથા 2

શ્રીફળ જેમ.....

ઉન્નતિ વિધાલયમાં પ્રાર્થના પૂરી થઈ. હર્દયની ભાષા અંજલી રૂપે ઈશ્વરને પહોંચાડી 'દીકરીઓ' શિસ્તબધ્ધ વર્ગમાં પહોંચી. અહિયા વિદ્યાર્થીનીને 'દિકરી' જેવા મીઠા સંબોધનની માનભરી પરંપરા.

ધોરણ-૧૦ માં વિજ્ઞાનનો તાસ, ચાર્ટ્સ અને મોડેલ લઈ વર્ગ શિક્ષિકા પહોંચ્યા. વિજ્ઞાન એટલે ગૂઢ, ચમત્કારોથી ભરેલો, સામાન્ય બુધ્ધિથી ન પારખી શકાય તેવો વિષય. આવી માન્યતાને તેઓ સદા ઉદાહરણ અને પ્રયોગો વડે ચપટીમાં દૂર કરી દેતાં.

અભ્યાસ આગળ વધારતાં પહેલાં ગૃહકાર્યની ચકાસણી કરી. છેલ્લી હરોળમાં બેસેલી વિદિશા આજેપણ લાવી નહતી.

ઉભી કરી. પૂછ્યું, "કેમ... ? સમજાતું નથી કે શું... ?" કોઈ જવાબ ન મળ્યો. ફરી પૂછ્યું – "આળસ ને બેદરકારીમાં દ્સ્માનું વર્ષ બગાડવાનું છે ?" –

એ નીચું મો કરી, જડવત ઉભી રહી. કશું બોલી નહીં. વર્ગશિક્ષિકાને ચિંતા થઈ, ગુસ્સો આવ્યો. અવાજ ઉંચો ગયો. 'મગજમાં કંઈ રાઈ ભરાઈ ગઈ છે ? કે મોં માં મગ ભર્યા છે.... ?

શિક્ષિકનાં આવા રોદ્ર રૂપથી તે ડરી ગઈ, ધ્રુજી પડી. "નાં.... ના, બેન..... એ તો...!' –

શિક્ષા વિના માનશે નહીં તેવું લાગ્યું. તેની નોંધપોથી માં નોંધ કરી, વાલીની સહી લાવવા કહ્યું. વર્ગમાં સોથી છેલ્લે ઉભી રાખી દીધી. તેનું વર્તન કોઈ અકળ કોયડા જેવું લાગતું હતું. આખો દિવસ તે મગજમાં ઘોલાતું રહ્યું.

શાળા પૂરી થયે લોબીમાંથી પસાર થતી વિદિશા તરફ તેનું ધ્યાન ગયું. બહેનપણીને કંઈક ધીમા અવાજે કહેતાં સાંભળી. "મીના, મારું દફતર.... જો ને, મારો હાથ તો...."

એણે તે સાંભળ્યું. ચિત્ર સ્પષ્ટ થયું. ઝડપથી તેની પાસે પહોંચી ગયા. પીઠ પર હાથ મૂકી બોલ્યા, "શું છે તે ક્હે જોઈ, લાવ તારું દફતર...!"

તે મુંજવણભરી તેમની સામે જોઈ રહી. 'ના... ના ... બેન, એ તો....' – તે વિદિશાના હાથને પામી ગઈ. વધુ કંઈ બોલે તે પહેલાં તેનું દફતર સ્કુટીમાં રાખ્યું. તેને પાછળ બેસાડી. ઓર્થોપેડિક દવાખાને પહોંચી ગયા.

ડોકટરે તપાસ કરી. જમણા હાથે મચકોડ હતી. પાટો બાંધી દવા લખી આપી. મેડીકલ સ્ટોરમાંથી દવા લીધી. સંભાળપૂર્વક તેના ઘરે પહોંચાડી. દફતર ઓટલા પર મુક્યું, હાથમાં દવા પકડાવી.

"જો દિકરી.... આરામ કરજે હાં.... !"

ઘરનાં દરવાજે, હાથમાં દવા પકડી ઉભેલી વિદિશા અજબ અવઢવમાં મુકાઇ.... આંખ ભરાઈ આવી. મનોમન પોતાના શિક્ષિકાને વંદી રહી.

બહારથી કડક પણ ........

લઘુકથા 3

હું ક્યાં એની પાસે ભાણું છું .... ?

એની પીઠ પાછળ કોઈએ ધબ્બો માર્યો. એ ચોંક્યો કંઈ સમજવાનો પ્રયત્ન કરે ત્યાં બીજો ધબ્બો ને ખડખડાટ હાસ્ય. એને ગુસ્સો આવ્યો. આ વળી કોણ ?

પાછળ જોયું સામે જુનો મિત્ર સતીષ ઊભો હતો. હસતાં હસતાં બોલ્યો ''એલા.... શંભુ, ભૂલી ગયો કે શું ?'' – સતીષ એકલો ન હતો. સાથે પાંચ સાત ભાઈબંધોની ટોળી હતી.

શંભુના હાથમાં રહેલી બીડી ને એમાંથી ઉડતા ધુમાડા બધાએ જોયા. ટોળકીના દોસ્ત એની હીરો જેવી સ્ટાઇલથી પ્રભાવિત થયા. અહોભાવથી તેની સામે જોઈ રહ્યા. ''યાર, તેં તો નિશાળ શું છોડી કે, ભાઈ લોગ જેમ તારા તો સિક્કા પડે હોં ....! ગામમાં જાણીતો ને બધાનો માનીતો થઇ યુગો....!"

ટોળકીથી દૂર ઉભેલો તેનો એક મિત્ર આ બધું જોઈ રહ્યો હતો. તેને થયું શંભુના વખાણ કરી બધા તેને ખોટા રસ્તે ચડાવી રહ્યા છે.

નજીક જઈ તેના કાનમાં કહ્યું. "જો, જરા પાછળ કુવરબેન આવે છે. નિશાળના મોટાબેન. તારી બીડીને જરા આઘી કર, કાં બુજાવી દે.... !"

ઝાટકાભેર ગરદન ઘુમાવી શંભુએ પાછળ જોયું. નિશાળમાં ભણતો અને હતો એવો જ કડપ બેન માં જોયો. સાથે એટલો જ સ્નેહ, આજેપણ આંખમાં છલકાતો હતો.

પોતાના તોફાન અને, બેનની શિક્ષા શંભુને યાદ આવ્યાં. મનમાં કડવાશ ઘૂંટાઈ. એ કડવાશ મોઢામાં ઉતરી આવી. આક્રોશ સાથે બોલ્યો. – 'તું વળી ક્યારનો બેનનો ચમચો થઇ ગયો ? હવે હું ક્યાં એની પાસે ભાણું છું ? મને થોડી એની બીક છે, તેને બીડી ન પીવાય... ??" –

બે ડગલા પાછળ આવતા બેનના કાને આ શબ્દો પડ્યા. એના હાથમાં રહેલી બીડીને એમાંથી ઉઠતા ધુમાડાએ બેનને અવસ્થ કરી મુક્યા. પાસે જઈ, માથે હાથ મુક્યો. વાત્સલ્ય ભર્યા અવાજે એટલું જ બોલ્યા – 'શંભુ, બેટા મને ભલે કીધું કે, હું હવે ક્યાં એની પાસે ભાણું છું તે મને એની બીક ? અને બીડી નો પીવાય ? પણ જીવનમાં ક્યારેક તારે માં થી દુર જવાનું થાય તો કદીના કહીશ કે, "માં ક્યાં સાથે છે ? તે બીડી ન પીવાય ! મને એની શી બીક ? દીકરા, નિશાળમાં હોય, કે ઘરમાં માં બધે સરખી જ હોય છે.... !"