છેલ્લું પાનું Aratiba Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લું પાનું

Aratiba Gohil

aratibagohilshree@gmail.com

છેલ્લું પાનું

હોસ્પીટલનું કાચનું બારણું ખુલ્યું. માઉથ-ઓરગન વગાડતો એક યુવક તેના પગથિયા ચડ્યો. 'પેશન્ટ્સ-લોન્જ' માં જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયો. પગ આગળ-પાછળ ડોલાવતો, ડોકી ઉપર નીચે કરતો, આંખ પણ સ્થિર રાખી શકતો નહોતો. અસ્થિરતા પગથી માથા સુધી છલકાતી હતી.

કાઉન્ટર પર બેઠેલી નર્સનું ધ્યાન ખેંચાયું. તેની હરકતો જોઈ રહી. દેખાવ જોતાં તે માનસિક-રોગી લાગ્યો. તેની બાજુમાં ઉભેલી નર્સે તેને હળવો ધબ્બો મારતાં કહ્યું – ''એ...તો પેલો ગાંડો અમર છે. તારી શેરીમાં જ તો રહેવા આવ્યો છે. તને કઈ ખબર નથી રીટા ?''

ગઈ કાલે આ સમયે રીટાએ અમરને ડોક્ટર સાથે ઇશારાથી વાત કરતા જોયો હતો. તેને યાદ આવ્યું. નાકનું ટીચકું ચડાવી વિચારતી રહી. શારીરિક રોગીઓ કરતાં માનસિક રોગીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે.

થોડીવાર પછી અમર ડોક્ટરની ચેમ્બરમાંથી બહાર નીકળ્યો. માઉથ ઓરગન તેના હાથમાં જ હતું. હોઠ પર લગાડી તેમાંથી આડા અવળા સુર કાઢતો હોસ્પીટલના પગથિયા ઉતરી ગયો.

રીટાની ડ્યુટી પૂરી થતી હતી. હેન્ડબેગ ખભે ભરવી ૭:૩૦ ની ટ્રેઈન માટે ઝડપથી ચાલવા લાગી. ટ્રેઈનમાં બંને એક ડબ્બામાં સાથે થઇ ગયા હતાં. આખા રસ્તે તે અમરની વિચીત્રી હરકતો અણગમાંથી જોઈ રહી. અમર તેનું સ્ટોપ આવતાં ઉતરી ગયો. રીટાને ત્યાં જ ઉતરવાનું હતું. પણ થોડો લાંબો રસ્તો લીધો. ઘરે પહોચતા જ ઉશ્કેરાટ ભરી તેની મમ્મીને પૂછવા લાગી, ''મમ્મી, પેલો અર્ધપાગલ આપણો પડોશી છે ?''

તેની મમ્મી રસોડામાંથી બહાર આવી. હસીને તેની હેન્ડબેગ લઈ લીધી. તેને સમજાવતાં બોલી, ''રીટા, આવી ગઈ બેટા...! કોઈ માટે આવા શબ્દો બોલાય...? તે આપણા પડોશમાં રહેવા આવેલા દેસાઈ દંપતીનો મૂંગો દીકરો છે. તેને હર્દયની અને મગજની કોઈ બીમારી પણ છે. આ બીમારીમાંથી બહાર આવવા તે માઉથ-ઓરગન શીખે છે. અને, હા... તારી હોસ્પિટલમાં જ માનસિક રોગ નિષ્ણાત ડો. કમલેશ પાસે ટ્રીટમેન્ટ પણ કરાવે છે.''

વાત સાંભળી રીટા બોલી,''ઓહ... મમ્મી આવો પાગલ આપણી પડોશમાં ક્યાં રહેવા આવ્યો...?''

''રીટા, એ છોકરો શરમાળ અને સાવ બાળક જેવો છે એક પડોશી તરીકે તારા એની સાથે વાત કરવી જોઈએ. તું એક નર્સ પણ છે એ દ્રષ્ટિથી પણ તારે જોવું જોઈએ. ચાલ ... હવે જમવાનું તૈયાર છે.''

''પણ....મમ્મી, હોસ્પીટલમાં આવે છે, ત્યાં બધા તેની ઉપર હસતા હોય છે. મૂરખનો સરદાર છે સાવ...!'' રીટા ઉકળી પડી.

બીજા દિવસે અમર હોસ્પિટલ આવ્યો ત્યારે રીટાનું ધ્યાન તેના તરફ ગયું. કચવાતા મને, 'કેમ છો...?' – એટલું જ બોલી આજે પણ લોન્જમાં બેઠેલા બધા દરદી અમર સામે ટીખળ ભરી નજરે જોતાં હતા. એક-બે છોકરા તેનું માઉથ-ઓરગન લઈ ભાગ્યા. અમર મુંજાયો પછી ગુસ્સો કરી માઉથ-ઓરગન પાછુ ખેંચી લીધું. ઘૂંઘવાયેલો અમર ડોક્ટરને મળી ઝડપથી બહાર નીકળી ગયો.

રીટા ૭:૩૦ ની ટ્રેઈન માટે ઉતાવળી-ઉતાવળી ચાલી. હોસ્પીટલમાં હતા, તેમાંના કેટલાક પેશન્ટ ટ્રેઈનમાં પણ સાથે હતાં. તે બધા અમરની મજાક કરવા લાગ્યા. એટલામાં સ્ટેશન આવતાં અમર ઉતરવા ગયો કે તેના હાથમાંથી માઉથ-ઓરગન નીચે પડી ગયું, પણ તે લીધા વગર તે ઘર તરફ દોડવા લાગ્યો. રીટા પણ અણગમા સાથે ઉતરી. તેણે નીચે પડેલું માઉથ-ઓરગન જોયું ન જોયું કર્યું. પોતાના રસ્તે આગળ વધી. થોડે દુર જતા વિચાર આવ્યો-રસ્તામાં પડી રહેશે તો ચોક્કસ કોઈનો પગ પડશે, તૂટી જશે. તે વિચારે પાછી આવી તેના હાથમાં ઘણો સમાન હતો. છતાં માઉથ-ઓરગન ઉપાડી લીધું. જોયું તો એક ખૂણેથી તૂટી ગયું હતું. અમરના મમ્મીને માઉથ-ઓરગન આપી તે પોતાના ઘરે પહોંચી.

ત્યાર પછી, અમર કદી ટ્રેઈનમાં દેખાયો નહી. હવે તેના મમ્મી-પપ્પા કાર લઈ તેને હોસ્પિટલ લઈ આવતાં. વળી, તે ઘરનાં બગીચામાં ફૂલછોડની માવજત કરતો કદીક કદીક દેખાતો. ક્યારેક જ માઉથ-ઓરગન વગાડતો. તેના સૂર સારી રીતે પકડી શકતા. રીટા તે સાંભળતી.

અમર બગીચામાં કામ કરતો હોય, કે કઈ લખતો હોય. ત્યાં પણ શેરીના છોકરા તેનો પીછો ન છોડતાં. જોર જોરથી પીપુડા વગાડી ઘોંઘાટ કરતા. તેની સામે પથ્થર પણ ફેંકતા. એક દિવસ અમર ચિડાયો. છોકરા તરફ કાચની બોટલ ફેંકી. આખી શેરીમાં કાચના ટુકડા વિખેરાઈ પડ્યા. રીટા તેની બારીમાંથી આ બધું જોઈ રહી.

પછીના દિવસે હોસ્પીટલમાં રીસેસ પડી. બધા ભેગા થયા. એમાં અમર જેવાં માનસિક-રોગીની વાત નીકળી. રીટા બોલી પડી, ''સમજુ અને ડાહ્યા લોકો પણ અમર જેવાં પેશન્ટને હેરાન કરે તો તેને ગુસ્સો તો આવે જ ને..!'' આ સાંભળી બધી નર્સ રીટાની મશ્કરી કરવા લાગી. રીટાને આદર્શ નર્સ અને અમરને 'ખાસ' દર્દી કહી ચીડવવા લાગી. મહામહેનતે રીતાએ આ બધું સહન કર્યે રાખ્યું પણ .... ઘરે પહોંચતા જ મમ્મીના ખોળામાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેની મમ્મીએ ઘણું પૂછ્યું. છાની રાખી. પરંતુ રીટા કઈ બોલી શકી ન હતી. તેને સમજાયું, કે અમરને તો આ રીતે કેટલીયે વાર રડવું પડ્યું હશે...!

તે દિવસે રીટા માટે હોસ્પિટલનો છેલ્લો દિવસ હતો. તેને બીજી નોકરી મળી હતી. તે રોજ કરતા વહેલી ઘરે આવી. અમરે રીટાને આવતી જોઈ, એટલે ગુલાબનું ફૂલ તોડી તેની રાહ જોતો દરવાજા પર ઊભો રહ્યો. રીટાએ હંમેશની માફક, 'કેમ છો...?' પૂછ્યું. અમરે પાસે આવી ગુલાબ આપવા હાથ લંબાવ્યો. રીટા ગુલાબ લેવા ગઈ. પણ અમરે તેને અટકાવી. બીજા હાથે તે ગુલાબના કાંટા તોડવા લાગ્યો. એક કાંટો અમરને વાગ્યો. લોહી નીકળી પડ્યું છતાં તેણે બધા કાંટા દુર કરીને જ ગુલાબનું ફૂલ રીટાને આપ્યું. ખુશ થતાં થતાં તે સહેજ ઝૂક્યો.

રીટા ગુલાબ અને અમરની આંગળીમાંથી નીકળતા લોહી તરફ જોઈ રહી. તેણે હેન્ડબેગમાંથી રૂમાલ કાઢી તેની આંગળી ફરતે વીટાળી દીધો. અમરનું નિર્દોષ હાસ્ય રીટાને સ્પર્શી ગયું. તેણે અમરનો હાથ પકડી તેનું અભિવાદન કર્યું. ઘરનાં બારણે પહોંચી રીટાએ પાછા ફરી જોયું તો અમર આંગળી પર વીંટાયેલા રૂમાલ પર હાથ રાખી સ્થિર ઊભો હતો.

થોડાં દિવસો પછી અમર હાર્ટફેઈલ થવાથી મૃત્યું પામ્યો... અંતિમ-સંસ્કાર કરી તેના મમ્મી-પપ્પા થોડાં સમય માટે બહારગામ ગયા. ત્યાંથી અમરની મમ્મીનો રીટા પર પત્ર આવ્યો.

વ્હાલી રીટા,

અમરની રોજનીશીનું છેલ્લું પાનું આ સાથે મોકલું છું. તને રૂબરૂ આપવાનું તેને ખૂબ ગમ્યું હોત.

અમર રોજ રાત્રે એક લિટી તો લખતો જ. હંમેશા સારું લખાય તેવું ન બનતું.

અમરને ગમતી એકમાત્ર વ્યક્તિ બનવા માટે તારો આભાર.

સ્નેહ સહ,

અમરની મમ્મી.

અમરની રોજનીશીનું છેલ્લું વાક્ય.

''રીટા, રુધિર રોકતો રૂમાલ છે.....''