સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 11 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 11

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૧

દરબારમાં જવાની તૈયારીઓ

ઘણા લોક જેની વાટ જોઇ રહ્યા હતા એ ચૈત્ર સુધ પડવો લાગ્યો.

ઊગતા મળસકામાંથી દરબારીઓનાં ઘરમાં ચંચળતા વ્યાપી ગઇ. શઠરાય

નાહીધોઇ તૈયાર થવા લાગ્યો. નરભેરામ કારભારીની સેવા બજાવવા સૌથી પહેલો આવી ઊભો. સિપાઇઓ બારણા આગળ ગરબડ મચાવતા એકઠા થવા લાગ્યા. શઠરાય જરાક નિરાંત વાળી ગાદીતકિયે બેઠો, એક ચાકરે તેને બંગી અંગરખું પહેરાવ્યું તે પહેરી આદર્શ (તકતો) મંગાવી વિચાર કરતો કરતો તેમાં મોં જોતો જોતો મૂછો આમળતો કારભારી બેઠો. નરભેરામ

આમથી તેમ હેરાફેરા કરતો હતો તે જરાક ઊભો અને કારભારીને જોઇ

મનમાં બોલ્યો :

‘મુખડા ક્યા દેખો દર્પનમેં ?

નહીં કછુ દયા ધર્મ હે દિલમેં !’

‘હે ઇશ્વર !’ કરી માથું અને શરીર કંપાવતો કંપાવતો બીજી

દિશામાં ચાલ્યો.

દુષ્ટરાયની મેડીના બારણા આગળ પોલીસ સિપાઇઓની ઠઠ બાઝી હતી. એ અંદર એક પલંગ પર રૂપાળી સાથે બેઠો હતો. રૂપાળી, કપડાં આણતી આણતી, જવાની ત્વરામાં મદદ કરતી હતી, દુષ્ટરાય, કપડાં પહેરતો પહેરતો, રૂપાળીની સાથે કંઇ કંઇ અટકચાળાં કરતો કરતો, પોતાની હોશિયારીનો બડાશો બાયડીને સંભળાવતો હતો. બુદ્ધિધનના ભાગ્યની મશ્કરીઓ કરતો હતો, અને ‘આજ રાત્રે તો અલકકિશોરી, કુમુદસુંદરી અને સૌભાગ્યદેવીને પણ આવી આવી અવસ્થામાં આણવાનાં છે - મારું ફક્કડપણું આમ જણાવવાનું છે’ ઇત્યાદિ વાતો પ્રફુલ્લ અને આનંદમગ્ન બની કરતો હતો, અને પરપુરુષલંપટ કુલટા પતિની સ્ત્રીલંપટ બડાશો સાંભળી પોતે સૌભાગ્યની સીમાએ પહોંચી સમજતી હતી.

સર્વ પાસ ગરબડ મચી રહી હતી અને સૌ વાતોમાં, આમતેય

ફરવામાં, કંઇ કંઇ હુકમ કરવામાં અથવા અમલમાં આણવામાં ગૂંથાયા હતાં એવામાં નરભેરામે મેરુલાને શોધી કાઢ્યો. મેરુલો એક ઠેકાણે ઊભો ખલકનંદાનાં

લૂગડાંની ગડીઓ કરતો હતો. પાસે એક ત્રાંબાનુંં પવાલું ઊંધું પડ્યું હતું તે પર ઉઘાડે માથે લાંબી ચોટલી છૂટી રાખી નરભેરામ બેઠો.

‘આજ તો કાંઇ બહેનનાં લૂગડાં સમાં કરવા માંડ્યાં છે ?’

‘હાસ્તો કરવાં કની.’

‘બહેન ખરાં કની.’

‘એ તો હોય તો ના કહેવાય ?’

‘હા, ભાઇ, હા, તારોયે વારો છે. ગોપીઓમાં કહાન, નહીં મહાલું તો ભોગ. જમાલ ગયો એટલે તારે એકનાં બે થયાં. અલ્યા. જમાલનું કાંઇ

જાણ્યું ?’

‘મૂઓ તરકડો. કોણ જાણે ક્યાંયે કોહી જતો હશે. બલા ગઇ.’

‘અલ્યા, પણ તેં વાત ઉડાવી. તારી બહેનની વાત ન કહી.’

‘બહેન હોય તેની. જુઓ નરભેરામભાઇ - આપણે તો ચોખ્ખા

માણસ ! મોટી એકલી મા ને નાની એટલી બહેન.’

‘ને સરખી એ ?’

‘સરખી એ તો મારે સમાણી.જમાલની સરખી તે મારેય સરખી.’

‘અલ્યા, પણ રૂપાળી અદેખાઇ નથી કરતી ?’

‘શી બાબત અદેખાઇ કરે ? એને ગરબડ મળ્યો તેની હું અદેખાઇ

કરું છું ? એનેય બે ને મારેયે બે.’

‘એ ગરબડ મારો વહાલો જોને પેધો પડ્યો છે !’

‘ભાઇસાહબે, કહું ? ગરબડે કરી ગરબડ. અમારા કારભારી કારભારમાં પડ્યાં ને ફોજદારી કરવા ગયા. ઘરમાં બેમાંથી કોઇ ન હોય ત્યારે ગરબડદાસ બેને મળવા આવે ને તે પાછા ફરવાના એટલે વાટ જુએ. બુદ્ધિધનને ખરાબ કરવામાં એનું કામ, એટલે સદર પરવાનગી મળેલી તે ભાઇને પાછા કાઢવાનો અમને અખત્યાર નહીં. એટલે એકલા દીવાનખાનામાં બેસે ને બારીએ ડોકિયાં કરે ને અગાસીમાં પણ હેરાફેરા કરે.’

‘ત્યારે તેવામાં તું ક્યાં મૂઓ’તો જે ?’

‘અરે, ભાઇસાહેબ, હું તો પેલા કામમાં રોકાયો હતો કની, તેમાં એનું ફાવ્યું, હં. એણે તો આમ કરવા માંડ્યું. પછી કની તે ખલકબહેન -

બહેન એના ભાઇની તો એને સાસરે હોય એટલે રૂપાળી પડે એકલાં.

ચોકમાં આવે - માથે ચોટલો છૂટો રાખે, ને પેલો ઉપર ઊભો હોય.’

‘તે જાણી જોઇને કે ?’

‘ના, ભાઇસાહેબ. પહેલુંતો અજાણમાં. એ તો એવી એને ટેવ જ છે. પછી તો એક દિવસ ગરબડથી છાનાં રહેવાયું નહીં તે તે ખોંચાર્યો.

પછી તો જાણો જ છોસ્તો. અગાશીમાં આવજાત થવા માંડી !’

‘તેં બધી વાત શાથી જાણી ?’

‘કંઇક નજરે પડી ને બાકીની ફોસલાવી ધમકાવી મનાવી.’

‘ત્યારે આજ ગમત પડશે.’

‘હાસ્તો. મોટાં માણસો દરબારમાં કારભારની ઊથલપાથલ કરશે.

મારા જેવા માણસ એમના ઘરનો કારભાર કરશે. એક પાસ રૂપાળી ને બીજી પાસ લટકાળી. પણ ભાઇસાહેબ, આજ દરબારમાં કેટલી વાર થશે

?’

‘એ બાર વાગ્યા સુધી ત્યાં રોકાશે. તારે ત્યાં સુધી રાજધાની છે.

તને ખબર નહીં હોય ક્યાં સુધી દરબાર છે તેની ?’

‘મને તો સાંજના દરબારની ખબર છે, અલકકિશોરી અને બધાંને પકડી આણવાનાં છે તે વખતની. ત્યારે હું બાર વાગ્યા સુધી ઘરનો રાજા!’

‘આજ તો સિપાઇઓયે સાથે આવવાના છે. તું ફિકર ન કરીશ.

સૌ પહેલો હું આવીશ ને છેક બારણેથી બૂમ પાડીશ.’

‘પાડ તમારો.’

‘જો ભોગ હશે તો બાર વાગ્યા પહેલો બીનીશ.’

‘અરે, ભાઇસાહેબ, આસપાસ ગોપીઓ ને વચ્ચે ખેલે કનૈયો.

તેવે વખતે કેની તો શઠરાય જાતે આવે તોયે બીનં નહીંને ! એ તો કરતા હોય સૌ કીજિયે. બધાને સમજાવું ને પહોંચું એવો છું.’

‘ફક્કડ ! પણ અલ્યા બે સંપે છે ભલાં !’

‘સંપે નહીં ? નણંદભોજાઇ આખું ગામ ધ્રુજાવે એવાં છે પણ મારી પાસે બકરીઓ-ગઉઆં.’

જે કુટુંબમાં વડીલવર્ગ સળેલો તે કુટુંબમાં સર્વ સળેલું હોય છે.

ઉપરની નીતિઅનીતિનું છોકરાં અને ચાકરો સૂક્ષ્મ અવલોકન કરે છે, ઉપરીના ઉપર જેટલું માન તેટલા માનનો આરોપ તેની નીતિઅનીતિ ઉપર મૂકવામાં આવે છે. અને તેને જ ઉત્તમ ગણવામાં આવે છે, તેનું જ દૃષ્ટાંત લેવાય

છે, તેનું જ અનુકરણ થાય છે, અને તેનાં જ પુણ્યપાપ આખા કુટુંબને તો શું પણ તેની સાથે સહવાસ કરનાર સર્વને વળગે છે. જો આમ ન હોય

તો શઠરાય જેવા ઉગ્ર કારભારીની જ વહાલમાં વહાલી વહુદીકરી ઉપર એક હલકો ચાકર આટલું જોર શી રીતે કરી શકે ? સ્વર્ગ અને નરક બે વાનાં ઇશ્વર આ જગતમાં જ દેખાડે છે તેનાં દૃષ્ટાંત બુદ્ધિધન અને શઠરાયના ઘરમાં જ પ્રત્યક્ષ છે. આ પ્રમાણે વિચાર કરતો કરતો નરભેરામ મેરુલા પાસેથી ઊઠ્યો.

એટલમાં સૌ એકઠા થયા. ચપોચપ જોડા પહેરવા મંડી ગયા અને સરઘસ ધીમે ધીમે ઝૂલતું ઝૂલતું દરબાર ભણી ચાલ્યું. નરભેરામે દુષ્ટરાયને શોધી કાઢ્યો - એનો સંગાથ કર્યો - સૌથી આગળ નીકળી આંગળીએ વળગી બે ગૃહસ્થો જેવા એકલા પડી ચાલ્યા. એકબે સિપાઇઓ બારણું સાચવવા રહ્યા. રૂપાળી બારીએ સૌને જતા જોતી ઊભી. દુષ્ટરાયે પાછા ફરીને તેના મોં સામું જોયું ને મલકાયો. અને છાતી કાઢી મનમાં ફૂલ્યો. સૌ નજર બહાર થયા એટલે રૂપાળી નીચે ઊતરી. મેરુલો નીચે બેઠો બેઠો કાંઇક કામ કરતો હતો તેના વાંસા ઉપર પડી. થોડી વારે ખલકનંદા આવી.

મેરુલાને આસપાસથી ગળે બાઝી બે જણી હીંચકા ખાવા લાગી. એ સ્થિતિ ન કલ્પતા શઠરાયનું સરઘસ બુદ્ધિધનનો વિનાશ કરવા દરબાર ભણી વધતું હતું. પરવિનાશની શઠરાયનું સરઘસ બુદ્ધિધનનો વિનાશ કરવા દરબાર ભણી વધતુંહતું. પરવિનાશની નિઃસંશયતાની કલ્પના મનપાત્રમાં ઊકળતી ઊકળતી ઊભરાતી હતી અને તેનાજોરથી અહંકારનું ઢાંકણું તે પાત્ર પર ઘડીઘડી ઊઠળતું ખખડતું હતું.

નરભેરામ : ‘કહો, ફોજદારસાહેબ, આજ તો પુરવેગમાં છો ?’

દુષ્ટરાય : ‘હાસ્તો.’

‘હવે જડસિંહના વખતમાં ચાલતું હતું એટલું ચાલવા માંડશે ?’

‘એમાં કાંઇ વાંધો કે ? અરે જુઓને !’

‘પણ દરબારને જ રંગમહેલ કરી મૂકતા હતા તે કાંઇ થશે ?’

‘એ પણ વખત આવશે.’

‘કરોને આજ જ શ્રી ગણેશાય નમઃ !’

‘શી રીતે ?’

‘આજ તો નાચ હશે.’

‘તે ?’

‘તમારાં કલાવતીબાઇ વેશ બદલવા ઓરડામાં જશે કની ? આપણેયે સાથે ભરાયા. સદર પરવાનગીવાળા માણસ છો.’

‘ના, ના, આજ શું ? આવશે વખત.’

‘હિંમત ક્યાંથી મળે જે ! જાઓ મારા સાહેબ, બહાદુર થાઓ. એ તો હમ્ ! કારભાર તે તમારો જ છે કની ! એ તો સ્વાહા ! કરો મંગળાચરણ

! પછીતો તમે જાણો.’

‘રાણો ચેતે તો ખોટું.’

‘ચેત્યો, ચેત્યો, એ શું ગરાસિયો સમજવાનો છે ? એ તો હુક્કો ફૂંકે.’

‘ત્યારે ઝંપલાવું ? ખરે, એમાં શી હરકત છે ? વહુ વરસ થયાં છૂટ ભોગવ્યે.’

‘કંઇ હરકત નથી. હું રાણાનુંં ધ્યાન બીજી બાબતમાં નાખીશ.’

‘ઠીક છે ત્યારે. પણ બાપા જાણે ત્યારે ?’

‘અંહ ! આવા બીકણ બિલાડી તો કોઇ ન દીઠા. બાપાયે નાનપણમાં કિયા બીજા હતા જે ? નાનપણમાં સૌ નાગું.’

‘જો જો, ત્યારે.’

‘હા. હા, હમ્. એ તો એ.’

‘ઠીક છે ત્યારે. જોજો આજ બંદાનાં પરાક્રમ. પણ તમે યાદ રાખજો

!’

‘હા હા,’ કરી નરભેરામ મનમાં બાલ્યો : ‘અડચણ પડે તો મને કહેજો : હું હાથીને શિયાળવેે કહ્યું હતું તેમ કહીશ - ભગવત્ મન પુચ્છકાવલંબનં કુરુ - ભાઇ, પૂછું પકડો મારું. સાળો, લુચ્ચો, જો ને ગરજ આગળ અક્કલ આંધળી. બાપાનું રાજ્ય થઇ ગયું ! આજ જ જોવાનું છે તો ! હત, તમારી માના લુચ્ચાઓ - ગધ્ધાઓ !’ કહી ચાલતાં ચાલતાં અમસ્તો હાથ ઉગામ્યો અને નીચલો ઓઠ કરડ્યો. કારભારીઓ, ન્યાયાધીશો અને વહીવટદારોના સિપાઇઓના પાલવવાળો પટ રસ્તામાં હાલતો કરચલીવાળો થતો થતો પ્રસરતો હતો. તેની વચ્ચે માખીનીં પેઠે ભમતો ભમતો નરભેરામ

ભરાઇ ગયો.

બુદ્ધિધનને ઘેર પણ દરબારમાં જવાની ધામધૂમ હતી. રાતના ચાર વાગ્યે બે કલાકની નિદ્રા ભોગવી ઊઠ્યો અને નાહીધોઇ સંધ્યાપૂજા કરી દીવાનખાનામાં ફરવા લાગ્યો. સૌભાગ્યદેવી પણ નાહી અને કપાળે ભસ્મની ત્રિરેખા તથા મધ્યભાગે કંકુનો ચાંલ્લો કરી સૂર્યોદય પહેલાં શિવપૂજા કરવા

મંડી ગઇ. રૂપાનાં વાસણ પાસે રાખ્યાં છે, ઘીના દીવા બે પાસ દીવીઓમાં બળી રહ્યા છે, અગરબત્તીનો ધૂપ આખો ખંડ સુવાસિત કરે છે, અને પલાંઠી વાળી તકિયાવાળા પાટલા ઉપર બનાતની વિવિધરંગી આસની પર સ્વચ્છ વસ્ત્ર ધારી યોગેશ્વરી જેવી બેઠેલી સુઘડ પતિવ્રતા સૌભાગ્યદેવીને જોઇ નવીનચંદ્રને કાદમ્બરીમાંની મહાશ્વેતા સ્મરણમાં આવી અને ઘડીભર તેનું પૂજનીય પ્રતાપી મુખારવિંદ અને પ્રતિમા જોઇ એનાં જ દર્શન કરતો હોય તેવો પવિત્ર વિકાર એના મનમાં ઊગ્યો.

કુમુદસુંદરી અંગ્રેજી ભણી હતી પરંતુ ધર્મવિષયમાં બાળક જ હતી અને સુધરેલા સંસ્કાર આ બાબતમાં લાગ્યા ન હતા. સાસુને પૂજા કરતી જોઇ, પૂજાનો ઠાઠ જોઇ, અને એ ઠાઠને સાસુ શોભા આપતી તે જોઇ, બાળક અબલાની સંસ્કૃત કલ્પના પ્રફૂલ્લ થઇ. કુમુદસુંદરી આમ એ પવિત્ર દેખાવ પર મોહી પડી હતી અને સાસુ પાસે સૂર્યપૂજા શીખવાનો એણે આરંભ કર્યો હતો. પુત્રીને આ વિષય પર ચિત્ત ન હતું પણ વહુનું ચિત્ત જોઇ સાસુ સંતોષ પામતી અને ઉત્સાહથી એને પોતાનાં સંસ્કારવાળી કરવા

મથતી. સૂર્યપૂજા હજી પૂરી આવડતી ન હતી એટલે વહુ માત્ર સાસુને સામગ્રી કરી આપવામાં ગૂંથાઇ હતી. અને માતુશ્રીની સેવા પોતે કરી હતી તેમ પોતાની સેવા કુમુદસુંદરીને કરતી જો સૌભાગ્યદેવીને સંસારનો ઓરિયો વીતતો હતો. બુદ્ધિધનને જવાનું હતું એટલે સર્વ કામ ઉતાવળથી સમેટાતું હતું. સાસુની સામગ્રી પૂરી કરી, દરબારમાં વહુ પડી. વહેલો ઊઠેલો નવીનંચદ્ર

દાતણ કરી, નાહી, બીજું કાંઇ કામ ન હોવાથી અગાશીની રવેશ આગળ

એકલો બેઠો બેઠો અમાત્યના ઘરનું આ મંગળ આલ્નિક આવતી જતી તથા ઝળઝાંખળામાં ઝાંખી દેખાતી રવેશ પરની મુકાકૃતિ પર છાનિમાની દૃષ્ટિ કરતી અને ચાલી જતી હતી.

ખડકીમાં સમરસેન અને બીજાં માણસો ખડખડાટ ભડભડાટ કરતાં હતાં. ઘરના ચાકરો ઝાડુ કાઢવામાં, સાસુવહુનું હુકમ પાળતાં ફેરાહેરા કરવામાં, અને એવાં બીજાં કામોમાં રોકાયા હતા. પ્રમાદધનને પિતાએ કેટલુંક કામ સોંપેલું તે દીવી પાસે બેસી તૈયાર કરત હતો. અને તે કરી રહ્યો એટલે દયાશંકરકાકા અને બીજાં કેટલાક સ્નેહીઓને તેડવા માણસ

મોકલવા નીચે ઊતર્યો. એટલામાં માણસ લઇ સાસરેથી અલકકિશોરી નાહીંધોઇ

આવી મને ઘરકામમાં ભળી ગઇ.

બુદ્ધિધનના દીવાનખાનામાં પણ માણસો ભરાતાં હતાં. અને ચિત્રવિચિત્ર માણસોનુ સંગ્રહસ્થાન કરવાનો અને તેમની સાથે પરિચય પાડી વિનોદ પામવાનો શોખ હતો. દયાશંકરકાકા લાકડી લઇ ધીમે ધીમે આવ્યા અને એક કોચ પર પડ્યા. સ્કૂલનો હેડમાસ્તર બૂટસ્ટૉકિંગ ચડાવી આવ્યો અને ટેબલ આગળ ખુરશી પર બેસી પહેલા દિવસે આવેલું વર્તમાનપત્ર વાંચવા મંડ્યો. તેમાં નવીનચંદ્રવાળો આર્ટિકલ હતો. એણે લખ્યો હતો એ ગુપ્ત હતું. શાસ્ત્રી મહારાજ શ્લોક ગાતા ગાતા દાદર પર ચડ્યા અને દયાશંકર સાથે બેસી વાતોમાં પડ્યા. કાજીસાહેબ ગંભીર દેખાવ ધારણ કરી આવ્યા અને વિવેકભરી સલામો કરી માસ્તર સાહેબ પાસે બેઠા. નગરનો ન્યાયધીશ જિલ્લાવકીલની પરીક્ષામાં પાસ થયેલો, પ્રમાણિક અને સ્પષ્ટવક્તા હતો તે પણ આવ્યો. એને કરવતરાય સાથે કડાકડી ઊડતી અને બીજા અમલદારોને, કોઇ ઉપરને, અથવા રાણાને, કારભારીને, કે અમાત્યને કાંઇ

ઊઘાડું કહેવડાવવું હોય ત્યારે આ ન્યાયાધીશને ઊભો કરતા. એની બુદ્ધિ

ચોખ્ખી હતી પણ આડા રસ્તા પસંદ ન કરતી અને સ્વાભાવિક રીતે રજવાડામાં એનું હિત કરવા અયોગ્ય હતી. પણ બસ્કિન્ સાહેબના વખતમાં એમની ભલામણથી પેસી ગયો હતો અને બુદ્ધિધનની એને ઢાલ હતી. દરબારમાં જવા બધા અમલદારો શઠરાયને ઘેર ભેગા થયા ત્યારે એ બુદ્ધિધનને ઘેર આવ્યો. એ ખરેખર બેપરવા માણસ હતો અને એની પાસે કામ કઢાવવું હોય ત્યારે સૌ એની પ્રમાણિકતા અને સ્વતંત્રતા વખાણી તે બેને નિમિત્તે સ્વાર્થ સારતા. એનું નામ તર્કપ્રસાદ હતું પણ ભુજંગવૃત્તિવાળા અમલદારો આ સીધો રસ્તો લેનારને ઘેલો ગણતાને પૂઠ પાછળ એનું નામ તેઓએ

‘ડાહ્યાભાઇ’ પાડ્યું હતું. ડાહ્યાભાઇ ડાહ્યો પણ હતો. ચારેપાસની અવસ્થાઓનો વિચાર કરી તેણે સિદ્ધાંત કરી મૂક્યો હતો કે જતે દિવસે ધર્મજય અને પાપક્ષય થશે - શઠરાય નાશ પામશે અને બુદ્ધિધનનો ઉદય થશે. બુદ્ધિધનના પક્ષને તે વળગી રહેતો તેમાં આવી સ્વાર્થબુદ્ધિ પણ હતી. તર્કપ્રસાદ આવી સૌને નમસ્કાર અથવા યથાયોગ્ય કરી એક આરામખુરશી પર પડ્યો. બુદ્ધિધનનો જમાઇ વિદુરપ્રસાદ આવ્યો અને તર્કપ્રસાદ જોડે એક હાથ વિનાની ખુરશી પર બેસી ન્યાયધીશને વાતોમાં નાંખ્યો. એને હિસાબી ખાતામાં ગરબડદાસના

‘આસિસ્ટંટ’ની નોકરી હતી. થોડાક દિવસ પોલીસ ખાતામાં તથા થોડાક દિવસ ભાયાતી ખાતામાં પણ એને નોકરી કરી હતી. જાતે નરમ સ્વભાવનો હતો પણ કોઇ કોઇ વખત માબાપના શીખવ્યાથી બુદ્ધિધનને કનડતો અને યોગ્યતા ઉપરાંત ઇચ્છાઓ શ્વશુર પાસે પૂરી પડાવવા મથતો, તેમ કરતાં બુદ્ધિધનને બીજી પ્રતિકુળતા છે કે નહિ તેનો વિચાર ન કરતો, એક ઇચ્છા પૂરી પડતાં બીજી ઇચ્છા રાખતો, અને બુદ્ધિધન કાંઇ પણ કરે તો ‘હોય

સ્તો, એમાં શી નવાઇ કરી ?’ એવો વિચાર કરી ઉપકારવૃત્તિને ભાગ્યે જ

મનમાં પેસવા દેતો; પરંતુ અલકકિશોરી આગળ ‘જીલબ્બે થઇ રહ્યો હોવાથી ઘણુંખરું શાંત રહેતો. બીજી રીતે સમજુ પણ હતો. પરંતુ શ્વસુરપક્ષનું ઘસાતું બોલાય ત્યારે તેનો શુભેચ્છક હોવા છતાં જરા રસથી સાંભળતો.

કામકાજમાં આવડત હતી તે છતાં ભૂલો કરતો તેની બુદ્ધિધન ઘરમાં વાતો કરે તે સરત રાખી અલકકિશોરી રાત્રે વખતસર જીભ વડે ચાબખા લગાવતી તે વિદુરપ્રસાદ એક બોલ બોલ્યા વિના વેઠતો. એનાં માબાપ પણ તેમની અણઓશિયાળી વહુ ઘરમાં પગ મૂકે એટલે ચૂપ થઇ જતાં અને નિંદાને વહુની પૂઠ પાછળ જ પૂરી રાખતાં. દયાશંકરનો દીકરો જયમલશંકર પણ આવ્યો. બુદ્ધિધનને આપેલી દ્રવ્યની સહાયતાથી એ અંગ્રેજી ભણ્યો હતો અને ‘મેટ્રિક્યુલેશન’માં મુંબઇ જઇ પાસ થઇ આવ્યો હતો. એ શરીરે પ્રચંડ હતો. દેખાવમાં પ્રતાપી હતો અને વ્યવહારકાર્યમાં બુદ્ધિ ઠીક ચલાવતો.

એના મોસાળ ભણીથી એ શઠરાયનો સગો હતો. અને ભૂપસિંહના મહેલમાં ખરચખૂટણ તથા બીજી વ્યવસ્થાની દેખરેખ પર નિમાયો હતો. બુદ્ધિધન એની બાબતમાં વાંધો નહીં આણે જાણી શઠરાયે એને આ જગાએ ગોઠવી દીધો હતો એની બાબતમાં વાંધો નહીં આણે જાણી શઠરાયે એને આ જગાએ ગોઠવી દીધો હતો અને તેને ગોઠવી દેવા શઠરાયને ઉશ્કેરનાર નરભેરામ હતો. રાણાએ જયમલશંકરને બુદ્ધિધનને તેડવા મોકલ્યો હતો. એ આવ્યો કે તરત એણે બુદ્ધિધનને શોધી કાઢ્યો અને કાનમાં સમાચાર કહ્યાઃ

‘ભાઇસાહેબ, આજ કલાવતી આખી રાત દરબારમાં રહી સવારે

ચાર વાગ્યે ઘેર ગઇ. રણજિતે કહાવ્યું છે કે એણે રાજબાની જ વાતો કર્યા કરી છે અને રાણા ઉશ્કેરાયા છે. રાણાનો વિશ્વાસ કરવો ન કરવો એ તમે જાણો. કલાવતી ગયા પછી એમણે શઠરાય પર ચિઠ્ઠી લખી મોકલી. કોણ જાણે શું લખ્યું હશે. એમ બબડતા હતા કે ‘આટલું બધું જૂઠાણું ન હોય’

- ‘રમાબાઇ’ કે પછી એવી કંઇ નામ દીધું અને લવ્યા કે એણે પણ કાંઇક પણ કાંઇક એવી જ વાત કરી હતી.’

આ વાત સાંભળી બુદ્ધિધને જયમલને પાછો દરબારમાં રવાના કર્યો અને કહાવ્યું કે હું થોડીવારમાં આવું છું. રાણો શઠરાયને ઠગે છે કે પોતાને ઠગે છે એ એને સમજણ ન પડી. તોપણ હવે લાંબો વિચાર કરવાનો વખત ન હતો. સર્વ વિચાર, સર્વ થોડા ગોઠવણ થઇ ગયાં હતાં. માત્ર ત્વરાના ગભરાટથી એક વાત નવી સૂઝી. થોડા સહવાસમાં એણે નવીનચંદ્રને નાણી જોયો હતો અને એ રૂપિયો બાદલી નથી એવી એની ખાતરી થઇ હતી.

એને શઠરાય સાથે સંબંધ નહીં ને દરબારમાં સ્વાર્થ નહીં એટલે નરભેરામ

કરતાં પણ વધારે વિશ્વાસપાત્ર ગણાયો. જયમલશંકર ગયો એટલે તરત નવીનચંદ્રને અને અલકકિશોરીને બોલાવ્યાં. ‘દશમીનું તરત મેડીમાં આણો’

કહી અલકકિશોરીને મોકલી અને નવીનચંદ્રને ખભે હાથ મૂકી તેની આંખો સામું જોઇ રહી અમાત્ય બોલ્યો :

‘નવીનચંદ્ર, આજ મારે તમે અકે કામ સોંપવાનું છે. ઘણા વિશ્વાસનું અને અને છાનું કામ છે. મારાં અમૂલ્ય રત્ન તમારા હાથમાં મૂકવા જેવું છે.

તમે વિદ્ધાન છો, કુલીન દેખાઓ છો અને સર્વ બાબતમાં પ્રમાણિક સમજું છું. હું ધારું છું કે મારીં આંખની શરમ ન રહે તેવે સમયે પણ એ ગુણ તમારામાં રહેશે.’

નવીનચંદ્રને કાંઇક નવાઇ લાગી : ‘હા જી, મારે મોંએ મારી વાત કરવી યોગ્ય નથી. મારા પર જે વિશ્વાસ રાખશો તેનું કુપાત્રે દાન નહીં

થાય એવી દૃઢ શ્રદ્ધા રાખજો. આપે મને ઉપકારથી બાંધી લીધો છે. આપની કાંઇપણ યોગ્ય સેવા કરવી તે હું ઇશ્વર પ્રીત્યર્થે જ કરીશ.’

‘તમે જાણો છો કે દરબારમાં આજ નવાજૂની થવાની છે.’

‘હા જી, વિગત નથી જાણતો.’

‘વિગત પછીથી જણાશે. હાલ એટલું કહેવાનું છે કે આજ ગમે તો શઠરાય કે ગમે તો હુંં એ નક્કી થશે. ઇશ્વર કરશે તો સારું જ પરિણામ

થશે. પણ વખત છે, મારે માથે કાંઇ અડચણ આવી લાગે અથવા હું સૂચના કરું તો એકદમ તમારે ઘેર આવવું અને આખા કુટુંબને લઇ લીલાપુર જઇ ઘરબાર ભાડે રાખી રહેવું. મારા દ્રવ્ય તથા દાગીના બાબત સૌ વાત અલક જાણે છે. તે બાબત દયાશંકરકાકાની સલાહ લઇ વર્તવું. લીલાપુર ગયા પછી સાહેબને મળી મારા સમાચાર કહેવા અને વિદ્યાચતુરરને લખવું તથા એ કહે તે પ્રમાણે યોજના કરવી. પ્રમાદ બાળક છે - એની સંભાળ

લેવાની પણ તરત તમારે શિર છે. જવું પડે તો જોડેના ડેલામાં ગાડી તથા વાહનો મેં તૈયાર રખાવ્યા છે. સમરસેન કે એ મોકલે તેને હથિયારબંધ

સાથે લેવા.’

નવીનચંદ્ર આભો બન્યો. એકદમ આ પ્રસંગ આવશે - આટલા વિશ્વાસું પાત્ર પરરાજ્યમાં પોતાને થવું પડશે - એ તેની કલ્પનામાં પણ ન હતું.

‘શઠરાય અથવા તો તેના દીકરાનો - અજાણ્યા કોઇપમ માણસનો વિશ્વાસ કરવો નહીં. એકદમ કૂચ કરવી. એ લોકોના વિચાર અતિદુષ્ટ છે.

હું ધારું છું આ કામ તમારા ગજા ઉપરાંતનું નહીં લાગે.’ અમાત્ય એકીટશે અને આતુરતાથી જોઇ રહ્યો.

‘આપે બિલકુલ ડર ન રાખવો. મારી કુલીનતાની પરીક્ષાનો સમય

ઇશ્વરે આ પહેલવહેલો અણ્યો છે, અને હું નિષ્ફળ નહીં થાઉં.’

કપાળથી આંખો ઉપર, અને આંખો ઉપરથી મોં ઉપર, હાથ ફેરવી નીકળતા નિઃશ્વાસને ઢાંકી અમાત્ય બોલ્યો :

‘નવીનચંદ્ર, હું મારાં વહાલામાં વહાલા રત્ન તમને સોંપું છું.

આજ સુધી આવો વખત મારે આવ્યો નથી.’

‘ભાઇસાહેબ, મને આપના ભાઇ જેવો - પુત્ર જેવો - ગણજો. હું આપને પગે હાથ મૂકું છું. આપનું કુટુંબ - તેની સાથે મારે ભિન્નભાવ નથી - વધારે શુંં કહું ? કહ્યા કરતાં કરી બતાવવું એ વધારે યોગ્ય છે.

આપનું દ્રવ્ય મારે શિવનિર્માલ્ય છે. દેવી મારાં માતુશ્રી છે અને અલકબહેન

મારાં બહેન છે.-’

‘મારા બીજા મિત્રો છે, પણ તેમને રાજ્યમાં સ્વાર્થ છે. શઠરાય

દ્રવ્યમાન છે.’

‘ભાઇસાહેબ, હું આપના સંપૂર્ણ વિશ્વાસનું પાત્ર થવા ઇચ્છું છું.

હું અપાત્ર નથી. પૈસાથી મન કોઇ ફોડે નથી. મારી ગુપ્ત વાત હું પણ આપને કહું છું. મારા પિતા લક્ષાધિપતિ છે.’

આ વાત અમાત્ય ન માનતો હોય એમ દેખાયો. નવીનચંદ્રને તે જોઇ કાંઇક ખેદ થયો.

‘સાબિતીમાં આ મુદ્રા મેં મારી પાસે રાખેલી છે તે જુઓ.’ હીરાની વીંટી જનોઇએ બાંધેલી અને પંચિયાની બેવડમાં કેડે સંતાડેલી બતાવી.

બુદ્ધિધને તે હાથમાં લીધી અને જોઇ રહ્યો. સાતઆઠ હજારનો હીરો લાગ્યો.’

‘ભાઇસાહેબ ! આપની કેટલીક ગુપ્ત વાતો પણ હું જાણું છું. દુષ્ટ શઠરાયે આપની હત્યા ધારેલી છે તે મને ખબર છે. કલાવતી બાબત હું જાણું છું.’

બુદ્ધધિન ચમક્યો, ટટાર થયો, ખભા ઊંચા કર્યા, હાથ ઊંચો કર્યો,

મોઢે અડાડ્યો, આંખો વિકસાવી, કીકીઓ ફેરવી-ચડાવી, ભમર ભાંગી અને મોં પહોળું કર્યું - હેં !’

‘ભાઇસાહેબ, ચમકશો નહીં. એ બધી વાત શી રીતે જાણી તે હું પચી કહીશ. આટલી વાત જાણી પણ હજી સુધી કોઇને મોંએ - પ્રમાદભાઇને

મોંએ પણ - ઓઠ ફફડ્યો હોય તો ઇશ્વરની આણ છે. હું વાત છાની રાખી શકું છું. આપની છાની વાતનો મેં ગેરઉપયોગ કર્યો નથી. આપના વિશ્વાસને હું પાત્ર છું એ જણાવવા હું આ કહું છું.’

બુદ્ધિધન વિચારમાં પડ્યો.

‘મને આ કામ સોંપતાં આપના મનમાં કાંઇ આશંકા રહેતી હોય

તો હું તે કામ લેગા આતુર છું એમ નથી. હું તો પરદેશી - પ્રવાસી -

પંખો છું. આપને અનુકૂળ હોય તો બીજે દેશ અબઘડી છાનોમાનો જતો રહેવા તૈયાર છું અને આપ મને સોંપો છો તે કામ ગમે તેને સોંપજો.’

‘ના, ના. એવું કંઇ નથી. ચાલો. ચાલો. તમે મારા ભાંડુ છો. એ કામ તો તમારે જ માથે પડશે. એટલું સરત રાખજો કે દાંતને જીભ ભળાવવા નથી પડતી. મારા અમૂલ્ય રત્ન-’

‘જી, કાંઇ ચિંતા ન કરો.’

અલકકિશોરી આવી. સૌ દશમી કરવા ગયાં. જમાઇ પણ દશમીમાં દાખલ થયો. દયાશંકર એક પાટલા પર વાતો કરવા બેઠા. સ્ત્રીવર્ગને હબકાવવો નહીં કરી આજ સુધી રાજ્ય ખટપટમાંની કાંઇ પણ વાત તેમની આગળ

બુદ્ધિધને કરી ન હતી. આજ જરૂર પડી. નવીનચંદ્રને કહ્યું તે જ વાત સૌને કહી - તે જ યોજના પ્રમાણે સૌને આજ્ઞા કરવામાં આવી. સૌ ચમક્યાં,

ચિંતામાં પડ્યાં, પણ શોક કવરા વખત ન હતો. જમી લઇ લૂગડાં પહેરવા અમાત્ય શયનગૃહમાં ગયો. પાછળ શોકભરી સૌભાગ્યદેવી આવી.

‘દેવી, આ પેટમાં કાગળિયાં છે. જો નવીનચંદ્ર જોડે લીલાપુર જવાનો

પ્રસંગ આવે તો એ ઉઘાડવી અને કાગળોમાં લખ્યા પ્રમાણે કરવું.’

‘પણ આ બધું છે શું ? અચિંત્યું ?’ ગભરાયેલ મોંએ દેવીએ પૂછ્યું.

‘કંઇ નથી. તમારે ગભરાવું નહિં. હું પાછો આવું ત્યાં સુધી દયાશંકરકાકાને આપણે ઘેર રાખજો.’

‘તમે મારાથી આવી છાન આજ સુધી રાખતા નહોતા ! શું કાંઇ

એવો દોષ મેં કર્યો છે કે મારો ભરોસો નથી પડતો ?’ આંખ ચોળતી દેવી બોલી.

‘ના, ના, એ તો સહેજ. બધી વાત હું પછી કહીશ. અત્યારે કહેવાનો વખત છે ? તો એટલું કેે આજ દરબારમાં ખટપટ થવાની અને-

‘હું તમારા મોં ઉપરથી સમજું છું કે તમને કાંઇ મોટી બીક લાગે છ.’

બુદ્ધિધન ઉપરથી હસ્યો : ‘ના, ના, બીક શાની ? શું છ તે મેં

કહ્યું જ છે કની ?’

‘હા, એ બીક તો ખરી. પણ મારું મન કહે છે કે આજ સારું જ થશે. મને કાંઇ બીક લાગતી નથી. કાંઇ બીજું હશે -’ અલકકિશોરી આવી.

‘અલક, જો નવીનચંદ્ર સાથે જવું પડે તો હોશિયારી રાખજો હોં !

તારી ભાભીને જોઇએ કેવી છાતી પર રાખે છે ?’

પ્રમાદધ આવ્યો અને કહ્યું કે સૌ એકઠા થયા છે. દરબારમાંથી બીજું તેડું આવ્યું છે. અલકકિશોરીને કંકુ લેવા સૌભાગ્યદેવીએ મોકલી.

કપડાં પહેરી બુદ્ધિધન નીચે ઊતર્યો, દાદર અર્ધો ઊતરે છે એટલામાં અલકકિશોરી કંકાવટી લઇ સામી આવી.

‘ફતેહ ! પિતાજી, લો. હું જ સાી મળી. હવે જોઇ લો ! કપાળ

ધરો, હું ચાંલ્લો કરું. આજ તો ડંકા !’

સૌ મેડી ઉપરથી ઊતર્યા અને ખડીકમાં આવી જોડ પહેરી બારણા બહાર નીકળવા તત્પર થયા. નવીનચંદ્ર પણ તૈયાર થયો. બુદ્ધિધનના કહેવાથી

પ્રમાદધને તેને સારાં કપડાં, અંગવસ્ત્ર વગેરે પહેરાવ્યું હતુંં. અને અમાત્યે આંગળીએ લીધો. વનલીલા સવારમાં સાસરેથી ઘેર જવા નીકળી હતી અને વર પાસેથી કાંઇક ખટપટની વાત સાંભળી હતી તે કહેવા કુમુદસુંદરીને બારણે બોલાવી હતી. ઓટલે ઊભાં બે જણે વાતો કરી. વનલીલા ગઇ

અને કુમુદસુંદરી ઘરમાં પેસે છે એટલામાં અમાત્ય અને સર્વ મંડળ બહાર નીકળતું સામું મળ્યું એટલે સંકોડાઇ સોડિયું વાળી બહાર ખૂણામાં ઊભી રહી અને સૌ નીકળી ચૂક્યા એટલે અંદર ગઇ.

‘નવીનચંદ્ર ! શકુન તો સારા થયા. દાદર આગળ અલક મળી અને બારણ આગળ કુમુદસુંદરી મળ્યાં.’ પ્રસન્નવદને અમાત્ય બોલ્યો.

‘હા જી, મંગળ શકુન સંપૂર્ણ થયા. વારુ, આનંદ પામો.’ સૌ અમાત્યને અભિનંદન કરવા મંડી ગયા અને ઘર બહાર ચાલ્યા.

આવું ચતાં બુદ્ધિધનના મનમાં આશંકા રહી. ‘સૌ અમાત્યને કે નહીં ? કુટુંબનો ફરી ભેટો થશે ? કુટુંબનો ફરી ભેટો થશે કે અત્યારે જોઉં છું તે છેલ્લું પહેલું ! નીકળતાં નીકળતાં દેવીની આંખરનું સ્નેહાલિંગ્ન ન દેવાયું ? હે ઇશ્વર, શું થશે ? આ મારાં અલક અને કુમુદ - ફરી મળશે

? પ્રમાદ-’ આ વિચારોથી ઊભરાતું મગજ આંખોની બારીઓમાંથી ઘરનાં બારણાંમાં ઊભેલી પવિત્ર સુંદરીઓને જોતું જોતું શરીરની સાથે ઘસડાયું અને ઘર અદૃશ્ય થતાં ઘરને ભૂલી ગયું અને દરબારના વિચારોમાં લીન થયું. રંક જન્મેલાને ભવિષ્યના કારભારના બારણામાં કંઇ કંઇ વિઘ્નો દેખાયાં.

તે દૂર કરવાનાં સાધનો પણ પોતે ઊભાં કરેલાં દેખાયાં. એની આસપાસ વિચિત્ર વિચારો કરનારું જુદા જુદા વેશવાળું વિચિત્ર મંડળ ચાલ્યું; રસ્તામા શઠરાયના મંડળ સાથે ભેગું થયું. મળી ગયું. મળી ગયા છતાં જુદું જણાઇ

આવ્યું. અને સર્વ મંડળમાં ભળેલો છતાં સર્વથી જુદો, પોતે નવો હોવાથી સર્વની આંખો ખેંચતો હોવા છતાં કોઇથી ન ઓળખાય એવો, નવીનચંદ્ર

નવી સૃષ્ટિિ નવી વૃત્તિથી નીરખતો ચાલ્યો.