Bhul ne Praykchit thaki sajaviae books and stories free download online pdf in Gujarati

ભૂલ ને પ્રાયશ્ચિત થકી સજાવીએ

ભૂલને પ્રાયશ્ચિત થકી સજાવીએ

ભૂલ અને ભૂલવું બંને શબ્દો ભૂલભુલામણી ભરેલા. અલગ અર્થ ધરાવે પણ માણસ સાથે હંમેશ વણાયેલા.”ભૂલ” સતત થતી રહે અને કઈ પણ ભૂલવું અતિ મુશ્કેલ. રોજ બ રોજ આપણા થી પણ ઘણી ભૂલ થતી રહેતી હોય છે. ક્યારેક આપણે એને અવગણીએ તો ક્યારેક એના માટે સતત દુઃખી થતા રહીએ. હકીકતમાં આવું કરવાની જરૂર નથી. ભૂલ એ જીવનનો ભાગ હોવાને નાતે આપણે તેને પ્રગતિ કરતા મળેલી આડપેદાશ તરીકે ગણી લેવી જોઈએ.

વાઈલડ નામના ચિંતક પોતાની ભૂલોને અનુભવનું નામ આપે છે. સાચે જ ભૂલ થાય તો જ નવો અનુભવ મળે, પ્રગતિ થાય અને ભવિષ્યમાં ઉપયોગી બને. માણસ માત્ર ભૂલ ને પાત્ર એવું કહેવાય છે કારણકે ડગલે અને પગલે નાની-મોટી , સામાન્ય- ગંભીર એમ વિવિધ પ્રકારની ભૂલો થતી રહે છે. ચાલતા ચાલતા ક્યાંક ભટકાઈ જવું, હાથમાંથી કોઈ ચીજ સરકી જવી જેવી નાની ભૂલો કે જે અનાયાસે થઇ જાય તેને તો અટકાવી શકાય. તો ક્યારેક જાણી જોઇને પણ ભૂલ કરાય છે. સમજવા છતાં ભૂલો કરાય છે. જેમ કે મોડે સુધી જાગીને કે તમાકુ ખાઈને અને ફાસ્ટ ફૂડ ના અતિરેક થી સ્વાસ્થ્ય બગાડવું,મોડા ઉઠવું,કાર્યના સ્થળે કે મિટિંગમાં મોડા પહોચવું. કોઈની સાથે વાત કરતા કરતા મોબાઈલમાં રમત રમવી, sms કરવા, વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન ન આપે. ટીવી જોતા કે મોબાઈલમાં ચેટ કરતા ભણે કોઈ પાસેથી લીધેલા નાણા સમયસર ન ચૂકવવા વગેરે. કોઈ એ સાચું જ કહ્યું છે,” हर बार छोटी छोटी भूलों से बचने का प्रयास करे क्योंकि इन्सान पहाड़ से नहीं पथ्थर से ठोकरखाता है |” અમુક ભૂલો એટલી જટિલ હોય છે કે જેનાથી ગંભીર પરિણામ આવે છે. અમુક વખતે ખોટી વ્યક્તિ પર વિશ્વાસ મુકવો, અમુક કહેવાતા મિત્રોને અંગત વાત કરવી, ફરિયાદી બની પોતાના દુખના રોદણા રડવા, પારકાને પોતાના અને પોતાનાને પારકા સમજવાની ભૂલ. સ્વજનને સમજ્યા વગર અપશબ્દો કહી દુઃખ પહોચાડવું. દુઃખમાં સાથ આપનારને સુખમાં છકી જઈ અવગણવા, સંબંધમાં વફાદાર ન રહેવું. કોઈ ની વાત માં આવી જઈને અન્યને નુકસાન પહોચાડવું. ધંધા-વ્યવસાયમાં લીધેલા ખોટા નિર્ણયો તેમજ જીવનસાથી પસંદ કરવામાં થાપ ખાઈ જવા જેવી ભૂલો આજીવન ભોગવવી પડે છે. ક્યારેક અન્યને તેને કારણે ઘણું નુકસાન થાય.

જે ભૂલ જાણી જોઇને કરવામાં આવતી હોય તેને તો તરતજ સતર્કતા થી બંધ કરવી જોઈએ. અન્યથા ભૂલો તો થાય પરંતુ વ્યક્તિએ જો કાયાકલ્પ કરી પોતાના ધ્યેય ને આંબવું હોય તો બીજાની ભૂલ પર હસવા કરતા તેમાંથી શીખતાં રહેવું જોઈએ. પોતાની ભૂલ સ્વીકારીને તેમાંથી પણ શીખીને આગળ વધનારા માટે ભૂલ પણ ભવ્ય ભાવિ ઘડી શકે છે. કારણકે કાર્ય કરીએ તો ભૂલ તો થાય ને! આળસુ લોકો બડાઈ હાંકે કે મારાથી તો ભૂલ થાય જ નહિ પણ હકીકતમાં તેઓ કાઈ પ્રયત્ન જ કરતા નથી. પોતાની કાબેલીયતનો ઉપયોગ કરતા નથી તેઓ ‘ભૂલ’ પણ ન જ કરે ને! માટે જ અન્યની ભૂલ પર નારાજ થતા પહેલા આપણી દસ ભૂલોને બારીકાઈથી તપાસી લેવી. પોતાની ભૂલ થતા દિલથી ‘સોરી’ કહી શકનારા જ સાચા અર્થમાં ભૂલ કરતા અટકે છે. વળી, દરેક પોતાની ભૂલ ના ‘વકિલ’ હોય અને બીજાની ભૂલના ‘જજ’ બનતા હોય છે. જેને કારણે પોતે કરેલી ભૂલ ને સ્વીકારતા નથી અને ફરી ફરી એ જ ભૂલ કરતા રહે છે જેને લીધે માઠા પરિણામ ભોગવવા પડે છે. થયેલી ભૂલને સ્વીકારી પ્રાયશ્ચિત કરી તેને સુધારી લેવાથી નુકસાન થતું અટકે છે. ભૂલ થતા શરમાવા કે ગભરાવાની જરૂર નથી પરંતુ તેને સ્વીકારવાની ખેલદિલી,હિંમત અને નિખાલસતા રાખવી જેથી ધીરે ધીરે ભૂલોનું પ્રમાણ ઘટાડી શકાય. વળી, અમુક ગંભીર ભૂલોને કારણે અન્યને ઘણું સહન કરવું પડ્યું હોય તો તેની માફી માગી પ્રાયશ્ચિત કરવો. જેસલ નામના બહારવટિયાએ કરેલા અનેક પાપનો એકરાર સતી તોરલ સમક્ષ કર્યો હતો. સાચા હૃદય થી જ પસ્તાવો કરી વાલીયો લુંટારો ‘વાલ્મિકી’ બની શક્યા. કુટુંબીજન કે સ્નેહીજન પાસે તો ખાસ સમયસર ભૂલ નો એકરાર કરી સંબંધો સાચવવાથી અન્યનો પ્રેમ,હૂંફ,સહકાર મળતો રહેશે અને એકલતા નો ભોગ નહિ બનો. અહંકાર માં ડૂબેલા અમુક લોકો ભૂલને સ્વીકારી અને પોતે સુધરવાની કોશિશ કરતા નથી તેની માટે થોડા સમયમાં જ ‘અબ પછતાયે ક્યાં હોત જબ ચીડિયા ચુગ ગઈ ખેત’ જેવી સ્થિતિ થાય છે.પછી લાગણીભીના સંબંધો સુકાભઠ થઇ જતા પસ્તાવામાં જ જિંદગી ગુજારવી પડે છે. માટે જ અન્યને જ દોષ આપ્યા વગર ભૂલ સ્વીકારવાની કળા હસ્તગત કરવા જેવી છે. વણમાગી સલાહોને અપનાવીને તેના પર વિચાર વિમર્શ, ચિંતન કરવું, કયારેય પોતાની ભૂલ થઇ છે તે ખ્યાલ આવતા સાચા મિત્રો અને સગાંઓ ને આ બાબતે પૂછી લેવું. તેઓ ધ્યાન દોરી પ્રગતિ સાધવા પ્રેરણા આપશે જ. અહી અહમનો ત્યાગ કરવો પડશે. પોતાની થયેલી ભૂલ દ્વારા બદલાવ લાવવા હિંમત કેળવી અકડાઈ છોડવી પડશે. ભૂલ ક્યાં કારણોસર થાય છે તે જાણી લેવું. ભૂલને ભૂલવી એ પણ એક “ભૂલ” છે.

અહી એક પ્રસંગ યાદ આવે છે. એક પ્રખ્યાત વૈજ્ઞાનિકનો ઈન્ટરવ્યું લેતી વખતે પત્રકારે પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું? તમારામાં અને સામાન્ય માણસ વચ્ચે હકીકતમાં શું તફાવત છે? કે જેથી તેઓ આટલા મહાન સર્જક બન્યા? આ વૈજ્ઞાનિકે જવાબ આપતા તેમની સફળતાનું રહસ્ય બાળપણ નો એક પ્રસંગ યાદ કરતા જણાવ્યું. માત્ર ૩-૪ વર્ષની ઉંમરે થયેલ એક અનુભવમાં આ રહસ્ય છુપાયેલું છે. તેમના જ શબ્દો માં જોઈએ, “ એક વખત હું ફ્રીજમાંથી દુધની બોટલ કાઢી રહ્યો હતો ત્યારે બોટલ મારા હાથમાંથી લપસી ગઈ અને નીચે પડી. બોટલનું બધું દૂધ ઢોળાઈ ગયું અને જમીન પર જાણે દુધની નદી જ વહેવા માંડી. જયારે મા રસોડામાં આવી ત્યારે મારા પર ગુસ્સે થવાની જગ્યાએ, રાડ પાડવાની જગ્યાએ, સલાહો કે ભાષણને બદલે કહ્યું..,’રોબર્ટ તે તો જબરુંદૂધ ઢોળ્યું! આવડું ખાબોચિયું મેં પણ આજે જ જોયું. નુકસાન થવાનું હતું તે થઇ ગયું. ચાલ આપણે સાફ કરી લઈએ’ મા ના માર્ગદર્શન મુજબ સાફ સફાઈ મેં જ કરી. પછી મા એ ફરી મને કહ્યું, ‘તારા બે નાનકડા હાથમાંથી દુધની બોટલ પકડવાનો નિષ્ફળ પ્રયોગ આપણે જોયો હવે ફરી તું ખાલી બોટલ માં પાણી ભરી તે ઉપાડવાનો પ્રયત્ન એવી રીતે કર કે જેથી તે પડે નહિ. ઘણી મથામણ પછી બોટલના માથા નીચેના ખાંચાથી હું બોટલને પકડું તો તેને આસાનીથી ઉઠાવી શકું છું એનો ખ્યાલ આવ્યો.”

કહેવાનું તાત્પર્ય એટલું જ કે ભૂલોથી ગભરાવાની કે ભાગવાની જરૂર નથી હોતી. ભૂલ થશે એમ માની એ કાર્ય છોડી દેવની પણ જરૂર નથી પરંતુ દરેક ભૂલમાંથી કંઇક નવું શીખવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. એક ને એક ભૂલ થાય એ વ્યાજબી નથી પણ નવી નવી ભૂલ થશે તો જ નવો પ્રયત્ન થઇ શકશે. કોઈ વ્યક્તિ ભૂલ કર્યા સિવાય સફળ બનતી નથી. માટે આપણે પણ ભૂલ થઇ જાય તો તમે તેથી મૂંઝાયા વગર કે છુપાવ્યા વગર સ્વીકારીને તેમાંથી જ શીખીને આગળ વધવું જોઈએ.

Dessert : Mistakes motivate your experiences and experiences decreases your mistakes. You learn from your mistakes and then others will learn from your success.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED