ખોવાયેલ બાળપણ….. SMIT SONI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોવાયેલ બાળપણ…..

ખોવાયેલ બાળપણ…..“છોટુ”

સવારનો 8:30 વાગ્યા નો સમય હતો. દરરોજની માફક આજે પણ તે દુકાન પર સમયસર પહોંચી ગયો. આજે સોમવાર, એટલે શેઠની આજ્ઞા મુજબ દરેક ચીઝ-વસ્તુઓ ને શોકેશમાંથી કાઢીને સાફ કરવાનો દિવસ...શેઠના મિઝાઝથી પુરેપૂરો વાકેફ તે શેઠ ની આજ્ઞા થાય તે પહેલાજ સમજદારીપૂર્વક આજે કામે લાગી ગયેલો..સાફ કરતા કરતા અચાનક કૈક જોઈને તે સ્થિર થયો. શોકેશના ખૂણામાં પડેલ એક ઢીંગલા પર તેની નઝર અટકી. ઢીંગલાને હાથ માં લઇ તેના પર હાથ ફેરવતા ફેરવતા તે એક અલગ જ વિચારમાં ખોવાઈ ગયો …દરરોજ જોતા ઢીંગલા માં આજે તે કૈક શોધી રહ્યો હતો. કદાચ તેને પણ આ ઢીંગલાથી રમવું હશે, તેની નાની બહેન ને ઢીંગલા-ઢીંગલી થી રમાડવી હશે, બાળપણ માણવું હશે …અનિમેષ નઝરે તે એમાં ખોવાઈ ગયો અને એક અલગ જ દુનિયા માં મ્હાલવા લાગ્યો જેમાં અત્યારે તે પોતાના બાળપણને પૂરો ન્યાય આપી રહ્યો હતો…

થોડી ક્ષણ માટે તેને એવો અહેસાશ થવા લાગ્યો કે હાશ ! આજે મને મારુ બાળપણ પાછું મળી ગયું… હું પણ અવનવા રમકડાંથી રમીશ અને મારી નાની બહેન ને રમાડીશ…પણ તેની ક્ષણવારની આ ખુશીનો દુશ્મન બનવા માટેનો તખ્તો તો તૈયાર જ હતો …..”છોટુ …..ઓ છોટુડા ….ક્યાં મરી ગયો ….શુ કરે છે ક્યારનો ખૂણામાં …ચાલ કામે લાગી જા …” આ અવાજ હતો તેના શેઠ લીલાધરનો …શેઠ લીલાધરની દુકાન શહેર ના એક પોષ વિસ્તાર માં આવેલ હતી જેમાં રમકડાં , ગિફ્ટ આઇટમો અને સીઝન મુજબની બધી વસ્તુઓ મળી રહેતી …છોટુ ને તેમણે સાફ-સફાઈ અને પરચુરણ કામ માટે નોકરી પર રાખેલો …

પરિવારમાં એક નાની બહેન અને માતા સાથે ભાડા ના એક નાનકડા મકાનમાં રહેતા છોટુના પિતાની છત્રછાયા કુદરતે છીનવી લીધેલી. માતા પારકા કામ કરીને ગુજરાન ચલાવતી. જેમાં છોટુને મળતા પગાર થી ગુજરાન ચલાવવામાં થોડી મદદ રહેતી. છોટુ ના ભણતર નો ખર્ચ ઉઠાવી શકવાની પરિસ્થિતિ ના હોવાથી છોટુ ને પણ રમવા કૂદવા ના દિવસોમાં નોકરી કરવાની ફરજ પડેલી...

શેઠ નો કર્કશ અવાજ કાને પડતાજ આખરે તેણે તેની “છલકાયેલ લાગણીઓ થી ભીંજાયેલ ઢીંગલાને“ સાફ કરીને તેના સ્થાને મુક્યો અને પાછો કામે લાગી ગયો…

ASDF બરાબર તે જ દિવસે એક આઠ થી દશ વર્ષનો અને પહેરવેશથી એક સદ્ધર પરિવારનો જણાતો ટેણીયો તેના પિતા સાથે દુકાનમાં પ્રવેશ્યો… આજે તે ટેણીયાનો જન્મદિવસ… એટલે વાયદા મુજબ તેના પિતા તેને મનગમતી વસ્તુ લઇ આપવા તે દુકાને આવેલા… મનગમતી વસ્તુ મળવાની ખુશીનો અહેસાસ તેના ચહેરા પર તાદ્દશ રીતે દેખાઈ રહ્યો હતો… આખરે ગણા રમકડાંઓ અને ચીઝ વસ્તુઓને જોયા બાદ તેણે પેલા ઢીંગલા પર પસંદગી ઉતારી કે જેમાં છોટુએ પોતાનું આખું બાળપણ આજે જોયું હતું…

હૃદય પર પથ્થર રાખીને ધીરેથી પેલો ઢીંગલો તેણે પોતાના શેઠને સોંપ્યો…ખરીદનાર માટે એક નજીવી કિંમતનું રમકડું, વહેંચનાર માટે એક નજીવી કિંમતનો ફાયદો, પણ છોટુ માટે તો તે આખે આખું બાળપણ હતું અને આ બાળપણ આજે તેની જ નઝર સમક્ષ કોઈ તેની પાસેથી છીનવી લઇ ગયું હોય તેવો અહેસાસ તેને થવા લાગ્યો…

જન્મદિવસ શું હોય, પિતાનો વાયદો અને વહાલ શું હોય, મનગમતી ચીઝ -વસ્તુઓ કેવી હોય તેની થોડી સમજ છોટુને આજે થવા લાગી …

આજનો આખો દિવસ હતાશા માં પસાર કાર્ય બાદ દિવસના અંતે તે દુકાનથી ઘેર તરફ જવા નીકળ્યો… વિચારોમાં ને વિચારોમાં ઘર ક્યારે આવી ગયું તેની આજે તેને ખબર જ ના રહી… શેરીમાં તેની સાથે મોજ મસ્તી કરવા રાહ જોઈ રહેલા મિત્રોનો આવકાર પણ કાને અથડાઈને પાછો જવા લાગ્યો… કદાચ મારી માં પાસે મારા મનમાં ચાલી રહેલ ગડમથલ નો ઉકેલ હશે તેવા વિચાર સાથે એક મિજાગરા પર ટકી રહેલા ઘરના દરવાજાને ખસેડીને તેણે ઘરમાં પ્રવેશ કર્યો…. પરંતુ અહીં પણ તેને નિરાશા જ સાંપડી ...વધારે કામના ભારણથી તેની માતા પણ આજે નાની બહેનને જમાડીને વહેલી જ સુઈ ગયેલ… છોટુએ પણ થોડું ભોજન લીધું અને પોતાના અધૂરા સપનાઓ સાથે તે પણ ઊંઘવાની કોશિશ કરવા લાગ્યો… પરંતુ આજની તેની ઊંઘ નો દુશ્મન હતું તેની મનોવ્યથા...અનેક પ્રશ્નોનું વાવાઝોડું મન માં ફૂંકાવા લાગ્યું...છત પર પડેલી ચારણી જેવી તિરાડો માંથી આકાશ ના તારલાઓ સાથે ફરિયાદોનો મૂક સંવાદ કરતા કરતા તે પણ ઊંઘી ગયો અધૂરા સપનાઓ ને પુરા કરવાની આશાએ....

તારલાઓને કરેલી ફરિયાદોનો જવાબ જાણે કે બારીમાંથી આવતા સૂર્યના કિરણો આપી રહયા હોય તેમ બીજો દિવસ પણ ઉગી નીકળ્યો... બીજા દિવસ ની શરૂઆત પણ સાફ-સફાઈ ના કામ થી થઇ…કાચ ના દરવાજા ની રજકણો સાફ કરતાજ કાચની પેલે પારનું દ્રશ્ય જોઈને આજે પાછો તે હતાશામાં વધુ ને વધુ ઘરકાવ થવા લાગ્યો… એ દ્રશ્ય હતું અપ-ટુ-ડેટ તૈયાર થઈને પોતાના ભવિષ્યને ઉજળું કરવા શાળાએ જઈ રહેલા ભૂલકાઓનું... સ્થિર મુદ્રામાં આજે તે પોતાના ખોવાઈ ગયેલ બાળપણનો બીજો અંશ જોવા લાગ્યો હતો… તે પણ મનમાં વિચારતો હતો કે કાશ હું પણ યુનિફોર્મ પહેરીને શાળાએ જતો હોત …બધા મિત્રો સાથે મળીને મનગમતો નાસ્તો કરતો હોત …ગમ્મત કરતો હોત…પરંતુ કિસ્મત અને પરિસ્થિતિએ ભણતર નું સુખ પણ તેની પાસેથી છીનવી લીધેલું…

થોડા દિવસ બાદ આવ્યો પર્વનો દિવસ… ભાઈ-બહેનના પ્રેમનો દિવસ.... રક્ષાબંધન …આજે બહેન પોતાના ભાઈની રક્ષા માટે તેના હાથમાં રક્ષા કવચ સમાન રાખડી બાંધે …જેના બદલામાં ભાઈ તેની બહેનને તેની મનગમતી વસ્તુ લાવી આપે… આજે દુકાન ખોલતાંજ એક છોટુ જેટલીજ ઉંમરનો ટેણીયો તેની બહેનને લઈને દુકાનમાં પ્રવેશ્યો. આ રક્ષાબંધન પર પોતાની નાની બહેનને એક સરસ મજાની ઢીંગલી લાવી આપવાનો વાયદો આજે તેણે પૂરો કરવાનો હતો. વાયદા મુજબ નાની બહેનને મનગમતી ઢીંગલી અપાવી ખુશખુશાલ ચહેરે બંને પોતાના ઘર તરફ નીકળી પડ્યા… દૂર દૂર સુધી છોટુ તેમને પણ એકીટશે જોઈ રહ્યો હતો …કદાચ તે ભાઈ-બહેન ની જોડી માં તે પોતાનું અને પોતાની નાની બહેનનું પ્રતિબિંબ જોઈ રહ્યો હતો કે જેમાં આજ સુધી તેની નાની બહેનને મનગમતી વસ્તુઓ ન આપી શકવાનો અફસોસ તેને થવા લાગ્યો...

આવીજ પરિસ્થિતિઓમાં સમય પાણી ની જેમ વહી રહ્યો હતો... ટૂંકી માંદગી બાદ છોટુની માતાએ પણ છેલ્લા શ્વાશ લીધા અને પોતાના દીકરા-દીકરી ને કિસ્મતના ભરોશે મૂકી આ દુનિયા ને અલવિદા કહી અનંત ની વાટ પકડી… પોતાની વ્યથાઓનો તો કોઈ પર નહોતો ત્યાં તો નાની બહેનને ઉછેરવાની જવાબદારી પણ છોટુના શિરે આવી પડી… માતાની માંદગીને કારણે નોકરી પર અનિયમિત રહેતા લીલાધર શેઠે પણ છોટુની જગ્યાએ કોઈ “બીજો છોટુ” કામે રાખી લીધેલ…

પેટ નો ખાડો પુરવા ઘરની થોડી ઘણી ઘર વખરી વહેંચીને થોડા સમય સુધી ગુજરાન ચલાવ્યું...નાની બહેન ને મૂકીને નોકરી પર જવું પણ જાણે અશક્ય જ હતું….ધીરે ધીરે પરિસ્થિતિ વધારે વિપરીત થતા આખરે છોટુ અને તેની બહેનને એક અનાથ આશ્રમનો સહારો લેવાની ફરજ પડી.... અને જીવન ત્યાં પસાર કરવા લાગ્યા... થોડા સમય બાદ તે જ શહેરમાં બાળકોના કલ્યાણ માટેની બીજી એક સંસ્થાનું નિર્માણ થયું કે જે નિરાધાર બાળકોને વપરાયેલ કપડાં અને વપરાયેલ રમકડાંઓ નું વિતરણ કરીને ગરીબ અને આવા અનાથ બાળકોને ખુશ રાખવાનો પ્રયાસ કરતી. સંસ્થાની આજની સેવાની યાદી માં આજે પેલા અનાથ આશ્રમનું નામ હતું કે જેમાં છોટુ અને તેની બહેને આશરો લીધેલો… બીજા બાળકોની જેમ છોટુ અને તેની બહેન પણ ગોઠવાઈ ગયા કૈક મળવાની આશાએ… કોઈક ને કપડાં તો કોઈકને રમકડાં એમ વારાફરતી બધા બાળકોને કૈક ને કૈક મળવાથી બધાના ચહેરા ખુશીથી છલકી ઉઠ્યાં…

દરેક બાળકના ચહેરા પર સ્મિત રેલાવીને તેમણે વિતરણ કાર્ય પૂર્ણ કર્યું અને વધેલા રમકડાં તથા કપડાઓને આવાજ એક બીજા અનાથ આશ્રમ માં આપવા માટેની વાટ પકડી...સંસ્થાની ગાડી તે આશ્રમ ના દરવાજે પહોચતાજ છોટુની નઝર તે ગાડીમાં પડેલ એક થેલા પર જઈ અટકી....રમકડાંઓનો તે થેલો...જેમાં લીલાધર શેઠની દુકાનના નામના બે લેબલ… અને તે લેબલ સાથે જોડાયેલ હતા પેલા ઢીંગલા અને ઢીંગલી…

બહેનનો હાથ પકડી તૂટેલા પગરખાં સાથે તેણે ગાડી પાછળ દોટ મૂકી અને બંનેનો અંતરાત્મા એકીસાથે કૈક બોલી ઉઠ્યું...થોડી ક્ષણ માટે જાણે કે પડઘાઓ ગુંજવા લાગ્યા....

“સાહેબ…..મારું બાળપણ……મારો ઢીંગલો"........

“ભાઈ…..મારી ભેટ....મારી ઢીંગલી ”…..

મિત્રો …આપણી આજુ બાજુ પણ આવા કેટલાય છોટુ જોવા મળશે જે કદાચ પોતાના માટે નહિ પણ પોતાના પરિવાર માટે , પોતાના નાના ભાઈ-બહેન માટે પોતાનું સર્વસ્વ ભૂલીને પોતાના બાળપણ નું બલિદાન આપી દેતા હોય છે… આવા છોટુ ને ખરેખર “છોટુ” નહિ પણ “મોટું” (ખરા અર્થ માં ઘર નો વડીલ) કહીયે તો તેમાં અતિશયોક્તિ નથી…

-સ્મિત સોની